(ભાગ-૮)

મોટા ભાગે જનમાનસમાં એવી છાપ છે કે જમ્મુ-કાશ્મીર અને તે રીતે ભારતમાં ત્રાસવાદી પ્રવૃત્તિની શરૂઆત ૮૦ના દાયકામાં થઈ. એ વાત ખોટી છે. રઝાકરોની મદદથી બક્ષી ગુલામ મોહમ્મદની સરકારને ઉથલાવી દઈ કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવા શૈખે કાવતરું ઘડ્યું હતું તેમ તે વખતે સીબીઆઈના ડિરેક્ટર બી. એન. મલિકે ‘માય યર્સ વિથ નહેરુ’ પુસ્તકમાં લખ્યું છે. ૧૯૫૭માં પાકિસ્તાનના પ્રમુખ ઇસ્કંદર મિર્ઝાએ ચૂપચાપ રીતે કાશ્મીર લિબરેશન ફ્રન્ટની રચનાને સમર્થન આપ્યું હતું જે સરહદ પારથી જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરો મોકલતો હતો. ૧૯૭૦માં જ પાકિસ્તાન પ્રેરિત એક ત્રાસવાદી સંગઠન અલ ફતેહ રચાયું હતું. ‘ધ હિન્દુ’ અને ‘ધ ડેઇલી ટેલિગ્રાફ’ જેવા માતબર અંગ્રેજી અખબારોમાં કામ કરનાર અને અત્યારે ‘ધ હિન્દુ’ના સ્ટ્રેટેજિક અફેર્સ એડિટર પ્રવીણ સ્વામીએ ‘ઇન્ડિયા, પાકિસ્તાન એન્ડ ધ સિક્રેટ જિહાદ: ધ કોવર્ટ વોર ઇન કાશ્મીર, ૧૯૪૭-૨૦૦૪’ પુસ્તકમાં અલ ફતેહ પર વિગતવાર લખ્યું છે.

કાશ્મીરના જહાંગીર, ફઝલ ઉલ હક કુરેશી અને મુસદાક હુસૈન પાકિસ્તાન જઈને આવ્યા હતા અને ત્યાં તેમને પાકિસ્તાનની સેના તરફથી છૂપી પ્રવૃત્તિઓ શરૂ કરવા ખાસ સૂચનાઓ મળી હતી. ત્રણેયને શીખવાડવામાં આવ્યું હતું કે સરળતાથી મળતી સામગ્રીમાંથી કઈ રીતે ઇમ્પ્રૂવાઇઝ્ડ અક્સ્પ્લોઝિવ ડિવાઇસ બનાવવી. ભારત આવતાંવેંત જહાંગીરે ભરતી ચાલુ કરી. અલ ફતેહનું મુખ્ય ભેજુ નાઝીર અહેમદ વાણીએ ગેરીલા પદ્ધતિએ લડવાનું શીખવાડવાનું ચાલુ કર્યું. મોટા પાયે હેન્ડ ગ્રેનેડને ઘૂસાડાયા. દરમિયાનમાં નેશનલ લિબરેશન ફ્રન્ટ (એનએલએફ)એ પણ દેશદ્રોહી પ્રવૃત્તિ શરૂ કરવા લાગી હતી. બાંગ્લાદેશના મુદ્દે ભારત-પાકિસ્તાનનું યુદ્ધ થાય એ પહેલાં ૩૦ જાન્યુઆરી, ૧૯૭૧ના રોજ, કાશ્મીરમાંથી વિમાન અપહરણનું ત્રાસવાદી કૃત્ય થવાનું હતું.

૩૦ જાન્યુઆરી એટલે ગાંધીજીનો શહીદી દિવસ! ગાંધીજીએ આ દેશમાં અહિંસાના વિચારો એટલા જબરદસ્ત રોપ્યા કે આપણો દેશ આક્રમણ તો ઠીક, પણ પ્રતિકારની-સ્વબચાવની ભાષા પણ ભૂલી ગયો. પાકિસ્તાન ગમે તેટલાં આક્રમણો કરે, ગમે તેટલી ત્રાસવાદી પ્રવૃત્તિ કરે, આપણી સરકાર અને આપણાં માધ્યમો શાંતિની, પ્રેમની અને અહિંસાની માળા જપતા રહે. (સોરી માળા, કોમવાદી શબ્દ થઈ જશે, પણ બીજા શબ્દથી ધાર્મિક ભાવના દુભાવવાનો ખતરો છે.) આ દિવસે ૨૬ મુસાફરો અને ૪ ક્રુ સભ્યોને લઈને ઇન્ડિયન એરલાઇન્સ ફોકર ફ્રેન્ડશિપનું ગંગા નામનું વિમાન શ્રીનગરથી જમ્મુ જવા ઉડ્યું પરંતુ તેણે લાહોર વિમાનમથકે અણધાર્યું ઉતરાણ કર્યું. તેને બે જ માણસોએ અપહૃત કરી લીધું હતું. તેમની પાસે હેન્ડ ગ્રેનેડ અને પિસ્તોલ હતાં. આ અપહરણના કિસ્સામાં કોઈ લોહી રેડાયું નહોતું. કાશ્મીરનો માત્ર ૧૬ વર્ષનો હાસીમ કુરૈશી તેની બહેનનાં લગ્ન માટે પેશાવર ગયો હતો. પાકિસ્તાનમાં એનએલએફ નેતા મકબૂલ બટ્ટે હાસીમ કુરૈશીને પોતાની બાજુ લીધો હતે. મકબૂલ બટ્ટ જેલમાંથી છૂટ્યો તે પછી તે અને તેના સાથીદારો વિચારી રહ્યા હતા કે કાશ્મીર પ્રશ્ને વિશ્વનું ધ્યાન ખેંચાય તે માટે શું કરવું જોઈએ. તે સમયે તેમનું ધ્યાન એક બનાવ તરફ ગયું. પશ્ચિમ એશિયામાં પેલેસ્ટાઇન માટે પોપ્યુલર ફ્રન્ટ ફોર ધ લિબરેશન ઑફ પેલેસ્ટાઇને પાંચ વિમાનોનું અપહરણ કર્યું હતું. તેમાં ત્રણને તો ફૂંકી માર્યા હતા. તેનાથી વિશ્વના દેશોમાં રોષ તો ફેલાયો પરંતુ સાથે પેલેસ્ટાઇનના પ્રશ્ન તરફ ધ્યાન દોરાયું. હાસીમ કુરૈશીએ એનએલએફની સ્થાનિક પાંખ જમ્મુ-કાશ્મીરમાં શરૂ કરી હતી. તેણે અને તેના પિતરાઈ અલ્તાફ કુરેશીએ ‘ગંગા’નું અપહરણ કરવાનું નક્કી કર્યું.

આ થ્રિલર કોમેડીમાં ત્યારે પલટાઈ ગયું જ્યારે એનએલએફના મુઝફ્ફરાબાદના વડા મથકે પિસ્તોલ અને હેન્ડગ્રેનેડ આ અપહરણકારોને મોકલવા એક માણસને પસંદ કર્યો પણ તે માણસ ડબલ એજન્ટ નીકળ્યો અને તેણે ભારતીય ગુપ્તચરોને શસ્ત્રો આપી દીધાં! જોકે તોય અપહરણ ટુકડીએ લાકડાનાં શસ્ત્રો બનાવી લીધાં અને તે વિમાનનું અપહરણ કરવામાં સફળ રહ્યા. વિમાનને મૂળ લઈ જવાનું હતું રાવલપિંડી પણ ઈંધણની અછતના કારણે લાહોર ઉતારવું પડ્યું. અપહરણકારોએ તેમને પાકિસ્તાનમાં આશ્રય આપવાની, તેમના જમ્મુ-કાશ્મીરમાં રહેલા પરિવારોને હાનિ નહીં પહોંચાડવાની અને એનએલએફના જે ૩૬ કેદીઓને છોડવાની માગણી કરી હતી. લાહોરમાં અપહરણકારોને ઉષ્માપૂર્ણ સત્કાર મળ્યો. આ ઘટનામાં આગમાં ઘી હોમતા હોય તેવું ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ કર્યું!  હકીકતે તેઓ ત્યારે બળવાગ્રસ્ત પૂર્વ પાકિસ્તાન (આજનું બાંગ્લાદેશ)થી આવી રહ્યા હતા, પરંતુ તેમણે પરિસ્થિતિ પામી લીધી. તેઓ લોકોના દેખતાં બંને અપહરણકારોને ભેટી પડ્યા! તેમને પાકિસ્તાનના કાશ્મીર અભિયાનના સાચા યૌદ્ધા ગણાવ્યા! (અને, આ અપહરણ પછી, ભારત-પાકિસ્તાનના યુદ્ધ છતાં, ઈન્દિરા ગાંધી ભુટ્ટો સાથે મંત્રણામાં હારી ગયાં! અને આજ સુધી આપણા શાસકોનું, ચાહે કૉંગ્રેસના હોય કે ભાજપના કે ત્રીજા મોરચાના, વલણ ઠંડું જ રહ્યું છે. વિપક્ષમાં હોય ત્યારે સિંહગર્જના કરનારા ભાજપની આ ત્રીજી વારની સરકાર છે. પાકિસ્તાન અત્યારે પણ શસ્ત્રવિરામ ભંગ કર્યા રાખે છે. ત્રાસવાદી પ્રવૃત્તિ આજે પણ કાશ્મીરમાં ચાલુ છે. અનેક જવાનો મોદી સરકાર આવ્યા પછી શહીદ થયા છે. હવે તો કાશ્મીરમાં પણ ભાજપની યુતિ સરકાર છે. શું કરી લીધું ભાજપે પણ?)

અપહરણકારોએ વિમાનને સળગાવ્યું. જોકે બંધકોને કોઈ નુકસાન પહોંચ્યું નહીં. પાકિસ્તાને અપહરણકારોને કસ્ટડીમાં લીધા. ભારત પરિસ્થિતિ પામી ગયું હતું એટલે તેણે અધીરાઈમાં આવીને કોઈ સમજૂતી ન કરી તે સારું થયું. આ બનાવ બાદ ભારતે પાકિસ્તાનનાં વિમાનોને ભારતના અવકાશ પ્રદેશ પરથી જવા પર પ્રતિબંધ લગાવ્યો. આનાં સુફળ તેના મહિનાઓ પછી ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અને બાંગ્લાદેશની સ્વતંત્રતા માટેની લડાઈમાં જોવાં મળ્યાં. પાકિસ્તાન સામે માત્ર યુદ્ધ જ એક માત્ર પગલું નથી તે વાત સ્વીકારીએ તો બીજાં અનેક પગલાં છે જેમાંનું આ એક છે. ૨૦૦૧માં જ્યારે સંસદ પર હુમલો થયો તે પછી અટલ બિહારી વાજપેયીની સરકારે પાકિસ્તાનનાં વિમાનોને ભારતીય વાયુ સીમામાંથી જવા પ્રતિબંધ મૂક્યો હતો. તેના કારણે પાકિસ્તાનને ઘણું આર્થિક નુકસાન પહોંચ્યું હતું. આ ઉપરાંત પાકિસ્તાનના કલાકારો પણ અહીં આવે છે, કમાય છે અને પાછા ચાલ્યા જાય છે. તેના કારણે ભારતીય કલાકારોને નુકસાન થાય જ છે. તેમ છતાં તે બાબતે કોઈ પ્રતિબંધ મૂકાતો નથી. અદનાન સામી ગમે તેટલો પ્રતિભાવાન કલાકાર હોય, તેના વિઝા પૂરા થઈ જાય છે તેમ છતાં તે જલસાથી અહીં રહે છે. પોલીસ મોડી મોડી કાર્યવાહી કરે છે. ભારતીય કલાકારોને પાકિસ્તાનમાં કાર્યક્રમ પણ કરવા દેવાતા નથી. આ અંગે જાણીતા ગઝલ ગાયક સ્વ. જગજીતસિંહ અને ગાયક અભિજીત જેવા કલાકારોએ સમયે સમયે વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ તે દરેક સરકારના બહેરા કાને જ અથડાયો હતો.

લવ જિહાદના મામલે વિરોધ આજકાલ વધુ સંભળાય છે, પરંતુ જમ્મુ-કાશ્મીર તો ઈ. સ. ૧૯૬૭માં આ મામલે સળગ્યું હતું. અલબત્ત, એ વખતે આ શબ્દ વપરાતો નહોતો. બન્યું હતું એવું કે કાશ્મીરી પંડિતની સગીર છોકરી પરમેશ્વરી હાંડો એક જગ્યાએ તેની સાથે કામ કરતા મુસ્લિમ છોકરાના પ્રેમમાં પડી અને તે મુસ્લિમ બની ગઈ. તેને પરવીન અખ્તર નામ આપવામાં આવ્યું. એક વાત એવી પણ હતી કે મુસ્લિમ છોકરાએ પરમેશ્વરીનું અપહરણ કર્યું હતું અને તેને બંધક બનાવી હતી. આ કિસ્સામાં પંડિતો ભડકી ઉઠ્યા. તેમણે તે વખતના કાશ્મીરના મુખ્ય  પ્રધાન જી. એમ. સાદ્દિક સામે આંદોલન આદર્યું. સાદ્દિકે પહેલાં તો છોકરીને સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ પછી તેમણે પણ પાછી પાની કરી લીધી. આથી પંડિતો વધુ ભડક્યા. તેમણે માગણી કરી કે સગીર પરમેશ્વરીને તેની માતાના કબજામાં રાખવામાં આવે. પરંતુ તેમની માગણી સ્વીકારાઈ નહીં. કાશ્મીરી પંડિતોને જમ્મુ-કાશ્મીરમાંથી કાઢવાના પ્રયાસ રૂપે આ ઘટનાને જોવામાં આવે છે. સાદ્દિક સરકાર, રાજ્યનાં રાષ્ટ્રવિરોધી પરિબળો અને પ્લેબિસાઇટ ફ્રન્ટના નેતાઓ આ બધાની મિલીભગત હતી તેમ માનવામાં આવે છે. આ મામલે કેન્દ્ર સરકારના દરવાજા પણ ખખડાવવામાં આવ્યા, પરંતુ તેમાં નિરાશા જ સાંપડી. (અત્યારે મુંબઈમાં એક મુસ્લિમ પત્રકાર મિસબા કાદરી પોતાને ફ્લેટ ન મળતાં, ખોટી રીતે ગામ ગજવે છે કે તેને મુસ્લિમ હોવાના કારણે ફ્લેટ ન મળ્યો અને કોઈ સચ્ચાઈ જાણ્યા વગર જ આપણું અંગ્રેજી મિડિયા અને તેના કારણે સ્થાનિક મિડિયા પણ તેને ચગાવી દે છે. પરંતુ બીજા દિવસે સચ્ચાઈ જાણવા મળે છે ત્યારે તેને પણ કેટલી ચેનલો, કેટલા છાપાંઓ પ્રસિદ્ધિ આપે છે? જ્યારે જમ્મુ-કાશ્મીરમાં તો વર્ષોથી સુવ્યવસ્થિત આયોજનપૂર્વક હિન્દુઓને પ્રતાડિત કરવામાં આવતા રહ્યા છે. તેને કેટલા મિડિયાએ પ્રસિદ્ધિ આપી?) જોકે, આ આંદોલનને કેન્દ્રના ઈશારે કચડી નાખવામાં આવ્યું હતું.

 

૧૯૭૨માં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી થઈ. તેમાં કૉંગ્રેસ ૫૮ બેઠકો સાથે વિજેતા થઈ. કૉંગ્રેસ ધારત તો કાશ્મીરને ભારતમાં સાચા અર્થમાં ભેળવી શકત, પરંતુ શૈખ અબ્દુલ્લા નામની પનોતી ભારતનો એમ સહેલાઈથી પીછો છોડે એમ નહોતી. નહેરુ-જેપી- તો ઠીક પણ ઈન્દિરા ગાંધી જેમણે પાકિસ્તાનના બે ટુકડા કરાવી દીધા અને સખ્તાઈવાળાં હતાં, તેમણે પણ ન જાણે કેમ, શૈખ અબ્દુલ્લા સાથે સમાધાન કર્યું, તેમને ફરી જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન બનાવ્યા.

૧૯૭૨ના વર્ષમાં શૈખ અબ્દુલ્લાએ થોડી ડાહી ડાહી વાતો શું કરી, શૈખ અબ્દુલ્લા, જી. એમ. શાહ અને મિર્ઝા અફઝલ બેગ સામે તડીપારનો આદેશ પાછો ખેંચી લેવાયો અને (ભારત વિરોધી પ્રવૃત્તિ કરતા શેખ અબ્દુલ્લાના) પ્લેબિસાઇટ ફ્રન્ટ પરથી પ્રતિબંધ પણ ઉઠાવી લેવાયો. ૨૪ માર્ચ, ૧૯૭૨ના રોજ ઈન્દિરા ગાંધીએ ભારતની સંસદને જણાવ્યું કે શૈખ અબ્દુલ્લાના વિચારોમાં પરિવર્તન થયું છે. તેઓ કાશ્મીરને ભારતમાં ભેળવવાની અંતિમ વિધિ સાથે સંમત છે. આના પછી ૧૬ જૂન ૧૯૭૨ના રોજ ટોચના અધિકારી જી. પાર્થસારથી અને શૈખ અબ્દુલ્લાના પ્રતિનિધિ મિર્ઝા અફઝલ બેગ વચ્ચે ગુપ્ત મંત્રણાઓ શરૂ થઈ. ૨૬ સત્રો પછી ૨૪  ફેબ્રુઆરી ૧૯૭૫ના રોજ આ મંત્રણા પૂરી થઈ.! ‘ઇસ્લામિક ફંડામેન્ટલિઝમ એન્ડ ઇન્ડિયા’ પુસ્તકમાં જે. બી. દાસગુપ્તા લખે છે કે ૧૯૭૨માં તડીપારનો આદેશ પાછો ખેંચાયો તે પછી શૈખ અબ્દુલ્લાનું વલણ બદલાયું નહોતું. તેમણે કાશ્મીરમાં આત્મનિર્ણયનો અધિકાર દેવાની માગણી પાછી કરી હતી. આ તરફ પાકિસ્તાન હારી ગયા પછી પણ ટંગડી ઊંચી રાખતું હતું. ભુટ્ટો કાશ્મીરીઓની સ્વતંત્રતાની વાત કરતા હતા.

૧૯૭૫માં ઈન્દિરા અને શૈખના પ્રતિનિધિઓ વચ્ચે મંત્રણા પૂરી થઈ. આ સમજૂતીમાં ઈન્દિરા અથવા ભારતે શું ખાટ્યું? તેમાં જે મુદ્દાઓ પર સમાધાન થયું તે તો કાશ્મીરને અલગ જ રખાય તેવા મુદ્દા હતા. એક મુદ્દો એ હતો કે કાશ્મીરમાં ૩૭૦મી કલમ ચાલુ રહેશે. એ તો ઠીક, જમ્મુ-કાશ્મીરને વધુ સ્વતંત્રતા આપતો બીજો મુદ્દો એ હતો કે જમ્મુ-કાશ્મીરની સરકાર ૧૯૫૩ પછી કેન્દ્ર સરકારે બનાવેલા સમવર્તી (કોન્કરન્ટ) યાદીમાં આવતા વિષયો પરના કાયદાની સમીક્ષા કરી શકશે! આ સમજૂતી પછી શૈખને કઈ રીતે નિયમોને તડકે મૂકીને ઈન્દિરાએ મુખ્ય પ્રધાન બનાવ્યા તેની વાત આવતા અંકે.

(ક્રમશઃ)

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની  બીજી બાજુ’ કૉલમમાં તા.૭/૬/૧૫ના રોજ આ લેખ છપાયો.)

ભાગ- ૧  કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો

ભાગ-૨ કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

ભાગ-૩ કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!

ભાગ-૪ નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!

ભાગ-૫ શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

ભાગ-૬ હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડયંત્ર

ભાગ-૭  ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

ભાગ-૯- શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

ભાગ-૧૦ કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

ભાગ-૧૧ ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

ભાગ-૧૨ ઈન્દિરાની સભામાં ફારુકના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યા!

ભાગ-૧૩ કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

ભાગ-૧૪ ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ રાજભવનમાં રસપ્રદ ધડાધડી

ભાગ-૧૫ જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

ભાગ-૧૬ ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

ભાગ-૧૭ પાકિસ્તાનનું પ્રૉક્સી વોર અને ક્રિકેટ પોલિટિક્સ

ભાગ-૧૮ પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હારજા

ભાગ-૧૯ શાહબાનો કેસ: રાજીવના નિર્ણયથી કાશ્મીરમાં ઉજવણીનો માહોલ

ભાગ-૨૦ કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા

ભાગ-૨૧ કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.