(ભાગ-૩)

શેખ અબ્દુલ્લાનું પાત્ર પણ કાશ્મીરના ભાગ્યલલાટ પર લખાયેલું હતું. મહારાજા હરિસિંહ તો ભારતની સ્વતંત્રતાના પક્ષમાં હતા, પણ શેખ અબ્દુલ્લા નામનો આ માણસ ભારત સ્વતંત્ર થાય તે પહેલાં કાશ્મીરમાં સ્વતંત્રતાની લડત ચલાવતો હતો અને પં. જવાહરલાલ નહેરુ જે શેખ અબ્દુલ્લાને પોતાના ‘ભાઈ’ કહેતા તે શેખ અબ્દુલ્લાને ટેકો આપતા હતા. ગાંધીજી અને નહેરુ કહે તેમ કૉંગ્રેસ ચાલતી હતી. તેથી હરિસિંહે જમ્મુ-કાશ્મીર ભારતમાં વિલીન કરવામાં વાર લગાડી હોવાનું એક કારણ માનવામાં આવે છે.

હરિસિંહે શેખ અબ્દુલ્લાને તેમની વિદ્રોહી પ્રવૃત્તિ જેલમાં પૂરી દીધા હતા. જૂન, ૧૯૪૬માં શેખ અબ્દુલ્લાને મુક્ત કરાવવા માટે નહેરુએ કાશ્મીર જવાનું નક્કી કર્યું. હવે એક તરફ કાશ્મીરને ભારતમાં લાવવા માટે વિચારણા ચાલતી હોય એ વખતે તેના મહારાજા હરિસિંહની વિરુદ્ધ જવું કેટલું વાજબી ગણાય? પરંતુ નહેરુ જેમનું નામ. ફ્રેન્ચ લેખક અને ઇતિહાસકાર ક્લાઉડે અર્પીએ લખ્યું છે: નહેરુ માટે કાશ્મીર આખા દેશ કરતાં અગત્યનું હતું. તેમના પર જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશવા પર પ્રતિબંધ હતો પરંતુ તેઓ તેમ છતાં ત્યાં જવા માગતા હતા.

આપણે અગાઉ જોઈ ગયા છીએ કે જમ્મુ-કાશ્મીર રાજ્યને આટલું વિશાળ બનાવવાનું શ્રેય મહારાજા ગુલાબસિંહને અને પછી તેમના પુત્ર રણબીરસિંહને જાય છે. આ મામલો જૂનાગઢ કે હૈદરાબાદ જેવો નહોતો, તે નહેરુને સમજાયું નહીં. સરદાર પટેલ અને અન્ય સાથીઓએ નહેરુને કાશ્મીર ન જવા માટે સમજાવવા પ્રયાસ કર્યો કે બીજા તેના કરતાં પણ અગત્યના મામલા અહીં પડ્યા છે. તમે અહીં જ રહો.

કૉંગ્રેસના નેતા દ્વારકાપ્રસાદ (ડી. પી.) મિશ્રાને પત્રમાં સરદાર પટેલે લખ્યું: “તેમણે (નહેરુએ) તાજેતરમાં ઘણું બધું એવું કર્યું છે જેણે આપણને ભારે શરમમાં મૂક્યા છે. કાશ્મીરમાં તેમનાં પગલાં…લાગણીસભર પાગલપણાનાં છે. તે ઠીક કરવા આપણે ભારે પરિશ્રમ કરવો પડે છે…જોકે સ્વતંત્રતા માટે તેમના ઉત્સાહ અને જનૂન અભૂતપૂર્વ છે.”

હરિસિંહ અને નહેરુ વચ્ચે જે અંટસ શેખ અબ્દુલ્લાને કારણે પડી ગઈ હતી એ અંટસ બાદમાં એટલી હદ સુધી આગળ વધી કે હરિસિંહને જમ્મુ-કાશ્મીરમાંથી નીકળવું પડ્યું હતું. જ્યારે આવો જ પ્રશ્ન હૈદરાબાદનો હતો તો પણ હૈદરાબાદના નિઝામને ભારત સરકાર વર્ષે રૂ. એક કરોડ (આજે પણ એક કરોડની રકમ નાની નથી, તો એ વખતે તો કેટલી મોટી હશે?)નું સાલિયાણું અપાતું હતું! અહીં એ પણ નોંધવું જોઈએ કે શેખ અબ્દુલ્લા રઘુ રામ કૌલ નામના કાશ્મીરી પંડિતના વંશજ હતા. કૌલે ઈ.સ. ૧૭૨૨માં ઈસ્લામ અંગીકાર કરી લીધો હતો. આમ, એક રીતે જોઈએ તો, ઈસ્લામ કે ખ્રિસ્તી વટાળ પ્રવૃત્તિના કારણે આપણને ઘણું નુકસાન ગયું છે. કાશ્મીર આપણા હાથમાંથી ચાલ્યું ગયું હોય તેમ વર્ષોથી આપણને લાગ્યા કરે છે. તેનું બીજું કારણ નહેરુની ભૂલભરેલી નીતિ પણ હતી. સપ્ટેમ્બર, ૧૯૪૭માં મહારાજા હરિસિંહ જમ્મુ-કાશ્મીરને ભારતમાં ભેળવવા તૈયાર હતા, પરંતુ નહેરુએ તેને નકારી દીધું, કારણકે નહેરુ ઈચ્છતા હતા કે કાશ્મીરને ભારતમાં ભેળવવાનો યશ મહારાજા લઈ જાય તે ન ચાલે. તેનો યશ તેમને મળવો જોઈએ. કોઈ અગમ્ય કારણસર તેઓ શેખ અબ્દુલ્લાની તરફેણ કર્યા રાખતા હતા અને ઈચ્છતા હતા કે તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવે અને તેને રાજ્યના મુખ્યપ્રધાન બનાવવામાં આવે. મહારાજા આ વાત સાથે સંમત નહોતા.

ઑક્ટોબર, ૧૯૪૭માં આદિવાસીઓને આગળ કરીને પાકિસ્તાને આક્રમણ કરી દીધું અને લૂટફાટ, હત્યા અને બળાત્કારોનો ક્રૂર સિલસિલો ચાલ્યો. ૨૬ ઑક્ટોબરે તેઓ શ્રીનગરના સીમાડે પહોંચી ગયા. હરિસિંહ જમ્મુ-કાશ્મીરના રાજ્યને ભારતમાં ભેળવવા ફરી તૈયાર થઈ ગયા.

હવે આપણે ભૂલ એ પણ કરી હતી કે સ્વતંત્ર થયા પછી ગવર્નર જનરલ તરીકે માઉન્ટબેટનને (આપણે તેમને લોર્ડ કહેવાનું બંધ કરવું જોઈએ) રાખ્યા હતા. જ્યારે પાકિસ્તાનમાં મોહમ્મદ અલી ઝીણાએ આવું કંઈ કર્યું નહોતું. તેમણે બધું પોતાના હાથમાં જ રાખ્યું હતું.

પ્રેમશંકર ઝા નામના લેખકે ‘કાશ્મીર ૧૯૪૭: રાઇવલ વર્ઝન્સ ઑફ હિસ્ટરી’ નામના પુસ્તકમાં કાશ્મીરના ઉકળતા પ્રશ્ન અંગે ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ સામ માણેકશાનો ઇન્ટરવ્યૂ ટાંક્યો છે. માણેકશાએ કહ્યું કે “પાકિસ્તાને આદિવાસીઓને આગળ ધરીને આક્રમણ કરી દીધું હતું. તેઓ લૂટફાટ અને બળાત્કારો કરતા હતા. તેમણે મારી જ રૅન્કના કર્નલ ડાઇક્સની હત્યા કરી દીધી હતી. મહારાજાની સેનામાં ૫૦ ટકા મુસ્લિમો હતા અને ૫૦ ટકા ડોગરા હતા. આ ૫૦ ટકા મુસ્લિમો એ વખતે પાકિસ્તાન તરફે ભળી ગયા હતા. ભારતની સેના એરપોર્ટ પર તૈયાર હતી, માત્ર આદેશની જ વાર હતી.”

અત્રે એ પણ નોંધવું જોઈએ કે પાકિસ્તાનના આક્રમણે માત્ર હિન્દુઓને જ લક્ષ્ય બનાવ્યા નહોતા. સ્પેનની એક નન સિસ્ટર એમ. ટેરેસલિના જોઆક્વિના પણ બારામુલ્લામાં મારી ગઈ હતી.

આપણે ઘણી વાર કાશ્મીર પ્રશ્નમાં મહારાજા હરિસિંહનો વાંક જોઈએ છીએ, પણ સામ માણેકશાએ પ્રેમશંકર ઝાને કહ્યું હતું તે જો વાંચીએ તો હરિસિંહ પર માન થાય. તેમણે પાકિસ્તાન સામે પોતે લડવાની તૈયારી બતાવી હતી. સામ માણેકશાની વાત આગળ વાંચો: “મહારાજા એક રૂમમાંથી બીજા રૂમમાં દોડાદોડી કરતા હતા…મેં મારી જિંદગીમાં આટલાં બધાં ઘરેણાં ક્યારેય જોયાં નહોતાં. મહારાજાએ કહ્યું: “સારું…જો ભારત મને મદદ નહીં કરે તો હું જઈશ અને મારી સેના સાથે લડીશ.” મેં કહ્યું: “તેનાથી તમારી સેનાનું મનોબળ વધશે, સર.” છેવટે મહારાજા હરિસિંહે વિલિનીકરણના કાગળો પર સહી કરી દીધી. આ કાગળો સાથે (આઈએએસ અધિકારી) વી. પી. મેનન અને હું દિલ્હી પાછા ફર્યા.”

દિલ્હી પર આવતા વેંત સંદેશો મળ્યો કે દાઢી કરી નાખો, રાત્રે ૯ વાગે કેબિનેટ બેઠક છે. માઉન્ટબેટનની અધ્યક્ષતામાં બેઠક મળી રહી હતી. બેઠકમાં નહેરુ, ગૃહ પ્રધાન સરદાર પટેલ, સંરક્ષણ મંત્રી સરદાર બલદેવસિંહ સહિત મંત્રીઓ હાજર હતા.  માઉન્ટબેટને માણેકશા પાસે જમ્મુ-કાશ્મીરની સૈન્ય સ્થિતિ શું છે તેનો અહેવાલ પૂછ્યો, માણેકશાએ રિપોર્ટિંગ કર્યું અને કહ્યું કે જો સેના મોકલવામાં નહીં આવે તો આપણે શ્રીનગર ગુમાવી દઈશું.

હવે નહેરુની લુચ્ચાઈ કહો તો લુચ્ચાઈ, મૂર્ખતા કહો તો મૂર્ખતા કે પછી જે શબ્દોમાં તમારે આ કૃત્યને ફિટ બેસાડવું હોય તેમાં બેસાડી શકો, પણ તેઓ આવી ઇમર્જન્સી બેઠકમાં અને આવી સ્થિતિમાં પણ સંયુક્ત રાષ્ટ્રો, રશિયા, આફ્રિકા, ભગવાન વગેરે વિશે વાતો કરતા રહ્યા! છેવટે સરદાર પટેલે તેમનો પિત્તો ગુમાવ્યો. તેમણે કહ્યું, “જવાહરલાલ, તમારે કાશ્મીર જોઈએ છે કે પછી તમે તેને જવા દેવા માગો છો?” નહેરુએ કહ્યું: “હા. મારે કાશ્મીર જોઈએ છે.” તે પછી સરદાર પટેલે કહ્યું: “તમારો આદેશ આપો.” નહેરુ હજી કંઈ બોલે તે પહેલાં તો સરદારે સામ માણેકશા તરફ ફરીને કહી દીધું: “તમને તમારા આદેશ મળી ગયા છે.”

આ બનાવ બતાવે છે કે નહેરુ કટોકટીની સ્થિતિમાં કેટલા બોદા હતા. જો તેમને કાશ્મીર એટલું જ વહાલું હોત તો આ વખતે તેમણે આદેશ આપવામાં સહેજેય વાર ન લગાડી હોત કેમ કે સામ માણેકશા જ્યારે શ્રીનગરથી દિલ્હી આવવા રવાના થયા ત્યારે તેમને છોડવા માટે આવનાર અમુક લોકોમાં શેખ અબ્દુલ્લા પણ હતા. એટલે કે શેખ અબ્દુલ્લાને છોડાવવાનો પ્રશ્ન રહ્યો નહોતો. નહેરુ શું એ નહોતા જાણતા કે લગ્ન હોય ત્યારે મરશિયાં ન ગવાય? કાશ્મીરનો સળગતો પ્રશ્ન હોય, પાકિસ્તાને આક્રમણ કરી દીધું હોય ત્યારે સંયુક્ત રાષ્ટ્રો, રશિયા, આફ્રિકા, ભગવાન…આ બધી બાબતોને તડકે મૂકવાની હોય.

કાશ્મીરનો પ્રશ્ન સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવાની ગેરમાર્ગે દોરતી અને બ્રિટન- અમેરિકાનાં હિતોને પોષતી સલાહ માઉન્ટબેટને જ નહેરુને આપી હતી. જે રીતે નહેરુ લાગણીથી શેખ અબ્દુલ્લા સાથે જોડાયેલા હતા તે જ રીતે તેઓ માઉન્ટબેટન સાથે પણ જોડાયેલા હતા. (ચર્ચાતી વાત મુજબ, તેમની પત્ની સાથે) ડિસેમ્બર, ૧૯૪૭માં માઉન્ટબેટને નહેરુને સંયુક્ત રાષ્ટ્રો માટે સમજાવી લીધા. એ વખતે સરદાર પટેલને હાંસિયા પર ધકેલી દેવામાં આવ્યા હતા. બધાં રજવાડાં તેમણે એક કરી દીધા હતા પણ કાશ્મીર પ્રશ્ને તેમની અવગણના કરાઈ રહી હતી. તે જોઈને તેઓ રાજીનામું આપવા પણ તૈયાર થઈ ગયા હતા, પરંતુ કોઈએ (મોટા ભાગે ગાંધીજીએ) તેમને રાજીનામું ન આપવા મનાવી લીધા. સંયુક્ત રાષ્ટ્રોમાં ભારતના હિતની અવગણના કરાઈ રહી હતી અને કાશ્મીરમાં લોકમત માટેનો પ્રસ્તાવ કરી દેવાયો.

હવે ફરી ભૂતકાળ તરફ જઈએ અને શેખ અબ્દુલ્લાને જાણવાનો પ્રયાસ કરીએ.

અગાઉ કહ્યું તેમ, મહારાજા હરિસિંહના શાસનકાળ સામે શેખ અબ્દુલ્લાએ વિદ્રોહ કર્યો હતો અને ૧૯૩૨માં કાશ્મીર મુસ્લિમ કૉન્ફરન્સ નામનો પક્ષ રચી દીધો હતો. આમ, શેખ અબ્દુલ્લાનું ધ્યેય માત્ર કાશ્મીરના મુસ્લિમો માટે જ સ્વતંત્રતાનું હતું અને તેમની સ્પષ્ટ ઈચ્છા કાશ્મીરમાં સત્તા મેળવવાની હતી. પક્ષના આ નામમાંથી સાંપ્રદાયિકતાની દુર્ગંધ આવતી હોવાથી તે નહીં ચાલે તેમ નહેરુને લાગતા તેમના કહેવાથી શેખ અબ્દુલ્લાએ પક્ષનું નામ ૧૯૩૮માં બદલીને નેશનલ કૉન્ફરન્સ કરી નાખ્યું હતું અને કેટલાક હિન્દુઓને પણ પક્ષમાં જોડ્યા હતા. શેખ અબ્દુલ્લા ૧૯૩૭માં નહેરુને પહેલી વાર મળ્યા હતા.

ભારતમાં આસામ, નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ગોવા જેવાં અનેક રાજ્યો પાછળથી ભળ્યાં. સિક્કિમમાં પણ અમુક અંશે કાશ્મીર જેવી જ પરિસ્થિતિ હતી, પણ તેમ છતાં તેને યેનકેન પ્રકારેણ પહેલાં ‘સંલગ્ન રાજ્ય’ તરીકે અને બાદમાં પૂર્ણ રાજ્ય તરીકે જોડવામાં આવ્યું. પરંતુ કાશ્મીર માટે અલગ જોગવાઈ કરતી કલમ ૩૭૦ આજ સુધી ચાલુ છે. એના મૂળમાં શેખ અબ્દુલ્લા હતા.

૨૭ ઑક્ટોબર, ૧૯૪૭ના રોજ શેખ અબ્દુલ્લાએ જે ભાષણ આપ્યું તેમાં કાશ્મીરને ભારત કે પાકિસ્તાનથી સ્વતંત્ર રાખવાની ગંધ આવતી હતી. તેમણે કહ્યું હતું: “આપણે રાખમાંથી કાશ્મીરનો તાજ મેળવ્યો છે. આપણે ભારત સાથે રહીએ કે પાકિસ્તાન સાથે, તે અલગ વાત છે, આપણો મુખ્ય હેતુ સ્વતંત્રતા મેળવવાનો છે.” આમ, શેખ અબ્દુલ્લાના શબ્દોમાં, તેમણે રાખમાંથી કાશ્મીરનો તાજ ઉઠાવ્યો અને કાશ્મીરને રાખમાં મેળવવા પ્રયાસ કરે રાખ્યા. ‘જમ્મુ-કાશ્મીર’ પુસ્તકમાં નરેન્દ્ર સેહગલે લખ્યા મુજબ, જ્યારે ભારતીય સેના શ્રીનગર પાછું મેળવ્યા પછી, મીરપુર, કોટલી અને ભીમ્બાર તરફ આગે કૂચ કરતી હતી ત્યારે શેખ અબ્દુલ્લાએ તેને અટકાવી પરિણામ એ આવ્યું કે સેંકડો હિન્દુઓની ક્રૂર હત્યા થઈ. ભારતીય દળોના ચીફ કમાન્ડર જનરલ પરાંજપેએ આ બાબતે નહેરુનું ધ્યાન દોર્યું તો નહેરુએ જવાબ આપ્યો: શેખસાહેબ કહે તેમ કરો!

જ્યારે ભારતીય દળો પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરને છોડાવવા આગળ વધી રહ્યા હતા અને વિજયમાં કેટલાક કલાકોની જ વાર હતી ત્યારે નહેરુએ શેખ અબ્દુલ્લાના કહેવાથી એકતરફી રીતે યુદ્ધવિરામ ઘોષિત કરી દીધો! પરિણામે કાશ્મીરનો અમુક પ્રદેશ પાકિસ્તાનના કબજામાં જ રહી ગયો. જાણીતા લેખક ડૉ. ગૌરીનાથ રસ્તોગીએ લખ્યું છે કે શેખ અબ્દુલ્લાને જમ્મુ-કાશ્મીર-લદ્દાખની સુરક્ષાની ચિંતા નહોતી, તેમને તો માત્ર કાશ્મીરની જ પડી હતી.

એ વખતે શેખ અબ્દુલ્લાના હાડોહાડ મુસ્લિમ તરફી માનસથી ધૂંધવાયેલા મહારાજા હરિસિંહે ભારતના ગૃહ પ્રધાન સરદાર પટેલને પત્ર લખ્યો હતો: “ભારતીય સેના હજુ પણ અમુક પ્રદેશો પાકિસ્તાનના કબજામાંથી છોડાવી શકી નથી…આ સંજોગોમાં મારી સ્થિતિ દયાજનક છે. મેં તો ભારતીય સંઘ (ભારત)ને પૂરેપૂરો સહયોગ આપ્યો છે… પણ જો આ પ્રદેશો પાકિસ્તાનને જ આપવાના હોય તો (જમ્મુ-કાશ્મીરના) ભારતમાં વિલિનીકરણનો કોઈ અર્થ રહેતો નથી. હું ભારતીય દળોનો કમાન્ડ મારા હાથમાં લેવા તૈયાર છું, કારણકે તમારા જનરલો કદાચ આ દેશને (જમ્મુ-કાશ્મીરને) સારી રીતે નહીં જાણતા હોય, પરંતુ મારા માટે તો તે જાણીતો છે.” જમ્મુ-કાશ્મીરના પહેલા મુખ્યપ્રધાન ગણાતા મહેરચંદ મહાજને પણ સરદાર પટેલને પત્ર લખી મહારાજાના આક્રોશને વ્યક્ત કર્યો હતો. તેમાં તેમણે લખ્યું હતું કે શેખ અબ્દુલ્લા હવે મહારાજાની આજ્ઞા જરીકેય પાળતા નથી…તેમનો (શેખનો) અભિગમ કોમવાદી છે. પણ વિધિની વક્રતા એ હતી કે આખા ભારતને એક કરનાર, ૬૨૫ નાનાંમોટાં રજવાડાંને ભારતમાં લાવી શકનાર સરદાર પટેલ કાશ્મીર બાબતે સંપૂર્ણ નિઃસહાય હતા!

જમ્મુ-કાશ્મીર ભારતમાં ભળ્યા પછી શેખ અબ્દુલ્લા રાજ્યના મુખ્યપ્રધાન નહીં, વઝીર-એ-આઝમ (વડા પ્રધાન) બની ગયા. કાશ્મીરમાં ભારતનું બંધારણ લાગુ પડતું નહોતું. રાજ્યનો ધ્વજ તીરંગો નહોતો પરંતુ નેશનલ કૉન્ફરન્સનો ધ્વજ હતો! (હમણાં મુફ્તી મોહમ્મદ સઈદ કાશ્મીરના મુખ્યપ્રધાન બન્યા ત્યારે પણ બે ધ્વજ જોવામાં આવ્યા હશે. બોલો, બીજા કોઈ રાજ્યમાં આવું બની શકે?) સરદાર પોતે પણ આ સમસ્યા બાબતે કંઈ કરી શક્યા નહીં તો પછી તેમના મૃત્યુ પછી તો કોઈ સરદાર જેવું પાક્યું જ નથી. કાશ્મીરની સમસ્યાને કોણ ઉકેલશે?

(ક્રમશ:)

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૩/૫/૧૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો.)

વાંચો ભાગ-૧ કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો

ભાગ-૨  કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

ભાગ-૪ નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!

ભાગ-૫ શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

ભાગ-૬ હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડયંત્ર

ભાગ-૭  ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

ભાગ-૮ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

ભાગ-૯- શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

ભાગ-૧૦ કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

ભાગ-૧૧ ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

ભાગ-૧૨ ઈન્દિરાની સભામાં ફારુકના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યા!

ભાગ-૧૩ કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

ભાગ-૧૪ ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ રાજભવનમાં રસપ્રદ ધડાધડી

ભાગ-૧૫ જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

ભાગ-૧૬ ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

ભાગ-૧૭ પાકિસ્તાનનું પ્રૉક્સી વોર અને ક્રિકેટ પોલિટિક્સ

ભાગ-૧૮ પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હારજા

ભાગ-૧૯ શાહબાનો કેસ: રાજીવના નિર્ણયથી કાશ્મીરમાં ઉજવણીનો માહોલ

ભાગ-૨૦ કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા

ભાગ-૨૧ કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

2 thoughts on “કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.