ચૂંટણી એક મધપૂડો છે જેમાં મધ લેવા જતી વખતે ઘણી વાર મધમાખીઓનો દંશ સહન કરવો પડે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પહેલાં અસંખ્ય વચનોની છુટા હાથે લહાણી કરી હતી. હવે તે વચનો સામે આવી રહ્યાં છે અને લોકો પૂછી રહ્યા છે કે તેનો અમલ ક્યારે થશે? આવું જ એક વચન ‘એક હોદ્દો, એક પેન્શન’નું છે. અંગ્રેજીમાં આ મુદ્દો ‘વન રેન્ક વન પેન્શન’ અથવા ‘ઓઆરઓપી’ તરીકે ઓળખાય છે.

૩૧મી મે ને રવિવારે રેડિયો પર ‘મન કી બાત’ રજૂ કરતા વડા પ્રધાન મોદીએ ફરી હૈયાધારણ આપી કે સરકાર આ સમસ્યાનો ઉકેલ લાવશે. જોકે સાથે સાથે તેઓ એ યાદ અપાવવાનું ન ચૂક્યા કે અગાઉની સરકારોએ ૪૦-૪૦ વર્ષ વિતવા છતાં આ મુદ્દો હલ કર્યો નથી. દરેક સરકારે વાત કરી પરંતુ કર્યું કંઈ નહીં. સેનાના જવાનોએ ચાળીસ વર્ષ ધીરજ રાખી છે, થોડી ધીરજ વધુ રાખે.

મોદીએ ‘મન કી બાત’માં આ મુદ્દો એટલે ઉઠાવવો પડ્યો કે કૉંગ્રેસના ઉપાધ્યક્ષ અને હવે વધુ સક્રિય બનેલા રાહુલ ગાંધીએ ૨૩મી મેએ મોદી સરકારને એક વર્ષ પૂરું થવા આવ્યું ત્યારે સરકારની ઝાટકણી કાઢતાં મુદ્દો ઉઠાવ્યો કે સરકારે વિતેલા બાર મહિનામાં આ પ્રશ્ને કંઈ કર્યું નથી. રાહુલ ગાંધીએ પક્ષના પૂર્વ સૈનિકોના સેલને મળ્યા પછી આ મુદ્દો ઉઠાવ્યો હતો અને એ પણ યાદ અપાવ્યું હતું કે યુપીએ સરકારે આ યોજના માટે જોગવાઈઓ કરી હતી અને નાણાં પણ ફાળવ્યાં હતાં. નાણાં તો જોકે મોદી સરકારે પણ ૨૦૧૪ના બજેટમાં ફાળવી દીધા છે. અરુણ જેટલીએ રૂ. ૧,૦૦૦ કરોડ ફાળવી દીધા છે. તો અગાઉ યુપીએ સરકારે પણ રૂ. ૫૦૦ કરોડ ફાળવ્યા હતા.

આ મામલો વધુ ગરમ બની રહ્યો છે. સામાન્ય રીતે સેનાના લોકો શિસ્ત તોડતા નથી, પરંતુ ૨૮ મેએ સેનામાંથી નિવૃત્ત થયેલા બે વિંગ કમાન્ડરો નિવૃત્ત વિંગ કમાન્ડર કે. વી. બોપાર્દીકર અને એસ. ડી. કાર્ણિકે પૂણેમાં એક સમારંભમાં સંરક્ષણ પ્રધાન મનોહર પાર્રીકરના હસ્તે સન્માન થવાના કાર્યક્રમનો બહિષ્કાર કરીને નારાજગી વ્યક્ત કરી દીધી છે. અગાઉ આ વર્ષમાં મનોહર પાર્રીકરને પોતાના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ સાથે મળનાર નિવૃત્ત મેજર જનરલ સતબીરસિંહે તો જાહેરાત પણ કરી છે કે ૧૪ જૂને તેઓ દિલ્હીના જંતરમંતર ખાતે એક રેલી યોજશે. આ રેલી માત્ર દિલ્હીમાં જ નહીં, દેશના અન્ય ભાગોમાં પણ યોજાશે.

પૂર્વ સૈનિકોને લાગે છે કે સરકાર માત્ર વાતોનાં વડાં જ કરી રહી છે. નક્કર કોઈ કામ થઈ રહ્યું નથી. સરકારી અધિકારીઓ આ યોજનાના અમલમાં વિલંબ કરીને અવરોધો નાખી રહ્યા છે. સતબીરસિંહના નેતૃત્વમાં પૂર્વ સૈનિકો ગત ડિસેમ્બરથી એપ્રિલ દરમિયાન ચાર વખત સંરક્ષણ પ્રધાનને મળી ચૂક્યા છે. હવે તેમની ધીરજ ખુટવા આવી છે. જોકે નૌ સેનાના વડા ચીફ એડમિરલ આર. કે. ધવને પૂર્વ સૈનિકોને ધીરજ રાખવા કહ્યું છે. ધવન અનુસાર આ પ્રાથમિકતાનો વિષય છે અને સંરક્ષણ મંત્રાલય સમક્ષ આ મુદ્દો ઉઠાવાયો છે, પરંતુ પૂર્વ સૈનિકો તેને સત્તાના શાણપણ તરીકે જોઈ રહ્યા છે.

સતબીરસિંહે તો પ્રશ્ન ઉઠાવી દીધો છે કે સરકાર છેલ્લા ૧૨ મહિનાથી શું કરી રહી છે? સતબીર ઇન્ડિયન એક્સ સર્વિસમેન મૂવમેન્ટ (આઈઈએસએમ)ના બેનર હેઠળ ઝુંબેશ ચલાવી રહ્યા છે. તેમણે આ યોજનાની અલગ-અલગ વ્યાખ્યા સામે પણ વાંધો ઉઠાવ્યો છે. તેમના મુજબ, એક હોદ્દો એક પેન્શનની માત્ર એક જ વ્યાખ્યા હોઈ શકે અને તે છે મનમોહનસિંહ સરકારે કેબિનેટ સચિવના નેતૃત્વમાં રચેલી સચિવોની સમિતિએ આપેલી વ્યાખ્યા. આ વ્યાખ્યા સંસદે પણ અપનાવી છે અને રાષ્ટ્રપતિએ તેને આ યોજનાને તાત્કાલિક જરૂરિયાત ગણાવી છે. હવે મોદી સરકારે પણ આ વ્યાખ્યા અપનાવી છે.  સતબીરસિંહ અણિયાળો સવાલ પૂછે છે કે જો વડા પ્રધાન આ અંગે સ્પષ્ટ નહોતા તો તેમણે ચૂંટણી પહેલાં શા માટે વચન આપેલું કે તેમની સરકાર બનશે તો તેઓ આ યોજનાનો અમલ કરશે.

પૂર્વ સૈનિકો યોજનાના અમલમાં વિલંબને શહીદોની ૬.૪૫ લાખ વિધવાઓ સાથે દગો અને છેતરપિંડી ગણે છે. તેઓ રેલી ઉપરાંત ૧૫ જૂનથી ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામવા પણ યોજના બનાવી રહ્યા છે.

આ વન રેન્ક વન પેન્શન સ્કીમ શું છે તે સમજી લઈએ. પૂર્વ સૈનિકોની ફરિયાદ હતી કે તેમાંના જે વહેલા નિવૃત્ત થાય છે તેમને ઓછું પેન્શન મળે છે જ્યારે તે પછી નિવૃત્ત થનારાને વધુ પેન્શન મળે છે. એક જ હોદ્દો હોવા છતાં અલગ-અલગ નહીં, એક સરખું પેન્શન જ મળવું જોઈએ. આ વિસંગતતા દૂર થવી જોઈએ. અત્યારે નિવૃત્તિનો સમય અથવા કહો કે તારીખના આધારે પેન્શન નક્કી થાય છે. પગાર પંચ દર ૧૦ વર્ષે આવે છે. તેથી સેનાના જે લોકો વહેલા નિવૃત્ત થાય છે તેમને લાગે છે કે તેમને ઓછું પેન્શન મળે છે. દા. ત. એક સિપાહી ૧૯૯૫માં નિવૃત્ત થયો હોય તો તેને ૧૯૯૬માં નિવૃત્ત થયેલા સિપાહી કરતાં ઓછું પેન્શન મળે. પૂર્વ સૈનિકોના કહેવા મુજબ, એક પોલીસ ઇન્સ્પેક્ટર ક્લાસ વન ઑફિસર ગણાય છે, પરંતુ જુનિયર કમિશન્ડ ઑફિસર દ્વિતીય વર્ગમાં આવે છે. ઓફિસર ઑન સ્પેશિયલ ડ્યુટી (એસડીઓ) દારૂગોળાની ફેક્ટરી કે અન્યત્ર ઠેકાણે મેજરની નીચે ગણાય છે. તેમ છતાં તેનો પગાર મેજર કરતાં વધુ હોય છે. એટલે આ સવાલ માત્ર નાણાંનો જ નથી, આ સવાલ સન્માનનો પણ છે.

એમ મનાય છે કે જે સૈનિકો ઈ. સ. ૨૦૦૬ પહેલાં નિવૃત્ત થયા છે તેમને તેમના સમકક્ષ કે તેમના જુનિયર કરતાં પણ ઓછું પેન્શન મળે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૬માં છઠ્ઠા પગાર પંચની ભલામણો અમલી બની હતી. વન રેન્ક વન પેન્શન યોજના સેનાની ત્રણેય પાંખ – ભૂમિ દળ, નૌકા દળ અને વાયુ દળ માટે છે. આનાથી સરકાર પર શરૂઆતમાં રૂ. ૮,૬૦૦ કરોડનો બોજો પડે તેવી શક્યતા છે અને પછી જે કંઈ ખર્ચ આવે તે અલગ.

સરકાર કેમ આ યોજનાના અમલમાં વિલંબ કરી રહી છે? હકીકતે લોકસભા ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીએ ચૂંટણી જીતવા તમામ ગતકડાં અજમાવી જોયા હતા અને તેમાં આ પણ એક હતું. તેમણે આ યોજનાના અમલનું વચન આપી દીધું હતું. તેના કારણે પછી યુપીએ સરકારે પણ ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૪ના રોજ આ યોજના પર મત્તું મારી દીધું હતું. એમ મનાય છે કે મોદી ઉપરાંત રાહુલ ગાંધીની પણ આમાં ભૂમિકા હતી. રાહુલ ગાંધીએ તેમને મળવા આવેલા પૂર્વ સૈનિકોના પ્રતિનિધિમંડળને આ યોજના લાવવાની ખાતરી આપી હતી. એ વખતે વિપક્ષના નેતા (હાલમાં નાણા પ્રધાન) અરુણ જેટલીએ યુપીએની સંનિષ્ઠા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા કે યુપીએ સરકારે ૨૦૦૯-૧૦ના અંદાજપત્રમાં એક સમિતિ રચી હતી અને તેની ભલામણોનો અમલ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ પ્રશ્ન જેમનો તેમ જ રહ્યો હતો કારણકે અભિગમ અધૂરા મન સાથેનો હતો. નાણા પ્રધાને (તે વખતે ચિદમ્બરમે) ફરી વચન આપ્યું હતું કે આ પ્રશ્ન ઉકેલાઈ ગયો છે. સેનાના જવાનોની લાગણી સાથે રમત થવી જોઈએ નહીં.

જેટલીએ ત્યારે જે વાત કરી હતી તે અત્યારે તેમની સરકાર છેલ્લા બાર મહિનાથી કરી રહી છે. જો યુપીએ સરકારે સેનાના જવાનોની લાગણી સાથે રમત કરી હોય તો તેમની સરકાર શું કરી રહી છે? મનોહર પાર્રીકરે તાજેતરમાં કહ્યું છે કે આ યોજના અંગે કામ થઈ રહ્યું છે. તેમણે ચોક્કસ તારીખ આપી નથી કે ક્યારે તેનો અમલ થશે. તો વડા પ્રધાન મોદી પણ આશ્વાસનો આપી રહ્યા છે અને રવિવારે (૩૧મીમેએ) તો તેમણે ધીરજ રાખવા પણ સલાહ આપી દીધી.

સતબીરસિંહ કહે છે કે સરકારની દાનત જ લાગતી નથી. તમામ પેન્શન પે ઓર્ડર મળી શકે તેમ છે. ૨૬ ફેબ્રુઆરીએ તમામ સર્વિસ હેડક્વાર્ટર અને સરકારે રચેલા કોર ગ્રૂપે સરકારી જાહેરનામું પણ તૈયાર કરી દીધું છે. તેમનો દાવો છે કે નાણા મંત્રાલયને મોકલાયેલી તમામ દરખાસ્તો પાંચ વાર પરત ફરી છે. આવું શા માટે? અમે તો ભાજપને ટેકો આપ્યો હતો. ચીફ ઑફ આર્મી સ્ટાફે તો વચન આપી દીધું હતું કે ૩૦ એપ્રિલ સુધીમાં તેનો અમલ થઈ જશે. તેમણે સરકાર સાથે ચર્ચા કર્યા પછી આવું વચન આપવું જોઈએ.

આ યોજનામાં વિલંબ પાછળ નાણા પ્રધાન અરુણ જેટલીએ ફેબ્રુઆરીમાં કહ્યા મુજબ, કારણ એ છે કે સેના અને સંરક્ષણ મંત્રાલય વચ્ચે પેન્શનની ગણતરીમાં ગૂંચ પડેલી છે. વડા પ્રધાન મોદીએ પણ રવિવારે મન કી બાતમાં આનો જ ઈશારો કર્યો હતો કે સેના સાથે વાતચીત ચાલી રહી છે.

ઉપરાંત ૨૦૧૧માં સંરક્ષણ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઑફ એક્સ સર્વિસમેન વેલ્ફેરે સંસદીય સમિતિ સમક્ષ મુદ્દો ઉપસ્થિત કર્યો હતો કે એક હોદ્દો એક પેન્શન યોજનાનો અમલ કરવો શક્ય નથી કારણકે સેનાના જવાનોના દસ્તાવેજોનો ૨૫ વર્ષ પછી નિકાલ કરવામાં આવે છે. આ મુદ્દે આ યોજનાના તરફીઓનું કહેવું છે કે પેન્શરોના પેન્શન પેમેન્ટ ઑર્ડરમાં છેલ્લે કયા હોદ્દા પર હતા તે સહિત અનેક પ્રાસંગિક વિગતો હોય જ છે. અને જ્યાં સુધી પેન્શનર જીવતો રહે ત્યાં સુધી તેને સાચવવામાં આવે છે. જો તે પેન્શનરનું અવસાન થઈ જાય તો તે પછી કુટુંબમાં જે પેન્શન મેળવે તેની હયાતી સુધી આ વિગતો સાચવાય છે.

યોજનામાં વિલંબનું એક કારણ એ પણ છે કે સેનાના પગલે અર્ધસૈન્ય દળો પણ હવે આ યોજના પોતાના માટે માગી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો માત્ર સેના માટે જ તેનો અમલ થશે તો અમારા દળોમાં નિરાશા આવશે. હવે અર્ધસૈન્ય દળોમાં નવથી વધુ લાખ જવાનો છે. આથી સરકારનો ખર્ચો અબજો રૂપિયા વધી જાય. બીજું, માનો કે અર્ધસૈન્ય દળો માટે પણ આ યોજના અંગે સરકાર માની જાય તો કાલે ઉઠીને નાગરિકો એટલે કે સરકારી, અર્ધ સરકારી કર્મચારીઓ પણ તેની માગણી કરવા લાગે. આમ સરકારને ડોશી મરે તેનો વાંધો નથી, પણ જમ ઘર ભાળી ન જાય તેની સામે વાંધો લાગે છે.

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની બુધવારની પૂર્તિમાં ‘વિશેષ’ કૉલમમાં તા. ૩/૬/૧૫ના રોજ આ લેખ છપાયો)

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.