(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૩૦/૮/૧૫ના રોજ આ લેખ છપાયો.)

(ભાગ-૧૯)

પાકિસ્તાન પ્રેરિત પ્રોક્સી વોર અને ત્રાસવાદનાં મૂળ ૧૯૮૦ના દાયકામાં નખાયા હોવાથી કાશ્મીરના મુખ્યપ્રધાન જી. એમ. શાહની વાત અટકાવીને આપણે એ વિશે બેએક હપ્તામાં જાણ્યું. આ બ્રેકના કારણે જી. એમ. શાહની વાત ભૂલાઈ ગઈ હોય તો તાજી કરીએ. શૈખ અબ્દુલ્લાના દીકરા ડૉ. ફારુક અબ્દુલ્લાના બનેવી જી. એમ. શાહે બળવો કરી કૉંગ્રેસના ટેકાથી સરકાર બનાવી. વિધાનસભામાં અધ્યક્ષની ભૂંડી ભૂમિકા પછી તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાવીને તેમણે અધ્યક્ષને દૂર કર્યા. અને પછી વિશ્વાસનો મત જીતી લીધો. હવે ફારુક અબ્દુલ્લા કઈ રીતે ફરી મુખ્યપ્રધાન તરીકે પાછા ફર્યા તેની વાત કરીએ.

૩૧ જુલાઈ, ૧૯૮૪ના રોજ જી. એમ. શાહ સરકારે વિશ્વાસનો મત જીતી લીધો. તે સરકાર પણ અગાઉની સરકારો જેવી જ નીકળી. પોતાના સસરા શૈખ અબ્દુલ્લા અને સાળા ફારુક અબ્દુલ્લાની જેમ જી. એમ. શાહ સરકારે પણ આવતાંવેંત ભૂખ્યા વરુ શિકાર કરે તેમ ભ્રષ્ટાચાર કરવા માંડ્યો. ૧૯૮૪માં લોકસભા ચૂંટણી થઈ તે પછી તો જી. એમ. શાહ સરકારે રીતસર લૂટ જ મચાવી. રાજ્યની જમીન બજાર ભાવ કરતાં અડધા ભાવે લીઝ પર આપવા માંડી. નઝૂલ (સરકારી) જમીન પર જે ગેરકાયદે કબજા હતા તેમને નિયમિત કરવા નિર્ણય લીધો. આથી ફેબ્રુઆરી ૧૯૮૫માં જગમોહને આ અંગે વિરોધ કરતો પત્ર મુખ્યપ્રધાનને લખ્યો.

શાહ સરકારે ચાવી રૂપ સ્થાનો પર બિનલાયક માણસોને બેસાડવા લાગ્યા. વરિષ્ઠ અધિકારીઓની આડેધડ બદલીઓ કરવા લાગી. જમ્મુ-કાશ્મીર બૅન્કના ચૅરમેન તરીકે ભારત પ્રત્યે નિષ્ઠા ન ધરાવતા શંકાસ્પદ વ્યક્તિની નિમણૂક કરી. જગમોહને કેન્દ્રીય નાણા પ્રધાન અને રિઝર્વ બૅન્કના અધ્યક્ષને તેનો વિરોધ કરતો પત્ર લખ્યો. આનાથી એ વ્યક્તિની નિમણૂક અટકી ગઈ. જગમોહન આ રીતે ઘણા બધા કિસ્સાઓમાં વિરોધ કરતા. તેથી કંટાળીને જી. એમ. શાહે વડા પ્રધાન રાજીવ ગાંધીને જગમોહનની ફરિયાદ કરી.

જગમોહને રાજીવ ગાંધીને પોતાનો ખુલાસો કરતો પત્ર લખ્યો કે હું જે કંઈ કરું છું તે જમ્મુ-કાશ્મીરના બંધારણની કલમ ૪૪ હેઠળ રાજ્યપાલને મળેલા અધિકારો હેઠળ જ કરું છું.

જી. એમ. શાહની સરકારના સમયમાં કોમવાદી તણાવ મોટા પ્રમાણમાં વ્યાપી ગયો હતો. લઘુમતી (જમ્મુ-કાશ્મીરના સંદર્ભમાં હિન્દુઓ) અત્યંત ભયભીત બનીને જીવતા હતા. અધિકારીઓનું  મનોબળ તૂટ્યું હતું. સચિવાલયમાં અશિસ્ત ફેલાઈ ગઈ હતી. ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર ઉધઈની જેમ તંત્રને કોરી ખાઈ રહ્યો હતો. સરકારી તંત્ર નિયંત્રણ વગરનું બેફામ બન્યું હતું. પહેલેથી નબળું અર્થતંત્ર વધુ ને વધુ નબળું પડી રહ્યું હતું.

રાજ્યપાલની દખલગીરી મુખ્યમંત્રી જી. એમ. શાહને સહન થાય તેવી નહોતી. તેમને પણ શૈખ અને ફારુક અબ્દુલ્લાની માફક કાશ્મીરના સુલતાનની જેમ રાજ્યને લૂટવું હતું, પણ રાજ્યપાલ મોટી અડચણરૂપ હતા. તેમને ડર પણ હતો કે રાજ્યપાલ ફરિયાદ કરશે તો ક્યાંક રાજીવ ગાંધીની સૂચનાથી કૉંગ્રેસ ક્યાંક તેમની સરકારને ટેકો પાછો ન ખેંચી લે. આથી તેમણે દિલ્હીમાં કાશ્મીરી સ્ટાઇલમાં ભવ્ય રાત્રિભોજનું આયોજન કર્યું. ‘ઇન્ડિયા ટૂડે’ સામયિકના ૧૫ એપ્રિલ, ૧૯૮૫ના અહેવાલ મુજબ, અંગ્રેજીમાં કહીએ તો એઇટ કોર્સ ડિનર અને ગુજરાતીમાં કહીએ તો બત્રીસ શાક અને તેંત્રીસ પકવાનનું તે મહાભોજ હતું. જી. એમ. શાહે રાજ્યના ખર્ચે ત્રણ વરિષ્ઠ પત્રકારોને વિમાનમાં દિલ્હી મોકલ્યા હતા, જે રાજીવ ગાંધીને અનૌપચારિક રીતે પૂછી લે કે તેઓ જી. એમ. શાહને ટેકો ચાલુ રાખવાના મતના છે કે નહીં તે ખાસ પૂછે. (કેટલાક પત્રકારો દિલ્હીમાં પણ આવા પેઇડ ક્વેશ્ચન્સ પૂછતા હોય છે.)

રાજીવ ગાંધીએ જી. એમ. શાહને ક્લિન ચીટ આપી દીધી. એટલું જ નહીં, રાજ્યપાલ જગમોહન અને મુખ્યપ્રધાન જી. એમ. શાહ વચ્ચેના વણસેલા સંબંધો માધ્યમોની ઉપજ હોવાનું કહ્યું. જી. એમ. શાહે રાજ્યપાલ અને પોતાના વચ્ચે અણબનાવ અંગેના અહેવાલો અંગે એવી ટીપ્પણી કરી હતી કે પત્રકારો હવામાં પતંગ ઉડાડી રહ્યા છે. જ્યારે વડા પ્રધાન રાજીવ ગાંધીએ એવું કહ્યું કે સમાચારપત્રોએ વેચાણ માટે આવું કહેવું પડે.

જી. એમ. શાહે રાજીવ ગાંધી આગળ પોતાની રજૂઆત કરી તો સામે પક્ષે પોતાની વાત રજૂઆત કરવા જગમોહન પણ દિલ્હી તેમના પખવાડિયા અગાઉ પહોંચ્યા હતા. જગમોહન રાજીવ ગાંધીને જ નહીં રાષ્ટ્રપતિ ઝૈલસિંહને પણ મળ્યા હતા. તો આ તરફ ફારુક અબ્દુલ્લાની છાવણી પણ ચૂપ નહોતી બેઠી. ફારુકનાં માતાના નેતૃત્વમાં નેશનલ કૉન્ફરન્સના સાંસદો પણ રાજીવ ગાંધીને મળ્યા. વડા પ્રધાન રાજીવે તેમને ખાતરી આપી કે તેઓ તેમની ફરિયાદો પર ધ્યાન આપશે. તો આ તરફ, રાજીવના પોતાના પક્ષ કૉંગ્રેસના નેતાઓ પણ રાજીવ ગાંધીને એવી ફરિયાદો સાથે મળ્યા કે રાજ્યમાં કોમી ભાવનાઓ ભારે પ્રવર્તી રહી છે અને અલગતાવાદી પરિબળોને છૂટો દોર મળી ગયો છે. (એ વખતે કૉંગ્રેસે એટલું બધું તુષ્ટિકરણ શરૂ નહોતું કર્યું, જેના કારણે હિન્દુઓનું દુઃખ પણ તેને દેખાતું હતું.) વિધાનસભાના સત્રમાં કૉંગ્રેસના નેતા ત્રિલોચન દત્તે તો સરકારની ભ્રષ્ટાચાર રોકવામાં નિષ્ફળતા માટે ઝાટકણી પણ કાઢી નાખી.

ફારુક અબ્દુલ્લા પોતે પણ મેદાને પડ્યા. તેમની મેટાડોર વાનમાં તેઓ ગામડેગામડાં ખૂંદી વળ્યાં. તેઓ કહેતા: “મારા મિત્ર રાજીવે રાજ્ય સરકારને લોકોને લૂટવા અનુમતિ આપી દીધી છે. સરકારને દૂર કરવા ચાલો, આપણે લડીએ.”

આ બધામાં સૌથી મોટો પડકાર સ્વાભાવિક જ જગમોહન તરફથી હતો. કોઈ પણ સરકાર હોય, રાજ્યપાલ તરફથી અહેવાલ આવે એ કાયદેસર પગલાં માટે બાધ્ય બની જતો હોય છે. જગમોહને જી. એમ. શાહના ભ્રષ્ટાચાર અને રાજ્યમાં મુસ્લિમ કટ્ટરવાદીઓના આતંક વિશે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું. તેમણે આ મુદ્દાઓ ઉઠાવ્યા હતા: ૧. પાકિસ્તાન તરફીઓ અને અલગાવવાદીઓને જેલમાંથી બિનશરતી રીતે છોડી મૂકવામાં આવ્યા. ૨. ધાર્મિક ભરતી બૉર્ડની નાબૂદી અને સરકારી નોકરીઓમાં મંત્રીઓના સગાવહાલાઓની નિમણૂક. ૩. સરકારી નોકરીઓમાં કટ્ટર મુસ્લિમોની નિમણૂક ૪. નઝૂલ અને લીઝ પરની જમીન તેના કબજેદારોને બજાર કિંમત કરતાં અડધી કિંમતે આપી દેવી. ૫. કેબિનેટ મંત્રીઓને સીધી કરદાતાઓ સાથે વાટાઘાટ કરીને મહેસૂલ અને કરવેરામાં માફી આપવાની છૂટ ૬. ભ્રષ્ટાચારના ગંભીર આરોપવાળા વ્યક્તિની જમ્મુ-કાશ્મીર બૅન્કના અધ્યક્ષ તરીકે નિમણૂક.

અત્યારે જે કનડે છે તે અલગતાવાદી સૈયદ અલી શાહ ગિલાની ત્યારે પણ કાશ્મીરને કનડતા હતા. ૧૯૮૪ના ડિસેમ્બરમાં, લોકસભાની ચૂંટણી પહેલાં, સૈયદ અલી શાહ, જેમની જાહેર સુરક્ષા કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી, તેમને છોડી મૂકવામાં આવ્યા. તેઓ છૂટીને પછી જાહેર સભાઓ સંબોધવા લાગ્યા અને તેમણે પાકિસ્તાન તરફી પ્રવચનો આપ્યાં અને લોકોને દેશમાં ઈરાન પ્રકારની ક્રાંતિ કરવા ઉશ્કેર્યા.

કેન્દ્ર સરકારના હસ્તક્ષેપથી ગિલાનીની ફરી ધરપકડ કરવામાં આવી. પરંતુ તેને રાજ્ય સરકારે ફરીથી છોડી મૂક્યા. નાયબ મુખ્યપ્રધાન ડી. ડી. ઠાકુરે એવો બચાવ કર્યો હતો કે ગિલાનીની તબિયત એટલી ખરાબ હતી કે જો જેલમાં તેમનું મૃત્યુ થઈ જાત તો સરકાર માટે સમસ્યા થાત.

કાશ્મીરી પંડિતોએ શરૂઆતમાં જી. એમ. શાહને ટેકો આપ્યો હતો, એમ સમજીને કે ફારુક અબ્દુલ્લાના શાસનમાં કટ્ટર ઈસ્લામી પરિબળોએ માઝા મૂકી હતી તો આમના રાજમાં એવું કંઈ નહીં થાય. પરંતુ તેમની આશા ઠગારી નિવડી. રાજ્યની એડ્મિશન અને ભરતીની નીતિ મુસ્લિમો તરફી જ હતી. ઑલ ઇન્ડિયા કાશ્મીરી પંડિત્સ કૉન્ફરન્સના વડા એચ. એન. જત્તુએ કહ્યું કે કૃષિ ખાતામાં ૬૦૦ ભરતી થઈ જેમાંથી માત્ર છ હિન્દુઓ હતા. અને ૩૧ શિક્ષિકાઓ પૈકી માત્ર ચાર જ પંડિત હતી. જોકે તેમાંથી ૨૮ જેટલી શિક્ષિકાઓ મેરિટમાં ઘણી આગળ હતી. વિદ્યાર્થીઓએ પણ ફરિયાદ કરી હતી કે તેઓ હિન્દુ હોવાથી તેમને શૈક્ષણિક સંસ્થાઓમાં એડ્મિશન અપાઈ રહ્યું નથી. (અત્યારે મુસ્લિમને ફ્લેટ ન મળતો હોવાની વાત, જે પાછળથી ખોટી સાબિત થાય છે, ને મિડિયા ખૂબ જ ચગાવે છે, પરંતુ ક્યારેય આ બધી વાતો પ્રકાશમાં લાવી? ક્યારેય આ મામલે ચર્ચા કરી?)

કાશ્મીર સશસ્ત્ર પોલીસ (કેએપી)ની બે બટાલીયન ઊભી કરવાના શાહના નિર્ણયે પણ ટીકા વહોરી લીધી. કૉંગ્રેસે ફારુક અબ્દુલ્લા સરકારની પણ આ મામલે ટીકા કરી હતી કારણકે તેમાં કોમવાદી મુસ્લિમોને નોકરીઓ આપવાની વાત હતી.

આમ, રાજીવ ગાંધીએ ભલે જી. એમ. શાહને જીવનદોરી આપી દીધી, પરંતુ કૉંગ્રેસના નેતાઓ અંદરખાને નાખુશ હતા. અને તેમના માટે રાહત કે આશાની વાત એ હતી કે રાજ્યપાલ તરીકે જગમોહન હતા જે પોતે પણ આ સરકારથી ખુશ નહોતા. હવે તો ફારુક પણ કહેવા લાગ્યા હતા કે રાજ્યપાલનું શાસન હોય તે વધુ સારું.

૧૯૮૬માં રાજીવ ગાંધીએ વડા પ્રધાન તરીકે સૌથી મોટી મૂર્ખામી કરી. શાહબાનો નામની ૬૨ વર્ષની વૃદ્ધા અને પાંચ સંતાનોની માતાને ૧૯૭૮માં તેના પતિએ છૂટા છેડા આપતાં તેણે સર્વોચ્ચ ન્યાયાલયમાં કેસ કર્યો હતો. આ કેસમાં તે જીત્યાં અને તેમને તેમના પતિ તરફથી ભરણપોષણ મળવું જોઈએ તેવો નિર્ણય આવ્યો. આ ચુકાદા સામે રૂઢિચુસ્ત મુસ્લિમોએ વિરોધ કર્યો કે ઈસ્લામી કાયદામાં આ દખલગીરી છે. તેઓ શેરીઓમાં નીકળી પડ્યા. ઈન્દિરા ગાંધીની ૧૯૮૪માં હત્યા થતાં કૉંગ્રેસને અભૂતપૂર્વ બહુમતી મળી હતી. પરંતુ રાજીવ ગાંધીમાં પરિપક્વતા નહોતી. (રાહુલમાં કેમ નથી, તે હવે સમજાય છે?) કેટલાક નેતાઓએ (ખોટી) સલાહ આપી કે જો આપણે સર્વોચ્ચનો ચુકાદો બદલી નહીં નાખીએ તો આગામી ચૂંટણીમાં આપણે હારી જઈશું. આથી રાજીવની સરકારે સંસદમાં બહુમતીના જોરે સર્વોચ્ચનો ચુકાદો પલટાવી નાખવાનો દુર્ભાગી નિર્ણય કર્યો અને મુસ્લિમ મહિલાઓ (છૂટાછેડા પર અધિકારની સુરક્ષા) નામનો કાયદો પસાર કર્યો. કાયદાના નામમાં છળ કેવું છે? અધિકારની સુરક્ષા કે અધિકારથી વંચિત રાખવાની વાત હતી? મહાત્મા ગાંધીજીએ ખિલાફત આંદોલન દ્વારા મુસ્લિમ તુષ્ટિકરણની શરૂઆત કરી જેને રાજીવ ગાંધીએ નવેસરથી ઉખેળી. કાશ, રાજીવ ગાંધી મહાત્મા ગાંધી કરતાં તેમની માતાના પગલે ચાલ્યા હોત. જેમણે કોઈનું તુષ્ટિકરણ નહોતું કર્યું. પરંતુ રાજીવ ગાંધી સોનિયા ગાંધી જેવા નહોતા. તેમણે એવું વિચાર્યું કે મુસ્લિમોને ખુશ કર્યા એટલે હવે હિન્દુઓને પણ ખુશ કરવા પડશે. આથી તેમણે અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળે તાળાં ખોલાવી નાખવાનો આદેશ આપ્યો. (તમે નોંધજો, આના પગલે મુસ્લિમ કટ્ટરવાદ અને હિન્દુ કટ્ટરવાદ બંનેનો જન્મ થયો.)

શાહબાનો કેસમાં સર્વોચ્ચના નિર્ણયને રાજીવ ગાંધીએ પલટી નાખતાં, કટ્ટર મુસ્લિમો ખૂબ જ ખુશ હતા. કાશ્મીરમાં તેનો જબરો પડઘો પડ્યો. વગર ઈદે ઉજવણીનો માહોલ થઈ ગયો. લોકસભામાં રાજીવ ગાંધી મંત્રીમંડળના વરિષ્ઠ કેબિનેટ મંત્રી ઝેડ. આર. અન્સારીએ નવા કાયદાની તરફેણમાં જે ભાષણ આપ્યું હતું તેમાં તેમણે સર્વોચ્ચ ન્યાયાલય અને તેના ન્યાયાધીશોની હાંસી ઉડાવી હતી. એક માત્ર આરીફ મોહમ્મદ ખાન જે રાજ્યપ્રધાન હતા તેમણે જ રાજીવ ગાંધી સરકારના આ કાયદાનો વિરોધ કર્યો હતો. આ મુદ્દે તેમણે કૉંગ્રેસ છોડી હતી અને તેઓ બાદમાં વી. પી. સિંહના જનતા દળમાં જોડાઈ ગયા હતા. તે પછી તેઓ બહુજન સમાજ પક્ષ અને બાદમાં ભાજપમાં પણ જોડાયા, પરંતુ ૨૦૦૭માં તેમણે પોતાની ઉપેક્ષાને કારણ ગણાવી ભાજપ છોડી દીધો. રાજકારણમાં આરીફ મોહમ્મદ ખાન જેવા પ્રગતિશીલ મુસ્લિમનું કોઈ કામ કે મહત્ત્વ હોય તેમ લાગતું નથી, ચાહે તે ભાજપ જ કેમ ન હોય. બધાને ઓવૈસી જેવા લોકો જ ખપે છે. તો, ઝેડ. આર. અન્સારીના એ ભાષણનો એક-એક શબ્દ શ્રીનગરના તમામ સમાચારપત્રોમાં છપાયો હતો. ફેરિયાઓ બૂમો પાડી પાડીને સમાચારપત્રો વેચી રહ્યા હતા: “લા-દીન હિન્દુસ્તાન પર ઈસ્લામ કા તમાચા.”

(ક્રમશઃ)

ભાગ- ૧  કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો

ભાગ-૨ કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

ભાગ-૩ કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!

ભાગ-૪ નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!

ભાગ-૫ શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

ભાગ-૬ હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડયંત્ર

ભાગ-૭  ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

ભાગ-૮ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

ભાગ-૯ શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

ભાગ-૧૦ કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

ભાગ-૧૧ ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

ભાગ-૧૨ ઈન્દિરાની સભામાં ફારુકના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યા!

ભાગ-૧૩કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

ભાગ-૧૪ ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ રાજભવનમાં રસપ્રદ ધડાધડી

ભાગ-૧૫ જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

ભાગ-૧૬ ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

ભાગ-૧૭ પાકિસ્તાનનું પ્રૉક્સી વોર અને ક્રિકેટ પોલિટિક્સ

ભાગ-૧૮ પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હારજા

ભાગ-૨૦ કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા

ભાગ-૨૧ કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.