સામાન્ય રીતે નક્સલી હુમલાના કારણે સમાચારમાં રહેતા બસ્તર આજકાલ બીજાં કારણોસર ચર્ચામાં છે. તેના કલેક્ટર અમિત કટારિયાને છત્તીસગઢની સરકારે ચેતવણીની નોટિસ આપી છે. થોડા વખત પહેલાં નરેન્દ્ર મોદી દંતેવાડા આવ્યા હતા ત્યારે આ કલેક્ટરે મોદીના સ્વાગતમાં ભડકાઉ શર્ટ અને કાળા ચશ્મા પહેર્યા હતા. વળી, તેણે આ મુલાકાત દરમિયાન બે વાર શર્ટ બદલ્યાં હતાં.

આથી સરકારે રાજ્યપાલના નામે નોટિસ આપી કે તા.૯ મે, ૨૦૧૫ના રોજ જગદલપુરમાં માનનીય વડા પ્રધાનનું આગમન થયું. નિયમ મુજબ જિલ્લા કલેક્ટર તરીકે તમે તેમનું સ્વાગત કર્યું. પરંતુ શાસનના ધ્યાનમાં એ તથ્ય આવ્યું છે કે વડા પ્રધાનના સ્વાગતમાં તમે પ્રસંગને અનુરૂપ પોશાક પહેર્યો નહોતો. તેમજ તમે તડકાના ચશ્મા (ગોગલ્સ) પણ પહેર્યા હતા. તમારું આ કૃત્ય ઓલ ઇન્ડિયા સર્વિસ (કન્ડક્ટ) રૂલ્સ, ૧૯૬૮ના નિયમ ૩(૧)થી વિપરીત છે. આ પ્રકારનું કોઈ કૃત્ય ભવિષ્યમાં નહીં કરતા.

દંતેવાડાના કલેક્ટર કે.સી. દેવસેનાપતિને પણ આ જ પ્રકારની નોટિસ આપવામાં આવી છે. અલબત્ત, દેવસેનાપતિ વિશે જરા પણ ચર્ચા નથી. દેવસેનાપતિ કાળા પેન્ટ અને સફેદ શર્ટમાં મોદીને મળ્યા હતા. દેવસેનાપતિને મોકલવામાં આવેલા પત્રમાં માત્ર એટલું જ કહેવાયું કે તેમણે ઔપચારિક વસ્ત્રો પહેર્યાં નહોતા.

અમિત કટારિયાએ સીધો કોઈ બચાવ નથી કર્યો. તેમણે કેટલાક અધિકારીઓ સમક્ષ વૉટ્સએપ પર પોતાનો પક્ષ રાખતો સંદેશો મોકલ્યો હતો. તેમાં તેમણે કહ્યું કે બસ્તારમાં મે મહિનામાં બહુ જ ગરમી પડે છે. બધી વ્યવસ્થાઓ જોતા હોવાના કારણે તેમના માટે બંધ ગળું રાખવું શક્ય નહોતું. તેમણે સંપૂર્ણ પણે ઔપચારિક પોશાક જ પહેર્યો હતો. બ્લુ શર્ટ, બ્લેક પેન્ટ, બ્લેક લેધર શૂઝ.

કટારિયાએ એવું પણ કહ્યું કે “…હું ધોમધખતા તડકામાં વડા પ્રધાન અને અન્યો માટે વ્યવસ્થા કરી રહ્યો હતો અને પરસેવે રેબઝેબ થઈ રહ્યો હતો. મારી આંખો પણ બળી રહી હતી. આથી મેં મારી કારમાં મૂકેલો કોટ પહેરવાનું પસંદ ન કર્યું. મેં અગિયાર વર્ષ આ સેવામાં આપ્યાં છે. તેમ છતાં પણ હજુ જો હું ભોળો અને મૂર્ખ હોઉં તો તે માટે યુપીએસસી અને એકેડેમી જવાબદાર છે.”

વિવિધ આઈએએસ ઓફિસર એસોસિએશનમાં પણ આ મુદ્દે ભાગલા છે. એક એસોસિએશને કહ્યું છે કે આવી નોટિસ સાવ મૂર્ખામીભરી છે. વડા પ્રધાનને મળવાનું હોય ત્યારે જ ડ્રેસ કોડ લાગુ પડે છે, એ સિવાય નહીં. ઉપરાંત ૪૦-૪૫ ડિગ્રી તાપમાન હોય ત્યારે ઔપચારિક કપડાં પહેરવા મુશ્કેલ હોય છે. ઉપરાંત અમિત કટારિયાએ પોતાની આંખોને બચાવવા ગોગલ્સ પહેરી રાખ્યા હતા.

ટ્વિટર પર લોકો પણ અમિત કટારિયાના બચાવમાં આગળ આવી ગયા. એક જણાએ લખ્યું કે ગોગલ્સ પહેરવાનો અધિકાર માત્ર નરેન્દ્ર મોદીને જ છે. બીજાએ લખ્યું કે ચીનના વડા પ્રધાન સાથે સેલ્ફી પડાવવી એ પ્રોટોકોલનો ભંગ નથી? ઓબામાની મુલાકાત વખતે પણ આપણા વડા પ્રધાને પ્રોટોકોલનો ભંગ કર્યો હતો. તો એક જણાએ એવી ગંભીર ટીકા કરી કે વડા પ્રધાને આવી ક્ષુલ્લક બાબતોને ધ્યાનમાં રાખવાના બદલે છત્તીસગઢમાં નક્સલવાદની સમસ્યા કેવી રીતે હલ થાય તેના પર ધ્યાન આપવું જોઈએ. એકે વળી લખ્યું કે નરેન્દ્ર મોદી માત્ર કપડાં વગેરે બાબતોની જ ચિંતા કરે છે, અધિકારીની ક્ષમતાની નહીં.

પૂર્વ કેબિનેટ સચિવ ટી.એસ.આર. સુબ્રમણિયમે કહ્યું છે કે બંધારણની કલમ ૩૧૮ હેઠળ નિયમોમાં ઉચિત કપડાં પહેરવાનો ઉલ્લેખ છે, જોકે ગોગલ્સ પહેરવાનો ઉલ્લેખ નથી.

આ ઘટના બાદ અમિત કટારિયા સોશિયલ મિડિયા પર દુર્ગા નાગપાલની જેમ જ લોકપ્રિય થઈ રહ્યા છે. તેમના વિશે બહાર આવી રહેલી માહિતીના કારણે લોકોને તેમના પર માન થઈ રહ્યું છે. ફેસબુક પર અમિત કટારિયા ફેન્સ ક્લબ પણ ખુલી ગઈ છે જેમાં ૨૦૦૦ લાઇક મળી છે.

ગુડગાંવના નિવાસી, દિલ્હીમાં આર. કે. પુરમ સ્કૂલમાં ભણેલા અને ઈ.સ. ૨૦૦૧માં આઈઆઈટી સંસ્થામાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બી. ટૅક. થનાર અમિત કટારિયા પછી આઈએએસ બન્યા. અમિતનો પરિવાર રિયલ એસ્ટેટનો વ્યવસાય કરે છે. દિલ્હી તથા આસપાસમાં તેમના પરિવારના શોપિંગ મોલ અને કૉમ્પ્લેક્સ પણ છે. તેમનાં પત્ની પ્રોફેશનલ પાઇલોટ છે. તેમણે છત્તીસગઢમાં ખૂબ જ સારું કામ કર્યું હોવાનું ચર્ચાય છે. એક વિડિયો મુજબ, અમિત કટારિયા રાયગઢના કલેક્ટર હતા ત્યારે રોડ બનાવવા માટે દબાણ હટાવવાના મુદ્દે તેમને ભાજપના ધારાસભ્ય રોશનલાલ સાથે રકઝક થઈ હતી. રોશનલાલે પોતે બે અખબાર ચલાવતા હોવાની ધોંસ પણ આપી હતી. તેમ છતાં અમિત કટારિયા મચક આપતા નથી. ઉલટું, તેઓ ગુસ્સે થઈ રોશનલાલને ચાલ્યા જવાનું કહી દે છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે થોડા સમય પછી આ જ રોશનલાલ રાયગઢના વિકાસ માટે અમિત કટારિયાની પ્રશંસા કરે છે.

રાયગઢના લોકોના દાવા મુજબ, અમિત કટારિયાના કાર્યકાળમાં લગભગ ૪ કરોડ ગરીબોનો મફત ઈલાજ થયો હતો. હૉસ્પિટલના સિવિલ સર્જન પણ કહે છે કે હૉસ્પિટલને તેમનો હંમેશાં સાથ મળ્યો.

રાયગઢ પહેલાં ૨૦૦૯માં તેઓ રાયપુરમાં નગર નિગમના કમિશનર તેમજ બાદમાં રાયપુર ડેવલપમેન્ટ ઑથોરિટી તરીકે હતા. ત્યાં પણ તેમણે દબાણોને હટાવી રોડોને વિકસાવ્યા. સામાન્ય રીતે દબાણ હટાવવાનું કામ ઘણું કપરું છે અને તેની સામે અદાલતોમાંથી મનાઈ હુકમો પણ મળી જતા હોય છે. આ માટે અમિત કટારિયા એવું કરતા કે દબાણ મોટા ભાગે શુક્રવાર કે શનિવારે જ હટાવતા જેથી અદાલતમાંથી મનાઈ હુકમ આવે ત્યાં સુધીમાં દબાણ હટાવી દેવાયું હોય. અમિત કટારિયાની નીચેના કર્મચારી તેમના વખાણ પણ કરે છે કારણકે તેમણે આરડીએના કર્મચારીઓના ૧૫ વર્ષથી અટકેલી બઢતી ફરી શરૂ કરાવી હતી. એટલું જ નહીં, તેમને સારાં કપડાં પહેરવા અને સારી રીતે રહેવા શિખવાડ્યું. એમ પણ કહેવાય છે કે અમિત આઈએએસ નોકરીની શરૂઆતમાં માસિક માત્ર ૧ રૂપિયો પગાર લેતા હતા. બસ્તરનો ઔદ્યોગિક વિકાસ કરવા માટે અમિતની ત્યાં બદલી કરાઈ હોવાનું કહેવાય છે. સોશિયલ મિડિયા પર એક તસવીરમાં આ અમિત ચોકડીમાં નળ કે પાઇપમાંથી પાણી પીતા બતાવાયા છે. તે બતાવે છે કે તે તેમનો પરિવાર ભલે સંપત્તિવાન હોય પોતે કેટલા સાદા છે. અમિતની આ કાર્યશૈલીના કારણે જ હવે તેનું નામ દબંગ અધિકારી પડી ગયું છે.

માનો કે, અમિત કે તેના પરિવારે પોતાના બચાવમાં કરેલી આ પી. આર. કવાયત હોય તો પણ તેમને અપાયેલી નોટિસમાં જે નિયમ ૩ (૧) ટાંકવામાં આવ્યો છે તેમાં એમ કહેવાયું છે કે સેવાના દરેક સભ્યએ તમામ સમયે સંપૂર્ણ અખંડિતતા જાળવવી પડશે અને ફરજ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ દાખવવું પડશે અને એવું કંઈ ન કરવું જેનાથી તે (સનદી) સેવાનો સભ્ય ન રહે. હવે આ નિયમને કપડાં કે ચશ્મા સાથે કંઈ લાગતું  વળગતું નથી. આઈએએસ અધિકારીઓએ નામ આપ્યા વગર એવું કહ્યું છે કે તેમના માટે કોઈ ડ્રેસ કોડ છે જ નહીં.

અમિત કટારિયાની તરફેણમાં, એક અંગ્રેજી અખબારના જૂના સંદર્ભ સાથેના અહેવાલ મુજબ, ઈ.સ. ૧૯૫૮માં કેન્દ્રીય ગૃહ પ્રધાન ગોવિંદ વલ્લભ પંત ઊટી ગયા હતા ત્યારે તેમની પાસે ઉભેલા રાજ્ય પ્રધાન સી. સુબ્રમણિયમ ગોગલ્સ પહેરેલા હતા તો જિલ્લાના કલેક્ટર કે. જે. સોમસુંદરમ ટોપો પહેરેલા હતા. ઉલ્લેખનીય છે કે જ્યારે તમે સિનિયરને મળો કે કોઈનું મૃત્યુ થયું હોય ત્યારે માનમાં ટોપો ઉતારવાનો રિવાજ છે. પરંતુ આ કલેક્ટરે તેમ કર્યું નહોતું.

જોકે ફેસબુક પર એક આઈએએસ ગ્રૂપની પોસ્ટ મુજબ, જો પ્રસંગની માગ હોય તો સોબર રંગના કપડાં તેણે પહેરવા જોઈએ. ખાસ ડ્રેસની આવશ્યક્તા હોય તો તે પહેરવો જોઈએ, ભલે તે આરામદાયક ન હોય. તમામ પોલીસ અધિકારીઓને કંઈ તેમનો ગણવેશ આરામદાયક લાગતો નથી, છતાં તેઓ પહેરે જ છે ને. આઈપીએસ જેવું જ આઈએએસ માટે પણ છે. મહાન લાગવું સારું છે, પણ એ વિધિવત્ પ્રસંગ હોય ત્યારે નહીં.

એક ડિફેન્સ અધિકારીએ એવું પણ કહ્યું કે તમે સિનિયરની સામે સનગ્લાસ પહેરી શકો નહીં. આ શિસ્તની બાબત ગણાય છે. અધિકારીએ તો એવો દાવો કર્યો કે જ્યારે અરવિંદ કેજરીવાલ રેવન્યૂ અધિકારી હતા ત્યારે તેમની નીચેના એક સેક્શન ઑફિસર સત્તાવાર બેઠકમાં જીન્સ પહેરીને આવ્યા અને તે સેક્શન ઑફિસરને ચેતવણીનો પત્ર અપાયો હતો. કેટલાક લોકો એવું પણ માને છે કે અમિત કટારિયાને નોટિસ દેવા પાછળ માત્ર કપડાં કે ચશ્મા જ નહીં, તેમનું વર્તન પણ જવાબદાર હશે.

અમિત કટારિયાએ સારાં કામો કર્યાં હશે, પરંતુ એક આઈએએસ અધિકારી તરીકે તેમણે શિસ્ત અને સદવ્યવહારનું પાલન કરવું જ જોઈએ. તેમણે પ્રસંગને અનુરૂપ કપડાં પહેરવા જ જોઈએ. તડકાથી બચવા ગોગલ્સ પહેરવામાં કંઈ ખોટું નથી, પણ કોઈની સાથે વાત કરતી વખતે ગોગલ્સ કાઢી નાખવા જોઈએ. આંખથી આંખ મળવી જરૂરી છે. વળી, અમિત કટારિયાએ પહેર્યા હતા તેવા ગોગલ્સના કાચ પરથી પ્રકાશ પરિવર્તિત થઈને સામે વડા પ્રધાનની આંખમાં આવતો હોય અને આંખ અંજાઈ જતી હોય તેવું પણ બની શકે. માન્યું કે એ સમયે તડકો ખૂબ હતો અને તેથી ગોગલ્સ પહેરવા જરૂરી પણ હતા, પરંતુ વડા પ્રધાનને મળતા સમયે થોડી મિનિટો પૂરતું ગોગલ્સ કાઢી શકાયા હોત. વળી, અમિતે વડા પ્રધાન સાથની મુલાકાત દરમિયાન બે વાર અલગ-અલગ શર્ટ પહેર્યા તે પણ ઔચિત્યભંગ કર્યો કહેવાય. આ દેશમાં પૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન શિવરાજ પાટીલ ત્રાસવાદી હુમલા વખતે એક જ દિવસમાં કપડાં બદલ્યે રાખતા હતા તો તેમને રાજીનામું આપવું પડ્યું હતું. અભિનેતા-અભિનેત્રી કે ખેલાડીઓ ગોગલ્સ પહેરે તે ફિલ્મ કે મેદાન પૂરતું ચાલે, પણ આઈએએસ કે આઈપીએસ અધિકારી માટે ઠીક નથી.

આપણે ત્યાં સામાજિક પ્રસંગોએ પહેરવા માટે પણ ડ્રેસ કોડ હોય છે. લગ્ન જેવા શુભપ્રસંગે લાલ, પીળા, લીલા, ભડક રંગનાં કપડાં પહેરી શકાય પરંતુ મરણમાં સફેદ, ભૂરા કે કાળા જેવા સૌમ્ય રંગના કપડાં પહેરવામાં આવે છે. મરણમાં જતી વખતે શર્ટ પેન્ટમાં ખોસ્યું હોય તો પણ કાઢી નાખવામાં આવે છે. મંદિરની જેમ બેસણામાં પણ બેસતાં પહેલાં ચપલ, બૂટ કાઢીને બેસવામાં આવે છે. મોટેથી હસાતું નથી. મોટા અવાજે વાતચીત પણ કરાતી નથી. જેમને ત્યાં મરણ થઈ ગયું હોય તે લોકો લગ્નમાં જતા નથી. સ્કૂલમાં પણ યુનિફોર્મ હોય છે. તેનું કારણ છે કે સ્કૂલમાં ગરીબ અને અમીર બંને ભણતા હોય. હવે જો અમીર સારાં સારાં કપડાં પહેરીને આવે તો ગરીબને લઘુતાગ્રંથિ જાગે જેનાથી તેના અભ્યાસ પર અસર પડવાની શક્યતા રહે. બંને વચ્ચે ઝઘડા થવાની શક્યતા પણ રહે. આથી એક સમાન ગણવેશ રાખવામાં આવે છે. ખાનગી કંપનીઓમાં પણ ડ્રેસ કૉડ હોય જ છે. તેની મીટિંગોમાં તમે કેઝ્યુઅલ વેર પહેરીને જઈ શકતા નથી.

જોકે જે સરકાર આઈએએસ અધિકારીના કપડાં કે ચશ્મા સામે વાંધો ઉઠાવે છે તે સરકાર અથવા અન્ય સરકારોમાં પણ હવે કપડાં અંગે ફેરફાર થતાં જાય છે. પહેલાં રાજકારણીઓ મોટા ભાગે ભારતમાં હોય ત્યારે, સંસદમાં કે સંસદની બહાર ધોતી, ઝભ્ભો પહેરતા. દેવેગોવડા, ચિદમ્બરમ જેવા દક્ષિણ ભારતીય સંસદમાં પણ લુંગી પહેરીને આવતા હતા. વિદેશ યાત્રાએ ગયા હોય ત્યારે સૂટ પહેરતા. તે પછી ઝભ્ભો અને પાયજામો અથવા લેંઘો આવ્યા. હવે અરુણ જેટલી, મનોહર પારીકર જેવા લોકો શર્ટ-પેન્ટ પહેરવા લાગ્યા છે. શશી થરૂર, નરેન્દ્ર મોદી જેવા રાજકારણી સ્ટાઇલિશ રહેવામાં માને છે. અમેરિકા પ્રમુખ ઓબામા સાથેની મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ પહેરેલા સૂટની આજે પણ ટીકા થાય છે. મોદી ચીનમાં ટેરાકોટા વોરિયર્સ મ્યૂઝિયમની મુલાકાતે ગયા ત્યારે તેમણે ડાર્ક રંગના જ ગોગલ્સ પહેર્યા હતા. જોકે, એમાં કોઈ પ્રોટોકોલ નડતો ન હોવાથી તે ચાલે.

‘સ્ટાઇલ’ ફિલ્મનું ગીત છે ને કે સ્ટાઇલ મેં રહેને કા, તે મુજબ, રાજકારણી હોય, આઈએએસ કે સામાન્ય માનવી, આજકાલ કપડાં અને સ્ટાઇલને વધુ પડતું મહત્ત્વ અપાઈ રહ્યું છે. સારું કે ખરાબ, તે પોતપોતાનો નજરિયો છે. બાકી ભારતમાં એક સમય એવો હતો કે કપડાં કરતાં સદ્ગુણોને વધુ મહત્ત્વ અપાતું હતું.

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની બુધવારની પૂર્તિમાં ‘વિશેષ’ કૉલમમાં તા.૨૦/૫/૧૫ના રોજ આ લેખ છપાયો)

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.