(ભાગ-૬)

૮ એપ્રિલ, ૧૯૬૪ના રોજ જમ્મુની જેલમાંથી શેખ અબ્દુલ્લા છૂટ્યા ત્યારે નહેરુનું આમંત્રણ તેમની રાહ જોતું હતું. નહેરુએ તેમને વિનંતી કરી હતી કે તેઓ જેમ બને તેમ જલદી દિલ્હી આવી જાય. સામાન્ય રીતે કોઈ મુખ્યપ્રધાન આવે તો તેને ઉતારો ક્યાં અપાય? કોઈ સર્કિટ હાઉસ કે એવા કોઈ ભવનમાં. પણ શેખ પ્રેમી નહેરુએ તો પોતે જ્યાં રહેતા હતા તે તીન મૂર્તિ હાઉસમાં રહેવા, જેમની સામે દેશદ્રોહનો આરોપ લગાડાયો હતો તેવા વ્યક્તિને કહ્યું. જેલની હવા ખાઈ ચુકેલા શેખેય ભાવ ખાધો. તેમણે દિલ્હી તરફ હડી મુકવાના બદલે શાંતિથી મે મહિનામાં જવાનું પસંદ કર્યું.

હઝરતબાલ દરગાહમાંથી હઝરતનો બાલ (મોહમ્મદ પયગંબરની દાઢીનો વાળ) ચોરાતાં કાશ્મીરમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. આ વાળ પાછો મળી આવતાં તે તો શમી ગયાં હતાં. એટલે હવે નહેરુએ શેખ અબ્દુલ્લાને ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થાપવાનું કામ સોંપ્યું! (બહાર રાખવાનું કારણ તો જોઈએ ને. નહીંતર વળી પાછા જેલભેગા કરવા પડે.) અને આ માટે શેખ અબ્દુલ્લાને પાકિસ્તાન જવાનું હતું.

ઈન્દર મલ્હોત્રા લખે છે તેમ, મૂળ યોજના એવી હતી કે શેખ અબ્દુલ્લા ત્યારે યુદ્ધવિરામની રેખા જે અત્યારે અંકુશ રેખા તરીકે ઓળખાય છે, તેને ઓળંગીને ચાલતા ચાલતા જાય. નહેરુને તો આ વિચાર ગમી ગયો હતો, પરંતુ તેમાં જોખમ હતું તેનો તેમને ખ્યાલ નહોતો.

અત્રે એ પણ નોંધવું જોઈએ કે અમદાવાદના સારાભાઈ કુટુંબનું ઘણું યોગદાન છે, પરંતુ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈનાં બહેન અને કૉંગ્રેસનાં મહામંત્રી મૃદુલા સારાભાઈ પણ શેખ અબ્દુલ્લાના ભારે તરફદાર હતાં. એ મૃદુલા સારાભાઈએ આ યોજનાનો વિરોધ કર્યો કે માનો કે, શેખ અબ્દુલ્લા આવતા હોય તેની ખબર ન હોય અને પાકિસ્તાનના દળો ભારતમાંથી કોઈ ઘૂસણખોર આવે છે તેમ માનીને ઠાર કરી દે તો? આ વિચારને તે વખતે પાકિસ્તાનમાં ઉચ્ચ આયુક્ત જી. પાર્થસારથીએ અનુમોદન આપ્યું અને પછી નહેરુને પણ ઠીક લાગ્યો. આથી શેખ અબ્દુલ્લાને વિમાનમાં રાવલપિંડી જવા કહેવાયું.

પાકિસ્તાન શરૂઆતમાં શેખ અબ્દુલ્લાનું વિરોધી હતું, પરંતુ ધીમે ધીમે તેણે (આપણે ગયા હપ્તે જોયું તેમ) શેખ અબ્દુલ્લાને પોતાની તરફ કરવા માંડ્યા હતા. આથી અબ્દુલ્લા ત્યાં ગયા એટલે તેમનું કોઈ નાયક કે હીરો આવે ત્યારે કરાય તેમ જબરદસ્ત સ્વાગત કરાયું.

શેખ અબ્દુલ્લાએ હવે નવો દાવ ખેલ્યો. તેણે ભારત અને પાકિસ્તાનની સરકાર સમક્ષ કૉન્ફિડરેશન રચવાનો મમરો મૂક્યો. કૉન્ફિડરેશન એટલે રાજકીય એકમોનો શંભુ મેળો જે એક સંધિથી સાથે જોડાય છે. તેમનાં બંધારણ એક જ હોય તેવું જરૂરી નથી. બેલ્જિયમ, યુરોપીય સંઘ વગેરે આવા કેટલાક કૉન્ફિડરેશન છે. શેખ અબ્દુલ્લાનો વિચાર આમ તો સારો હતો. જો આવું થયું હોત તો…તો કદાચ કોઈ પણ રીતે ભારત એક રહ્યું હોત, પરંતુ…પાકિસ્તાનના પ્રમુખ અયૂબ ખાન અને ભારતના વડા પ્રધાન નહેરુ બંનેએ આ પ્રસ્તાવ ફગાવી દીધો.

વચ્ચે એક વાત એ પણ લઈ લઈએ કે શેખ અબ્દુલ્લાને જેલમાં પુરાયા પછી મુખ્યપ્રધાન તરીકે બક્ષી ગુલામ મોહમ્મદ હતા. તેમણે નેશનલ કૉન્ફરન્સને તોડીને પોતાનો અલગ પક્ષ રચ્યો હતો અને તે કૉંગ્રેસમાં ભળી ગયા હતા. હવે નહેરુ ત્રીજી વાર વડા પ્રધાન તરીકે ચુંટાયા પછી પ્રજામાં રોષ હતો. એ વખતે તે વખતના મદ્રાસના મુખ્ય પ્રધાન કે. કામરાજે એક યોજના મૂકી કે કૉંગ્રેસના તમામ વરિષ્ઠ મંત્રીઓ રાજીનામાં આપી પક્ષના કામમાં લાગી જાય. આ વાતને ગુલામ મોહમ્મદ સાથે કોઈ લેવા દેવા નહોતી. છતાં તેમની પાસેથી રાજીનામું લઈ લેવાયું કે તેમણે (દોઢ)ડાહ્યા થઈને સામેથી રાજીનામું ધરી દીધું.

‘માય ફ્રોઝન ટ્રિબ્યુલન્સ ઇન કાશ્મીર’ પુસ્તકમાં કાશ્મીરના રાજ્યપાલ રહી ચુકેલા જગમોહન મલ્હોત્રાએ લખ્યું છે કે બક્ષી ગુલામ મોહમ્મદમાં ત્રણ ખામી હતી. તેમણે શેખ અબ્દુલ્લાનું સ્થાન લીધું હોવાથી તેમને કાશ્મીરના લોકો સાથે દગો કરનાર તરીકે ચિતરવામાં આવ્યા હતા. પ્લેબિસાઇટ ફ્રન્ટે તેમની સામે ઝેરી પ્રચાર કર્યો હતો. બીજું, નેશનલ કૉન્ફરન્સમાં જ તેમના ઘણા દુશ્મનો હતા. તેઓ નવી દિલ્હીમાં તેમની વિરુદ્ધ વાતો પહોંચાડતા હતા. અને ત્રીજું, બક્ષીએ પક્ષમાં વહાલાદવલાની નીતિ કરી હતી અને ભાઈભત્રીજાવાદને પ્રોત્સાહન આપ્યું હતું. તેમજ ભ્રષ્ટાચાર પણ ભારે કર્યો હતો.

તેમના રાજીનામાને નહેરુએ સ્વીકારી લીધું, પરંતુ બક્ષી પછી બક્ષીના માનીતા ખ્વાજા શમશુદ્દીનને મુખ્યપ્રધાન બનાવાયા. હવે હઝરત બાલ ચોરાયાની ઘટના પછી કાશ્મીરમાં અશાંતિ વ્યાપી ગઈ હતી અને બાલ મળ્યા પછી પણ તે થાળે નહોતી પડતી તે વખતે લાલબહાદુર શાસ્ત્રી કાશ્મીર ગયા અને તેમણે હઝરતબાલની મુલાકાત લીધી. લોકોમાં શમશુદ્દીનના શાસન સામે પણ રોષ હતો. (જેલમાં બેઠાં બેઠાં શેખ અબ્દુલ્લા ઉંબાડિયાં મૂકે રાખતા હતા.) તેથી જી. એમ. સાદિકને શમશુદ્દીનના સ્થાને મુખ્યપ્રધાન બનાવાયા. સાદિકે જ નહેરુના કહેવાથી શેખ અબ્દુલ્લાને મુક્ત કર્યા અને તેમની સામે બધા આરોપો પાછા ખેંચી લીધા. આ તરફ પાકિસ્તાન તરફી તત્ત્વો પણ સંગઠન રચવા લાગ્યા હતા. મિરવાઇઝ (મિર એટલે વડા અને વાઇઝ એટલે પૂજારી) મૌલવી ફારુકે અવામી ઍક્શન કમિટી રચી હતી.

ફરી શેખ અબ્દુલ્લાના પાકિસ્તાન પ્રવાસ પર આવી જાવ. અબ્દુલ્લા જ્યારે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના પાટનગર મુઝફ્ફરાબાદ હતા ત્યારે તેમને પં. નહેરુના નિધનના સમાચાર મળ્યા. પ્રવાસ ટૂંકાવી તેઓ દિલ્હી પાછા ફર્યા. નહેરુના અવસાન પછી શેખને લાગ્યું કે તેમને રોકનારું હવે કોઈ નથી. આથી તેઓ કાશ્મીરમાં ફરી ભારત વિરોધી પ્રવચનો કરવાં લાગ્યાં. ફેબ્રુઆરી, ૧૯૬૫માં શેખ અબ્દુલ્લા તેમનાં પત્ની સાથે હજ પઢવા જવા માગતા હતા. તેમને તે માટે મંજૂરી આપવામાં આવી, પરંતુ હજ પઢવા સીધા મક્કા જવાના બદલે તેઓ યુ.એ.આર. (એ વખતે ઇજિપ્ત અને સિરિયાએ યુનાઇટેડ આરબ રિપબ્લિક નામનો દેશ બનાવ્યો હતો જે હવે આજે નથી.) યુકે અને ફ્રાન્સ અને અન્ય કેટલાક દેશોની મુલાકાતે પહોંચી ગયા! (આ બધું ભારત સરકારની કેડ પર હતું.)

એક ઉર્દૂ કવિએ એટલે જ લખ્યું:

સિધારે પીર કાબા કો, હમ ઇંગ્લિસ્તાન જાયેંગે

ખુદા કા નૂર વો દેખેં હમ ખુદા કી શાન દેખેંગે

(પૂજારીઓને ભલે મક્કા જવા દો, અમે તો ઇંગ્લેન્ડ જશું, તેમને ઈશ્વરનો પ્રકાશ જોવા દો, અમે તો તેની જાહોજલાલી અને વૈભવ જોઈશું.)

અબ્દુલ્લા ઇંગ્લેન્ડથી ફ્રાન્સ ગયા. ત્યાંથી મક્કા ગયા. ત્યાં સાઉદી નેતાઓને મળ્યા બાદ ઈજિપ્ત ગયા. તેમણે તેના પ્રમુખ નાસીરનો કાશ્મીરને સ્વતંત્ર કરાવવા માટે ટેકો માગ્યો પણ નાસીરે તેમને ડિંગો બતાવ્યો! બાદમાં તેઓ અલ્જેરિયા ગયા. ત્યાં તેમણે ભારતને શરમમાં મુકવાનું કાર્ય કર્યું. ૨૮ માર્ચ, ૧૯૬૫ના રોજ તેઓ અલ્જેરિયન નેતાઓની હાજરીમાં ચીનના વડા પ્રધાન ચાઉ એન લાઇને મળ્યા. ચીન તો ભારતનું દુશ્મન હતું જ. તેમણે શેખ અબ્દુલ્લાને તમામ સહાય આપવાની ખાતરી જાહેરમાં આપી. બાપના પૈસે ફરતા હોય તેમ શેખ અબ્દુલ્લા ફરી યુ.એ.આર. ગયા અને ત્યાંથી બીજી વાર હજ પઢવાના નામે તેઓ આંતરરાષ્ટ્રીય મુસ્લિમ પરિષદમાં ભાગ લેવા ગયા. ભારત સરકારે આ પરિષદમાં ભાગ લેવા પ્રતિનિધિઓ મોકલ્યા જ હતા, પણ શેખ અબ્દુલ્લા ક્યાં પોતાને ભારત સરકારના તાબામાં માનતા હતા.

તેથી તેમનો પ્રવાસ રદ્દ કરી દેવામાં આવ્યો. તેઓ જ્યારે દિલ્હી એરપોર્ટ આવી પહોંચ્યા ત્યારે વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની સરકારે ૯ મે, ૧૯૬૫ના રોજ તેમની ધરપકડ કરી. વિદેશના અને ભારતના સમાચારપત્રોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો તેમજ ગુપ્તચર સૂત્રો મુજબ, શેખ અબ્દુલ્લા અલ્જેરિયાની જેમ કાશ્મીરને સ્વતંત્ર કરવા માગતા હતા.

શાસ્ત્રીજીના સમયગાળામાં એક કામ સારું એ પણ થયું કે ડિસેમ્બર, ૧૯૬૪માં બંધારણમાં છઠ્ઠો સુધારો કરીને જમ્મુ-કાશ્મીરને ૩૫૬ કલમ લાગુ કરી દેવાઈ. આ કલમ હેઠળ હવે જો રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સારી ન હોય તો રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાતું હતું. આ સુધારા દ્વારા કાશ્મીરમાંથી સદર-એ-રિયાસત અને વઝીર-એ-આઝમના હોદ્દાને બદલે અનુક્રમે રાજ્યપાલ અને મુખ્યપ્રધાનના હોદ્દા મુકવામાં આવ્યા.

૧૯૬૫માં કાશ્મીરને પચાવી પાડવાના મનસૂબાથી પાકિસ્તાનના દળો કાશ્મીરમાં ઘૂસ્યા અને યુદ્ધ છેડાયું. તે વખતે વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીને સેનાના વડાએ સૂચવ્યું કે દુશ્મનને હટાવવો હોય તો બીજી સરહદે જવું પડે અને લાહોર આંતરરાષ્ટ્રીય સરહદની પેલે પાર હતી, પરંતુ નિડર શાસ્ત્રીએ સેનાને કહી દીધું: તમતમારે બિન્દાસ્ત જાવ. ભારતીય દળો છેક લાહોર સુધી પહોંચી ગયા. પરંતુ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને સંધિ માટે સોવિયેત સંઘ (આજનું રશિયા) જવું પડ્યું. (તેઓ દબાણમાં ન ઝુક્યા હોત તો…?) ભારતનો વિજય છતાં ભારત પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર પાછળ મેળવી શક્યું નહીં. અરે! આપણે એ યુદ્ધમાં પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરની બે ચોકીઓ હાજી પીર અને તિથવા જીતી લીધી હતી. તે વખતે વિપક્ષના નેતા અટલ બિહારી વાજપેયીએ શાસ્ત્રીના તાશ્કંત જવાનો વિરોધ કર્યો હતો.

સોવિયેત સંઘના તાશ્કંતમાં મંત્રણા માટે જતા પહેલાં અખબારોના તંત્રીઓ સાથે શાસ્ત્રીએ બેઠક કરી હતી. તેમાં તંત્રીઓએ આ બે ચોકીઓ પર ભારતનો કબજો જળવાઈ રહે તે માટે કહ્યું હતું. શાસ્ત્રીએ કહેલું: “હા, હું પ્રયત્ન કરીશ.” સોવિયેત સંઘના પ્રમુખ કોશીજીને શાસ્ત્રીજીને વિનંતી કરી કે “તમારે આ બે ચોકીઓ જતી કરવી પડશે.” શાસ્ત્રીજીએ કહ્યું: “…તો પછી તમે બીજા કોઈ વડા પ્રધાન સાથે વાત કરી લો.” એટલે કોસિજીને ભય બતાવ્યો કે તો પછી વાત સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદમાં જશે. શાસ્ત્રીજી ઝૂક્યા અને કહ્યું કે “અમે આ બે ચોકીઓ (પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરની તો વાત જ નથી, ભારતે જીતેલી બે ચોકીઓ પણ પાછી આપી દેવાની વાત છે) પાછી આપી દઈએ પણ પાકિસ્તાને કહેવું પડશે કે જે કંઈ વિવાદ હોય તેનો ઉકેલ યુદ્ધ કે હિંસાના બદલે મંત્રણાઓ દ્વારા જ લવાશે.” વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયર જે તે વખતે તાશ્કંત ગયા હતા તેમના મુજબ, છેલ્લી જે બેઠક થઈ તેમાં સંધિમાં શાસ્ત્રીજીને હથિયારોનો ઉલ્લેખ ન જોવા મળ્યો (એટલે કે પાકિસ્તાન હથિયારોનો ઉપયોગ નહીં કરે). શાસ્ત્રીજીએ નારાજગી બતાવી. આથી અયૂબ ખાને પોતાના હાથે શબ્દો ઉમેર્યા, “શસ્ત્રોના ઉપયોગ વગર”.

તે પછી તત્કાળ ત્યાં જ શાસ્ત્રીજી ભારતીય પત્રકારોને મળ્યા. પત્રકારોએ બે ચોકી અંગે રોષ વ્યક્ત કર્યો. એક પત્રકારે તો ત્યાં સુધી કહી દીધું: “તમે દેશને વેચી નાખ્યો છે.” શાસ્ત્રીજીએ ત્યાર બાદ દિલ્હી પોતાના કુટુંબને ફોન કર્યો. શાસ્ત્રીજીનાં પત્ની લલિતાજીએ એ તેમના પતિ સાથે વાત કરવાનો ઈનકાર કરી દીધો! કારણ? તેમના પતિએ બે ચોકીઓ જતી કરી હતી! દેશમાં પણ શાસ્ત્રીજીની સામે રોષ હતો. તાશ્કંતમાં જ શાસ્ત્રીનું નિધન થઈ ગયું. જોકે તેમના નિધન પાછળ ઘણા લોકો ષડયંત્ર જુએ છે. તેમનો દેહ ભૂરો પડી ગયો હતો, વળી, સત્તાવાર અહેવાલ પ્રમાણે, તેમનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું નહોતું. કદાચ, સોવિયેત સંઘ એ વખતે નહેરુની નોન એલાઇન મૂવમેન્ટ (નામ) એટલે કે તટસ્થ રહેવાની નીતિથી નાખુશ હતું. શાસ્ત્રીજીએ પણ આ નીતિ ચાલુ રાખી હતી. વળી, ચીને ૧૯૬૫ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનની મદદ કરી હતી. એને ધ્યાનમાં લઈ સોવિયેત સંઘ ચીન અને અમેરિકા બંને સામે એશિયામાં પોતાનો પ્રભાવ બતાવવા માગતું હતું.

૮ ડિસેમ્બર, ૧૯૬૭ના રોજ શેખ અબ્દુલ્લાને જેલમાંથી છોડી દેવામાં આવ્યા. હવે કાશ્મીરની જનતા પણ શેખ અબ્દુલ્લાને બહુ ભાવ આપતી નહોતી. જોકે પ્લેબિસાઇટ ફ્રન્ટની પ્રવૃત્તિઓ ચાલુ જ હતી.

હવે અત્યાર સુધી સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદે ૧૯૪૮માં જનમત સંગ્રહનું ડિંડવાણું ચાલુ કર્યું હતું જેને તે વખતે નહેરુએ સ્વીકાર્યું હતું. પણ તેમાં શરત એ હતી કે પાકિસ્તાન તેની સેના પાછી ખેંચી લે અને ભારત કાશ્મીરમાં જનમત સંગ્રહ કરાવે, પરંતુ પાકિસ્તાને તેની શરત ન પાળી તો પછી ભારતે પણ શરત ન પાળી. આના પછી વર્ષોવર્ષ યુએનની મહાસભામાં પાકિસ્તાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું રહ્યું અને ભારત તેનો જવાબ દેતું રહ્યું છે. જોકે, ૨૦૦૧માં સંયુક્ત રાષ્ટ્રોના મહાસચિવ કોફી અન્નાને જ આ સુરક્ષા પરિષદના ઠરાવનો કોઈ અર્થ ન રહ્યાનું સ્વીકારી લીધું છે.

(ક્રમશઃ)

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૨૪/૫/૧૫ના રોજ આ લેખ છપાયો)

વાંચો

ભાગ- ૧  કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો

ભાગ-૨ કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

ભાગ-૩ કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!

ભાગ-૪ નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!

ભાગ-૫ શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

ભાગ-૭ ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

ભાગ-૮ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

ભાગ-૯- શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

ભાગ-૧૦ કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

ભાગ-૧૧ ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

ભાગ-૧૨ ઈન્દિરાની સભામાં ફારુકના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યા!

ભાગ-૧૩ કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

ભાગ-૧૪ ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ રાજભવનમાં રસપ્રદ ધડાધડી

ભાગ-૧૫ જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

ભાગ-૧૬ ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

ભાગ-૧૭ પાકિસ્તાનનું પ્રૉક્સી વોર અને ક્રિકેટ પોલિટિક્સ

ભાગ-૧૮ પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હારજા

ભાગ-૧૯ શાહબાનો કેસ: રાજીવના નિર્ણયથી કાશ્મીરમાં ઉજવણીનો માહોલ

ભાગ-૨૦ કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા

ભાગ-૨૧ કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

One thought on “હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડયંત્ર

  1. “પાકિસ્તાનના પ્રમુખ અયૂબ ખાન અને ભારતના વડા પ્રધાન નહેરુ બંનેએ આ પ્રસ્તાવ ફગાવી દીધો.” આ વાત બરાબર નથી. ૧૯૫૪-૫૫ના અરસામાં પાકિસ્તાનના ઈસ્કંદર મીર્ઝા એ માર્શલ લૉ જાહેર કરેલ. તે અચૂક પાકિસ્તાનના લશ્કરના દબાણ હતો. શરુઆતમાં શાસન ધુરા સંભાળેલ. ઇસ્કંદર મીર્ઝાએ ફેડરલ યુનીયનનો પ્રસ્તાવ નહેરુ પાસે મુકેલ. આ પ્રસ્તાવ અચૂક લશ્કરના મર્શલના કહ્યા વગર તો ન જ હોઈ શકે.

    નહેરુએ આ ફેડરલ યુનીયનની વાતને ધુત્કારી કાઢેલ. આ ધુત્કાર કરતાં પહેલાં તેમણે મંત્રીમંડળની બેઠક પણ બોલાવી ન હતી અને કોઈ જાતની ચર્ચા પણ કરી ન હતી. પાકિસ્તાનમાં લશ્કરી શાસન આવ્યું એટલે નહેરુએ તેને વખોડવામાં ખાસ સમય ગાળેલ. તેમણે કહેલ કે લોકશાહી ને વરેલ દેશ અને લશ્કરી શાસનને વરેલ દેશ વચ્ચે કોઈ યુનીયન ન હોઈ શકે. જોકે વિનોબા ભાવે એ ફેડરલ યુનીયન ની વાતને આવકારી હતી અને તેમણે જણાવેલ કે લોકશાહી ને વરેલ દેશ અને લશ્કરી શાસનને વરેલ દેશ વચ્ચે કોઈ યુનીયન હોઈ શકે છે.

    ફેડરલ યુનીયનની વાત ૧૯૪૭ પહેલાં પણ થયેલી. શરુઆતમાં એક તબક્કે જીન્ના, વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી આ વાત પર તૈયાર થયેલ. પણ ગાંધીજીએ સરદાર પટેલને જણાવેલ કે નહેરુ સાથે આ વિષય પર ચર્ચા કરવામાં આવે. નહેરુએ તે વખતે પણ આ વાતને નકારી કાઢેલ. નહેરુના મનમાં એ ખ્યાલ હતો કે ગાંધીજી ફેડરલ યુનીયનના સંયુક્ત હેડ તરીકે જીન્નાને પસંદ કરશે. અને તે કારણે તેઓ પોતે જીન્ના ની અંડરમાં કહેવાશે. જો ગાંધીજી પોતાને (નહેરુને) સંયુક્ત હેડ તરીકે અનુમોદન આપશે તો તેમને જીન્ના જોડે સંઘર્ષમાં આવવું પડશે. વળી નહેરુ પોતે અગાઉ અવાર નવાર ઉચરી ગયેલ કે તેઓ જીન્નાને એક ચપરાશી તરીકે રાખવા પણ નથી. એટલે નહેરુ થુંકેલું ગળવા તૈયાર ન હતા.

    પણ તે પછી સરદાર પટેલ અને ગાંધીજીને પુનર્‍ વિચાર કરતાં લાગ્યું કે “ફેડરલ યુનીયન” એક મધપુડો છે અને તેને છંછેડવા જેવો નથી. કારણ કે હરિ સિંહ જેવા અનેક રાજાઓ સ્વાયત્તતા માટે તૈયાર થશે. દલિતીસ્તાન, ખાલિસ્તાન, દ્ર્વિડીસ્તાન જેવા અનેક ‘સ્તાનો ની માગણીઓ ઉભી થશે અને તેને સુલઝાવી શકાશે નહીં. ફેડરલ યુનીયન વિષે તો પછી પણ વિચારી શકાશે. હાલ તુર્ત તો દેશના બે ભાગ જ પડે તે જ શ્રેય છે.

    ફેડરલ યુનીયન માટે ૧૯૫૪-૫૫ નો સમય શ્રેષ્ઠ હતો.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.