૧૧ મેએ સંસદે એક ખરડો પસાર કર્યો. તેનું નામ જમીન સરહદ સમજૂતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સરહદના કાંટાળા પ્રશ્નને ઉકેલવા માટે આ સમજૂતી મહત્ત્વની મનાય છે. આ સમજૂતી અંતર્ગત ભારત તેની ૧૦,૦૦૦ એકર (!) જમીન બાંગ્લાદેશને આપશે જ્યારે બાંગ્લાદેશ ભારતને માત્ર ૫૧૦ એકર જમીન જ આપશે. આ સમજૂતી આમ તો, ભારતના બંધારણના ઉલ્લંઘન સમાન ગણાય અને જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે રાજ્યસભામાં વિપક્ષના નેતા અરુણ જેટલીએ પણ આ જ દલીલને આગળ ધરીને આ સમજૂતીનો વિરોધ કર્યો હતો. જોકે નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી પહેલાં જ આ સમજૂતીના પક્ષમાં વલણ અપનાવ્યું હતું. આસામનું ભાજપનું એકમ આ સમજૂતીનો વિરોધ કરતું હતું તો તેને પણ સમજાવવા પ્રયાસ કર્યો હતો.

૭ મેએ લોકસભામાં આ ખરડો પસાર કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસના પ્રમુખ અને સાંસદ સોનિયા ગાંધીનો સંસદમાં તેમની બેઠક આગળ જઈને આભાર માન્યો હતો. લોકસભામાં કોઈ મુદ્દે ભાગ્યે જ સર્વસંમતિ થતી હોય છે. આ મુદ્દે આવી જ સર્વસંમતિ દાખવીને તેણે બંધારણ (૧૧૯મા સુધારા) ખરડાને મંજૂરી આપી દીધી!

આ ખરડા અંતર્ગત પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય અને ત્રિપુરાની કેટલીક જમીન બાંગ્લાદેશને આપી દેવામાં આવશે. નરેન્દ્ર મોદીએ ચૂંટણી પહેલાં આસામના ભાજપ એકમને સમજાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમ છતાં આ ખરડામાં આસામનો સમાવેશ કરાયો નહોતો. પરંતુ આસામના મુખ્ય પ્રધાન તરુણ ગોગોઈએ ૪મેએ આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખરડામાં આસામનો સમાવેશ નહીં કરીને સંકુચિત રાજકીય લાભ માટે બેવડાં ધોરણ અપનાવી રહ્યાં છે. આ આક્ષેપ પછી ખરડામાં આસામનો સમાવેશ કરાયો હતો.

હકીકતે, તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહ અને બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શૈખ હસીનાએ ઢાકામાં સપ્ટેમ્બર ૨૦૧૧માં આ જમીન સરહદ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. જોકે, મૂળ સમજૂતી તો ઈ. સ. ૧૯૭૪માં તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી અને બાંગ્લાદેશના પ્રથમ પ્રમુખ શૈખ મુજીબુર રહેમાન વચ્ચે થઈ હતી. તે મુજબ, બંને દેશો પોતાના દેશની અંદર આવતા વિદેશના (ભારત માટે બાંગ્લાદેશ અને બાંગ્લાદેશ માટે ભારત) પ્રદેશો એકબીજાને આપી દેશે. ભારતે તો બાંગ્લાદેશને આપવાની થતી જમીન માટે વળતરને જતું કરવા પણ તૈયારી બતાવી હતી.

ઉપર કહ્યું તેમ બાંગ્લાદેશના પ્રદેશો આસામ, પશ્ચિમ બંગાળ, મેઘાલય અને ત્રિપુરામાં આવતા હતા. તો ભારતના કેટલાક પ્રદેશો બાંગ્લાદેશની અંદર હતા.

આ જમીનની હેરાફેરીથી લોકોને સરહદ પાર જવાની તકલીફ ઓછી પડશે તેમ જણાય છે. ભારતમાંથી પાકિસ્તાન છૂટું  પડ્યું ત્યારે જેટલી હાલાકી પડી હતી તેટલી નહીં પડે કારણકે જે લોકો જ્યાં રહે છે ત્યાં જ રહેવા માગે છે અને આ પ્રદેશો એકબીજા દેશને સોંપાઈ જશે. ભારત અને બાંગ્લાદેશનું એક સંયુક્ત પ્રતિનિધિમંડળ આ પ્રદેશોની મુલાકાતે ગયું હતું અને ત્યાં રહેતા લોકોની ઈચ્છા તેણે જાણી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે ત્યાં જે લોકો રહે છે તે બીજે ખસવા માગતા નથી. ધારો કે, આસામના કેટલાક પ્રદેશમાં બાંગ્લાદેશીઓ રહેતા હોય અને હવે તે પ્રદેશ બાંગ્લાદેશમાં જતો રહે તો આપોઆપ આ બાંગ્લાદેશીઓ બાંગ્લાદેશનો જ ભાગ બની જાય. તેમને ખસવાનું આવે જ નહીં. આવા પ્રદેશોમાં કુલ ૫૧,૫૪૯ લોકો રહે છે જેમાં ૩૭ હજાર તો ભારતીયો હોવાનું કહેવાય છે.

આ સમજૂતીની તરફેણ કરનારાની દલીલ છે કે જે લોકો ભારતમાં બાંગ્લાદેશના પ્રદેશો કે બાંગ્લાદેશમાં ભારતના પ્રદેશો પર રહેતા હતા તેમને જે સરકારી સેવાઓ મળવી જોઈએ તે મળતી નહોતી. એમ પણ કહે છે કે ભારતમાં જે બાંગ્લાદેશના પ્રદેશો છે તે ભલે ભારતીય અંકુશ હેઠળ હોય પરંતુ કાનૂની રીતે તે બાંગ્લાદેશના છે અને આ જ રીતે બાંગ્લાદેશમાં ભારતીય પ્રદેશો કાનૂની રીતે ભારતના છે. હકીકતે એ પણ યાદ કરવું જોઈએ કે બાંગ્લાદેશ મૂળ રૂપે તો પાકિસ્તાનનો ભાગ હતું, પરંતુ પાકિસ્તાનના પૂર્વ ભાગમાં બળવો થયો, ભારત-પાકિસ્તાનનું યુદ્ધ થયું અને તેમાંથી પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ નામનો દેશ બન્યો.

૧૯૭૪ની સમજૂતી પછી બાંગ્લાદેશની સંસદે તો આ સમજૂતીને મંજૂરી આપી દીધી, પણ ભારતની સંસદે ન આપી. જ્યારે ૨૦૦૯માં બીજી વાર મનમોહનસિંહની યુપીએ સરકાર સત્તામાં આવી ત્યારે તેણે ઈ. સ. ૨૦૧૩માં સંસદમાં આ ખરડો રજૂ કરવા પ્રયાસ કર્યો, પણ તે વખતે પ. બંગાળની તૃણમૂળ કૉંગ્રેસ, આસામનો પક્ષ આસામ ગણ પરિષદ અને મુખ્ય વિપક્ષ ભાજપે તેનો વિરોધ કર્યો.

રાજ્યસભામાં વિપક્ષ અને ભાજપના નેતા અરુણ જેટલીએ એક પત્રમાં જાહેર કર્યું હતું કે ભારતનો પ્રદેશ બંધારણનો ભાગ છે. બંધારણમાં સુધારો કરીને ભારતની સરહદને ઘટાડી શકાય કે બદલી ન શકાય. ૫ ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ રાજ્યસભાના મહાસચિવને પત્ર લખીને જેટલીએ ખરડાનો વિરોધ કરવાની પરવાનગી માગી હતી અને લખ્યું હતું:

“મારો વિરોધ એ હકીકત પર આધારિત છે કે ઈ. સ. ૧૯૭૩ પછી કેશવાનંદ ભારતીના કેસમાં બંધારણના મૂળભૂત માળખાની અવધારણાનો પ્રશ્ન હતો ત્યારે સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું હતું કે સંસદને ભારતનો પ્રદેશ બદલવાનો કોઈ અધિકાર નથી. ભારતના પ્રદેશો સાર્વભૌમ છે અને તે બંધારણના મૂળભૂત માળખાનો હિસ્સો છે. તેને બદલી શકાઈ નહીં.”

તેમણે દલીલ કરી હતી કે “બંધારણ સુધારવાની સત્તા પર કલમ ૩૬૮નું નિયંત્રણ લાગે છે જેનો અર્થ એ છે કે મૂળભૂત માળખાને બદલી શકાય નહીં. ભારતના પ્રદેશો બંધારણનો ભાગ છે. બંધારણમાં સુધારો કરીને તેને ઘટાડી કે બદલી શકાય નહીં.”

સામે પક્ષે વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદ આ ખરડો રજૂ કરવાના હતા. તેમણે રાજ્યસભાના અધ્યક્ષને ૧૩ ડિસેમ્બરે જેટલીના દાવાનું ખંડન કરતા લખ્યું:

“આ સાચું નથી કારણકે ભારત સાર્વભૌમ દેશ છે અને તેને વિદેશી પ્રદેશ પ્રાપ્ત કરવા કે તેના પ્રદેશો બદલવા કે છોડી દેવા કે આપી દેવાનો સહજ હક છે અને આ (સમજૂતી) દેશનાં હિત વિરુદ્ધ નથી.”

તેમણે બેરુબરી યુનિયનના ચુકાદા (ઈ. સ. ૧૯૬૦ના), ભારત સરકાર વિરુદ્ધ સુકુમાર સેનગુપ્તા ચુકાદા (૧૯૯૦ના) અને એટર્ની જનરલના મંતવ્યને પોતાની દલીલના સમર્થનમાં ટાંક્યા હતા.

“સર્વોચ્ચ ન્યાયાલયે વિશ્વભરમાં સ્વીકાર્ય સિદ્ધાંત માન્ય રાખ્યો છે કે સાર્વભૌમત્વનું એક લક્ષણ એ છે કે જો જરૂરી હોય તો, રાષ્ટ્રીય પ્રદેશોના ભાગોને બદલી શકવા, કે તેને આપી શકવાની સત્તા છે પરંતુ તે સત્તાનો ઉપયોગ કલમ ૩૬૮ હેઠળ બંધારણ સુધારાના અનુસંધાને જ કરી શકાય. અને બાંગ્લાદેશ સાથે જમીન સરહદ સમજૂતી કરવા માટે આ સત્તાનો ઉપયોગ કરી શકાય છે.”

આમ, ભાજપે તેનું જ થૂંકેલું ચાટવું પડે તેવો ઘાટ આ ખરડો તેણે પસાર કરતા સર્જાયો છે, કારણકે રાજ્યસભામાં ભાજપના નેતા એ જ છે જે ત્યારે હતા, અર્થાત્ અરુણ જેટલી. તેઓ અત્યારે નાણા પ્રધાન છે.

ચૂંટણી જીત્યા પછી જે કેટલાક મુદ્દે નરેન્દ્ર મોદી સરકારે આધાર કાર્ડ, મનરેગા યોજના, જીએસટી સહિત અનેક મુદ્દે પલટી મારી તેમાં એક મુદ્દો આ પણ છે. ચૂંટણી પહેલાં આસામમાં રેલી દરમિયાન વડા પ્રધાને આ સમજૂતીનો અમલ કરવા વચન આપતાં કહ્યું હતું કે તેનાથી ભારતમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી અટકી જશે.

તેમના શબ્દોમાં, “મારા શબ્દો પર વિશ્વાસ રાખો કે જમીનની આપલે કરવાથી આસામમાં આ સમસ્યાનું કાયમી સમાધાન મળી જશે.” તેમણે એવી દલીલ પણ કરી હતી કે આ સમજૂતી આસામના લોકો અને સરહદની સુરક્ષાના હિતમાં છે. તેનાથી રાજ્યને કોઈ નુકસાન નહીં પહોંચે. તેમણે કહેલું કે તેઓ રાજ્યના લોકોની ભાવના જાણે છે અને આસામની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં કરાય.

નરેન્દ્ર મોદીને લાગે છે કે આનાથી તેમની અને બાંગ્લાદેશની અવામી લીગ સરકાર વચ્ચે સહકારમાં મદદ મળશે અને સરહદ પારના ત્રાસવાદ સામે લડવામાં પણ મદદ મળશે.

પરંતુ ભાજપે ઉઠાવેલા પ્રશ્નો અત્યારે ભલે કોઈ ઉઠાવતું ન હોય, રહે છે તો ઠેરના ઠેર કે બંધારણની સાથે સમજૂતી કરીને ભારતના પ્રદેશો બાંગ્લાદેશને કેમ આપી દેવાયા? બાંગ્લાદેશ તો પાકિસ્તાનમાંથી સર્જાયેલો ભાગ છે. તેની સરહદ નક્કી થઈ હોય તે બરાબર, પણ ભારત શક્તિશાળી દેશ છે. તેની પાસે બાંગ્લાદેશી ઘૂસણખોરોનો પ્રશ્ન ઉકેલવા માટે બીજો કોઈ રસ્તો નહોતો તે આટલી જંગી જમીન બાંગ્લાદેશને આપી દેવી પડે. એક પ્રશ્ન એ પણ છ કે એવી કઈ  મજબૂરી હતી કે ભાજપ તેનો વિરોધ ગળી ગયો? અરુણ જેટલી તો કાયદાના જાણકાર છે, વકીલ છે. તેમણે તે વખતે જે દલીલ કરી હતી તે તેમણે કેમ પાછી ખેંચી લીધી? અત્યારે તેઓ કેમ મૌન છે? એની શું ખાતરી કે આ સમજૂતી થયા પછી અને આટલી વિશાળ જમીન એક કલમના ઝાટકે બાંગ્લાદેશને આપી દેવાયા પછી બાંગ્લાદેશી ઘૂસણખોરોનો પ્રશ્ન હલ થઈ જશે? આ મુદ્દે દેશમાં કોઈ વિરોધ નહીં થાય તો કાલે સવારે કાશ્મીર કે અરુણાચલ પ્રદેશ પણ પાકિસ્તાન કે ચીનને આપી નહીં દેવાય તેની કોઈ ખાતરી ખરી?

અત્યારે તો બાંગ્લાદેશ ખુશ-ખુશ છે. તેનાં વડાં પ્રધાન શૈખ હસીનાએ આ સમજૂતીને આવકારી છે અને ભારતને ‘બાંગ્લાદેશનો વિશ્વસનીય મિત્ર’ ગણાવ્યો છે. જોકે સામે પક્ષે બાંગ્લાદેશ આવું વિશ્વસનીય મિત્ર નથી. વર્ષ ૨૦૦૧માં બાંગ્લાદેશના સૈનિકોએ હુમલો કરી ભારતના પીરદીવાહ ગામને કબજે કરી લીધું હતું. ત્યાંથી ભારતીય નાગરિકોને ભગાડી મૂક્યા હતા. બાંગ્લાદેશના હુમલાના કારણે બી. એસ. એફ. (સીમા સુરક્ષા દળો)ના ૩૧ જવાનો ફસાઈ ગયા હતા. તે પછી વાટાઘાટો ચાલુ થઈ હતી. થોડા સમયમાં આ મુદ્દે કોઈક રીતે સમાધાન થઈ ગયું. તે પછી પણ બાંગ્લાદેશના દળોએ આસામના એક ગામમાં ૧૬ જવાનોની હત્યા કરી હતી.

વળી, બાંગ્લાદેશમાં હિન્દુઓની દશા પણ સારી નથી. વારંવાર તેમના પર હુમલા કરવામાં આવે છે, હિન્દુ સ્ત્રીઓ પર બળાત્કાર થાય છે. તેમનાં મંદિરો તોડી નાખવાની ઘટના બને છે. ઈ. સ. ૨૦૧૩માં બાંગ્લાદેશમાં ૧૯૭૧ના યુદ્ધ સંબંધી ગુના બદલ ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલે દેલવાર હોસૈન સઈદીને ફાંસી આપી. તે જમાત-એ-ઇસ્લામીના ઉપાધ્યક્ષ હતા. સજા પછી તેના કાર્યકરોએ કોઈ વાંક ગુના વગર દેશના વિવિધ ભાગોમાં હિન્દુઓ પર હુમલા કર્યા હતા. હિન્દુ ઘરો સળગાવી દેવાયાં હતા. મંદિરોમાં તોડફોડ કરાઈ હતી. ઈ. સ. ૨૦૧૪માં પણ ૫ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ બાંગ્લાદેશની સંસદની ચૂંટણી હતી. વિપક્ષી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી અને જમાત-એ-ઇસ્લામીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ચૂંટણી પછી તેના કાર્યકરો અને સમર્થકોએ લઘુમતી હિન્દુઓ પર હુમલા કર્યા હતા. હિન્દુઓ પર બળાત્કાર થયા, તેમને લૂટવામાં આવ્યા, હિન્દુ ઘરોને સળગાવી દેવાયાં હતાં. બાંગ્લાદેશની ધરતી પર ભારત સામે ત્રાસવાદ વિરોધી પ્રવૃત્તિઓ પણ પૂરવેગથી ચાલતી આવી છે.

આમ, બાંગ્લાદેશને શેના માટે આટલી વિશાળ જમીન આપી દેવામાં આવે છે તે તર્કથી પર મુદ્દો છે. જોકે, કૉંગ્રેસ સહિત વિરોધ પક્ષો પણ આ મુદ્દે સંમત છે એટલે કોઈ હોબાળો થશે નહીં. તૃણમૂળ કૉંગ્રેસ અને આસામ ગણ પરિષદનો હોબાળો મોદી સરકારના એક વર્ષ પૂરા થવાના પ્રચાર અને વિરોધમાં કોઈના કાને પડશે નહીં.

(લખ્યા તા. ૧૯/૪/૧૫)

 

 

One thought on “દઉં જમીન વિશાળ? બાંગ્લાદેશને જમીન આપી દેવા દલા તરવાડી સમજૂતી!

  1. આ વાત અચૂક ભારતના બંધારણના ભંગ સમાન છે. પણ સંસદે તેને સર્વાનુમતે બહાલી આપી તે એક કમનશીબી છે.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.