(ભાગ-૨૦)

શાહબાનો કેસમાં વડા પ્રધાન રાજીવ ગાંધી જે રીતે કટ્ટરવાદી મુસ્લિમો સમક્ષ ઝૂકી ગયા તેનાથી જમ્મુ-કાશ્મીરમાં મુખ્યપ્રધાન જી. એમ. શાહ અને તેમના સાથીઓનો ઉત્સાહ પણ વધ્યો. તેઓ જમાત-એ-ઇસ્લામીની માગો માનવા લાગ્યા. એવામાં અફવાઓ ફેલાવાની શરૂ થઈ. જમ્મુમાં કંઈ બન્યું જ નહોતું તેવી બાબત પર અફવા ફેલાઈ. તેના કારણે હિંસક સરઘસો અને બાદમાં કોમી રમખાણો ફાટી નીકળવાનાં શરૂ થયાં.

૨૦ ફેબ્રુઆરી ૧૯૮૬ના રોજ આ અભૂતપૂર્વ કોમી રમખાણો શરૂ થયાં. પ્રારંભ અનંતનાગથી થયો. જે પછી બિજબેહરા, દાનવ બોગંડ, અકૂરા, વન્પોહ, લોક ભવન, ચોગામ વગેરે જગ્યાએ ફેલાયાં. તેમાં ૩૦૦ હિન્દુઓએ ઘર ગુમાવ્યાં. વિજેશ્વર અને વિતસ્તા નદીના કિનારે હરિશ્ચંદ્ર ઘાટ પર આવેલું શંકર ભગવાનનું એક મંદિર (જે વારાણસીના મંદિર પરથી બનાવાયું હતું) એમ બે મંદિરોને સળગાવી દેવાયાં. રાજ્યની બહુમતી પ્રજા કાશ્મીરી મુસ્લિમોની સરકારે અને અખબારોએ આ રમખાણોને ઢાંકવાની ભરપૂર કોશિશ કરી. અનંતનાગની સ્થાનિક મુસ્લિમ સરકારે તો આ ઘટનાને કલ્પના જ ગણાવી. વિજય કે. સઝવાલ નામના કાશ્મીરી પંડિતે ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ નામના અમેરિકાના પ્રતિષ્ઠિત ગણાતા સમાચારપત્રને કાશ્મીરમાં હિન્દુ લઘુમતી સાથે કેવો ખરાબ વ્યવહાર થાય છે તે વિશે પત્ર લખ્યો તો તેના તંત્રી તરફથી શું જવાબ આવ્યો ખબર છે? તમને જાણીને નવાઈ લાગશે કે આ અંગ્રેજી સમાચારપત્રો, વિદેશી માધ્યમો અને વિદેશી સરકાર માત્ર મુસ્લિમોને થતી પીડા, તેમને થતા અન્યાયને જ મોટી ઘટના ગણે છે, કારણકે તેમાં તેમને રસ છે. ભારત અસ્થિર રહે તે તેમની ઈચ્છા છે. ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના  તંત્રી તરફથી પ્રતિભાવ આવ્યો, “ યુ કેન નોટ બી સિરિયસ. આર યૂ ટેલિંગ અસ હિન્દુઝ આર સફરિંગ ઇન પ્રીડોમિનન્ટલી હિન્દુ ઇન્ડિયા?” એટલે તંત્રી એવું માનતા હતા કે પાકિસ્તાન ધર્મના આધારે છૂટું પડ્યું અને ઈસ્લામી દેશ બની ગયો એટલે ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે. (અને આપણે ભારતને બિનસાંપ્રદાયિક જ ગણાવતા આવ્યા છીએ. એ પ્રયત્નો જ હવે છોડી દેવાની જરૂર છે. જેમ ચીન માનવાધિકારના ભંગ બાબતે પશ્ચિમી દેશોનું કંઈ સાંભળતું જ નથી, તેમ આપણેય આપણી છબીને સુધારવાના પ્રયાસો પાછળ સમય અને પરિશ્રમ વેડફવાની જરૂર નથી, કેમ કે એનાથી કંઈ વળવાનું જ નથી.) તે પછી વિજયનો પત્ર નવી દિલ્હીમાં સમાચારપત્રના બ્યૂરો ચીફ સ્ટીવન વૈઝમેનને મોકલવામાં આવ્યો તો વૈઝમેને વિજય અને તેમના તંત્રીને વળતો પત્ર લખ્યો, “મુસ્લિમોએ કાશ્મીરી પંડિતોના ઘર અને દુકાનો પર તેમજ મંદિરો પર હુમલા કર્યા.”

આ વિજય સઝવાલે આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગે અમેરિકાના પંચ (યુએસસીઆઈઆરએફ)ને ટેસ્ટીમોની લખી હતી. આ પંચ અમેરિકી સરકારને પોતાનો અહેવાલ આપતું હોય છે.

રમખાણોનાં બે અઠવાડિયામાં કૉંગ્રેસે ટેકો પાછો ખેંચી લીધો. રાજ્યપાલ જગમોહનને તો આટલું જ જોઈતું હતું. તેમણે ૬ માર્ચ ૧૯૮૬ના રોજ દિલ્હી ગયેલા જી. એમ. શાહને તાબડતોબ બોલાવ્યા. જી. એમ. શાહને ખબર હતી કે તેમને શા માટે બોલાવાઈ રહ્યા છે. તેમણે બહાનું કાઢ્યું કે તેમને સવારની ફ્લાઇટની ટિકિટ નથી મળી. આથી તેમના માટે ખાસ વિમાન મોકલવામાં આવ્યું!

કાશ્મીરમાં આવીને રાજભવનમાં રાજ્યપાલ જગમોહનને મળવા જવાના બદલે તેમણે ઘરે ભોજન માટે જવાનું પસંદ કર્યું. હવે એ તો કોઈ પણ માણસને હક છે કે તે પ્રવાસેથી આવે તો ઘરે થાક દૂર કરવા- ભોજન લેવા જાય. (ભલે ને એરલાઇન્સમાં ભોજન મળ્યું હોય તોય) પરંતુ જી. એમ. શાહનો ઘરે ભોજન લેવા જવા પાછળ બીજો ઈરાદો હતો – ડિપ્લોમસીનો. થોડા વખત પછી જ્યારે તેઓ ભોજન લઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે તેમના મંત્રીમંડળના દસ સાથીઓ હતા!

કેટલાક લોકો સત્તા માટે કેવાં કેવાં નાટકો કરી શકે, કેવા યુ ટર્ન મારી શકે તે જોવા જેવું છે. (એક સમયે લાલુપ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડ માટે વખોડનારા કેજરીવાલ આજે સત્તા માટે બિહારમાં તેમનો પ્રચાર કરી રહ્યા છે જ ને. ક્યાં ગયા તેમના ભ્રષ્ટાચાર સામેના સિદ્ધાંતો, લડાઈ? જે લાલુપ્રસાદ યાદવ કટોકટીની વિરુદ્ધ લડ્યા અને કટોકટીના કાળા કાયદા મીસા પરથી તેમણે તેમની દીકરીનું નામ મીસા પાડ્યું તે મીસા કૉંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે એક જ મંચ પર જોવા મળી રહ્યાં છે. સત્તા માટે સિદ્ધાંતોની આવી બાંધછોડ?) ભોજનમાં અચાનક જ જી. એમ. શાહે ધડાકો કર્યો: આપણો પક્ષ નેશનલ કૉન્ફરન્સ (કે) (કે એટલે ફારુકની બહેન ખાલિદાનો કે, પણ એ નામ પૂરતો જ, હકીકતે તો જી. એમ. શાહ જ સર્વેસર્વા હતા)ને ફારુક અબ્દુલ્લા હસ્તકની નેશનલ કૉન્ફરન્સમાં વિલીન કરવામાં આવે છે!

જી. એમ. શાહે સત્તા માટે જે ફારુક અબ્દુલ્લાને ભ્રષ્ટ ગણાવ્યા, કોમવાદી ગણાવ્યા, અલગતાવાદી ગણાવ્યા, સત્તા બચાવવા તે જ ફારુક અબ્દુલ્લાની શરણે જવા તૈયાર થઈ ગયા. એમાંના છ જણા જોકે ખમીરવાળા હોય કે ગમે તે કારણે, તેમણે આ નિર્ણયનો વિરોધ કર્યો. ત્રણ દિવસ પછી જી. એમ. શાહના ૧૪ મંત્રીઓએ જાહેર કર્યું કે એન. સી. (કે)નું અસ્તિત્વ હવે રહ્યું નથી ત્યારે તેઓ પોતાનું જૂથ રચશે.

જોકે, જી. એમ. શાહે ૭ માર્ચે ભોજન પર જે નિર્ણય કર્યો તેનાથી તેઓ પોતાની ખુરશી બચાવી શક્યા નહીં. તે દિવસે બપોરે શાહની રાહ જોઈ જોઈને કંટાળી ગયેલા જગમોહને ચાર લાઇનનો એક પત્ર રવાના કરી દીધો જેમાં શાહ સરકારને બરતરફ કરવાની જાહેરાત હતી. આ તરફ, જી. એમ. શાહ એન. સી. (કે)ના એન. સી. (એફ)માં વિલીનીકરણ અંગેના પત્ર અને રાજીનામાને લઈને સજ્જ હતા, પરંતુ હવે મોડું થઈ ચુક્યું હતું. જી. એમ. શાહના ૨૦ માસના શાસનનો અંત આવી ગયો હતો…

સામાન્ય રીતે રાજ્યપાલનું શાસન લદાય તે કોઈને ગમતું નથી. લોકશાહી રીતે ચૂંટાયેલી સરકાર જ લોકોને પસંદ પડે. પરંતુ જગમોહનના પગલાંને બધાએ આવકાર્યું. ફારુક અબ્દુલ્લાના પક્ષે પણ આવકાર્યું. તેમની માતાએ રાજ્યપાલના શાસનને આવકારતું નિવેદન આપતા કહ્યું, “અમે પૂર્ણ સહકાર આપીશું.” પીપલ્સ લીગના અબ્દુલ ગની લોને (જેમના દીકરા સજ્જાદ લોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને તેમના પક્ષ પીપલ્સ કૉન્ફરન્સે પીડીપી-ભાજપ યુતિને ટેકો આપેલો, તેઓ જમ્મુ-કાશ્મીર સરકારમાં ઘેટા અને પશુ સંવર્ધન પ્રધાન પણ છે.) પણ જગમોહનના પગલાને સાચી દિશાનું પગલું ગણાવ્યું.

જી. એમ. શાહની સરકાર વખતે હડતાલ અને આંદોલનો રોજબરોજની ઘટના બની ગઈ હતી. તેનો હવે અંત આવી ગયો. રાજકીય પ્રતિનિધિઓ, અગ્રણી નાગરિકો અને સામાન્ય લોકો સાથે બેઠકો કરીને જગમોહને સંચારબંધી તબક્કાવાર ઉઠાવી લીધી. તેમણે કહ્યું, “મારી પહેલી પ્રાથમિકતા કોમી સંવાદિતા અને લઘુમતી (એટલે કે હિન્દુઓ)માં વિશ્વાસ પાછો લાવવાની છે.” ભારે ઉત્સાહથી જગમોહન કોઈ સમય વેડફ્યા વગર રાજ્યને પજવતી સમસ્યાઓ ઉકેલવામાં લાગી ગયા. જી. એમ. શાહના ભ્રષ્ટાચારની તપાસ કરવાનો તેમણે જોકે ઈનકાર કરી દીધો. (આપણે ત્યાં આવું જ થાય છે. આક્ષેપો તો બધા જાતજાતના કરે છે, પરંતુ તપાસ કરવાની આવે ત્યારે તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ જેવું થાય છે. વી. પી. સિંહ બોફોર્સના દસ્તાવેજો ખિસ્સામાં લઈ લઈને બધે ફર્યા અને રાજીવ ગાંધી સહિતના દોષિતોને સજા કરવાનું કહેલું. કંઈ થયું? તે પછી ભાજપની સરકાર આવી ત્યારે પણ બોફોર્સ કાંડમાં કંઈ નક્કર થયું નહીં. હવે જ્યારે સુષમા સ્વરાજ સામે સંસદમાં લલિત મોદીને તેમની પત્નીની સારવારના કિસ્સામાં મદદ કર્યાની વાત ઉઠે છે ત્યારે સુષમા રાહુલ ગાંધીને કહે છે કે “મમ્મીને પૂછો કે આપણને ક્વાત્રોચીના કિસ્સામાં કેટલા પૈસા મળ્યા? ડેડીએ (ભોપાલ ગેસ કાંડના આરોપી) એન્ડરસનને કેમ ભાગવા દીધો?” અરે ભાઈ! અત્યારે તમારી જ સરકાર છે. માત્ર આક્ષેપો શા માટે કરો છો? બોફોર્સની તપાસ કરાવો અને તમે જ કહો કે ક્વાત્રોચીના કેસમાં રાજીવ ગાંધી પરિવારને કેટલા પૈસા મળ્યા હતા?)

જગમોહને કારણ એવું આપ્યું કે જી. એમ. શાહ સરકારમાં ભ્રષ્ટાચારની તપાસ કરવાથી અધિકારીઓ તેમાં જ રોકાયેલા રહેશે અને રાજ્યની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત નહીં થાય. જગમોહને શ્રીનગરના ડિવિઝનલ કમિશનર તરીકે હમીદુલ્લા ખાન અને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર તરીકે એ. એમ. વત્તાલીને ફરી પદસ્થાપિત કર્યા. આ લોકોએ ૧૯૮૪ની લોકસભા ચૂંટણીમાં ફારુક અબ્દુલ્લાના માણસોને ગેરરીતિઓ કરતા રોક્યા હતા.

જગમોહનનું રાજ્યપાલનું શાસન ૭ માર્ચ ૧૯૮૬થી ૬ સપ્ટેમ્બર ૧૯૮૬ એમ છ મહિના ચાલ્યું. તેમાં તેમણે જમ્મુ-કાશ્મીર રાજ્ય ગૌણ સેવા ભરતી કાયદો લાવ્યો. તે સહિત ઘણી બાબતો તેમણે આ ટૂંકા ગાળામાં ઠીક કરવાની કોશિશ કરી. તેમણે રાજ્યમાં પાણી અને વીજળીની સમસ્યા હળવી કરી. પાણી અને વીજળી લોકોમાં અસંતોષનું એક મોટું કારણ હતી. વહીવટ પારદર્શી બની ગયો. તેમણે અધિકારીઓને કેટલાંક લક્ષ્યાંકો સમયબદ્ધ પૂરા કરવા આપીને તેમને જવાબદેહી બનાવ્યા. ભ્રષ્ટાચાર દૂર કરવા તેમણે સાર્થક પ્રયાસો કર્યા. રસ્તા, જાહેર પરિવહન, આરોગ્ય, શિક્ષણ, જાહેર બાંધકામ વગેરે ખાતાઓમાં નોંધપાત્ર સુધારો થયો. જગમોહનના વહીવટના કારણે તેમના માટે તમામ ધર્મ-પંથના લોકોમાં તેમના માટે આદર ઉત્પન્ન થયો. તેનાથી સ્થાપિત હિતો એકઠાં થયા. રાજકારણીઓ, દાણચોરો, ડ્રગ વેચનારાઓ, ભ્રષ્ટ અધિકારીઓ, કાળા બજારિયાઓ, સત્તાના દલાલો આ બધાએ જગમોહન સામે બદનામ કરતી ઝુંબેશ ચલાવી અને તેમને ‘મુસ્લિમોને નફરત કરનારા અને હિન્દુવાદી” ગણાવ્યા. (આ જગમોહને નહીં,પણ કર્નલ તેજ કે. ટિક્કુએ તેમના પુસ્તક ‘કાશ્મીર: ઇટ્સ એબ્રોજિન્સ એન્ડ ધેર એક્ઝોડસમાં લખ્યું છે.) પરિણામે ૬ સપ્ટેમ્બરથી રાષ્ટ્રપતિ શાસન લદાઈ ગયું.

શૈખ અબ્દુલ્લાએ જે સડો દાખલ કરી દીધો હતો તે એટલો બધો વકરી ગયો હતો કે તેમના પરિવારજનો, પછી તેમના દીકરા ફારુક હોય કે તેમના જમાઈ જી. એમ. શાહ, બધા એ સડાને વધારતા જ ગયા અને પોતાનો લાભ લેતા ગયા. ફારુક અબ્દુલ્લા જગમોહનના શાસન પછી જ્યારે સત્તામાં આવ્યા ત્યારે તેમણે ઉપરોક્ત ભરતી કાયદો હટાવી દીધો!

ફારુક અબ્દુલ્લાએ જી. એમ. શાહ નામનો કાંકરો તો કાઢી નાખ્યો, પરંતુ પરંતુ જગમોહનના શાસનના કારણે પોતાના લાભો મળતા બંધ થઈ ગયા હતા. તેને દૂર કરવા કેન્દ્રમાં રાજીવ ગાંધી સાથે મૈત્રી જરૂરી હતી. આથી તેમણે તે માટે દાણા નાખવા માંડ્યા…

(ક્રમશ:)

ભાગ- ૧  કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો

ભાગ-૨ કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

ભાગ-૩ કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!

ભાગ-૪ નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!

ભાગ-૫ શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

ભાગ-૬ હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડયંત્ર

ભાગ-૭  ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

ભાગ-૮ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

ભાગ-૯ શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

ભાગ-૧૦ કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

ભાગ-૧૧ ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

ભાગ-૧૨ ઈન્દિરાની સભામાં ફારુકના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યા!

ભાગ-૧૩કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

ભાગ-૧૪ ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ રાજભવનમાં રસપ્રદ ધડાધડી

ભાગ-૧૫ જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

ભાગ-૧૬ ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

ભાગ-૧૭ પાકિસ્તાનનું પ્રૉક્સી વોર અને ક્રિકેટ પોલિટિક્સ

ભાગ-૧૮ પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હારજા

ભાગ-૧૯ શાહબાનો કેસ: રાજીવના નિર્ણયથી કાશ્મીરમાં ઉજવણીનો માહોલ

ભાગ-૨૧ કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

One thought on “કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.