(ભાગ-૪)

કલમ ૩૭૦ શેખ અબ્દુલ્લા અને જવાહરલાલ નહેરુની સંતલસથી ઘડાઈ હતી. નહેરુએ સરદાર પટેલને કાશ્મીર મામલે પહેલેથી દૂર જ રાખ્યા હતા. એ તો ગયા અંકે આપણે જોયું તેમ સરદાર પટેલે ભારતીય સેના મોકલવાના આદેશ નહેરુ પાસેથી લેવડાવ્યા (લેવડાવ્યા શબ્દ પર ધ્યાન આપવા જેવું છે) નહીં તો શ્રીનગર આપણે ગુમાવી બેઠા હોત. નહેરુએ જોકે કહ્યું હતું કે કલમ ૩૭૦ એ કામચલાઉ જોગવાઈ છે, પરંતુ દલિતોને અનામતની જેમ કલમ ૩૭૦ની કામચલાઉ જોગવાઈ પણ કાયમી બની ગઈ.

બંધારણના ઘડવૈયા ડૉ. બી. આર. આંબેડકર પણ કલમ ૩૭૦ની વિરુદ્ધ હતા. તેમણે શેખ અબ્દુલ્લાને કહેલું: “તમે ઈચ્છો છો કે ભારત તમારી સરહદોની રક્ષા કરે, તમારા વિસ્તારમાં રસ્તાઓ બાંધે, તમને અનાજ પૂરું પાડે, અને કાશ્મીરને ભારતમાં સમાન દરજ્જો મળે. પરંતુ ભારતની સરકારને મર્યાદિત સત્તાઓ હશે અને ભારતના લોકોને જમ્મુ-કાશ્મીરમાં કોઈ અધિકાર નહીં હોય. આ (કલમની) દરખાસ્તને મંજૂરી આપવી એ ભારતનાં હિતો સામે વિશ્વાસઘાત જેવું હશે અને કાયદા પ્રધાન તરીકે હું ક્યારેય તેમ નહીં કરું. ”

આથી નહેરુ ગોપાલસ્વામી અયંગરને લઈ આવ્યા. આ અયંગર થનજવુર બ્રાહ્મણ હતા, આઝાદી પછી પ્રથમ કેન્દ્રીય મંત્રીમંડળમાં ખાતા વિનાના પ્રધાન હતા! જમ્મુ-કાશ્મીરના મહારાજા હરિસિંહના પૂર્વ દીવાન હતા. કલમ ૩૭૦નો મુસદ્દો ઘડવામાં અયંગરની પણ મહત્ત્વની ભૂમિકા રહી છે. સરદાર પટેલે જ્યારે આ અંગે  વિરોધ કર્યો ત્યારે ૨૭ ડિસેમ્બર, ૧૯૪૭ના રોજ નહેરુનો જવાબ આવો હતો:

“…અયંગરને કાશ્મીરની બાબતમાં મદદ કરવા વિશેષરૂપે કહેવાયું છે….મને ખરેખર ખબર નથી કે રાજ્યોનું મંત્રાલય (એટલે કે સરદાર પટેલનું મંત્રાલય) આમાં ક્યાં ચિત્રમાં આવે છે, સિવાય કે જે પગલાં લેવાય તેની તેને જાણ કરવાની હોય. આ બધું મારા કહેવાથી થાય છે અને હું જે બાબતમાં મારી જાતને જવાબદાર સમજતો હોઉં તે બાબત સ્વેચ્છાએ છોડવા હું દરખાસ્ત કરતો નથી.” આનો અર્થ એ થયો કે કલમ ૩૭૦થી માંડીને કાશ્મીરમાં જે કંઈ થયું તે નહેરુએ પોતાની મનમરજીથી, શેખ અબ્દુલ્લા જેટલું પાણી પીવડાવે તેટલું પીને કર્યું હતું અને એટલે જ કાશ્મીરની જે કંઈ પરિસ્થિતિ સર્જાઈ તે માટે એક માત્ર જવાબદાર હોય તો તે નિઃશંક ભારતના પ્રથમ વડા પ્રધાન અને કૉંગ્રેસના નેતા જવાહરલાલ નહેરુ જ ગણાય. જોકે, સરદાર પટેલના અવસાન બાદ નહેરુએ બદમાશી કરી આ જવાબદારી સરદારના નામે નાખવાની, સત્તાવાર વાયડાઈ કરી હતી.

એ વાત પણ સત્ય છે કે જ્યારે કલમ ૩૭૦ને મંજૂર કરાવવાની વાત આવી ત્યારે નહેરુ અમેરિકામાં સંસદ (કૉંગ્રેસ)ને સંબોધી રહ્યા હતા. એટલે તેમણે કલમ મંજૂરીની ખો સરદાર પટેલને આપી દીધી! તેમણે નીચી મુંડી કરીને સરદારને વિનંતી કરી કે આ કલમ મંજૂર કરાવી લો. સરદારે પણ શિસ્તબદ્ધ સિપાહીની જેમ આ કાર્ય કરી બતાવ્યું. જ્યારે અયંગરે કૉંગ્રેસ સંસદીય પક્ષમાં કલમ ૩૭૦નો મુસદ્દો વાંચ્યો ત્યારે કૉંગ્રેસીઓએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો! સરદારે આંતરરાષ્ટ્રીય સંબંધો અને કાશ્મીરની સ્થિતિનો હવાલો આપીને બંધારણ સભા અને કૉંગ્રેસ કારોબારીના સભ્યોને મનાવી લીધા. જોકે ‘માય રેમિનિસન્સ’ પુસ્તક લખનાર વી. શંકર (તેઓ તે વખતે ગૃહ મંત્રાલયના ખાનગી સચિવ હતા)ને સરદાર પટેલે કહ્યું હતું : “વો (જવાહરલાલ) રોયેગા.” પરંતુ નહેરુ કેટલા લુચ્ચા હતા તે જુઓ. જે સરદારે તેમને કલમ ૩૭૦ મંજૂર કરાવી આપી તેમના નામે જ આ કૃત્ય પાછળથી ચડાવી દીધું! ભાજપના નેતા એલ. કે. અડવાણીએ સંસદના રેકોર્ડનો આધાર આપીને લખ્યું છે કે ૨૪ જુલાઈ, ૧૯૫૨ના રોજ, જ્યારે સરદાર હવે હયાત નહોતા ત્યારે લોકસભામાં કલમ ૩૭૦નો બચાવ કરતાં નહેરુએ જે વાતો કહી તેમાં અન્ય વાતો ઉપરાંત એક વાત આ હતી કે આ કલમ સરદાર પટેલનું યોગદાન છે! બોલો, આનાથી મોટું જુઠાણું બીજું કયું હોઈ શકે?

હવે આ કલમ ૩૭૦મી કેવી છે? બંધારણના ભાગ ૨૧મામાં આ કલમ આપેલી છે. આ કલમને નાબૂદ કરવી હોય તો રાષ્ટ્રપતિ તેને નાબૂદ કરી શકે, પરંતુ તે માટે પણ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની મંજૂરી જોઈએ! તેમ તેનો ત્રીજો પેટા નિયમ (ક્લૉઝ) કહે છે. ત્યાંની સરકાર જ અલગતાવાદીઓ તરફી ચૂંટાઈ આવે છે ત્યારે તે પોતાની સ્વાયત્તતા શા માટે ગુમાવવા તૈયાર થાય? જો કૉંગ્રેસ કે ભાજપ જેવા પક્ષની સરકાર આવે તો જ આ શક્ય બને. કૉંગ્રેસ શરૂઆતમાં  કલમની વિરુદ્ધ હતી પણ સરદારે સમજાવી દીધા પછીથી તેણે વિરોધ છોડી દીધો! આથી કલમને દૂર કરવા માટે એકલા ભાજપની સરકાર ત્યાં બને તો જ આ થાય, જે હાલની પળે શક્ય લાગતું નથી.

કલમ ૩૭૦ મુજબ, ભારતીય સંસદ જે કાયદાઓ ઘડે તેને જો જમ્મુ-કાશ્મીરની સરકાર મંજૂરી ન આપે તો તે આ રાજ્યમાં લાગુ ન થઈ શકે. આનો સીધો સાદો અર્થ એ કે તે કેન્દ્ર સરકારને પણ ઉપરવટ જઈ શકે. આમ તો આપણે ત્યાં સમવાયી (ફેડરલ) બંધારણ છે, પરંતુ આપણા દેશમાં કેટલીક મહત્ત્વની બાબતમાં રાજ્ય કરતાં કેન્દ્ર જ સર્વોપરી મનાયું છે. અને એ જરૂરી પણ છે. પરંતુ કાશ્મીર બાબતે કમનસીબે આવું નથી. કલમ ૩૭૦ મુજબ, કાશ્મીરનું બંધારણ અલગ, તેનો ધ્વજ અલગ અને બેવડું નાગરિકત્વ છે. ભારતીય નાગરિકોને જે મૂળભૂત અધિકારો મળેલા છે તે કરતાં જમ્મુ-કાશ્મીરના નાગરિકોના મૂળભૂત અધિકારો અલગ છે. માનો કે ભારત સામે યુદ્ધ છેડાય કે કાશ્મીરમાં ગંભીર કટોકટી સર્જાય તો પણ રાષ્ટ્રપતિ જેમ દેશનાં અન્ય રાજ્યોની સરકારને બરખાસ્ત કરી શકે તેમ કાશ્મીરની સરકારને બરખાસ્ત કરી શકતા નથી. જોકે એનો રસ્તો કાઢવામાં આવ્યો છે. રાજ્યના બંધારણની કલમ ૯૨ મુજબ, રાજ્યપાલનું શાસન લાગુ કરી શકાય છે અને આ છટકબારી દ્વારા ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું છે. આ ઉપરાંત, કેન્દ્રના કાયદાઓ, વેરા વગેરે કાશ્મીરમાં લાગુ પડતા નથી.

જોકે, વિદ્વાન અને જમ્મુની યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અમિતાભ મટ્ટુ અનુસાર, કલમ ૩૭૦ તેના મૂળ રૂપમાં રહી જ નથી. બંધારણ સભામાં જે સ્વાયત્તતાની કલ્પના કરવામાં આવી હતી તે નથી. એક લેખમાં તેમણે લખ્યું છે કે શ્રેણીબદ્ધ રાષ્ટ્રપતિ આદેશોના કારણે ૩૭૦મી કલમ આમ તો ઘણા અંશે નાબૂદ થઈ ચુકી છે. ૧૯૫૨ પછીના શ્રેણીબદ્ધ રાષ્ટ્રપતિ આદેશોના કારણે કેન્દ્રીય કાયદાઓ કાશ્મીરમાં પણ લાગુ થઈ શકે છે.  જે તફાવત છે તે ત્યાંના કાયમી રહેવાસીઓ અને તેના અધિકાર, આંતરિક અશાંતિના આધારે ત્યાં રાજ્ય સરકારની મંજૂરી વગર કટોકટી લાગુ કરી શકાતી નથી, રાજ્ય વિધાનસભાની મંજૂરી વગર તેના નામ અને સરહદોમાં ફેરફાર કરી શકાતા નથી. ત્યાંની સ્ત્રીઓને સંપત્તિના અધિકાર નથી.

કલમ ૩૭૦ જેવી બીજી કલમો પણ કેટલાંક રાજ્યો માટે લાવવામાં આવી હતી (દા.ત. ૩૭૧-એ નાગાલેન્ડ માટેની વિશેષ જોગવાઈ છે), પરંતુ આ કલમ એટલા માટે અલગ પડે છે કે તે આજે પણ  ચાલુ રહી છે જ્યારે ૩૭૧-એથી લઈને ૩૭૧-આઈ લગભગ નાબૂદ જેવી છે.

હજુ કલમ ૩૭૦મી ઓછી પડતી હોય તેમ ઈ.સ. ૧૯૫૨માં નહેરુ અને શેખ અબ્દુલ્લાએ એક બીજી સમજૂતી કરી જેને ૧૯૫૨ની દિલ્હી સમજૂતી અથવા એગ્રીમેન્ટ તરીકે ઓળખાય છે. આ સમજૂતી કેવી હતી? ૧. તમામ રાજ્યો માટે કાયદો રચવાની અવશિષ્ટ સત્તાઓ કેન્દ્ર પાસે હોય, પણ કાશ્મીર બાબતમાં તેમ નહીં હોય. ૨. કાશ્મીરના લોકો ભારતના નાગરિક તો ગણાશે પરંતુ તેમને વિશેષ અધિકારો અને વિશેષાધિકારો (પ્રિવિલેજ) આપવા તે રાજ્યનો વિષય ગણાશે. ૩. જમીન સુધારા માટે કાશ્મીરમાં મૂળભૂત અધિકારો લાગુ નહીં પડે. ૪. રાજ્યમાં બૉર્ડ ઑફ જ્યુડિશિયલ ઍડ્વાઇઝર હતું તેથી સુપ્રીમ કૉર્ટ પાસે માત્ર એપેલેટ જ્યુરિસ્ડિક્શન જ રહશે. ૫. અન્ય રાજ્યોની સરકારને બરતરફ કરવી હોય તો ૩૫૬મી કલમ લાગુ કરી શકાય, પણ કાશ્મીરમાં નહીં.

એ વખતે નહેરુ સર્વસત્તાધીશ જેવા હતા એટલે તેમની સામે કોઈ થાય તેમ નહોતું. જમ્મુ-કાશ્મીરમાં પણ શેખ અબ્દુલ્લાનો ડંકો વાગતો હતો. આવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રેરણાથી ‘પ્રજા પરિષદ’ નામનો પક્ષ રચાયો અને તેણે કલમ ૩૭૦ તેમજ શેખ અબ્દુલ્લાની હિન્દુ વિરોધી માનસિકતાનો વિરોધ શરૂ કર્યો. આ પક્ષે નવેમ્બર ૧૯૫૨થી સત્યાગ્રહ શરૂ કર્યો. આ તરફ ૧૯૫૦માં ભારત-પાકિસ્તાન વચ્ચેની દિલ્હી સંધિના વિરોધમાં નહેરુ સરકારમાં ઉદ્યોગ પ્રધાન અને હિન્દુવાદી ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીએ રાજીનામું આપી દીધું હતું. તેમણે ભારતીય જનસંઘ નામના હિન્દુવાદી પક્ષની સ્થાપના કરી હતી. હવે તેઓ પણ શેખ અબ્દુલ્લાના વિરોધમાં જોડાયા હતા. ૧૯૫૩માં અસહકારની ચળવળ શરૂ થઈ. એ વખતે સત્યાગ્રહીઓ પર તડાપીટ બોલાવવામાં અબ્દુલ્લા સરકારે કોઈ માનવતા રાખી નહોતી. પોલીસ ગોળીબારમાં અનેકોનાં મોત થયાં. સત્યાગ્રહીઓના ઘરે જઈ પોલીસ તેમને મારતી. જેલમાં પુરાયેલા સત્યાગ્રહીઓ પર અનેક પ્રકારના અત્યાચાર થતાં. આ અત્યાચારો સામે પ્રજા પરિષદના નેતાઓ દિલ્હીમાં તમામ રાજકીય પક્ષો, સાંસદો અને મિડિયાને મળ્યા અને તેમને કાશ્મીરની સ્થિતિની જાણ કરી. પરંતુ નહેરુએ તેમને મળવાની ના પાડી દીધી. જોકે જમ્મુની બે મહિલા નેતાઓ શક્તિ શર્મા અને સુશીલા માંગી વિજયા લક્ષ્મી પંડિત, ઈન્દિરા ગાંધી, ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીને મળ્યાં અને પરિસ્થિતિથી તેમને અવગત કર્યાં. છેવટે સાંસદોની બેઠક મળી અને તેમના આગ્રહથી નહેરુ આ નેતાઓને મળવા તૈયાર થયા. જોકે તે પછી પણ તેમણે આ ક્રૂરતા અને અત્યાચાર અટકાવવા કોઈ પગલાં ન લીધાં.

હવે આ તરફ, શેખ અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરમાં એવો કાયદો કે નિયમ, જે કહો તે, કર્યો હતો કે ભારતના (એટલે કે કાશ્મીર સિવાયના રાજ્યના) નાગરિકોએ જમ્મુ-કાશ્મીરમાં આવવું હોય તો પરમિટ લેવી પડે! એક રીતે, વિઝા જેવું! અરે! ભારતના રાષ્ટ્રપતિએ પણ કાશ્મીરમાં જવું હોય તો શેખ અબ્દુલ્લાની મંજૂરી વગર ન જઈ શકે! આ તરફ અબ્દુલ્લા વિરોધી આંદોલન સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યું હતું. ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી જમ્મુ જવા રવાના થઈ રહ્યા હતા. તેમણે ઘોષણા કરી હતી કે હું રાષ્ટ્રની એકતા માટે મારા પ્રાણનો પણ ભોગ આપી દઈશ.

શ્યામાપ્રસાદ મુખરજીએ પરમિટ વગર જમ્મુ-કાશ્મીરમાં જવાનું નક્કી કર્યું અને તેમણે ઘોષણા કરી: એક દેશ મેં દો વિધાન (બંધારણ), દો પ્રધાન (વડા પ્રધાન) ઔર દો નિશાન (બે રાષ્ટ્રધ્વજ) નહીં ચલેંગે. મુખરજી સાથે જનારામાં એક હતા, ભારતના પૂર્વ વડા પ્રધાન અને હવે ભારતરત્ન અટલ બિહારી વાજપેયી…

(ક્રમશઃ)

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૦/૫/૧૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો.)

વાંચો ભાગ-૧ કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો

ભાગ-૨ કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

ભાગ-૩કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!

ભાગ-૫ શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

ભાગ-૬ હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડયંત્ર

ભાગ-૭  ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

ભાગ-૮ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

ભાગ-૯- શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

ભાગ-૧૦ કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

ભાગ-૧૧ ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

ભાગ-૧૨ ઈન્દિરાની સભામાં ફારુકના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યા!

ભાગ-૧૩ કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

ભાગ-૧૪ ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ રાજભવનમાં રસપ્રદ ધડાધડી

ભાગ-૧૫ જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

ભાગ-૧૬ ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

ભાગ-૧૭ પાકિસ્તાનનું પ્રૉક્સી વોર અને ક્રિકેટ પોલિટિક્સ

ભાગ-૧૮ પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હારજા

ભાગ-૧૯ શાહબાનો કેસ: રાજીવના નિર્ણયથી કાશ્મીરમાં ઉજવણીનો માહોલ

ભાગ-૨૦ કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા

ભાગ-૨૧ કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.