બે તાજા સમાચાર ભારતમાં બદલાતાં સાંસ્કૃતિક મૂલ્યોના સંદર્ભે જાણવા જેવા છે. તેમાં સૌથી તાજા સમાચાર ગયા અઠવાડિયે આવ્યા. સર્વોચ્ચ ન્યાયાલયે એક ખ્રિસ્તી મહિલાના કિસ્સામાં ચુકાદો આપ્યો કે જો કોઈ સ્ત્રી માતા બની હોય, તે અપરિણીત હોય તો તેના બાળકને શાળામાં મૂકવા માટે પિતાની જરૂર નથી. મતલબ કે વાલી તરીકે તે એકલી ચાલી શકે. અત્યાર સુધી પિતાની સંમતિની પણ જરૂર પડતી હતી. વાલી અને આશ્રય કાયદા તથા હિન્દુ લઘુમતી અને વાલીપણા કાયદા મુજબ, જો કોર્ટમાં વાલીપણા માટે અરજી કરવામાં આવે તો પિતાની સંમતિ માગવામાં આવતી હતી.

સર્વોચ્ચના ચુકાદા પ્રમાણે, હવે માતાએ પિતાનું નામ જાહેર કરવું જરૂરી નથી તેમજ કેટલાક કિસ્સાઓમાં વાલીપણાની અરજી કરતી વખતે પક્ષકાર (પાર્ટી) તરીકે તેનું નામ સમાવિષ્ટ કરવું પણ જરૂરી નથી. સર્વોચ્ચના ન્યાયમૂર્તિઓએ બાળકના હિતમાં આવો નિર્ણય લીધો છે. તેમનું માનવું છે કે એ વાત સાચી કે બાળકને સામાજિક કલંકથી બચાવવું જોઈએ, પરંતુ સાથે સાથે માતાનો પણ મૂળભૂત અધિકાર છે કે તેને તેના બાળકના પિતાનું નામ અને તેની વિગતો જાણવા ફરજ ન પડાય અને આ મૂળભૂત અધિકારની સુરક્ષા કરવી પણ જરૂરી છે.

આપણે ત્યાં કોર્ટના તિરસ્કારના ભયથી કે ગમે તેમ કોર્ટના ચુકાદાની ટીકા થતી નથી. જોકે રાજકીય પક્ષો હવે ટીકા જરૂર કરવા લાગ્યા છે. પરંતુ એ હકીકત છે કે કોર્ટનો આ ચુકાદો દૂરગામી અસર કરનારો અને અપરિણિત માતાને કાયદેસર માન્યતા આપનારો છે.

હવે બીજા તાજા સમાચાર પર નજર કરીએ. આ સમાચાર મે મહિનાના છે. મુંબઈમાં પદ્મા અય્યરે તેના ગે દીકરા માટે જીવનસાથી જોઈએ છે તેવી લગ્નવિષયક જાહેરખબર આપીને સનસનાટી મચાવી દીધી હતી. ૯૯.૯૯ ટકા કિસ્સામાં એવું થતું હોય છે કે જ્યારે દીકરો કે દીકરી હોમોસેક્સ્યુઅલ છે તેવી ખબર પડે એટલે મા આઘાતમાં સરી જાય અને હિન્દી ફિલ્મના ડાયલોગ ‘યે તૂ ક્યા કહ રહા હૈ’’ જેવી પ્રતિક્રિયા આપે. તેના પરાણે લગ્ન કરાવી દે. પરંતુ પદ્મા અય્યરે (સાચો કે ખોટો) દાખલો બેસાડ્યો છે. આનાથી હવે બીજાં ગે છોકરા કે લેસ્બિયન છોકરીની માતા પણ વિચારતી થશે. અગાઉના સમયમાં ગે અને લેસ્બિયન સાવ નહોતા જ તેવું નથી, પરંતુ એકદમ ઓછા, લગભગ શૂન્ય ટકા (ગાણિતિક ભાષામાં ટેન્ડ્સ ટૂ ઝીરો) જેવા જ હતા અને તેઓ ખુલ્લેઆમ ક્યારેય બહાર નહોતા આવતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ખુલ્લેઆમ બહાર આવવા લાગ્યા છે. રાજપીપળાના માનવેન્દ્રની જાહેરમાં કબૂલાત તેમજ અભિનેત્રી સેલિના  જેટલી કે દિગ્દર્શક કરણ જોહર જેવા લોકોના ટેકાથી આવા લોકોનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે તેવું ચિત્ર ઉપસી આવે છે. તેઓ હવે રેલી અને સરઘસો પણ કાઢવા લાગ્યા છે. અમેરિકામાં તો સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ગે/લેસ્બિયન લગ્નને માન્યતા આપી દીધી છે.

ભારતના સંદર્ભમાં વાત કરીએ તો અનેક રીતે આપણી સામાજિક વ્યવસ્થાઓ બદલાઈ રહી છે. શું-શું બદલાઈ રહ્યું છે પહેલાં તેની વાત કરીએ. હવે મોટા ભાગે વિભક્ત કુટુંબ છે. માતા-પિતા અને તેમનાં સંતાનો. કમાવાની જવાબદારી માત્ર પિતાની નથી, માતા પણ કમાઈ રહી છે. નિર્ણયો માત્ર પિતા જ નથી કરતા, માતાપિતા સંપીને લે છે. દીકરા-દીકરી વચ્ચે ખાસ ભેદભાવ નથી. ઉલટું સામાજિક જાગૃતિના કારણે દીકરીનું મહત્ત્વ વધ્યું છે. ઘરનાં કામની જવાબદારી એકલી માતાની નથી. પિતા પણ સંજવારી કાઢતા હોય કે પોતું મારતા હોય અને તે પણ બંધ બારણે નહીં, પડોશીઓ જુએ તેમ. કોઈ ટોણો મારતું નથી કે પુરુષ થઈને બૈરાનાં કામ કરો છો. કારણ કે પોતાની પણ એ જ હાલત હોય છે.

વધતા જતા બજારવાદ અને ઉપભોક્તાવાદ તેમજ લોન-ક્રેડિટ કાર્ડ પર મોટા ભાગની ચીજો મળવા લાગતાં ઘરમાં સુખસગવડનાં સાધનો અને કાર તેમજ દ્વિચક્રીય વાહનોનો ખડકલો થતો જાય છે. એકલ કુટુંબના કારણે વ્યક્તિવાદ (ઇન્ડિવિઝ્યુઅલિઝમ) વધી રહ્યો છે. ટીવી નવું નવું આવ્યું ત્યારે શું સ્થિતિ હતી તે ૩૦થી ઉપરની પેઢીને બરાબર યાદ હશે. પડોશમાં ટીવી હોય તો વગર પૂછ્યે તેમના ઘરમાં આજુબાજુનાં ઘરોમાંથી લોકો ટીવી જોવા આવી જતા હતા. ઘણી વાર તો એવું બને કે જેનું ટીવી હોય તેને બિચારાને જ બેસવાની તકલીફ પડતી. તે પછી વીસીઆર આવ્યું.  એ વીસીઆર ભાડે લાવતા અને આજુબાજુમાં કોઈ વીસીઆર લાવ્યા હોય તો ગમે ત્યાંથી વાવડ મળી જતા અને અજાણ્યાનું ઘર હોય તો પણ ‘પિક્ચર’ જોવા ઘૂસી જતા. બેસતા વર્ષના દિવસે આજુબાજુ બધા પડોશી અને સગાના ઘરે જવું ફરજિયાત પણ હતું અને તેમાં પોતાની ઈચ્છા પણ રહેતી. એકબીજાને ત્યાં પોતે બનાવેલા ઘૂઘરા- મઠિયા વગેરે દિવાળીનો નાસ્તો દઈ આવતા. પડોશીને ત્યાં ધાણાભાજી, દહીં, ખાંડ વગેરે માગવામાં શરમ નહોતી. એ વાટકી વ્યવહાર ગણાતો. સંયુક્ત કુટુંબ હતું. દાદા, દાદી, ફઈ, કાકા, કાકી, તેમનાં સંતાનો સાથે રહેતાં. અને ઘણી વાર તો પિતાના કાકાઓ પણ બાજુમાં રહેતા હોય. અને છતાં ઘર સાંકડા નહોતા લાગતા, કારણ કે મન મોટાં હતાં. કોઈ મહેમાન ભોજન સિવાયના સમયે આવે તો પણ રસોઈ ફટાફટ રંધાઈ જતી.

વાહનમાં સાઇકલ હતી, પરંતુ કુટુંબને એકસાથે જવું હોય તો મોટા ભાગે ચાલીને જતાં. કેટલાંક સુખી કુટુંબો ઘોડાગાડી કે રિક્ષા કરી લેતાં. આજુબાજુના દુકાનદારો નામથી ઓળખતા હોય કે મગન કોનો છોકરો ને રમા કોની છોકરી. મગન જો ચોરીછુપીથી નાસ્તો લેવા આવ્યો હોય તો દુકાનદાર પોતાની કમાણી જતી કરીને ઘરના વડીલને જાણ કરી દેતા. શિક્ષક રસ્તામાં મળે તો તેમને બે હાથ જોડીને નમસ્તે કહેવાનો રિવાજ હતો. શિક્ષક પણ એવા હતા કે વિદ્યાર્થિનીઓને દીકરીની દૃષ્ટિએ જોતાં. બહારગામ નોકરી કરતા હોય અને પોતાના વતનની મહિલા મળે તો તેને બહેન જ ગણતા. મિત્રના મામા એ આપણા મામા થાય. મિત્રના કાકા આપણા કાકા થાય આવી સમજ હતી.

હવે વ્યક્તિવાદ વધ્યો છે અને નોકરી કરવાનું પણ વતનથી દૂર પસંદ કરાતું હોવાથી પતિ-પત્ની અને સંતાનો જ એક કુટુંબમાં રહે છે. પતિનાં માતાપિતા મોટા ભાગે વતનમાં રહેવાનું પસંદ કરે. પહેલાં એક કરતાં વધુ ભાઈઓ હોય તો ઘરમાં જ અલગ-અલગ ભાગ પાડી દેતા અથવા અલગ-અલગ મકાનો લઈ દેતા, પરંતુ હવે એક માત્ર સંતાન એવા દીકરાનાં લગ્ન થાય તો ઘણી વાર પહેલેથી માતાપિતા જ દીકરાને અલગ ઘર લઈ દે છે. અથવા પોતાને ત્યાં સગવડ હોય તો ઉપરના માળે દીકરા-વહુને રહેવા આપી દે છે. તો કેટલાક કિસ્સામાં એક માત્ર સંતાન હોવા છતાં પોતાની પત્નીને સાસુ સાથે ફાવતું ન હોવાથી દીકરો અલગ રહેવા જતો રહે છે-જવું પડે છે. વ્યક્તિવાદ હજુ આગળ વધે છે. પતિ-પત્ની અને એક સંતાન છે, પતિને ફલાણી ચેનલ જોવી છે અને પત્નીને અમુક ચેનલ જોવી છે. એટલે ઘરમાં હવે બે ટીવી રખાતાં થયાં છે. વાહન પણ વ્યક્તિદીઠ એક તો હોય જ છે. અઠવાડિયામાં એક વાર હોટલમાં જમવાનું ફિક્સ. હવે તો તહેવારે પણ આવું જ થઈ ગયું છે, પછી તે શીતળા સાતમ હોય કે દિવાળી.

પરંતુ આ લેખની શરૂઆતમાં જણાવેલા બે સમાચારોથી તો સામાજિક વ્યવસ્થા સાવ બદલાઈ જવાની શક્યતા છે. પહેલા કિસ્સામાં અપરિણીત મહિલાને જેના થકી બાળક થયું તે પુરુષ પરણેલો છે. કોર્ટ જો આવા નિર્ણયોને માન્યતા આપશે તો શું અપરિણિત માતા નહીં વધે અને તેના કારણે વ્યભિચાર નહીં વધે? રામ જાણે અને બીજી સુપ્રીમ કોર્ટ જાણે! વર્ષો પહેલાં અપરિણીત માતા બનીને દીકરીને એકલા હાથે મોટી કરનાર અભિનેત્રી નીના ગુપ્તાને હવે પસ્તાવો થાય છે અને તે શિખામણ આપે છે કે ભારતમાં દરેક સ્ત્રીએ લગ્ન કરવા જ જોઈએ. (ગુજરાત ગાર્ડિયન ફિલ્મ પૂર્તિ, બર્થડે બેશ કૉલમ તા.૩/૭/૧૫) આવા સંબંધોને કોર્ટની માન્યતા મળે એટલે પછી શરમ કેવી? અને માતા જ પોતાના હોમોસેક્સ્યુઅલ દીકરા કે દીકરી માટે તેવો જ પાર્ટનર શોધે તે વળી કેવું! અને આવાં લગ્નો થવા લાગશે પછી? વંશ કેવી રીતે આગળ વધશે? અહીં વંશ એટલે દીકરાની રીતે જ વાત નથી. દીકરી જન્મે તો પણ વંશ આગળ વધવાની જ વાત ગણાય. આવાં લગ્નોમાં પુરુષ-સ્ત્રીનાં લગ્નની જેમ ડાઇવોર્સ થશે અને ત્યારે ભરણપોષણના કેસો ઊભા થશે તો? કોને પતિ ગણવો અને કોને પત્ની? હવે તો કાયદો-કોર્ટ એટલા મોડર્ન થઈ ગયા છે કે વિધવા સ્ત્રી પુનર્લગ્ન કરે તો પણ તેને મૃત પતિની સંપત્તિમાં હિસ્સો મળી શકે. આ ગેરવાજબી નથી? એક તરફ સ્ત્રીને પુરુષસમોવડી ગણીએ છીએ પરંતુ સંપત્તિમાં હિસ્સાની વાત આવે ત્યાં તેને ‘બિચારી’ ગણીને નિર્ણય લેવાય છે. આમ તો સમાજ અને કોર્ટ દહેજનો વિરોધ કરે છે, પણ દીકરીને લગ્ન પછી માતાપિતાની સંપત્તિમાંથી હિસ્સો મળે તે એક જાતનું દહેજ નથી શું? લિવઇન રિલેશનશિપનું જોર વધી રહ્યું છે. વર્તમાન સમયમાં કેટલીક જાહેરખબરો પણ આપણી સમાજવ્યવસ્થાને વિકૃત કરવા મચી પડેલી છે. એક ચાની જાહેરખબરમાં બહારગામ રૂમ રાખીને ભણતા દીકરાને જન્મદિવસે સરપ્રાઇઝ આપવા તેનાં માતાપિતા ઓચિંતાના આવી ચડે છે ત્યારે ખબર પડે છે કે દીકરો તો કોઈ છોકરી સાથે રહે છે. પણ છોકરી ચા સરસ બનાવે છે એટલે માતા (હિમાની શિવપુરી) પીગળી જાય છે અને તેના માટે કહે છે, ‘બૂરી નહીં હૈ’!

મેગીની એક એડ્.માં માતા (ઝરીના વહાબ)ની દીકરી ૨૧ વર્ષની થતાં એક જ શહેરમાં માબાપથી અલગ રૂમ રાખીને રહેવા લાગે છે અને માતાને કહે છે કે ‘અબ ઇન્ડિપેન્ડન્ટ નહીં બનૂંગી તો કબ?’ આ જાહેરખબરવાળા એવો ટ્રેન્ડ શરૂ કરવા માગે છે કે દીકરી ૨૧ વર્ષની થાય એટલે તેણે અલગ રહેવું જોઈએ. હમણાં એક ભારતીય ક્લોથિંગ કંપનીએ તો લેસ્બિયન સ્ત્રીઓ પર જાહેરખબર બનાવી છે જે વાઇરલ થઈ છે! જાહેરખબર લખતા, નિર્દેશિત કરતા, તેમાં અભિનય કરતા લોકો તો સ્વચ્છંદી હોય, પણ તેઓ તેમની પોતાની વિચારસરણી પણ આપણા પર થોપે તે કેવું? પરંતુ આપણે ત્યાં ધર્મના નામે જેટલો કોલાહલ થાય છે એટલો કોલાહલ આવી સામાજિક/સાંસ્કૃતિક રીતે વિકૃત બનાવતી જાહેરખબરો, ફિલ્મો કે ટીવી કાર્યક્રમો સામે થતો નથી.

આવા ટ્રેન્ડનાં શું પરિણામ આવશે? નકારાત્મક રીતે જોઈએ તો, કોર્ટો ગે, લેસ્બિયન, લિવ ઇન કે અપરિણીત માતા જેવા સંબંધોને છૂટથી માન્યતા આપવા લાગતાં આ વિકૃતિ ગણો તો વિકૃતિ અને સામાજિક પરિવર્તન ગણો તો તેને છૂટો દોર મળી જશે. આમાંથી જટિલતા જરૂર ઉદ્ભવવાની. એમએસએમ (પુરુષો જેમને પુરુષો સાથે સંબંધ હોય છે) લોકોને ગુદાનું કેન્સર, એઇડ્સ જેવા રોગો વધુ હોવાની શક્યતા છે તેમ મેડિકલ રિસર્ચ કહે છે. ભારતે વિદેશના ગે યુગલોને સરોગસીથી બાળક મેળવવા પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ દેશની અંદર જે યુગલો છે તેમના માટે શું? સમાજની જે ઘડાયેલી વ્યવસ્થા છે તેની સામે યુવાવસ્થામાં દ્રોહ જાગે તે સ્વાભાવિક છે, પરંતુ યુવાનોએ એ સમજવું જોઈએ કે આ જે વ્યવસ્થા ઘડાયેલી છે તે બહુ સમજી-વિચારીને ઘડાયેલી છે. એકલા રહેવું, મોબાઇલમાં ખોવાયેલા રહેવું, આના કારણે લોકોમાં બેચેની, તણાવ, હતાશા, ડિપ્રેશન વધી રહ્યાં છે. કૌટુંબિક-સામાજિક હૂંફ અદૃશ્ય થઈ રહી છે. સાઇકિયાટ્રિસ્ટો પાસે આવતા કેસોમાં વધારો થઈ રહ્યો છે.

હકારાત્મક વિચારીએ તો આ નવું-નવું છે ત્યાં સુધી બધાને ગમશે, અંતે સમજાશે કે વ્યભિચાર બે ઘડીનો આનંદ આપે છે, પરંતુ પુરુષ અને સ્ત્રી બંનેની સલામતી અને હૂંફ અંતે તો લગ્નવ્યવસ્થામાં જ છે. મોંઘાં ઘરોના લીધે એક ઘરમાં કુટુંબ સંયુક્ત રીતે રહે તો ઘણા ખર્ચા બચી જાય. શહેરમાં ઘણા છોકરાઓ ભાડાં બચાવવા એક જ ઘરમાં અજાણ્યાઓ સાથે શેરિંગ કરીને રહી શકે તો, પોતાના લોકો સાથે ન રહી શકાય? બે-ત્રણ પરિવાર મળીને મોટી શાક માર્કેટમાંથી શાક ખરીદે કે હોલસેલ દુકાનેથી કરિયાણું ખરીદે તો સસ્તું પડે. આમ, સામાજિક અને આર્થિક જરૂરિયાતો અંતે જૂની વ્યવસ્થા પર પાછા ફરવા મજબૂર કરશે.

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની બુધવારની પૂર્તિમાં ‘વિશેષ’ કૉલમમાં તા. ૧૫/૭/૧૫ના રોજ આ લેખ છપાયો.)

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.