(ભાગ-૧૨)

પિતાની જેમ ફારુક અબ્દુલ્લાનાં પણ બેવડાં ધોરણ હતાં. ભારતીય માધ્યમો સમક્ષ દેશભક્ત બની જવું અને કાશ્મીર ખીણમાં અલગતાના રાગ આલાપવા. તેમનું આ વલણ ચાલુ જ છે. ૧૬ નવેમ્બર ૨૦૧૪ના દિવસે યુકેમાં કિડનીની સારવાર કરાવતા કરાવતા પણ તેમણે ધમકી આપી હતી કે કલમ ૩૭૦ને નાબૂદ કરવામાં આવશે તો વ્યાપક અશાંતિ સર્જાશે. તે અગાઉ આ જ વર્ષની ૩૦ માર્ચના રોજ કહેલું કે હું મરીશ તો પણ કબરમાંથી બૂમ પાડીશ કે કલમ ૩૭૦ની રક્ષા કરો. આ બધાં નિવેદનો તેમણે રાજ્યમાં ચૂંટણી આવતી હોવાથી કર્યાં હતાં.

પિતા શૈખ અબ્દુલ્લા માનતા હતા અને તેમણે ડી. ડી. ઠાકુર નામના તેમના કેબિનેટ મંત્રી આગળ હૈયાવરાળ કાઢી હતી (સિક્કાની બીજી બાજુ, તા.૨૮/૬/૧૫) કે એક નાનકડું ક્લિનિક ચલાવી ન શકતો ફારુક રાજકારણમાં શું ઉકાળશે? પણ તેમને ખબર નહોતી કે ફારુક અબ્દુલ્લા તેમને જોઈને જ મોટા થયા છે. તેઓ તેમના પગલે જ ચાલશે. બલકે અમુક બાબતોમાં તેમના કરતાં પણ સવાયા નીકળશે. એટલે ઑક્ટોબર ૧૯૮૩માં ચૂંટણી આવતી હોવાથી ફારુક પિતાની જેમ કાશ્મીરમાં અલગતાવાદનો રાગ બરાબરનો અને મોટા અવાજે આલાપતા હતા. તેમણે કાશ્મીર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તેમની ઇસ્લામિક ઓળખ જાળવવા સલાહ આપી. જે લોકો કૉંગ્રેસ વિરોધી હતા તેવા બૌદ્ધિકોને પોતાની પડખે લીધા (જેથી તેઓ ઈન્દિરા ગાંધી વિરોધી છે તેવી છાપ મજબૂત થાય) અને તેમને બાકીના ભારતમાં કાશ્મીરીયતનો સંદેશો ફેલાવવા કહ્યું.

હવે ફારુક પોતે કેટલા કાશ્મીરીયતવાળા હતા/છે તે જ એક સવાલ છે. તેમને ડિસ્કો ચીફ મિનિસ્ટરનું બિરુદ મળ્યું હતું. આની પાછળનું કારણ લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં ઇન્ટરનેશનલ અને કમ્પેરેટિવ પોલિટિક્સના પ્રાધ્યાપક સુમંત્ર બોઝે લખેલા પુસ્તક ‘કાશ્મીર: રૂટ્સ ઑફ કૉન્ફ્લિક્ટ, પાથ્સ ટૂ પીસ’માંથી મળે છે. બોઝ લખે છે, “ફારુકને ડિસ્કો ચીફ મિનિસ્ટરનું બિરુદ મળ્યું કારણકે તેઓ ભારતનાં શહેરોમાં આવેલાં ડિસ્કોથેકમાં અવારનવાર જોવા મળતા હતા અને તેઓ તેમનો મોટા ભાગનો સમય ક્યાં તો ગોલ્ફ રમવામાં અથવા વિદેશમાં વેકેશન ગાળવામાં પસાર કરતા હતા. તેમના શાસનમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો હતો.”

‘કાશ્મીર ઇન કોન્ફ્લિક્ટ: ઇન્ડિયા, પાકિસ્તાન એન્ડ ધ અનએન્ડિંગ વોર’ પુસ્તકમાં વિક્ટોરિયા શોફિલ્ડ પણ ફારુકને ડિસ્કો ચીફ મિનિસ્ટરનું બિરુદ આપીને લખે છે કે તેમને શ્રીનગરમાં મોટર બાઇસિકલ (બાઇક) પર ફરવું બહુ ગમતું હતું. રાજદીપ સરદેસાઈ જેવા સેક્યુલર મનાતા પત્રકાર-લેખકે એક લેખમાં ફારુકને ડિસ્કો ચીફ મિનિસ્ટર કેમ કહેવાય છે તેના કારણમાં લખ્યું છે કે ફારુક અબ્દુલ્લા મહાન સેક્યુલર અભિનેત્રી શબાના આઝમી આઝમીને મોટરબાઇક પર પાછળ બેસાડીને ફર્યા હતા જેના કારણે તેમને ‘ડિસ્કો ચીફ મિનિસ્ટર’નું બિરુદ મળ્યું હતું. યુરોપ સ્થિત કાશ્મીર ઇન્ટરનેશનલ રિસર્ચ સેન્ટર (કેઆઈઆરસી)ના ન્યૂઝ પોર્ટલ કાશ્મીર વોચ ડોટ કોમ પરના એક લેખ મુજબ, ૧૯૮૪માં જ્યારે ફારુકના બનેવી જી. એમ. શાહે તેમની સરકાર ઉથલાવી દીધી ત્યારે તેઓ પહલગામમાં એક હિન્દી ફિલ્મ અભિનેત્રી સાથે કથિત રીતે આનંદ માણી રહ્યા હતા.

એટલે ફારુકની જીવનશૈલીમાં કાશ્મીરીયતનો સહેજે છાંટો નહોતો તેમ કહી શકાય. પરંતુ ચૂંટણી જીતવા તેમણે કાશ્મીરીયતનો નારો બુલંદ કર્યો. તેમણે ભારત પર (શેખ-ઈન્દિરાની સમજૂતી પછીય જાણે કાશ્મીર કોઈ ભારત બહારનો પ્રદેશ હોય તેમ) કાશ્મીરમાં કોમવાદી રમખાણો ભડકાવવાનો આક્ષેપ કર્યો. એટલું જ નહીં કોમવાદી પત્તું પણ ઉતર્યા. તેમણે કાશ્મીરની વાત છોડો, ભારત માટે એવું જાહેર કર્યું કે મુસ્લિમો ભારતમાં સલામત નથી! તેમણે નેશનલ કૉન્ફરન્સની યુવા પાંખને ‘સ્વતંત્રતાની લડાઈ’ માટે તૈયાર રહેવા આહ્વાન કર્યું. જેમ જેમ ચૂંટણી નજીક આવતી ગઈ તેમ તેમ તેમનું ભારત વિરોધી અને હળાહળ કોમવાદી વલણ બુલંદ થતું ગયું. એક જાહેરસભામાં તેમણે કહ્યું કે “આપણી લડાઈ તો કૉંગ્રેસ સામે છે. તે આપણને કચડી નાખવા માગે છે. કૉંગ્રેસની હાર મતલબ કેન્દ્ર સરકારની હાર.”

તેમણે શેર-બકરાનું રાજકારણ સમાપ્ત કરવા પિતાના કટ્ટર દુશ્મન મૌલવી ફારુક સાથે હાથ મિલાવ્યા. પરંતુ ભારતીય મિડિયા સમક્ષ તેઓ દયામણા બનીને રજૂ થતા અને કહેતા કે ઈન્દિરા ગાંધી વગર કારણે તેમને હેરાન કરે છે. ખરેખર સાચું શું હતું? ગયા વખતે આપણે જોયું તેમ ઈન્દિરાએ ફારુકને તક આપી હતી. શૈખના મૃત્યુ પછી ફારુકને મુખ્યપ્રધાન બનવા દઈને તેમજ ચૂંટણી માટે સમજૂતી કરવા ખાસ વિમાન શ્રીનગર મોકલાવીને, પણ ફારુક તે માટે તૈયાર નહોતા અને તેઓ તથા તેમનાં માતા તો એમ કહીને આવ્યા હતા કે કાશ્મીરમાં કૉંગ્રેસ ધોવાઈ જશે. આ તો ઠીક, પણ ઈન્દિરા ગાંધીની શ્રીનગરના હઝારીબાગ (જે હવે ઈકબાલ પાર્ક તરીકે ઓળખાય છે) ખાતેની એક જાહેરસભામાં તો નેશનલ કૉન્ફરન્સના કાર્યકરોએ અત્યંત શરમજનક વ્યવહાર કર્યો.

સ્થાનિક પોલીસ હાજર હતી તેમ છતાં ઈન્દિરાજીની સભામાં ખલેલ પહોંચાડવા તમામ પ્રયાસો કરાયા, પણ તે ઓછું હોય તેમ નેશનલ કૉન્ફરન્સના કાર્યકરોએ એક મહિલાની સામે પોતાના પાયજામા ઉતારી નાખ્યા! શું ફારુક આને કાશ્મીરીયત ગણતા હતા? છેડાયેલી અને ધૂંધવાયેલી વાઘણ જેવાં ઈન્દિરા ગાંધી પછી આનો બદલો ન લેત તો જ નવાઈ હતી! ૧૯૮૩ની એ ચૂંટણીમાં ભારે ગેરરીતિઓ આચરવામાં આવી. બેફામ બોગસ વોટિંગ થયું. આમ, આ ચૂંટણીમાં ફારુક અબ્દુલ્લા ભારત વિરોધી વલણ, બનાવટી કાશ્મીરીયત તેમજ બોગસ વોટિંગ પર પક્ષને વિજયી બનાવવામાં સફળ રહ્યા.

ફારુકની મુખ્યમંત્રી પદની બીજી મુદ્દતમાં કાશ્મીરને ભારત વિરોધી બનાવવાનું ચાલુ રખાયું. એનું એક ઉદાહરણ એટલે ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ૧૩ ઑક્ટોબર ૧૯૮૩ના રોજ શ્રીનગરમાં યોજાયેલી વન-ડે મેચ. ભારતીય ટીમ તાજી જ વિશ્વ કપ જીતીને રમી રહી હતી. તે જોતાં ભારતીય ટીમનું સ્વાગત દર્શકો તરફથી ઉષ્માપૂર્ણ રીતે થવું જોઈતું હતું અને તેમને મેચમાં પ્રોત્સાહન અપાવું જોઈતું હતું, પરંતુ આ મેચમાં ભારતીય ક્રિકેટરો સાથે ભયંકર ખરાબ વર્તન કરવામાં આવ્યું. તેમને ગાળો કહેવામાં આવી, ટોણા મારવામાં આવ્યા. ભારતીય ક્રિકેટરોને એવું જ લાગ્યું હશે જાણે કે તેઓ પાકિસ્તાનમાં રમી રહ્યા છે. સ્ટેડિયમમાં ભારત વિરોધી અને ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ જેવા નારા ગૂંજી રહ્યા હતા.

સ્પોર્ટ્સ પત્રકાર અભિષેક મુખરજીએ લખ્યું છે: શ્રીનગરની આ પહેલી આંતરરાષ્ટ્રીય મેચ હતી. ભારતીય ક્રિકેટરો જેવા મેદાન પર ઉતર્યા કે દર્શકોમાંના એક વર્ગે ભારતીય ક્રિકેટરોનો હુરિયો બોલાવવા માંડ્યો. મેદાન પર આ ઉપહાસ, ઠઠ્ઠા અને ટોણાનું વાતાવરણ પ્રસરી ગયું. ભારતીય અને વે. ઇન્ડિઝની ટીમ ચોંકી ગઈ. સુનીલ ગાવસ્કરે પણ ‘રન્સ એન રયુન્સ’માં લખ્યું કે હાર પછી હુરિયો બોલાવે તે તો સમજાય, આ તો તેના પહેલાં હતું જે માન્યામાં જ ન આવે તેવું હતું. આ ઉપરાંત ટોળામાં ઘણા લોકો પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને અમને હતોત્સાહ કરવા કોશિશ કરી રહ્યા હતા. આવા હુરિયાની વચ્ચે કપિલ દેવ અને ક્લાઇવ લોઇડ ટોસ કરવા ઉતર્યા. લોઇડે ટોસ જીતી ભારતને બેટિંગનું આમંત્રણ આપ્યું. એન્ડી રોબર્ટ્સના દડામાં ગાવસ્કરનો કેચ વિવિયન રિચાર્ડ્સે ઝીલી લીધો અને દર્શકો જાણે ભારતના નહીં, પરંતુ વેસ્ટ ઇન્ડિઝના દર્શકો હોય તેમ તેમણે તાળીઓ પાડવાનું અને ઘોંઘાટ કરવાનું શરૂ કર્યું. ભારતીય બૅટ્સમેનો જેમ જેમ આઉટ થતા ગયા તેમ તેમ દરેક વખતે આ સિલસિલો ચાલુ રહ્યો. કે. શ્રીકાંત આવા વાતાવરણમાં પણ પીચ પર ટકી રહ્યો અને તેણે ૯૧ દડામાં ૪૦ રન ફટકાર્યા. ભારતનું ૧૭૬ રનમાં ફીંડલું વળી ગયું.

હવે લંચનો ઇન્ટરવલ પડ્યો હતો. દસ બાર જણા મેદાન પર ઉતરી આવ્યા. તેમણે પીચ પીચને ખોદવા પ્રયાસ કર્યો. (ભારતના મિડિયાને અને મોટા ભાગના ક્રિકેટ પ્રેમીઓને શિવસેના દ્વારા સાચા કારણથી પીચ ખોદવાનું જ યાદ રહે છે, આવું બધું સિફતપૂર્વક ભૂલી જવાય છે.)

જોકે પીચને એટલું નુકસાન નહોતું પહોંચ્યું કે રમત આગળ ન વધારાય. લંચ બ્રેક પૂરો થયો. હવે વેસ્ટ ઇન્ડિઝની ટીમ દાવ લેવા ઉતરી. કપિલ દેવ અને બલવિંદર સંધુનો સ્પેલ પૂરો થયો અને રોજર બિન્ની તેમજ મદનલાલ બોલિંગમાં આવ્યા. ટોળાએ ભારતીય ફિલ્ડરોને ટોણા મારવાના તેમજ તેમના પર સફરજન, બોટલ, પથ્થરો અને કચરો ફેંકવાનું ચાલુ કર્યું, જે બાકીની સમગ્ર રમત દરમિયાન ચાલુ રહ્યું. એક દર્શકે ગાવસ્કર તરફ ઈમરાન ખાન (એ કહેવાની જરૂર નથી કે પાકિસ્તાની ક્રિકેટરના સંદર્ભમાં વાત છે)નું પોસ્ટર ફરકાવ્યું. ખેલદિલ ગાવસ્કરે તેના તરફ થમ્બ્સ અપની નિશાની કરી. ગાવસ્કરની આ ચેષ્ટા આવા ભયંકર ખરાબ દર્શકોને પણ રિઝવી ગઈ. એ એક વાર દર્શકોએ ભારતીય ક્રિકેટરો માટે તાળી પાડી.

ઓછો પ્રકાશ થતાં રમતને અધૂરી રાખવી પડી ત્યારે વેસ્ટ ઇન્ડિઝ ૨૨.૪ ઓવરમાં વિના વિકેટે ૧૦૮ રન પર હતું. ભારતે ૨૦ ઓવરમાં ૮૦ રન કર્યા હતા. આમ, સરખામણી કરતાં વેસ્ટ ઇન્ડિઝની જીત થઈ હતી. હેઇન્સ મેન ઑફ ધ મેચ જાહેર થયો. આ બધું તો ઠીક, પણ દર્શકોએ આવું વર્તન કર્યું ત્યારે (સ્વાભાવિક જ પહેલી મેચ હોઈ) ફારુક અબ્દુલ્લા હાજર હતા. પરંતુ તેમણે મૂંગા મોઢે (કે પછી મૂછમાં મલકાતા મોઢે હશે?) જોયા કર્યું. તેમણે ધાર્યું હોત તો પોલીસની મદદથી આવા દર્શકોને કાબૂમાં લઈ શક્યા હોત. જોકે તે રાત્રે ડિનર વખતે ફારુકે ભારતીય ટીમની માફી માગવાનું સૌજન્ય જરૂર દાખવ્યું. ત્યારે પણ ગાવસ્કરે મુત્સદી દાખવી. તેમણે કહ્યું: “મને નથી લાગતું કે ભારતીય ખેલાડીઓ દર્શકોના વર્તનથી ખરેખર વ્યથિત હોય. હા, તેઓ વિશ્વકપ જીતીને આવ્યા હોવાથી દર્શકોની પ્રતિક્રિયાથી સ્તબ્ધ જરૂર થઈ ગયા હતા.” કાશ્મીરના અલગતાવાદીઓ સ્વતંત્રતા માટેની લડતમાં આ મેચના દિવસને એક સીમાચિહ્ન ગણે છે. આ ઘટનાના કારણે તે પછી ત્રણ વર્ષ સુધી કાશ્મીરને એકેય મેચ ફાળવાઈ નહીં. બીજી અને છેલ્લી મેચ ૧૯૮૬માં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. (આ પીચ ખોદવાના કેસનો ચુકાદો છેક ૨૦૧૧માં એટલે કે ૨૮ વર્ષ પછી આવ્યો અને શ્રીનગરની એક કોર્ટે બારેબાર આરોપીને નિર્દોષ છોડી મૂક્યા હતા)

ઇન્દિરા ગાંધીની સરકાર અમુક બાબતોમાં ખરેખર કડક હતી. બાંગ્લાદેશના સર્જનની બાબતમાં તેમનું વલણ પ્રશંસનીય હતું (જોકે તે પછી ટેબલ પર ભુટ્ટો સાથે મંત્રણામાં કાશ્મીર પાછું ન મેળવી શકાયું અને પાકિસ્તાનને કાયમ માટે દબાવી ન શકાયું તે  જુદી વાત છે). આવી જ કડકાઈ તેમણે કાશ્મીરના અલગતાવાદી સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના સહસ્થાપક અને ત્રાસવાદી મોહમ્મદ અફઝલ બટ (કે ભટ)ને ફાંસી દેવામાં કરી. (આવી ઝડપ સોનિયા ગાંધીના ઈશારે ચાલતી કહેવાતી મનમોહનસિંહની સરકાર અફઝલ ગુરુ કે અજમલ કસાબને ફાંસી દેવામાં નહોતી કરી શકી) બટનો વાંક શું હતો? તેણે તેના સાથીઓ સાથે કાશ્મીરમાં પોલીસ પર હુમલો કર્યો હતો. વળી તેના પર ૧૯૭૧માં જે ગંગા નામના ઇન્ડિયન એરલાઇન્સના વિમાનનું અપહરણ થયું તે (જુઓ સિક્કાની બીજી બાજુ, તા. ૭/૬/૧૫) અપરાધનો પણ તે માસ્ટરમાઇન્ડ હોવાનો આરોપ હતો. પાકિસ્તાનનો આ બટ ૧૯૭૪માં ભારતમાં ઘૂસી આવેલો અને તે પકડાઈ ગયો હતો. તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. તેણે તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહ સમક્ષ દયાની અરજી કરી હતી.

૩ ફેબ્રુઆરી ૧૯૮૪ના રોજ બર્મિંગહામમાં યુકેમાંના ભારતીય રાજદૂત રવિન્દ્ર મ્હાત્રેનું અપહરણ કરાયું અને તેને છોડવાના બદલામાં અપહરણકારોએ બટને છોડી મૂકવા માગણી કરી. ૬ ફેબ્રુઆરી ૧૯૮૪ના રોજ અપહરણકારોએ મ્હાત્રેની હત્યા કરી નાખી. આ પછી બટની દયાની અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી અને નવી દિલ્હીની તિહાર જેલમાં ૧૧ ફેબ્રુઆરી ૧૯૮૪ના રોજ તેને ફાંસી આપી દેવામાં આવી. તેનો મૃતદેહ જેલના પરિસરમાં જ દફનાવી દેવાયો. આજે પણ જેકેએલએફના લોકો બટનો મૃતદેહ પાછો માગતા હોય છે. હુર્રિયત સહિત અલગતાવાદીઓ બટને ફાંસી માટે ફારુક અબ્દુલ્લાને પણ જવાબદાર માને છે. હુર્રિયતના ચૅરમેન સૈયદ અલી શાહ ગિલાનીનો આક્ષેપ છે કે ફારુકે દસ્તાવેજો પર હસ્તાક્ષર કરીને બટની ફાંસીને મંજૂરી આપી તો ઓમર અબ્દુલ્લાએ અફઝલ ગુરુની ફાંસીને.

ફારુકની સરકાર ૧૯૮૪માં જ પતન પામવાની હતી. તેના બનેવી જ તેમની સરકાર ઉથલાવવાના હતા. તેમણે કઈ રીતે ફારુક સરકારને ઉથલાવી તેની વાત આગળના હપ્તે.

(ક્રમશઃ)

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૨/૭/૧૫ના રોજ આ લેખ છપાયો.)

ભાગ- ૧  કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો

ભાગ-૨ કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

ભાગ-૩ કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!

ભાગ-૪ નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!

ભાગ-૫ શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

ભાગ-૬ હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડયંત્ર

ભાગ-૭  ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

ભાગ-૮ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

ભાગ-૯ શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

ભાગ-૧૦ કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

ભાગ-૧૧ ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

ભાગ-૧૩ કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

ભાગ-૧૪ ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ રાજભવનમાં રસપ્રદ ધડાધડી

ભાગ-૧૫ જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

ભાગ-૧૬ ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

ભાગ-૧૭ પાકિસ્તાનનું પ્રૉક્સી વોર અને ક્રિકેટ પોલિટિક્સ

ભાગ-૧૮ પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હારજા

ભાગ-૧૯ શાહબાનો કેસ: રાજીવના નિર્ણયથી કાશ્મીરમાં ઉજવણીનો માહોલ

ભાગ-૨૦ કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા

ભાગ-૨૧ કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.