Posted in media, sikka nee beejee baaju

મોદી, મુલાયમ અને દ્વિવેદી કેમ મિડિયાની ભેખડે ભરાયા?

તાજેતરમાં એક વિચિત્ર સમાચાર આવ્યા પરંતુ ગુજરાતી માધ્યમોમાં ઓછા ઝળક્યા. કિસ્સો ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના નાગલા મણા ગામનો છે. અહીંનો ભગતસિંહ, જે સિક્યોરિટી ગાર્ડની નોકરી કરે છે, તે તેની સાત વર્ષની દીકરીને મોટરસાઇકલ પર બાંધીને લઈ જતો હતો. પડોશના એક ગામમાં કેટલાક પત્રકારો આવ્યા હતા. તેમણે આ બાબત કેમેરામાં કેદ કરી લીધી. સમાચારને ચગાવ્યા અને પરિણામે ભગતસિંહની આઈપીસીની કલમ ૩૨૩ હેઠળ ધરપકડ થઈ. આ તસવીરો ઇન્ટરનેટ પર વેગથી ફેલાઈ (જેને આજકાલની ભાષામાં વાઇરલ કહે છે).

અત્યાર સુધી તમે વાંચીને મનોમન અનુમાન કરી લીધું હશે કે બરાબર તો છે, આમાં વિચિત્ર શું છે. પેલા શખ્સને જે થયું તે બરાબર જ થયું. આવાને તો સા..ને પકડીને જેલમાં જ પૂરી દેવા જોઈએ. નાનકડી કુમળી દીકરીને બાંધીને મોટરસાઇકલ પર લઈ જવાય?

પરંતુ હવે તમે તેને બાંધીને લઈ જવાનું ભગતસિંહનું કારણ સાંભળશો તો પછી કહેશો કે ભગતસિંહ સાથે થયું તે ખોટું થયું. ભગતસિંહનો બચાવ તેના જ શબ્દોમાં: મૈં સિર્ફ યહી ચાહતા થા કિ વો એક્ઝામ દેદે. શાયદ મેરા તરીકા સહી નહીં થા.” હવે પૂરું કારણ સમજીએ. ભગતસિંહની નાનકડી દીકરીની ગણિતની પરીક્ષા હતી. પરંતુ દીકરીબા જિદે ભરાયાં હતાં કે મારે પરીક્ષા નથી દેવી. ભગતસિંહ પોતે સિક્યોરિટી ગાર્ડ છે. એટલે તેને થયું કે તેને તો આવી નોકરી કરવી પડે છે પરંતુ કમ સે કમ તેની દીકરી તો ભણી ગણીને આગળ વધે. હવે દીકરી કોઈ વાતે માનતી નહીં હોય એટલે તેને મજબૂરીથી આવું કરવું પડ્યું. મોટરસાઇકલ પર એમ જ બેસાડે અને હઠીલી દીકરી કોઈક રીતે તેના પરથી પડી ગઈ હોત તો આ જ ચિબાવલા પત્રકારોએ કેટલો હંગામો કર્યો હોત? જોકે એમાં કોઈ બેમત નથી કે તેણે જે રીતે તેને બાંધી હતી તે રીત ખોટી જ હતી, જે તે પોતે પણ સ્વીકારે છે.

ગયા હપ્તે આપણે જે મિડિયાની વાત અધૂરી છોડી હતી તેને આજે આગળ ધપાવીએ. ભગતસિંહના કિસ્સામાં થયું તેમ મિડિયા ઘણી વાર સમજ્યા કારવ્યા વગર જ કોઈ વાતને તેની પૂર્વભૂમિકામાં સમજ્યા વગર એટલી ખરાબ રીતે ચિતરી દે છે કે પછી તે કાગનો વાઘ થઈ જાય છે. એમાં કોઈ શંકા નથી કે મિડિયાની મજબૂરી છે. આજનું મુદ્રિત મિડિયા પણ સતત ૨૪ કલાક ચાલતી ટીવી ચેનલોના પ્રભાવમાં દોરવાય જાય છે. અને ટીવી ચેનલોમાં પણ બે-પાંચ ચેનલ પર એક વાર સમાચાર ચાલ્યા એટલે આપોઆપ બીજી ચેનલો પર એ ચાલવા લાગે છે. આમ ને આમ વાતનું વતેસર થઈ જાય છે.  ટીવી ચેનલોની મજબૂરી એ છે કે તેણે ગળાકાપ હરીફાઈમાં જેમ બને તેમ ઝડપી અને સનસનાટીભર્યા સમાચાર દેવાના છે, પરંતુ મુદ્રિત માધ્યમો માટે આવું બંધન નથી. તે ટીવી ચેનલોના પ્રભાવમાં આવ્યા વગર સારાસારનો વિવેક રાખીને સમાચાર રજૂ કરી શકે ને. પરંતુ કમનસીબી એ છે કે મુદ્રિત માધ્યમોના પત્રકારોથી માંડીને ઉપરના તંત્રી સ્તર સુધી ટીવી ચેનલો જ સતત જોતા હોવાથી તેઓ પણ તેમનાથી ઘણી વાર દોરવાઈ જાય છે.

ઉપર કહ્યા તે મુજબ, કાલે સવારે તો કોઈ બાળક કે બાળકી કોઈ વાતની જીદ લઈને બેઠા હોય, રસ્તા પર વાહનો ખૂબ જ આવતા હોય ને બાળક રસ્તાની વચ્ચે બેસી જતું હોય તો આવી સ્થિતિમાં માતા કે પિતા જે કોઈ સાથે હોય તેણે બાળકને ધોલધપાટ પણ કરવી પડે. પરંતુ જો આ વાત રસ્તેથી જતા પત્રકારને દેખાઈ તો ખલાસ! તે સમાચાર બનાવી દેશે કે બાળક સાથે બેરહમી કરતાં માબાપ!

થોડા સમય પહેલાં, કૉંગ્રેસના પ્રવક્તા અને ઘણા સિનિયર નેતા જનાર્દન દ્વિવેદીએ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા તે વાત બહુ ચગી હતી. આમાં દ્વિવેદીએ જે કહ્યું હતું તેને આઉટ ઑફ કન્ટેક્સ્ટ લઈને ‘તેમણે મોદીની પ્રશંસા કરી’ તેવા અર્થમાં (કદાચ જાણી જોઈને) ચગાવી દેવામાં આવી. દ્વિવેદીએ શું કહ્યું હતું? તેમણે લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસની હાર અને મોદીના નેતૃત્વમાં ભાજપની જીત વિશે કહ્યું હતું કે: (એક એક શબ્દ ધ્યાનથી વાંચજો) “મોદી ઔર બીજેપી લોગોં કો સમજાને મેં સફલ હો ગયે કિ સામાજિક રૂપ સે દેશ કે નાગરિક કે નિકટ વો જ્યાદા હૈં. કુલ મિલાકર કહે બોલે તો એક તરહ સે યે ભારતીયતા કી જિત હૈ.”

અહીં એમ ન સમજવું જોઈએ કે દ્વિવેદીએ એવું કહ્યું કે મોદીની જીત એ ભારતીયતાની જીત છે. તેમણે તેની આગળ પૂર્વભૂમિકા રૂપે બે વાક્યો મૂક્યા કે મોદી અને ભાજપ લોકોના મનમાં એવું ઠસાવવામાં સફળ રહ્યા કે તેઓ આ દેશના સામાન્ય માનવીઓની વધુ નજીક છે.

આવું જ તાજેતરમાં નરેન્દ્ર મોદી સાથે થયું.  એ વાતને કોઈ નકારી ન શકે કે મોદી આવ્યા પછી યોગાનુયોગ ગણો તો યોગાનુયોગ અને નસીબ ગણો તો નસીબ, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ ઘટ્યા અને તેના કારણે આપણે ત્યાં પેટ્રોલ-ડીઝલના ભાવ પણ ઓછા થયા. હવે સ્વાભાવિક છે કે જ્યારે ચૂંટણી પહેલાં મોદીને સવાલ પૂછાતો હતો કે તમે મોટા મોટા દાવા તો કરો છે કે મોંઘવારી ઘટાડી દેશે પણ એ તો કહો કે ઘટાડશો કઈ રીતે? એ વખતે મોદી પાસે કોઈ ઠોસ બાબત કહેવા માટે નહોતી. પત્રકારો મોદીને એ પણ સવાલ પૂછતા હતા કે અલ નીનોની ઇફેક્ટ થશે અને વરસાદ નહીં પડે તો? ત્યારે પણ મોદીએ ઇન્ટરવ્યૂમાં કહેલું કે મને મારા નસીબ પર ભરોસો છે. ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે મારાં ૧૨ વર્ષના શાસનમાં ક્યારેય દુકાળ નથી પડ્યો કે નથી મોટી આફત આવી.

અને આ વાત એકંદરે સાચી છે. ૨૦૧૨માં વરસાદ લંબાયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીની મોંકાણ હતી. લગભગ એવું જ લાગતું હતું કે મોદી જીતી નહીં શકે કેમ કે આ વખતે ન તો કોઈ ૨૦૦૨ જેવો હિન્દુત્વનો મુદ્દો છે, કે ન તો ૨૦૦૭ જેવું ‘મોતના સોદાગર’ જેવું વિપક્ષના તીરમાંથી છૂટેલું બાણ છે. ઉલટું, કૉંગ્રેસે ઘર આપવાનો અને એવા બીજા કેટલાંય વચનો આપ્યાં હતાં. અધૂરામાં પૂરું કેશુભાઈ પણ ગુજરાત પરિવર્તન પાર્ટી નામનો અલગ ચોકો માંડીને બેઠા હતા. સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીની મોંકાણ. પણ એ વખતે માવઠાં થયાં ને સૌરાષ્ટ્રમાં ડેમો છલકાઈ ગયા. અલબત્ત, એ વખતે મોદીની જીતમાં અનેક પરિબળો બીજાંય હતાં, પરંતુ નસીબનું ફૅક્ટર તો કામ કરી ગયું જ ને. (જે રીતે દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમને વિશ્વ કપમાં કાયમ વરસાદ નડે છે તે નસીબ નહીં તો બીજું શું કહીશું?)

આટલી પૂર્વભૂમિકા સમજ્યા પછી નીચેની મોદીની વાત બરાબર સમજાઈ જશે. કેન્દ્રમાં ચૂંટાયા પછી મોંઘવારી ઘટી એટલે સ્વાભાવિક મોદી અને ભાજપ તેનો જશ તો ખાટવાના જ. પરંતુ આની સામે વિપક્ષોએ અને વિરોધીઓએ એવું કારણ આપ્યું કે મોદી નસીબવાળા છે એટલે આવું થયું. આ તો યોગાનુયોગ છે વગેરે. આથી દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે કિરણ બેદી અને  બીજા બધા દાવ નિષ્ફળ ગયા એટલે મોદીએ હુકમના એક્કા જેવો દાવ ખેલી લીધો. તેમણે કહ્યું કે મારા આવ્યા પછી આટલાં વર્ષોમાં પહેલી વાર પેટ્રોલ-ડીઝલના ભાવ આટલા બધા ઘટ્યા તેમ હું કહું છું તો મારા વિરોધીઓ એમ કહે છે કે એ તો મોદી નસીબદાર છે એટલે આવું થાય છે. તો હું કહું છું કે તમારે નસીબવાળો (એટલે કે મોદી) જોઈએ છે કે કમનસીબવાળા?

બસ. આ વાતને મિડિયાએ એ રીતે રજૂ કરી કે મોદીએ કેજરીવાલને કમનસીબ કહ્યો. મોદીમાં અભિમાન આવી ગયું છે. પોતાને સદ્નસીબવાળા કહે છે. પોતાના કારણે મોંઘવારી ઘટી હોવાનું કહે છે…વગેરે વગેરે. ઉપરોક્ત ભૂમિકા વાંચ્યા પછી ખ્યાલ આવે કે મોદીએ કયા સંદર્ભમાં આ વાત કરી હતી.

હવે મુલાયમસિંહ યાદવની વાત કરીએ. ગયા હપ્તે કહ્યું હતું તેમ મુલાયમસિંહની છબી એવી બની ગઈ છે કે તેમનો બચાવ કરવાનું કોઈને મન ન થાય. અને જ્યારે આપણે અહીં તેમની ‘લડકોં સે ગલતી હો જાતી હૈ’વાળી વાત છેડવાના છીએ ત્યારે તો ખાસ. અહીં આ વાત ઉઠાવવા માટે ભરપૂર ટીકાની તૈયારી અને હિંમત સાથે આ લખું છું, પરંતુ જો તમે તેમણે શું કહ્યું હતું તે પૂરેપૂરું વાંચશો અને સમજશો તો કદાચ તમે પણ મારી સાથે સંમત થશો. મિડિયાના કારણે ઘણાના મગજમાં એવું ઠસી ગયું છે કે મુલાયમે ‘લડકોં સે ગલતી હો જાતી હૈ’ કહીને બળાત્કારીઓનો બચાવ કર્યો હતો. પણ ના તેવું નથી. પહેલાં એ જાણવું પડે કે તેમના ખરેખર શબ્દો શું હતા, તેઓ કયા સંદર્ભમાં બોલી રહ્યા હતા.

ખરેખર તો તેઓ બળાત્કાર વિરોધી સખ્ત કાનૂન બન્યો છે તેના દુરુપયોગ વિશે ચેતવી રહ્યા હતા. અને તેઓ એવી માગ કરી રહ્યા હતા કે આ કાયદામાં એવી જોગવાઈ પણ હોવી જોઈએ કે જે યુવતી કે સ્ત્રી તેનો દુરુપયોગ કરે તેને કડક સજા થાય. આ સંદર્ભે તેમણે ચૂંટણી સભાને સંબોધતા આમ કહેલું:

“લડકિયાં પહેલે દોસ્તી કરતી હૈ. લડકે લડકી મેં મતભેદ હો જાતા હૈ. મતભેદ હોને કે બાદ ઉસે રેપ કા નામ દે દેતી હૈ. લડકો સે ગલતી હો જાતી હૈ. ક્યા રેપ કેસ મેં ફાંસી દી જાયેગી?”

હવે તમે જ કહો, આમાં તેમણે શું ખોટું કહ્યું? આજે પણ ઘણી એવી બળાત્કારની ફરિયાદો આવે છે જે વાંચીને જ તમે સમજી જાવ કે બદલો લેવા આવી ફરિયાદ કરાઈ છે. લગ્નની લાલચે સાત વર્ષ સુધી યુવતી પર બળાત્કાર ગુજરાતો રહ્યો. આવા સમાચાર ઘણી વાર આવતા હોય છે. શું લગ્નની લાલચે અને સાત વર્ષ સુધી કોઈ બળાત્કાર કરતો રહે અને આજની સ્ત્રી સાંખી લે? ૨૦૦૪માં વલ્ડ સોશિયલ ફોરમ દરમિયાન દક્ષિણ આફ્રિકાના ભારતીય મૂળના એક ન્યાયાધીશ સિરાજ્જુદ્દીન દેસાઈ પર દક્ષિણ આફ્રિકાની જ એક પ્રતિનિધિએ બળાત્કારનો આરોપ મૂક્યો હતો. બાદમાં આ મહિલા પ્રતિનિધિએ તેની ફરિયાદ પાછી ખેંચી લીધી. પુરાવા પરથી સંકેત મળતો હતો કે બંને વચ્ચે સંમતિથી શારીરિક સંબંધો બંધાયા હતા. જો આ સમાચાર દિલ્હીના ગેંગ રેપ કેસ પછી આવ્યા હોત તો તો જજને માથે આ મિડિયાએ કેટલી વિતાડી હોત કે તેમને કદાચ આપઘાતનો વારો આવ્યો હોત. (આ કેસ મુંબઈમાં બન્યો હતો)

એટલે મુલાયમસિંહ કંઈ બળાત્કારીઓનો બચાવ નહોતા કરતા પરંતુ બળાત્કારની ખોટી ફરિયાદો વિશે ચેતવી રહ્યા હતા. એમાં તેમણે એમ કહી દીધું કે ઘણી વાર જુવાનીના જોશમાં યુવકથી (સંબંધ બાંધવાની) ભૂલ થઈ જાય છે. યુવતી સંમત હોય તો સંબંધ બાંધી બેસે છે. પછી બંને વચ્ચે ઝઘડા થાય એટલે યુવતી બળાત્કારની ખોટી ફરિયાદ કરી બેસે છે. આમાં મુલાયમે શું ખોટું કહ્યું?

આવું મિડિયાએ બીજું કયું કયું ખોટું અર્થઘટન કર્યું તેની વાત આવતા હપ્તે.

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૨૯/૩/૧૫ના રોજ આ લેખ છપાયો.)

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

2 thoughts on “મોદી, મુલાયમ અને દ્વિવેદી કેમ મિડિયાની ભેખડે ભરાયા?

 1. મનનીય લેખ છે. મીડીયા સનસનાટી અને આંચકાઓ પેદા કરે એરીતે સમાચારો બનાવવા તત્પર હોય છે. અધુરી વાત જાહેર કરવી અને બુરાઈ કરવી એ મીડીયાના સંસ્કાર આદત બની ગયા છે.

  તમને જો બિહારમાં જાઓ અને તક્ષશીલાનું નામ લો તો તે લઈ ન શકો. કારણ કે જો તમે તક્ષશીલાનું નામ લો તો તમે તક્ષશીલા બિહારમાં આવી એવું માનો છો એવો અર્થ ચેનલો વાળા કાઢે.

  તે જ રીતે તમને વલ્લભીપુરની વિદ્યાપીઠ પણ યાદ આવવી ન જોઇએ. કારણ કે જો તમે એવું બોલો તો તમે વલ્લભીપુરની વિદ્યાપીઠ પાકિસ્તાનમાં છે એવું માની લીધું કહેવાય. આ બધું તમારું ઇતિહાસનું અને ભૂગોળનું ઘોર અજ્ઞાન બતાવે છે. એવું સમાચાર માધ્યમો વાળા માને છે.

  સમાચાર માધ્યમો વાળા ફક્ત સનસનાટી વાળા સમાચારોની શોધમાં રહેતા નથી પણ સમાચારોને કાપીકુપીને તડજોડ કરીને વાંકાચૂકા કરીને કેવીરીતે આંચકા આપનારા કરી શકાય તેમાં તેઓને વધુ ફાવટ હોય છે. આ કામ ટેબલ પર બેઠાં બેઠાં થઈ શકે છે.

  એક વખત નરેન્દ્ર મોદી સ્લીપ ઓફ ટંગને કારણે શ્યામજી કૃષ્ણપ્રસાદ વર્માને બદલે શ્યામપ્રસાદ મુખરજી બોલી ગયા. અને તેમણે શ્યામજી કૃષ્ણ વર્માની ઈન્ડીયા હાઉસ, દયાનંદ સરસ્વતી અને વિવેકાનંદની મુલાકાતોની વાતોના પ્રસંગોના ઉલ્લેખ કર્યા અને તેમના અસ્થિ ને સ્વતંત્રભારતમાં લાવવાની ઈચ્છા વ્યક્ત કરેલી.

  હવે આપણા આ ટીવી ચેનલવાળા ભાઈએ તો શ્યામજી કૃષ્ણ વર્મા નું નામ જ નહીં સાંભળેલું અને તેમના વિષે તેમનું જ્ઞાન શૂન્ય હતું. એટલે તેઓ શ્રી માટે તો નરેન્દ્ર મોદીની સ્લીપ ઓફ ટંગ ની વાત મગજની બહારની વાત હતી. જો કે ટીવી ચેનલના આ એન્કર ભાઈએ જરા સ્વાતંત્ર્યની લડતના અભ્યાસ માટે શ્રમ કર્યો હોત તો, અથવા તો ગુજરાતના કચ્છમાં શ્યામજી કૃષ્ણ વર્માના સ્મારકની બાબતમાં સામાન્ય જ્ઞાન હોત તો તેમનું મગજ આ સ્લીપ ઓફ ટંગને સમજી શક્યું હોત.

  શ્યામાપ્રસાદ મુખર્જી કે જેઓ ૧૯૦૦ના પહેલા દશકામાં જન્મેલા અને તેઓ દયાનંદ સરસ્વતી અને વિવેકાનંદ ને નમળી શકે તે વાત તો નરેન્દ્ર સમજી જ શકે એટલે જ્યારે નરેન્દ્ર મોદી ઈન્ડીયા હાઉસ, જર્મની, ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં તેમની મુલાકાતોની વાતો કરે પોતાના અસ્થિની વાત કરે ત્યારે તેને ગપગોળા સાથે સાંકળી તો ન જ શકાય. મગજને તસ્દી આપવી આપણા સમાચાર માધ્યમોના ખેરખાંઓના સંસ્કારમાં નથી.

  સમાચાર માધ્યમોના આવા તો અગણિત પ્રસંગો છે. પણ એમને ક્યાં આત્મખોજ કરવી છે કે “અન્યનું તો એક વાંકુ, આપના અઢાર છે”

  1. આપની વાત સાચી છે. જે પત્રકારો ખોટી રીતે આવા સમાચાર બનાવે છે તેમને જો નરેન્દ્ર મોદીની જેમ અનેક સભાઓ કરવાની આવે તો ખબર પડે કે તેઓ કેટલા છબરડા વાળે છે. તાજેતરમાં સીધી બાત કાર્યક્રમમાં રાહુલ કંવલે કુમાર વિશ્વાસના ઇન્ટરવ્યૂમાં ગોપાલ કૃષ્ણ ગાંધીનું નામ જ લીધે રાખ્યું જે ‘આપ’મા નથી. ‘આપ’માં મયંક ગાંધી જ છે.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s