gujarat guardian, television

જ્યારે કૃષ્ણ અવતાર લે છે…અલબત્ત, સિરિયલમાં!

(આ લેખ તા. ૪ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ ગુજરાત ગાર્ડિયનની ફિલ્મ પૂર્તિમાં પ્રસિદ્ધ થયો છે.)

આવતીકાલે જન્માષ્ટમી! ભગવાન કૃષ્ણનો જન્મદિન. આવતીકાલે જાણે આખું વિશ્વ ગોકૂળમય થઈ જશે અને મધરાત્રે ભગવાનના પ્રાગટ્યની આતુરતાથી રાહ જોશે. સિરિયલોમાં પણ ભગવાન કૃષ્ણના જન્મદિનને ધામધૂમથી મનાવાશે. ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના બુધવાર (તા.૨ સપ્ટેમ્બર ૨૦૧૫)ના એપિસોડમાં રક્ષાબંધનની વાત પૂરી થઈ ગઈ અને હવે માધવી ભીડે તેમજ ટપુ સેના ગોકુળધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેને સસ્પેન્સવાળો સવાલ પૂછીને ચીડવે છે કે તમે કંઈક ભૂલી રહ્યા છો. અને ભીડેના મગજમાંથી જન્માષ્ટમીની વાત ભૂલાઈ ગઈ છે તેવું દેખાડાશે.

સામાન્ય રીતે  દહીહાંડી અથવા મટકી ફોડનો કાર્યક્રમ બતાવાતો હોય છે, પરંતુ આ વખતે ‘તારક મહેતા..’માં જુદું કઈ રીતે દેખાડાય છે તે જોવાનું રહેશે. ‘ચક્રવર્તી સમ્રાટ અશોક’ સિરિયલમાં તો ઓલરેડી જન્માષ્ટમી મનાવાઈ પણ ગઈ! ઘણી વાર સિરિયલોના એપિસોડ આગળપાછળ થતા હોય છે એટલે બરાબર તહેવારની આજુબાજુ જ એપિસોડ આવે તેવું બનતું નથી. ‘અશોક’માં રાણીઓએ પોતપોતાની મટકી તૈયાર કરવાની હતી અને તેમનાં સંતાનોને કહેવાનું નહોતું કે કઈ મટકી તેમની માતાની છે. રાજા બિંદુસારે પોતે પણ માખણ કાઢવાનું નક્કી કર્યું હતું. પણ તેને કાઢતા આવડતું નહોતું એટલે અશોક તેની માતા જે અત્યારે દાસી ધર્મા બની છે તેને લઈ આવે છે. ધર્મા બિંદુસારને માખણ કાઢતા શીખવાડે છે.

હવે બિંદુસારની ચોથી પત્ની છે તે તો જાહેર થઈ ગયું છે, પણ તે કોણ અને ક્યાં છે તે બિંદુસારને  પણ ખબર નથી. તેમ છતાં માટલી ટીંગાડવાની હોય તેમાં ત્રણ રાણીઓનાં ત્રણ માટલાંની સાથે ચોથું માટલું પણ ટીંગાડાયેલું હોય છે. મોટી રાણી ચારુમિત્રાનો દીકરો સુસીમ, જે હંમેશાં ખટપટ જ કરતો હોય છે તે તેની માતા પાસેથી ઈશારાથી જાણવા પ્રયાસ કરે છે પરંતુ નૂર જોઈ જાય છે અને તે તેને અટકાવે છે. આ તરફ અશોક સેનાપતિ મીરને ફસાવવા જતા ખોટો માર ખાય છે તેથી તેને બહુ દર્દ થતું હોય છે. તેમ છતાં તે મટકીફોડ કાર્યક્રમમાં આવે છે. તેના મિત્ર અને રાજકુમાર શ્યામકને એમ કે અશોક તેની મદદ કરશે પરંતુ અશોક કહે છે કે હું આ કાર્યક્રમમાં ભાગ લેવાનો નથી.

શ્યામક તેની રીતે ચડવા જાય છે, અને પડે છે, પરંતુ અશોક તેને પકડી લે છે અને પછી પોતાને દર્દ થતું હોવા છતાં તેના ખભા પર શ્યામકને બેસાડીને પોતે ચડે છે અને શ્યામકના હાથે માટલી ફોડાવે છે.

આ તો થઈ ઉજવણીની વાત. હવે આપણે કરીએ ભગવાન કૃષ્ણની વાત. હા, હવે ટેલિવિઝન સિરિયલોમાં ભગવાન કૃષ્ણ આવવા લાગ્યા છે. આપણને ‘ઓહ માય ગોડ’ ફિલ્મની તો ખબર જ છે. તેમાં કૃષ્ણ (અક્ષયકુમાર) પોતે ધરતી પર આવીને કાનજીભાઈને સાચો ધર્મ શીખવાડે છે અને કેસ જીતવામાં મદદ કરે છે. આ જ રીતે આ ફિલ્મમાં કાનજીભાઈનો સહાયક બનેલો તે કલાકાર નિખિલ રત્નપંખી ‘કૃષ્ણ કન્હૈયા’માં કન્હૈયાલાલ ગુપ્તા બન્યો છે. કન્હૈયાલાલ ગુપ્તાનું પાત્ર કાનજીભાઈ જેવું જ છે. તે પાકો વેપારી છે. તેને પૂજાપાઠ, ધર્મ ધ્યાનમાં શ્રદ્ધા નથી. પરંતુ એક વાર તેની દીકરીની ફી માટે તે મંદિરની દાનપેટીમાંથી ૫૦ હજાર રૂપિયા ચોરે છે. તે પછી તેને અજાણી વ્યક્તિનો ફોન આવવા લાગે છે અને તેમાં બોલનાર એમ જ કહે છે, “કન્હૈયાલાલ…ચો..ર”. કન્હૈયાલાલને આશ્ચર્ય થાય છે કે તેણે કરેલી ચોરીની વાત કોને ખબર પડી ગઈ? પેલી વ્યક્તિ તેને લાલ કિલ્લા પર બોલાવે છે. ત્યાં જાય છે તો સૂટબૂટમાં પણ વાંસળી સાથે એક વ્યક્તિ હોય છે. કન્હૈયાલાલ પૂછે છે તો તે કહે છે કે “હું કૃષ્ણ છું.” કન્હૈયાલાલ કહે છે, “જાવ જાવ, હવે કંઈ સૂટ બૂટમાં થોડા ભગવાન હોય.”

એટલે કૃષ્ણ કહે છે કે “હું કેમ સૂટબૂટ ન પહેરી શકું?” પછી કન્હૈયાલાલને તેઓ જણાવે છે કે તેઓ તેના પ૦ હજાર લેવા આવ્યા છે. સામે કન્હૈયાલાલ પણ શરત મૂકે છે કે તે તેના પૈસા દેશે પણ તે એક સવાલ પૂછશે અને ભગવાન તેનો જવાબ આપશે એટલે સો રૂપિયા આપશે.

આ સિરિયલમાં જે સવાલો પૂછાય છે તે આજના જીવન સાથે સંલગ્ન છે. જેમ કે, “લોકો રોજ તમને બોલાવે છે. તમે કહ્યું છે કે તમે સજ્જનોના રક્ષણ માટે અવતાર લેશો. તમે લોકોની તકલીફ દૂર કરવા કેમ આવતા નથી?” “ભગવાન, તમે આ ધર્મગુરુઓ અને બાબા કેમ બનાવ્યા?” “આટલા બધા ધર્મો કેમ છે?”, “નબળા માણસની સાથે જ કેમ અન્યાય, તેને જ કેમ દબાવાય છે?” “સાચા મિત્રની ઓળખ કેમ કરવી?”

કૃષ્ણ ભગવાન આ બધા સવાલોના જવાબ સીધા આપવાના બદલે કન્હૈયાલાલને કંઈક એવું કરવાનું કહે છે જેના કારણે શરૂઆતમાં તો કન્હૈયાલાલને લાગે છે કે આ તો મને ઊંધું જ કરવાનું કહ્યું, પરંતુ પછી તેને પોતાને જ જવાબ મળી જાય છે. દા.ત. તેના દીકરા નટીની સોબત મોટા ઘરના બગડેલા છોકરાઓ સાથે થઈ. તેમાંથી એક છોકરો નટીની બહેન સાથે લફરું કરવા માગતો હતો. કન્હૈયાલાલ નટીને ના પાડી દે છે કે તેણે આવા છોકરાઓની સોબત કરવી નહીં. તેના કારણે ઘરમાં અશાંતિ થઈ જાય છે. કન્હૈયાલાલ કૃષ્ણને પૂછે છે કે સાચો મિત્ર કોણ તે ખબર કેવી રીતે પડે? તો કૃષ્ણ ભગવાન જવાબ આપવાના બદલે કહે છે કે “તું એક કામ કર. નટીના દોસ્તો સાથે દોસ્તી કરી લે. તેમના જેવી ભાષા, હાય બ્રો, યો, ડ્યુડ, કૂલ વગેરે શીખી લે. તેમની સાથે ડિસ્કોથેકમાં જા.” કન્હૈયાલાલને પહેલાં અજુગતું લાગે છે, પરંતુ તે તેમ કરે છે. બાદમાં કંઈક એવું બને છે કે કન્હૈયાલાલને સમજાય છે કે હાય બ્રો, યો, ડ્યુડ, કૂલ જેવી ભાષા બોલનારા બધા લોકો ખરાબ નથી હોતા.

એક હપ્તામાં કન્હૈયાલાલ કૃષ્ણને પૂછે છે કે શક્તિશાળી માણસ કેમ નાના માણસને દબાવે છે? તો કૃષ્ણ ભગવાન કહે છે કે તેં શાકભાજીવાળાની સાથે પૈસા બાબતે માથાકૂટ કરી, રિક્ષાવાળાની સાથે પૈસા બાબતે માથાકૂટ કરી, પણ મોટી દુકાનો-મોલમાં ક્યારેય તેં રકઝક કરી? કન્હૈયાલાલ કહે છે કે આ દુનિયા એક લાઇન છે. તેમાં બધા ઊભા છે. પાછળથી એક ધક્કો આવે છે એટલે તેની આગળ ઊભેલી વ્યક્તિને લાગે છે. તેનો ધક્કો તેની આગળ ઊભેલી વ્યક્તિને લાગે છે. તેમ કરતાં કરતાં છેક આગળ ઊભેલી વ્યક્તિને ધક્કો લાગે છે. કૃષ્ણ ભગવાન ત્યારે સરસ વાક્ય કહે છે, પણ તું આગળ ધક્કો પસાર ન થવા દે. તારા સુધી જ રોકી લે તો?

આમ, આ સિરિયલમાં કૃષ્ણ ભગવાન કન્હૈયાલાલને જવાબ આપવા જે કંઈ કરવાનું કહે છે તેનાથી કોમેડી તો સર્જાય જ છે, પરંતુ સાથે સાથે જીવનનું  માર્મિક સત્ય- ગીતાનો ઉપદેશ સરળ રીતે કહી દેવામાં આવે છે.

ઈ ટીવી ગુજરાતી (જે હવે કલર્સ ગુજરાતી) તરીકે જાણીતી છે. તેના પર પણ આવી જ એક સિરિયલ આવે છે જેનું નામ છે ‘કાન્હો બન્યો કોમનમેન’. તેમાં ગોપાલ નામનો યુવાન અકસ્માતમાં મરી જાય છે, પરંતુ તે તેનું મૃત્યુ સ્વીકારવા તૈયાર નથી. ભગવાન કૃષ્ણ કહે છે કે મૃત્યુ તેના કર્મનું પરિણામ છે. ગોપાલ ભગવાન કૃષ્ણને પડકાર આપે છે કે તેઓ એક જ દિવસ, માત્ર એક જ દિવસ પૃથ્વી પર રહી બતાવે અને પ્રમાણિક રહીને બીજાનું ભલું કરી બતાવે. ભગવાન કૃષ્ણ ગોપાલ બનીને પૃથ્વી પર આવે છે.

‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ બનાવનાર નિર્માતા આસીતકુમાર મોદીની અગાઉ સ્ટાર પ્લસ પર એક સિરિયલ આવતી હતી ‘સારથિ’. તેમાં મહાભારતનાં પાત્રો હતા. વાર્તા આધુનિક હતી. પરંતુ પાત્રો બધા મહાભારતના પાત્રોના નામ અને તેમના જેવા ગુણો પરથી. તેમાં પણ કૃષ્ણનું પાત્ર હતું.

આમ, એક રીતે એવું કહી શકાય કે ભગવાન ભલે સદેહે પૃથ્વી પર અવતાર લે કે ન લે, પણ સિરિયલોમાં અવતાર લે છે અને તે પણ આધુનિક પરિવેશમાં અને તેના દ્વારા આધુનિક પ્રશ્નોના આપણને જવાબ આપી રહ્યા છે. આપણા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ બનીને આપણી મુશ્કેલીઓ દૂર કરી રહ્યા છે.

તો બોલો જય કન્હૈયાલાલ કી.

Advertisements

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s