Posted in education, sikka nee beejee baaju

ભારતનું ભાવિ બગાડવાનું ષડયંત્ર અને વિષચક્ર

અત્યારે પરીક્ષાની મોસમ ચાલી રહી છે ત્યારે અમેરિકાના પ્રમુખ ઓબામાની એક વાત યાદ આવે છે. તેમણે એક વાર કહેલું કે ભારતીય વિદ્યાર્થીઓ પાસેથી અમેરિકી વિદ્યાર્થીઓએ શીખવું જોઈએ. ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં જઈને જે રીતે આગળ વધ્યા છે અને અમેરિકાના લગભગ દરેક ક્ષેત્રમાં ભારતીયો આગળ છે તેના પરથી ઓબામાએ આવું નિવેદન કર્યું હશે તેમ મારું માનવું છે, પરંતુ ભવિષ્યમાં ઓબામાની જગ્યાએ બીજા કોઈ પ્રમુખ આવું કહી શકશે ખરા?

જવાબ છે, કદાચ ના.

છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતમાં, ખાસ તો ગુજરાતમાં જે શિક્ષણ પદ્ધતિ, જેવું શિક્ષણ અપાઈ રહ્યું છે તેનાથી એવું લાગે છે કે ભવિષ્યમાં ભારતના વિદ્યાર્થીઓ વિશ્વના બીજા દેશોના વિદ્યાર્થીઓ કરતાં કદાચ આગળ નહીં નીકળી શકે. બે જ ઉદાહરણ લઈએ તો વાત સમજાઈ જશે. આપણા વડીલો પાસે આપણે સાંભળ્યું હશે કે પહેલાં ભણવામાં પા, દોઢા સુધીના ઘડિયા આવતા. તે પછી અમે ભણ્યા ત્યારે ત્રીસા સુધીના ઘડિયા (ટેબલ) મોઢે કરાવાતા. આના લીધે સરવાળા, બાદબાકી ગુણાકાર અને ભાગાકાર ફટાફટ કરી શકાતા. હવે ઘડિયા પર એટલો ભાર જ મૂકાતો નથી. ઘરે મોબાઇલમાં કેલ્ક્યુલેટર હોવાથી હવે મૌખિક ગુણાકાર કરાતા નથી. આના લીધે ગણિત કાચું ન પડે? બીજું, જે લોકો અગાઉના સમયમાં મેટ્રિક પાસ નહીં હોય તેમનું અંગ્રેજી જોઈ લો. કોન્વેન્ટમાંથી ભણીને નીકળતા વિદ્યાર્થીઓ કરતાંય વધુ સારું અંગ્રેજી હશે.

આવું કેમ થઈ રહ્યું છે?

કારણો અનેક છે. સૌથી પહેલું કારણ તો શિક્ષણનું વ્યવસાયીકરણ છે. સરકારે બીજી બધી બાબતોની જેમ શિક્ષણમાંથી પણ હાથ પાછા ખેંચી લીધા છે. સરકારી શાળાઓમાં તો શિક્ષણ કથળ્યું જ છે, સાથેસાથે ખાનગી શાળાઓમાં પણ શિક્ષણની ભૂંડી દશા છે. પહેલાં શિક્ષકો માટે એવું કહેવાતું કે તેઓ વેદિયાવેડાં અથવા પંતુજી વેડા કરે છે. તેઓ બહુ ચીકણા હોય. આવું ભલે નકારાત્મક રીતે કહેવાતું, પરંતુ હકીકત એ હતી કે શિક્ષકો તેમના વિદ્યાર્થીઓ ભણવામાં પાવરધા થાય તેની એકએક બાબતમાં ચીકાશ રાખતા, જેમ કે ગણિતનો કોઈ દાખલો ગણવાનો હોય તો રકમ બરાબર લખી છે કે નહીં, સૂત્ર બરાબર લખ્યું છે કે નહીં, જવાબ સાચો છે કે નહીં. આ જ રીતે ગુજરાતી, અંગ્રેજી ભાષામાં પણ હૃસ્વ ઇ, દીર્ઘ ઈ, હૃસ્વ ઉ, દીર્ઘ ઊ, કાનો, માત્રા (માતર), રેફ, આ બધું બરાબર ચકાસાતું. હવેના શિક્ષકોને પોતાને જ ભાષા બરાબર ન આવડતી હોય ત્યાં તેઓ વિદ્યાર્થીઓને શું શીખવવાના?

અગાઉ શિક્ષક હોવું એ ગર્વની વાત હતી. મોભાનો દરજ્જો ગણાતો. ગામડા, શહેરમાં શિક્ષકને પૂરું માનસન્માન મળતું. આજે તો શિક્ષકને એવું કોઈ માનસન્માન નથી મળતું. જેને બિચારાને ક્યાંય નોકરી મળે તેમ ન હોય તે છેવટના  વિકલ્પ તરીકે શિક્ષક તરીકે નોકરી મેળવવા જાય છે. અનેક પીટીસી કૉલેજો બંધ કરી દેવાનો વારો આવ્યો છે. નરેન્દ્ર મોદીના શાસનકાળમાં શિક્ષકોની ભરતી વિદ્યા સહાયકો તરીકે કરી તેમને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે તેવું ચલણ સરકારમાં શરૂ થયું છે. સરકાર આવું કરે તો ખાનગી શાળાઓ તો કરવાની જ ને. હવે ખાનગી શાળાઓમાં આ જમાનામાં પણ રૂ.૪,૦૦૦ના પગાર સામે ચોપડે સહી કરાવી રૂ. ૨,૦૦૦ જ અપાતા હોય ત્યારે શિક્ષકો પણ સામે ભણાવવામાં વેઠ જ ઉતારે છે. સામે પક્ષે ખાનગી શાળાઓ ફીમાં ૪૦થી ૫૦ ટકા જેવો વધારો કરી નાખે છે. વાલીઓ બિચારા થાય એટલો વિરોધ કરીને ‘પછી પોતાનાં સંતાનોને ભણાવવાનું છે તેથી કોઈ છૂટકો નથી’ એવી દલીલ સાથે મન મનાવી ફી આપવા સંમત થઈ જાય છે. આમ, સરવાળે, શાળાઓમાં ગુણવત્તાવાળા, આવડતવાળા, વિદ્વાન અને વિદ્યાર્થીઓને ભણાવવાની હોંશવાળા શિક્ષકો મળતા જ નથી.

આજકાલ વોટ્સ એપ પર એવા વિડિયો બહુ ફરે છે જેમાં કોઈ ચેનલવાળા, ઉત્તર પ્રદેશ કે બિહારની જણાતી શાળામાં જઈ શિક્ષકોને સપ્તાહના વારના સ્પેલિંગ પૂછે છે તો તે પણ નથી આવડતા હોતા. સામાન્ય જ્ઞાનના સવાલો પૂછે છે જેમ કે ‘નરેન્દ્ર મોદી શું છે’ તો કહે છે, ‘દેશના રાષ્ટ્રપતિ!’ ‘દેશના વડા પ્રધાન કોણ છે’ તો ‘મનમોહનસિંહ, નીતીશ અને લાલુ’ ત્રણેયનાં નામ આપે છે. હવે જો શિક્ષકોને જ આવા સવાલોના જવાબ કે સ્પેલિંગ ન આવડતા હોય તો તેઓ વિદ્યાર્થીઓને શું શીખવવાના? ઉત્તરપ્રદેશ કે બિહારની આ હાલત છે. બિહારમાં એક સમયે નાલંદા વિશ્વવિદ્યાલયનો આખી દુનિયામાં ડંકો વાગતો હતો, પરંતુ સત્તાલાલચુ રાજકારણીઓએ તમામ ક્ષેત્રે આ રાજ્યને ગર્તામાં ધકેલી દીધું.

શિક્ષકોને વિદ્યાર્થીઓ આદર્શ માનવા લાગે છે, ખાસ કરીને પ્રાથમિક ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ. અનુભવ કરી જોજો. ઘણી વાર તમે સાચું ભણાવતા હશો પણ શાળાના શિક્ષકોથી તે રીત જુદી પડતી હશે કે શિક્ષકની રીત ખોટી હશે તો પણ તમારું બાળક હોવા છતાં તે વાત સ્વીકારશે નહીં. જો વિદ્યાર્થી શિક્ષકને આદર્શ માનતા હોય તો શિક્ષકોની પણ આદર્શ જેવો વ્યવહાર કરવાની કોઈ ફરજ ખરી કે નહીં? પરંતુ આજના ઘણા શિક્ષકો માત્ર શિક્ષણમાં જ નહીં, નૈતિકતામાં પણ નપાસ થઈ રહ્યા છે. આપણે એવા સમાચાર અવારનવાર સાંભળીએ છીએ કે પહેલા કે બીજા ધોરણમાં ભણતી બાળકી સાથે શિક્ષકે શારીરિક અડપલાં કર્યા. અને આવો રોગ પ્રાથમિક શિક્ષણથી લઈને કોલેજ સુધી પ્રસર્યો છે. બળાત્કાર મામલે ભલે દિલ્હી કે ઉત્તર પ્રદેશ-બિહાર જેવાં રાજ્યો બદનામ હોય પણ તાજેતરમાં ગુજરાત પણ આવા મામલે વધુ છાપે ચડી રહ્યું છે.

અમદાવાદના સોલા વિસ્તારમાં સિક્યોરિટી ગાર્ડે તેના સાથીની પુત્રી છ વર્ષની પુત્રી પર કરેલી હેવાનિયતની વાત નથી કરતા, પણ શિક્ષણ જગત સાથે સંકળાયેલી વાત કરવી છે. પાટણની પીટીસી કૉલેજના શિક્ષકોએ એક વિદ્યાર્થિનીને ડરાવીને ધમકાવીને તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યાના કે ગુજરાત યુનિવર્સિટીમાં લંપટ પ્રોફેસરના સમાચાર બહુ જૂના નથી. આવા છાપે ચડેલા અને નહીં ચડેલા સમાચારોનું પ્રમાણ નોંધ ન લેવાય તેટલું નાનું તો નથી જ. શિક્ષકો વિદ્યાર્થીઓને માત્ર આઈએમપી (ઇમ્પોર્ટન્ટ) પ્રશ્નો કે દાખલાઓ જ કરવા આપે  તો વિદ્યાર્થી કેવું ભણે તે સમજી શકાય છે. આવા શિક્ષકોના કારણે પછી વિદ્યાર્થી દસમા, બારમા કે કોલેજમાં આવીને બહુ મૂંઝવણમાં મૂકાઈ જાય છે.

આ તો થઈ શિક્ષકોની વાત. હવે ભણાવવાની પદ્ધતિની વાત. અને આમાં સરકારની ભૂમિકા આવે છે. સરકારે લગભગ સાતમા ધોરણથી સેમેસ્ટર પદ્ધતિ કરી નાખી છે. આના કારણે વિદ્યાર્થીના ભણવા પર બહુ મોટી અસર પડે છે. અગાઉ છ માસિક, નવ માસિક અને વાર્ષિક એમ ત્રણ પરીક્ષા રહેતી, પરંતુ વાર્ષિક પરીક્ષાના માર્ક જ ગણાતા. અને વાર્ષિક પરીક્ષામાં પ્રશ્નો આખા કોર્સને લગતા પૂછાતા. તેથી સમગ્ર કોર્સને લગતું ભણવું પડતું, યાદ રાખવું પડતું. હવે સેમેસ્ટરમાં તો છ મહિના જેટલું જ ભણવાનું. તે પછી ભૂલી જવાનું. છ- છ મહિને પરીક્ષાના કારણે અને વચ્ચે વચ્ચે યૂનિટ ટેસ્ટના કારણે વિદ્યાર્થીઓ ભારે દબાણમાં રહે છે. વળી, ૧૧ અને ૧૨માના સળંગ ચાર સેમેસ્ટર ગણાતા હોવાથી જો એક સેમેસ્ટરમાં માંદા પડ્યા ને માર્ક ઓછા આવ્યા તો સરવાળે બે વર્ષના ભણતર પર પાણી ફરી વળે છે. આ ઉપરાંત સેમેસ્ટર પદ્ધતિના કારણે દર વખતે નવાં પાઠ્યપુસ્તકો ખરીદવા પડે છે. અને ઘણી વાર તો એવું બને છે કે સત્ર ચાલુ થઈ ગયું હોવા છતાં બજારમાં પાઠ્યપુસ્તકો મળતાં નથી હોતાં. આ ઉપરાંત કોર્સ પણ છાશવારે બદલાઈ જાય છે. તેથી અગાઉ ભણી ગયેલા મોટા ભાઈ કે બહેન કે પડોશીનાં સંતાનનાં પાઠ્યપુસ્તક કામમાં લાગતા નથી. અગાઉ દર ચાર વર્ષે કોર્સ બદલાતો હતો. તેથી એક ને એક પાઠ્યપુસ્તક, ગાઇડ, અપેક્ષિત ને સ્વાધ્યાયપોથીથી કામ ચાલી જતું.

આ ઉપરાંત અગાઉ દસમા ધોરણમાં સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ રાખવું તેનો નિર્ણય કરાતો હતો. હવે દસમા ધોરણમાં બધાને એક સરખું ભણવાનું. જેને ગણિત, વિજ્ઞાન નથી ફાવતું તેનેય ફરજિયાત એ ભણવું પડે. એ તો ઠીક, કોર્સ એટલો અઘરો બનાવી નાખ્યો કે અગાઉ જે ૧૨મા ધોરણમાં ત્રિકોણમિતિ કે આંકડાશાસ્ત્ર આવતું તે હવે ધોરણ ૯ કે ૧૦મામાં આવી જાય છે! ગુજરાતી, અંગ્રેજી ભાષાના માર્કનું મહત્ત્વ હવે રહ્યું નથી. તેથી ભાષા શીખવા પર કોઈ ધ્યાન જ નથી આપતું. સાયન્સ રાખવું, કોમર્સ કે આર્ટ્સ તેનો નિર્ણય હવે ૧૧મા ધોરણથી કરાય છે. તે તો સમજ્યા, પણ ૧૧મામાં જો સાયન્સ લો તો ગણિત સાથે આગળ વધવું (ગ્રૂપ એ રાખવું) કે જીવવિજ્ઞાન સાથે (ગ્રૂપ બી રાખવું) તેનો નિર્ણય પણ કરી લેવો પડે છે. આના લીધે જેમણે ગ્રૂપ એ લીધું છે તેવા લોકો માટે ૧૨મા પછી મેડિકલમાં જવાના રસ્તા બંધ થઈ જાય છે. જેમણે ગ્રૂપ બી લીધું છે તેવા લોકો એન્જિનિયરિંગ કે આર્કિટેક્ચરમાં જઈ શકતા નથી.

થોડા સમય પહેલાં તો એન્જિનિયરિંગમાં જવા માટે પર્સન્ટાઇલ સિસ્ટમ દાખલ કરીને પણ સરકારે ગૂંચવાડો સર્જ્યો હતો. એ તો ભલું થજો ગુજરાત હાઇ કોર્ટનું જેણે આદેશ આપી તે ભૂલભરેલી પદ્ધતિ સુધારી. આ ઉપરાંત એન્જિનિયરિંગ, મેડિકલમાં જવા માટે ૧૨મા ધોરણમાં હો ત્યારે તેની પરીક્ષા ઉપરાંત કેટ અને જેઈઈ જેવી પ્રવેશપરીક્ષા તો દેવાની જ હોય છે, પરંતુ તેના માર્કના અમુક ટકા જ ગણતરીમાં લેવાય છે.

આ ઉપરાંત, હવે દસમા-બારમાનું પરિણામ પણ ભારે ઊંચું દેવાય છે. આનું કારણ રાજકારણીઓની સાથે સીધો કે આડો (અહીં શ્લેષ અલંકાર અભિપ્રેત નથી) સંબંધ ધરાવતા લોકોને કૉલેજો ખોલવા આડેધડ અનુમતિઓ આપી દેવાઈ છે. જો પરિણામ ઊંચું ન આપે તો આ કૉલેજોની બેઠકો ખાલી રહે ને. અગાઉ તો ફર્સ્ટ ક્લાસ (૬૦ ટકા કે તેથી ઉપર) કે ડિસ્ટિંક્શન (૭૦ ટકા કે તેથી ઉપર) બહુ જૂજ લોકોને આવતો. જ્યારે હવે તો ૮૫ – ૯૦ ટકા તો સામાન્ય થઈ ગયા છે.

એકાદ વર્ષ પહેલાં ગુજરાતમાં બી.એસસી. જેવા કોર્સમાં પણ એડ્મિશનની કેન્દ્રીય પદ્ધતિ દાખલ કરીને વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરી મૂકાયા હતા. સરવાળે કૉલેજોમાં બેઠકો ખાલી રહી અને વિદ્યાર્થીઓનું ભણવાનું બગડતું હતું. તેથી સરકારે જ નિર્ણય પાછો ખેંચ્યો.

આ બધા ઉપરાંત ભણવાનું મોંઘું કેટલું કરી નાખ્યું છે! પહેલાં ૧થી ૪ ધોરણ સુધી પાટી-પેનમાં લખાતા. તેથી નોટબુક બચતી અને પર્યાવરણને પણ ઓછું નુકસાન થતું. તે પછી પાંચથી સાતમા ધોરણ સુધી પેન્સિલથી લખવાનું રહેતું. તેથી પેનના ખર્ચા ન થતા. (જોકે આજે માનસિકતા એવી થઈ ગઈ છે કે પેનનો ખર્ચો પણ ખર્ચો નથી લાગતો). હમણાં અમદાવાદની એક શાળાનો કિસ્સો સાંભળ્યો તો નવાઈ લાગી. આ શાળામાં હવે સૂચનાઓ વોટ્સ એપથી અપાય છે. કોઈ આને આવકાર્ય માની શકે, પણ વિચાર કરો, બધાં માબાપને સ્માર્ટ ફોન કે તેમાં વોટ્સ એપ ચલાવવા ઇન્ટરનેટનો ખર્ચો ન પણ પોસાતો હોય. પ્રગતિ પત્રક કે રિપોર્ટ કાર્ડમાં સૂચના આપી શકાતી હોય તો વોટ્સ એપનો નિયમ ફરજિયાત શા માટે હોવો જોઈએ?

સરકાર, શાળાઓ, ટ્યૂશન ક્લાસ ચલાવનારાઓ, પાઠ્યપુસ્તક કે અન્ય શિક્ષણ સામગ્રી બનાવનારા, છાપનારાઓ આ બધાને તો શિક્ષણમાંથી ભારેખમ કમાણી થતી હોવાથી તેઓ આનો વિરોધ કરતા નથી. વાલીઓ તેમનાં સંતાનોને સારું શિક્ષણ આપવા કોઈ પણ ભોગ અને ગમે તેટલો ખર્ચ આપવા તૈયાર હોય છે. ક્યારેક ક્યારેક તેમને વિરોધ કરવાનું શૂરાતન જાગે છે, પણ તેમનામાં એકતા ન હોવાથી કંઈ વળતું નથી. સરવાળે ભોગ બને છે બિચારા વિદ્યાર્થીઓ. કોઈને ચિંતા નથી કે પોતાના ટૂંકા સ્વાર્થના કારણે ભારતનું ભાવિ બગાડી રહ્યા છે.

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૫/૩/૧૫ના રોજ આ લેખ છપાયો)

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s