દિલ્હીની ચૂંટણીના ભાજપ માટે બોધપાઠ : વિકાસ અને હિન્દુત્વને સાથે રાખવા પડશે

Published by

on

નાનકડું એવું દિલ્હી રાજ્ય જેની માંડ ૭૦ બેઠકો છે અને જે હજુ પૂર્ણ રાજ્ય પણ નથી તેમાં ભાજપની ભૂંડી હાર થઈ અને આમ આદમી પક્ષનો વિજય થયો. આનાથી મિડિયા અને સોશિયલ મિડિયામાં સંદેશાઓની એવી આંધી ચાલી કે જાણે લોકસભાની ચૂંટણીમાં ભાજપની હાર થઈ હોય. ‘આપ’ કેમ જીત્યું અને ‘ભાજપ’ કેમ હાર્યું તેની તો અનેક ચર્ચા-વિશ્લેષણ થઈ ગયા, આપણે વાત કરવાના છીએ આ ચૂંટણીના બોધપાઠોની.

સૌથી મોટો બોધપાઠ એ છે કે દુશ્મનને જીતવા ન દેવો હોય તો ક્યારેય વ્યક્તિગત પ્રહારો એટલા અને એવા ન કરવા કે જેથી પેલી વ્યક્તિ લોકોની સહાનુભૂતિ મેળવી જાય. હિન્દી ફિલ્મોમાં આપણને ખબર જ છે કે હીરો દૂધે ધોયેલો નથી હોતો કે સત્યના માર્ગે નથી ચાલતો, પરંતુ વિલન તેને એટલો પરેશાન કરી મૂકે છે કે લોકોની સહાનુભૂતિ એવી વ્યક્તિને મળે છે જેને આપણે હીરો તરીકે ઓળખીએ છીએ. યાદ કરો, ‘શોલે’માં જય અને વીરુ બંને અઠંગ ચોર હતા. જાતે જેલમાં પુરાઈને તેનું ઈનામ મેળવી લેતા. જયના જ શબ્દોમાં, વીરુ છોકરીઓને જોઈને લાઈન મારવાનું શરૂ કરી દેતો. તેમ છતાં ગબ્બરસિંહની સામે જય અને વીરુ હીરો બની ગયા, કારણકે ગબ્બર જયને મારી નાખે છે, બસંતીને નચાવે છે. ચૂંટણીમાં કયા રાજકીય પક્ષે ગબ્બર બનવું છે અને કયા રાજકીય પક્ષે જય-વીરુ તે તેમના હાથમાં છે. યાદ રાખો, ચૂંટણીમાં દર વખતે ગબ્બર અને જય-વીરુ બદલાતા રહે છે. તમિલનાડુમાં જયલલિતા કરુણાનિધિની ટીંગાટોળી કરાવીને જેલમાં પૂરે તો કરુણાનિધિ હીરો બની જાય અને બીજી ચૂંટણીમાં એ જીતી આવે, તો વળી પાછા કરુણાનિધિ જયલલિતા સામે બદલાની કાર્યવાહી કરે એટલે તે પછીની ચૂંટણીમાં જયલલિતા જીતી આવે.

ગુજરાત વિધાનસભા અને લોકસભામાં મોદીની જીતનું એક કારણ એ હતું કે બધા જ લોકો મોદી વિરુદ્ધ હતા. ૧૯૭૧માં ઇન્દિરા ગાંધીએ એક જ પ્રચાર કરેલો : મૈં કહેતી હૂં, ગરીબી હટાઓ ઔર વો કહેતે હૈ ઇન્દિરા હટાવો. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ ડિટ્ટો આ જ સૂત્ર કહેલું: મૈં કહતા હૂં મહંગાઈ હટાવો, વો કહેતે હૈ મોદી કો હટાવો. પરંતુ મોદીએ પોતાના પ્રચારમાંથી બોધપાઠ ન લીધો. કેજરીવાલ પર વ્યક્તિગત પ્રહારો થયા. કૉંગ્રેસ પણ શાણી નીકળી. તેને ખબર હતી કે પોતે તો જીતવાની નથી જ. તો શા માટે પોતાના દુશ્મનના દુશ્મન આમ આદમી પક્ષને છૂપી મદદ ન કરવી? આથી તેણે પણ કેજરીવાલ પર જ પ્રહાર કર્યા. પરિણામે કેજરીવાલે લોકસભામાં મોદીના પ્રચારની જેમ પોતાનો પ્રચાર કર્યો અને કહ્યું: મૈં કહતા હૂં દિલ્લી કો પાની, બીજલી મુફત દો, વો કહેતે હૈ કેજરીવાલ ભગૌડા હૈ. આમ, સહાનુભૂતિ કેજરીવાલને મળી ગઈ.

બીજો બોધપાઠ એ છે કે કોઈ ગમે તેવા કદનું હોય, ગઈ ચૂંટણીમાં ગમે તેવી સ્થિતિ હોય, પોતાના વિરોધીને નજરઅંદાજ ન કરવા. લોકસભા ચૂંટણીમાં ભલભલા લોકો મોદી બાબતે ખતા ખાઈ ગયા. બધાને એમ કે એક ગુજરાતના નેતાને ગુજરાતની બહાર સમર્થન થોડું મળશે? અરે! અડવાણી જેવા દિગ્ગજો પણ એમ માનતા હતા કે એનડીએના સાથી પક્ષો ૨૦૦૨ના રમખાણોથી ખરડાયેલી છબીવાળા મોદીને થોડું સમર્થન કરશે? પણ એમાં ખોટા પડ્યા. મોદીએ એ જ વ્યક્તિનું સમર્થન મેળવ્યું જેણે ૨૦૦૨નાં રમખાણોના મુદ્દે એનડીએ છોડ્યો હતો- ચંદ્રાબાબુ નાયડુ અને રામવિલાસ પાસવાન! એવું જ દિલ્હીની ચૂંટણીમાં થયું. લોકસભા ચૂંટણીમાં દિલ્હીની સાતેય બેઠકો ભાજપે જીતી એટલે તે એવા ભ્રમમાં રહ્યો કે વિધાનસભામાં પણ આવું જ થશે, પરંતુ તેમ ન થયું. મતદારોને પણ ધન્યવાદ કહેવા જોઈએ કે તેમણે દિલ્હીની સાતેય લોકસભા બેઠક મોદીને આપી અને આમ આદમી પક્ષને ન આપી કારણ કે તેઓ જાણતા હતા કે લોકસભામાં ‘આપ’ કંઈ ગજુ કાઢી શકશે નહીં. એના કરતાં જે ગજુ કાઢી શકે તેમ છે તેને જ મત આપો. જ્યારે વિધાનસભામાં ભાજપને એટલા માટે બહુમતી ન આપી કારણકે એક તો જૂથવાદથી ખદબદતો હતો, વળી તેની સરખામણીમાં આપની છબિ ઘણી સ્વચ્છ હતી. જેમ કેશુભાઈ પટેલની સરકાર શંકરસિંહ વાઘેલાના બળવા બાદ ઉથલી પડી તે પછી કેશુભાઈના ભાજપને સંપૂર્ણ બહુમતી આપી, જેમ ૧૯૯૬માં અટલ બિહારી વાજપેયીની સરકાર ૧૩ દિવસમાં ચાલી ગઈ તો ૧૯૯૮માં તેમને બહુમતી આપી, તેમ જ પ્રજાને થયું કે ૪૯ દિવસ શાસન કરી ચુકેલા ‘આપ’ને એક વધુ મોકો આપી જોઈએ. અને તે પણ બહુમતી સાથે.

ત્રીજો બોધપાઠ એ છે કે એક જ રણનીતિ બધે ન ચાલે. સામેવાળો કેવો છે તે પરથી તે ઘડાય. દિલ્હીમાં આમ આદમી પક્ષની કોરી સ્લેટ હતી. તે કોઠાકબાડાવાળા પક્ષ તરીકેની છાપ હજુ પામ્યો નથી. જ્યારે કૉંગ્રેસ, લાલુ પ્રસાદ યાદવ, મુલાયમસિંહ, શરદ પવાર આ બધા કોઠા કબાડાવાળા લોકો છે. સત્તા મેળવવા ગમે તે કરે. ભાજપ કૉંગ્રેસ અને આ બધા શઠ સેક્યુલર પ્રાદેશિક પક્ષોની સામે લડતાલડતા તેના જેવો જ થઈ ગયો છે. દિલ્હીમાં ભાજપ સરકારે લોકસભા પછી તરત જ ચૂંટણી આપી દીધી હોત તો કદાચ પરિણામ જુદું હોત. વળી, બીજા પક્ષોના ધારાસભ્યો તોડવાની રસમ અપનાવી તેમજ આમ આદમી પક્ષના શાઝિયા ઇલમી, વિનોદકુમાર બિન્ની વગેરેને પોતાના પક્ષમાં સ્થાન આપવાની ભૂલ કરી. એક વર્ષ સુધી દિલ્હીમાં ચૂંટણી જ ન થવા દીધી. બિહારમાં પણ ભાજપ એ જ ભૂલ કરવા જઈ રહ્યો હતો જે ગુજરાતમાં સત્તા માટે કૉંગ્રેસે ભાજપમાંથી નીકળેલા શંકરસિંહ વાઘેલાને ટેકો આપીને કરી હતી. બિહારમાં ભાજપ માંઝીને સમર્થન આપવાનો હતો. એ તો દિલ્હીમાં હાર થઈ ને ભાજપે એ પગલું પાછું વાળ્યું.

ચોથો બોધપાઠ. આમ આદમી પક્ષનું રાજકારણ કૉંગ્રેસ અને સેક્યુલર રાજકારણીઓ કરતાં અલગ તરેહનું છે. તેને પોતાની સ્વચ્છ છબી જાળવી રાખવાની સાથે પણ પોતાનું શઠ રાજકારણ કેમ રમવું તે સારી રીતે આવડે છે.  તેને હજુ દિલ્હીના મતદારો પણ સમજી શક્યા નથી. અને મોદી-અમિત શાહ જેવા ચાણક્ય બુદ્ધિવાળા પણ માર ખાઈ ગયા. ‘આપે’ શાહી ઈમામ પાસે મુસ્લિમો તેના સમર્થનમાં મતદાન કરે તેવો ફતવો બહાર પડાવ્યો. શાહી ઈમામના ભાઈએ જ ઇન્ડિયા ટીવી પર આ કબૂલ્યું હતું, પરંતુ જાહેરમાં તેણે આ ફતવો ફગાવી દીધો અને કહ્યું કે શાહી ઈમામે તેના દીકરાને ઉત્તરાધિકારી બનાવવાની વિધિમાં આપણા વડા પ્રધાનને બોલાવ્યા નથી, વળી, અમારું રાજકારણ ધર્મ, જાતિ, ભાષાથી પર છે. તેથી અમે આ ફતવો ફગાવીએ છીએ. આમ કરીને, તેને મુસ્લિમોના મત તો મળી જ ગયા, પરંતુ જે મવાળ હિન્દુઓ હતા તેમના મત પણ મળી ગયા. ગયા વર્ષે ‘આપે’ જ્યારે સામેથી કૉંગ્રેસનું સમર્થન મેળવ્યું હતું ત્યારે જ ભાજપે આ સમજી જવાની જરૂર હતી.

પાંચમો બોધપાઠ એ છે કે ભાજપે ૧૯૯૯ની દિલ્હીની ચૂંટણીનો ઇતિહાસ જોવાની જરૂર હતી. એ વખતે પણ કેન્દ્રમાં ભાજપની સરકાર હતી. મદનલાલ ખુરાના અને સાહિબસિંહ વર્માની જૂથ લડાઈ હતી અને સુષમા સ્વરાજને મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર તરીકે ઉપરથી લાદવામાં આવ્યાં હતાં. ડુંગળી-બટેટાના ભાવ તો વધુ હતા જ. તે વખતે ભાજપની હાર થઈ. ત્યારે સુષમા બોલેલાં : ઘર કો આગ લગ ગઈ ઘર કે ચિરાગ સે.

છઠ્ઠો બોધપાઠ એ છે કે ભાજપે સમજી લેવું પડશે કે હિન્દી-અંગ્રેજી મિડિયા, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મિડિયા ક્યારેય તેનું થયું નથી અને થવાનું નથી. પૂણ્ય પ્રસૂન વાજપેયી, રાજદીપ સરદેસાઈ, અંજના ઓમ કશ્યપ, બરખા દત્ત, રવીશ કુમાર, અર્નબ ગોસ્વામી…એક મોટી ફૌજ છે. આનું એક કારણ એ પણ છે કે આ પત્રકારો જેમાં શિક્ષણ લે છે તે જ યુનિવર્સિટીઓ સેક્યુલરો પેદા કરવાનું મોટું કારખાનું છે.  મિડિયાએ પણ દિલ્હીની ચૂંટણીમાં ‘આપ’ને જીતાડવા પોતાનો ફાળો આપ્યો. (‘આપ’ જીત્યાના દિવસે પૂણ્ય પ્રસૂન વાજપેયીના દસતક કાર્યક્રમનું શીર્ષક હતું: ક્રાંતિકારી…બહોત ક્રાંતિકારી! એ બધાને ખબર જ છે કે વાજપેયીની કેજરીવાલ સાથેની સાંઠગાંઠ છતી કરતા વિડિયોમાં કેજરી-વાજપેયી આ શબ્દો બોલતા હતા.) કિરણ બેદીને બીજી ચેનલ પર ઇન્ટરવ્યૂ માટે જવાનું હતું અને તેણે અર્નબ ગોસ્વામીને વારંવાર વિનંતી કરી કે હવે મને જવા દો, પરંતુ અર્નબે તેને બોલવા જ દીધાં અને જવા પણ ન દીધાં. અંતે કિરણે ઇયર ફોન-માઇક કાઢી નાખ્યાં. એટલે એવી હવા ફેલાઈ કે મોદી જેમ કરણ થાપરના શોમાંથી ભાગી ગયા હતા તેમ કિરણ બેદી પણ ચર્ચાથી ભાગે છે. હકીકતે થાય છે એવું કે કેન્દ્રમાં ભાજપ સત્તામાં આવે છે એટલે સુધીન્દ્ર કુલકર્ણી, એમ જે અકબર જેવા સેક્યુલરો ભાજપના નેતાઓની આસપાસ ગોઠવાય જાય છે. એટલે સાચી સલાહ ભાજપના નેતાઓને મળતી નથી. અટલ બિહારી વાજપેયીને પણ નોબલ ઈનામનો અને સેક્યુલર દેખાવાનો ચસકો લાગી ગયો હતો અને મોદી પણ આ રવાડે ચડી ગયા.

અને એટલે જ સાતમો બોધપાઠ એ છે કે ભાજપે હિન્દુત્વને છોડ્યું એટલે તેનો રકાસ પાકો. ૨૦૦૪ની ચૂંટણીમાં સેક્યુલર વાજપેયીને જનતાએ ફગાવી દીધા હતા. કાશ્મીરમાં નરેન્દ્ર મોદી તેમની રાજકીય કારકિર્દીમાં પહેલી વાર ‘અલ્લાતાલા’ બોલ્યા. ત્યાં તો એકેય બેઠક મળી નહીં, પરંતુ તેના પડઘા દિલ્હી સહિત દેશના હિન્દુઓમાં પડ્યા કે આ ભાઈ પણ એ જ રવાડે છે. પ. બંગાળમાં અમિત શાહે અઝાનના સમયે સભા રોકી દીધી. હવે, વારાણસીમાં કેજરીવાલે આવું કર્યું ત્યારે જે ભાજપીઓ તેની ટીકા કરતા હતા તે શું અમિત શાહની (ભલે મનોમન તો મનોમન) ટીકા ન કરે? ભાજપ ગમે તેવું સેક્યુલર થવા જાય તેની છબી હિન્દુત્વવાળા પક્ષની રહેવાની જ. ન વિશ્વાસ હોય તો દિલ્હીની ચૂંટણી પછી પાકિસ્તાનમાં ટીવી પર થયેલી ચર્ચાનો વિડિયો જોઈ લેજો. અમેરિકા-બ્રિટનને પણ જ્યારે જ્યારે કેન્દ્રમાં ભાજપની સત્તા આવે છે ત્યારે ત્યારે દેશમાં ધાર્મિક અસહિષ્ણુતા વધી ગયેલી જણાય છે. ઓબામાએ દિલ્હીની ચૂંટણીમાં પોતાનો ફાળો આપ્યો છે બરાબર ચૂંટણીના સમયે ભારત સરકારની ધાર્મિક અસહિષ્ણુતા માટે ટીકા કરીને. તો ન્યૂયોર્ક ટાઇમ્સનો મોદીના મૌનની ટીકા કરતો લેખ પણ બરાબર તે જ સમયે આવ્યો. દુઃખની વાત એ છે કે દિલ્હીમાં ભાજપની હારથી સૌથી વધુ ખુશ અમેરિકા અને પાકિસ્તાન થયાં છે. દિલ્હીમાં ચૂંટણી અગાઉ જ ચર્ચ પર એટેક થયા તે પણ ધ્યાનમાં લેવા જેવું છે અને તેના પગલે ખ્રિસ્તીઓની રેલી નીકળે છે. અત્યાર સુધી આવા ઘણા એટેકમાં ‘વા વાયા ને નળિયું ખસ્યું’ જેવું નીકળ્યું છે. ડાંગમાં તો માત્ર છાપરું ઉડી ગયું તેને ચર્ચ પર હુમલો ગણાવી દેવાયો હતો. ભાજપ, સંઘ કે વિહિપવાળા એવા સાવ મૂર્ખા નથી કે ચૂંટણી સમયે જ ચર્ચ પર હુમલા કરાવી પોતાની બદનામી કરાવે.

આઠમો મુદ્દો એ છે કે આ દેશમાં નકલી સેક્યુલરિઝમનું હળાહળ ઝેર ભરી દેવાની વ્યવસ્થિત સિસ્ટમ છે. ખાસ કરીને શિક્ષણ, મિડિયા, ફિલ્મ ઇન્ડસ્ટ્રી (હિન્દુ પાત્ર હોય તો પણ તેના ગીતમાં અલ્લાહ, મૌલા, રહેમ…જેવા ઉર્દૂ શબ્દો ઘુસાડીને અને બીજી અનેક રીતે) આમાં ભૂંડી ભૂમિકા ભજવે છે. મુસ્લિમો- ખ્રિસ્તીઓની તરફેણ કરવી એ જ સેક્યુલરિઝમ ગણાય છે. ભાજપે સત્તામાં રહીને શિક્ષણ અને મિડિયામાં જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ સ્થિતિ બદલવાની જરૂર છે. વળી, જે એલજીબીટી એટલે કે ગે, લેસ્બિયનો જેવા વિકૃતો છે, લિવ ઇન રિલેશનશિપના નામે કામાચાર આચરનારા છે, વેલેન્ટાઇન ડેની ઉજવણી કરનારાઓ છે, અભિવ્યક્તિની સ્વતંત્રતાની દુહાઈ દઈને નગ્નતા અને વિકૃતિ જ પીરસનારા છે તે કલાકારો પણ ભાજપને ક્યારેય ટેકો નહીં આપે, કારણ કે ભાજપ અને સંઘ વગેરે સંસ્થાઓ આનો વિરોધ કરે છે. દિલ્હી મેટ્રો સિટી હોઈ તેમાં પણ આ પ્રકારની જમાત ઓછી નહીં હોય.

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૫/૨/૧૫ના રોજ આ લેખ છપાયો)

One response to “દિલ્હીની ચૂંટણીના ભાજપ માટે બોધપાઠ : વિકાસ અને હિન્દુત્વને સાથે રાખવા પડશે”

  1. Nilesh J. Trivedi Avatar
    Nilesh J. Trivedi

    Crores of followers of Pujya Asaramji Bapu had been in a belief that Modi would do something in the Bogus Case of Jodhpur upto Delhi election but modi didn’t do anything upto 9 months. Also in Gujarat’s most bogus case he didn’t support to pujya Bapuji.
    It is the chief reason of losing the election.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.