Posted in gujarat guardian, science

ટૅક્નૉલૉજીની ભૂખ વિશ્વના એક સ્થળે વિનાશ નોતરે છે

પૃથ્વી પર નરક અથવા તો સૌથી ખરાબ સ્થળ તરીકેની જગ્યાનું નામ સાંભળ્યું છે? એ છે બાઓતોઉ. ઇનર મોંગોલિયાનું સૌથી મોટું ઔદ્યોગિક શહેર. ઇનર મોંગોલિયા એ ચીનનો સ્વાયત્ત પ્રદેશ છે. તેમાં અંદાજે ૨૦ લાખની વસતિ છે. સાત જિલ્લા આવેલા છે. અહીંની ખાણો અને કારખાનાંઓ આપણી આધુનિક જિંદગીને ધબકતી રાખે છે. કઈ રીતે? તે પૃથ્વી પરનું સૌથી મોટું ‘જૂજ મળી આવતા અર્થ’ (અંગ્રેજીમાં કહીએ તો રેર અર્થ) ખનીજોનું સપ્લાયર છે. આ ખનીજોનો ઉપયોગ આપણી રોજબરોજની, પહેલાં મોજમજા તરીકે રહેલી, હવે જરૂરિયાત બની ગયેલી ચીજો જેવી કે ઇલેક્ટ્રિક કાર, સ્માર્ટ ફોન, ફ્લેટ સ્ક્રીન ટીવી વગેરેમાં થાય છે. એક અંદાજ પ્રમાણે, ૨૦૦૯માં ચીન આ તત્ત્વોના વિશ્વના ૯૫ ટકાના પૂરવઠાનું ઉત્પાદન કરતું હતું. એવો પણ અંદાજ છે કે બાઓતોઉની ઉત્તરે ૧૨૦ કિમી દૂર બાયન ઓબો ખાણમાં વિશ્વના ૭૦ ટકા ખનીજો રહેલી છે. ત્યાંથી ખનીજોને કાઢી પ્રોસેસિંગ માટે બાઓતોઉ લાવવામાં આવે છે.
આ બાઓતોઉમાં એક વિશાળ તળાવ જેવી જગ્યા છે. વિમાન કે હેલિકોપ્ટરમાંથી જુઓ તો લાગે કે વિશાળ તળાવ છે જેમાં અનેક ઉપનદીઓ પાણી ઠાલવતી હશે, પરંતુ જમીન પર જઈને જોવામાં આવે ત્યારે ખબર પડે કે તે તો ગંદુ તળાવ છે જેમાં કોઈ માછલી કે શેવાળ ન હોઈ શકે. આને આપણે તળાવ જ કહીએ તો, તેનો કિનારો કાળા સ્તરથી આચ્છાદિત છે. એટલું જાડું સ્તર છે કે તમે તેના પર ચાલી પણ શકો. અહીં નજીક બાઓગેંગ સ્ટીલ અને રેર અર્થનાં ભવનો આવેલાં છે. તેના કૂલિંગ ટાવર અને ચીમનીઓ આકાશ સુધી પહોંચે છે. તળાવ સુધી ડઝનેક પાઇપલાઇન આવે છે જે રિફાઇનરીઓનો કાળો જાડો રાસાયણિક કડદો તળાવમાં ફેંકે છે. આ રિફાઇનરીઓમાં વિશ્વમાં જેની સૌથી વધુ માગ છે તેવા ૧૭ ખનીજો, જેમને સામૂહિક રીતે ‘રેર અર્થ’ કહેવાય છે, તેનું પ્રોસેસિંગ કરે છે.
કાચી ધાતુમાં આ રેર અર્થની સાન્દ્રતા બહુ ઓછી હોય છે. આથી તેમને અલગ પાડવી અને શુદ્ધ કરવી જરૂરી છે. આ માટે હાઇડ્રો-મેટલર્જિકલ ટૅક્નિક વપરાય છે અને તેના પર એસિડ પણ રેડવામાં આવે છે. આ કિંમતી તત્ત્વોનો ઉપર કહ્યા પ્રમાણે ચીન ૯૫ ટકા પૂરવઠો આપે છે, પણ તેમાં બે તૃત્ત્યાંશ માત્ર બાઓતોઉમાં ઉત્પાદિત થાય છે.
આ રેર અર્થ ખનીજોએ છેલ્લા કેટલાક દાયકાઓમાં ચીનના વિશ્વમાં સર્વોચ્ચ અર્થતંત્રના દરજ્જાને મેળવવામાં ઘણો મોટી અને મહત્ત્વની ભૂમિકા અદા કરી છે. બાઓતોઉની મુલાકાત લો તો ખબર પડે કે આ ખનીજોએ શહેરને પણ બદલી નાખ્યું છે. બાઓતોઉના લોકો આ શહેરને ઘણું મહત્ત્વનું શહેર માને છે.
રેર અર્થ માટે ખાણકામ શરૂ થયું તે પહેલાં ૧૯૫૦માં આ શહેરની વસતિ ૯૭,૦૦૦ હતી. આજે ઉપર કહ્યું તેમ ૨૦ લાખની વસતિ છે. આટલી વિશાળ જનસંખ્યા થવાનું કારણ આ ખનીજો જ છે. બાઓતોઉ વૈશ્વિક મૂડીવાદ અને વિસરાતા જતા સામ્યવાદની વચ્ચે પોતાને ઉભેલું અનુભવે છે. અહીં એક તરફ અમેરિકન બ્રાન્ડના બિલબૉર્ડ લાગેલા છે. તો તેમની બાજુમાં ક્રાંતિયુગના પ્રચારનાં લખાણો પણ છે. પશ્ચિમી સુપરમોડલોના ચહેરા ચીનના એક સમયના વડા માઓના પૂતળા સામે જાણે રસ વગર જોતા હોય તેમ લાગે. રાત્રે રંગબેરંગી લાઇટોથી રસ્તાઓ ઝળહળી ઊઠે છે. જોકે આવા ઝળહળાટ સામે, એક ચિત્ર શેરીઓનું પણ છે જ્યાં પીધેલા, ઉલટી કરતા રિફાઇનરી કામદારો બાર અને બાર્બેક્યુ જોઇન્ટ્સમાંથી નીકળતા દેખાય.
તમે ઝેરી તળાવ પાસે ગયા વગર આ રેર અર્થ ઉદ્યોગની પર્યાવરણ પરની અસર શહેર પર કેટલી ખરાબ છે તે અનુભવી શકો. ઘણી વાર એ કહેવું મુશ્કેલ હોય છે કે બાઓગેંગ રિફાઇનરી કૉમ્પ્લેક્સ ક્યાં શરૂ થાય અને શહેર ક્યાં શરૂ થાય છે. ભૂમિમાંથી નીકળતી વિશાળ પાઇપો રસ્તાને સમાંતર ચાલે છે. અહીંની શેરીઓ એટલી પહોળી છે કે સતત આવતા વિશાળ ડિઝલ ફેંકતા ટ્રકોને સમાવી શકે. તેમની સરખામણીમાં અન્ય વાહનો તુચ્છ લાગે.
જ્યારે વરસાદ પડે છે ત્યારે રસ્તાઓ કોલસાની રજના લીધે કાળા પડી જાય છે. બાઓતોઉમાં અનેક વીજ મથકો પણ આવેલાં છે જેમાં કોલસા દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. આ વીજમથકો નવા બનેલા એપાર્ટમેન્ટ ટાવરની નજીક છે. તમે જે તરફ જુઓ તે તરફ તમને અડધા પૂરા કરાયેલા ટાવર અને ઝડપથી બનાવાયેલા બહુમાળી પાર્કિંગ લોટની વચ્ચે જ્વાળાઓ કાઢતા રિફાઇનરી ટાવર અને ઇલેક્ટ્રિસિટીના થાંભલાઓ નજરે પડશે. હવામાં સતત સલ્ફરની ગંધ આવ્યા કરે. અહીંના એક રહેવાસીના કહેવા પ્રમાણ , અહીં ફૅક્ટરીઓ બની તે પહેલાં જ્યાં જુઓ ત્યાં ખેતર જ દેખાતાં. રેડિયોઍક્ટિવ કચરાની જગ્યાએ તરબૂચ, રીંગણાં અને ટમેટાં જોવા મળતાં.
ઉપર જે તળાવની વાત કરી તે તળાવમાં જે પાણી છોડવામાં આવે છે તે તમામ પ્રકારના ઝેરી રસાયણો ધરાવતું હોય છે. તેમાં રેડિયોઍક્ટિવ તત્ત્વ જેવું કે થોરિયમ પણ હોય છે, જે જો ખાવામાં આવી જાય તો પેન્ક્રીયાસ અને ફેફસાનું કેન્સર તેમજ લ્યુકેમિયા કરે છે.
૧૯૫૮માં સરકારી માલિકીની બાઓતોઉ આયર્ન એન્ડ સ્ટીલ કંપની (બાઓગેન્ગ)એ રેર અર્થ સામગ્રીઓ ઉત્પાદિત કરવાનું ચાલુ કર્યું. તે વખતે તળાવ બન્યું. શરૂઆતમાં તો રહેવાસીઓએ પ્રદૂષણની બહુ નોંધ ન લીધી. પરંતુ ૧૯૮૦ના દાયકામાં નજીકનાં ગામડાંઓમાં પાક નિષ્ફળ જવા લાગ્યા. છોડ પર ફળ થતાં પણ ઘણી વાર તે બહુ નાનાં હોય અથવા તેની ગંધ વિચિત્ર આવે. દસ વર્ષ પછી ગ્રામજનોને સ્વીકારવું પડ્યું કે હવે અહીં શાકભાજીઓ નહીં ઉગે. બાઓતોઉની ફૅક્ટરીઓની નજીક ઝિંગુઆંગ સેન્કન નામના ગામડામાં ખેડૂતોએ વાવેતર બંધ કરી દીધું છે. તેઓ માત્ર ઘઉં અને મકાઈ જ ઉગાડે છે.
મહાનગરપાલિકા પર્યાવરણ સુરક્ષા સંસ્થાના એક અભ્યાસમાં જણાયું કે તેમની સમસ્યાઓનું કારણ આ રેર અર્થ ખનીજો છે. ખનીજો પોતે જ પ્રદૂષણ કરતા હોય છે. આ ઉપરાંત ડઝનેક જે નવી ફૅક્ટરીઓ થઈ જેમાં ખનીજોનું પ્રોસેસિંગ થતું તે તેમજ વીજ મથકો પણ પ્રદૂષણ ફેલાવતાં હતાં. હવે વિશ્વની રેર અર્થ રાજધાની તરીકે જાણીતા થઈ ગયેલા બાઓતોઉના રહેવાસીઓને શ્વાસમાં સલ્ફ્યુરિક એસિડ તેમજ કોલસાની રજ જવા લાગી. આ રજ તો ઘરો વચ્ચેની હવામાં સ્પષ્ટ દેખાય.
અહીંના રહેવાસીઓને તેમના પશુઓ પાળવાનું પણ મુશ્કેલ પડવા લાગ્યું કેમ કે તેઓ ઝેરી તત્ત્વોના કારણે મરી જવા લાગ્યા. ખેડૂતો પણ સ્થળાંતર કરવા લાગ્યા. ઝિંગુઆંગ સેન્કનમાં ઈંટનાં ઘરો પણ થોડા સમયમાં નાશ પામે તેવી શક્યતા છે. અહીં માત્ર ૧૦ વર્ષમાં વસતિ ૨,૦૦૦થી ઘટીને ૩૦૦ થઈ ગઈ છે. અહીંના રહેવાસીઓમાં એક છે લુ યોંગકિંગ. ૫૬ વર્ષના લુએ કહ્યું કે, “હું મારા કુટુંબને ખવડાવી શકતો નહોતો.’ તેણે બાઓતોઉમાં કડિયા તરીકે, તે પછી ફૅક્ટરીમાં ઈંટો ઊંચકનાર મજૂર તરીકે અને છેવટે સ્થાનિક બજારમાં શાકભાજી વેચનાર તરીકે કામો કરી જોયા. ઝિંગુઆંગ સેન્કનના જે ખેડૂતો છે તેમની સાથે દ્વિતીય કક્ષાના નાગરિક જેવો વ્યવહાર થાય છે અને તેમનું નિર્દયી શોષણ થાય છે. ખેડૂતોને પણ પગ દુખવાની સમસ્યા છે. ડાયાબિટીસથી પીડાય છે, ઓસ્ટિયોપોરોસિસ અને છાતીમાં દુખાવાની સમસ્યા છે. લગભગ બધા જ લોકો કોઈક બીમારીથી પીડાય છે.
રહેવાસીઓએ હવે સરકારના દરવાજા ખખડાવવાનું ચાલુ કરી દીધું છે. આના પરિણામે ગ્રામવાસીઓને આર્થિક વળતરનું વચન મળ્યું છે, પણ તે આંશિક જ પૂરું થયું છે. નવાં ઘરો આપવાની વાત પણ ચાલે છે. કેટલાક લોકોએ તળાવમાંથી કચરો રિપ્રોસેસિંગ યુનિટોને વેચવાનું પણ શરૂ કરી દીધું, પરંતુ કેન્દ્ર સરકારે તેમને આ આવકમાંથી પણ વંચિત કરી દીધા. આ રીતે તેઓ જો કચરો વેચતા પકડાય તો ૧૦ વર્ષની જેલ થઈ શકે છે.
બીજી તરફ, ચીનની સરકાર પણ થોડી જાગૃત તો થઈ છે. તેણે આ નુકસાન સાફ કરવા માટે અબજો ડોલર ખર્ચવાના ચાલુ કર્યા છે. રેર અર્થ ખનીજોનું ગેરકાયદે ખાણકામ થતું હોવાની ખબર પડ્યા પછી રાષ્ટ્રીય સરકારે પ્રાંતીય અધિકારીઓ પાસેથી રેર અર્થની ખાણવાળા જિલ્લાનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું છે. ચીને ૨૦૦૬માં રેર અર્થ ખનીજોની નિકાસ પર ભારે માત્રામાં ટૅક્સ નાખી દીધો હતો એમ કહીને કે રેર અર્થથી જે પર્યાવરણને નુકસાન થાય છે તેની ભરપાઈ માટે આ જરૂરી છે. જોકે આના લીધે વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશનનું પણ ચીન પર દબાણ આવ્યું હતું. નિકાસની મર્યાદા સામે અમેરિકાએ કરેલા કેસમાં ચીન હારી ગયું હતું. જોકે, પ્રદૂષણનો પ્રશ્ન તો જેમનો તેમ જ ઊભો છે.

(ગુજરાત ગાર્ડિયન  દૈનિકની શનિવારની સાયન્સ પૂર્તિમાં તા.૧૮/૪/૧૫ના રોજ આ લેખ છપાયો.)

(સુધારો: લેખમાં ભૂલથી મોંગોલિયા લખાયું છે તેની જગ્યાએ ઇનર મોંગોલિયા હોવું જોઈએ.)

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

2 thoughts on “ટૅક્નૉલૉજીની ભૂખ વિશ્વના એક સ્થળે વિનાશ નોતરે છે

    1. ભૂલ તરફ ધ્યાન દોરવા બદલ આભાર. ઇનર મોંગોલિયા હોવું જોઈએ.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s