gujarat guardian, politics

રાહુલ ખેડૂત, યુવા અને હિન્દુઓને સાધવા માગે છે

એક બાજુ ૫૬ની છાતીનો દાવો કરતા નરેન્દ્ર મોદી છે અને  બીજી બાજુ હવે ૫૬ દિવસનું વેકેશન, રામ જાણે ક્યાં, ભોગવીને આવેલા રાહુલ ગાંધી છે. કૉંગ્રેસના પ્રમુખપદની જિદ માટે થઈને અજ્ઞાતવાસમાં ચાલ્યા ગયેલા રાહુલ ગાંધીએ આવીને, સમાચારોના ખાલીખમ વાર, રવિવારે ખેડૂતોની મસમોટી રેલીને સંબોધી અને બીજા દિવસે સમાચારપત્રો રાહુલ ગાંધીના હેડિંગ સાથે ભરેલા હતા. અલબત્ત, આ આખી પ્રચાર કવાયત જ હતી, કેમ કે, હોદ્દાની રૂએ તો સમાચાર કૉંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીના બનવા જોઈતા હતા, જેમણે રાહુલ કરતાં પણ વધુ સારું પ્રવચન આપ્યું હતું.

એ જાણીતી હકીકત છે કે સોનિયા મૂળ હિન્દી ભાષી નથી. ૧૯૯૭-૯૮ આસપાસ કૉંગ્રેસપ્રમુખ બનવાની જવાબદારી આવી તે પછી તેઓ હિન્દી શીખ્યા છે. જ્યારે બીજી તરફ રાહુલ ગાંધીનો જન્મ નવી દિલ્હીમાં થયો છે. તેમનું હિન્દી વધુ સારું હોવું જોઈએ. પરંતુ થયું ઉલટું. રાહુલના પ્રવચનમાં અંગ્રેજી શબ્દોની ભરમાર હતી જ્યારે સોનિયાએ શુદ્ધ હિન્દીમાં પ્રવચન આપ્યું.  તેમના પ્રવચનમાં સરકાર સામેના આક્ષેપોની ધાર વધુ હતી. તેમણે નરેન્દ્ર મોદીને તેમનું જ વચન યાદ દેવડાવ્યું, ‘સબ કા સાથ, સબ કા વિકાસ’નું શું થયું? રાહુલ ગાંધીએ પ્રવચનમાં દઝાડતા વૈશાખી વાયરાઓ વચ્ચે ભર બપોરે, સુદૂર- પંજાબ અને હરિયાણાથી આવેલા ખેડૂતોનો રેલીમાં આવવા માટે આભાર માનવાની તસદી પણ ન લીધી, જ્યારે અનુભવી રાજકારણી સોનિયાએ તેમના પ્રવચનમાં બબ્બે વાર ખેડૂતોનો આભાર માન્યો. રાહુલે જય હિંદ જેવા નારા ન લગાવ્યા, પણ સોનિયાએ આ નારા લગાવ્યા. ટૂંકમાં, સોનિયાનું પ્રવચન બધી રીતે ચડિયાતું હતું, પરંતુ બીજા દિવસે સમાચારપત્રોમાં તેની મુખ્ય નોંધ ન લેવાઈ.

એ પછી રાહુલ ગાંધીએ બીજા દિવસે સંસદમાં પ્રવચન આપ્યું. બીજા દિવસનું રાહુલનું પ્રવચન અને હોમ વર્ક બંને સારાં હતાં. તેમાં ન માત્ર આંકડાઓનો આધાર હતો, પરંતુ વ્યંગ પણ હતો. ગડકરીની પ્રશંસા કરીને વ્યાજસ્તુતિ અલંકાર દ્વારા તેમણે સરકાર પર પ્રહાર કર્યો કે ગડકરી કહે છે કે ખેડૂતોએ સરકાર પર ભરોસો ન રાખવો જોઈએ. જોકે ગડકરીને તેમણે બે વાર ગડકારી તરીકે સંબોધ્યા પરંતુ કોઈએ તેમને ટોકતાં, તેમણે સુધાર્યું. આ જ રીતે પહેલાં તેમણે ‘આપકે પ્રધાનમંત્રી’ કહ્યું, પરંતુ બાદમાં તેમને ટોકાતાં તેમણે ‘દેશ કે પ્રધાનમંત્રી સુધાર્યું’. તેમણે સરકારને ખુલ્લી પાડી કે કૃષિ મંત્રાલય ૮૦ હૅક્ટર જમીનમાં નુકસાન થયાનું કહે છે જ્યારે વડા પ્રધાન ૧૦૬ હૅક્ટરમાં નુકસાન થયાનું કહે છે, તો સાચા કોણ? ભાજપની આવી જ ટેવ છે. અહીં કંઈક બોલે છે, ને બહાર કંઈક બોલે છે. તેમણે પોતાની સરકારોના સમયમાં  ખેડૂતોને જે લઘુતમ ટેકાના ભાવ વધારાયા અને કૃષિ ધિરાણમાં વધારો કરાયો તે આંકડા પણ આપ્યા. તેમણે સરકારને ‘સૂટબૂટ કી સરકાર’ કહી મોદી સરકારની દુખતી રગ પર હાથ મૂક્યો. ઉપરાંત ફરી વાર ‘આપ કે પ્રધાન મંત્રી’  કહ્યું ત્યારે ભાજપ તરફથી ‘દેશ કે પ્રધાનમંત્રી’ એવું લોકો બોલ્યા એટલે રાહુલે વ્યંગ કર્યો કે ‘દેશ કે પ્રધાનમંત્રી તો હૈ હી, મગર આપ કે ભી હૈ, યા આપ કહ રહે હો કિ આપ કે પ્રધાનમંત્રી નહીં હૈ?’

આ દેશમાં અત્યારે મોદી સરકારે લાવેલા જમીન સંપાદન ખરડાની વિરોધમાં  વાતાવરણ છે તેમાં કોઈ નકાર નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો પર ‘મન કી બાત’માં ખેડૂતોને સંબોધીને આ વિરોધ ઓછો કરવા પ્રયાસ કર્યો, પરંતુ તે ખેડૂતો સુધી કેટલો પહોંચ્યો હશે તે પ્રશ્ન છે. અલબત્ત, યુપીએ સરકારનાં દસ વર્ષના શાસનમાં વિદર્ભ સહિત મહારાષ્ટ્રમાં અને આંધ્રપ્રદેશમાં અનેક ખેડૂતોએ આત્મહત્યા કરી છે તે હકીકતનો પણ ઈનકાર થઈ શકે નહીં. પરંતુ રાહુલની વાત કરીએ તો તેમણે પોતાની અંગત છાપ ગરીબો, દલિતો અને ખેડૂત તરફી કરવાનો પ્રયાસ  ૨૦૦૪ પછીથી સતત કર્યો છે. આ માટે દલિતના ઘરમાં રાત ગુજરાવી, હળ ચલાવતા હોય તેવો તેમનો ફોટો છે, ઉત્તર પ્રદેશમાં ૨૦૧૧માં ભટ્ટા પરસૌલમાં પોલીસની નજર ચુકવીને વિરોધ કરવા પહોંચી જવું, મુંબઈમાં લોકલ ટ્રેનમાં મુસાફરી કરવી, ઓડિશામાં પોસ્કો પ્રોજેક્ટનો વિરોધ કરવો…આવાં અસંખ્ય પગલાં તેમણે લીધાં છે. તેમણે પોતાની જ સરકાર વિરુદ્ધ જઈને ગુનેગાર સાંસદોને બચાવતા ખરડાને ફાડીને તેનો વિરોધ કર્યો હતો. આમ, તેમણે સરકાર સામે એક રીતે વિરોધ પક્ષની ભૂમિકા ભજવે રાખી હતી.

અત્યારે તેમણે ખેડૂતોનો મુદ્દો બરાબર હાથમાં લીધો છે કેમ કે ભાજપ સિવાય બધા જ લોકો જમીન સંપાદન ખરડાનો વિરોધ કરી રહ્યા છે. તેમાં ભાજપના સાથી પક્ષો જેવા કે અકાલી દળ, શિવસેના અને રામવિલાસ પાસવાનનો લોજપ પણ આવી જાય. આમ આદમી પાર્ટી અને અણ્ણા તો વિરોધ કરી રહ્યા જ છે. આથી આ મુદ્દે કૉંગ્રેસ પાછી ન રહી જાય તે માટે અને રાહુલ ગાંધી વેકેશનથી પાછા ફરે ત્યારે તેમને ફરીથી સ્થાપિત કરવા માટે ખેડૂતોની રેલીથી ઉત્તમ અવસર કોઈ હોઈ જ ન શકે.

કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજો જે મુદ્દો વિરોધ માટે ઉઠાવ્યો છે તે નેટ ન્યૂટ્રાલિટીનો છે. નેટ ન્યૂટ્રાલિટીનો મુદ્દો યુવાનોને ખૂબ અસરકર્તા છે. અને એમ કહેવાય છે કે ટેલિકોમ કંપનીઓની નિયંત્રક સંસ્થા ટ્રાઇએ ટેલિકોમ કંપનીઓની ભલામણ માની લીધી છે. આ ભલામણ અનુસાર, અત્યાર સુધી આપણે અમુક રકમ ચુકવીને કોઈ પણ વેબસાઇટ જોઈ શકતા હતા, કોઈ પણ મોબાઇલ એપ જોઈ શકતા હતા, પણ હવે વોટ્સ એપ, ફેસબુક વગેરે એપમાં કોલની સુવિધા હોવાથી તેમજ ચેટની સુવિધા હોવાથી ફોન કરવાની સંખ્યા તેમજ એસએમએસની સંખ્યા ઘટી ગઈ છે, જેનાથી ટેલિકોમ કંપનીને આવકમાં ફટકો પડ્યો છે. આથી તેઓ ઈચ્છે છે કે વોટ્સએપ જેવી એપને વાપરવા માટે ગ્રાહકો અલગ ભાવ ચુકવે. હવે સ્વાભાવિક છે કે નેટના અને મોબાઇલના વ્યસની બની ચુકેલા યુવાનોને આ અલગ ભાવ ચુકવવો પડે તો તકલીફ થાય. તેથી લોકો  નેટ ન્યૂટ્રાલિટીને ખતમ કરવાનો વિરોધ કરી રહ્યા છે અને રાહુલ ગાંધીએ બરાબર જનમાનસ સમજીને આ મુદ્દે વિરોધ કર્યો છે.

ત્રીજો મુદ્દો તેમણે કેદારનાથની પગપાળા યાત્રા કરીને ભાજપની મૂળભૂત વૉટ બૅન્કના પાયામાં ઘા કર્યો છે. અને આ કેદારનાથની યાત્રા બરાબર એવા સમયે તેમણે કરી જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વતી ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવી અજમેર શરીફમાં ચાદર ચડાવી રહ્યા હતા. લોકસભા ચૂંટણી જીતવા માટે પણ જે વ્યક્તિએ મુસ્લિમ ટોપી ન પહેરી કે ૨૦૦૨નાં રમખાણો માટે જેમણે મુસ્લિમોની માફી ન માગી તે વ્યક્તિ ચાદર ચડાવવા મોકલે તેનાથી હિન્દુ સમર્થકોમાં ભારે નારાજગી થઈ હતી અને એવા સંદેશાઓ પણ વહેતા થયા કે એક તરફ, મોદી મુસ્લિમોનાં દિલ જીતવા તુષ્ટીકરણ કરે છે તો બીજી તરફ, રાહુલ ગાંધીની કેદારનાથ યાત્રા દ્વારા કૉંગ્રેસ હિન્દુઓ તરફ વળી રહી છે. એમાં કોઈ શંકા નથી કે રાહુલના પરનાના જવાહરલાલ નહેરુ, નાની ઇન્દિરા ગાંધી નરમ હિન્દુવાદી હતા અને મુસ્લિમ લીગ નહેરુને હિન્દુવાદી તરીકે જ જોતી હતી. રાજીવ ગાંધીએ શાહબાનો કેસ દ્વારા મુસ્લિમ તુષ્ટીકરણનો પ્રારંભ કર્યો હતો પરંતુ સામે પક્ષે રામમંદિરના તાળાં ખોલાવીને હિન્દુઓને પણ ખુશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે માતા સોનિયા ગાંધીના આડકતરા શાસન એટલે કે મનમોહનશાસન દરમિયાન દસ વર્ષ માત્ર લઘુમતીઓનું જ તુષ્ટીકરણ થયું. મનમોહને કહેલું કે આ દેશનાં સંસાધનો પર પહેલો હક મુસ્લિમોનો છે. તેમના જ શાસન દરમિયાન ભગવા આતંકવાદનો શબ્દ વહેતો થયો. સાધ્વી પ્રજ્ઞાને જેલમાં પુરવામાં આવ્યાં. કસાબ અને અફઝલ ગુરુને ફાંસી ન આપવા માટે તેમની ભરપૂર ટીકા થઈ. (જોકે શાસનના અંતિમ વર્ષમાં ચૂંટણી નજીક આવી ત્યારે બંનેને ઉતાવળે ફાંસી આપી દેવાઈ હતી). પૂર્વ સંરક્ષણ મંત્રી એ. કે. એન્ટોનીએ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી હારવા માટે જે અહેવાલ તૈયાર કર્યો હતો તેમાં પણ અનેક કારણોમાંનું એક કારણ લઘુમતી તુષ્ટીકરણનું હતું.

રાહુલ ગાંધી પર આક્ષેપ થાય છે કે તેમના નેતૃત્વમાં કૉંગ્રેસે ચૂંટણી જીતી નથી, પરંતુ ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં યુપીએ જીત્યો તેમાં ઉત્તરપ્રદેશનો મોટો ફાળો હતો કેમ કે ઉત્તર પ્રદેશમાંથી કૉંગ્રેસને ૨૧ બેઠકો મળી હતી અને તે વખતે સમાજવાદી પક્ષ સાથે કૉંગ્રેસે ગઠબંધન નહોતું કર્યું કેમ કે તેણે માત્ર ૧૭ જ બેઠકોની દરખાસ્ત કૉંગ્રેસને કરી હતી. જો ગઠબંધન કર્યું હોત તો કદાચ યુપીએ ફરીવાર શાસનમાં ન આવ્યું હોત. એ વખતે ઉત્તર પ્રદેશના પ્રભારી દિગ્વિજયસિંહે સ્વીકાર્યું હતું કે રાહુલ ગાંધીનો જુગાર સફળ ગયો છે. હકીકત એ છે કે સોનિયા ગાંધીના આડકતરા શાસનમાં જે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો, લઘુમતીઓનું જે તુષ્ટીકરણ થયું, પ્રધાનોએ દાઝ્યા પર ડામ જેવાં જે સંવેદનહીન નિવેદનો આપ્યાં તેના કારણે કૉંગ્રેસની ચાર રાજ્યોમાં (ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ) અને તે પછી લોકસભામાં અને તે પછી ફરી પાંચ રાજ્યોમાં (જમ્મુકાશ્મીર, મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, દિલ્હી) હાર થઈ.

૨૦૧૪ની ચૂંટણી વખતે ઉમેદવારોને કેન્દ્રીય સ્તરેથી થોપી બેસાડવાના બદલે અમેરિકાની જેમ આંતરિક ચૂંટણીમાં જે જીતે તેને ઉમેદવાર બનાવવાની પહેલ રાહુલ ગાંધીએ જ કરી હતી, ઉપરાંત ચૂંટણી ઢંઢેરો પણ કેન્દ્રીય નેતાઓ બનાવે તેના બદલે, આદિવાસીઓ, ખેડૂતો, મહિલાઓ, યુવાનો, મજૂરો વચ્ચે જઈને તેમના પ્રશ્નો સાંભળીને તેના આધારે બનાવવાનો તેમણે સ્તુત્ય પ્રયાસ કર્યો. પરંતુ તેમને જે લડતનો સામનો કરવાનો છે તે કૉંગ્રેસની અંદરથી જ, તેમની માતા તરફથી જ સામનો કરવાનો છે. રાહુલના અજ્ઞાતવાસ દરમિયાન એક સમયે તેમના જ વફાદાર દિગ્વિજયસિંહનું નિવેદન આવ્યું હતું કે પાર્ટટાઇમ પોલિટિક્સ ન ચાલે. પંજાબ કૉંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન અમરિન્દરસિંહે રાહુલના નેતૃત્વ સામે સોનિયાના નેતૃત્વની તરફદારી કરી હતી. તો દિલ્હીનાં પૂર્વ મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતે પણ સોનિયા ગાંધીના નેતૃત્વનો પક્ષ લીધો હતો. સ્વાભાવિક છે કે સોનિયા ગાંધીની મંજૂરી વગર આ નિવેદનો આવ્યાં ન હોય. વળી, આ નિવેદનો પછી કૉંગ્રેસ તરફથી તેમને ઠપકો પણ મળ્યો નહોતો. ૨૦ એપ્રિલે સંસદમાં ભાષણ દરમિયાન દીકરાને પ્રોત્સાહિત કરવા માતા સોનિયા લોકસભામાં હાજર નહોતાં. આ બધું બતાવે છે કે સંઘર્ષ માતા અને દીકરા વચ્ચે છે. સોનિયા હજુ પક્ષનો દોર પોતાના હાથમાંથી મૂકવા માગતા નથી. જોકે રાહુલે જીદ પકડી અને અજ્ઞાતવાસમાં જતા રહ્યા તેના કારણે કદાચ હવે તેમને ફરજિયાત દોર મૂકવો પડે તો ના નહીં. પરંતુ પ્રશ્ન એ છે કે જે રીતે સોનિયા દસ વર્ષ સુધી મોરચાના પક્ષોને સાથે રાખી શક્યા તે રીતે રાહુલ સાથી પક્ષોને સાથે રાખી શકશે? રાહુલ ફરવા ચાલ્યા ગયા પછી સોનિયાના નેતૃત્વમાં તમામ વિરોધ પક્ષો એક થઈને રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરી હતી તે સોનિયાની સંગઠનશક્તિ તો બતાવે જ છે. રાજકારણમાં બતાવી પડે તે મુત્સદીગીરી અને ખંધાઈ સોનિયાએ બતાવી, ભ્રષ્ટાચારને છૂટો દોર આપ્યો તે રીતે અત્યાર સુધી સિદ્ધાંતવાદી અને અમુક અંશે ડાબેરી કહી શકાય તેવી વિચારધારાવાળા રાહુલ ગાંધી શાસન, જો મળે તો, તેને ટકાવી શકશે? ૧૯૯૮માં શરદ પવાર, તારીક અન્વર, પી. એ.  સંગમા જેવા વરિષ્ઠ નેતાઓ છોડીને ગયા પછી પણ ૧૯૯૯માં પંચગનીમાં અધિવેશન કરીને સોનિયાએ કૉંગ્રેસમાં ઉત્સાહ ભરી દીધો હતો અને તે પછી દિલ્હી, મધ્ય પ્રદેશ સહિત રાજ્યોની ચૂંટણીમાં તેમજ ૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસને જીત અપાવી બેઠી કરી હતી તે રીતે રાહુલ અત્યારે સાવ પડી ભાંગેલી કૉંગ્રેસને બેઠી કરી શકશે?

(ગુજરાત ગાર્ડિયનની બુધવારની પૂર્તિમાં તા.૨૯/૪/૧૫ના રોજ ‘વિશેષ’ કૉલમમાં આ લેખ પ્રસિદ્ધ થયો.)

 

Advertisements

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s