(ભાગ-૧૩)

ફારુક બોગસ વોટિંગથી ૧૯૮૩ની ચૂંટણીમાં નેશનલ કૉન્ફરન્સને બહુમતી અપાવવામાં સફળ રહ્યા હતા અને તેમણે તથા તેમની માતાએ દિલ્હીમાં ઈન્દિરા ગાંધીને આપેલા સંદેશની માફક કૉંગ્રેસનું લગભગ ધોવાણ થયું હતું. ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ ફારુકના બનેવી જી. એમ. શાહે બળવો કરી એનસીમાં ભંગાણ કર્યું. અને પરિણામે તેમની સરકાર રચાઈ. તે વખતે રાજ્યપાલ પદે જગમોહન મલ્હોત્રા હતા.

દિલ્હીના લેફ્ટ. ગવર્નર તરીકે લોકપ્રિય રહેલા જગમોહનની જ્યારે બી. કે. નહેરુના સ્થાને રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ ત્યારે જ ટીકા થવા માંડી હતી કે તેમને ફારુક સરકારને ઉથલાવવાના એજન્ડા સાથે જ મોકલવામાં આવી રહ્યા છે. અને ખરેખર જ્યારે સરકાર ઉથલી ત્યારે તો સ્વાભાવિક જ ટીકા થાય જ. એના સંદર્ભમાં જગમોહને ‘માય ફ્રોઝન ટર્બ્યુલન્સ ઇન કાશ્મીર’માં ‘જુલાઈ ૨, ૧૯૮૪’ નામનું આખું પ્રકરણ પોતાની પરિસ્થિતિ સ્પષ્ટ કરવા લખ્યું છે. તે વાંચો તો ખ્યાલ આવે કે ફારુકના એક વર્ષના શાસનમાં કેટલી અરાજકતા હતી, અલગતાવાદી પરિબળોને કેટલો છૂટો દોર મળી ગયો હતો.

જ્યારે જગમોહનને કાશ્મીરના રાજ્યપાલ બનાવાયા ત્યારે ઈન્દિરા ગાંધીએ દુઃખ સાથે કહ્યું હતું કે દેશની અંદરનાં અને બહારનાં પરિબળો ભારતને ચોતરફથી ઘેરી રહ્યાં છે. પંજાબ, કાશ્મીર, તમિલનાડુ અને ઈશાન રાજ્યોમાં દેશવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપી રહ્યાં છે. જગમોહન લખે છે કે ઈન્દિરા ગાંધી ફારુકની પંજાબના શીખ કટ્ટરવાદીઓ સાથેની અસાધારણ દોસ્તીથી ચિંતિત હતાં.

જગમોહન એવા સમયે રાજ્યના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળવા જઈ રહ્યા હતા જ્યારે રાજ્યમાં મોટા પ્રમાણમાં અંધાધૂંધી ફેલાયેલી હતી. ફારુક ચૂંટણી તો જીત્યા હતા પણ કેવી રીતે? ચૂંટણીમાં તમામ ફાસિસ્ટ ટૅક્નિકો અપનાવાઈ હતી. ધાર્મિક અને પ્રાદેશિક ભાવનાઓ પૂરજોશમાં ભડકાવવામાં આવી હતી. રાજ્યમાં ભારત વિરોધી, જનમત અને ઈસ્લામીકરણ તરફી વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. ચૂંટણી પ્રચાર દરમિયાન ઈન્દિરા ગાંધીની સભામાં એનસીના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યાનો કિસ્સો તો આપણે ગયા અઠવાડિયે વાંચી ગયા છીએ, પણ એ સભા પછી ટોળાએ કૉંગ્રેસની ઑફિસને સળગાવી દીધી હતી અને એફઆઈઆરમાં જેમનાં નામ હતાં તે બધા એનસીના કાર્યકરો હતા!

ફારુકે ચૂંટણીમાં અકાલીઓનો ટેકો લીધો હતો. રાજ્યમાં કટ્ટરવાદી શીખો માટે તાલીમ શિબિરો બેધડક ચાલી રહ્યા હતા. તે વખતના કેન્દ્રીય ગૃહ પ્રધાન પી. સી. શેઠીએ તો કાયદેસર પત્રો લખીને તાલીમ શિબિરો અંગે અને કાશ્મીર તેમજ પંજાબના ભાંગફોડિયા તત્ત્વો વચ્ચે ખતરનાક સાંઠગાંઠ રચાઈ રહી હતી તે અંગે ભય વ્યક્ત કરાયો હતો. શેઠીએ અલગતાવાદીઓ અને પાકિસ્તાન તરફી તત્ત્વોની પ્રવૃત્તિમાં વધારાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

રાજ્ય અને કેન્દ્ર વચ્ચે ઘર્ષણ પણ જોરદાર થયું. કેન્દ્રએ ૧૦,૦૦૦ અર્ધ સૈનિકોને મોકલ્યા પણ ફારુક સરકારે તેમને યોગ્ય જગ્યાએ ગોઠવવાના બદલે બીજે ગોઠવી દીધા, જેથી બૂથ કેપ્ચરિંગ મુક્તપણે થઈ શકે. ફારુકે મોટા પ્રમાણમાં કેન્દ્રીય અધિકારીઓ અને કેન્દ્રીય ચૂંટણી પંચના નિરીક્ષકોની હાજરી સામે વાંધો ઉઠાવ્યો હતો.

આમ તો ફારુક સરકારનું જ વહીવટીતંત્ર હતું તેમ છતાં ૧૮ મતદાન મથકો પર મોટા પ્રમાણમાં ગેરરીતિની ફરિયાદો આવી. ઘણાં સ્થળોએ બેહિસાબી મતપત્રકો મળી આવ્યા. ઝડિબાલ મતવિસ્તારમાં તો એનસીના ઉમેદવારને ૯૦ ટકા મત મળ્યા. શૈખ અબ્દુલ્લાની લોકપ્રિયતા હતી તે વખતે ૧૯૭૭ની ચૂંટણીમાં પણ આટલા મત નેશનલ કૉન્ફરન્સને મળ્યા નહોતા, ૫૧ ટકા જ મતો મળ્યા હતા. સૂચિતાર્થ સ્પષ્ટ હતો કે ફારુક તેમના પિતાથી પણ સવાયા સાબિત થયા. વિજય પછી ફારુક સુલતાનની જેમ વર્તવા લાગ્યા હતા. તેમણે રાજભવનમાં પણ સીઆઈડીના માણસો ગોઠવી દીધા હતા જેથી રાજભવનમાં શું હિલચાલ થાય છે તે ધ્યાનમાં રહે. રાજ્યપાલ કોઈ માહિતી માગે તો તેમને કાં તો આપવામાં ન આવતી અને અપાય તો એકતરફી રજૂઆત રહેતી. રાજ્યપાલની દરખાસ્તોને નકારી કાઢી તેમના પદની પ્રતિષ્ઠાને નીચી પડાતી હતી. સરકારી નોકરો ખુલ્લેઆમ દેશના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને મારી નાખવાની ધમકી આપતા હતા અને તેમના સામે ફારુક કોઈ પગલાં લેતાં નહોતા. આઈએએસનું માળખું નબળું પાડી દેવાયું હતું અને ન્યાયાલયો પણ મુખ્યમંત્રીની ઈચ્છા મુજબ જ ચાલતાં હતાં. નિમણૂકો, બઢતી, કૉલેજમાં પ્રવેશ અને જમીનની ફાળવણીમાં ગણ્યા ગાઠ્યા કુટુંબોને જ લાભ મળતો હતો.

૧૫ ઑગસ્ટ ૧૯૮૩થી કાશ્મીરમાં બોમ્બ ધડાકાઓનો સિલસિલો ચાલુ થયો. આ ત્રાસવાદ પાછળની ભૂમિકા સમજવા માટે આપણે પાકિસ્તાનના ૧૯૭૭માં બળવો કરીને પ્રમુખ બનેલા ઝિયા ઉલ હકની બદમાશ યોજનાઓ અંગે વિગતવાર પછી વાત કરીશું. ૧૫ ઑગસ્ટની ઉજવણી ચાલી રહી હતી તે વખતે શ્રીનગર ઇન્ડિયન કોફી હાઉસ, ડૉ. એ. એસ. આનંદના ઘર, વડી અદાલતના જજના ઘર, લાલ ચોકમાં પેલેડિયમ સિનેમા, યુનિવર્સિટી લાઇબ્રેરી બ્લોક, અને સેશન્સ કોર્ટના નિવૃત્ત જજ એન. કે. ગંજુના ઘરમાં બોમ્બ ધડાકા થયા! આપણે ભારત-વે. ઇન્ડિઝ વચ્ચેની ક્રિકેટ મેચની વાતમાં કેવા પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા અને તે ટેલિવિઝન પ્રસારણ દ્વારા જોઈને આખો દેશ રોષે ભરાયો હતો તેની વાત કરી ગયા છીએ.

શેરીઓમાં સરઘસો નીકળતાં. લોકો ‘પાકિસ્તાન ઝિંદાબાદ’, ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’, ‘નૂર-એ-ચશ્મ, નૂર-એ-હક ઝિયા ઉલ હક ઝિયા ઉલ હક’ (પાકિસ્તાનના તે વખતના પ્રમુખ ઝિયા ઉલ હકના સમર્થનમાં)ના નારા લગાવતા. એ વખતે શીખોમાંના કેટલાક લોકો અલગ ખાલિસ્તાન માગી રહ્યા હતા એટલે કાશ્મીરમાં નવો નારો પણ ગૂંજવા લાગ્યો હતો – ‘મુસ્લિમ શીખ ભાઈ ભાઈ, હિન્દુ કૌમ કહાં સે આઈ’. આ વાત સ્પષ્ટ કરતું હતું કે એક તરફ પંજાબ અને બીજી તરફ કાશ્મીરમાં આતંકવાદને ભડકાવીને ભારતને નબળું પાડવાની ઝિયા ઉલ હકની યોજના કામ કરી રહી હતી.

સ્વતંત્રતા દિને જે બોમ્બ ધડાકા થયા તેમાં તપાસ કરાઈ તો ચાર શંકાસ્પદો મળ્યા- ઈકબાલ કુરેશી, અલ્તાફ કુરેશી, અલ્તાફ મહાજન અને માજિદ લાલા. આમાં ઈકબાલ કુરેશી એટલે ૧૯૭૧માં ભારતીય વિમાનનું અપહરણ કરનાર હાસીમ કુરેશીનો ભાઈ. અલતાફ કુરેશી આ જ અપહરણમાં હાસીમને સાથ આપનાર અશરફ કુરેશીનો ભાઈ હતો. ભારતીય રાજદૂત રવીન્દ્ર મહાત્રેની બર્મિંગહામમાં હત્યા કરાઈ હતી. અને તે માટે મકબૂલ બટને ફાંસી આપી દેવાઈ હતી. મુંબઈમાં ૧૯૮૪માં ભીવંડીમાં રમખાણો થયા હતા જેમાં બસ્સો ઉપરાંત લોકોનાં મોત થયા હતા. (એક આડવાત: આ રમખાણોની કોઈ ન્યાયિક તપાસ કરવામાં આવી નહોતી, એ વખતે કૉંગ્રેસની વસંતદાદા પાટીલના નેતૃત્વવાળી સરકાર હતી. ગુજરાતને રમખાણો મુદ્દે બદનામ કરનારા આ બધું સિફતપૂર્વક ભૂલી જાય છે.) એ રમખાણોના પડઘા કાશ્મીરમાં પણ પડ્યા હતા. (મુઝફ્ફરનગર કે આસામનાં રમખાણોના પડઘા ગુજરાત કે બીજા કોઈ રાજ્યમાં પડ્યા? પરંતુ કટ્ટરવાદી મુસ્લિમો બાબરી ધ્વંસ કે આવા ભીવંડી જેવા રમખાણોની પ્રતિક્રિયા અન્ય રાજ્યોમાં આપે તે કેવું?) કાશ્મીરમાં કટ્ટરવાદી મુસ્લિમો શેરીઓમાં નીકળી પડ્યા હતા અને સેના તેમજ બીએસએફનાં સાત વાહનો પર હુમલા કર્યા હતા. તેમાં પાંચ જવાનો ઘાયલ થયા હતા. અગાઉ કહ્યું તેવા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’, ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ જેવા નારા પણ બોલાયા હતા.

૭ જૂન, ૧૯૮૪ના રોજ આવું જ સરઘસ નીકળ્યું હતું જેમાં ખુલ્લેઆમ તલવારો સાથે કટ્ટરવાદીઓનું અટ્ટહાસ્ય શેરીઓમાં પડઘાઈ રહ્યું હતું. આ સરઘસ ખાલી પ્રદર્શનાત્મક હોત તો તો બરાબર હતું, પરંતુ પછી ટોળાં તોડફોડ પર ઉતરી આવ્યા. દુકાનોમાં ભાંગફોડ કરાઈ, આર્યસમાજની શાળા અને નિરંકારી ભવનને આગ લગાડાઈ. હનુમાન મંદિર પર હુમલો કરાયો. પૂજારીને ઢોરમાર માર્યો. અને મૂર્તિને ઝેલમમાં ફેંકી દેવાઈ.

આ બધી ઘટનાઓની સાથે અબ્દુલ્લા પરિવારની અંદર પણ જબરદસ્ત ખીચડી રંધાઈ રહી હતી જેનો લાભ કૉંગ્રેસ (એટલે કે ફારુકથી ગિન્નાયેલાં ઈન્દિરા ગાંધી) લેવા માગતી હતી. શૈખ અબ્દુલ્લાએ પોતાના વારસદાર ફારુકને બનાવ્યા તેનાથી તેના બનેવી જી. એમ. શાહ બરાબર ધૂંધવાયેલા હતા. જી. એમ. શાહની પત્ની અને ફારુકની બહેન ખાલિદા પણ ઈચ્છતી હતી કે તેમના પતિ કાશ્મીરના રાજા બને. જી. એમ. શાહે શૈખને વફાદારીપૂર્વક બરાબર સાથ આપ્યો હતો. તેઓ જેલમાં પણ ગયા હતા અને એ સમયે ફારુક ઈંગ્લેન્ડમાં ભણી રહ્યા હતા. અરે! સસરાના મૃત્યુ પછી પણ શાહે ફારુકને સાથ આપ્યો, પરંતુ સરકાર બની ગઈ તે પછી શાહ અને ફારુકે જેમને મંત્રીમંડળમાં ન લીધા તે વરિષ્ઠ સાથીઓ પણ ફારુકથી અસંતુષ્ટ હતા. શાહે ફારુકની માને કહીને ચૂંટણીમાં પોતાના આઠ સાથીઓને ટિકિટ અપાવી હતી. ફારુક અને કૉંગ્રેસ (એટલે કે ઈન્દિરા)ના સંબંધો બગડ્યા છે તે જોઈને જી. એમ. શાહના મનમાં લાલચ જાગી કે શા માટે દુશ્મન કા દુશ્મનને દોસ્ત ન બનાવવા?

તેમણે કૉંગ્રેસ સાથે નિકટતા કેળવવાનું ચાલુ કર્યું. આ તરફ, ચૂંટણીમાં ધાંધલીના કારણે કૉંગ્રેસે રાજ્યમાં ફારુક સામે પ્રદર્શનો ચાલુ કર્યાં હતાં. આવા એક પ્રદર્શનમાં પોલીસ ગોળીબારમાં કૉંગ્રેસના ચાર સમર્થકોનાં મૃત્યુ થયાં. આનાથી કૉંગ્રેસનો રોષ વધ્યો. કૉંગ્રેસના એક નેતા મોહમ્મદ શફી કુરૈશીએ તો આઘાત સાથે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે જો તમે આઝાદ હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવો તો તમારી હત્યા થઈ જાય અને જો તમે પાકિસ્તાન ઝિંદાબાદ કે ઇન્ડિયન ડોગ્સ ગો બેકના નારા લગાવો તો તમને માલપૌઆ મળે! તે પછી કેન્દ્ર સ્તરેથી પણ ફારુકની ટીકા શરૂ થઈ. કે. સી. પંતે કહ્યું કે ફારુક દેશદ્રોહી બળોના હાથનું રમકડું બની રહ્યા છે. સામે પક્ષે ફારુકે પણ બહુમતીના મદમાં કૉંગ્રેસને ચોપડાવી. આ સંજોગોમાં, ફારુકની સરકાર ઉથલાવવા માટે જી. એમ. શાહ પ્રેરિત જૂથ અને કૉંગ્રેસ મક્કમ બન્યાં.

જગમોહન અગાઉ જે રાજ્યપાલ હતા તે બી. કે. નહેરુ તે વખતે પણ આ લોકો સરકાર ઉથલાવવા માગતા હતા. આથી ૨૭ જાન્યુઆરી ૧૯૮૪ના રોજ બી. કે. નહેરુએ ફારુકને પત્ર લખ્યો હતો કે “નેશનલ કૉન્ફરન્સમાંથી પક્ષાંતર કરવા માગતા ૧૩ ધારાસભ્યો મારી પાસે આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસના ૨૬ ધારાસભ્યોનો મને ટેકો છે. તેઓ ઈચ્છતા હતા કે હું તમને બરતરફ કરીને નવા મુખ્યમંત્રી બનાવું, પરંતુ મેં તેમને કહ્યું કે વિધાનસભામાં જ અવિશ્વાસ વ્યક્ત કરવાનો રસ્તો સાચો છે, પરંતુ તેમણે બે કારણોસર તેમ કરવાની ના પાડી. એક તો, તેઓ મારી પાસે આવે અને ગૃહમાં મતદાન થાય એ વચ્ચેના ગાળામાં તેમનાં ઘરોને બાળી નાખવામાં આવે અને તમારા આદેશથી પોલીસ તેમના પરિવારો પર હુમલા કરે તેવી શક્યતા છે. બીજું, તેમને ભય છે કે વિધાનસભામાં પણ નિયમોને તોડી મરોડી નાખવામાં આવશે અને પ્રમાણિક ચર્ચા તેમજ મુક્ત મતદાન નહીં થવા દેવાય.” બી. કે. નહેરુએ આ બધી વાત જગમોહનને કરી રાખેલી. જગમોહને પણ પોતાનું હોમવર્ક પાકું કરી રાખ્યું હતું.

૧ જુલાઈ ૧૯૮૪ના રોજ રાત્રે ઘડિયાળ સાડા દસનો સમય બતાવી રહી હતી. જગમોહનને તેમના સિક્યોરિટી સ્ટાફે જણાવ્યું કે જી. એમ. શાહ અને દાદા ઠાકુરના નેતૃત્વમાં ધારાસભ્યોનું એક જૂથ આપને મળવા માગે છે. જગમોહનને અણસાર મળી ગયેલો કે તેઓ ફારુક સરકારને ટેકો પાછો ખેંચવા માગે છે. પહેલાં તો જગમોહને તેમને સવારે સાડા આઠ વાગે આવવાનું કહ્યું, પણ બી. કે. નહેરુ સમક્ષ આ લોકોએ જેવો ભય વ્યક્ત કર્યો હતો તેવો જ ભય જગમોહન સમક્ષ પણ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે ફારુકને આની ગંધ આવી જશે તો પોલીસ અને ગુંડાઓ અમારા પર છોડી મૂકાશે. અમને મારી નખાશે, અમારાં ઘર સળગાવી દેવાશે અને અમારા પરિવારોને નુકસાન પહોંચાડાશે. જગમોહન પરિસ્થિતિ પામી ગયા, તેમ છતાં તેમણે રાત્રે તો ના જ પાડી. હા, સવારે સાડા આઠના બદલે સાત વાગે બોલાવ્યા એટલી રાહત આપી. આનું કદાચ કારણ એ હતું કે તેમને પણ સમય જોતો હતો, શું કરવું તે વિચારવા માટે, દિલ્હીથી સૂચના મેળવવા માટે અને જે પરિસ્થિતિ ઊભી થાય તેનો સામનો કરવા માટે. તેઓ નહોતા ઈચ્છતા કે ફારુકની વિદાયથી કાશ્મીર સળગી ઊઠે.

જગમોહને ફટાફટ સંભવિત પરિસ્થિતિઓ કાગળ પર ટપકાવી લીધી. દિલ્હીમાં કેબિનેટ સચિવ સી. આર. ક્રિષ્નાસ્વામી રાવ સાહેબ અને ગૃહ સચિવ એમ. એમ. કે. વાલીને ફોન કરી પરિસ્થિતિ જણાવી. આવી પરિસ્થિતિમાં સ્પષ્ટ હતું કે તોફાન થાય તો પહેલું નિશાન કેન્દ્ર સરકારની કચેરીઓ- સેનાનાં વાહનો જ બને. તેમણે નોર્ધન કમાન્ડના જનરલ ઑફિસર કમાન્ડિંગ લેફ્ટ. જનરલ એમ. એલ. છિબ્બરને પણ પરિસ્થિતિ જણાવી દીધી અને શ્રીનગર આવી જવા જણાવી દીધું. ઇન્ટેલિજન્સ બ્યુરોના ચીફ કે. પી. સિંહને પણ પરિસ્થિતિથી વાકેફ કરી દીધા. આ બધી કવાયત કરીને જગમોહન સૂવા ગયા ત્યારે રાત્રે ૩ વાગી રહ્યા હતા. કેલેન્ડરમાં તારીખ બદલાઈને ૨ જુલાઈ થઈ ગઈ હતી!

(ક્રમશઃ)

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૯/૭/૧૫ના રોજ આ લેખ છપાયો.)

ભાગ- ૧  કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો

ભાગ-૨ કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

ભાગ-૩ કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!

ભાગ-૪ નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!

ભાગ-૫ શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

ભાગ-૬ હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડયંત્ર

ભાગ-૭  ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

ભાગ-૮ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

ભાગ-૯ શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

ભાગ-૧૦ કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

ભાગ-૧૧ ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

ભાગ-૧૨ ઈન્દિરાની સભામાં ફારુકના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યા!

ભાગ-૧૪ ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ રાજભવનમાં રસપ્રદ ધડાધડી

ભાગ-૧૫ જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

ભાગ-૧૬ ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

ભાગ-૧૭ પાકિસ્તાનનું પ્રૉક્સી વોર અને ક્રિકેટ પોલિટિક્સ

ભાગ-૧૮ પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હારજા

ભાગ-૧૯ શાહબાનો કેસ: રાજીવના નિર્ણયથી કાશ્મીરમાં ઉજવણીનો માહોલ

ભાગ-૨૦ કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા

ભાગ-૨૧ કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

2 thoughts on “કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.