Posted in film, gujarat guardian

ઢાઇ કિલોના હાથે આપી અઢી અક્ષરના પ્રેમની ફિલ્મ!

જે શરમાળ હતો, અંતર્મુખી હતો, પહેલાં ખોટું બોલતો હતો, પણ હવે સત્ય બોલે છે, જેને પોતે મધ્યમ વર્ગના હોવાનું કહેવામાં શરમ નથી કે ફ્લાઇટમાં ઇકોનોમી ક્લાસમાં પોતે મુસાફરી કરતો હોવાનું કહેવામાં સંકોચ નથી, જેને ભણવામાં ડખા હતા, પરંતુ જે કોઈને પણ સિનેમા ભણાવી શકે તેવો છે તે છે નિર્દેશક ઇમ્તિયાઝ અલી.

ઇમ્તિયાઝે  બીજી કોઈ  ફિલ્મ ન બનાવી હોત અને માત્ર ‘જબ વી મેટ’ બનાવી હોત તો પણ સિનેમાના ઈતિહાસમાં તેનું નામ યાદગાર રહી જાત. કરીના કપૂરે ભજવેલું ગીતનું પાત્ર એટલું જીવંત, એટલું લાઇવ છે કે તે સહુ કોઈને સ્પર્શી જ જાય. ગીત માત્ર આદિત્ય કશ્યપ (શાહિદ કપૂર)ને જ નહીં, અનેક ડિપ્રેસ્ડ લોકોને નિરાશામાંથી બહાર લાવી દે તેવી છે. એ પાત્રને સર્જનાર છે ઇમ્તિયાઝ અલી. એવું નથી કે ‘જબ વી મેટ’ પ્રકારની ફિલ્મ પહેલાં આવી નહોતી, ‘હમ દિલ દે ચૂકે સનમ’ કે ‘પ્યાર તો હોના હી થા’માં આવી જ સ્ટોરી હતી, તેમ છતાં ‘જબ વી મેટ’એ એક નવી તાજગીભરી પ્રેમકથા રજૂ કરી. તે વખતે શાહિદ કપૂર અને કરીના કપૂર પ્રેમમાં હતા જ પરંતુ તેમના પ્રેમને અદ્ભુત રીતે આ ફિલ્મમાં ઝીલ્યો.  ફિલ્મમાં દર્શાવાયેલા પ્રેમે દર્શકોને બેઠા બેઠા જ સ્વર્ગની અનુભૂતિ કરાવી દીધી.

‘જબ વી મેટ’માં પંજાબ અને હિમાચલ પ્રદેશનાં રમણીય દૃશ્યો દેખાડનાર ઇમ્તિયાઝ અલી તો જમશેદપુરમાં ૧૬ જૂન ૧૯૭૧ના રોજ જન્મેલો છે. પરંતુ તેણે પટના અને દિલ્હીમાં શિક્ષણના અનુભવો મેળવેલા છે. એટલે જ ‘રોકસ્ટાર’માં તે પોતાની કૉલેજને અને તેમાં ભણતા કૉલેજિયનોની મસ્તીને આબેહૂબ દર્શાવી શકે છે. પિતા મન્સૂર અલી સિંચાઈ વિભાગમાં હતા અને તેમની સાથે જવા મળતું એટલે અંતરિયાળ પ્રદેશોના લોકોના મનમાં શું ચાલે છે તે ઇમ્તિયાઝને જાણવા મળતું. તેનો જ લાભ લેખક અને નિર્દેશક ઇમ્તિયાઝને મળ્યો છે.

ઇમ્તિયાઝને ઇમ્તિયાઝ બનાવવામાં ત્રણ વ્યક્તિનો મહત્ત્વનો ફાળો છે, કુણાલ કોહલી, કિરણ ખેર અને સન્ની દેઓલ. પટનામાં ભણ્યા પછી દિલ્હીની હિન્દુ કૉલેજમાં ઇમ્તિયાઝે શિક્ષણ લીધું. ભણવામાં તો પોતે કંઈ બહુ હોંશિયાર નહોતો. રમતગમતમાં પણ ખાસ દેખાવ ન કરી શકતો. વળી, અંતર્મુખી અને શરમાળ પણ હતો. પટનામાં તેની ફઇ કે માસી સાથે તે કરીમ મેન્શનમાં રહ્યો ત્યારે તે ઉઠતાં, બેસતાં, ખાતાં, પીતાં સિનેમા જ જોતો-સાંભળતો, કેમ કે એ બિલ્ડિંગમાં ત્રણ થિયેટર હતાં! સૂવા જતી વખતે પણ ફિલ્મનો અવાજ સંભાળાયા કરે. થિયેટરમાં પ્રોજેક્ટર ચલાવનાર સાથે મિત્રતા કરી લીધેલી એટલે ફિલ્મ જોવા મળતી. પ્રોજેક્ટરને પણ બીડી પીવાની તલબ પૂરી કરવાનો રિસેસ મળી રહેતી. નવમા ધોરણમાં એક વાર નાપાસ થયો, પરંતુ પિતા તેને વઢ્યા નહીં. આ પછી ઇમ્તિયાઝ ચોટલી બાંધીને ભણવા લાગ્યો.

દિલ્હીમાં હિન્દુ કૉલેજમાં ભણતી વખતે નાટ્ય પ્રવૃત્તિ શરૂ કરી. ઇબ્તિદા નામની થિયેટર સોસાયટી સ્થાપી, અભિનય કર્યો અને નિર્દેશન પણ કર્યું. થોડા સમય પછી નોકરી મેળવવા મુંબઈ આવ્યો. પટનામાં થિયેટર પાસે રહેતી વખતે ફિલ્મો ભરપૂર જોઈ એટલે ફિલ્મોમાં કામ મેળવવા ફિલ્મી સપનાં જ હતાં! એને હતું કે એક મોટા સફેદ બિલ્ડિંગમાં અલગ-અલગ રૂમોમાં નિર્માતાઓ બેઠા હશે અને તેઓ ઇન્ટરવ્યૂ લેશે અને કામ આપી દેશે! પણ મુંબઈમાં કામ મેળવવું આટલું સરળ હોત તો તો કોઈએ સંઘર્ષ જ ન કર્યો હોત ને.

મુંબઈમાં આવ્યા પછી બધાં સપનાં ભાંગી ગયાં અને નગ્ન વાસ્તવિકતા સામે દેખાઈ. ફિલ્મ-નાટક પડતાં મૂકી જાહેરખબર લખવા માટે (કોપી રાઇટર) પ્રયાસો આદર્યા. લખવાનો શોખ પહેલેથી જ હતો. તેમ છતાં ઍડ્વર્ટાઇઝિંગનો કોર્સ કર્યો. પોતાની બેચમાં શ્રેષ્ઠ કોપી રાઇટર પોતે હતો તેમ માનતો. પણ કોઈ ઍડ્વર્ટાઇઝિંગ એજન્સીએ હાથ ન ઝાલ્યો. એ વખતે નવી નવી ખાનગી ચેનલ શરૂ થઈ હતી – ઝી ટીવી. તેમાં કામ કરતા કુણાલ કોહલીએ (જે પછી તો ‘હમ તુમ’, ‘ફના’ જેવી ફિલ્મોના નિર્દેશક બન્યા) મહિને ૧,૫૦૦ રૂપિયાના પગારે આ છોકરડાને કામે રાખ્યો. કામનું રૂપાળું નામ હતું પ્રૉડક્શન આસિસ્ટન્ટ પરંતુ કામ શું હતું? એડિટિંગ સ્ટુડિયોથી ઑફિસ અને ઑફિસથી એડિટિંગ સ્ટુડિયો એમ ટેપ લઈ જવાનું! જેને શીખવાની ધગશ હોય છે તે મામૂલી કામ કરતાં કરતાં પણ શીખી લે છે. ઇમ્તિયાઝે પણ એવું જ કર્યું. સ્ટુડિયોમાં એકલવ્યની જેમ શીખતો ગયો અને કાર્યક્રમના વિડિયો (પ્રોમો) બનાવવામાં મદદ કરવા લાગ્યો. એડિટિંગની પ્રક્રિયા શીખ્યો.

ત્યાંથી એક નિર્માણ સંસ્થા ક્રેસ્ટ કમ્યૂનિકેશન્સમાં જોડાયો. ત્યાં તે સિરિયલો-શોના વિચારબીજ- સંકલ્પના (કન્સેપ્ટ) લખવા લાગ્યો. દિવસના ૧૭ કલાક લખતો. જોકે તે જે લખતો તેમાંથી બહુ ઓછું પડદા પર સાકાર થતું. એ વખતે ઝી ટીવીની પહેલી ભગિની ચેનલ એલ ચેનલ આવતી. (મહિમા ચૌધરી ત્યારે ઋતુ ચૌધરી તરીકે તેનો એક શો કરતી.) આ એલ ચેનલ પર અત્યારેય  બોલ્ડ ગણાય તેવો ટોક શો ‘પુરુષક્ષેત્ર’ આવતો. તેનું સંચાલન અભિનેત્રી તેમજ અનુપમ ખેરનાં પત્ની કિરણ ખેર કરતાં. આ શોની સંકલ્પના ઇમ્તિયાઝ અલીએ લખી હતી. કિરણ ખેરના કારણે ઇમ્તિયાઝ અલીને અનુપમ ખેર સાથે પણ નિકટતા થઈ અને તેમના કારણે ‘ઇમ્તિહાન’ સિરિયલ નિર્દેશિત કરવા તક મળી. ઇમ્તિયાઝે તો સોચા ના થા કે પોતે નિર્દેશક બની જશે. તેણે ‘રોકસ્ટાર’ના રણબીર જેવા ભોળા ભાવે અનુપમને પૂછ્યું કે “તમને લાગે છે કે હું સિરિયલનું નિર્દેશન કરી શકીશ?” અનુપમે તેને છેવટે મનાવી લીધો.

પછી તો ‘એક્સ ઝોન’ અને ‘રિશ્તે’ (ઝી ટીવી), ‘સ્ટાર બેસ્ટ સેલર’ (સ્ટાર પ્લસ) અને ‘નયન’ (સહારા ટીવી)  જેવી સિરિયલો નિર્દેશિત કરી.  ઇમ્તિયાઝ માને છે કે ટીવી પર સિરિયલો બનાવવામાં બહુ ધ્યાન રાખવાની જરૂર નથી. કેમ કે સ્ત્રી રસોડામાં કામ કરતી કરતી પણ ટીવી જોતી હોય છે જ્યારે ફિલ્મોમાં તો સંપૂર્ણ અંધારામાં દર્શકો માત્ર ફિલ્મો જોતા હોય છે, તેથી વધુ ધ્યાન રાખવું પડે.

ઇમ્તિયાઝે મહેશ ભટ્ટ સાથે ફિલ્મ બનાવવા માટે બહુ પ્રયાસો કર્યા. એવું નથી કે ભટ્ટ ના પાડતા હતા. તેઓ કહેતા હતા કે  બંને સાથે મળીને ફિલ્મ જરૂર બનાવીશું, પરંતુ એ હજુ શક્ય બન્યું જ નથી. અને કદાચ એ સારું પણ થયું કેમ કે મહેશ ભટ્ટની છેલ્લા કેટલાંક વર્ષોની ફિલ્મોમાં સેક્સ અને હિંસા સિવાય કંઈ હોતું નથી. ઇમ્તિયાઝની એ જોનર પણ નથી. હવે કોઈ પ્રયોગ કરે અને મહેશ ભટ્ટ પ્રકારની ફિલ્મ બનાવે તો અલગ વાત છે.

આમ તો તેણે એક ફિલ્મની કથા લખી રાખી હતી. આ  વાત ૨૦૦૧ની છે, પરંતુ તે પડદે સાકાર થઈ છેક ૨૦૦૫માં. ઇમ્તિયાઝને ખબર પડી કે સન્ની દેઓલ તેના પિતરાઈ અભયને લોંચ કરવા માટે સારી કથાની પ્રતીક્ષામાં છે. તે તેની પાસે ગયો. ફિલ્મી પડદે હેન્ડ પંપ ઉખાડી નાખતો, આક્રોશ ભર્યો સન્ની ઇમ્તિયાઝને ખૂબ જ સદ્ગૃહસ્થ પ્રકારનો લાગ્યો. મિત્ર માટે ગમે તે કરી છૂટે તેવો. કોઈ તેની સાથે રમત કરી જાય અને તેને ખબર હોય તો પણ તેને તે કહી ન શકે. ઘરમાં શરમાળ. અને એટલે જ ઇમ્તિયાઝને સન્ની સાથે સારી જામી ગઈ. અને આ રીતે અભય દેઓલને લોંચ કરતી ફિલ્મ ધર્મેન્દ્રએ નિર્માણ કરી જે ઇમ્તિયાઝની પહેલી ફિલ્મ બની રહી, ‘સોચા ના થા’. (આમ, ઢાઇ કિલોના હાથે અઢી અક્ષરના પ્રેમની ફિલ્મો બનાવતા ઇમ્તિયાઝ જેવા નિર્દેશકને જન્મ આપ્યો!)

ફિલ્મ એક પ્રેમ કથા હતી અને તેને સારી માવજત મળી હતી. કલાકારો (અભય અને આયેશા ટકિયા) પણ નવાં જ હતાં. સંગીત જોકે એટલું સારું નહોતું. ગમે તે કારણે, ફિલ્મ ન ચાલી. ફિલ્મથી તેને ગીતકાર ઈર્શાદ કામીલ સાથે સારું ગોઠી ગયું. નિષ્ફળતાથી નિરાશ થવાના બદલે ઇમ્તિયાઝે નવી ફિલ્મ પર કામ શરૂ કર્યું. આ ફિલ્મ હતી ‘જબ વી મેટ’.

ફિલ્મ રજૂ થઈ ત્યારે શાહરુખની ‘ઓમ્ શાંતિ ઓમ્’ અને સંજય લીલા ભણશાળીની ‘સાંવરિયા’ દિવાળી પર આવેલી હતી. તેમ છતાં ‘જબ વી મેટ’ નવી પેઢીને જ નહીં, જૂની પેઢીને પણ આકર્ષી ગઈ. આ પછી નવી હિરોઇન દીપિકા પદુકોણે અને સૈફ અલી ખાનને લઈને ‘લવ આજકલ’ બનાવી. તેમાં તેણે એક જોખમ ઉઠાવ્યું હતું. સૈફ અલી ખાન ડબલ રોલમાં હતો. યુવાન રિશી કપૂર તરીકે સૈફને બતાવ્યો હતો. વળી, ફિલ્મમાં શરૂઆતમાં જ ચટ અફેયર (તેને પ્રેમ તો કેમ કહેવાય!) ચટ બ્રેક અપ થતું બતાવી દીધું. તેમ છતાં ફિલ્મ ખૂબ જ સફળ રહી. એટલી સફળ કે ઇમ્તિયાઝ અલીની આ સૌથી સફળ ફિલ્મ ગણાય છે.

૨૦૧૧માં આવેલી ‘રોકસ્ટાર’ પ્રસિદ્ધ અભિનેતા શમ્મી કપૂરની અંતિમ ફિલ્મ બની રહી. આ ફિલ્મમાં ઇમ્તિયાઝે રણબીર કપૂરનું નિર્દોષ અને નટખટ રૂપ આબેહૂબ રજૂ કર્યું. તેની અને નવોદિત અભિનેત્રી નરગીસ ફખરીની મસ્તી (જેમ કે તેઓ છુપાઈને બી ગ્રેડની ફિલ્મ ‘જંગલી જવાની’ જોવા જાય છે અને પછી દારૂ પીએ છે)ને સરસ રીતે બતાવી. રણબીરનું ભગ્ન હૃદય અને આક્રોશ પણ સરસ બતાવ્યો. જોકે તેમાં જેવો રોકસ્ટાર બતાવે છે તેવા ભારતમાં હોતા નથી. વળી, ‘રોકસ્ટાર’માં એ. આર. રહેમાનનું સંગીત હોવા છતાં ‘જબ વી મેટ’ જેવાં ગીતો તે સર્જી શક્યો નહીં. એમ તો ‘લવ આજકલ’માં પણ ‘જબ વી મેટ’ની તોલે આવે તેવું સંગીત નહોતું જ. ‘હાઇવે’ (૨૦૧૪)થી ઇમ્તિયાઝે નિર્માતાની ટોપી પહેરી. જોકે ફિલ્મ તેણે નિર્દેશિત પણ કરી હતી. અભિનેત્રી આલિયા ભટ્ટને ગાયિકા તરીકે પણ તક આપી.

અત્યારે તે ‘હાઇવે’ના નિર્માતા સાજિદ નડિયાદવાલા સાથે સહનિર્માતા અને નિર્દેશક તરીકે ‘તમાશા’ બનાવી રહ્યો છે. તેમાં પણ ‘રોકસ્ટાર’ના રણબીર કપૂરને ફરીથી તક આપી છે. તો હિરોઇન તરીકે દીપિકા પદુકોણે છે. મજાની વાત એ છે કે ઇમ્તિયાઝ અલી આ બંનેનો સારો મિત્ર છે. બધા જાણે છે કે રણબીર-દીપિકા વિખૂટા પડેલાં પ્રેમી છે, પરંતુ ઇમ્તિયાઝ મિત્રતામાં બંને વચ્ચે સારું સંતુલન રાખી જાણે છે.

જોકે પોતાના લગ્નજીવનમાં તે આવું સંતુલન ન રાખી શક્યો. તેનાં લગ્ન પ્રીતિ અલી સાથે થયાં હતાં. તેમને ઈદા નામની દીકરી થઈ, પરંતુ ૨૦૧૨માં બંનેના છૂટાછેડા થઈ ગયા. તે પછી તેના સંબંધ પાકિસ્તાની અભિનેત્રી ઈમાન અલી સાથે થયા હતા પણ બંને ૨૦૧૪માં છૂટાં પડી ગયાં. ઇમ્તિયાઝ ફરીથી તેની પૂર્વ પત્ની પ્રીતિની નજીક સરી રહ્યો હોવાના સમાચાર પણ આવ્યા હતા. અફેર, બ્રેક અપ અને ફરી મિલન… આ બધું ઇમ્તિયાઝ અલીની જિંદગીમાં થતું રહ્યું. હવે સમજાય છે ને કે ઇમ્તિયાઝ અલી ‘લવ આજકલ’ કેમ બનાવી શકે, જેમાં સૈફ-દીપિકા બ્રેક અપની પણ પાર્ટી આપે છે!

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની શુક્રવારની પૂર્તિમાં ‘બર્થ ડે બેશ’ કૉલમમાં તા. ૧૨/૬/૧૫ના રોજ આ લેખ છપાયો.)

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s