(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા. ૨/૮/૧૫ના રોજ આ લેખ છપાયો).

(ભાગ-૧૫)

રાષ્ટ્રપતિ શાસન લાદવાને પુષ્ટિ આપતો ફારુક અબ્દુલ્લાનો પત્ર આવતા વાર લાગી એટલે જગમોહને મુખ્ય સચિવને ફારુકને ત્યાં પત્ર લાવવા મોકલ્યા. તેઓ જે પત્ર સાથે પાછા ફર્યા તેમાં ફારુકના સૂર અગાઉના સૂરથી બદલાયેલા હતા. તેમણે તો એવું લખ્યું  હતું કે એક તો, વિશ્વાસનો મત તો હંમેશાં વિધાનસભામાં જ લેવાવો જોઈએ (રાજભવનમાં નહીં). બીજું, કાશ્મીર વિધાનસભાના પક્ષાંતર વિરોધી કાયદા પ્રમાણે, જે ધારાસભ્યોએ તમને પત્ર લખ્યો છે તેઓ મત આપવાનો અધિકાર ગુમાવી બેઠા છે અને ત્રીજું, આપણી વચ્ચે જે ચર્ચા થઈ હતી તેમાં આપણે શું થઈ શકે તેના વિકલ્પો ચકાસ્યા હતા જેમાંનો એક વિકલ્પ હતો રાષ્ટ્રપતિ શાસન લાદવાનો. આથી હું માગણી કરું છું કે વિધાનસભાનું સત્ર બોલાવી વિશ્વાસનો મત લેવામાં આવે અને જો તમે આ લોકશાહી પદ્ધતિ અપનાવવા ન માગતા હો તો મારી કેબિનેટ વતી મારી તમને સલાહ છે કે તમે વિધાનસભાને ભંગ કરો. (આનો અર્થ કે સવારે બેઠકમાં તેમણે રાષ્ટ્રપતિ શાસન લાદવાની વાતમાં હા ભણી હતી તેનાથી તેઓ ફરી ગયા.)

આમ, ફારુકે પોતાના પગ પર જ કુહાડો માર્યો હતો. જો રાષ્ટ્રપતિ શાસન લદાયું હોત તો સૌથી વધુ નુકસાન તો જી. એમ. શાહને જવાનું હતું. વળી, આ પત્રમાં તેમણે જે લખ્યું કે ૧૩ ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચ્યો છે તેનાથી બાદમાં ફારુકે કરેલી ટીકા પણ વ્યર્થ છે કે રાજ્યપાલે રાજભવનમાં માથાંની ગણતરી કરીને નિર્ણય લીધો. ફારુકે તેમની પુસ્તિકા ‘માય ડિસ્મિસલ’માં એ પણ ટીકા કરી હતી કે ૨ જુલાઈ ૧૯૮૪એ દિલ્હીએ (કેન્દ્ર સરકારે) જગમોહનની રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ ફગાવી દીધી. આનાથી ફારુક પોતાના એ આક્ષેપનો પણ રદ્દિયો આપી દીધો કે જગમોહન કેન્દ્ર સરકાર સાથે ષડયંત્ર કરી રહ્યા હતા. ષડયંત્ર કરી રહ્યા હોત તો જગમોહન શા માટે રાષ્ટ્રપતિ શાસનની માગણી કરત?

ફારુકના પક્ષે એક નકારાત્મક વાત એ પણ હતી કે તેમણે વિધાનસભા ભંગ કરવાની સલાહ તો આપી હતી પરંતુ સામે પક્ષે તેઓ ભૂલી ગયા હતા કે તેઓ લઘુમતીમાં આવી ગયા છે. જો ફારુકે રાષ્ટ્રપતિ શાસન લાદવાને સ્વીકાર્યું હોત તો જગમોહન કેન્દ્ર સરકાર પર પણ દબાણ કરી શક્યા હોત કે મુખ્યમંત્રી પણ આવું જ ઈચ્છે છે. આમ, સ્પષ્ટ હતું કે ફારુકે મૂર્ખામી કરી હતી, પરંતુ અને એ મૂર્ખામી તેમણે કોઈનાથી દોરવાઈને કરી હતી, બાકી સવારની બેઠકમાં તો તેઓ રાષ્ટ્રપતિ શાસન માટે ખુશી-ખુશી તૈયાર થઈ ગયા હતા. તેમને કોઈએ સલાહ આપી હશે કે અધ્યક્ષ તો આપણા જ છે ને, વિધાનસભામાં મત લેવાનું થશે તો ૧૨એયને ગેરલાયક ઠેરવીને બહુમતી સાબિત કરી દઈશું. થવાનું હતું આવું જ, તેમ છતાં ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું.

બપોરના ત્રણ વાગ્યા પછીનો સમય હતો. જગમોહનને કેબિનેટ સચિવ તરફથી જણાવાયું કે કેન્દ્ર સરકાર હમણાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના મતમાં નથી. આમ, ફારુક ઉપરાંત ઈન્દિરા ગાંધીનું વલણ પણ ફરી ગયું હતું. કારણ? જગમોહન તેમના પુસ્તક ‘માય ફ્રોઝન ટર્બ્યુલન્સ ઇન કાશ્મીર’માં કહે છે કે ચોક્કસ કારણ તો ખબર નથી પરંતુ સંભવિત કારણો આ પૈકીનાં કોઈ એક હોઈ શકે: (૧)  કદાચ જમીન સ્તરની વાસ્તવિકતા પૂરેપૂરી સમજ્યા ન હોય; (૨) કેન્દ્ર સરકાર પર કેટલાંક સ્થાપિત હિતો દબાણ લાવ્યાં હોય; (૩) ફારુક રાષ્ટ્રપતિ શાસન લાદવાની વાતથી ફરી ગયા તેનાથી રોષે ભરાયાં હોય; (૪) અથવા આ બધાં પરિબળો ભેગાં થવાથી હોય.

જગમોહન આ નિર્ણયથી નિરાશ થઈ ગયા. તેમની પાસે હવે જી. એમ. શાહને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવવા સિવાય કોઈ ચારો નહોતો. જગમોહને જી. એમ. શાહને બોલાવ્યા અને તેમને કહ્યું કે તેઓ ખાતરી આપે કે તેઓ એક મહિનાની અંદર વિધાનસભાની બેઠક બોલાવશે. જી. એમ. શાહ અને ડી. ડી. ઠાકુરના ફિક્કા પડી ગયેલા ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ આવી. સાંજે ૫.૩૦ વાગે શપથ સમારંભ યોજી દેવાયો. શાહ અને તેમના સમર્થકોએ ટોળાં ભેગાં કરી લીધાં. તેઓ એ બતાવવા માગતા હતા કે લોકો તેમના સમર્થનમાં હતા. જગમોહને તેમને સલાહ આપી કે તેઓ એવું કંઈ ન કરે જેના કારણે તેના આકરા પ્રત્યાઘાત આવે. તેમણે તેમના પ્રતિસ્પર્ધીઓની સાથે માનપૂર્વક વ્યવહાર કરવો પડશે અને કોઈને હેરાન નહીં કરાય. જગમોહન પર એવો આક્ષેપ પણ ફારુકે કર્યો કે રાજ્યપાલે જી. એમ. શાહને બહુમતી પૂરવાર કરવા એક મહિનાનો સમય આપ્યો. આ અંગે સામસામે પત્રબાજી પણ થઈ.

આ તરફ ફારુકે જે વિચારીને રાષ્ટ્રપતિ શાસન લાદવાને ટેકો ન આપ્યો તે વિચાર થોડા સમય પછી સ્પષ્ટ થઈ ગયો. વિધાનસભા, લોકસભા કે રાજ્યસભાના અધ્યક્ષ આમ તો પક્ષીય રાજકારણથી પર હોય છે, પરંતુ તેવું થતું આવ્યું નથી.

તાજું ઉદાહરણ લઈએ તો ૨૦૧૧માં લોકપાલનું આંદોલન બહુ ગાજ્યું હતું ત્યારે ડિસેમ્બરમાં  સત્રના અંતિમ દિવસે રાજ્યસભામાં લોકપાલનું વિધેયક લાવવામાં આવ્યું. ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારી હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ હતા. વિપક્ષના સભ્યોએ મત લેવાની માગણી કરી, પરંતુ હમીદ અન્સારીએ ચર્ચા થવા દેવા નિર્ણય કર્યો. એ વખતે અણ્ણા હઝારે અને તેમના સાથીઓ આ મુદ્દે આંદોલન કરી રહ્યા હતા. રાજ્યસભામાં ૩૦ ડિસેમ્બર, ૨૦૧૧ના રોજ જે થયું તેની ટીકા કરતા શાંતિભૂષણે કહ્યું હતું કે હમીદ અન્સારીએ સમય પસાર થવા દેવા લાંબાં લાંબાં ભાષણો થવા દીધાં. કૉંગ્રેસ અને લાલુપ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ વચ્ચેની સાંઠગાંઠ જાણીતી છે. તે વખતે રાજદ યુપીએ સરકારનો હિસ્સો પણ હતું. રાતના ૧૨ વાગે સત્ર સમાપ્ત થાય તેમ હતું. વિપક્ષના નેતા તરીકે અરુણ જેટલીએ સત્રનો સમય વધારવા માગણી કરી અને બહુમતી સભ્યો તેમની સાથે સંમત પણ હતા. અગાઉથી લખાયેલી સ્ક્રિપ્ટ પ્રમાણે ડ્રામા ભજવતા, લાલુપ્રસાદના રાજદના સાંસદ રાજનીતિ પ્રસાદ બોલવા ઊભા થયા. તેમણે બોલવાનું પૂરું કર્યું. હવે વડા પ્રધાન કાર્યાલયના પ્રધાન (પીએમઓ મિનિસ્ટર) (વધુમાં વધુ સભ્યોને મંત્રી બનાવી શકાય એટલે કૉંગ્રેસે અનેક જાતના નવા નવા ખાતાંઓ બનાવ્યા છે.) નારાયણસામી બોલવા ઊભા થયા. એટલી વારમાં રાજનીતિ પ્રસાદ પોતાની જગ્યાએથી ઊભા થઈ આગળ આવ્યા અને નારાયણસામીના મેજ પર રહેલા કાગળો ફાડી નાખ્યા. નક્કી થયા મુજબ શોરબકોર ચાલુ થઈ ગયો અને ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીએ ચોખ્ખે ચોખ્ખી બદદાનત બતાવતાં સત્ર સમાપ્ત જાહેર કર્યું. પાછળથી ટીકા થતાં સરકાર તરફથી ખુલાસો થયેલો કે સત્ર લંબાવવા રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી હોય છે, પરંતુ શાંતિભૂષણ કાયદાના ખાં ગણાય છે. તેમણે કહ્યું કે સત્ર બોલાવવું હોય તો રાષ્ટ્રપતિની મંજૂરી જોઈએ, સત્રને ચાલુ રાખવા મંજૂરી ન જોઈએ.

તો ૧૯૮૮માં તમિલનાડુમાં પણ અધ્યક્ષનો પક્ષપાત સ્પષ્ટ થઈ ગયો હતો. ૨૪ ડિસેમ્બર ૧૯૮૭ના રોજ મુખ્યપ્રધાન એમ. જી. રામચંદ્રનનું અવસાન થયું. રાજ્યપાલે વરિષ્ઠ સભ્ય નેદુનચેઝિયાનને મુખ્યપ્રધાન બનવા આમંત્રણ આપ્યું. ૨ જાન્યુઆરીએ એમ. જી.નાં પત્ની જાનકી રામચંદ્રને (એઆઈએડીએમકે)ના સમર્થકોએ રાજ્યપાલનો સંપર્ક કરી કહ્યું કે તેમનો ટેકો જાનકીને છે. આથી જાનકીને મુખ્યપ્રધાન બનાવાયાં. ગૃહમાં બહુમતી સાબિત કરવાનો વારો આવ્યો ત્યારે કૉંગ્રેસ (આઈ)એ જયલલિતાના નેતૃત્વવાળા એઆઈએડીએમકેને ટેકો આપવાનું નક્કી કરેલું. ૨૮ જાન્યુઆરી ૧૯૮૮એ મતદાનના દિવસે અધ્યક્ષ પાંડિયને સવારે બેઠક મળતા વેંત કહ્યું કે તેમને એક ફોન આવેલો કે કૉંગ્રેસ (આઈ)ના પાંચ સભ્યો વિધાનસભામાંથી રાજીનામું આપે છે. તેમ કહી તેમણે ગૃહને બપોર સુધી મોકૂફ કરી દીધું. તે પછી બપોરે તેમણે કહ્યું કે તેમણે નેદુનચેઝિયાન સહિત છ સભ્યોને ગેરલાયક ઠરાવવાનો નિર્ણય કર્યો છે. તેમ કહી ફરી બપોરના ૩ વાગ્યા સુધી ગૃહ મોકૂફ કરી દીધું. પરંતુ જયલલિતા પાકા ખેલાડી હતાં. વચ્ચેના સમયગાળામાં તેઓ અને તેમના કૉંગ્રેસ (આઈ)ના સમર્થકો જેમની કુલ સંખ્યા ૧૨૨ હતી, તેમણે નવા જ અધ્યક્ષ એસ. શિવરામનને ચૂંટી કાઢ્યાં. અને આ અધ્યક્ષની સામે જાનકી સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ પસાર પણ કરી દેવાયો! બપોરે ફરી ગૃહ મળ્યું ત્યારે બહારથી ગુંડા ધસી આવેલા અને હિંસા થઈ હતી. કૉંગ્રેસના ધારાસભ્યો ઘાયલ થયા હતા. પાંડિયને પોલીસની મદદથી તમામ વિરોધીઓને બહાર કઢાવ્યા. આવા સંજોગોમાં મત લેવાયો અને પાંડિયને જાહેર કર્યું કે જાનકીની તરફેણમાં વિશ્વાસ મત પ્રસ્તાવ પસાર થયો છે. અંતે રાષ્ટ્રપતિ શાસન લદાયું હતું. લોકશાહીના નામે કેવાં નાટકો ભજવાય છે તે જોવા જેવું છે.

રાજ્યસભાનો કિસ્સો ૨૦૧૧નો છે અને તમિલનાડુ વિધાનસભાનો ૧૯૮૮નો, પણ ફારુક સરકારે તો ૧૯૮૪માં આવું કરેલું. અધ્યક્ષ તેમના પક્ષના હતા. નેશનલ કૉન્ફરન્સે અધ્યક્ષ સમક્ષ ફરિયાદ આપી કે જે લોકોએ બળવો કર્યો છે તેમને એટલે કે નેશનલ કૉન્ફરન્સ (ખાલિદા)ના ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા જોઈએ. આથી પોતે નિર્ણય ન લેતાં અધ્યક્ષ વાલી મોહમ્મદ ઈટૂએ આ બાબત જમ્મુ-કાશ્મીર હાઇ કોર્ટને સોંપી દીધી (જેને કોર્ટની ભાષામાં રિફર કરવું કહે છે). ૩૦ જુલાઈ ૧૯૮૪ના રોજ પોતાનો ચુકાદો આપતાં હાઇ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ આ ધારાસભ્યો ગેરલાયક ઠરતા નથી તેમ જણાવ્યું. પણ અધ્યક્ષ ઈટૂની ખંધાઈ જુઓ. જ્યારે ન્યાયમૂર્તિ તેમનો ચુકાદો સંભળાવતા હતા ત્યારે તેમણે પોતે હાઇ કોર્ટને સોંપેલો રેફરન્સ પાછો ખેંચ્યો. આની સામે ન્યાયમૂર્તિએ કહ્યું કે હાઇ કોર્ટ રેકોર્ડની કોર્ટ છે. કોઈ પક્ષ હાઇ કોર્ટ સમક્ષ અનિર્ણિત પડેલી મેટરને પોતાની મરજી મુજબ પાછી ખેંચી શકે નહીં.

છતાં અધ્યક્ષ તો તેનાથી પણ આગળ નીકળી ગયા. જમ્મુ-કાશ્મીરના બંધારણની જોગવાઈઓ (ફરી વાર યાદ અપાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરનું બંધારણ અલગ છે), પક્ષાંતર વિરોધી કાયદો અને હાઇ કોર્ટના ચુકાદાને ઘોળીને પી ગયા અને નિર્ણય આપી દીધો કે જે ૧૨ ધારાસભ્યોએ બળવો કર્યો છે તેઓ ગેરલાયક ઠરે છે. સ્પષ્ટ હતું કે તેમણે ઈરાદાપૂર્વક, જાણી જોઈને અને ફારુક અબ્દુલ્લાના ઈશારે જ આ નિર્ણય આપ્યો હતો.

ફરી એક વાર યાદ અપાવી દઈએ કે ૨૦૦૨માં ગુજરાતનાં રમખાણો અને એન્કાઉન્ટરના કેસો પછી, ગુજરાત હાઇ કોર્ટમાં કેસો નિષ્પક્ષ નહીં ચાલે તેમ માનીને (એવું થયા વગર માની લેવું તે પૂર્વગ્રહ ન કહેવાય) સુપ્રીમ કોર્ટે કેસો ગુજરાત બહાર ચલાવવા કહ્યું હતું. પરંતુ વર્ષોથી કાશ્મીરમાં તો હાઇ કોર્ટને તો શેખ અબ્દુલ્લા કે ફારુક અબ્દુલ્લા ગાંઠતા જ આવ્યા નહોતા, તે કેમ આ સેક્યુલર પ્રજાતિના ધ્યાનમાં ન આવ્યું?

૩૧ જુલાઈએ સવારે ૧૦ વાગે ધારાસભાની બેઠક શરૂ થઈ. જગમોહને તેમના સચિવને ગૃહની કાર્યવાહી જોવા મોકલ્યા. જી. એમ. શાહ સરકારે ત્રણ કાર્યો કાર્યસૂચિ (એજન્ડા)માં રાખ્યાં હતા. એક તો, વિશ્વાસ મત પ્રસ્તાવ, વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ, અને નાયબ અધ્યક્ષની ચૂંટણી. આગલા દિવસે અધ્યક્ષે ૧૨ સભ્યોને ગેરલાયક ઠેરવી દીધા, તેથી સ્વાભાવિક છે કે હવે શાસક બની ગયેલા જી. એમ. શાહ આણિ મંડળીને તેમનામાં વિશ્વાસ ન જ હોય. આથી પહેલાં તો અધ્યક્ષને તેમની સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ હાથ ધરવા વિનંતી કરાઈ, પરંતુ અધ્યક્ષ ઈટુએ તેને અત્યંત બેશરમીથી ફગાવી દીધી. પરંતુ ૪૩ સભ્યો પ્રસ્તાવના પક્ષમાં ઊભા થઈ ગયા. (જી. એમ. શાહને કૉંગ્રેસનો પણ ટેકો હતો) અને આ રીતે અધ્યક્ષને દૂર કરાયા. પોતાનું હવે કંઈ નહીં વળે તેમ લાગતાં નેશનલ કૉન્ફરન્સ (ફારુક)ના ૩૧ સભ્યોએ ગૃહત્યાગ કરી દીધો. આમ, જી. એમ. શાહે વિશ્વાસ મત જીતી લીધો…

(ક્રમશ:)

ભાગ- ૧  કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો

ભાગ-૨ કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

ભાગ-૩ કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!

ભાગ-૪ નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!

ભાગ-૫ શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

ભાગ-૬ હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડયંત્ર

ભાગ-૭  ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

ભાગ-૮ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

ભાગ-૯ શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

ભાગ-૧૦ કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

ભાગ-૧૧ ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

ભાગ-૧૨ ઈન્દિરાની સભામાં ફારુકના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યા!

ભાગ-૧૩કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

ભાગ-૧૪ ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ રાજભવનમાં રસપ્રદ ધડાધડી

ભાગ-૧૬ ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

ભાગ-૧૭ પાકિસ્તાનનું પ્રૉક્સી વોર અને ક્રિકેટ પોલિટિક્સ

ભાગ-૧૮ પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હારજા

ભાગ-૧૯ શાહબાનો કેસ: રાજીવના નિર્ણયથી કાશ્મીરમાં ઉજવણીનો માહોલ

ભાગ-૨૦ કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા

ભાગ-૨૧ કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

Advertisements

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.