Posted in religion, sikka nee beejee baaju

મધર ટેરેસાના ચમત્કાર અને શરતી સેવા

(આની પહેલાંનો ભાગ એટલે કે આ લેખ ન વાંચ્યો હોય તો પહેલાં તે વાંચો

ભાગવત, ટેરેસા અને ભારતનું સેક્યુલરિઝમ)

સંઘના વડા ભાગવતે મધર ટેરેસાની ટીકા કરી કે તેમની સેવા હિન્દુઓને ખ્રિસ્તી બનાવવા માટે હતી એમાં આપણાં માધ્યમો ઉકળી ઉઠ્યાં. કથિત સેક્યુલરોએ પણ ખૂબ ટીકા કરી. એ ટીકા સાચી હતી.

કોચીના અલુવામાં સિસ્ટર અનિતા નામની એક નને (ખ્રિસ્તી સાધ્વી) એક પ્રિએસ્ટ (પૂજારી)ની ગંદી હરકતની ફરિયાદ કરી તો તે મધ્ય પ્રદેશમાં પ્રોવિડન્સ કોન્વેન્ટમાં શિક્ષિકા તરીકે સેવા આપતી હતી ત્યાંથી તેની બદલી ઇટાલીના મધર હાઉસમાં કરી દેવાઈ! ફરિયાદ માટે સજા! ઇટાલીમાં પણ તેને શારીરિક-માનસિક સતામણીનો ભોગ બનવું પડેલું. એને ભોજન અપાતું નહોતું. તેને ત્યાંની કોન્વેન્ટમાંથી પણ કાઢી મૂકાઈ. બીજી કોન્વેન્ટમાં આશરો લીધો તો ત્યાંથી પણ કાઢી મૂકાઈ. કોચીની ટિકિટ પકડાવી દેવાઈ. તે કેરળના તોટ્ટકટ્ટુકરાની કોન્વેન્ટમાં પહોંચી તો ત્યાંથી પણ તેનો સામાન ફેંકી દેવાયો. પછી સ્થાનિક લોકો તેને જનસેવા શિશુભવનમાં લઈ ગયા. અત્યારે તે ત્યાં રહે છે. ગત ૩ માર્ચના સમાચાર મુજબ, હવે તે તોટ્ટકટ્ટુકરાની સિસ્ટર ઑફ સેન્ટ અગટા કોન્વેન્ટ સામે અનિશ્ચિત કાળની ભૂખ હડતાળ આદરવાનું વિચારી રહી છે. તો, ખ્રિસ્તી પંથની વેબસાઇટ એશિયા ન્યૂઝ મુજબ, મધર ટેરેસાની સંસ્થાની એક સિસ્ટર મેરી એલિઝાને બાળકોને વેચવાના ગુના માટે શ્રીલંકામાં જેલ ભેગી કરાઈ હતી!

કેરળનાં નન સિસ્ટર મેરીએ તો કઈ રીતે ખ્રિસ્તી પ્રિએસ્ટ શારીરિક શોષણ કરે છે તેની વાત કરતી આત્મકથા ‘નમ્મ નિરંજનવલે સ્વસ્તિ’ લખી છે. તેઓ પોતે આના ભોગ બન્યા હતા અને તેનો વિરોધ કરવા માટે તેની સામે દુશ્મન જેવો વ્યવહાર કરાતો હતો. આર્યલેન્ડમાં તો ‘સિસ્ટર્સ ઑફ મર્સી’ નામથી ચાલતી અનેક સંસ્થાઓમાં બાળકોનાં શારીરિક શોષણના બનાવો બન્યા છે. જેમ આપણે ત્યાં એક સંપ્રદાયના કેટલાક સાધુઓ દ્વારા બાળકોના સજાતીય શોષણના બનાવો આવ્યા છે તેમ ખ્રિસ્તીઓમાં પણ કેટલાક પાદરીઓ માટે બાળકોના સજાતીય શોષણ માટે દોષિત બન્યા છે. પરંતુ અગાઉ કહ્યું તેમ સમાચાર માધ્યમોમાં આ બધું દબાવી દેવામાં આવે છે. તો બીજી તરફ ખ્રિસ્તી પંથ પ્રત્યે હંમેશાં આદરની લાગણી લોકોમાં રહે તેમાં હિન્દી ફિલ્મોદ્યોગ પણ ભાગ ભજવે છે. કોઈ ફિલ્મમાં તમે પાદરીને કે નનને કોઈ ખોટું કામ કરતા નહીં જોયાં હોય. ક્યારેય ખ્રિસ્તી સંસ્થામાં ખોટું થતું નહીં બતાવાયું હોય. ઉલટું, ‘અમર અકબર એન્થોની’, ‘ખલનાયક’ કે ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’….અન્ય ધર્મી પણ ચર્ચમાં જઈને પ્રાર્થના કરતા બતાવાય છે. પ્રભુ દેવા, અરવિંદ સ્વામી અને કાજોલની બહુ સુંદર ગીતોવાળી ફિલ્મ ‘સપનેં’માં ફિલ્મના અંતે કાજોલને નન બની જતી બતાવાઈ હતી અને અરવિંદ સ્વામીને પ્રિએસ્ટ. ‘પીકે’ ફિલ્મમાં પણ રાજકુમાર હિરાનીએ સર્વ ધર્મ સમભાવ માટે માંડ એકાદ દૃશ્ય જ ચર્ચ માટે રાખ્યું અને તે પણ ક્યારે આવીને ક્યારે ચાલ્યું જાય તે ખબર ન પડે તેટલું બતાવ્યું.

મધર ટેરેસાની પણ સિફતપૂર્વક આવી જ છબી ઉપસાવવામાં આવી હતી…ગરીબોના મસીહાની અને સેવા મૂર્તિની, પરંતુ તેમના કારણે કેટલું ધર્માંતરણ થયું અને તેઓ પોતે સ્વીકારતા હતા તેમ ધર્માંતરણ કરવા માટે સેવા કરવામાં આવે છે, તે વાતને કોઈ વજૂદ જ આપવામાં નથી આવતું. ટેરેસા માટે કોઈ પણ વ્યક્તિને માન થાય કેમ કે તેઓ આલ્બેનિયન પરિવારમાંથી આવતા હતા અને પોતાનો દેશ છોડીને છેક અહીં કોલકાતામાં ‘સેવા’ કરવા આવ્યા હતા. આ માટે તેમને વંદન પરંતુ તેમણે જે પ્રવૃત્તિ કરી તેમાં ધર્માંતરણનો હેતુ હતો તેને કોઈ નકારી શકે તેમ નથી. ટેરેસાએ પણ તેને નકાર્યો ન હોત. ૧૯૮૩માં ‘ઇન્ડિયા ટૂડે’ને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે તેઓ તટસ્થ ન હોવાનું સ્વીકાર્યું હતું. જો ગેલિલિયો અને ચર્ચ વચ્ચે ઘર્ષણ એ સમયે (એટલે કે ઇન્ટરવ્યૂના સમયે) થયું હોત તો પોતે ચર્ચની પડખે જ ઊભાં રહ્યાં હોત તેમ પણ તેમણે કહ્યું હતું. ચર્ચ ક્યારેય ખોટું કરતું નથી તેમ પણ તેમણે કહ્યું હતું. તો ૧૯૮૯માં વિશ્વ પ્રસિદ્ધ સામયિક ‘ટાઇમ’ને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે એવું ચોંકાવનારું નિવેદન કર્યું હતું કે ‘ગરીબ તો ગોડની ગિફ્ટ છે.’ ભારતમાં સૌથી મોટી આશા તમને શું છે એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું, “બધાને જિસસ સુધી પહોંચાડવા.” તેમણે આ ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું હતું કે જો હિન્દુઓ શાંતિ ઈચ્છતા હોય, સુખ ઈચ્છતા હોય તો તેમણે જિસસને શોધવા જોઈએ.

તો વાત અહીં જ છે. હિન્દુ ધર્મ ક્યારેય એમ નથી કહેતો કે રામમાં માનો તો જ તમને ઈશ્વર મળશે, કે શિવમાં માનો તો જ તમે હિન્દુ. ખ્રિસ્તીઓને પણ એમ નથી કહેતા કે જિસસમાં નહીં, ઈશ્વરમાં માનો. સંત મોરારી બાપુ તેમની કથામાં અલ્લાહૂની ધૂનેય બોલાવે છે અને વાહે ગુરુની ધૂન પણ બોલાવે છે. કોઈ દિવસ એવું સાંભળ્યું કે કોઈ ખ્રિસ્તી કે મુસ્લિમ ધર્મગુરુએ ચર્ચમાં, મસ્જિદમાં કે પછી જાહેર મેળાવડામાં આવું કર્યું હોય?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર એક સૂત્ર કહે છે: એકમ્ સત વિપ્ર બહુધા વદન્તિ. સત્ય- ઈશ્વર તો એક જ છે, લોકો તેને જુદાજુદા નામે બોલાવે છે. જો આ દેશ હિન્દુઓનો ન હોત, તો શું કેરળમાં મસ્જિદ બાંધવા દેવાઈ હોત? કેરળમાં પ્રથમ ખ્રિસ્તી સંત થોમસને આવવા દેવાયા હોત? પારસીઓને, યહુદીઓને અહીં શરણ મળ્યું હોત? અરે! આપણી પણ આક્રાંતાઓ તરીકે આવેલા મોગલો અને તેમની સંસ્કૃતિને કેટલીક હદ સુધી આપણે અપનાવી.

મધર ટેરેસા ગુજરી ગયાં તે પછી તેમનું ‘બીટિફિકેશન’ (ગુજરી ગયેલી વ્યક્તિને સ્વર્ગમાં જવાની અનુમતિ આપવી) કરવાનું હતું તેની સામે ઇંગ્લેન્ડને ફિઝિશિયન અરુપ ચેટર્જીએ વિડિયો રેકોર્ડિંગ સહિતના દસ્તાવેજો સાથે રોમન ચર્ચની કમિટીને લખ્યું હતું. ન્યૂ સ્ટેટ્સમેન, વેનિટી ફેર, ધ નેશન વગેરેમાં પત્રકાર તરીકે કામ કરી ચૂકેલા ક્રિસ્ટોફર હિટચેન્સે પણ મધર ટેરેસાની અસદ્પ્રવૃત્તિને ઉઘાડી પાડી છે તો કેનેડિયન સંશોધકો સર્જ લેરિવી અને જીનેવિવ શેનાર્ડે રિલિજિયુસીસ નામની જર્નલ ઑફ સ્ટડિઝ ઇન રિલિજિયન/સાયન્સીસમાં સંશોધન પ્રગટ કરેલું છે જેમાં ‘મધર ટેરેસા માત્ર માનવ હતા, સંત તો નહીં જ’ તેમ દાવો કરાયેલો છે. (ટાઇમ્સ ઑફ ઇન્ડિયા, ૨ માર્ચ, ૨૦૧૩)

ઉપરોક્ત અરુપ, ક્રિસ્ટોફર તેમજ લેરિવી-શેનાર્ડના મંતવ્યોનો સારાંશ જોઈએ તો મધર ટેરેસા માત્ર સંતનું મહોરું પહેરેલાં વ્યક્તિ હતાં. તેઓ મિશન ઑફ ચેરિટીના નામે અનેક સંસ્થાઓ ચલાવતાં હતાં અને તેમાં તેમને પુષ્કળ દાન પણ મળતું હતું, પરંતુ તે દાનથી ગરીબોની સેવા નહોતી થતી, પણ ખ્રિસ્તી પંથની પ્રવૃત્તિઓ થતી હતી. નન, પ્રિએસ્ટ વગેરેનાં સંમેલનો, ટ્રેનિંગ વગેરે. ગરીબો માટે ઘણી એમ્બ્યુલન્સ મળતી હતી, પરંતુ તેમ છતાં ગરીબોને લાવવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરાતો નહોતો. કોલકાતાના મધર ટેરેસાના ‘હોમ ફોર ડાઇંગ’માં ગરીબો સાથે ખરાબ વ્યવહાર કરાતો હતો. તેમને જે સોયથી દવા અપાતી તેનો વારંવાર ઉપયોગ કરાતો. સામાન્ય પેઇનકિલર જેવી દવા અપાતી. જો તેમને કોઈ સગાં હોય તો તેમને દાખલ જ ન કરાતા. અને હોય તો તેમને તેઓ સાથે મળવા ન દેવાતા. તેમનાં વાળ ઉતારી નાખતા. (આપણા સમાચાર માધ્યમો અને ફિલ્મોમાં ભૂતકાળમાં હિન્દુ વિધવા તરીકે વાળ ઉતારવા પડતા તેની ઘણી ટીકા થયેલી છે, આજે પણ થાય છે, પણ આ બાબતે ટેરેસાની ક્યારેય ટીકા સાંભળી?). માબાપ એવા ફોર્મ પર સાઇન કરીને આપે કે તેમના બાળકના બધા અધિકાર ટેરેસાની સંસ્થાને આપવામાં આવે છે તો જ તે બાળકની સારવાર કરાતી. મધર ટેરેસા કહેતા કે તેમના સૂપ કિચન (સદાવ્રત)માં ૪,૦૦૦થી માંડીને ૭,૦૦૦ જેટલા લોકો જમે છે, પરંતુ આ દાવો ખોટો હતો. માંડ ૩૦૦ લોકો જમતા અને તે પણ તેવા લોકો જેમને ‘ફૂડ કાર્ડ’ અપાયા હોય તેવા લોકો જ ભોજન મેળવી શકતા.

મધર ટેરેસા તો ઉલટું કહેતા કે સહન કરવું તે ગોડની ભેટ છે, પણ જ્યારે પોતાની વાત આવે ત્યારે તેનો અમલ નહોતા કરતા. ૧૯૮૪માં અમેરિકાના પીટ્સબર્ગમાં મોતિયાનું ઓપરેશન કરાવવાની ઓફરને તેમણે એમ કહીને નકારી કાઢી હતી કે ૫,૦૦૦ પાઉન્ડની સારવાર તેઓ સ્વીકારી ન શકે, પરંતુ તે પછીના વર્ષે તેમણે ન્યૂ યોર્કની સેન્ટ વિન્સેન્ટની હૉસ્પિટલમાં તેમણે તેનાથી પણ કદાચ વધુ મોંઘી સારવાર લીધી હતી. તેમણે કેલિફોર્નિયાના લા જોલામાં સ્ક્રિપ્સ ક્લિનિક અને રોમની જીમેલિ હોસ્પિટલમાં પણ મોંઘી સારવાર લીધી હતી. કોઈ પણ માણસને સારી સારવાર મેળવવાનો હક છે તેનો ઈનકાર ન થઈ શકે, પરંતુ એ સારવાર લેવામાં દંભ શા માટે?

પોતે રાજકારણ સાથે ન સંકળાયેલા હોવાનું કહેતા મધર ટેરેસાએ ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીને ટેકો આપ્યો હતો! કટોકટી દરમિયાન કેટલા ગુનાઓ-કેટલા અત્યાચારો થયા હતા તેને મધર ટેરેસાનું સમર્થન હતું, પરંતુ છૂટાછેડા, ગર્ભનિરોધક, ગર્ભપાતને નહોતું! આયર્લેન્ડમાં ભારતીય મૂળની મહિલા સવિતા હલપ્પનવારનું મૃત્યુ ગર્ભપાત વિરોધી જે કાયદાને લીધે થયું હતું તે ખ્રિસ્તી ધર્મવડાઓની રૂઢિચુસ્ત માન્યતાઓને જ આભારી છે. બીજી બાજુ, જ્યારે મોરારજી દેસાઈ ૧૯૭૮માં ખ્રિસ્તી મિશનરીઓની વટાળ પ્રવૃત્તિ વિરુદ્ધ કાયદો લાવવા માગતા હતા ત્યારે મધર ટેરેસાએ વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, મધર ટેરેસા ૧૯૯૫માં દલિત ખ્રિસ્તીઓ માટે અનામતની માગણીસર ઉપવાસ પર બેઠાં હતાં. હિન્દુઓમાં દલિત હોય તે સમજાય,પણ ખ્રિસ્તી બન્યા પછી પણ દલિત રહે?

૧૯૯૬માં અમેરિકાના મેગેઝિન લેડિઝ હોમ જર્નલમાં ટેરેસાએ એવું કહેલું કે તેઓ તેમના ઘરમાં ગરીબની જેમ મૃત્યુ પામવા માગે છે, પરંતુ જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે તે પહેલાં તેમને તેમના બેડરૂમમાં અત્યાધુનિક અને મોંઘાં કાર્ડિયાક સાધનો હતા, જે ગરીબ માણસને તો સપનામાંય તેના ઘરમાં ન મળે!

સામાન્ય રીતે કોઈ મહાન ખ્રિસ્તી ધાર્મિક વ્યક્તિ ગુજરી જાય તો તે પછી પાંચ વર્ષ પછી તેનું બીટિફિકેશન થાય, પણ મધર ટેરેસાના કિસ્સામાં, તેમના મૃત્યુના એક વર્ષ પછી જ આ પ્રક્રિયા હાથ ધરાયેલી. પાંચ વર્ષનો ગાળો રાખવાનું કારણ એ કે સારી વ્યક્તિ ગુજરે તો તેને કોઈ પદવી આપવા માટે તેના સમર્થકોમાં એક જાતનો (શોકના કારણે) જુસ્સો હોય છે. એ જુસ્સો ઠરી જાય પછી સાચી ખાતરી કરી શકાય. આ ઉપરાંત તેના વિશે જે અસાધારણ દાવા થતા હોય છે તેની ચકાસણી/તપાસ કરવાનો પણ કેથોલિકમાં રિવાજ છે, પણ મધર ટેરેસાના કિસ્સામાં આવી તપાસ બાજુએ મૂકી દેવાઈ હતી તેમ પત્રકાર ક્રિસ્ટોફર હિટચેન્સનું કહેવું છે.

ભારતીય સમાચારમાધ્યમો અને ફિલ્મોએ ચમત્કાર માટે સત્ય સાંઈબાબાની ઘણી વગોવણી કરી છે, પરંતુ ખ્રિસ્તીઓમાં તો એને સેન્ટહૂડ (સંતત્વ)ની પદવી આપવા માટે આધાર મનાય છે, તેની ક્યારેય કોઈ નોંધ પણ લીધી નથી. મધર ટેરેસાને આવી ધાર્મિક માન્યતા માટે એવા ચમત્કારનો આધાર મનાયો હતો જે ખરેખર તો જૂઠો હતો. મોનિકા બસરા નામની એક બંગાળી મહિલાએ દાવો કર્યો હતો કે મધર ટેરેસાના ચિત્રમાંથી એક પ્રકાશનું કિરણ નીકળ્યું જેનાથી તેની કેન્સરની ગાંઠ દૂર થઈ ગઈ! પરંતુ તેના ફિઝિશિયન પતિ ડૉ. રંજન મુસ્તફીએ જ એનો રદિયો આપતા કહેલું કે તેની પત્નીને પહેલાં તો કેન્સરની ગાંઠ જ નહોતી અને બીજું, ટ્યુબરક્યુલર સિસ્ટ હતી જે દવાથી દૂર થઈ છે.

ટેરેસા જ નહીં, સિસ્ટર અલ્ફોન્ઝોને સેન્ટહૂડ આપવામાં આવ્યું ત્યારે વિવાદ થયો હતો. વિરોધ ખ્રિસ્તીઓએ જ કર્યો હતો. કેરળના ત્રિશુરમાં આવેલા ચાલ્ડીયન સિરિયન ઇસ્ટ ડિનોમિનેશનના પ્રિએસ્ટ ફાધર જોજો એન્ટોએ કહેલું, “તેઓ સંતોના કહેવાતા ચમત્કારોમાં માનતા નથી.” ઇન્ડિયન ઇન્સ્ટટ્યૂટ ઑફ ક્રિશ્ચિયન સ્ટડીઝના જોસેફ પુલિક્કુનેલના કહેવા પ્રમાણે, સિસ્ટર અલ્ફોન્ઝોની શ્રાઇન માટે શ્રદ્ધાળુઓએ અંદાજે રૂ. ૬૨ કરોડ ચડાવેલા તે વેટિકન મોકલી દેવાયાં હતાં.

જે રીતે મિસ વર્લ્ડ, જેવી સૌંદર્ય સ્પર્ધાઓમાં શરૂઆતમાં ઐશ્વર્યા, સુસ્મિતા, લારા દત્તા , પ્રિયંકા ચોપરા વગેરેને ખિતાબો આપી દેવાયા અને ભારતમાં કોસ્મેટિક્સનું મોટું બજાર ઊભું કરી દેવાયું પછી હવે કોઈ ભારતીયને આ ખિતાબ મળતો નથી, તેમ અલ્ફોન્ઝો હોય કે મધર ટેરેસા, તેમને સેન્ટહુડ કે બીટીફિકેશન પાછળ પણ એશિયાને માર્કેટની જેમ વિસ્તારવાની જ ગણતરી હોઈ શકે. ગયા લેખમાં આપેલા પોપ જોન પોલના શબ્દો યાદ કરો તો આ સમજાશે: આવનારી સહસ્રાબ્દિમાં એશિયા ખંડને પણ ખ્રિસ્તીમય બનાવી દો!

(સમાપ્ત)

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

One thought on “મધર ટેરેસાના ચમત્કાર અને શરતી સેવા

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s