(ભાગ-૧)

કાશ્મીરી પંડિત શબ્દ સાંભળતા કેટલાક લોકો નાકનું ટીચકું ચડાવે છે, પરંતુ ગુજરાતમાં ૨૦૦૨નાં રમખાણોની વાત આવે કે ૨૦૧૩ના ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનાં રમખાણોની વાત આવે ત્યારે તેઓ છાપરા પર ચડીને માઇક પરથી બોલવા લાગે છે કે મુસ્લિમોને અન્યાય થયો છે. રમખાણો અંગે પણ આપણા સેક્યુલર એક્ટિવિસ્ટો અને મિડિયા બેવડું વલણ ધરાવે છે. મિડિયાનો એક વર્ગ દબાયેલા સૂરે ક્યારેક ક્યારેક હિન્દુ તરફી વાત કરી લે છે,  પરંતુ આસપાસ પેલા ઠગ જેવા મિડિયા હોવાથી આ વર્ગને ડર લાગે છે કે ક્યાંક તેની છાપ હિન્દુ તરફી ન થઈ જાય.

ભલા માણસ, આ દેશના બંધારણમાં ૪૨મો સુધારો કરીને ૧૯૭૬માં ખાસ સેક્યુલર શબ્દ ઉમેરવામાં આવ્યો છે. તે પછી તો તમારે હિન્દુ, મુસ્લિમ બંને નહીં, બધા પક્ષોની વાત સમાન ધોરણે રજૂ કરવી જોઈએ. એક સમય એવો હતો કે આરએસએસના સમાચાર છાપવાના હોય તો અંદરના પાને ફકરામાં છપાતા. ૧૯૯૧ બાદ અનેક રાજ્યોમાં ભાજપની સરકાર આવી અને ૧૯૯૮માં ભાજપ કેન્દ્રમાં સત્તામાં આવ્યો તે પછી થોડું વલણ બદલાયું, પણ હજુ પેલા બેવડાં કાટલાં બદલાયા નહોતા. હવે આરએસએસવાળા જે કહે તેનો વિવાદ કરીને ત્રણ કૉલમમાં સમાચાર છાપવા લાગ્યા.

ચાલો, આપણે આ બાબતે નથી પડવું. આપણે વાત કરતા હતા કાશ્મીરી પંડિતોની. ભારત દેશમાં કાશ્મીરી પંડિતો નામે ઓળખાતા હિન્દુઓ (ખરેખર તો કાશ્મીરી હિન્દુઓ અને શીખો તરીકે તેમને ઓળખવા જોઈએ) ની જે દશા છે તેવી જો મુસ્લિમોની હોત તો તેના પડઘા અનેક રાજ્યોમાં પડતા હોત. કેટલાંય રમખાણો અને તેના નામે ત્રાસવાદી સંગઠનો દ્વારા બોમ્બ ધડાકા થયા હોત.

કાશ્મીરી પંડિતો પર અત્યારના કાશ્મીરના મુખ્ય પ્રધાન મુફ્તિ મોહમ્મદ સઈદ જ્યારે કેન્દ્રમાં ગૃહ પ્રધાન હતા અને કેન્દ્રમાં ભાજપ સમર્થિત વી. પી. સિંહની સેક્યુલર સરકાર હતી ત્યારે કેવા અત્યાચારો થયા હતા તે વાંચો તો કંપારી છૂટશે. ખાવાનું નહીં ભાવે. અંદરથી હચમચી ઉઠશો. પરંતુ તે વાત કરતા પહેલાં, કાશ્મીરી પંડિતો પર સદીઓથી કેવા અત્યાચારો થતા રહ્યા તેની વાત કરીએ.

કાશ્મીરી પંડિત એટલે કાશ્મીરનો બ્રાહ્મણ સમાજ. પહેલા વડા પ્રધાન પંડિત નહેરુ, જાણીતા અભિનેતા અનુપમ ખેર જેવા કેટલાંક નામો કાશ્મીરી પંડિત હતા અથવા છે. કાશ્મીર એકદમ ઉત્તરે આવેલો પ્રદેશ હોવાથી વિદેશી આક્રમણખોરોના આક્રમણનું પહેલું નિશાન તે રહેતો. આઠમી સદી પછીથી તુર્કો અને આરબોએ તેના પર આક્રમણ કરવાનું શરૂ કર્યું. તુર્ક અથવા મોંગલ ઝુલજુ નામના આક્રમણખોરે ઈ.સ. ૧૩૨૦માં ભારે તબાહી મચાવી દીધી હતી. રાજા સહદેવ આક્રમણખોરોના હાથમાં જનતાને સોંપીને નાસી ગયો. ઝુલજુએ હિંસાનો આદેશ આપ્યો અને તેના સૈનિકોએ હજારો લોકોની કત્લેઆમ કરી, ગામોનાં ગામો બાળી નાખ્યાં, ઊભા પાકનો નાશ કર્યો.  આઠ મહિના વિનાશ કર્યા પછી ઝુલ્જુ પચાસ હજાર બ્રાહ્મણોને પોતાની સાથે ગુલામ તરીકે લઈ ગયો. જોકે તે દેવદાર પાસ પાસે ભારે હિમવર્ષામાં માર્યો ગયો. તેણે જે વિનાશ કર્યો હતો તેનું વર્ણન કાશ્મીરી ઇતિહાસકાર અને સંસ્કૃત કવિ જોનરાજના પુસ્તક ‘દ્વિતીય રાજતરંગિણી’માં મળે છે. (કાશ્મીર એન્ડ ઇટ્સ પીપલ: સ્ટડિઝ ઇન ધ ઇવોલ્યૂશન ઑફ કાશ્મીરી સોસાયટી, એમ. કે. કાવ)

એ પછી કાશ્મીર મુસ્લિમ શાસકોના હાથમાં જવા લાગ્યું. કઈ રીતે? આવો જાણીએ. ઝુલ્જુના આક્રમણ પછી અરાજકતાનો લાભ લઈ તેનો મંત્રી રામચંદ્ર રાજા બની ગયો હતો. બહરિસ્તાન-એ-શાહી અનુસાર, લદ્દાખના લા-ચેન-રગયાલ્બુ રિન્ચને તેના માણસોને વેપારીઓના રૂપમાં હથિયાર સાથે કિલ્લામાં ઘૂસાડી દીધા. કિલ્લામાં રામચંદ્રએ પોતાની જાતને બંધ કરી દીધી હતી રામચંદ્ર અને તેના માણસોની નૃશંસ હત્યાઓ કરવામાં આવી. રામચંદ્રના કુટુંબને કેદ કરી દેવામાં આવ્યું હતું. બાળકોને પણ બક્ષવામાં નહોતા આવ્યા. ગર્ભવતી મહિલાઓના ગર્ભને નિર્દયી રીતે કાપી નાખવામાં આવ્યા. રિન્ચને રામચંદ્રનના દીકરા રાવનચંદ્રને મુક્ત કરી દીધો અને તેની દીકરી કોટા રાણીને પરણી ગયો.

હવે સહદેવ રાજાએ એક પર્શિયન સુફી શાહ મીરને મંત્રી તરીકે નિયુક્ત કર્યો હતો. રિન્ચનને શાસન લીધા પછી થોડો અપરાધભાવ લાગતો હતો. લોકોને, તેમની સંસ્કૃતિને, ધર્મ અને પરંપરાને સમજવા તેણે પહેલાં શૈવ એટલે કે હિન્દુ થવાનું વિચાર્યું. આથી તેણે શૈવ હિન્દુઓના ગુરુ દેવસ્વામીનો સંપર્ક કર્યો. દેવસ્વામીએ રિન્ચનની હિન્દુ થવાની માગણી નકારી દીધી. જોકે વિદ્વાન પ્રા. એ. ક્યૂ. રફીકીના કહેવા પ્રમાણે, રિન્ચેનની ખરેખર હિન્દુ થવાની દાનત હોત તો તેણે બીજા કોઈ બ્રાહ્મણનો સંપર્ક કર્યો હોત, કારણકે બૌદ્ધમાંથી હિન્દુ થવું કે હિન્દુમાંથી બૌદ્ધ થવું એ ત્યારે નવી વાત નહોતી. આથી દેવસ્વામી પર આળ ચડાવી શકાય નહીં. (આમ છતાં, દેવસ્વામીએ હિન્દુ થવા માગતી વ્યક્તિને ના પાડી તે તેમનો વાંક તો ગણાય જ.) આથી પછી શાહ મીરના કહેવાથી રિન્ચને ઈસ્લામ અંગીકાર કર્યો. એક અન્ય કિવદંતી એવી છે કે રિન્ચનને જાણવું હતું કે સત્ય શું છે, પરંતુ હિન્દુ કે મુસ્લિમ કોઈ વિદ્વાન તેને સંતોષકારક જવાબ ન આપી શક્યા. આથી પછી તેણે સવારમાં જે ધર્મની પહેલી વ્યક્તિ મળે તે ધર્મને અંગીકાર કરવાનું નક્કી કર્યું. અને સવારમાં તેને પહેલી વ્યક્તિ મળી તે સૂફી શરાફુદ-દિન- બુલબુલ મળ્યા. પ્રા. રફીકીના કહેવા પ્રમાણે, આ કિવદંતી ઇસ્લામને ગૌરવાન્વિત કરવા ઘડી કઢાઈ હોવાનો સંભવ છે. બની શકે કે શાહ મીરે કાશ્મીરમાં મુસ્લિમ શાસન સ્થાપવા સૂફી બુલબુલ સાથે મળીને યોજના ઘડી હોય.

આમ, રિન્ચન કાશ્મીરનો પહેલો મુસ્લિમ શાસક બન્યો. જોકે તેનું ત્રણ વર્ષમાં જ મોત થયું અને કોટા રાણીએ સહદેવના ભાઈને એટલે કે પોતાના કાકા ઉદયનદેવને રાજા બનાવ્યા. આમ, હિન્દુ શાસન ફરી સ્થપાયું પરંતુ તુર્ક અથવા મોંગલ આક્રમણખોર અચલાએ કાશ્મીર પર હુમલો કર્યો અને કાયર ઉદયનદેવ લદ્દાખ નાસી ગયો. જોકે કોટા રાણીએ ભારે હિંમત દાખવી અને બ્રાહ્મણ વિદ્વાન ભટ્ટ ભિક્ષણા તેમજ શાહ મીર સાથે મળીને લડત આપી. આક્રમણખોર ભાગી ગયો, પરંતુ શાહ મીરની લોકપ્રિયતા વધી ગઈ. કોટા રાણી શાસક બની ગઈ હતી, પરંતુ તેને શાહ મીરની દાનત ખબર ન પડી. એક વાર તે બીમાર પડ્યો કે બીમારીનો ઢોંગ કર્યો ત્યારે ભટ્ટ ભિક્ષણાને તેની ખબર પૂછવા મોકલ્યા ત્યારે ભટ્ટની શાહ મીરે હત્યા કરી નાખી. અને રાણીને ઉથલાવી તે શાસક બની ગયો. રિન્ચન અને શાહ મીરના સમયમાં શરૂ થયેલી ઈસ્લામીકરણની પ્રક્રિયા સૈયદ મીર એ.એચ. હમદાનીના સમયમાં વેગીલી બની. તેના સમયમાં હિન્દુઓ પર ભારે વિતી. હિંસાચાર, નરસંહાર માટેના હુમલા અને ગુલામી એ બધું જ થયું.

સિકંદર બુટ્શિકનને તો મૂર્તિભંજક તરીકે ઓળખવામાં આવે છે. તેના શાસનમાં હિન્દુઓ પર ત્રાસ ફેલાવવાને છૂટો દોર મળ્યો. તેના સમયમાં એવું હતું કે જો હિન્દુ મુસ્લિમ ન બને તો તેણે નગર છોડી દેવું પડે અથવા તેની હત્યા કરી દેવામાં આવે. પરિણામે, કેટલાક હિન્દુઓએ ઇસ્લામ સ્વીકાર્યો અને કેટલાક ભાગી ગયા. તો અનેક બ્રાહ્મણોએ મરી જવાનું પસંદ કર્યું. એમ કહેવાય છે કે સિકંદરે આ રીતે હિન્દુમાંથી ઈસ્લામ થયેલા કે મરેલામાંથી ૨૪૦ કિલોગ્રામ જનોઈ ભેગી કરી હતી. હિન્દુઓના પવિત્ર પુસ્તકોને દાલ સરોવરમાં ફેંકી દેવામાં આવ્યા. સિકંદરે હિન્દુઓ પર જઝિયા વેરો નાખ્યો. તેમને તિલક કરતા રોક્યા. નાચ-ગાન પર પ્રતિબંધ મૂકી દીધો. તેને હિન્દુ મંદિરો અને તેની મૂર્તિઓ તોડવામાંથી વિકૃત આનંદ મળતો.

એક મુસ્લિમ ઈતિહાસકાર હસને ‘તારીખ-એ-કાશ્મીર’માં નોંધ્યું છે કે રાજાઓના વખતમાં વિશ્વની અજાયબી જેવાં મંદિરો હતાં. તેમનું કોતરણીકામ ખૂબ જ અદ્ભુત હતું. સિકંદરે તેમનો નાશ કરી નાખ્યો અને તેની સામગ્રી સાથે અનેક મસ્જિદો અને ખનકાહ બાંધ્યા. રામદેવ કે લલિતાદિત્યએ બાંધેલું માર્તંડ મંદિર તેણે તોડવા એક વર્ષ પ્રયાસ કર્યો. પરંતુ તે નિષ્ફળ ગયો. પછી તેણે પાયામાંથી પથ્થરો કાઢી લીધા અને તેને આગ લગાડી દીધી. તેમાં સોને મઢેલાં ચિત્રો નાશ પામ્યાં. તેના અવશેષો પણ આટલા અદ્ભુત છે તો મંદિર કેવું હશે! બિજબેહરામાં પ્રસિદ્ધ વિજયેશ્વરનું મંદિર સહિત ત્રણસો મંદિરોનો નાશ કરાયો. વિજયેશ્વરની જગ્યાએ ખનકાહ બનાવાઈ અને તેને વિજયેશ્વર ખનકાહ નામથી ઓળખવામાં આવે છે.” જોનરાજે લખ્યું છે, “એકેય ગામ, એકેય નગર એવું નહોતું જ્યાં મંદિરોને તોડાયાં ન હોય.” ‘અ હિસ્ટ્રી ઑફ મુસ્લિમ રૂલ ઇન કાશ્મીર’ના લેખક આર. કે. પરમુ લખે છે, “ભવન અને બિજબેહરામાં તેમણે (મુસ્લિમ શાસકે) બે મોટી મસ્જિદ બનાવી. તે મસ્જિદો નાશ કરાયેલા મંદિરોની સામગ્રીમાંથી બનાવવામાં આવી હતી. શ્રીનગરમાં લોકેશ્વરી મંદિરના વિશાળ પ્રાંગણને મઝાર-એ-સલતૈનમાં ફેરવી નાખવામાં આવ્યો.” પ્રા. કે. એલ. ભાન લખે છે કે જાતિસંહાર (જીનોસાઇડ) કરવાના ઈરાદાથી કરાયેલા હુમલાઓના કારણે નિઃસહાય હિન્દુઓ પડોશી કશ્તવારમાં ભાગી ગયા. આ હિન્દુઓનું પહેલું સામૂહિક નિષ્ક્રમણ અથવા તો હિજરત હતી.

ઈ.સ. ૧૪૧૩થી ૧૪૨૦ સુધી શાસન કરનાર સુલતાન એ. એચ. શાહના કાળમાં પણ ધર્માંતરણ અને હિંસાનો દૌર બેલગામ ચાલુ રહ્યો. જોનરાજ તો હિન્દુઓ, ખાસ કરીને બ્રાહ્મણોની દશાને માછીમાર દ્વારા જાળમાં પકડાયેલી માછલી સાથે સરખાવે છે. હિન્દુઓના ધાર્મિક સમારંભો અને સરઘસો પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. તેમના પર ભારે વેરો નખાયો હતો. તેમના પરંપરાગત ભથ્થાં બંધ કરી દેવાયા હતાં, જેથી તેઓ ભીખારી બની જાય. અને થયું એવું જ. તેમને ઘરે ઘરે જઈ ભીખ માગવાનો વારો આવ્યો. કેટલાક તેમના પરિવારને ભૂખથી બચાવવા મુસ્લિમોના વેશમાં શેરીઓમાં ભટકતા. અત્યાચારોથી બચવા અને ધર્મ ટકાવી રાખવા અનેક લોકો ભાગવા ગયા, પરંતુ મુખ્ય રસ્તો બંધ કરી દેવાયો હતો. આથી તેઓ બીજા સાઇડ રોડેથી નાસી ગયા. ક્યાંક પુત્ર પિતાને મૂકીને નાસી ગયો તો ક્યાંક પિતા પુત્રને મૂકીને. આવી મુશ્કેલીમાંથી પસાર થવાના કારણે કેટલાક સખત બીમારીના કારણે, તો કેટલાક ભૂખના કારણે મરી ગયા. જે રહી ગયા હતા તેમાંથી કેટલાકે આપઘાત કર્યા. અનેકને ક્રૂર રીતે મારી નખાયા તો અનેકને ઈસ્લામ અંગીકાર કરવાની ફરજ પાડવામાં આવી.

પોતાના સહધર્મીઓ દ્વારા અત્યાચારથી દુખી એવો ઝૈનુલ-અબિદિન જ્યારે સત્તા પર આવ્યો ત્યારે હિન્દુઓ પ્રત્યે પ્રમાણમાં ઉદાર મત અપનાવ્યો. જોકે, તેના દીકરા હૈદર શાહે એક કેશકર્તનકારની ચડામણીથી હિન્દુઓ પ્રત્યે અત્યાચાર આચર્યા. તેણે તેમના અવયવો, નાક, જીભ, વગેરે કપાવી નાખ્યાં અને શૂળી પર ચડાવી દીધા. મંદિરોને લૂટવાનું પણ ચાલુ રહ્યું. એટલું બધું દમન અને સામાજિક અન્યાય હતો કે અનેક હિન્દુઓ તેમનો પંથ છોડવા લાગ્યા. મુસ્લિમો જેવા પોશાક પહેરતા. અને પોતે ભટ્ટ નથી તેવું જાહેર કરતા. આમાં, એક સુહા ભટ્ટ (ઘણા કાશ્મીરીઓમાં ભટ કે બટ અટક હોય છે તે મૂળ ભટ્ટમાંથી આવી હોઈ શકે) પણ હતો, જે મૂળ કાશ્મીરી બ્રાહ્મણ હતો, પરંતુ સિકંદરના શાસન કાળમાં તેણે ઈસ્લામ અંગીકાર કર્યો હતો અને સૈફ-ઉદ-દિન નામ ધારણ કર્યું હતું. તેણે વધુ કટ્ટર મુસ્લિમ દેખાવા પોતાના જ ભાઈઓ પર અત્યાચાર વર્તાવવામાં કોઈ કમી ન રાખી.

અન્ય મુસ્લિમ શાસકોના પ્રમાણમાં ઉદારવાદી ઝૈનુલ-ઉદ-દિને કાશ્મીરી બ્રાહ્મણોને પાછા બોલાવ્યા. ઇતિહાસકારોના મતે, તેને શાસન ચલાવવા બ્રાહ્મણોની જરૂરિયાત પણ હતી. તેણે મંદિરો પાછાં બાંધ્યાં. જોકે તેણે રાજભાષા તરીકે પર્શિયન જાહેર કરી. આથી જેમણે સરકારમાં નોકરી કરવી હોય તેમણે પર્શિયન શીખવી જરૂરી હતી. આથી હિન્દુઓમાં બે ભાગ પડી ગયા. આમ, ઝૈનુલે હિન્દુઓમાં ફૂટ પણ પડાવી. તે પછી શિયા અને ચાક શાસકોમાં હિન્દુઓ પર અત્યાચાર અને ધર્માંતરણનો આ ક્રમ ચાલુ રહ્યો. હા, અકબરે જઝિયાવેરો સંપૂર્ણ નાબુદ કર્યો, પરંતુ મુસ્લિમ શાસકોના વખતમાં શરિયતના નિયમો લાગુ થયા હતા. તે મુજબ સજાઓ બહુ ક્રૂર હતી. ચોરી માટે હાથ અને પગ કાપી નાખવામાં આવતા, વ્યભિચાર માટે પથ્થર મારીને મારી નાખવામાં આવતા. મહિલાઓ માટે ‘તલાક’ એમ ત્રણ વાર બોલી દેવાથી છૂટાછેડા થઈ જતા. પુરુષ સાક્ષીની હાજરીમાં બળાત્કાર સાબિત કરવાનો ભાર પીડિતા પર હતો. ગુલામ રાખવાનું પણ ન્યાયી ગણાતું.

(ક્રમશઃ)

(મુંબઈ સમાચાર દૈનિકની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૯/૪/૧૫ના રોજ આ લેખ છપાયો).

વાંચો

ભાગ -૨   કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

ભાગ-૩ કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!

ભાગ-૪ નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!

ભાગ-૫ શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

ભાગ-૬ હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડયંત્ર

ભાગ-૭  ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

ભાગ-૮ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

ભાગ-૯- શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

ભાગ-૧૦ કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

ભાગ-૧૧ ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

ભાગ-૧૨ ઈન્દિરાની સભામાં ફારુકના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યા!

ભાગ-૧૩ કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

ભાગ-૧૪ ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ રાજભવનમાં રસપ્રદ ધડાધડી

ભાગ-૧૫ જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

ભાગ-૧૬ ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

ભાગ-૧૭ પાકિસ્તાનનું પ્રૉક્સી વોર અને ક્રિકેટ પોલિટિક્સ

ભાગ-૧૮ પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હારજા

ભાગ-૧૯ શાહબાનો કેસ: રાજીવના નિર્ણયથી કાશ્મીરમાં ઉજવણીનો માહોલ

ભાગ-૨૦ કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા

ભાગ-૨૧ કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

2 thoughts on “કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો

  1. નમસ્તે,
    કાશ્મીરી ઇતિહાસ અને મુસ્લિમ આતંકવાદ, હિન્દુઓ પર ધૃણિત જઘન્ય અત્યાચાર પર સત્ય આધારિત ઉત્તમ લેખ.
    ઈમેઈલ દ્વારા આપના લેખ મળી શકે તો લોક જાગૃતિ થઇ શકે.
    સ્વામી સચ્ચિદાનંદજી નાં લેખ નું હિંદી માં અનુવાદ કરી ફેસબુક પર પોસ્ટ કરૂં છું.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.