(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૯/૮/૧૫ના રોજ આ લેખ છપાયો.)

( ભાગ-૧૬)

ફારુક અબ્દુલ્લા સરકાર ૨ જુલાઈ, ૧૯૮૪એ બરતરફ થઈ. ૬ જુલાઈ ૧૯૮૪ના રોજ શીખ અંતિમવાદી સંગઠન ઓલ ઇન્ડિયા શીખ સ્ટુડન્ટ્સ ફેડરેશન (એઆઈએસએસએફ)ના કહેવાતા છ જણાએ ૨૫૫ ઉતારુઓ અને નવ ક્રૂને લઈ જતા ઇન્ડિયન એરલાઇન્સની શ્રીનગરથી દિલ્હી જતી ફ્લાઇટનું અપહરણ કર્યું હતું અને વિમાનને લાહોર લઈ જવાની ફરજ પાડી હતી. આ ત્રાસવાદીઓ પાસે પિસ્તોલ, કટાર અને વિસ્ફોટકો હતા. તેમણે વિમાનને ઉડાવી દેવાની ધમકી આપી હતી. પીટીઆઈના અહેવાલ મુજબ આ ત્રાસવાદીઓ જર્નૈલસિંહ ભીંદરાનવાલેના વફાદાર હતા જે ૬ જૂન ૧૯૮૪ના રોજ અમૃતસરના સુવર્ણ મંદિરમાં લશ્કરના હુમલામાં મરાયો હતો. તેમની માગણી હતી કે પંજાબમાંથી લશ્કર અને સુરક્ષા દળો પાછાં ખેંચી લેવામાં આવે. આંદોલનમાં જે શીખોની ધરપકડ કરવામાં આવી છે તેમને મુક્ત કરવામાં આવે. તમામ ગુરુદ્વારા ધાર્મિક નેતાઓને આપવામાં આવે અને સુવર્ણ મંદિરમાં વિદેશી નાગરિકો સહિત તમામ લોકોને પ્રવેશ આપવામાં આવે. આ અપહરણકારોના કુટુંબના લોકો સુવર્ણ મંદિર પર સેનાએ કરેલા હુમલામાં માર્યા ગયા હતા. આ આખું દિલધડક નાટક ૧૭ કલાક સુધી ચાલ્યું હતું. છેવટે અપહરણકારોએ પાકિસ્તાનના તંત્ર સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી હતી.

પાકિસ્તાનમાં તેનો ખટલો પણ ચાલ્યો હતો. તેમાં લાહોરના ન્યાયાલયે આ અપહરણકારોના નેતા પરમિન્દરસિંહ સૈનીને ફાંસીની સજા સંભળાવી હતી. જોકે તેને પછી આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી અને દસ વર્ષની કેદ પછી તેને છોડી મૂકાયો હતો. તેને પાકિસ્તાનમાંથી જતા રહેવા જણાવાયું હતું. ૧૯૯૫માં સૈનીએ બલબીર સિંહના ખોટા નામે બનાવટી અફઘાન પાસપોર્ટ પર કેનેડામાં આશ્રય લીધો હતો. આ પાસપોર્ટ પણ પાકિસ્તાને જ બનાવી આપ્યો હતો. સ્પષ્ટ હતું કે પાકિસ્તાનનો આ શીખ ત્રાસવાદીઓને ટેકો હતો.

સૈનીએ કેનેડામાં બી.એ. ની ડિગ્રી મેળવી અને કાયદાનું શિક્ષણ પણ મેળવ્યું હતું. ત્યાં તે પોતાના ભારતમાં પ્રત્યર્પણ સામે કેસ પણ લડ્યો હતો. જોકે કેનેડાએ તેને ઈ. સ. ૨૦૧૦માં ભારત પરત મોકલી આપ્યો હતો.

હવે આ અપહરણકાંડની વાત નીકળી છે તો ભેગાભેગ આપણે અગાઉનાં પ્રકરણોમાં જે વાતનો નિર્દેશ કરી ગયા છે તે ઝિયા ઉલ હકની ભારત સામે ત્રાસવાદ દ્વારા પ્રોક્સી વોર છેડવાની બદમાશ યોજનાઓ વિશે જાણીએ. ફારુક અબ્દુલ્લા પછી કાશ્મીરના મુખ્યમંત્રી બનેલા તેમના બનેવી જી. એમ. શાહ સરકાર કેવી રીતે અને કેવા સંજોગોના કારણે બરતરફ કરવામાં આવી તે આગામી પ્રકરણમાં જોઈશું.

અંગ્રેજોને ખબર હતી કે ભારત મહાસત્તા છે (એટલે જ તો તેઓ અહીં આવ્યા હતા). પરંતુ આ મહાસત્તાને તોડવી હોય તો તેમને અંદરોઅંદર લડાવી મારવા જરૂરી છે અને આથી મોહમ્મદ અલી ઝીણા અને મુસ્લિમ લીગને પોતાની તરફ કરીને તેમણે કાયમી ધોરણે મુસ્લિમ-હિન્દુ ઝઘડાનાં બીજ રોપ્યાં. ૧૯૦૫માં કર્ઝને (નામની આગળ લોર્ડ લખાય છે, આપણે શેનું લોર્ડ લખવાનું?) બંગાળના ભાગલા પાડીને અખતરો કરી લીધો હતો. આ અખતરાનું લાંબા ગાળે એટલે કે ૪૨ વર્ષ પછી પરિણામ આવ્યું પાકિસ્તાન રૂપે. ભારતનો જ એક ટુકડો ભારતનો ઘોર વિરોધી બની ગયો અને ૬૮ વર્ષ પછી પણ આપણને હેરાન કર્યા રાખે છે. એ પાકિસ્તાનને અત્યાર સુધી અમેરિકા-બ્રિટન-ચીન મદદ કરતા આવ્યા-પોષતા આવ્યા છે.

ઘણા એમ માને છે કે ૧૯૭૧ના યુદ્ધમાં કારમી હાર પછી પાકિસ્તાનના સત્તાધીશોને વિચાર આવ્યો કે ભારતને હરાવવું હોય તો સીધી રીતે નહીં હરાવી શકાય પરંતુ કેટલાક ભારતીયોને જ તેમના દેશ વિરુદ્ધ તૈયાર કરીને છદ્મ યુદ્ધ અર્થાત્ પ્રોક્સી વોર છેડવું જોઈએ. પરંતુ ભારતની જાસૂસી સંસ્થા ‘રો’ના ત્રાસવાદ વિરોધી વિભાગના વડા સ્વ. બી. રામન (૧૯૯૩ના મુંબઈ વિસ્ફોટના આરોપી યાકૂબ મેમણને ફાંસી ન આપવી જોઈએ તેવો તેમનો જૂનો લેખ તાજેતરમાં વિવાદનું કેન્દ્ર બન્યો હતો) એવા મતના હતા કે પાકિસ્તાનના સત્તાધીશોએ ૧૯૫૦ના દાયકામાં જ પ્રોક્સી વોરનું આયોજન કર્યું હતું કેમ કે તેમને લાગતું હતું કે ભારતને અસ્થિર રાખવું અને તેની સેનાને આંતરિક સુરક્ષાની ફરજોમાં રોકાયેલી રાખવી જરૂરી છે જેથી ભારતની સેનાની પાકિસ્તાનની સેના કરતાં સર્વોપરિતા ન રહે.

જોકે પાકિસ્તાનના નેતાઓને અંદરખાને એ ભય પણ સતત રહ્યો છે કે જો તેઓ ભારતના બળવાખોરો અને ત્રાસવાદીઓને ઉત્તેજન આપવાનું ચાલુ રાખશે તો ભારત પણ પાકિસ્તાન પ્રત્યે આવી જ નીતિ અપનાવશે. આથી ઝુલ્ફીકાર અલી ભુટ્ટો, બેનઝીર ભુટ્ટો અને નવાઝ શરીફે પાકિસ્તાનની આ નીતિ પ્રત્યે સમયે-સમયે પ્રશ્નો ઉઠાવ્યા છે. ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ ૧૯૭૨માં, બેનઝીરે ૧૯૮૮માં તો નવાઝ શરીફે ૧૯૯૦માં સત્તામાં આવ્યા પછી આ પ્રશ્ન કર્યો હતો. પણ દરેક વખતે ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ (આઈએસઆઈ) અને સેનાના વડાઓ રાજકીય નેતૃત્વને સમજાવી દેતા હતા કે પાકિસ્તાનનું સંરક્ષણ બજેટ વધારવું અને આપણી સેનામાં બે વધારાની ડિવિઝન રાખવી તેના કરતાં ભારતમાં અસ્થિરતા રાખવી સસ્તું પડશે.

૧૯૭૧માં કારમી હાર પછી આઈએસઆઈ અને સેનાના વડાઓના આ મંતવ્યને વધુ બળ મળ્યું. તેઓ એવું કહી શકતા હતા કે ભારત પાકિસ્તાનના વધુ ભાગલા કરી દે તે પહેલાં આપણે ભારતના ભાગલા કરી દઈએ. વળી આમ કરીને તેઓ ભારતને આ પ્રદેશમાં આર્થિક રીતે સર્વોપરી સત્તા બનતા પણ રોકી શકતા હતા.

પાકિસ્તાનના પ્રમુખ જન. પરવેઝ મુશર્રફે ૧૨ એપ્રિલ ૧૯૯૯ના રોજ પાકિસ્તાનની એક સંસ્થા ઇંગ્લિશ સ્પીકિંગ યુનિયન (આ સંસ્થાની સ્થાપના ૧૯૧૮માં કરાઈ હતી)ની કરાચી શાખાને સંબોધતા કહેલું તે પાકિસ્તાનના દૃષ્ટિકોણથી સમજવા જેવું છે. જેમ આપણે લોકો પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણથી કે અમેરિકા-બ્રિટન-પાકિસ્તાન પ્રત્યે પૂર્વગ્રહ કે અસલામતીના ભયથી પીડાઈએ છીએ તેમ પાકિસ્તાનને પણ સતત ભય રહે છે કે ક્યાંક ભારત આપણા પર કબજો ન કરી લે. મુશર્રફે કહ્યું હતું કે “ધારો કે આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરનો મુદ્દો ઉકેલાઈ જાય છે, તો પણ તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય નહીં બને કેમ કે ભારતની આધિપત્યની મહત્ત્વાકાંક્ષામાં પાકિસ્તાન તેને કાંટાની જેમ ખૂંચશે અને તે પાકિસ્તાનને સતત નબળું પાડવા પ્રયાસ કર્યા રાખશે.

પાકિસ્તાનને ભારત વિરુદ્ધ પ્રોક્સી વોર છેડવાનો વિચાર અમેરિકાના ષડયંત્રમાંથી મળી ગયો. જેવી રીતે અમેરિકાના ઈશારે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં મુઝાહિદ્દીનો અને તાલિબાનોને રશિયાની સેના સામે લડવા તૈયાર કર્યા તેનાથી પાકિસ્તાનને ખ્યાલ આવી ગયો કે આ યુક્તિ તો તે ભારત સામે પણ અજમાવી શકે તેમ છે.

૧૯૭૯માં વિશ્વ બે મહાસત્તાની છાવણી અને બે વિચારધારામાં વહેંચાયેલું હતું- એક મૂડીવાદી વિચારધારાવાળું અમેરિકા અને બીજું સામ્યવાદી વિચારધારાવાળું યુએસએસઆર (જે પછીથી તૂટીને રશિયા બન્યું). બંને દેશો વચ્ચે શીત યુદ્ધ સતત ચાલતું હતું. અફઘાનિસ્તાનમાં સામ્યવાદી સરકાર સામે મુસ્લિમ ગેરીલાઓ પડ્યા હતા. આથી સામ્યવાદી સરકાર બચાવવા યુએસએસઆરે સેના મોકલી. આથી તે સેનાને હરાવવા અમેરિકાએ પાકિસ્તાનના પ્રમુખ ઝિયા ઉલ હકની મદદ અફઘાનિસ્તાનમાં લડતા મુઝાહિદ્દીનો તથા આરબ જૂથોને રશિયા સામે  લડવા ટ્રેનિંગ આપવા માટે માગી. ઝિયાએ ખુશી-ખુશી આ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને કુશળ વેપારી જેવી લુચ્ચાઈથી સામે પાકિસ્તાનને અમેરિકાએ સૈન્ય અને આર્થિક સહાય કરવી તેવું નક્કી કરી નાખ્યું. દેશ દ્વારા પોષિત (સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ)નાં મૂળ આમાં નખાયા. ઈસ્લામી જેહાદની આગ અફઘાનિસ્તાન, ભારતથી થઈને પછી તો ચીન, ફિલિપાઇન્સ, ઉઝબેકિસ્તાન, ઈજિપ્ત, સાઉદી અરેબિયા, અલ્જિરિયા અને રશિયા થઈને ૨૦૦૧ના વર્ષમાં સ્વયં અમેરિકા સુધી પહોંચી ગઈ. ઝિયાએ જનરલ પરવેઝ મુશર્રફ અને મોહમ્મદ અઝીઝને આ કામ માટે પસંદ કર્યા. મુશર્રફ બાદમાં ૧૯૯૯માં આ જ નીતિ અજમાવીને કારગિલ યુદ્ધ કરવાના હતા. અઝીઝ પણ બાદમાં ૨૦૦૧માં પાકિસ્તાન સેનાના વડા બન્યા હતા.

મુશર્રફે અને અઝીઝે કામ વહેંચી લીધું. મુશર્રફ મુઝાહિદ્દિનોને તૈયાર કરવાના હતા તો અઝીઝ ઓસામા બિન લાદેન સહિત આરબ ત્રાસવાદીઓને. આ આખા કામમાં અમેરિકા-બ્રિટન અને ફ્રાન્સની સહાય મળતી હતી. આ ઈસ્લામી સેનાને પ્રશિક્ષિત કરવા માટે મેજર જનરલ (હવે નિવૃત્ત) મહેમૂદ દુર્રાનીએ ૧૦૦ મદરેસા પસંદ કર્યા જે મોટા ભાગના દેવબંદી હતા. તેમાં આ સેનાના સૈનિકોને તાલીમ અપાવા લાગી. આ સો મદરેસાઓમાંથી મુખ્ય ત્રણ હતી – કરાચીની બિનોરી મસ્જિદ, નોર્થ-વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સની દારુલ ઉલૂમ અકોરા ખટ્ટક, અને લાહોરની જામીયા અશરફીયા. ભારતને જે રંજાડવાના હતા તે પૂર્વે હરકત ઉલ મુઝાહિદ્દીન અને હાલમાં જૈશ-એ-મોહમ્મદ નામના સંગઠનના મૌલાના મસૂદ અઝહર સહિત મુલ્લા-મૌલવીઓ આ ત્રણ મદરેસામાં જ તૈયાર થયા હતા. ૧૯૯૦માં અનેક તાલિબાનીઓ પણ આ મદરેસાઓમાંથી જ તૈયાર થઈને બહાર નીકળ્યા હતા. આમ, આ ઈસ્લામી ત્રાસવાદીઓને તૈયાર કરવાનું પાપ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને પાકિસ્તાનના માથે ચડે છે, જે હવે આ ચારેય દેશોને પોતાને પણ પજવી રહ્યું છે.

મુશર્રફ અને અઝીઝે જે જૂથો અંદરો અંદર લડતા હતા, શક્ય હોય તે તમામને આ સેનામાં જોડ્યા જેથી પાકિસ્તાનને તેમની લડાઈથી ઓછી ઉપાધિ થાય અને પાકિસ્તાનની સત્તાને પણ તેમનાથી કોઈ ખતરો ન રહે. કોઈ એક જ જૂથ સૌથી શક્તિશાળી કે મોટું ન બની જાય. જોકે, મુશર્રફ અને અઝીઝની યોજના સફળ ન થઈ કેમ કે અફઘાનિસ્તાનમાં તો લોહી વહ્યું જ પણ આ જૂથો પાકિસ્તાનને પણ સરવાળે ભારે પડવા લાગ્યા કેમ કે આ જૂથોમાં મોટા ભાગના સુન્ની દેવબંદી હતા. પાકિસ્તાનમાં છાશવારે શિયાઓ પર હુમલા થાય છે અને શિયા મસ્જિદ પાસે બોમ્બ વિસ્ફોટો થાય છે તે આ મુશર્રફ અને અઝીઝની નીતિના કારણે જ.

પહેલી વાર ધાર્મિક કટ્ટરતાનો સહારો લઈને કોઈ યુદ્ધ જીતવા પ્રયાસ કરાયો. આ બધાના કારણે ભારતમાં પ્રોક્સી વોર થયું. છાશવારે બોમ્બ વિસ્ફોટો થયા. અને સરવાળે હિન્દુઓમાં પણ કટ્ટરવાદ આવવા લાગ્યો. આજે સ્થિતિ એ છે કે ભારતમાં દરેક ધર્મ-સંપ્રદાયોમાં કટ્ટરતા આવી ગઈ છે અને દરેકની લાગણી નાની-નાની વાતમાં દુભાઈ જાય છે.

અમેરિકા સહિત પશ્ચિમી ગુપ્તચર સંસ્થાઓએ પ્રોક્સી વોર દ્વારા રશિયાને હંફાવવા હેરોઇનના ઉત્પાદન અને તેની દાણચોરીને પણ ઉત્તેજન આપ્યું જેથી પ્રોક્સી વોર સ્વનિર્ભર બને અને પોતે ઓછા પૈસા આપવા પડે. અમેરિકાએ જે નીતિ યુએસએસઆરને હંફાવવા અપનાવી તે તેને પોતાને પણ નડી. ૨૦૦૧માં અમેરિકા પર હુમલો થયો તે પછી અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો અને તે પણ ખાસ સફળ જઈ શક્યું નહીં અને ૨૦૧૪માં અમેરિકા તથા તેના સહયોગી નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રેટી ઑર્ગેનાઇઝેશન) સંસ્થાએ સૈનિકોને પાછા ખેંચવા પડ્યા.

૧૯૮૯માં અફઘાનિસ્તાનમાંથી તો યુએસએસઆરના સૈનિકો નીકળી ગયા, પણ પાકિસ્તાનને કાયમી રામબાણ ઈલાજ મળી ગયો ભારતને સતત હેરાન કર્યે રાખવાનો, જે આજ સુધી ચાલુ છે. એટલું જ નહીં, પરંતુ કાશ્મીરથી વિસ્તરીને મુંબઈ (૧૯૯૩ના બોમ્બ વિસ્ફોટો કે ૨૦૦૮માં મુંબઈ પર ત્રણ દિવસ સુધી ચાલેલા હુમલાને કોણ ભૂલી શકે?) થઈને દક્ષિણ સુધી પહોંચી ગયો છે. કેરળના યુવકો હવે ઈસ્લામિક સ્ટેટ ફોર ઇરાક એન્ડ સિરિયા (આઈએસઆઈએસ) નામની, ત્રાસવાદી સંસ્થાઓમાં અત્યારે સૌથી ખૂંખાર બની ગયેલી સંસ્થામાં જોડાવા જાય છે. બાય ધ વે, આ આઈએસઆઈએસ સંગઠન પણ સુન્નીઓ, ખાસ કરીને સલાફી સુન્ની જિહાદીઓનું જ છે. અલ કાયદા અને ઈઝરાયેલને સતત પરેશાન કરતા હમાસ સંગઠન પણ સુન્ની વિચારધારાવાળા મુસ્લિમોનું જ છે. એક ઈરાન છે જે શિયાના વર્ચસ્વવાળું છે અને તે અંતિમવાદને એક સમયે પોષતું હતું, ખાસ કરીને ઈરાનના આયાતોલ્લાહ રુહોલ્લાહ ખોમૈનીએ મૂળ ભારતના લેખક સલમાન રશદી સામે તેમના ઈસ્લામ વિરોધી ગણાતા પુસ્તક ‘સેતાનિક વર્સીસ’ માટે ફતવો બહાર પડ્યો તે જાણીતું છે. આ વિગતો જાણ્યા પછી ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો તેમ કહી શકાય તેમ છે?

(ક્રમશ:)

ભાગ- ૧  કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો

ભાગ-૨ કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

ભાગ-૩ કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!

ભાગ-૪ નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!

ભાગ-૫ શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

ભાગ-૬ હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડયંત્ર

ભાગ-૭  ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

ભાગ-૮ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

ભાગ-૯ શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

ભાગ-૧૦ કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

ભાગ-૧૧ ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

ભાગ-૧૨ ઈન્દિરાની સભામાં ફારુકના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યા!

ભાગ-૧૩કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

ભાગ-૧૪ ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ રાજભવનમાં રસપ્રદ ધડાધડી

ભાગ-૧૫ જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

ભાગ-૧૭ પાકિસ્તાનનું પ્રૉક્સી વોર અને ક્રિકેટ પોલિટિક્સ

ભાગ-૧૮ પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હારજા

ભાગ-૧૯ શાહબાનો કેસ: રાજીવના નિર્ણયથી કાશ્મીરમાં ઉજવણીનો માહોલ

ભાગ-૨૦ કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા

ભાગ-૨૧ કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.