Posted in gujarat guardian, science

સંગીતા ભાટિયા: વૈજ્ઞાનિક, સાહસિક અને ડાન્સર

ભારતીય મૂળનાં અમેરિકી વૈજ્ઞાનિક સંગીતા ભાટિયાને માસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી (એમ.આઈ.ટી.) તરફથી આ વર્ષનું પ્રતિષ્ઠિત હેન્ઝ પારિતોષિક મળ્યું છે. ઔષધોના પરીક્ષણ માટે કૃત્રિમ સૂક્ષ્મ યકૃત (લિવર) વિકસાવવા માટે તેમનું સન્માન થયું છે. ટૅક્નૉલૉજી, અર્થશાસ્ત્ર અને રોજગાર, કળા, માનવતા, પર્યાવરણ, માનવ સ્થિતિ, જાહેર નીતિ વગેરેમાં અસાધારણ સંશોધન કાર્ય માટે અપાતા આ હેન્ઝ એવોર્ડમાં મસમોટી રોકડ રકમ ૨.૫ લાખ ડોલર (અંદાજે ૧.૫ કરોડ રૂપિયા)ની હોય છે. સંગીતાને આ એવોર્ડ ૧૩ મેએ એક સમારંભમાં આપવામાં આવશે.

સંગીતા ભાટિયાનાં માતાપિતા ભારતથી બોસ્ટન આવીને વસ્યાં હતાં. તેમના પિતા એન્જિનિયર હતા અને માતા ભારતમાં એમબીએની ડિગ્રી મેળવનાર પ્રથમ યુવતી પૈકીનાં એક હતાં. એક વાર તેઓ પિતા સાથે એમઆઈટીની પ્રયોગશાળામાં ગયાં હતાં અને ત્યાં તેમણે કેન્સરની સારવાર માટે અલ્ટ્રાસાઉન્ડ યંત્રને કામ કરતું જોયું. બસ, તે પછી તેમની એન્જિનિયર બનવાની ઈચ્છા જાગૃત થઈ. તેમણે બ્રાઉન યુનિવર્સિટીમાંથી બાયોએન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. તે અભ્યાસ દરમિયાન તેઓ કૃત્રિમ અવયવોનો અભ્યાસ કરતા એક સંશોધન જૂથ સાથે જોડાયાં. ૧૯૯૦માં સ્નાતક થયા પછી એક વર્ષ તેમણે ડેલવેરના વિલ્મિંગ્ટનમાં એક આઈસીઆઈ ફાર્માસ્યુટિકલમાં ઔષધ વિકાસનું કામ કર્યું. તે પછી તેમણે હાર્વર્ડ-એમઆઈટીના આરોગ્ય વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી (એચએસટી) વિભાગમાં એમ. ડી. પીએચ. ડી. કરવાનું ઈચ્છ્યું, પરંતુ શરૂઆતમાં તેમને નકારી દેવામાં આવ્યાં હતાં. જોકે મિકેનિકલ એન્જિનિયરિંગના માસ્ટર અભ્યાસમાં તેમને પ્રવેશ મળી ગયો. બાદમાં તેમને એચએસટીના એમ. ડી. – પીએચ. ડી.માં પણ પ્રવેશ મળી ગયો અને તેમણે ૧૯૯૭માં એમ. ડી. અને ૧૯૯૯માં પીએચ. ડી.ની ડિગ્રી મેળવી.

સંગીતાએ અભ્યાસ ક્ષેત્રે તો સિદ્ધિ મેળવી લીધી, હવે કારકિર્દી ક્ષેત્રે સિદ્ધિ મેળવવાની શરૂઆત થવાની હતી. તેઓ ૧૯૯૯માં કેલિફોર્નિયા યુનિવર્સિટી, સાન ડિએગો (યુસીએસડી)માં પ્રાધ્યાપક (ફૅકલ્ટી) તરીકે જોડાયાં અને ટૂંક સમયમાં જ એસોસિએટ પ્રોફેસર બની ગયાં. ઈ. સ. ૨૦૦૧માં જેકબ સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ તરફથી બાયોએન્જિનિયરિંગ વિભાગમાં તેમને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો. ૨૦૦૩માં એમઆઈટી દ્વારા પ્રકાશિત સામયિક ‘ટૅક્નૉલૉજી રિવ્યૂ’એ યુવા શોધકની યાદીમાં ૩૫મા ક્રમે તેમને સમાવ્યાં. ઈ.સ. ૨૦૦૫માં તેમણે યુસીએસડી છોડ્યું અને તેઓ એમઆઈટીમાં આરોગ્ય વિભાગ અને ટૅક્નૉલૉજી તેમજ ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ અને કમ્પ્યૂટર સાયન્સ વિભાગમાં પ્રાધ્યાપક તરીકે જોડાયાં. ભાટિયાને ઈ. સ. ૨૦૦૬માં ‘ધ સાયન્ટિસ્ટ’એ ‘સાયન્ટિસ્ટ ટૂ વોચ’ (આ વૈજ્ઞાનિકો ભવિષ્યમાં જરૂર સિદ્ધિ મેળવશે) તરીકે નામાંકિત કર્યાં. હવે તેમના પર એવોર્ડની વર્ષા શરૂ થઈ. તેઓ જ્યાં ભણ્યાં હતાં તે બ્રાઉન યુનિવર્સિટી સ્કૂલ ઑફ એન્જિનિયરિંગે તેમને ‘બીમ’ (બ્રાઉન એન્જિનિયરિંગ એલ્યુમની મેડલ) એવોર્ડ આપ્યો. અત્યારે સંગીતા ભાટિયા મલ્ટિસ્કેલ રિજનરેટિવ ટૅક્નૉલૉજીની પ્રયોગશાળાના નિર્દેશક છે. તેઓ બ્રિઘમ એન્ડ વૂમેન્સ હૉસ્પિટલ તેમજ કોચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટિગ્રેટિવ કેન્સર રિસર્ચ સાથે પણ જોડાયેલાં છે.

અંગત જિંદગીની વાત કરીએ તો સંગીતા ભાટિયાના પતિનું નામ જગેશ શાહ છે અને તેમને આઠ અને અગિયાર વર્ષની બે દીકરીઓ છે. જગેશ શાહ પણ તેમની જેમ જ એન્જિનિયર છે. તેમણે કમ્પ્યૂટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. ગ્રેજ્યુએટ સ્કૂલમાં તેમણે જીવવિજ્ઞાન (બાયૉલૉજી)નો અભ્યાસ કર્યો. હાર્વર્ડ અને એમઆઈટીના સંયુક્ત કાર્યક્રમમાં પીએચ.ડી. કરવા તેઓ જોડાયા. ત્યાં નવેસરથી બાયૉલૉજી શીખ્યું. દરમિયાનમાં સંગીતાને યુસીએસડીમાં ફેકલ્ટી તરીકે નોકરી મળી તેથી જગેશે પોસ્ટડોક કરવાનું માંડી વાળ્યું.

સામાન્ય રીતે જીવિત કોષો માથે ચડાવેલી વ્યક્તિ જેવા હોય છે. તેમને શરીરમાંથી બહાર કાઢવામાં આવે તેવા તેઓ કામ કરવાનું બંધ કરી દે છે. આ કારણે જીવવૈજ્ઞાનિકો માટે જેમનું યકૃત કામ કરતું બંધ થઈ ગયું છે તેવા દર્દીઓ માટે કૃત્રિમ લિવર બનાવવાનું મુશ્કેલ બની ગયું હતું. સંગીતા ભાટિયાને એક જ કામ આપવામાં આવ્યું હતું કે લિવરના કોષોને શરીરની બહાર કામ કરતાં કરો.

આ માટે ત્રણ વર્ષ સુધી તેમણે રસાયણશાસ્ત્રનો ઉપયોગ કરીને કાચની સપાટી પર હાઇડ્રોફિલિક અને હાઇડ્રોફોલિક (આ બંને સંયુક્ત રીતે પોલર અથવા ધ્રૂવીય અણુઓ તરીકે ઓળખાય છે અને તે ઓગળતા નથી) અણુઓને મૂક્યા જે ઉંદરના યકૃતના કોષોને સરસ રીતે હરોળબદ્ધ કરે. પરંતુ આ કામ થયું નહીં.

ત્યાર પછી તેમના પતિ જગેશભાઈએ જે એ વખતે એમઆઈટીના ઇલેક્ટ્રિકલ  એન્જિનિયરિંગના વિદ્યાર્થી હતા , તેમણે પરિસરમાં રહેલા માઇક્રોફેબ્રિકેશન ફેસિલિટી તરફ સંગીતાનું ધ્યાન દોર્યું. તેમણે ત્યાં જઈને પોતાને ત્યાં કામ કરવા પરવાનગી આપવા વિનંતી કરી. ત્યાં તેમણે કાચની સ્લાઇડ પર કોષોને ગોઠવવા માટે પેટર્ન કરી. જે તેમનો એમઆઈટીમાં શરૂઆતનો પ્રૉજેક્ટ બની રહ્યો.

સંગીતા ભાટિયાની ટીમે માનવ સૂક્ષ્મ યકૃત બનાવવાનું પાયાનું કામ કર્યું છે. આ યકૃત મેડિકલ અને ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે ડ્રગની ઝેરી અસરની પરીક્ષા કરવા માટે જરૂરી છે. સંગીતાએ આ સૂક્ષ્મ યકૃતોનું પરીક્ષણ મેલેરિયાના જંતુઓને મારવા માટેની દવાઓની પરીક્ષા કરવા માટે કર્યું હતું.

સંગીતા માનવના આરોગ્યને અસર કરવા માટે સેમી કન્ડક્ટરનાં લઘુ સાધનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. તેમણે જીવિત કોષો  વચ્ચે ક્રિયા-પ્રતિક્રિયા કરતી ટૅક્નૉલૉજી  વિકસાવી છે જેનો લાભ પેશી પુનઃઉત્પાદનમાં, સ્ટેમ સેલ વચ્ચે ભેદ પાડવામાં, મેડિકલ નિદાન અને ડ્રગ ડિલિવરીમાં મળશે.

એ જોવું રસપ્રદ છે કે સંગીતા ભાટિયાએ વિજ્ઞાનની કોઈ એક શાખાનો જ ઉપયોગ નથી કર્યો, અનેક શાખાઓનો ઉપયોગ કર્યો છે. તેમણે એન્જિનિયર, મેડિકલ ડૉક્ટર (ડૉક્ટર મેડિકલના જ હોય, પરંતુ પીએચ.ડી. કરનારને પણ ડૉક્ટરની ઉપાધિ અપાય છે તેને અલગ પાડવા આ સ્પષ્ટતા કરી છે) અને વૈજ્ઞાનિક તરીકેના પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને નેનો અને માઇક્રોટૅક્નૉલૉજીના ક્ષેત્રમાં તેમણે કાર્યને દોરવણી આપી છે અથવા નેતૃત્વ કર્યું છે.

તેમણે અને તેમની ટીમે જે સૂક્ષ્મ યકૃત બનાવ્યું છે તેનાથી કેન્સર અને અન્ય રોગોની સારવાર અને તેમના પર નજર રાખવામાં મદદ મળશે. સંગીતા અને તેમની ટીમ સૂક્ષ્મ કણો (નેનો પાર્ટિકલ)ને દાખલ કરીને કૃત્રિમ બાયોમાર્કર બનાવવા પર કામ કરી રહ્યા છે જે પેશાબના પરીક્ષણમાં દેખાય. આના કારણે કેન્સર, થ્રોમ્બોસિસ (લોહીની ગાંઠ બનવી જેના કારણે લોહી વહેતું અટકે) અને ફાઇબ્રોસિસને અટકાવવામાં મદદ મળી શકે છે.

તેમણે સૂક્ષ્મ યકૃત તો બનાવી લીધું પરંતુ તેમનું ધ્યેય સંપૂર્ણ અને આરોપિત કરી શકાય તેવું યકૃત બનાવવાનું છે. તેમની ટીમ સૂક્ષ્મ કણો પર કામ કરી રહી છે જે એક રણનીતિ અંતર્ગત ગાંઠ (ટ્યૂમર) પર હુમલો કરે અને બાદમાં ખાસ રીતે કેન્સરપીડિત કોષોની સારવાર કરી શકે.

સંગીતાનું સંશોધન કાર્ય સાયન્ટિફિક અમેરિકન, ધ બોસ્ટન ગ્લોબ, પોપ્યુલર સાયન્સ, ફોર્બ્સ, અમેરિકાની પીબીએસના નોવાસાયન્સનાવ, ધ ઇકોનોમિસ્ટ અને એમએસએનબીસી પર પ્રકાશિત થતું રહ્યું છે.

અગાઉ તેમને ૨૦૧૪ના વર્ષનું લેમેલ્સન-એમઆઈટી ઈનામ પણ મળ્યું છે. તેમાં કારકિર્દીની મધ્યમાં રહેલા અસાધારણ શોધકોને ઈનામ અપાય છે અને ઈનામની રકમ છે પાંચ લાખ ડોલર (૩ કરોડ રૂપિયા)! તેમને ડેવિડ એન્ડ લ્યુસિલ પેકાર્ડ ફેલોશિપ પણ મળી. અમેરિકન સોસાયટી ઑફ મિકેનિકલ એન્જિનિયર્સ તરફથી વાય. સી. ફુંગ યંગ ઇન્વેસ્ટિગેટર એવોર્ડ મળ્યો, અમેરિકન કૉલેજ ઑફ ક્લિનિકલ ફાર્માકોલોજી તરફથી યંગ ઇન્વેસ્ટિગેટર એવોર્ડ મળ્યો.

તેમને વિજ્ઞાન અને ઈજનેરીમાં વિવિધતાના પક્ષકાર માટે અને સારા શિક્ષક માટે હાર્વર્ડ મેડિકલ સ્કૂલ ડાઇવર્સિટી એવોર્ડ અને હાર્વર્ડ-એમઆઈટી થોમસ મેકમોહન મેન્ટરિંગ એવોર્ડ મળ્યો. તેઓ નેનોબાયોટૅક્નૉલૉજી, બાયોમેડિકલ માઇક્રોસિસ્ટમ અને ટિશ્યૂ એન્જિનિયરિંગ પરની સરકારી સંસ્થાઓમાં સલાહકાર છે. તેમણે ૧૫૦ એવા પ્રશિક્ષણાર્થીઓને તૈયાર કર્યા છે જેમણે ૪૦ અપાઈ ગયેલી અથવા આપવાની રાહ જોતી પેટન્ટ વિકસાવી છે!

તેમણે ફાઇઝર, જીનેટિક્સ ઇન્સ્ટિટ્યૂટ, આઈસીઆઈ ફાર્માસ્યુટિકલ્સ અને ઓર્ગેનોજીનેસિસ જેવી કંપનીઓમાં કામ  પણ કર્યું છે.

રસપ્રદ વાત એ છે કે આવી બહુમુખી અને વિદ્વાન પ્રતિભા પાછાં શાસ્ત્રીય ડાન્સર છે! તેમણે આરંગેત્રમ પણ કર્યું છે. જોકે હવે ડાન્સ કરવાનું છોડી દીધું છે. તેમની બે દીકરીઓ ડાન્સ કરે છે. તેમને પુસ્તકો વાંચવાનો શોખ છે, ક્યારેક વેકેશન લે છે અને સમુદ્ર કાંઠે ફરવા જાય છે. તેમને તેમના કામમાં તેમના પતિ, તેમનાં માતાપિતા અને આયાનો સારો ટેકો છે. જ્યારે દીકરીઓ સવારે જાગી જાય છે ત્યારે પોતે પણ જાગી જાય છે, પરંતુ હા રાત્રે જ્યારે દીકરીઓ સૂઈ જાય છે ત્યારે પોતે કમ્પ્યૂટર પર કામ કરતાં હોય છે!

તેઓ મહિલાવાદી પણ છે. બ્રાઉનમાં ભણતા હતાં ત્યારે તેમણે જોયું કે તેમની અનેક સહવિદ્યાર્થિનીઓ ચાર વર્ષના અભ્યાસ દરમિયાન ભણવાનું છોડી દેતી. આ જોઈ તેમણે સ્ત્રીઓ એન્જિનિયરિંગમાં આવે તે માટે પ્રયત્નો કર્યા. તેઓ જ્યારે ગ્રેજ્યુએટ વિદ્યાર્થિની હતાં ત્યારે તેમણે એક કાર્યક્રમ શરૂ કરવામાં મદદ કરી જે શાળામાં ભણતી વિદ્યાર્થિનીઓને એન્જિનિયરિંગ અને વિજ્ઞાન વિશે પ્રોત્સાહિત કરે છે. આ કાર્યક્રમ એમઆઈટીમાં આજે પણ ચાલુ છે. તેનાથી લગભગ ૨,૦૦૦ વિદ્યાર્થિનીઓ આ ક્ષેત્ર તરફ વળી છે. તેઓ બે બાયોટૅક કંપનીઓનાં સહસ્થાપક પણ છે.

તેઓ જ્યારે નાનાં હતાં ત્યારે તેમના પરિવારમાં હંમેશાં ચર્ચા થતી, જેમ અનેક પરિવારોમાં થતી હોય છે, કે સંગીતા શું બનશે. ડૉક્ટર, એન્જિનિયર કે સાહસિક (આંત્રપ્રિન્યોર)? સંગીતા આજે આ ત્રણેય છે!

(ગુજરાત ગાર્ડિયનની સાયન્સ પૂર્તિમાં તા.૨/૫/૧૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો.)

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s