(ભાગ-૧૦)

યોગ દિવસના બ્રેક પછી આપ સહુનું કાશ્મીર પર ચાલતી શ્રેણીમાં સ્વાગત છે. કાશ્મીરમાં પંડિતોના પુનર્વસનની ચર્ચા ચાલુ થઈ અને તેના મુદ્દે  વિવાદ છેડાયો ત્યારથી આ શ્રેણી ચાલુ કરી છે. ગયા અઠવાડિયે બ્રેક આવી ગયો હોઈ ગયા હપ્તાનું થોડું તાજું કરી લઈએ:

ઈન્દિરા ગાંધીએ બધા નિયમો તડકે મૂકીને એક પણ સભ્ય ન ધરાવતા પક્ષ નેશનલ કૉન્ફરન્સના વડા શૈખ અબ્દુલ્લાને મુખ્યપ્રધાન બનાવ્યા. અબ્દુલ્લા કૉંગ્રેસમાં જોડાવાના બદલે કાશ્મીર કૉંગ્રેસને તોડવા લાગ્યા. મુખ્ય પ્રધાન બનતા પહેલાં બકરી જેવા બની ગયેલા અબ્દુલ્લા સત્તા હાથમાં આવતાં વેંત શેર જેવા બની ગયા. તેમણે ઈન્દિરા ગાંધી સામે કાશ્મીરમાં વર્તવા લાગ્યું. આ તરફ દેશમાં ઈન્દિરા ગાંધી વિરુદ્ધ જબરદસ્ત આક્રોશ હતો. ઈન્દિરા ગાંધીના ઈશારે કાશ્મીરમાં કૉંગ્રેસે ટેકો પાછો ખેંચ્યો અને અબ્દુલ્લાએ રાજ્યપાલને મનાવી લઈ વિધાનસભા વિસર્જિત કરાવી નાખી. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી આવી. તેમાં તમામ શસ્ત્રો અજમાવી શૈખ પાછા સત્તા પર આવ્યા. કૉંગ્રેસનું પત્તું સાફ થઈ ગયું. જનતા પાર્ટી પણ હારી. અને શેર-બકરાનું રાજકારણ પાછું ચાલુ થઈ ગયું.

જનતા પાર્ટી હારી તેનું કારણ એ હતું કે તેના નેતાઓ બે ભાષા બોલ્યા હતા (આજે પણ ભાજપના એ જ હાલ થાય છે, રામમંદિર, કલમ ૩૭૦, સમાન નાગરિક સંહિતા જેવા જે મુદ્દા પર તેની સંખ્યા આટલી વધી છે અને સરકારમાં આવી છે તે જ મુદ્દાઓ તે સરકારમાં આવે પછી વિસરી જાય છે અને પડતા મૂકી દે છે. ભૂમિ અધિગ્રહણ મામલે તે અનેક વાર વટહુકમ લાવી શકે છે. અને ત્યારે રાજ્યસભામાં લઘુમતીમાં હોવાનો મુદ્દો નડતો નથી, પરંતુ રામમંદિર બનાવવાના મુદ્દે તે એવું બહાનુ આગળ ધરે છે કે તે રાજ્યસભામાં લઘુમતીમાં છે.) તે વખતે જનતા પાર્ટીના નેતા સુબ્રમણિયમ સ્વામીએ જમ્મુમાં કહ્યું હતું કે અમે ધારા ૩૭૦ નાબૂદ કરીશું . પરંતુ તેના બીજા નેતા અબ્દુલ ગની લોને (એ જ નેતા જેમને શૈખ અબ્દુલ્લા કૉંગ્રેસમાંથી નેશનલ કૉન્ફરન્સમાં લાવ્યા હતા અને પછી તે જનતા પાર્ટીનું મોજું જોતાં તેમાં જોડાયા હતા. ૨૦૧૪માં કાશ્મીરમાં યોજાયેલી ચૂંટણીમાં અબ્દુલ ગની લોનના દીકરા સજ્જાદ ગની લોન સાથે ભાજપે ગઠબંધન કરતાં ભાજપની ખૂબ ટીકા થઈ હતી. સજ્જાદ અત્યારે પીડીપી-ભાજપ સરકારમાં પ્રધાન છે.) સાવ વિરુદ્ધનું વલણ લઈ કહ્યું કે ધારા ૩૭૦ને મજબૂત બનાવાશે! પરિણામે જનતા પાર્ટી ન હારે તો જ નવાઈ હતી. ૧૯૭૭ની ચૂંટણીમાં ધમાકેદાર રીતે શૈખ અબ્દુલ્લા નેશનલ કૉન્ફરન્સને બહુમતી અપાવી સત્તામાં આવ્યા. તે પછી તેમણે શેર-બકરાનું રાજકારણ શરૂ કર્યું. શું હતું આ શેર-બકરાનું રાજકારણ?

અમેરિકામાં યુનિવર્સિટી ઑફ નોર્થ ટૅક્સાસમાં લિંગ્વિસ્ટિક્સ એન્ડ ટૅક્નિકલ કમ્યૂનિકેશન ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સદ્દાફ મુનશીએ એક લેખમાં શેર-બકરા વિશે સમજાવતાં લખ્યું છે કે ૧૯૩૮થી આ શબ્દ જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં પ્રયોજાતો રહ્યો છે. આમાં શેર એટલે જે લોકો શૈખ અબ્દુલ્લા તરફી હોય તે અને બકરા એટલે તેમના વિરોધીઓ! શરૂઆતમાં શૈખ અબ્દુલ્લા અને તેમના ટેકેદારો માટે આ શબ્દ વપરાતો હતો. જ્યારે તેમના વિરોધી મીરવાઈઝ યુસૂફ શાહ (તેઓ, અત્યારે કાશ્મીરમાં જે અલગતાવાદીનું નામ બહુ સંભળાય છે તે મીરવાઈઝ ઉમર ફારુકના પિતા મીરવાઈઝ મોહમ્મદ ફારુકના કાકા થાય) અને તેમના તરફીઓ બકરા ગણાતા હતા કારણકે તેઓ લાંબી દાઢી રાખતા હતા!  શૈખ અબ્દુલ્લા કેટલા ખંધા હતા કે જેઓ તેમને આગળ લાવતા હતા તેમને જ તે પાડી દેતા હતા. ૧૯૩૦માં તે વખતની મુસ્લિમ કૉન્ફરન્સ (જેનું નામ પછી, નહેરુના કહેવાથી નેશનલ કૉન્ફરન્સ રખાયું)ના વડા તરીકે શૈખ અબ્દુલ્લાનું નામ આ મીરવાઈઝ યુસૂફ શાહે જ સૂચવ્યું હતું.

અત્યારે સમગ્ર વિશ્વમાં મુસ્લિમ દેશોમાં પણ જે લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે તેના પર નજર નાખીએ અને ભારતમાં તેમજ પાકિસ્તાનમાં જે કંઈ બનતું રહ્યું અને બની રહ્યું છે તેના પર વિચાર કરીએ તો ધ્યાનમાં આવશે કે મોટા ભાગે જે કંઈ ઉથલપાથલ થઈ છે તે સુન્ની સંપ્રદાયના મુસ્લિમો પોતાનું વર્ચસ્વ સ્થાપવા કે અકબંધ રાખવા કરે છે. આમાં શિયા મુસ્લિમોનો ભોગ વધુ લેવાય છે. જમ્મુ-કાશ્મીરમાં પણ એવું જ હતું. શૈખ અબ્દુલ્લાના વિરોધીઓને બકરા કહેવાતા હતા, અને તેમનો વારો પાડી દેવાતો હતો, પરંતુ આ શેર-બકરામાં શિયા અને બીજા કાશ્મીરી પંડિતોનો ક્યાંય સમાવેશ થતો નહોતો, કારણકે તેમને વિશ્વાસની નજરે જ જોવાતા નહોતા. (અને અત્યારે કેટલાક મુસ્લિમો ભારતમાં ફરિયાદ કરે છે કે તેમને વિશ્વાસની નજરે જોવાતા નથી, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં અને ઈસ્લામના શાસન વખતે મુસ્લિઓએ હિન્દુઓ સાથે શું કર્યું છે તે ઇતિહાસ તો તપાસો.) શિયા કે કાશ્મીરી પંડિતોને કોઈ પૂછે કે તમે શેર કે બકરા? તો તેમનો જવાબ આવતો: કોઈ નહીં. અને એ જવાબમાં હંમેશાં ભયની લાગણી જોવા મળતી. (આવું ડૉ. સદ્દાફ મુનશી લખે છે.) તેઓ લખે છે કે મને શાળામાં હંમેશાં એક પ્રશ્ન પૂછાતો- તમે શિયા કે સુન્ની? મુનશી અનુસાર, કાશ્મીર મુસ્લિમોમાં વધુ એક વિભાજન પણ હતું- ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ હોય ત્યારે કેટલાક ભારતના ટેકેદાર રહેતા તો કેટલાક પાકિસ્તાનના.

તો, ૧૯૭૭માં અબ્દુલ્લાએ ફરી આ શેર-બકરાનું રાજકારણ ચાલુ કર્યું. ‘કાશ્મીર: ઇટ્સ એબોરિજિનિસ એન્ડ ધેર એક્સોડસ’ પુસ્તકમાં કર્નલ તેજ કે. ટિકૂ લખે છે કે ચૂંટણી જીત્યા પછી શેખ અબ્દુલ્લાની નેશનલ કૉન્ફરન્સના લોકોએ જનતા પાર્ટીના કાર્યકરોને બહુ જ હેરાન કર્યા. ‘શેર’ના ગુસ્સાથી બચવા આ બધા ‘બકરા’ઓને તેમનાં ઘર છોડીને નાસી જવાનો અને સલામત સ્થળોએ આશ્રય લેવાનો વારો આવ્યો. (કોઈ ચેનલે કે અખબારે આ બધી બાબતો તપાસવાની કે દર્શાવવાની તસદી લીધી? સાબરમતી એક્સ્પ્રેસ પછીનાં રમખાણો બાબતે લાચાર મુસ્લિમોની વ્યથા બધા દર્શાવશે, મુઝફ્ફરપુરનાં રમખાણો પછીની ‘કરુણ’ સ્ટોરીએ બધા દર્શાવશે, મિસબાહ કાદરીને ફ્લેટ ન મળ્યો તે બધા ગાઈ વગાડીને કહેશે, અને તેમાં કોઈ વાંધો પણ નથી, પરંતુ એકતરફી જ રિપોર્ટિંગ શા માટે?) કૉંગ્રેસના ટેકેદારો સાથે એટલો ખરાબ વ્યવહાર જોકે ન કરાયો, હા, તેમને ગાળો ભાંડવામાં જરૂર આવતી.

શૈખ અબ્દુલ્લા તેમના દીકરા ફારુક અબ્દુલ્લા માટે પણ તખ્તો તૈયાર કરતા જતા હતા. ફારુકના જે પ્રતિસ્પર્ધીઓ હોય તેમને કાં તો નેશનલ કૉન્ફરન્સમાંથી હાંકી કઢાતા કાં તો તેમને કદ પ્રમાણે વેતરી નાખવામાં આવતા હતા. દા.ત. મિર્ઝા અફઝલ બેગને ૨૫ સપ્ટેમ્બર ૧૯૭૮એ રાજીનામું આપવા કહી દેવાયું અને ચાર દિવસ પછી તેમને પક્ષમાંથી હાંકી કઢાયા. ફારુક અબ્દુલ્લાના બીજા પ્રતિસ્પર્ધી અને શૈખના જમાઈ જી. એમ. શાહ પર પણ શૈખને કોઈ ભરોસો નહોતો. તેમણે ફારુકને પોતાના વારસ જાહેર કરી દીધા અને તેમને નેશનલ કૉન્ફરન્સના પ્રમુખ બનાવી દીધા. શૈખે રાજ્યમાં પક્ષાંતર વિરોધી કાયદો પણ એવો બનાવ્યો કે જેથી તેમનું રાજ્ય પર વર્ચસ્વ મજબૂત બને.

જોકે શૈખ પોતે જાણતા હતા કે તેમનો દીકરો કેટલો બોદો છે. શૈખ અબ્દુલ્લાની કેબિનેટમાં એક પ્રધાન હતા – ડી. ડી. ઠાકુર. ફારુક અબ્દુલ્લા એક વાર ઠાકુરની સાથે રાજ્ય બહાર કોઈ મુલાકાતમાં જવા માગતા હતા. પરંતુ  પોતાની હિંમત ચાલી નહીં એટલે ઠાકુરને પિતાની પરવાનગી લેવા કહ્યું. ઠાકુરે એક જગ્યાએ લખ્યું છે કે જ્યારે તેમણે શૈખને વાત કરી તો શૈખે કહ્યું કે “તમે તેની કુસેવા કરી રહ્યા છો. તે (ફારુક) એક નાનકડું ક્લિનિક તો ચલાવી શકતો નથી, રાજકારણમાં શું ઉકાળશે?”

ફારુક અબ્દુલ્લાએ વર્ષ ૨૦૧૪માં નવી દિલ્હીમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં જાહેરમાં કહ્યું હતું કે તેમના પૂર્વજો બ્રાહ્મણ હતા. આમ, આ વટલાયેલા મુસ્લિમ શૈખ અબ્દુલ્લાના ૧૯૭૫થી ૧૯૮૨ના શાસનમાં જમ્મુ-કાશ્મીરના ઈસ્લામીકરણનો દોર જોરશોરથી ચાલ્યો. વહીવટીતંત્રનું પૂરું ઈસ્લામીકરણ કરી નખાયું. કટ્ટરવાદીઓને પૂરી છૂટ મળી ગઈ. ઑફિસોમાં શુક્રવારની નમાઝ પઢાવા લાગી. શુક્રવારે નમાઝ હોવાથી સિનેમાના શો દિવસે રદ્દ કરી નાખવામાં આવતા. ભારત સરકારની સત્તાને નષ્ટ કરવા તમામ પ્રયાસો કરાયા. કાશ્મીરના રાજકારણીઓની કરચોરી પકડવા આવકવેરા અધિકારીઓ આવે તો તેમને રાજ્ય સરકાર તરફથી તો કોઈ મદદ મળતી જ નહીં, ઉપરાંત નેશનલ કૉન્ફરન્સના કાર્યકરો દ્વારા સમર્થિત ટોળાંઓ દ્વારા હિંસક વ્યવહારનો પણ તેમણે સામનો કરવો પડતો. રાજ્ય બહારના આઈએએસ અધિકારીઓને ગૌણ પદો દેવાતા. હા, જે ચમચા હોય તેમને મહત્ત્વનાં પદ અપાતાં. પોલીસમાં પણ જમાત-એ-ઇસ્લામી નામના કટ્ટર સંગઠનના સભ્યોને ભરતી કરાવા લાગ્યા, જેમાં ઘણા તો પાકિસ્તાનના હતા.

શૈખ અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરનું વધુ ને વધુ ઈસ્લામીકરણ કર્યે જતા હતા તેનું એક કારણ પાકિસ્તાન હતું. અબ્દુલ્લા બતાવવા માગતા હતા કે પાકિસ્તાન કરતાં પોતાના શાસનમાં રાજ્યનું વધુ ઈસ્લામીકરણ થશે. આ માટે તેમણે કોમવાદી અને અલગતાવાદી પરિબળોને ઉત્તેજન આપ્યા રાખ્યું. રાજ્યના ભંડોળનો ઉપયોગ સરકારી જમીન પર મસ્જિદ બનાવવા માટે કરાવા લાગ્યો. અનેક કાશ્મીરી ગામોનાં નામો ઈસ્લામી કરવા આદેશ અપાયો જેથી તેમનો ઐતિહાસિક વારસો મીટાવી શકાય. કાશ્મીરીઓની નજરમાં (બાકીનું) ભારત વિલન બને તેવું કરવામાં તેમણે કોઈ કચાશ ન રાખી. શૈખ અબ્દુલ્લાએ પોતાની આત્મકથા ‘આતશ-એ-ચિનાર’માં કાશ્મીરી પંડિતોને ઇન્ટેલિજન્સ બ્યુરોના એજન્ટ સુદ્ધાં વર્ણવી નાખ્યા.

ઉપરાંત તેમણે રિસેટલમેન્ટ બિલ લાવ્યું અને અલ ફતહના ૩૦ ખૂંખાર ત્રાસવાદીઓ સામેના કેસ પણ પાછા ખેંચી લીધા. રિસેટલમેન્ટ બિલ એવું હતું કે જે લોકો ૧૯૪૭ પછી કાશ્મીર છોડી પાકિસ્તાન ચાલ્યા ગયા હતા અને જેઓ ૧૪ મે ૧૯૫૪ સુધી રાજ્યની માન્ય પ્રજા હતા, તેમને ફરી કાશ્મીરમાં વસાવી શકાય. આ મુદ્દે લાંબો વિવાદ ચાલેલો અને ૧૫ નવેમ્બર, ૨૦૦૧ના રોજ સર્વોચ્ચ ન્યાયાલયે આ ખરડાને કોઈ જવાબ વિના પાછો મોકલતાં, આ ખરડો અંતે રાજ્ય વિધાનસભાએ પસાર કરેલો મનાયો હતો.

શૈખ અબ્દુલ્લાએ અગાઉ વચન આપ્યા પ્રમાણે, જમાત-એ-ઇસ્લામીની શાળાઓ સામે પણ કોઈ  પગલાં લીધાં નહીં. ઉલટાનું, પાકિસ્તાન અને આરબ દેશો તરફથી તેના માટે અને જમાત-એ-એહલ-એ-હદીસ અને તેમનાં સંગઠનો માટે અઢળક ભંડોળ આવવા લાગ્યું. માર્ચ ૧૯૮૦માં જમાત-એ-ઈસ્લામીએ મદિના યુનિવર્સિટીથી આવેલા એક પ્રતિનિધિમંડળ માટે કાર્યક્રમ રાખ્યો હતો. આ પ્રતિનિધિમંડળના એક સભ્ય, પ્રા. અબ્દુલ સમાદે શ્રીનગરમાં એક જાહેર સભામાં કહ્યું, “ઈસ્લામી ક્રાંતિ માટે આપણે વ્યક્તિગત અને સામૂહિક રીતે તૈયાર થવું જોઈએ. આ માટે આપણે કુર્બાની દેવા પણ તૈયારી રાખવી જોઈએ.”

આ જ વર્ષે સપ્ટેમ્બરમાં પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના જમાત-એ-ઈસ્લામીના મૌલાના અબ્દુલ્લાએ કાશ્મીરની મુલાકાત લીધી. તેમણે જાહેરમાં કહ્યું કે પાકિસ્તાન સીમલા સમજૂતીને માનતું નથી. એવું મનાય છે કે મૌલાના જમ્મુ-કાશ્મીરની જમાત-એ-ઈસ્લામીને પાકિસ્તાનના જનરલ ઝિયાના ઓપરેશન ટોપાકને શરૂ કરીને કાશ્મીર પચાવી પાડવાની યોજના સમજાવવા આવ્યા હતા. જોવાની વાત એ છે કે શૈખ અબ્દુલ્લાએ તેમની સામે કોઈ પગલાં ન લીધાં, પણ કેન્દ્ર સરકાર સાવધ થઈ ગઈ અને તેણે ચોવીસ કલાકમાં આ મૌલાનાને કાશ્મીરમાંથી નીકળી જવા કહ્યું.

જનરલ ઝિયાની આ દુષ્ટ યોજના ‘ઓપરેશન ટોપાક’ શું હતી? ફારુક અબ્દુલ્લા કેમ ‘ડિસ્કો ચીફ મિનિસ્ટર’ કહેવાતા હતા? તેમણે પણ પિતાની કાશ્મીરના ઈસ્લામીકરણની યોજના કઈ રીતે આગળ વધારી એ અંગે આવતા અઠવાડિયે વાત.

(ક્રમશ:)

(મુંબઈ સમાચારની રવિવારની  પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ ‘ કૉલમમાં તા.૨૮/૬/૧૫ના રોજ આ લેખ છપાયો)

ભાગ- ૧  કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો

ભાગ-૨ કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

ભાગ-૩ કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!

ભાગ-૪ નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!

ભાગ-૫ શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

ભાગ-૬ હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડયંત્ર

ભાગ-૭  ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

ભાગ-૮ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

ભાગ-૯ શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

ભાગ-૧૧ ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

ભાગ-૧૨ ઈન્દિરાની સભામાં ફારુકના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યા!

ભાગ-૧૩ કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

ભાગ-૧૪ ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ રાજભવનમાં રસપ્રદ ધડાધડી

ભાગ-૧૫ જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

ભાગ-૧૬ ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

ભાગ-૧૭ પાકિસ્તાનનું પ્રૉક્સી વોર અને ક્રિકેટ પોલિટિક્સ

ભાગ-૧૮ પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હારજા

ભાગ-૧૯ શાહબાનો કેસ: રાજીવના નિર્ણયથી કાશ્મીરમાં ઉજવણીનો માહોલ

ભાગ-૨૦ કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા

ભાગ-૨૧ કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

Advertisements

4 thoughts on “કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

 1. Defeat of Janata Party was not due to its inability to remove Article 370. In fact it is not a wise step to tackle a case to resolve promptly where the majority public in a state is not ready due to accept it any damn reason. In India the Janta Party was defeated in 1980 due to media champaign against it, that it could not remain united. But no media tried to examine who was the culprit. The above series of Shri Jaywant Pandya is very good and the people of India has to learn a lot from it to understand the mentality of Muslim leaders.

  1. Sir Shree SM Dave, Janata Party defeat was regarding Kashmir Election. In my article, I have mentioned that why Janata Party couldnt perform well in Kashmir because it had two standards on article 370. Thank you for your feedback.

   1. જયવંતભાઈ, તમારી લેખમાળા બહુ મહેનત કરીને લખાયેલી છે. બધાએ જરુર વાંચવી જ જોઇએ. મેં તેને ફેસબુક ઉપર શેર કરી છે.
    કાશ્મિરમાં સત્તાની ભાગીદારી કરી શકે તે હદે બીજેપી પહોંચી ગયો, એ એક સારી વાત છે. પહેલું કામ જનતામાં વિશ્વાસ ઉત્પન્ન કરવાનું છે. બીજેપી સારાં કામ કરશે તો ધીમે ધીમે મુસ્લિમોને ખબર પડશે કે અગાઉની સરકારો કરતાં બીજેપી કશ્મિરનું ભલું કરી શકે એવી છે.

    જયવંતભાઈ, બીજેપીએ કાશ્મિરમાં પાદાર્પણ કર્યું એ ભાગતા ભૂતની ચોટલી જેવું છે. કલમ ૩૭૦માં ઉતાવળ કરીને આત્મહત્યા કરવાની જરુર નથી. જોકે આરએસએસ વાળા છાણા થાપશે. અને જો બીજેપી ૩૭૦ને પ્રાધ્યાન્ય આપશે તો સમાચાર માધ્યમો ૩૭૦ના વિરોધીઓના વિરોધનો આકાશી પ્રચાર કરશે. નરેન્દ્ર મોદીએ જ્યારે એવો પ્રશ્ન કર્યો કે કલમ ૩૭૦થી કશ્મિરને શું ફાયદો થયો ત્યારે તેની મુદ્દાસરની ચર્ચાને બદલે ફારુખ, ઓમર અને બીજા અનેક મુસ્લિમ નેતાઓના વિભાજનવાદી ઉચ્ચારણો માત્રને જ પ્રાધાન્ય અપયું હતું. તથ્ય રહિત ચર્ચાઓને પ્રાધાન્ય આપવું અને અદ્ધર અદ્ધર કરવામાં આવેલા આક્ષેપોને ચગાવવા એ જ સમાચાર માધ્યમોનું લક્ષણ બની ગયું છે. આવા સંજોગોમાં બીજેપી પાસે થી નાજુક સમસ્યાના ઉકેલો ની અપેક્ષા ન રાખી શકાય.

   2. તમારા અભિપ્રાય તેમજ ફેસબુક પર મૂકવા માટે આભાર.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.