(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૬/૮/૧૫ના રોજ આ લેખ છપાયો.)

(ભાગ-૧૭)

મુખ્યમંત્રી જી. એમ. શાહે વિશ્વાસનો મત જીતી લીધા સુધીની વાત પછી આપણે કાશ્મીરની રાજકીય બાબતથી દૂર જઈને પાકિસ્તાને છેડેલા ત્રાસવાદના છદ્મ યુદ્ધની વાત કરી રહ્યા છીએ. અફઘાનિસ્તાનમાં રશિયા સામે અમેરિકાએ મુજાહિદ્દિનોને અને તાલિબાનોને હાથો બનાવીને જે રીતે આ છદ્મ યુદ્ધ અથવા પ્રોક્સી વોર છેડી તેના પરથી પાકિસ્તાનને ભારત સામે આવું યુદ્ધ આદરવાનો વિચાર આવ્યો.

ભારતની જાસૂસી સંસ્થા ‘રો’ના ત્રાસવાદ વિરોધી વિભાગના વડા સ્વ. બી. રામને ‘અ ટેરરિસ્ટ સ્ટેટ એઝ અ ફ્રન્ટલાઇન એલાય’ નામના પુસ્તકમાં આ છદ્મ યુદ્ધ વિશે વિગતે લખ્યું છે. આઈએસઆઈની પ્રોક્સી વોરની યોજના બે તબક્કામાં હતી. પહેલો તબક્કો ૧૯૮૯થી ૧૯૯૨નો હતો. તેમાં આઈએસઆઈએ ત્રાસવાદી જૂથોને નાણાકીય મદદ, તાલીમ અને શસ્ત્ર સહાય પોતે સીધી આપી. કોઈ વચેટિયાઓ નહોતા રાખ્યા. આ તબક્કામાં ઘણા બધાં કાશ્મીરી ત્રાસવાદી જૂથોને આઈએસઆઈએ તૈયાર કર્યાં. તેમાં હિઝબુલ મુજાહિદ્દીન (એચએમ)થી લઈને જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ)નો સમાવેશ થતો હતો. હિઝબુલ મુજાહિદ્દીનનું લક્ષ્ય જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવાનું હતું જ્યારે જેકેએલએફનું લક્ષ્ય જમ્મુ-કાશ્મીરને સ્વતંત્ર કરાવવાનું હતું.

૧૯૯૨ સુધી અમેરિકા અને તેના મળતિયા દેશોએ કાશ્મીરમાં ચાલતા ત્રાસવાદ પ્રત્યે આંખ આડા કાન કર્યા. પરંતુ ૧૯૯૨માં ઈઝરાયેલી પર્યટકો પર શ્રીનગરમાં હુમલા બાદ સ્થિતિ બદલાઈ. પશ્ચિમી દેશોમાં પણ ફડક પેઠી. આથી ૧૯૯૩માં આઈએસઆઈએ બે ફેરફાર કર્યા. ત્રાસવાદને જીવંત રાખવા તેણે પોતે સીધી ભૂમિકા ભજવવાનું બંધ કર્યું અને વચેટિયા રાખવા લાગી. બીજું, જે જૂથો કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવાની તરફેણ કરતાં હતાં તેમને સહાય ચાલુ રાખી, પણ જે જૂથો કાશ્મીરને સ્વતંત્ર કરવા માગતાં હતાં તેમને સહાય બંધ કરી. વચેટિયા તરીકે પહેલું પાકિસ્તાની સંગઠન જમાત-એ-ઇસ્લામી પસંદ કરાયું. તેને નાણાં આપવામાં આવ્યાં અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર તેમજ અફઘાનમાં ચાલતા ત્રાસવાદી તાલીમ શિબિરો ચલાવવાની જવાબદારી તેને સોંપાઈ. બાદમાં આઈએસઆઈએ લશ્કર-એ-તોઈબા (એલઈટી) અને હરકત-ઉલ-અન્સારને પણ શિબિરોની જવાબદારી સોંપી. આ બંને સંગઠનો દેવબંધી/વહાબી પ્રકારના હતાં. તેઓ પહેલાં જમાત-ઉલ-ઉલેમા ઇસ્લામ (જેયુઆઈ)ની નિકટ હતા અને ૧૯૯૪ પછી તાલિબાન તરફી થયા.

૧૯૯૨માં અયોધ્યામાં વિવાદિત ઢાંચો તૂટ્યો તેના કારણે મુસ્લિમોમાં રોષ ફેલાયો તે આઈએસઆઈ જાણી ગઈ. તેથી તે ભારતમાં હિન્દુઓનું વર્ચસ્વ ખતમ કરવા અને ઈસ્લામી શાસન લાવવા માગતી હતી અને આ માટે કાશ્મીર સિવાયના શેષ ભારતમાં પણ ત્રાસવાદ ફેલાય તે જરૂરી હતું. તે એમ પણ ઈચ્છતી હતી કે જમ્મુ-કાશ્મીરમાં હિન્દુઓ પર હુમલાઓ કરવામાં આવે. આથી ૧૯૯૩ પછી આઈએસઆઈએ આ ત્રાસવાદી જૂથોને સહાય માટે શરત મૂકી કે તમને સહાય તો જ અપાશે જો તમે જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવો, હિન્દુઓ પર હુમલા કરો અને શેષ ભારતમાં પણ અંતિમવાદી મુસ્લિમોને ત્રાસવાદી બનાવવા માટે તૈયાર કરો. આમ, હવે આઈએસઆઈનો હેતુ જમ્મુ-કાશ્મીરનો કબજો કરવાનો નહોતો, પરંતુ હિન્દુત્વને નબળું પાડી ભારતમાં મોગલ સામ્રાજ્ય ફરીથી સ્થાપવાનો હતો.

આપણા નેતાઓ કમનસીબે આ વાત સમજતા નથી અને ત્રાસવાદીઓને કોઈ ધર્મ નથી તેવાં મિથ્યા આલાપ કર્યા કરે છે. બધા મુસ્લિમો ત્રાસવાદી નથી એ વાત સાચી, પણ બધા ત્રાસવાદી મુસ્લિમો છે તે તો હવે આખું જગત જાણી ગયું છે કારણકે પાકિસ્તાનમાંથી શરૂ થયેલા ઇસ્લામી ત્રાસવાદે અમેરિકા, ઈઝરાયેલ, ચીન, રશિયા, ફ્રાન્સ, બ્રિટન એમ અનેક મહાસત્તાઓને પોતાની લપેટમાં લીધા છે.

જમાત-એ-ઇસ્લામી અને હિઝબુલ મુજાહિદ્દીન, જે કાશ્મીરીઓનું સંગઠન હતું, તે જમ્મુ-કાશ્મીરની બહાર ત્રાસવાદ ફેલાવવામાં સંકોચ અનુભવતા હતા, પરંતુ લશ્કર-એ-તોઇબા, હરકત-ઉલ-અન્સાર અને પૂર્વ પાકિસ્તાનના અલ બદ્રએ આ વાત સ્વીકારી લીધી. હરકત-ઉલ-અન્સારે તેનું નામ બાદમાં બદલીને હરકત-ઉલ-મુજાહિદ્દીન કરી નાખ્યું. આ ત્રણેય સંસ્થાઓ સાથે મળીને કામ કરવા લાગી.

હિઝબુલ મુજાહિદ્દીન અમેરિકા, ઈઝરાયેલ  અને સાઉદી અરેબિયાના શાસક પરિવારની વિરુદ્ધ નહોતું જ્યારે લશ્કર-એ-તોઈબા, હરકત-ઉલ-મુજાહિદ્દીન અને અલ બદ્ર વિરુદ્ધ હતાં. આના કારણે અમેરિકા (કારણકે ત્યાં ઇઝરાયેલ લોબી મજબૂત છે) અને ઈઝરાયેલ ભારતની તરફેણમાં આવ્યા. અમેરિકાએ ૧૯૯૭માં હરકત-ઉલ-અન્સારને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી સંગઠન જાહેર કર્યું.

આઈએસઆઈએ બીજી પણ એક ચાલ એ રમી કે તે પોતાના દ્વારા પોષાયેલા ત્રાસવાદીઓને ભારતમાં સેનાના હાથે મરાવતું રહ્યું. આનાથી તેને બેવડા લાભ થયા. એક તરફ, તેના દ્વારા પ્રેરિત કાશ્મીરનાં સંગઠનો એમ કહી શકતા હતા કે ભારતીય સેના કાશ્મીરમાં જુલમ કરે છે. બીજી બાજુ, ધર્માંધ જેહાદી માનસિકતાવાળા ત્રાસવાદીઓ ભારતમાં જ ખતમ થઈ જતા હતા, જેથી તેઓ પાછા ફરીને પાકિસ્તાનને પણ જેહાદની લપેટમાં ન લઈ શકે અને પાકિસ્તાન પર આવા જેહાદીઓનું શાસન ન આવે. આઈએસઆઈને ૧૯૭૭માં ઉત્તર પ્રદેશના સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ્સ ઑફ ઇન્ડિયા (સિમી) જેવા સંગઠનનો પણ લાભ મળ્યો. સિમીનો હેતુ છે ભારતમાં ઈસ્લામી શાસન સ્થાપવું. તે લોકશાહી, બિનસાંપ્રદાયિકતા, રાષ્ટ્રવાદ અને ભારતના બંધારણ વગેરેને ઈસ્લામ વિરોધી ગણે છે.  સિમી આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી ઓસામા બિન લાદેનને પોતાનો નાયક (હીરો) ગણે છે!

પાકિસ્તાનમાં આજે પણ મૌલાના મસૂદ અઝહર, હાફીઝ સઈદ જેવા ખૂંખાર ત્રાસવાદીઓ છૂટા ફરે છે. પાકિસ્તાનની ભારતને છદ્મ યુદ્ધ દ્વારા હેરાન કર્યા રાખવાની અને ભારતમાં કટ્ટર ઈસ્લામી શાસન સ્થાપવાની નીતિને આજે નહીં નહીં તોય ૨૬ વર્ષ થઈ ગયા. તેની સામે ભારતે શું કર્યું? ભારતે ધાર્યું હોત તો સિંધ અને બલુચિસ્તાનના પ્રશ્ને પાકિસ્તાનને પોતાની સમસ્યાઓમાં જ વ્યસ્ત રાખી શક્યું હોત. ઈઝરાયેલ જેવા હુમલા કરી શક્યું હોત, પરંતુ એવું થયું નથી. સામાન્ય રીતે વિપક્ષમાં હોય ત્યારે પાકિસ્તાનને તેની ભાષામાં જડબાતોડ જવાબ દેવાની મોટી મોટી સિંહગર્જના કરનારા અટલ બિહારી વાજપેયી-નરેન્દ્ર મોદી જેવા ભાજપી નેતાઓ પણ સત્તામાં આવ્યા પછી મિંયાની મીંદડીની જેમ ચૂપ થઈ જાય છે અને નવાઝ શરીફને શાલ ભેટ તરીકે મોકલાવ્યા કરે છે. ઈદની મુબારકબાદ આપ્યા કરે છે. (યોગાનુયોગ ભાજપના બંને શાસનકાળ વખતે શરીફ જ વડા પ્રધાન હતા/છે). હવે તો સ્થિતિ એ આવી છે કે અત્યારે સૌથી ખૂંખાર ત્રાસવાદી સંગઠન તરીકે પંકાઈ ગયેલા આઈએસઆઈએસના ઝંડા પણ જમ્મુ-કાશ્મીરમાં ફરકાવા લાગ્યા છે. ભાજપ એવો પણ બચાવ કરી શકે તેમ નથી કે જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદીઓ સાથે સાંઠગાંઠ ધરાવનાર અબ્દુલ્લા પરિવારની સત્તા છે, કેમ કે પીડીપી સાથે તે સત્તામાં ભાગીદાર છે.

ઠીક ત્યારે. પ્રોક્સી વોરને આગળ વધારવા માટે પાકિસ્તાનના તત્કાળ શાસક ઝિયા ઉલ હક અને આઈએસઆઈએ ક્રિકેટનો સહારો પણ લીધો હતો. ત્રાસવાદીઓ પ્રવૃત્તિ ગુપ્ત રીતે કરવા માટે જમ્મુ-કાશ્મીરમાં ક્રિકેટ ક્લબ સારું ઓઠું બની ગઈ હતી. રાજ્યના દરેક મોહલ્લામાં ક્રિકેટ ક્લબ સ્થપાઈ. આમ રાજ્યમાં હજારો ક્રિકેટ ક્લબો અસ્તિત્વમાં આવી ગઈ. ‘કાશ્મીર ડિસ્ટોર્શન એન્ડ રિયાલિટી’ પુસ્તકમાં લેખક દીનાનાથ રૈના લખે છે કે આ ક્લબોમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા. તેમનો દેખાવ ચુસ્ત મુસ્લિમ જેવો રહેતો. દાઢી, સલવાર, કુર્તા એમનો વેશ રહેતો. આ ક્લબો યુવાનોને એકબીજા સાથે જોડાયેલા રાખવાનું કામ કરતી. ૧૯૮૪થી ૧૯૮૯માં જો કોઈ શ્રીનગરના રસ્તાઓ પરથી નીકળે તો ગલીઓમાં યુવાન ક્રિકેટ રમતા દેખાય. તેઓ પ્લાસ્ટિકના દડાથી રમતા. કોઈ વાર વટેમાર્ગુને દડો વાગી જાય, તો પણ કોઈ આ માટે ફરિયાદ કરતું નહીં. કાશ્મીરના યુવાનોનો ક્રિકેટમાં રસ જોઈને ઝિયાએ અચાનક જ જયપુરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યોજાનારી ટેસ્ટ મેચ જોવાનું ગોઠવી નાખ્યું. ઝિયાએ જાહેરાત તો એવી કરી નાખી કે ‘‘ક્રિકેટ ફોર પીસ’ (શાંતિ માટે ક્રિકેટ) એ મારું મિશન છે.’

૧૪-૧૬ જુલાઈ ૨૦૦૧ના રોજ, પાકિસ્તાને કારગીલમાં હુમલો કર્યો હોવા છતાં, તેના પર વળતો હુમલો કરવાના બદલે, અગાઉની કૉંગ્રેસની સરકારોની જેમ મંત્રણા માટે તે વખતના પાકિસ્તાનના શાસક જન. પરવેઝ મુશર્રફને આગરામાં બોલાવવાનું ભાજપની વાજપેયી સરકારે પસંદ કર્યું હતું. તે વખતે સુષમા સ્વરાજ જે અત્યારે વિદેશ પ્રધાન છે, તેમણે મુશર્રફની કુર્નિશ કરી હતી. મુશર્રફની ભારે આગતાસ્વાગતા કરાઈ હતી. આવું જ ૧૯૮૭માં ઝિયા ઉલ હક જયપુર આવ્યા ત્યારે રાજીવ ગાંધી સરકારે કર્યું હતું. એ સરકારને ત્યારે લાગ્યું હતું કે પોતે બહુ મોટું તીર માર્યું છે. એ વખતના માધ્યમોના અહેવાલો પ્રમાણે, સરકારે સત્તાવાર રીતે ઝિયાને આમંત્રણ નહોતું આપ્યું અને ભારતીય અધિકારીઓએ પણ ખાનગીમાં સ્વીકાર્યું હતું કે તેમને ઝિયાની મુલાકાતથી આશ્ચર્ય થયું છે. ઝિયાએ એવું કહ્યું હતું કે તેઓ ભારતીય ક્રિકેટ બૉર્ડના આમંત્રણથી ભારત આવ્યા છે. ઘણી વાર બે દેશોના વડાઓ વચ્ચે પબ્લિક રિલેશન (જેને પી.આર. કહેવાય છે) હરીફાઈ થતી હોય છે. એટલે કે અંદર ખાને ગમે તેટલું વેરઝેર હોય, બહાર મીઠો મીઠો દેખાવ કરવાનો. ઝિયાની મુલાકાત વખતે કેટલાક એવું માનતા હતા કે રાજીવ ગાંધી સામે પી.આર.માં મેદાન મારી જવા ઝિયાએ આ ઓચિંતી મુલાકાત ગોઠવી નાખી હતી.

આપણે ત્યાં ઘણા લોકો અતિશય ભોળા લાગે છે અથવા તો નમાલા. વિદેશીઓ આવે એટલે ઓળઘોળ થઈ જાય. અતિથિ દેવો ભવ એ આપણું સૂત્ર છે એ વાત સાચી, પરંતુ પોતાના રાષ્ટ્રના ગૌરવને ભૂલીને ઓળઘોળ થઈ જવું એ ખોટું છે. ચાહે, આપણી પણ રાજ કરી ગયેલા બ્રિટિશરો હોય કે આપણને પજવતા રહેલા અમેરિકા-રશિયા હોય કે પછી પાકિસ્તાની હોય, ત્યાંથી મામૂલી વ્યક્તિ પણ આપણે ત્યાં આવે તો ઘણા લોકોના મોમાંથી લાળ ટપકવા લાગે છે. પાકિસ્તાનના કલાકારો તો માત્ર ને માત્ર અહીં કમાવા જ આવે છે તેમ છતાં મહેશ ભટ્ટ જેવા બિનસાંપ્રદાયિકતાના નામે માત્ર ને માત્ર ઈસ્લામની તરફેણ કરનારા લોકો આવા કલાકારોને અહીં ભારતીય કલાકારોના ભોગે પુષ્કળ નામ ને દામ આપે છે. ભારતીય મિડિયા જે કેટલીક વાર દેશદ્રોહની કક્ષાએ વર્તે છે, તે ઓબામા-કેમેરોન કે મુશર્રફ જેવા વિદેશી શાસકો પણ ભારત આવે ત્યારે તેમણે કેટલી વાર છીંક ખાધી ને કેટલી વાર જાજરૂ ગયા સહિતની ઝીણી ઝીણી ને નકામી વિગતોથી પાનાં ભરી ભરીને છાપે છે- ચોવીસ કલાક એ જ બતાવ્યા કરે છે.

ઝિયા ઉલ હકની મુલાકાત વખતે પણ બિશનસિંહ બેદી જેવા ભારતીય ક્રિકેટરો પ્રભાવિત થઈ ગયા હતા. તેમણે કહેલું કે ઝિયા તો ખૂબ જ ઉમદા હૃદયના છે. એ મેચમાં અઝહરુદ્દીને શતક ફટકાર્યું જેને પાકિસ્તાનના મિડિયાએ ગાઈ વગાડીને રજૂ કર્યું. (એ વખતે ભારતીયો પણ અઝહરને તેની બેટ્સમેન-ફિલ્ડર તરીકેની સફળતાના કારણે તેમજ તેના નમ્ર વર્તનના કારણે માથે ચડાવતા હતા). તેણે કહ્યું કે એક મુસ્લિમ ભારતીય સમાજમાં પોતાનું સ્થાન બતાવી શકે છે. એક ભારતીય પત્રકારે તો ઘસડી નાખ્યું, “આ સેક્યુલરિઝમનો વિજય છે.”  એ જ અઝહર જ્યારે મેચ ફિક્સિંગમાં ફસાયો અને તેણે પોતાના બચાવમાં કહ્યું કે પોતે મુસ્લિમ હોવાથી તેને ફસાવવામાં આવે છે ત્યારે આ ‘સેક્યુલર’ પત્રકારોએ લખવું જોઈતું હતું કે “આ સેક્યુલરિઝમની હાર છે. અઝહરને માથે ચડાવ્યો પરંતુ જ્યારે તે ગુનામાં ફસાયો ત્યારે પોતાની લઘુમતીની ઓળખને આગળ કરી.”

પાકિસ્તાન અને ઝિયાનું ક્રિકેટ પોલિટિક્સ આગળ વધીને યુએઈ સુધી વિસ્તર્યું હતું જ્યાં અબ્દુલ રહેમાન બુખાતીરે બંધાવેલા સ્ટેડિયમમાં પૂર્વ પાકિસ્તાન કપ્તાન આસીફ ઇકબાલ (જે ૧૯૬૦માં ભારતથી પાકિસ્તાન ચાલ્યો ગયો હતો)ના મેનેજમેન્ટમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચો યોજાતી અને તેમાં અમ્પાયરોની આડોડાઈ અને અન્ય કારણોસર ભારતની હાર મોટા ભાગે નિશ્ચિત જ રહેતી. આનાથી કાશ્મીર સહિત ભારતમાં અનેક જગ્યાએ મુસ્લિમો ખુશ થતા જ્યારે રાષ્ટ્રવાદી લોકોનું મનોબળ ઘટતું. એ શારજાહની વાત આવતા હપ્તે.

(ક્રમશ:)

ભાગ- ૧  કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો

ભાગ-૨ કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

ભાગ-૩ કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!

ભાગ-૪ નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!

ભાગ-૫ શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

ભાગ-૬ હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડયંત્ર

ભાગ-૭  ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

ભાગ-૮ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

ભાગ-૯ શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

ભાગ-૧૦ કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

ભાગ-૧૧ ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

ભાગ-૧૨ ઈન્દિરાની સભામાં ફારુકના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યા!

ભાગ-૧૩કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

ભાગ-૧૪ ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ રાજભવનમાં રસપ્રદ ધડાધડી

ભાગ-૧૫ જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

ભાગ-૧૬ ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

ભાગ-૧૮ પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હારજા

ભાગ-૧૯ શાહબાનો કેસ: રાજીવના નિર્ણયથી કાશ્મીરમાં ઉજવણીનો માહોલ

ભાગ-૨૦ કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા

ભાગ-૨૧ કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.