પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હારજા

Published by

on

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૨૩/૮/૧૫ના રોજ આ લેખ છપાયો.)

(ભાગ-૧૮)

ઝિયાની જયપુરમાં ક્રિકેટ મેચ જોવા આવવાની મુલાકાતથી કાશ્મીરમાં ક્રિકેટ ક્લબ કલ્ચરને જબરદસ્ત પ્રોત્સાહન મળી ગયું. જોકે હિન્દુઓ માટે ક્રિકેટ મેચો હંમેશાં ભયનું કારણ રહેતી. ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચો જ્યારે પણ કાશ્મીરમાં યોજાય ત્યારે હિન્દુઓ ફફડતા કારણકે જો ભારતીય ટીમ જીતે તો મુસ્લિમો ગુસ્સે થઈ જતા. સરકારી અધિકારીઓ ઑફિસમાં હાજર ન રહેતા. હડતાળ પાડતા. ખીણમાં ભારે પ્રમાણમાં પ્રદર્શનો થતાં. જો પાકિસ્તાન જીતે તો અભૂતપૂર્વ ઉજવણી થતી. લોકો શેરી પર નીકળી પડે અને ડાન્સ કરવા લાગતા. આ બંને સંજોગોમાં હિન્દુઓ તો ફફડતા રાંક પ્રાણીની જેમ ઘરની અંદર પૂરાઈ રહેતા. તેઓ પોતાના મોઢામાંથી કંઈ ન બોલાઈ જાય તેનું ધ્યાન રાખતા. હિન્દુઓના આત્મસંયમના કારણે પરિસ્થિતિ મોટા ભાગે શાંત જળવાઈ રહેતી. જોકે ક્રિકેટના બોસ (ક્રિકેટ બૉર્ડ) લોકો અને સરકારને ક્યારેય ઝિયાનું આ ક્રિકેટ પોલિટિક્સ સમજાયું નહીં.

પાકિસ્તાનીઓનું આ ક્રિકેટ પોલિટિક્સ શારજાહ સુધી વિસ્તર્યું હતું. શારજાહ એટલે હાર જા. આવી ઉક્તિ યાદ હશે. યુએઇના આ શહેરમાં અબ્દુલ રહેમાન બુખાતીરે ૧૯૮૦ના દાયકામાં બંધાવેલા સ્ટેડિયમમાં મોટા ભાગે ભારત-પાકિસ્તાન અને કેટલીક વાર તેમાં ત્રીજો દેશ સામેલ થતો તો તેમની વચ્ચે ક્રિકેટ મેચો રમાતી. આ મેચોનું પરિણામ અગાઉથી નક્કી જ રહેતું. ભારતની હાર નિશ્ચિત હતી. શ્રીલંકા કે પાકિસ્તાનના અમ્પાયરોની અંચઈ રીતસર દેખાતી તો પણ માધવરાવ સિંધિયા જેવા ક્રિકેટ બૉર્ડ પર કબજો જમાવીને બેઠેલા કૉંગ્રેસી નેતા કે સરકાર કંઈ કરતી નહીં. કદાચ એટલા માટે કે બૉર્ડના અધિકારીઓને મસમોટી રકમ ચુકવાતી હતી. જ્યારે પણ ત્યાં મેચ રમાતી ત્યારે ભારતની ટીમ જાણે ભૂખ્યા વાઘ સામે બાંધેલા પશુઓને ફેંકી દેવાય તેમ મેદાન પર ઉતારતી હતી. બીબીસીના ક્રિકેટ સંવાદદાતા જોનાથન એગ્નુએ કહ્યું હતું કે “હું સોગંદ પર એ કહેવા તૈયાર છું કે મેં જે મેચ જોઈ છે તેમાં બેએક મેચ તો પાકિસ્તાન દ્વારા ફિક્સ કરાઈ હતી.”

ભારતનો ખૂંખાર ગુંડો જે પાછળથી ત્રાસવાદી બન્યો તે દાઉદ ઇબ્રાહિમ શારજાહમાં વટથી ટીવી કેમેરામાં આખા જગતને દેખાય તેમ હાજર રહેતો અને તેની સાથે અનિલ કપૂર, ફિરોઝ ખાન, સંજય ખાન, સીમી ગરેવાલ, (રાજેશ ખન્ના અને ક્રિકેટર ગેરી સોબર્સની પ્રેમિકા) અંજુ મહેન્દ્રુ, શર્મિલા ટાગોર જેવાં અભિનેતા-અભિનેત્રીઓ પૂંછડી પટપટાવતા સાથે બેસીને મેચ જોતાં. અભિનેત્રી મંદાકિની તો તેની રખાત હતી. તે પણ દાઉદ સાથે શારજાહમાં જોવા મળતી. શારજાહમાં દર્શકોમાં પણ મોટા ભાગના પાકિસ્તાનની તરફેણવાળા રહેતા અને ભારતની હારના કારણે તેમનામાં, પાકિસ્તાનમાં રહેલા લોકો, ભારતમાં ઘણા મુસ્લિમો, ખાસ કરીને કાશ્મીરના મુસ્લિમો જોશમાં આવી જતા. સાચા રાષ્ટ્રવાદી ભારતીયો ગુસ્સાથી સમસમીને રહી જતા. તેમનું મનોબળ ભારે નીચું જતું. મોટા ભાગની મેચનું પરિણામ પહેલેથી નક્કી જ રહેતું – ભારતની હાર. તેથી કાશ્મીર સહિત ઘણી જગ્યાએ ઉજવણી હજુ મેચ ન પતી હોય ત્યાં જ શરૂ થઈ જતી. સદ્ભાગ્યે ક્રિકેટમાં મેચ ફિક્સિંગનું કૌભાંડ બહાર આવ્યા પછી ૨૦૦૧માં શારજાહમાં ક્રિકેટ મેચો રમાતી બંધ થઈ.

શારજાહમાં રમાતી સ્પર્ધાઓ આઈપીએલના પૂર્વાવતાર જેવી જ હતી. આઈપીએલની મેચો પછી જેવી લેટ નાઇટ પાર્ટીઓ થતી તેવી શારજાહમાં પણ પાર્ટીઓ થતી. સત્તાવાર રીતે તો એવું જ બહાર આવ્યું કે સીમી ગરેવાલ જેવી અભિનેત્રી બુખાતીર સામે ગીતો ગાઈ તેમનું મનોરંજન કરતી. (બિનસત્તાવાર રીતે આ અભિનેતા-અભિનેત્રીઓ જે કંઈ કરતા હોય તે અલગ.) પાકિસ્તાનના નઈમ બુખારીએ શારજાહના હોલિડે ઇન્ટરનેશનલમાં રાત્રિભોજને પાકિસ્તાનની દેશભક્તિમાં બદલી નાખેલી. તેમાં તે ‘ઇસ્લામિક રિપબ્લિક ઑફ પાકિસ્તાન’નું ગીત ગાતો. પાકિસ્તાનીઓ ખુશ થતા અને ભારતીયોએ કૃત્રિમ હાસ્ય આપવું પડતું.

ભારતીય ખેલાડીઓને કદાચ શારજાહમાં રમવાની મજા એટલે પણ આવતી કે  (ફિક્સિંગથી જે કોઈને જે કંઈ લાભ થતો હોય તે ઉપરાંત) શોપિંગની મજા પડી જતી. ત્યાં દર્શકો પણ મોટા ભાગે પાકિસ્તાન તરફી જ રહેતા. તેથી ભારતીય ખેલાડીઓ માટે વાતાવરણ એવું રહેતું જાણે તેઓ પાકિસ્તાનમાં ન રમતા હોય. જેમ કે જો ભારતીય બૅટ્સમેન પાકિસ્તાન સામે બેટિંગ કરવા જાય તો દર્શકો આવું સૂત્ર બોલતા: “આઉટ હો ભાઈ આઉટ હો, જલદી જલદી આઉટ હો.” અને દર વખતે નિશ્ચિત જેવી બની ગયેલી ભારતીય હાર નજીક હોય ત્યારે તેઓ આવું બોલતા: “યે ટીમ કિસકી હૈ? હર મેચ મેં હારી હૈ? યે ટીમ ઇન્ડિયા કી હૈ, હર મેચ મેં હારતી હૈ.” ભારતની ટીમ હારી જાય એટલે પાકિસ્તાન તરફીઓ એવી રીતે ઉજવણી કરતા જેમ કે તેમણે દુનિયા ન જીતી લીધી હોય! જોકે સચીન તેંડુલકર જેવા ખેલાડીઓ એમ માનીને સંતોષ લેતા કે પાકિસ્તાનમાં તો આના કરતાંય ખરાબ વાતાવરણ હોય છે.  ત્યાં રહેતા ભારતીયો માટે પણ ભારે વિચિત્ર સ્થિતિ થતી. ભારતીય ટીમ હારી હોય એટલે તેનું દુઃખ હોય, પરંતુ પાકિસ્તાનીઓ તેમને ફોન કરીને ખોટે ખોટી સહાનુભૂતિ પાઠવે. અંદરથી તો તેઓ ખુશ જ થતા હોય.

ભારતીય ઓલરાઉન્ડર મનોજ પ્રભાકરે ૧૯૯૭માં પોતાની જ ટીમના એક ખેલાડી પર ફિક્સિંગનો આરોપ લગાવ્યો હતો. તેણે જે મેચોની વાત કરી હતી તેમાંની કેટલીક ૧૯૯૧માં શારજાહમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચો હતી. બન્યું હતું એવું કે અંધારું થઈ ગયું હતું (ક્રિકેટની ભાષામાં તેને બેડ લાઇટ કહે છે.) અમ્પાયરોએ ભારતીય બૅટ્સમેનોને લાઇટની દરખાસ્ત પણ કરી હતી, પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટે પ્રભાકર અને સંજય માંજરેકરને ઓછા પ્રકાશમાં રમવાનું ચાલુ રાખવા આદેશ આપ્યો હતો. કહેવાની જરૂર નથી કે છેલ્લી ઓવરમાં પાકિસ્તાન જીતી ગયું હતું અને સ્પર્ધાની ફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગયું હતું. પ્રભાકરે જે બીજી મેચની વાત કરેલી તે કોલંબો (શ્રીલંકા)માં ૧૯૯૪માં રમાઈ હતી. તેમાં ભારતને હરાવવા માટે પ્રભાકરને રૂ. ૨૫ લાખની દરખાસ્ત થઈ હતી!

ત્રાસવાદી દાઉદ ઇબ્રાહિમની પહોંચ કેટલી હતી તેનો ઘટસ્ફોટ ૨૦૧૩માં બહાર આવેલા એક અહેવાલમાં થયો હતો. પૂર્વ ક્રિકેટર દિલીપ વેંગસરકરે આ ઘટસ્ફોટ કરતા કહ્યું હતું કે ૧૯૮૦ના દાયકામાં રમાયેલી અનેક સ્પર્ધાઓમાં દાઉદની પહોંચ ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમ સુધી હતી. ૧૯૮૬ કે ૮૭માં શારજાહમાં રમાયેલી એક સ્પર્ધામાં દાઉદ ડ્રેસિંગ રૂમમાં આવી ગયો હતો, પરંતુ કપિલ દેવે તેને તગેડી મૂક્યો હતો. અભિનેતા મહેમૂદ તેને ડ્રેસિંગ રૂમમાં લાવ્યો હતો. કોઈ તેને ઓળખી શક્યું નહોતું, પરંતુ દિલીપે તેનો ફોટો જોયો હોવાથી તે તેને ઓળખી ગયા હતા. મહેમૂદે દાઉદની ઓળખ છુપાવી હતી અને તેનો પરિચય એક વેપારી તરીકે કરાવ્યો હતો. દાઉદે કહ્યું હતું કે જો તમે આવતીકાલે પાકિસ્તાનને હરાવશો તો તમને બધાને એક ટોયોટા કોરોલા કાર મળશે. અને તે પણ ભારતમાં તમામ ખેલાડીના ઘરે પહોંચાડી દેવાશે! તે વખતના ભારતીય ટીમના મેનેજર જયવંત લેલે હતા, જેમણે પૂછેલું, “મને પણ મળશે?” દાઉદે કહેલું, “હા”. (જયવંત લેલેએ પણ પોતાના પુસ્તકમાં આ ઘટના ઉલ્લેખી છે.)

કપિલ દેવ બહાર પ્રેસ કૉન્ફરન્સ સંબોધી રહ્યા હતા. તેઓ અંદર આવ્યા. તેઓ તેમના સાથી ખેલાડીઓ સાથે વાત કરવા માગતા હતા. તેમણે મહેમૂદને કહ્યું, “મહેમૂદસાબ આપ ઝરા બહાર નીકલો. (દાઉદ તરફ ઈશાર કરતા) ઔર યે કૌન હૈ? ચલ બહાર ચલ.” દાઉદ કપિલના વર્તનથી ધૂંધવાઈ ગયો હતો. તેણે બહાર નીકળી કહ્યું, “કાર કેન્સલ હાં?” તે પછી પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિંયાદાદ, જેને સરેરાશ તમામ ભારતીય નફરત કરતો હશે, તે આવ્યો અને તેણે કપિલ દેવના દાઉદ પ્રત્યેના વર્તન વિશે ફરિયાદ કરી. “યાર ઉસકો (કપિલ કો) પતા નહીં વો દાઉદ ઇબ્રાહિમ હૈ. ઉસકો કુછ પ્રોબ્લેમ કરેગા…”

એક વાત એ પણ છે કે તે વખતના ક્રિકેટરોની માનસિકતા ડરપોક પ્રકારની હતી. તેઓ પાકિસ્તાનીઓની આક્રમકતા સામે જ નહીં, વેસ્ટ ઇન્ડિઝ, ઈંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા વગેરેના આક્રમક ખેલ સામે પણ બોદા પડતા. કોઈ જાતના આત્મવિશ્વાસ વગર અને રણનીતિ વગર, દરેક પોતાનું શાનદાર પર્ફોર્મન્સ આપવા માગતું હોય તેમ રમતું. મિંયાદાદે ચેતન શર્માની ઓવરમાં છેલ્લા દડે ફટકારેલી સિક્સરને ભારતીય ઇતિહાસકાર, નવલકથાકાર અને નિબંધકાર મુકુલ કેશવને એવી ઉપમા આપેલી કે મિંયાદાદે ભારતીયોના નાકમાં બે આંગળી ઘૂસાડી દીધી હોય! ભારતીય અને પાકિસ્તાની ક્રિકેટરો વચ્ચે પણ જનૂન દેખાઈ આવતું. જાવેદ મિંયાદાદ અને કિરણ મોરેનો વર્લ્ડ કપ દરમિયાન થયેલો ઝઘડો હોય કે આમીર સોહેલ અને વેંકટેશ પ્રસાદનો ઝઘડો હોય.

આપણી સરકારની નીતિ સાતત્યભરી નથી રહી. પાકિસ્તાનના આટઆટલા ઉંબાડિયાં અને ભારતને પરેશાન કરતા રહેવાની નીતિ છતાં પાકિસ્તાન સાથે થોડો સમય દુશ્મની રાખીને ક્રિકેટ બંધ કરી દેશે, વિમાનને સરહદ પરથી ઉડવાની ના પાડી દેશે, ધંધાપાણી બંધ કરી દેશે અને વળી પાછું શાંતિમંત્રણાઓ કરવા લાગશે. અગાઉની વાજપેયી સરકાર પણ આવું જ કરતી આવી છે અને મોદી સરકાર પણ આવું જ કરે છે. આ લેખ તમે વાંચતા હશો તે જ દિવસે પાકિસ્તાન સાથે સુરક્ષા સંસ્થા સ્તરની મંત્રણા છે. તેમાં વળી દસ્તાવેજોના પુરાવાઓ અપાશે. પાકિસ્તાન તેની હોળી કરીને તાપણાં કરશે. આ બધામાં ક્રિકેટ એ ઘા પર મીઠા ભભરાવા જેવું કરે છે.

૧૯૯૩માં ૧૨ માર્ચે મુંબઈમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો થયા હતા. તેના ઘા ખોતરતા હોય તેમ તે વખતના પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે (અત્યારે પણ એ જ છે.) દિલ્હીના વિદેશી પત્રકારો અને લાહોર જીમખાના ટીમ વચ્ચે ક્રિકેટ મેચની દરખાસ્ત કરી. એપ્રિલ ૧૯૯૩માં ઈસ્લામાબાદમાં આ મેચ રમાવાની હતી. ભારતીય ટીમમાં બે જણા એવા હતા કે જેઓ પત્રકારો નહોતા! ક્રિકેટરોને વિશેષ વિમાન દ્વારા લાહોરથી ઈસ્લામાબાદ લઈ જવાયા. ક્રિકેટરોને ક્રિકેટ ક્લબ સુધી લઈ જવા સાત મર્સીડીઝ કારનો કાફલો તૈનાત હતો. ફાઇવ સ્ટાર પર્લ કોન્ટિનેન્ટલ હોટલમાં ઉતારો અપાયો હતો. દારૂ પર પ્રતિબંધ હોવા છતાં હોટલમાં પત્રકાર ક્રિકેટરો અને તેમના પરિવારોને દારૂ સાથેની ખાણીપીણી પૂરી પડાઈ હતી. મેચને સ્ક્રિપ્ટ પ્રમાણે ડ્રોમાં લઈ જવાઈ હતી. શરીફ પોતે ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડવા આવ્યા હતા. દરેક ક્રિકેટરને એક સાદડી, લેમ્પ શેડ અને પેન હોલ્ડર અપાયાં હતાં. સ્વાભાવિક છે કે પાકિસ્તાનની મહેમાનગતિથી પ્રભાવિત આ પત્રકારો જેમાં થોડાક ભારતીયો પણ હતા તેમણે મુંબઈમાં થયેલા બોમ્બ ધડાકા પાછળ પાકિસ્તાનનો હાથ છે તેવી ભારત સરકારની વાત પર રોકકળ કરી મૂકી હતી. (જેમ થોડા સમય પહેલાં યાકૂબ મેમણની ફાંસીને રોકવા શત્રુઘ્નસિંહા, મહેશ ભટ્ટ આણિ મંડળીએ રોકકળ કરી હતી અને ફાંસી પછી ભારતીય માધ્યમોના એક વર્ગે યાકૂબ પ્રત્યે સહાનુભૂતિ ઊભી કરવા પ્રયાસ કર્યો હતો).

(ક્રમશઃ)

ભાગ- ૧  કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો

ભાગ-૨ કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

ભાગ-૩ કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!

ભાગ-૪ નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!

ભાગ-૫ શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

ભાગ-૬ હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડયંત્ર

ભાગ-૭  ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

ભાગ-૮ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

ભાગ-૯ શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

ભાગ-૧૦ કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

ભાગ-૧૧ ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

ભાગ-૧૨ ઈન્દિરાની સભામાં ફારુકના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યા!

ભાગ-૧૩કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

ભાગ-૧૪ ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ રાજભવનમાં રસપ્રદ ધડાધડી

ભાગ-૧૫ જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

ભાગ-૧૬ ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

ભાગ-૧૭ પાકિસ્તાનનું પ્રૉક્સી વોર અને ક્રિકેટ પોલિટિક્સ

ભાગ-૧૯ શાહબાનો કેસ: રાજીવના નિર્ણયથી કાશ્મીરમાં ઉજવણીનો માહોલ

ભાગ-૨૦  કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા

ભાગ-૨૧ કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.