૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં બિહાર રાજ્યમાં ૪૦ બેઠકો પૈકી જનતા દળ (યુનાઇટેડ)ને માત્ર બે જ બેઠકો મળી. સામાન્ય રીતે હાર થાય એટલે પક્ષ પ્રમુખ રાજીનામું આપતા હોય છે, પરંતુ કોણ જાણે કેમ, બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે હારની જવાબદારી સ્વીકારી રાજીનામું ધરી દીધું. તેમણે પોતાના માનીતા જિતનરામ માંઝીનું નામ આગળ ધર્યું. લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ ઓબીસી કાર્ડ ખેલ્યું હતું, તો નીતીશે મહાદલિતનું કાર્ડ ખેલ્યું. બિહારમાં આમેય આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની જ છે, એટલે નીતીશને એમ કે મહા દલિતના કાર્ડના આધારે નવા દુશ્મન ભાજપના દલિત કાર્ડને ખાળી શકાશે અને સત્તા ફરીથી મેળવી શકાશે.

નીતીશનું આ પગલું તેમને ફળ્યું પણ ખરું. ૨૧ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ જે પેટા ચૂંટણી થઈ તેમાં બિહારમાં ૧૦ વિધાનસભા બેઠકો પૈકી નીતીશ-લાલુ એટલે કે જદ (યૂ) અને રાજદને છ બેઠકો મળી.

જોકે તે પછી એક બાદ એક એવી ઘટના બનતી ગઈ કે નીતીશના કઠપૂતળી તરીકે આવેલા માંઝી પોતાના પુરોગામીની વિરુદ્ધ થતા ગયા. માંઝીને સત્તાનો નશો વળગી ગયો. તેઓ મુખ્યમંત્રી પદ છોડવા માગતા નહોતા જ્યારે નીતીશકુમારને સત્તા પાછી મેળવવી હતી. આથી બંને વચ્ચે સંઘર્ષ જાગ્યો. તેનું પરિણામ એ આવ્યું કે માંઝીએ રાજીનામું આપીને વફાદારી બતાવવાના  બદલે વિધાનસભા ભંગ કરવાની દરખાસ્ત રાજ્યપાલને કરી. તો સામે પક્ષે જદ(યુ) અને તેના સાથી પક્ષો રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) અને કૉંગ્રેસે એકમત થઈને નીતીશકુમારને પોતાના નેતા જાહેર કરી દીધા.

અહીં સવાલ થાય કે ચૂંટણી સાવ ઢુકડી છે ત્યારે નીતીશ કેમ સત્તા પાછી મેળવવા માગતા હતા? તેનાં કેટલાંક કારણો જોઈએ: ૧. લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાં ત્યારે નીતીશ સામે રોષ પ્રવર્તતો હતો, પરંતુ હવે તેને આઠ મહિના વિતી ગયા છે ત્યારે નીતીશને લાગ્યું હોઈ શકે કે આ રોષ ઓસરી ગયો છે. ૨. નીતીશને માંઝી સામે કેમ રોષ જાગ્યો તેના કારણોમાં માંઝીનો બફાટ જવાબદાર છે. માંઝીએ કહ્યું હતું કે નીતીશ મુખ્યપ્રધાન હતા તે વખતે ટોચથી લઈને તળિયા સુધી ભરપૂર ભ્રષ્ટાચાર વ્યાપ્ત હતો. તેનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું હતું કે બેએક વર્ષ પહેલાં તેમના પોતાના કુટુંબીજનોને વીજળી બિલ સુધારવા માટે વીજળી ખાતાના અધિકારીઓને રૂ. ૫,૦૦૦ની લાંચ આપવી પડી હતી. વળી, જ્યારે માંઝીને પૂરપીડિતોની દશા વિશે એમ પૂછવામાં આવ્યું કે તમને ખબર છે કે પૂરપીડિતોને ઉંદર ખાવા પડે છે ત્યારે માંઝીએ એમ કહ્યું કે એમાં વાંધો શું છે? તેઓ પણ ઉંદર ખાતા હતા. અહીં હકીકતે માંઝીએ પોતાની જાતિ મુશહર વિશે કહેલું જેમાં ઉંદર ખાવામાં ખરાબી મનાતી નથી, પરંતુ માંઝીના આ નિવેદનથી હોબાળો થઈ ગયો. માંઝીએ એમ પણ કહેલું કે આખો દિવસ કઠોર પરિશ્રમ કરનાર વ્યક્તિ રાત્રે થાકીને ઘરે આવે અને જમીને દારૂ પીવે તેમાં કંઈ ખોટું નથી. તેમણે તો કાળા બજાર કરનાર નાના વેપારીને પણ છાવર્યા અને કહ્યું કે તેઓ કાળા બજાર કરે તે ગુનો નથી! બિહારમાં ‘વીજળી નહીં તો મત નહીં’ તેવા બેનરો સાથે વિરોધીઓ ટોળું લઈને આવ્યા ત્યારે માંઝીએ કહેલું કે હું તમારા મતથી જીત્યો નથી.

ઉપરાંત માંઝીનો પુત્ર તેની મહિલા પોલીસ ગર્લફ્રેન્ડને લઈને એક હોટલમાં જતો હતો. માંઝીના હોદ્દાનો લાભ લઈ તેણે હોટલમાં ડિલક્સ સ્વીટ માગ્યો. હોટલવાળાઓએ માંઝીના દીકરાની વારંવાર માગણીથી કંટાળી એક વાર તેને ગર્લફ્રેન્ડ સાથે હોટલના એક રૂમમાં પૂરી દીધો અને પોલીસ બોલાવી. છેવટે માંઝીના પુત્રએ પૈસા દઈને વાતને રફેદફે કરાવી. આ મામલે પોલીસની એફઆઈઆર ન નોંધાઈ એટલે વિપક્ષ ભાજપે હોબાળો મચાવ્યો હતો. આ મામલે મુખ્યપ્રધાન જિતનરામ માંઝીએ પોતાના દીકરાનો એમ કહીને બચાવ કર્યો કે “યુવાનને ગર્લફ્રેન્ડ તો હોય ને. મારા દીકરાએ કંઈ ખોટું કર્યું નથી.”

૩. ગત ઑક્ટોબર મહિનામાં દશેરા નિમિત્તે રાવણ દહનના કાર્યક્રમમાં ભાગદોડ થઈ અને ૩૨ લોકો માર્યા ગયા. તે મામલો પણ માંઝીએ બરાબર સંભાળ્યો નહોતો તેમ નીતીશકુમાર તરફીઓનું માનવું હતું. ૪. માંઝીએ મંત્રીઓમાં પણ પોતાના માનીતા ગોઠવવાનો કારસો ઘડવા માંડ્યો હતો. તેમણે નીતીશના માનીતા બે મંત્રીઓને બરખાસ્ત કરી નાખ્યા હતા.

માંઝીએ નીતીશકુમાર અને તેમના ફરી દોસ્ત બનેલા લાલુપ્રસાદ યાદવ ગુસ્સે થાય તેમ લાલુના સાળા સાધુ યાદવ જે લાલુના વિરોધી બની ગયા છે તેમને મળવા ગયા હતા. વળી, તેમણે નીતીશના કટ્ટર વિરોધી નરેન્દ્ર મોદીના વખાણ કરીને પોતાના બોસને ગુસ્સે કર્યા હતા. તેમણે કહેલું કે મોદી પાકિસ્તાનને (સરહદ પર ગોળીબાર માટે) જડબાતોડ જવાબ આપી રહ્યા છે. આ બાબતે અમે મોદીની સાથે છીએ. સપ્ટેમ્બર, ૨૦૧૪માં પણ તેમણે મોદીના વખાણ કરીને કહ્યું હતું કે તેમને મોદીમાં વિશ્વાસ છે. મોદીની ગરીબ તરફી છબી છે અને મહાદલિત મુખ્યપ્રધાન તરીકે તેમની સફળતાથી મોદીની છબી વધુ મજબૂત બનશે! બિહાર માટે ભંડોળ માગવા તેઓ મોદીને મળશે. આ બધાં કારણોના લીધે નીતીશકુમારને વ્યક્તિગત રીતે પણ ગુસ્સો ચડી રહ્યો હતો. તદુપરાંત માથે ઝળૂંબી રહેલી વિધાનસભા ચૂંટણીમાં પક્ષની જીતની સંભાવનાઓને પણ માંઝીના કારણે ફટકો પડી રહ્યો હતો. આથી તેમણે પોતાના તરફીઓ દ્વારા માંઝીને પદ પરથી ઉતરવા કહેવડાવ્યું, પણ માંઝી જેનું નામ. તેમણે તો નીતીશને ભીષ્મપિતામહ કહી દીધા અને કહ્યું કે નીતીશ પોતે શા માટે મને પદ ત્યાગ કરવા નથી કહેતા? વાત એટલી વણસી ગઈ કે હવે માંઝીએ વિધાનસભા ભંગ કરવાની દરખાસ્ત કરી દીધી છે. માંઝીને ભાજપનો ટેકો મળવા આશા છે. તો બીજી બાજુ નીતીશકુમારના નેતૃત્વમાં જદ(યૂ)ના જૂથને રાજદ અને કૉંગ્રેસના ટેકાથી બહુમતની આશા છે. એટલે હવે ખરાખરીનો જંગ વિધાનસભામાં જ થશે. નીતીશકુમારને પોતાની સાથે આ બધું બની રહ્યું છે ત્યારે પોતાનો ભૂતકાળ યાદ આવી રહ્યો હશે. તેમણે પોતાના ગુરુ જ્યોર્જ ફર્નાન્ડિઝ સાથે જે કર્યું હતું તે આનાથી ક્યાં ઓછું હતું?…

એનડીએ સરકારમાં સંરક્ષણ મંત્રી રહી ચૂકેલા ફર્નાન્ડિઝ એક સમયે તેજતર્રાર નેતા હતા. કટોકટી વખતે ફર્નાન્ડિઝે અન્ય જનતા પક્ષના નેતાઓ સાથે બહુ પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી જેના માટે ઇન્દિરા ગાંધીએ તેમની સામે વડોદરા ડાયનેમાઇટ કેસ દાખલ કરી આરોપ મૂક્યો હતો કે તેમણે સરકારી ઈમારતોને બોમ્બથી ફૂંકી મારવાનું કાવતરું ઘડ્યું હતું. આવા ફર્નાન્ડિઝે એનડીએ સરકાર રચવામાં અને બિહારમાં પણ ભાજપની સાથે એનડીએ સરકાર લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ફર્નાન્ડિઝ જ નીતીશને આગળ લાવ્યા પરંતુ ફર્નાન્ડિઝે પોતાના શબ્દોમાં કહ્યા પ્રમાણે, “નીતીશે મને હાંસિયામાં ધકેલવા તમામ પ્રયાસો કર્યા.” ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં ફર્નાન્ડિઝને નીતીશકુમારે તેમની ખરાબ તબિયતના બહાને ટિકિટ આપવા ઈનકાર કર્યો હતો. પરંતુ ફર્નાન્ડિઝે તો કહ્યું કે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે અને તેમણે મુઝફ્ફરપુર પરથી અપક્ષ તરીકે ઝુકાવ્યું તો નીતીશના નેતૃત્વમાં જદ (યૂ)એ તેમને પક્ષમાંથી જ હાંકી કાઢ્યા હતા!

આ જ રીતે નરેન્દ્ર મોદી અને તેમના ગુરુ લાલકૃષ્ણ અડવાણીનો ઇતિહાસ તો તાજો જ છે. હકીકતે મોદી આજે જે કંઈ છે તેનો તમામ શ્રેય અડવાણીને આપવો જોઈએ. મોદી અડવાણીમાંથી જ બધું શીખ્યા છે. અડવાણી જ મોદીને આગળ લાવ્યા. મોદીને ગુજરાતના મુખ્યપ્રધાન બનાવવામાં પણ અડવાણીની ભૂમિકા હતી. તો ૨૦૦૨નાં રમખાણો પછી ગોવાના અધિવેશનમાં વાજપેયી સહિત ઘણા લોકો મોદીને બરખાસ્ત કરવાના મૂડમાં હતા ત્યારે પણ અડવાણીએ વિટો પાવર વાપરીને મોદીને બચાવેલા. જોકે, ૨૦૦૫ પછી ગુરુ-શિષ્યના સંબંધો બગડવા માંડેલા. ગુજરાતમાં અડવાણીને મોદી બોલાવે ખરા, પરંતુ સભામાં અડવાણીનું પ્રવચન મોદીના પ્રવચન પછી રાખવામાં આવે અને તેમના ભાષણ વખતે બધા ચાલતી પકડે. ૨૦૦૯માં મોદીની ઈચ્છા હતી કે તેમને વડા પ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવે, પરંતુ અડવાણી ન હટ્યા. એટલે યુપીએના ભ્રષ્ટાચાર વિરુદ્ધ અડવાણી રથયાત્રા કાઢવાના હતા તેમાં મોદીએ અડિંગો નાખ્યો હોવાનું મનાય છે. પોરબંદરથી યાત્રા શરૂ કરવાના બદલે તેમણે બિહારમાં સમસ્તીપુરમાંથી યાત્રા શરૂ કરી. અને તે વખતે જ મોદીએ સદ્ભાવના ઉપવાસ કરી બધી લાઇમલાઇટ પોતાના પર મેળવી અને પોતાની ઇમેજ હિન્દુ હૃદય સમ્રાટમાંથી સેક્યુલર બનાવવા પ્રયાસ કર્યો. પરિણામ એ આવ્યું કે ૨૦૦૯માં ભાજપના નેતૃત્વમાં એનડીએને સત્તા ન મળી.

હવે વારો અડવાણીનો હતો. જ્યારે ૨૦૧૩માં મોદી રાષ્ટ્રીય નેતા તરીકે આગળ આવવા માગતા હતા ત્યારે અડવાણીએ બધા જ પ્રયાસો કરી જોયા અડિંગો નાખવાના. તેઓ ગોવા અધિવેશનમાં હાજર ન રહ્યા. તો સામે નરેન્દ્ર મોદીના સમર્થકોએ દિલ્હીમાં અડવાણીના ઘર બહાર ‘માન જાઈએ અડવાણીજી’વાળા બેનરો સાથે પ્રદર્શન કર્યાં. અડવાણીના કારણે મુરલી મનોહર જોશી, સુષમા સ્વરાજ પણ ગેરહાજર રહ્યાં. મોદી ભાજપના વડા પ્રધાન પદના ઉમેદવાર બની ગયા પછી પણ મધ્ય પ્રદેશમાં એક ચૂંટણી રેલીમાં અડવાણીને મોદી પગે લાગતા હોય અને અડવાણી નારાજગીના કારણે અન્યત્ર જોતા હોય તેવી તસવીર બધું કહી દેતી હતી. જોકે, મોદી વડા પ્રધાન બનવામાં સફળ રહ્યા, પરંતુ તેમણે અડવાણીને એનડીએના અધ્યક્ષ ન બનાવ્યા, સંસદમાં તેમને ફાળવાયેલો રૂમ પણ છિનવાઈ ગયો. અડવાણી અને મુરલી મનોહર જોશીને ભાજપમાં માર્ગદર્શક મંડળમાં મૂકીને મોદીએ ગુરુદક્ષિણા આપી દીધી!

કર્ણાટકમાં બી. એસ. યેદીયુરપ્પાને ભ્રષ્ટાચારના આરોપસર સત્તા છોડવી પડે તેમ હતી ત્યારે તેમણે પણ નીતીશકુમારની જેમ પોતાના માનીતા સદાનંદ ગોવડાને મુખ્યપ્રધાન બનાવ્યા હતા. નીતીશની જેમ જ યેદીયુરપ્પા પણ મુખ્યપ્રધાન પદ પાછું મેળવવા માગતા હતા. જોકે સદાનંદ ગોવડાએ આ વિરુદ્ધ તે વખતના ભાજપના પ્રમુખ નીતિન ગડકરીને પત્ર લખ્યો હતો. બંનેના સંઘર્ષના પરિણામે યેદીયુરપ્પાના અન્ય માનીતા જગદીશ શેટ્ટારને કર્ણાટકના મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા. શેટ્ટાર પણ ધીમે ધીમે યેદીયુરપ્પાના કહ્યામાંથી બહાર નીકળી ગયા. યેદીયુરપ્પાને કેન્દ્રીય સ્તરેથી પણ ટેકો નહોતો. આથી તેમને પોતાનો અલગ પક્ષ કર્ણાટક જનતા પક્ષ (કેજેપી) રચ્યો. જોકે પરિણામ એ આવ્યું કે કર્ણાટકમાં ભાજપ કે કેજેપી કોઈને સત્તા ન મળી. જોકે બાદમાં યેદીયુરપ્પા ફરીથી ભાજપમાં આવી ગયા.

મધ્યપ્રદેશમાં પણ આવો જ ખેલ ભજવાયો હતો. તત્કાલીન મુખ્ય પ્રધાન ઉમા ભારતી સામે કર્ણાટકના હુબલીના ઇદગાહ મેદાનમાં કર્ફ્યુ છતાં તિરંગો ફરકાવવાનો કેસ થયો હતો. આથી ઉમા ભારતીને રાજીનામું આપવું પડ્યું હતું. તેમણે પોતાના માનીતા બાબુલાલ ગૌરને મુખ્યપ્રધાન બનાવ્યા, પરંતુ પછી ગૌર સત્તા છોડવા તૈયાર નહોતા. જ્યારે ગૌર સામે ભોપાલની કોર્ટે ૧૩ વર્ષ જૂનો ફોજદારી કેસ ફરી ઉખેળ્યો ત્યારે ઉમા ભારતીના ટેકેદારોએ એમ કહીને પુનઃસત્તાની માગણી કરી હતી કે જો ઉમા ભારતીને ફોજદારી કેસ બદલ સત્તા છોડવી પડી હોય તો બાબુલાલ ગૌરને શા માટે સત્તા પરથી ઉતારાતા નથી? જોકે આ ઝઘડામાં પણ ઉમા ભારતી અને બાબુલાલ ગૌર બંનેને એકબાજુએ મૂકી રાજ્યના પક્ષ પ્રમુખ શિવરાજસિંહ ચૌહાણને ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ મુખ્યપ્રધાન તરીકે પસંદ કર્યા હતા.

ગુજરાતની વાત કરીએ તો, અહીં ચીમનભાઈ પટેલે તેમને મુખ્યપ્રધાન બનાવનાર ઇન્દિરા ગાંધી સામે બળવો કર્યો હતો. ૧૯૭૧ની વાત છે. ત્યારે વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી દેશના સર્વેસર્વા જેવાં હતાં. એ વખતે મુખ્યપ્રધાનોને પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યો ચૂંટતા નહીં, પરંતુ ઇન્દિરા ગાંધી નક્કી કરે તે જ મુખ્યપ્રધાન બનતા. ઓરિસ્સામાં નંદીની સત્પથીને, પ. બંગાળમાં સિદ્ધાર્થ શંકર રેને અને ગુજરાતમાં ઘનશ્યામ ઓઝાને મુખ્યપ્રધાન બનાવાયા. પરંતુ ચીમનભાઈ પટેલને આ નિર્ણય મંજૂર નહોતો. તેમણે ઓઝા સામે બળવો કર્યો. ઇન્દિરા ગાંધી ચીમનભાઈ પટેલને મુખ્યપ્રધાન બનાવવા માગતા નહોતા કારણકે તેઓ તેમના કહ્યામાં રહે તેવા નહોતા. પરંતુ ચીમનભાઈ પટેલ ઇન્દિરા ગાંધીને નવી દિલ્હીમાં મળ્યા અને મોઢા પર જ કહી દીધું કે, પક્ષના નેતા ધારાસભ્યો ચૂંટશે, તેમાં તમારી મરજી નહીં ચાલે!

જોકે, ધારાસભા પક્ષના નેતાની ચૂંટણી તો ગાંધીનગરમાં થઈ પરંતુ તેની મતગણતરી દિલ્હીમાં તત્કાલીન વિદેશ પ્રધાન સ્વર્ણસિંહની ઑફિસમાં! ચીમનભાઈ કાંતિલાલ ઘિયા સામે સાત મતે પણ જીત્યા ખરા. એ જ વખતે ઇન્દિરા ગાંધીએ ચીમનભાઈને પાઠ ભણાવવાની ગાંઠ વાળી લીધી. ચીમનભાઈની સરકાર બની એટલે તેમણે ગુજરાતને મળતો ઘઉંના પૂરવઠામાં કાપ મૂક્યો. એક લાખ પચાસ હજાર ટનમાંથી માત્ર પંચાવન હજાર ટન ઘઉં જ ગુજરાતને મળવા લાગ્યા! પરિણામ એ આવ્યું કે ચીમનભાઈએ છાત્રાલયને અપાતી સબસિડી બંધ કરી દીધી. ભોજનની થાળી પાંચ ગણી મોંઘી થઈ ગઈ! આમાંથી જન્મ્યું નવનિર્માણ આંદોલન. આંદોલન પાછળ શરૂઆતમાં ઇન્દિરા ગાંધીનો જ દોરીસંચાર હતો તે એ વાત પરથી પ્રતિપાદિત થાય છે કે આંદોલનના ઘણા નેતા બાદમાં કૉંગ્રેસમાં જોડાયા હતા.

પરિણામે ચીમનભાઈ પટેલને રાજીનામું આપવું પડ્યું. જેમ અરવિંદ કેજરીવાલના રાજીનામા પછી દિલ્હી વિધાનસભાને સુષુપ્ત અવસ્થામાં એક વર્ષ સુધી રાખવામાં આવી તેમ ગુજરાતની વિધાનસભા પણ ભંગ ન કરાઈ. જોકે, મોરારજી દેસાઈ ઉપવાસ પર બેસતાં અંતે ઇન્દિરા ગાંધીને વિધાનસભા ભંગ કરવી પડી હતી.

આમ, સત્તા એક એવો નશો છે જેમાં કઠપૂતળી તરીકે બેસાડેલા લોકો પોતાના બોસને વફાદાર રહેતા નથી. રામાયણમાં ભરત જેવા અપવાદો ઓછા છે જે રામ પરત આવે એટલે તેમને ગાદી સોંપી દે.

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની બુધવારની પૂર્તિની વિશેષ કૉલમમાં તા.૧૧/૨/૧૫ના રોજ આ લેખ છપાયો.)

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.