(ભાગ-૨)

એમાં કોઈ શંકા નથી કે કાશ્મીરનું રાજ્ય હિન્દુઓનું જ હતું. કાશ્મીર શબ્દ સંસ્કૃત છે અને તેનો અર્થ થાય છે સૂકો પ્રદેશ. પહેલા કાશ્મીરી ઇતિહાસકાર મનાતા કાશ્મીરી બ્રાહ્મણ કલ્હાણે લખેલા ‘રાજતરંગિણી’ નામના પુસ્તકમાં ઉલ્લેખ છે કે કાશ્મીર પહેલાં તળાવ હતું. તેને બ્રહ્માના માનસ પુત્ર મરીચિના પુત્ર કશ્યપે સૂકવી નાખ્યું હતું.  કાશ્મીરનો ઈતિહાસ ટૂંકમાં જોઈએ તો, સૌથી પહેલા ગોનંદ પ્રથમ તે કાશ્મીરના પ્રથમ રાજા હતા. મહાભારતમાં જે જરાસંધનો ઉલ્લેખ છે તે જરાસંઘ અને કૃષ્ણના યુદ્ધ વખતે ગોનંદ પ્રથમ જરાસંધ તરફે લડ્યો હતો. શ્રીકૃષ્ણએ જરાસંધનો અને બલરામે ગોનંદનો વધ કર્યો.

અમેરિકાની સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીમાં પણ કાશ્મીરનો જે ઇતિહાસ આપેલો છે તેમાં ઉપરોક્ત વાતોનો ઉલ્લેખ છે. ગોનંદના વધ  બાદ તેના દીકરા દામોદરે શ્રીકૃષ્ણ પર આક્રમણ કર્યું અને દામોદર પણ મરાયો. તે પછી શ્રીકૃષ્ણએ દામોદરની પત્ની યશોવતીને ગાદી પર બેસાડી. (વિશ્વની પ્રથમ મહિલા શાસક?) યશોવતીએ ગોનંદ દ્વિતીયને જન્મ આપ્યો અને તે પછી ૩૫ ગોનંદ વંશજોએ કાશ્મીર પર શાસન કર્યું. તે પછી પાંડવોના ૨૩ વંશજોએ કાશ્મીર પર સત્તા ભોગવી. ભીમસેનના શાસન  વખતે કાશ્મીરની સરહદ કનૌજ અને ગાંધાર (હાલનું કદહાર, અફઘાનિસ્તાન) સુધી વિસ્તારી હતી. બાદમાં અશોક (મગધવાળો ચક્રવર્તી સમ્રાટ અશોક નહીં)એ શ્રીનગરી નામે નગર વસાવ્યું જે હાલનું શ્રીનગર છે. આમ, હિન્દુ શાસકોનું શાસન રિન્ચન સુધી રહ્યું. રિન્ચેનથી અકબર સુધીનો ઇતિહાસ આપણે ગયા અઠવાડિયે જોઈ ગયા છીએ.

આપણે એ જોઈ ગયા કે કાયર હિન્દુ શાસકોના લીધે કાશ્મીર મુસ્લિમ શાસકોના હાથમાં આવ્યું અને પછી કઈ રીતે તેને પદ્ધતિસર મુસ્લિમ બહુમતીવાળું બનાવવા પ્રયાસ થયા. હવે પ્રશ્ન એ થાય કે તો પછી કાશ્મીરમાં હિન્દુ રાજા કેવી રીતે પાછા આવ્યા? અત્યારે જે જમ્મુ-કાશ્મીર ભેગા છે તે ભેગા કેવી રીતે થયા? તેમાં લદ્દાખ કેવી રીતે ઉમેરાયું?

ઓસ્ટ્રિયન વિદ્વાન, સૈનિક અધિકારી, રાજદ્વારી, બોટનિસ્ટ અને શોધક ચાર્લ્સ વોન હ્યુજેલ કાશ્મીરના પ્રવાસે આવ્યા હતા. તેમણે કાશ્મીર વિશે પુસ્તક લખ્યું છે જે મુજબ, મહારાજ રણજીતસિંહે પંજાબમાંથી અફઘાનોને ખદેડીને પાંચ નદીઓવાળા આ પ્રદેશને એક કરી દીધો હતો અને પછી ઉત્તર અને પશ્ચિમ તરફ નજર દોડાવી હતી. મહારાજા રણજીતસિંહે ઈ.સ. ૧૮૧૨, ૧૮૧૪ અને ૧૮૧૫માં કાશ્મીરને અફઘાનો પાસેથી છિનવી લેવા પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સફળ ન  ગયા. ચાર વર્ષ પછી અફઘાનોના અત્યાચારથી ત્રાસેલા એક કાશ્મીરી બ્રાહ્મણ (આજની ભાષામાં જેને કાશ્મીરી પંડિત કહે છે) બિરબલ ધાર ભાગીને લાહોર આવ્યો અને તેણે મહારાજા રણજીતસિંહને કાશ્મીરને અફઘાનોના ત્રાસમાંથી છોડાવા વિનંતી કરી. ઈ.સ. ૧૮૧૯માં બિરબલ ધાર અને જમ્મુન  રાજા ગુલાબસિંહના માર્ગદર્શન હેઠળ મિસર દીવાનચંદના નેતૃત્વમાં શીખ દળોએ કાશ્મીર ઘાટી પર જોરદાર હુમલો કર્યો. અઝીમ ખાનના નેતૃત્વમાં અફઘાન દળોનો ઘોર પરાજય થયો. આમ કાશ્મીર શીખ શાસન હેઠળ આવ્યું. આ વિજય મહત્ત્વનો ગણાય છે કારણકે શીખ રાજ્યમાં મુલ્તાન પછી સૌથી ધનિક કોઈ પ્રાંત હોય તો તે કાશ્મીર હતું. (અને આજે જુઓ કાશ્મીરની કેવી દશા કરી છે આ અબ્દુલ્લા પરિવારે?) મહારાજા રણજીતસિંહના શાસનમાં હિન્દુઓ પર મુસ્લિમોના દમનચક્રનો અંત આવ્યો. મુસ્લિમ જાગીરદારો ભાગી ગયા. હિન્દુ સ્ત્રીઓ પણ સન્માનપૂર્વક હરીફરી શકતી હતી. મંદિરોમાં આરતી અને ઘંટારવ નિર્ભયપણે થવાં લાગ્યાં.

હવે જે ઉપરોક્ત ગુલાબસિંહની વાત કરી તે ડોગરા વંશના હતા. મહારાજા રણજીતસિંહે તેમની નિમણૂક કાશ્મીરના ગવર્નર તરીકે કરી અથવા કહો કે પોતાના તાબા હેઠળના રાજા. તેના પિતા જમ્મુના રાજાના ભાઈ હતા. મહારાજા રણજીતસિંહે જ્યારે જમ્મુ પર હુમલો કર્યો ત્યારે ગુલાબસિંહ તેમની સામે લડ્યા હતા. જોકે રણજીતસિંહે જમ્મુ જીતી લીધું હતું. પરંતુ મહારાજા રણજીતસિંહના સેનાપતિ ભાઈ હુકમ સિંહ ગુલાબસિંહની વીરતાથી ભારે પ્રભાવિત થઈ ગયા હતા. તેમણે રણજીતસિંહને વાત કરી. આથી ઈ.સ.૧૮૦૯માં રણજીતસિંહે ગુલાબસિંહને પોતાના સૈન્યમાં જોડાવા વિનંતી કરી. (આજના સમયમાં જેમ જગદમ્બિકા પાલ જેવા લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાય તેવું થયું આ.) ગુલાબસિંહની સેવાથી ખુશ થઈને મહારાજા રણજીતસિંહે તેમને જમ્મુના રાજા બનાવી નાખ્યા. (આજના સમયમાં જેમ પક્ષપલ્ટુઓને મંત્રી બનાવી નખાય છે તેમ). અને તે પછી કાશ્મીરના રાજા.

પરંતુ એક વાત સ્વીકારવી પડે કે આ ગુલાબસિંહે જ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને એકત્ર કરવામાં મોટી ભૂમિકા ભજવી. ઈ.સ. ૧૮૨૧માં તેમણે રાજૌરીને અઘાર ખાન પાસેથી જીતી લીધું. કિશ્તવારને રાજા તેગ મુહમ્મદ સિંહ પાસેથી જીત્યું. ઈ.સ. ૧૮૨૭માં ગુલાબસિંહે શીખ સેનાપતિ હરિસિંહ નલવા સાથે મળીને સઈદ અહેમદના નેતૃત્વમાં અફઘાન બળવાખોરોને હરાવી દીધા. ઈ.સ. ૧૮૩૭માં અફઘાનોએ શીખોના કબજા હેઠળના જામરુદ કિલ્લા (અત્યારે પાકિસ્તાનમાં આવેલો પ્રદેશ) પર હુમલો કર્યો. મહારાજા રણજીતસિંહે ગુલાબસિંહને વળતી લડત આપવા મોકલ્યા હતા. ગુલાબસિંહે અફઘાન બળવાખોરોનો પરાજય અસલ તેમની જ સ્ટાઇલમાં કર્યો. તેમણે (અત્યારે પાકિસ્તાનના ભાગ એવા) નોર્થ વેસ્ટ ફ્રન્ટીયર પ્રોવિન્સને લૂટ્યું. તમામ ઘરોને આગ લગાડી દીધી. કઠુઆમાં ધામા નાખ્યા અને ફરી આવો બળવો ન થાય એ માટે મુસ્લિમ પશ્તુન આદિવાસીઓની શોધ આદરી. તેમણે દરેક યુસૂફઝાઈના માથા માટે એક રૂપિયો ઈનામ રાખ્યું. (એ વખતે એક રૂપિયો એટલે આજના હજારો રૂપિયા જેવી રકમ ગણાતી) જોકે તેમણે સ્ત્રીઓને મુક્ત કરી. કેટલીકને પત્ની બનાવી. આમ, હજારો પશ્તુનો આ લડાઈમાં માર્યા ગયા. ૧૮૩૫માં કિશ્તવારના રાજા (જે હતા રણજીતસિંહની હેઠળ) જોરાવરસિંહે સુરુ ખીણ અને કારગીલ જીતી લીધું. ૧૮૩૬માં લદ્દાખ જીત્યું અને ૧૮૪૦માં બાલટીસ્તાન જીત્યું. જોકે ૧૮૩૯માં મહારાજા રણજીતસિંહના તેમના વંશજોમાં શાસન માટે સ્પર્ધા થવા લાગી હતી. ૧૮૪૧માં ૫,૦૦૦ જેટલા વીર ડોગરા સૈનિકોએ પૂર્વ તરફ કૂચ આદરી. તેમણે તિબેટિયનોને હરાવ્યા. પવિત્ર માનસરોવર નજીક તકલાકોટ પાસે થાણું ઊભું કર્યું. જોકે ભયંકર ઠંડીના કારણે તેઓ એક પછી એક મરવા લાગ્યા. છેવટે, ડિસેમ્બર, ૧૮૪૧માં તિબેટિયનોએ પાછો વિજય પ્રાપ્ત કરી લીધો. આમ, ગુલાબસિંહે નાનાં નાનાં રજવાડાં જીતીને તેને જમ્મુ-કાશ્મીર-લદ્દાખનું મોટું રાજ્ય બનાવી દીધું. ઈતિહાસકાર કે. એમ. પાણિકરે પણ જોરાવરસિંહની સૈન્ય સૂજબૂજ અને યુદ્ધ લડવાની રણનીતિઓના વખાણ કર્યા છે. તેમણે લખ્યું છે કે એ જોવું અદ્બુત છે કે તેઓ પોતાના સૈનિકોને લદ્દાખ અને બાલટીસ્તાન પર ૧૫,૦૦૦ ફૂટની ઊંચાઈએ લઈ ગયા જ્યાં ચોતરફ બરફ જ બરફ છે.

આ દરમિયાન, મહારાજા રણજીતસિંહના જે વંશજો શાસનમાં આવ્યા હતા તેમની કાનભંભેરણી પણ થઈ હતી કે ગુલાબસિંહ તેમના માટે જોખમરૂપ અને પડકારરૂપ છે. આથી ૧૮૪૪માં લાહોરના દરબારમાં ગુલાબસિંહ પાસે એ વખતે રૂ. ૨૭ લાખ માગવામાં આવ્યા! બ્રિટિશ અને શીખો વચ્ચે જે યુદ્ધ થયું તે પછી બ્રિટિશરોને લાગ્યું કે આટલા મોટા પ્રદેશ પર તે રાજ નહીં કરી શકે અથવા બીજા કોઈ કારણસર, પણ તેણે કાશ્મીર પ્રદેશ ગુલાબસિંહને રૂ. ૭૫ લાખની રકમ માટે, એમ કહો કે, વેચી દીધો! આ સંધિને ‘અમૃતસર સંધિ’ કહેવાય છે. આના પરિણામે ગુલાબસિંહે ઈ.સ. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં બ્રિટિશરોની મદદ કરી હતી. તેમણે કાશ્મીરી દળોને બ્રિટિશ વતી લડવા મોકલ્યા અને બ્રિટિશ મહિલા તથા બાળકોને કાશ્મીરમાં આશ્રય આપ્યો. આવા બહાદૂર ગુલાબસિંહનું નિધન ૩૦ જૂન, ૧૮૫૭ના રોજ થયું અને તેમના પછી મહારાજ રણબીરસિંહ શાસનમાં આવ્યા.

રણબીરસિંહને આદર્શ હિન્દુ શાસક તરીકે જોવામાં આવે છે. તેમના સમયમાં ગિલગીટ, અસ્તોર, હુન્ઝા-નગર જેવા પ્રદેશો જીતાયા હતા. કાશ્મીર પર અનેક પુસ્તકો લખનાર નરેન્દ્ર સેહગલે ‘વ્યથિત જમ્મુ-કાશ્મીર’ પુસ્તકમાં લખ્યું છે કે મહારાજા રણબીરસિંહ હિન્દુત્વ અને સંસ્કૃતમાં રૂચિ રાખનારા હતા. સંસ્કૃતના શિક્ષણ માટે તેમણે જમ્મુ-કાશ્મીરમાં અનેક કેન્દ્રો ખોલ્યાં. પુસ્તકાલયો બંધાવ્યાં. હિન્દુ જીવન મૂલ્યો જે મુસ્લિમ શાસકોના સમયમાં સાવ મૃતઃપ્રાય થઈ ગયા હતા તેનું ફરી સ્થાપન કરાવવા પ્રયાસ કર્યા. તેમણે અનેક મંદિરોનું નિર્માણ કરાવ્યું. આમ, હિન્દુત્વની લહેર જોઈ રિન્ચનથી માંડીને અનેક મુસ્લિમ શાસકોના સમયમાં જેમણે ભય કે લાલચથી ધર્મપરિવર્તન કર્યું હતું તેમને પુનઃ હિન્દુ ધર્મ અપનાવવાની (આજની ભાષામાં કહીએ તો ‘ઘરવાપસી’ની) તીવ્ર ઈચ્છા થઈ. રાજૌરીના કેટલાક રાજપૂત મુસ્લિમો તેમજ કાશ્મીરના કેટલાક મુસ્લિમોએ મહારાજા રણબીરસિંહના દરબારમાં પ્રાર્થના કરી કે તેમને ફરી હિન્દુ ધર્મમાં સમાવવામાં આવે.

ક્યારેક એવું લાગે છે કે કાશ્મીરી પંડિતો તેમની જ કરણીનું ફળ ભોગવે છે કેમ કે આપણે ગયા અઠવાડિયે જોયું હતું કે  રિન્ચનને હિન્દુ ધર્મ અપનાવવો હતો પરંતુ દેવસ્વામીએ તેની ના પાડી દીધી હતી. તો મહારાજા રણબીરસિંહના સમયમાં પણ હિન્દુત્વની લહેર જોઈ અનેક લોકો ફરી હિન્દુ ધર્મ અપનાવવા તૈયાર થયા, તેથી રણબીરસિંહે કાશ્મીરી પંડિતોને આ માટે પૂછ્યું તો આ અહંકારી અને આડંબરી પંડિતોએ સ્પષ્ટ ના પાડી દીધી. આમ, સંકુચિત મનોવૃત્તિના કારણે અનેક મુસ્લિમો જે મૂળ હિન્દુ જ હતા, તેઓ ફરી હિન્દુ ન બની શક્યા! મહારાજા રણબીરસિંહ ધારત તો આ મુસ્લિમોને હિન્દુ જાહેર કરી શકત, પરંતુ હિન્દુ શાસનમાં ધર્મ હંમેશાં સર્વોપરી રહ્યો છે. તેમની ઉપર જઈને કંઈ કરાતું નહોતું. મહારાજા રણબીરસિંહ પછી રાજા પ્રતાપસિંહ શાસનમાં આવ્યા પરંતુ તેમની સામે નાના ભાઈ અમરસિંહે વિરોધ કર્યો. જોકે બ્રિટિશ સરકાર રાજા પ્રતાપસિંહની તરફેણમાં રહી.

રાજા પ્રતાપસિંહ પછી રાજા હરિસિંહનું શાસન આવ્યું. સામાન્ય રીતે મનાય છે કે જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે તેમણે કાશ્મીરને સ્વતંત્ર રાખવાની તરફેણ કરી હતી. આવું કેમ થયું? અન્ય રાજાઓ જેવા તેઓ કેમ નહોતા? તેઓ કેમ કાશ્મીરને સ્વતંત્ર રાખવાની તરફેણ કરતા હતા? હરિસિંહ ખરેખર તો દેશભક્ત હતા. તેઓ દેશને સ્વતંત્ર કરવાની તરફેણમાં હતા, પરંતુ તેમના શાસન દરમિયાન તેમને શંકા હતી કે શેખ અબ્દુલ્લાની આગેવાની હેઠળ કાશ્મીરને આઝાદ કરવાની જે  મુસ્લિમોની ચળવળ ચાલતી હતી તેને કૉંગ્રેસના લોકો ટેકો આપે છે. વળી, તેઓ દ્વિરાષ્ટ્રની ઝીણાની થિયરી સાથે પણ સંમત નહોતા. હરિસિંહે પૂણેમાં વસવાટ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદને લખેલા પત્રમાં આ વાત સ્પષ્ટ ઝળકે છે.

જોકે પાકિસ્તાને આક્રમણ કર્યું ત્યારે તેમણે ભારત સાથે સંધિ કરી લીધી. આમ, જમ્મુ-કાશ્મીર ભારતનો હિસ્સો તો બન્યું, પણ તેને વિશેષ રાજ્યનો દરજ્જો કલમ ૩૭૦ દ્વારા મળ્યો.

આઝાદી પછી ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ કોઈ દેશ તરફ ઝુકાવ દેખીતો નહોતો રાખ્યો, પરંતુ અંદરખાને તેમનો ઝુકાવ સામ્યવાદના પ્રભાવ હેઠળ રશિયા તરફ હતો. તેમણે ‘નામ’ ચળવળ શરૂ કરી હતી જે આજે મૃતઃપ્રાય દશામાં છે અને તેને કોઈ સંભારતું પણ નથી. આ સારી વાત પણ હતી કેમ કે અમેરિકા કે રશિયા તરફ ઝુકવા કરતાં તટસ્થ રહેવું સારું એવો નહેરુનો વિચાર હતો જે યોગ્ય પણ હતો. પરંતુ કાશ્મીર પ્રશ્ને ૧૯૪૮માં તેમણે સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુનો, આજનું યુએન)માં જઈને મોટી ભૂલ કરી લીધી અને આ પ્રશ્નને આંતરરાષ્ટ્રીય પ્રશ્ન બનાવી નાખ્યો. મહારાજા ગુલાબસિંહે જે પ્રદેશો જીત્યા હતા તે ગિલગીટ, બાલટીસ્તાન અને કાશ્મીરનો એ હિસ્સો, જેને આજે પાકિસ્તાન આઝાદ કાશ્મીર તરીકે ઓળખાવે છે તે ૧૯૪૭માં પાકિસ્તાનના આક્રમણ બાદ આ યુનોમાં જવાના કારણે પાકિસ્તાન પાસે રહી ગયા અને કાયમનું શિરોદર્દ ઊભું થઈ ગયું. જમ્મુ-કાશ્મીર જાણે અલગ દેશ હોય તેવું થઈ ગયું. તેનું બંધારણ અલગ. ભારતે માત્ર તેની રખેવાળી કરવાની.

જમ્મુ-કાશ્મીર ભારતમાં ભળ્યું તે પછી મહેરચંદ મહાજન તેના પ્રથમ મુખ્યપ્રધાન બન્યા, પરંતુ નહેરુ અને સરદાર પટેલે કોઈ અગમ્ય કારણસર શેખ અબ્દુલ્લાને સત્તા આપવા મહાજનને કહી દીધું. શેખ અબ્દુલ્લા , તેમના દીકરા ફારુક અબ્દુલ્લા અને પૌત્ર ઓમર અબ્દુલ્લાએ કાશ્મીરને બરબાદ કરી નાખ્યું.

(ક્રમશ:)

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા. ૨૬/૪/૧૫ના રોજ આ લેખ છપાયો)

વાંચો ભાગ-૧ કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો

ભાગ-૩કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!

ભાગ-૪ નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!

ભાગ-૫ શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

ભાગ-૬ હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડયંત્ર

ભાગ-૭  ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

ભાગ-૮ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

ભાગ-૯- શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

ભાગ-૧૦ કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

ભાગ-૧૧ ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

ભાગ-૧૨ ઈન્દિરાની સભામાં ફારુકના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યા!

ભાગ-૧૩ કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

ભાગ-૧૪ ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ રાજભવનમાં રસપ્રદ ધડાધડી

ભાગ-૧૫ જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

ભાગ-૧૬ ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

ભાગ-૧૭ પાકિસ્તાનનું પ્રૉક્સી વોર અને ક્રિકેટ પોલિટિક્સ

ભાગ-૧૮ પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હારજા

ભાગ-૧૯ શાહબાનો કેસ: રાજીવના નિર્ણયથી કાશ્મીરમાં ઉજવણીનો માહોલ

ભાગ-૨૦ કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા

ભાગ-૨૧ કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.