smriti irani-sudha shivpuri2

‘બાદશાહ’ ફિલ્મમાં એક દૃશ્ય છે. પ્રેમ ચોપરા સીબીઆઈનો ચીફ છે. તે શાહરુખ ખાનને સીબીઆઈનો સિક્રેટ એજન્ટ બાદશાહ (જે ખરેખર તો દીપક તિજોરી હોય છે) સમજે છે, હકીકતે શાહરુખ ખાન ખાનગી જાસૂસ બાદશાહ હોય છે. પ્રેમ ચોપરા ફોન પર શાહરુખને વાત કરે છે ત્યારે ભારત માતા-ઓપરેશન માંના સંદર્ભમાં વાત કરતો હોય છે જ્યારે શાહરુખ ખાન પોતાની માતાના સંદર્ભમાં. ત્યારે પ્રેમ ચોપરા એક સંવાદ બોલે છે: “વો સિર્ફ તુમ્હારી માં નહીં હમ સબ કી માં હૈ”.

કોઈ ફિલ્મી પાત્ર માટે આવું કહેવું હોય તો? બેશક, અગાઉ નિરુપા રોય વિશે આવું કહી શકાતું હતું, અને જો ટીવી માટે કહેવું હોય તો? ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’નાં બા આખા દેશના બા બની ગયા હતા. એ પ્રેમાળ કરુણામૂર્તિ, વહુને સારી રીતે સમજનારાં, સાચવનારાં, વહુની વહુને સાચવનારાં, સમસ્યાનો ઉકેલ કાઢનારા, ‘ઘરડાં ગાડાં વાળે’ એ કહેવતને ચરિતાર્થ કરનારાં, બા.

કોઈ વહુ હોય તો એવો વિચાર કરે કે મારી સાસુ હોય તો આ બા જેવાં જ હોય. કોઈ પતિ હોય તો ઈચ્છા કરે કે મારી પત્ની આવી જ હોય. (‘ક્યોંકિ…’માં સુધીર દળવી તેના પતિ બન્યા હતા.) કોઈ દીકરો કે દીકરી હોય તો વિચારે કે મારી બા આવી જ હોય. બાળક હોય તો એવું ચાહે કે તેનાં દાદી આવાં જ હોય.

એ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’નાં બાનું પાત્ર અદ્ભુત ભજવનારા અભિનેત્રી એટલે સુધા શિવપુરી! એ વાત અલગ છે કે તેમને ખ્યાતિ ૬૨ વર્ષે મળી, બાકી, તેમણે અભિનય તો બહુ યુવાન વયેથી શરૂ કરી દીધો હતો….

રાજસ્થાનમાં તેઓ રહેતાં. આઠમા ધોરણમાં હતાં ત્યારે તેમના પિતાનું અવસાન થઈ ચુક્યું હતું. માતા ઘર ચલાવે. હિન્દી ફિલ્મની કથાની જેવી જ સુધાજીની કથા છે. એક દિવસ તેમની માતા પણ બીમાર પડ્યાં! નાનકડી સુધાએ વિચાર્યું કે પૈસા મેળવવા તેણે પણ કંઈક કરવું જોઈએ. એટલે શરૂઆત પહેલાં નાટકોથી કરી.

૧૯૫૫નો સમય. હજુ રેડિયો નવો નવો જ ચાલુ થયો હતો. જયપુર રેડિયો તરફ વળ્યાં. થોડા સમય પછી નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા (એનએસડી)માં જોડાયાં. રેડિયો અને નાટકોમાં કામ કરતી વખતે તેમને ભેટો થયો ઓમનો. ઓમ શિવપુરી. એ જ ઓમ શિવપુરી જે અનેક હિન્દી ફિલ્મોમાં પિતા, કાકા, પોલીસ કમિશનર, ઇન્સ્પેક્ટર, ડૉક્ટર જેવા ચરિત્ર પાત્રોમાં અમીટ છાપ છોડી જતા હતા. એનએસડીમાં પણ બંને સાથે. પ્યાર તો હોના હી થા! પૂરા નવ વર્ષ, આજની ભાષામાં કહીએ તો, ડેટિંગ કર્યા પછી, ૧૯૬૮માં પ્રેમ લગ્નમાં પરિણમ્યો. બંનેએ એક નાટ્ય ગ્રૂપ દિશાંતર શરૂ કર્યું. આ ગ્રૂપ એટલું સારું ચાલ્યું કે નાટકોની ટિકિટો બ્લૅકમાં વેચાતી. (કેવી કમનસીબી! એ વખતે ટિકિટ બ્લૅકમાં વેચાય એ નાટક કે ફિલ્મની સફળતાનું માપદંડ હતું!)

હવે મુંબઈ નગરી તેમને બોલાવી રહી હતી. ૧૯૭૪માં તેઓ બંને મુંબઈ આવી ગયાં. ઓમે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું. તેમને એટલું કામ મળતું કે એક જ દિવસમાં ત્રણ પાળી (શિફ્ટ) કરતા! એ વખતે રિતુનો જન્મ થઈ ચુક્યો હતો. રિતુ જે બાદમાં એક જ ફિલ્મથી ખ્યાતિ મેળવનાર હિરોઇન બનવાની હતી…

ધીમે ધીમે, સુધાજીએ પણ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. હેમા માલિનીની માતા જયા ચક્રવર્તી દ્વારા નિર્મિત અને બાસુ ચેટરજી દ્વારા નિર્દેશિત, શરતચંદ્ર ચેટર્જીની કૃતિ પર આધારિત ફિલ્મ ‘સ્વામી’ (જેમાં ધીરજકુમાર જેવા નબળા અભિનેતાને સુંદર ગીત મળ્યું ‘કા કરું સજની આયે ના બાલમ’ અને ‘પલ ભર મેં યે ક્યા હો ગયા’ ગીત તો એક અણમોલ રતન સમાન ખરું જ) એમની પહેલી ફિલ્મ જેમાં તેઓ હિરોઇન શબાના આઝમીનાં વિધવા માતા બન્યાં હતાં. તેમને દીકરી સૌદામિની (શબાના આઝમી)ને પરણાવવાની (સ્વાભાવિક જ) ચિંતા હોય છે અને દીકરીનું પડોશી નરેન્દ્ર (વિક્રમ) સાથે લફરું ખબર પડ્યા પછી તે તેનાં પરાણે લગ્ન ઘઉંના વેપારી ઘનશ્યામ (ગિરીશ કર્નાડ) સાથે કરાવી દે છે. ‘બર્નિંગ ટ્રેન’ ફિલ્મમાં વિનોદ મહેરાનાં માતા બન્યાં જે ટ્રેનમાં તેની વહુ સાથે મુસાફરી કરે છે. ‘વિધાતા’માં દુર્ગા (પદ્મિની કોલ્હાપુરે)ની માતાની ભૂમિકા તેમણે કરી. તેમાં તેઓ દિલીપકુમાર જે તેના દીકરાને તેમની દીકરી છોડી દે તે માટે મનાવવા આવ્યા હોય છે તેમને કહે છે: “આપ કે પાસ દૌલત હૈ, ખુદ્દારી હૈ, સબ કુછ હૈ લેકિન મુજ ગરીબ કે પાસ સિર્ફ ખુદ્દારી હૈ, ઉસે ખરીદને કી કોશિશ ન કરીયે.” આ સિવાય ‘ઇન્સાફ કા તરાઝુ’, ‘હમારી બહુ અલકા’, ‘સાવન કો આને દો’, ‘સુન મેરી લૈલા’, ‘માયા મેમસાબ’, ‘પિંજર’ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું. છેલ્લી ફિલ્મ તેમની આયેશા ધારકરની ‘આઉટસૉર્સ્ડ’ જે ઈ. સ. ૨૦૦૬માં આવી.

તમે એમ માનતા હો કે ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ તેમની પહેલી ટીવી સિરિયલ હતી તો તમે ખોટા છો. તેઓ તો દૂરદર્શનના વખતની સિરિયલોથી ટીવી પડદે દેખાતા રહ્યાં. લગભગ શનિવારે અમોલ પાલેકરની ભારતી આચરેકર સાથેની એક સિરિયલ આવતી જેનું ટાઇટલ ગીત રાજ કપૂરની ‘ધરમ કરમ’ના ‘એક દિન બિક જાયેગા’ પરથી બન્યું હતું…‘આ બૈલ મુઝે માર’ની જ  વાત છે. આ સિરિયલ ઉપરાંત રવિવારે બહુ લોકપ્રિય ‘રજની’ સિરિયલમાં પણ સુધાજીએ કામ કર્યું હતું. ‘રજની’માં તેઓ પ્રિયા તેંડુલકરની સાસુ બનેલાં. એટલે કે કરણ રાઝદાનની મા. (વો ભી ક્યા દિન થે!)

થોડા વખત પછી ફિલ્મો તરફ મન ઓછું થવા લાગ્યું. કારણ? હીરો-હિરોઇનના નખરા! સવારે શૂટિંગ હોય પણ આવે બપોરે. થોડી વારમાં લંચ બ્રેક થાય. પછી એકાદ સીન થાય અને તે પછી પેક અપ થઈ જાય. વળી, ફિલ્મો ઓછી કરવાનું બીજું કારણ એ પણ હતું કે તેઓ ફરી ગર્ભવતી હતાં. બીજું બાળક એક દીકરો થયો. વિનીત. તેના પછી સુધાજીએ એક આદર્શ ગૃહિણીની જેમ સંપૂર્ણ ધ્યાન પરિવારને આપવા માંડ્યું.

૧૫ ઑક્ટોબર, ૧૯૯૦ના એ હતભાગી દિવસે ઓમ શિવપુરનું હૃદય બંધ પડવાથી અવસાન થયું. એ વખતે રિતુ ૧૮ વર્ષની ને વિનીત ૧૩ વર્ષનો જ. આથી ઘર ચલાવવા સુધાજીએ એક્ટિંગ ક્લાસ શરૂ કર્યા. કરિયાણાની દુકાન પણ ખોલી જોઈ! તેમાંથી કંઈ ચાલ્યું નહીં કેમ કે નાનો પડદો તેમની રાહ જોતો હતો!

‘રિશ્તે’ નામની સિરિયલમાં તેમણે કામ કર્યું. થોડા વખત પછી એકતા કપૂર નામની ટીવી સિરિયલોની મહારાણીનો સિતારો ઉદય થવાનો હતો જે સુધાજીને આ મુશ્કેલ દિવસોમાં બહુ મદદરૂપ જ નહીં, અત્યંત પ્રસિદ્ધિ પણ અપાવવાનો હતો. એકતા કપૂરે ‘બંધન’ નામની સિરિયલમાં સુધાજીને સાસુની ભૂમિકા ભજવવા પૂછ્યું. સુધાજીએ હા પાડી. થોડા વખત પછી ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ સિરિયલ માટે પણ પૂછ્યું. સુધાજીએ પ્રેમથી હા પાડી. તેમને ખબર પડી હતી કે તેમને એક મોટા વીરાણી પરિવારનું મુખ્ય સ્ત્રીપાત્ર અંબા વીરાણી બનવાનું હતું.

ભલે તેમણે ‘શાંતિ’, ‘બંધન’, ‘શીશે કા ઘર’, ‘વક્ત કા દરિયા’, ‘દામન’, ‘સંતોષી મા’, ‘યે ઘર’, ‘કસમ સે’, ‘કરમ અપના અપના’, ‘કહો ના કહો’ ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’, ‘મણિબેન ડોટ કોમ’ (મણિબેનમાં સ્મૃતિ ઈરાની અને સુધા શિવપુરીની જોડી ફરી જોવા મળેલી) જેવી અનેક સિરિયલોમાં કામ ક્રયું પરંતુ પ્રસિદ્ધિ તો તેમને બાના પાત્રથી મળી તેટલી કોઈ પાત્રથી ન મળી. આ પાત્ર ખૂબ લોકપ્રિય થયું અને ટીવી ઉદ્યોગમાં ચાલુ થયેલા એવોર્ડ સમારંભોમાં તેમને અનેક એવોર્ડ પણ આ પાત્રએ અપાવ્યા.

સુધાજીની દીકરી રિતુ શિવપુરીમાં માતાપિતાનું સૌંદર્ય તો આવ્યું પરંતુ અભિનયકળા ન આવી શકી. પિતાના ઓળખીતા નિર્માતા પહલાજ નિહલાનીએ ‘આંખે’ ફિલ્મમાં ગોવિંદા સામે લીધી, ફિલ્મ હિટ પણ રહી પરંતુ તે પછી તેની એવી કોઈ ફિલ્મ ન આવી જેના કારણે તેની ઓળખ બની શકે. તે ઉદ્યોગપતિ હરિ વેંકટને પરણી છે. તેને એક દીકરો અને એક દીકરી છે. ટીવી પડદા પરનાં દાદી સુધાજી વાસ્તવિક જિંદગીમાં તો ઈ. સ. ૨૦૦૭માં દાદી બન્યાં. વિનીતનાં લગ્ન થયાં નહોતા. (હવે થયા હોય તો ખબર નથી, કારણકે તે બહુ લોપ્રોફાઇલ છે.) વિનીત સહાયક નિર્દેશક તરીકે કામ કરે છે.

૧૪ જુલાઈ, ૧૯૩૭ના રોજ જન્મેલાં સુધાજીએ આઠમા ધોરણમાં હતાં ત્યારથી કામ શરૂ કરેલું તે ૭૨ વર્ષ સુધી કામ કરતાં રહ્યાં. ડિસેમ્બર, ૨૦૧૩માં તેમને હૃદયરોગનો હુમલો આવ્યો તે પછી તેમની તબિયત ધીમે ધીમે કથળવા લાગી હતી. ૨૦મે, ૨૦૧૫નો દિવસ તેમનો આ સ્ટેજ પરનો અંતિમ દિવસ બની રહ્યો અને તેમની એક્ઝિટ થઈ ગઈ! પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે!

(ગુજરાત ગાર્ડિયનની શુક્રવારની પૂર્તિમાં ‘શ્રદ્ધાંજલિ’ કૉલમમાં તા.૨૨/૫/૧૫ના રોજ આ લેખ છપાયો).

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.