(મુંબઈ સમાચારની રવિવારની  પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજી’ કૉલમમાં તા.૨૬/૭/૧૫ના રોજ આ લેખ છપાયો.)

(ભાગ-૧૪)

૨ જુલાઈ, ૧૯૮૪નો એ દિવસ હતો. ઘડિયાળમાં સવારના સાતના ટકોરા થઈ રહ્યા હતા. જગમોહન તૈયાર થઈને તેમની ઑફિસમાં બેસી ગયા હતા. તેમને કહેવામાં આવ્યું કે જી. એમ. શાહના નેતૃત્વમાં એક જૂથ તેમને મળવા આવ્યું  છે. તેમની સાથે કૉંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા ઇફ્તિખાર હુસૈન અનસારી પણ છે. જગમોહને થોડું વિચારી લીધું અને પછી તે લોકોને બોલાવ્યા.

જી. એમ. શાહે ૨૮ જૂન, ૧૯૮૪ના રોજ લખાયેલો એક કાગળ આપ્યો જેમાં ૧૨ ધારાસભ્યોની સહી હતી અને સાથે એક અપક્ષ ધારાસભ્યનો પત્ર પણ હતો. તેમાં ફારુક અબ્દુલ્લામાં હવે તેમને વિશ્વાસ ન રહ્યો હોવાનું લખાયું હતું અને સ્વાભાવિક જ તેમાં બહાનું વિચારધારાનું લેવાયું હતું કે ફારુક શૈખ અબ્દુલ્લાના સિદ્ધાંતો પર ચાલી રહ્યા નથી. ભ્રષ્ટાચાર ખૂબ ફૂલ્યોફાલ્યો છે…વગેરે વગેરે.

જી. એમ. શાહે ૧૩એય ધારાસભ્યોને રાજ્યપાલ જગમોહન સમક્ષ હાજર કરી દીધા. (અંગ્રેજીમાં તેને પરેડ કરાવી તેમ કહેવાય છે.) જગમોહને સવાલ પૂછ્યો કે શા માટે તેઓ પોતાની શક્તિનું પ્રદર્શન વિધાનસભામાં કરતા નથી. તેમણે જવાબ આપ્યો કે વિધાનસભાના અધ્યક્ષ (સ્પીકર) પક્ષપાત કરશે. ૨૭ જાન્યુઆરી, ૧૯૮૪ના રોજ પણ વિધાનસભામાં વિશ્વાસ મત લેવાયો હતો અને ફારુકે તે વખતના રાજ્યપાલ બી. કે. નહેરુને આશ્વાસન આપ્યું હતું કે ન્યાયી રીતે મત લેવાશે. પણ એમ થયું નહોતું. આ વખતેય અમે જો તેમ કરવા જઈશું તો પોલીસને ગુંડાઓના રૂપમાં અમારા પર છોડી મૂકાશે. ટોળાંઓને પણ અમારી સામે ઉશ્કેરાશે.

જગમોહનને તેમની વાત વાજબી લાગી. તેમણે બધા દસ્તાવેજો લીધા અને પછી ફારુકને ફોન કરી તેમને રાજભવન આવવા જણાવ્યું. ફારુકે કહ્યું કે તેઓ નાહીને આવે છે. ફારુકને નાહીને રાજભવન આવતા ૪૫ મિનિટ થઈ! દરમિયાનમાં જગમોહને જી. એમ. શાહના દસ્તાવેજોની ફોટો કોપી (ઝેરોક્સ) કઢાવી લીધી. (આ બધું વિગતવાર પહેલી વાર કોઈ રાજ્યપાલની પોતાની કલમે જાણવા મળે છે. બાકી આવી સ્થિતિમાં શું થતું હોય છે તે અખબારો કે ટીવી ચેનલો દ્વારા આટલી વિગત સાથે જાણવા ન મળે.) દરમિયાનમાં લેફ્ટ. જન. એમ. એલ. છિબ્બર પણ આવી પહોંચ્યા. જગમોહને તેમને ચા આપવા કહ્યું અને તેમને બધી પરિસ્થિતિથી અવગત કરી દીધા. દરમિયાનમાં જગમોહનના એડીસીએ તેમને જણાવ્યું કે ફારુક આવી પહોંચ્યા છે. જગમોહને તેમને ડ્રોઇંગ રૂમમાં બેસાડવા કહ્યું.

જગમોહન ફારુક પાસે ગયા. શરૂઆતના શિષ્ટાચાર બાદ, જગમોહન સીધા મુદ્દા પર આવી ગયા: “રાજકીય કટોકટી સર્જાઈ છે. આપણે તેને શાંતિથી સંભાળવી પડશે. આપણે એ ખાતરી કરવી પડશે કે જે કંઈ પણ નિર્ણય લેવાય તેના પ્રત્યાઘાતરૂપે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે તેવું કંઈ નહીં કરાય.” આમ કહી જગમોહને જી. એમ. શાહના પત્રો બતાવ્યા અને કહ્યું કે અગાઉ ૨૭ જાન્યુઆરી, ૧૯૮૪ના રોજ જે રીતે તમે વિશ્વાસનો મત મેળવ્યો હતો તેના કારણે તેમને વિશ્વાસ નથી રહ્યો કે વિધાનસભામાં ન્યાયી રીત અજમાવાશે. તેઓ કહે છે કે તેમને મુખ્યમંત્રી બનાવી દેવાય.

આ સાંભળી ફારુકની રોષપૂર્ણ પ્રતિક્રિયા આવી. તેમણે આ બળવાખોર ધારાસભ્યોને ચોર, બદમાશ, આવારા જેવા શબ્દોથી નવાજ્યા. તેમણે આ પત્રો અસલ છે કે કેમ તે સવાલ ન ઉઠાવ્યો. કદાચ તેમને અણસાર આવી ગયો હતો કે આવું કંઈક બનવાનું છે. ફારુક વધુ કંઈ બોલી શક્યા નહીં. જગમોહને તેમને સ્પષ્ટ સમજાવી દીધું કે તેઓ હવે લઘુમતીમાં છે. પરંતુ તેમણે તેમને સાથે એ પણ સમજાવ્યું કે તેઓ તેમના પર તો વિશ્વાસ કરી શકે પરંતુ શેરીઓ પર નીકળી પડનારા તેમના સમર્થકો પર નહીં. જગમોહને પોતાનું મન પણ જણાવી દીધું કે શ્રેષ્ઠ વાત તેઓ એ કરી શકે કે તેઓ રાષ્ટ્રપતિ શાસન લાદી દેશે.

જગમોહનની આ વાતથી ફારુક રાજી થઈ ગયા. તેઓ કદાચ ઈચ્છતા હતા કે ભલે પોતાના હાથમાં સત્તા ન રહે તો વાંધો નહીં, પરંતુ બનેવી જી. એમ. શાહના હાથમાં પણ સત્તા ન જવી જોઈએ. પણ જગમોહન કાચી માટીના ઘડા નહોતા. તેમણે ફારુકને જણાવી દીધું કે તેઓ રાષ્ટ્રપતિ શાસનની વાત સાથે સંમત છે તેવું જણાવતો પત્ર તેઓ બને તેટલો જલદી મોકલાવે. ફારુક કોઈ ખચકાટ વગર સંમત થઈ ગયા. ફારુક ડ્રોઇંગ રૂમની બહાર જવા ગયા ત્યારે તેમને રાજ્યપાલની ઓફિસનો રૂમ અર્ધખુલ્લો દેખાયો જેમાં તેમણે લેફ્ટ. છિબ્બરને જોયા. આથી જગમોહને છિબ્બરને બોલાવવાનું કારણ કહેવું પડ્યું. જોકે બાદમાં માધ્યમોમાં એવી વાત લીક કરવામાં આવી (અને સ્પષ્ટ હતું કે તે ફારુકના ઈશારે જ કરાઈ હશે) કે ફારુકને ધમકાવવા માટે છિબ્બરને બોલાવાયા હતા.

જગમોહનને ચિંતા એ વાતની હતી કે કાશ્મીરની શેરીઓમાં હિંસા ન થાય. કાશ્મીરના ટોળાંઓ સહેલાઈથી ઉશ્કેરાઈ જનારા છે. તેઓ બહુ જલદી ઉન્માદી થઈ જાય છે, ચાહે તેઓ કોઈ મુદ્દાને સમર્થન કરતા હોય કે તેનો વિરોધ કરતા હોય. એક વાર તેઓ લાગણીશીલ અને તંગદિલ થઈ જાય પછી તેમને કોઈ અટકાવી શકે નહીં. તેઓ રોડ પર અડચણો ઊભી કરી દે, બસ અને કાર પર પથ્થરમારો કરવા લાગે. તેઓ મોટા ભાગના બેરોજગાર હોય છે અને તેમના મનોરંજન માટે કોઈ પ્રવૃત્તિ જ નથી, જે તેમને રોકેલા રાખે.

જગમોહને બીજું કામ એ કર્યું કે મૌલવી ફારુકીને રાજભવનમાં બોલાવ્યા. મૌલવી ફારુકી અવામી એક્શન કમિટીના ચૅરમેન હતા અને હિંસા કરી શકે તેવા દસ હજાર લોકોનો તેમને ટેકો હતો. શ્રીનગરમાં જાહેર વ્યવસ્થા જાળવવી હોય તો તેમને સાથે લેવા જરૂરી હતા. જગમોહને એમ કહીને તેમને બોલાવ્યા કે બંધારણીય કટોકટીમાં શું કરવું તેના પર સલાહ-વિચારણા માટે આવો. મૌલવી તો પોતાને રાજ્યપાલ દ્વારા આટલું મહત્ત્વ મળતું જોઈ રાજી રાજી થઈ દોડી આવ્યા. હકીકતે, શહેરમાં કાયદા-વ્યવસ્થાને કાબૂમાં રાખવા વ્યવસ્થા ન થાય ત્યાં સુધી જગમોહન મૌલવીને વાતચીતમાં રોકેલા રાખવા માગતા હતા. પણ કેટલીક પરિસ્થિતિ તેમના પણ હાથમાં નહોતી, જેમ કે ઓલ ઇન્ડિયા રેડિયોએ તેના ૮ વાગ્યાના સમાચાર બુલેટિનમાં સમાચાર વહેતા કર્યા કે જી. એમ. શાહ ૧૩ ધારાસભ્યોને લઈને રાજ્યપાલને મળ્યા. તેમણે ફારુકને ટેકો પાછો ખેંચી લીધો છે અને પોતે સરકાર બનાવવા દાવો કરે છે.

આ સમાચાર લીક થવાથી જગમોહન ચિંતામાં મૂકાઈ ગયા. તેમને પ્રશ્ન થયો કે કોઈએ મૂર્ખામી કરી હતી કે પછી શાંતિ રાખવાની તેમની કોશિશ પર કોઈ પાણી ફેરવવા પ્રયાસ કરી રહ્યું છે? આ સમાચારથી થનારી સંભવિત પરિસ્થિતિને ખાળવા પણ તેમણે પગલાં લીધાં. તેમાંથી એક પગલું તો આ મૌલવીને બોલાવ્યા તે હતું જ, બીજી તરફ, સલાહ-વિમર્શ, પત્રો લખવા, બંધારણીય અને વહીવટી મુદ્દાઓ ઉકેલવા…વગેરે કામો ઝડપથી કરવાનાં હતાં. સૌથી પહેલાં તો તેમણે રાષ્ટ્રપતિને વાઇરલેસ સિગ્નલ મોકલ્યું જેની કોપી તેમણે કેબિનેટ સચિવ, ગૃહ સચિવ અને વડા પ્રધાનના સચિવને મોકલી. તેમાં તેમણે સ્પષ્ટ લખ્યું કે જી. એમ. શાહના નેતૃત્વમાં ૧૩ ધારાસભ્યોએ ફારુક સરકારને ટેકો પાછો ખેંચતાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ ચિંતાજનક છે. હું ઈચ્છું છું કે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે.

તે પછી તેમણે ગૃહ સચિવ અને કેબિનેટ સચિવ સાથે ફોન પર પણ વાત કરી. તેમને તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાદવાની જરૂરિયાત સમજાવી. બંને સચિવો સંમત પણ થયા. તે જ વખતે શ્રીલંકાના પ્રમુખ જયવર્ધને આવ્યા હતા અને ઈન્દિરા ગાંધી તેમની સાથે મંત્રણામાં વ્યસ્ત હતાં. તે પછી જગમોહને તેમના સ્ટાફને રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે ફોન પર વાત કરાવવા જણાવ્યું. મુખ્ય સચિવ સવાર સવારમાં ગોલ્ફ રમવા ગયા હતા અને તેમને પરિસ્થિતિની કંઈ ખબર જ નહોતી. ડીજીપી રાજભવન આવી પહોંચ્યા અને જગમોહને તેમને બધી પરિસ્થિતિ જણાવી દીધી અને કહ્યું કે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમને રાજ્યપાલ કે રાજકીય અગ્રણીના આદેશની જરૂર નથી.

જગમોહને ત્રીજું કામ એ કર્યું કે તેમણે ફારુક અબ્દુલ્લાને મોઢામોઢ વાત તો કરી હતી પરંતુ પત્રવ્યવહાર જરૂરી હતો. તેમણે ફારુક સરકાર હવે લઘુમતીમાં છે અને તેઓ હવે મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેતા નથી અને તેથી તેમણે રાજીનામું આપી દેવું જોઈએ તેવો પત્ર પણ લખી નાખ્યો. તેમાં તાજી નોંધ તરીકે એ વાતનો ઉલ્લેખ પણ કર્યો કે આપણે રૂબરૂ મળ્યા છીએ અને ફારુકે પોતાને રાષ્ટ્રપતિનું શાસન લાદવા સલાહ આપી છે અને જો ફારુક પોતાને આ અંગે પત્ર લખી આ વાતની પુષ્ટિ કરશે તો પોતે તેમના આભારી રહેશે તેમ પણ જણાવ્યું.

સવારે મળવા આવ્યા ત્યારે જી. એમ. શાહે એ ભીતિ પણ વ્યક્ત કરી હતી કે ફારુક વિધાનસભા ભંગ કરવાનું સૂચન કરશે અને તેમ થાય તો રાજ્યપાલે તે માનવું જોઈએ નહીં. ગયા અંકે લખ્યું તેમ, જી. એમ. શાહને મુખ્યમંત્રી બનાવાયા બાબતે જગમોહનની ખૂબ જ ટીકા થઈ હતી, તેથી તેમણે આ બધી સ્પષ્ટતા વિગતે કરી છે, અને ખાસ તો એ સ્પષ્ટતા કરી છે કે તેઓ હકીકતે રાષ્ટ્રપતિ શાસન લાદવા માગતા હતા. વળી, તેમણે જી. એમ. શાહના દસ્તાવેજી પુરાવાના આધારે પગલું લીધું હતું. જો ફારુક અબ્દુલ્લાએ એક દિવસ અગાઉ તેમના સાથીઓ સાથે વિધાનસભા ભંગ કરવાની સલાહ આપી હોત તો રાજ્યપાલને તેમ કરવું પડ્યું હોત, પણ હવે તો ફારુક લઘુમતીમાં હતા. તેથી તેમની સલાહ માનવી તેમના માટે બાધ્ય નથી. વળી, જગમોહન પહેલાંના રાજ્યપાલ બી. કે. નહેરુનો ફારુકને લખાયેલો પત્ર પણ જગમોહન પાસે આધારરૂપ હતો જેમાં બી. કે. નહેરુએ વિધાનસભામાં અવિશ્વાસ મત અંગે બળવાખોરો અને વિપક્ષોને ભય અંગે લખ્યું હતું તેમજ લખ્યું હતું કે જો આવું કોઈ પ્રતિનિધિમંડળ મારી સમક્ષ આવશે અને તેમનાં માથાં ગણીને મને લાગશે કે તમે લઘુમતીમાં આવી ગયા છો તો મારી પાસે તમારી સરકાર બરતરફ કરવા સિવાય કોઈ વિકલ્પ નહીં બચે.

આમ, જગમોહને રાજભવનમાં ધારાસભ્યોનાં માથાં ગણીને નિર્ણય લીધો તેની વાતનો છેદ આ પત્રથી ઊડી જાય છે. ફારુક અબ્દુલ્લાએ જે કંઈ સ્થિતિ સર્જાઈ તે પછી પોતાના બચાવમાં ‘માય ડિસ્મિસલ’ નામની પુસ્તિકા બહાર પાડી હતી. તેમાં લખ્યું હતું કે “જગમોહનને કાયદા અને વ્યવસ્થા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવાની જરૂર કેમ પડી? તેમણે કલ્પી લીધું હતું કે જો મને કાયદેસર બરતરફ કરવામાં નહીં આવે તો કાયદા અને વ્યવસ્થાની ખરાબ પરિસ્થિતિ સર્જાશે.” જગમોહને આના બચાવમાં લખ્યું છે કે મેં ફારુક કે જી.એમ. ગમે તેની તરફેણમાં નિર્ણય લીધો હોત તો પણ પરિસ્થિતિ બગડવાની જ હતી, તેથી જ મેં તે માટે પગલાં લીધાં.

જગમોહને ફરી ગૃહ સચિવ અને કેબિનેટ સચિવને ફોન કર્યો તો તેમને જાણવા મળ્યું કે ઈન્દિરાજીએ કેબિનેટની બેઠક બોલાવી છે અને બપોરના એક વાગતા સુધીમાં તેમને મંજૂરી મળી જશે. આ વાત થયા પછી તરત જ જગમોહને જી. એમ. શાહ અને દાદા ઠાકુરને બોલાવીને કહી દીધું કે તેમની નજરમાં શ્રેષ્ઠ વિકલ્પ રાષ્ટ્રપતિ શાસન લાદવાનો છે. શાહ-ઠાકુરે કહ્યું એ વાજબી નથી અને આમ કહી તેઓ ચર્ચા માટે ચાલ્યા ગયા. આ તરફ, કેબિનેટ-ગૃહ સચિવની વાતથી હળવા થયેલા જગમોહને રાષ્ટ્રપતિ શાસન અને તેનું કારણ જણાવતી અખબારી યાદી તૈયાર કરાવવા માંડી. પરંતુ જગમોહનને ક્યાં ખબર હતી કે તેમણે ધારેલું થવાનું નહોતું અને ઈન્દિરા ગાંધી બીજો જ નિર્ણય લેવાના હતા અને ફારુક પણ પોતાની વાતથી ફરી જશે..?.

(ક્રમશ:)

ભાગ- ૧  કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો

ભાગ-૨ કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

ભાગ-૩ કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!

ભાગ-૪ નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!

ભાગ-૫ શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

ભાગ-૬ હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડયંત્ર

ભાગ-૭  ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

ભાગ-૮ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

ભાગ-૯ શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

ભાગ-૧૦ કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

ભાગ-૧૧ ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

ભાગ-૧૨ ઈન્દિરાની સભામાં ફારુકના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યા!

ભાગ-૧૩કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

ભાગ-૧૫ જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

ભાગ-૧૬ ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

ભાગ-૧૭ પાકિસ્તાનનું પ્રૉક્સી વોર અને ક્રિકેટ પોલિટિક્સ

ભાગ-૧૮ પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હારજા

ભાગ-૧૯ શાહબાનો કેસ: રાજીવના નિર્ણયથી કાશ્મીરમાં ઉજવણીનો માહોલ

ભાગ-૨૦ કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા

ભાગ-૨૧ કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

Advertisements

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.