પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આખા વિશ્વમાં શાનદાર ઉજવણીના કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભારતના તમામ અખબારોએ મને-કમને સારી રીતે નોંધ લેવી પડી તેના પછીના દિવસથી મોદી માટે ‘બૂરે દિન’ ચાલુ થઈ ગયા. આરએસએસમાંથી ભાજપમાં આવેલા રામ માધવના ટ્વિટથી વિવાદ થયો. આ વિવાદ ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીને લગતો હતો. ઉપરાષ્ટ્રપતિ યોગના કાર્યક્રમમાં હાજર રહ્યા નહીં.

હમીદ અન્સારી અને વિવાદને બહુ મૈત્રી છે. ૨૬ જાન્યુઆરીની ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં રાષ્ટ્રગીત વાગતું હતું ત્યારે રાષ્ટ્રપતિ, વડા પ્રધાને ધ્વજને વંદન કરતી સ્થિતિ (સલામી) કરી હતી પરંતુ હમીદ અન્સારીએ તેમનો હાથ લમણા પર રાખીને આ સ્થિતિ કરી નહોતી. તેના કારણે વિવાદ થયો હતો. ગયા દશેરાએ રામલીલા મેદાનમાં રામલીલા યોજાઈ ત્યારે હમીદ અન્સારીએ આરતી લેવાનો ઈનકાર કરતાં સારો એવો વિવાદ થયો હતો. જોકે, રામ માધવના ટ્વીટના કેસમાં, રામ માધવે તરત જ ટ્વીટ કોઈક કારણોસર રદ્દ કરી નાખ્યું અને માફી પણ માગી કે તેમને જાણવા મળ્યું છે કે અન્સારી માંદા છે. પરંતુ અન્સારીએ ચોખવટ કરી કે તેઓ માંદા નહોતા, તેમને આ કાર્યક્રમનું આમંત્રણ જ નહોતું. તો વિહિપનાં નેતા સાધ્વી પ્રાચીએ વળી સામું તીર છોડ્યું કે કોઈ નેતાની દીકરીનાં લગ્ન નહોતાં કે આમંત્રણ આપવું પડે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના પક્ષના લોકો અને ભાજપનાં સાથી સંગઠનો પરેશાન કરતા હોવાનું જણાય છે. આ વ્યૂહ હોઈ શકે અથવા ન પણ હોય. સાથી સંગઠનો માટે તેમના કાર્યકરોને જાળવી રાખવા જરૂરી હોય છે. ભાજપની સરકાર બને ત્યારે ભાજપના નેતાઓ સેક્યુલર બની જાય છે, પણ સાથી સંગઠનો માને છે કે સરકારની ઐસી કી તૈસી. તેઓ છે તો સરકાર બને છે. વાત પણ સાચી છે. આ સંગઠનો અને તેમના સમર્પિત કાર્યકરો ભાજપને ચૂંટણી જીતાડવા આકરી મહેનત કરે છે. ભાજપ નેતાઓની અનેક ત્રૂટિઓ છતાં ભાજપ માટે પ્રચાર કરે છે. આ સંગઠનોનો મુખ્ય ઉદ્દેશ હિન્દુત્વની રક્ષા અને તેના વિકાસનો છે. તેમાં જો ભાજપ પણ અવરોધ બનતો હોય તો તેઓ સાંખી શકે નહીં. જોકે મોદી માટે આ મુખ્ય પ્રશ્ન નથી.

મોદી માટે અત્યારે મુખ્ય પ્રશ્ન ભાજપની ચાર મહિલાઓ છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અને રાજસ્થાનનાં મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા સામે આઈપીએલના પૂર્વ કમિશનર અને મેચ ફિક્સિંગ તથા મની લૉન્ડરિંગના આરોપી લલિત મોદીને મદદ કરવાનો આરોપ બહુ ચગ્યો છે. જોકે આ બંને મહિલાઓને સીધો કોઈ આર્થિક ફાયદો થયો નથી, પરંતુ સનસનાટી શોધતા મિડિયા અને મુદ્દાની રાહમાં રહેલા વિપક્ષો માટે આ બહુ મોટા મુદ્દા છે. તદુપરાંત દિલ્હીમાં ‘આપ’ના નેતા અને કાયદા મંત્રી જિતેન્દ્રસિંહ તોમરની બનાવટી ડિગ્રી સર્ટિફિકેટના કેસમાં જેટલી ઝડપથી અને જે રીતે ધરપકડ થઈ તે રીતે માનવ સંસાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની સામે પણ બનાવટી ડિગ્રીનો કેસ છે જે દિલ્હીની પતિયાલા હાઉસ કૉર્ટે માન્ય રાખ્યો છે. તેથી સ્વાભાવિક જ વિપક્ષો સ્મૃતિ ઈરાનીની ધરપકડ કરવા અને તેમના રાજીનામાની માગણી કરવાનાં.

ચોથી મહિલા છે પંકજા મુંડે. મહારાષ્ટ્રમાં તેઓ બાળ વિકાસ અને મહિલા મંત્રી છે. તેમની સામે આરોપ છે કે તેમના ખાતાએ એક જ દિવસમાં ૨૪ જીઆર બહાર પાડીને ટેન્ડર મગાવ્યા વગર  રૂ. ૨૦૬ કરોડની ચિક્કી, નોટબુક, ચોપડીઓ વગેરે ચીજોની ખરીદી કરી. પંકજા મુંડેએ ભાજપના રાષ્ટ્રીય નેતા અને ગયા વર્ષે અકસ્માતમાં મૃત્યુ પામેલા ગોપીનાથ મુંડેના દીકરી છે. તેમનું કૌભાંડ તેમના પિતરાઈ અને એનસીપી નેતા ધનંજય મુંડેએ બહાર પાડ્યું હોવાનું કહેવાય છે. પહેલાં ગોપીનાથ મુંડે તેમના પર બહુ જ ભરોસો કરતા હતા અને તેમને આગળ ધપાવતા હતા, પરંતુ ૨૦૦૯ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે પંકજાને આગળ કરી અને પાર્લી વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી કરાવી, તેથી ધનંજય રિસાઈને ભાજપ છોડીને એનસીપીમાં જતા રહ્યા. આમ, મોદી માટે આ ચાર મહિલાઓના પ્રશ્નમાંથી સફળતાપૂર્વક બહાર નીકળવું અને એ રીતે બહાર નીકળવું કે તેમની પ્રમાણિકતાની છાપ જળવાઈ રહે તે અઘરો પ્રશ્ન અત્યારે બની રહ્યો છે.

આ બધું એવા સમયે બની રહ્યું છે જ્યારે બિહારમાં અને બંગાળમાં ટૂંક સમયમાં ચૂંટણીઓ થવાની છે. એક તરફ, મોદીના ભ્રષ્ટાચાર નહીં થવા દેવાના (લોકપ્રિય સૂત્રો ‘ખાતો નથી, ખાવા દેતો નથી’, ‘સરકારી તિજોરી પર કોઈનો પંજો પડવા નહીં દઉં’) દાવા હોય (મોદી સરકારને એક વર્ષ પૂરું થયું ત્યારે એક સિદ્ધિ એ પણ કહેવાઈ હતી કે સરકારનું એક વર્ષમાં કોઈ કૌભાંડ બહાર આવ્યું નથી) અને એવા જ સમયે સુષમા, વસુંધરા અને પંકજા મુંડેના સમાચારો બહાર આવે ત્યારે એ દાવાનો છેદ ઉડી જાય. વળી, બિહારમાં તકલીફ એ પણ છે કે ત્યાં મતભેદ અને વિરોધ છતાં નીતીશકુમારના નેતૃત્વમાં જદ (યૂ) અને લાલુપ્રસાદવનું રાજદ એક થઈ ગયાં છે. ભાજપને નીતીશકુમારના પૂર્વ સાથી અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન જિતન રામ માંઝીના પક્ષ હિન્દુસ્તાન અવામ મોરચા (એચએએમ)નો ટેકો મળ્યો છે, પરંતુ અનેક વિવાદાસ્પદ નિવેદનોના કારણે માંઝીની છાપ ખરડાયેલી છે, વળી, તેમનો પક્ષપલટાનો ઈતિહાસ પણ જાણીતો છે. પહેલાં કૉંગ્રેસ, તે પછી રાજદ અને ત્યાર બાદ તેઓ જદ(યૂ)માં જોડાયા હતા. આમ, તેમનો લોટો એ તરફ ગબડે છે જે તરફ સત્તા હોય. એટલે એવું માનવાને કોઈ કારણ નથી કે તેઓ ભાજપને પણ છેહ નહીં જ દે. વળી, બિહારમાં વિરોધીઓને ટક્કર દેવાની વાત એક તરફ રહી, ભાજપની અંદર જ ભારે જૂથવાદ છે. અહીં મુખ્યપ્રધાનના દાવેદાર સુશીલ મોદી મુખ્ય છે. તેઓ અટલ અને અડવાણીના સમયમાં બિહારના સર્વોચ્ચ નેતા હતા અને તે કારણે જદ(યૂ) સાથેની મિશ્ર સરકારમાં તેઓ નાયબ મુખ્યપ્રધાન પણ હતા. પરંતુ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા અને નીતીશ તેમને બિહારમાં ચૂંટણી પ્રચાર કરવા આવવા નહોતા દેતા તે વખતથી સી. પી. ઠાકુર મોદીનું સમર્થન કરતા રહ્યા છે. મોદીને વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરવા માટે પણ તેમણે અને બિહાર ભાજપના અન્ય નેતા ગિરીરાજ સિંહે જોરદાર નિવેદનબાજી કરી હતી. સી. પી. ઠાકુરની મુખ્યપ્રધાન બનવાની ઈચ્છા છુપાયેલી નથી. આ ઉપરાંત વાજપેયીની સરકારમાં રહેલા રામવિલાસ પાસવાને નરેન્દ્ર મોદીનું અનુગોધરાકાંડમાં નામ ખરડાતાં તે મુદ્દે રાજીનામું આપી સરકાર છોડી હતી, તે જ પાસવાન ૨૦૧૪માં સમય પામી જઈને નરેન્દ્ર મોદી સાથે સમાધાન કરી, એનડીએમાં પાછા આવી ગયા હતા. પાસવાનની ઈચ્છા પણ મુખ્યપ્રધાન બનવાની છે.

સામાન્ય રીતે ભાજપની સ્ટ્રેટેજી રહી છે કે ચૂંટણીમાં અગાઉથી જ મુખ્ય પ્રધાન અને વડા પ્રધાનના ઉમેદવાર જાહેર કરી તેમના વ્યક્તિત્વ પર (અમેરિકાના પ્રમુખની ચૂંટણીની જેમ) મત માગવા. ૧૯૯૮ની લોકસભા ચૂંટણીમાં આ રીતે જ તેણે વાજપેયીના નામે સત્તા મેળવી હતી. ૨૦૧૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમજ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પણ તેણે મોદીના નામે આમ જ સત્તા મેળવી. પોતાના ઉમેદવાર નક્કી હોય ત્યારે તે કૉંગ્રેસ સહિતના વિપક્ષોને લલકારતો રહ્યો છે કે તમારા કેપ્ટન જાહેર કરો. પરંતુ દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કેજરીવાલને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી ભાજપ સામે તેનો જ દાવ અજમાવ્યો. જેમાં ભાજપ ખતા ખાઈ ગયો. બિહારમાં પણ આ જ પરિસ્થિતિ થવાની આશંકા છે. અહીં વિપક્ષના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર નક્કી છે- નીતીશકુમાર. અને બિહારની રાજનીતિમાં નીતીશકુમાર સૌથી ઓછા બિનવિવાદાસ્પદ અને સૌથી ઓછા અપ્રમાણિક નેતા છે. વળી, તેમણે ભાજપ સાથેની સરકાર બનાવી તે પછી બિહારનો ઠીક-ઠીક  વિકાસ પણ કર્યો છે. જ્યારે ભાજપે હજુ બિહારમાં મુખ્યપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા નથી. આથી, બિહારમાં પણ વડા પ્રધાન મોદીની સારી કસોટી થવાની છે.

સંસદનું સત્ર આજથી ૨૦ દિવસ પછી ચાલુ થવાનું છે. આ સત્રમાં જમીન સંપાદન ઉપરાંત જીએસટી, લોકપાલ અને લોકાયુક્તમાં સુધારા, રેલવે (સુધારા), જળમાર્ગ, બેનામી વ્યવહારો પ્રતિબંધ જેવા અનેક ખરડાઓ પણ પસાર કરવાના છે. અને વિપક્ષોનો મિજાજ જોતાં ત્યારે સુષમા, વસુંધરા, પંકજા અને સ્મૃતિ ઈરાનીના મામલાઓ જોરશોરથી ચગવાના અને તેના કારણે ગૃહની કાર્યવાહી પણ ખોરવાવાની. આથી અત્યાર સુધીમાં જમીન સંપાદનના ત્રણ કે ચાર વાર વટહુકમ લાવી ચુકેલી મોદી સરકારને આ ખરડો રાજ્યસભામાં પસાર કરવા માટે નાકેદમ આવી જવાનો.

ચાર સાથી મહિલાઓ, બિહારની ચૂંટણી જેવા દેશના આંતરિક મામલાની સાથોસાથ વડા પ્રધાન મોદી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘેરાઈ રહ્યા છે. અશાંત ઈરાક અને યમનમાંથી હજારો ભારતીયોને સુરક્ષિત રીતે પાછા લવાયા, યોગ દિવસને જાહેર કરવામાં તેમણે સફળતા મેળવી, યોગ દિવસની ઉજવણી પણ સારી રીતે થઈ, બાંગ્લાદેશ સાથે ૪૧ વર્ષ જૂનો સીમા વિવાદ પણ ઉકેલાયો, નેપાળ, ભૂતાન અને શ્રીલંકા સાથે પણ સારા સંબંધો બંધાયા, આ બધી આંતરરાષ્ટ્રીય સફળતા છે, પરંતુ ચીનના પ્રમુખની સાબરમતી નદીના કિનારે ભારે આગતાસ્વાગતા છતાં ચીન ભારતને વારેતહેવારે  હેરાન કર્યા રાખે છે. એમાં તાજો ઉમેરો એ અહેવાલથી થયો છે કે ચીન ભારતીય જળસીમામાં થઈને કરાચી બંદરે સબમરિન લઈ ગયું હતું અને આ રીતે તેણે ભારતની સુરક્ષા સાથે ચેડા કર્યા હતા. પાકિસ્તાન અને ચીનની વધતી નિકટતા ભારત માટે ભારે ચિંતાનો વિષય છે. સબમરિનવાળી ઘટના એવા સમયે  બની હતી જ્યારે નરેન્દ્ર મોદી ચીનની મુલાકાતે હતા. તે અગાઉ ચીનના  પ્રમુખ જ્યારે ભારત આવ્યા હતા ત્યારે ચીનના સૈનિકો લદ્દાખમાં ઘૂસી આવ્યા હતા. આમ, એક તરફ ચીન મૈત્રીની વાતો કરે છે અને બીજી તરફ, લશ્કરી દબાણ પણ બનાવી રહ્યું છે.

તો આ તરફ, ભારતે મેગીની સામે અનેક દિવસો સુધી કડક કાર્યવાહી કરી તેના કારણે અમેરિકા પણ ઉકળી ઉઠ્યું છે. મેગી સાથે અમેરિકાને સીધો સંબંધ નથી, પરંતુ નેસ્લે એ સ્વિત્ઝર્લેન્ડની કંપની છે અને સ્વિત્ઝર્લેન્ડ અમેરિકાનું સાથી છે. (યુરોપના દેશો અમેરિકાના સાથી છે.) અમેરિકાએ આથી ભારતની હલ્દીરામ સામે કાર્યવાહી કરી તેના પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાએ ટાટા કન્સલ્ટન્સી અને ઇન્ફોસીસ સામે પણ એચવન-બી વિઝાના નિયમોના ઉલ્લંઘન માટે કાર્યવાહી શરૂ કરી છે. લલિત મોદી મામલે હવે જો મોદી સરકારે કાર્યવાહી કરવાની થાય અને તેમનું પ્રત્યર્પણ કરવાની માગણી મોદી સરકાર કરે તો બ્રિટન સાથે ભારતના સંબંધોના મામલે મોદી સરકારની કસોટી થશે.

નરેન્દ્ર મોદી માટે કસોટી નવી વાત નથી. ગુજરાતમાં ૧૨ વર્ષના શાસન દરમિયાન આવી અને આના કરતાં પણ વધુ ખરાબ પરિસ્થિતિ તેમની સામે આવી ચુકી છે. ભાજપમાંથી કેશુભાઈ પટેલ, કાશીરામ રાણા, સુરેશ મહેતા, ગોરધન ઝડફિયા વગેરેનો વિરોધ, તે પછી જીપીપી પક્ષ રચાવો, સીબીઆઈ દ્વારા કેસ, મંત્રીઓ પુરુષોત્તમ સોલંકી અને બાબુભાઈ બોખિરિયા સામે ભ્રષ્ટાચારના કેસો, તત્કાલીન ગૃહ પ્રધાન અમિત શાહ સામે કેસ, બનાવટી એન્કાઉન્ટર, ગોધરાકાંડ પછીનાં રમખાણો વગેરે અનેક મુદ્દાઓ હતા, પરંતુ મોદી બધા સામે ઝીંક ઝીલીને સફળતાપૂર્વક રાજ કરતા રહ્યા, ત્રણવાર ચૂંટાઈને આવ્યા. રાષ્ટ્રીય સ્તરે પણ તેઓ આ ગુજરાત મોડલનું પુનરાવર્તન કરી શકશે?

(ગુજરાત ગાર્ડિયનની બુધવારની પૂર્તિમાં ‘વિશેષ’ કૉલમમાં તા.૧/૭/૧૫ના રોજ આ લેખ છપાયો.)

One thought on “નરેન્દ્ર મોદી મુશ્કેલીઓનો ચક્રવ્યૂહ ભેદી શકશે?

 1. સમાચાર માધ્યમોને અને ટીવી એંકરોને તર્ક સાથે કે પ્રમાણ ભાન સાથે બહુ સંબંધ નથી. ચાર બહેનો ના કેસમાં ખાસ દમ નથી. સ્મૃતિ ઈરાની બાબતમાં કોઈ આરોપનામું થયું નથી.

  જેની પાસે પૈસા હોય તેની સાથે સૌ કોઈ વત્તે ઓછે અંશે સંકળાયેલા હોય. પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે. અને પરોક્ષ રીતે સંકળાયેલા હોય તો પણ ભલામણો થતી હોય છે.

  આમેય સુષ્મા સ્વરાજને મદદ કરવાનો શોખ છે બાજપાઈના અરસામાં નહેરુવીયન કોંગ્રેસ કાર્યાલયનો ટેલીફોન બીલ ન ભરવાને કારણે કપાઈ ગયેલ. સુષ્મા સ્વરાજે ટેલીફોન એક્સચેન્જમાં ભલામણ કરી તે ફોન રીકનેક્ટ કરાવી દીધેલ. એવું કહેવાય છે કે તેમણે જે તે એન્જીનીયરની બદલી પણ કરાવેલી દીધેલી. તેમણે આ બદલી ન પણ કરાવી હોય, પણ મોટા સાહેબે મંત્રીબેનને વહાલા થવા બદલી કરી પણ દીધી હોય.

  વિરોધ પક્ષમાં હોય તો પણ નેતાઓ એક બીજાને મદદ કરતા હોય છે. કાયદાની દૃષ્ટિએ શું ખોટું થયું છે તે જ મહત્વનું છે.

  વસુંધરાબેન નો કેસ કોર્ટમાં જાય તો જ ખબર પડે. સંપત્તિના મામલા બહુ અટપટા હોય છે.

  પંકજા બેને નવું કે આડું કશું કર્યું નથી. જે ચાલ્યું આવ્યું તે જ કર્યું. જો તેઓ ગુનામાં આવશે તો એનસીપી વાળા અને નહેરુવીયન કોંગ્રેસવાળા પણ ગુનામાં આવશે. નહેરુવીયન કોંગ્રેસીઓ આ વાત જાણે છે. તેથી જ તેઓ પીઆઈએલ દાખલ કરતા નથી.

  ટીવી ચેનલો વાળા ગ્રુપ સંવાદમાં બીજેપીના નેતાને પુરું બોલવા દેતા નથી. અત્યારે સોનીયા અને રાહુલ ગુમ થઈ ગયા છે તે વાત બીજેપી વાળા ચગાવશે.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.