(ભાગ-૨૧)

(મુંબઈ સમાચાર દૈનિકની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૩/૯/૧૫ના રોજ છપાયો.)

જી. એમ. શાહ નામનો કાંટો તો રસ્તામાંથી દૂર થઈ ગયો હતો, પણ હજુ જગમોહન રાજ્યપાલ તરીકે સત્તામાં હતા અને બહુ સારી રીતે પ્રશાસન ચલાવી રહ્યા હતા. આજે પણ કાશ્મીરના લોકો એ ટૂંકા પાંચ મહિનાના જગમોહનના શાસનને યાદ કરે છે. સપ્ટેમ્બર ૧૯૮૬માં રાષ્ટ્રપતિ શાસન લદાઈ ગયું હતું. પાણીની બહાર જેમ માછલી તરફડે તેમ શૈખ અબ્દુલ્લા સત્તા વગર તરફતડતા હતા અને તેમણે ડાહી ડાહી વાતો કરીને ઈન્દિરા ગાંધી સાથે સમજૂતી કરી હતી (વાંચો: કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧માં ચાલુ થઈ, ૭/૬/૧૫) તેમ ફારુક અબ્દુલ્લા પણ વડા પ્રધાન રાજીવ ગાંધી સાથે મૈત્રીના દાણા નાખવા માંડ્યા. (ફારુક અબ્દુલ્લા અત્યારે પણ સત્તા વગર તરફડી રહ્યા છે અને તેનું ઉદાહરણ એ છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં તેમણે નરેન્દ્ર મોદી પર આક્ષેપો કરવામાં કોઈ કસર બાકી નહોતી રાખી, તેમના હવે વખાણ કરી રહ્યા છે.

તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મંત્રણા થવાની હતી ત્યારની વાત છે. બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચેની મંત્રણામાં પાકિસ્તાને અલગતાવાદીઓને આમંત્ર્યા હતા. પરંતુ મોદી સરકારે પાકિસ્તાનનો ખરાબ હેતુ સફળ ન થવા દીધો. આ અંગે ફારુક અબ્દુલ્લાએ મોદીના વખાણ કર્યા હતા. ગત ૨૨ ઑગસ્ટના ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના અહેવાલ મુજબ, ફારુકે કહ્યું હતું કે પહેલી વાર ભારત સરકારે મક્કમ વલણ લીધું છે. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ માટે અભિનંદન આપું છું.” ખરેખર તો શૈખ અબ્દુલ્લા અને તેમના દીકરા ફારુકમાં રામવિલાસ પાસવાનની જેમ એક પ્રતિભા છે. તે એ કે સત્તામાં કોણ આવશે તેની તેમને સારી રીતે ગંધ આવી જાય છે. રામવિલાસ પાસવાન અત્યાર સુધી ૧૯૮૯ પછી જે પણ સરકાર રચાઈ છે તેમાં રહ્યા છે. ૨૦૦૪ પહેલાં તેઓ એનડીએ છોડીને જતા રહેલા અને પછી યુપીએ સાથે જોડાયા અને ૨૦૧૪માં તેમણે પવન જોઈ સઢ બદલી નાખ્યું અને મોદી સાથે જોડાયા. જે નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં રમખાણોના કારણે રામવિલાસ પાસવાને એનડીએ છોડ્યું હતું તે જ રામવિલાસ પાસવાન તે જ નરેન્દ્ર મોદી ૨૦૧૪માં સાથે હાથ મિલાવે છે.

તો ફારુકે પણ વર્ષ ૨૦૧૧માં પુનઃ પ્રાપ્ય (રિન્યુએબલ) ઊર્જા ક્ષેત્રે ગુજરાત સરકારે કરેલા સારા કામ બદલ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. યાદ રહે, તે વખતે ફારુક અબ્દુલ્લા કેન્દ્રમાં નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જાના કેન્દ્રીય પ્રધાન હતા અને તે વખતે ડૉ. મનમોહનસિંહની યુપીએ સરકાર હતી. એટલે કે ફારુકને અંદાજ આવી ગયો હતો કે આગળ જતા નરેન્દ્ર મોદી મહત્ત્વની ભૂમિકા ભજવવાના છે.

અત્યારે મોદીની પ્રંશસા પાછળ ફારુકનો હેતુ કેન્દ્રમાં તેમને પ્રધાન બનવાનો હોઈ શકે અને પીડીપી સાથે ફારગતિ કરાવી ભાજપ સાથે કાશ્મીરમાં સત્તા મેળવવાનો હોઈ શકે.

૧૯૮૬ના સમયમાં પાછા ફરીએ. ફારુકનો દાવ સફળ રહ્યો. રાજીવ ગાંધીએ કુહાડી પર જ પગ માર્યો. જો ઈન્દિરા ગાંધી જેવા ચતુર, બાહોશ અને હિંમતવાળાં રાજનેત્રી શેખ અબ્દુલ્લા સામે થાપ ખાઈ જતા હોય તો રાજીવ ગાંધી તો ખાઈ જ જાય ને.

ઈન્દિરા ગાંધીએ શૈખ અબ્દુલ્લા સાથે સમજૂતી કરી અને શૈખ અબ્દુલ્લાના પક્ષ નેશનલ કૉન્ફરન્સનો એક પણ ધારાસભ્ય ચૂંટાયેલો ન હોવા છતાં તેની સાથે કૉંગ્રેસનું ગઠબંધન કરાવીને તેમને સત્તા પર બેસાડ્યા અને શૈખે કૉંગ્રેસનું તે પછીની ચૂંટણીઓમાં નામું નાખી દીધું, તે જ રીતે રાજીવ ગાંધીની ફારુક અબ્દુલ્લા સાથેની સમજૂતીથી પણ કૉંગ્રેસને ભારે ફટકો પડવાનો હતો. ફારુક અબ્દુલ્લાનો તો આ સમજૂતીથી હેતુ સરી ગયો. એનસી અને કૉંગ્રેસ વચ્ચે સમજૂતીના કારણે ફારુક નવેમ્બર ૧૯૮૬માં ફરી મુખ્યમંત્રી બની ગયા.

વિચાર કરો કે આ દેશમાં લાલુપ્રસાદ યાદવને ભ્રષ્ટ કહી તેનો વિરોધ કરનાર અરવિંદ કેજરીવાલ અત્યારે તેની સાથે ચૂંટણી પ્રચાર કરે છે, તે સગવડિયા ગઠબંધનનો રસ્તો કૉંગ્રેસે જ દેખાડ્યો છે. અત્યારે રાજકારણમાં જે પણ પક્ષાંતર, પક્ષપલ્ટા, સંસદમાં તોફાન, સાંસદોને ખરીદી લેવા, ચૂંટણી પહેલાં જેનો વિરોધ કર્યો હોય તેની સાથે જ ચૂંટણી પછી ગઠબંધન કરી લેવું…આ બધું કૉંગ્રેસે જ શીખવ્યું અને કૉંગ્રેસને પાઠ ભણાવવા ભાજપ, જનતા દળ (અને તેમાંથી છુટા પડીને સર્જાયેલા પક્ષો- સમાજવાદી પક્ષ, રાષ્ટ્રીય જનતા દળ, જનતા દળ યૂ…વગેરે), આમ આદમી પાર્ટી વગેરે એવી જ હલકી રાજનીતિ કરી રહ્યા છે. જે ફારુક અબ્દુલ્લા ૧૯૮૪માં રાજીવ ગાંધીને રાષ્ટ્રવિરોધી લાગતા હતા અને દેશની સુરક્ષા પર જોખમ જેવા ભાસતા હતા તે જ ફારુક અબ્દુલ્લા સાથે રાજીવ ગાંધીએ ૧૯૮૬માં ગઠબંધન કરી લીધું! શું એ ગઠબંધનના કારણે ફારુકનું આખું ચરિત્ર બદલાઈ ગયું? શું તેઓ રાષ્ટ્રવિરોધી મટી ગયા?

૧૯૮૭માં રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓ પણ યોજાવાની હતી. વિધાનસભાની ચૂંટણી માટે રાજીવ ગાંધીએ ફારુક અબ્દુલ્લા સાથે જે બેઠક વહેંચણીની સમજૂતી કરી તેમાં કૉંગ્રેસને ઘણું ગુમાવવાનું હતું. તેનાથી કૉંગ્રેસનું નામું નખાઈ જવાનું હતું. કૉંગ્રેસમાં પણ ઘણો આંતરિક વિરોધ હતો. તેમ છતાં રાજીવ ગાંધી ધરાર આગળ વધ્યા અને સમજૂતી કરી.

‘ઇન્ડિયા ટૂડે’ સામયિકના ૩૧ માર્ચ ૧૯૮૭ના અંકમાં આ ચૂંટણી અંગે રસપ્રદ અહેવાલ ઇન્દરજિત બધવારે આપ્યો છે. કાશ્મીરની ચૂંટણીમાં એક તરફ નેશનલ કૉન્ફરન્સ અને તેનો ભાગીદાર પક્ષ કૉંગ્રેસ હતાં, તો સામે પક્ષે જમાત-એ-ઇસ્લામી, ઉમ્મત-એ-ઇસ્લામ, મહાઝ-એ-આઝાદી, વગેરે કટ્ટરવાદી પક્ષોએ મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટ રચ્યો હતો.

નેશનલ કૉન્ફરન્સ અને કૉંગ્રેસની સમજૂતીથી આ બંને પક્ષના કાર્યકરો હતપ્રભ હતા, કેમ કે ફારુક અબ્દુલ્લા અત્યાર સુધી કેન્દ્ર સરકાર-રાજીવ ગાંધીને વખોડતા આવ્યા હતા. હિન્દુસ્તાનની સરકાર કાશ્મીરીયતને કચડી નાખવા માગે છે તેમ કહેનાર ફારુક અબ્દુલ્લા હવે તેમના કાર્યકરોને એ કૉંગ્રેસ માટે મત નાખવા કહેતા હતા!

એનસી સાથેની સમજૂતીના કારણે કૉંગ્રેસના ૧૨ ચાલુ (સિટિંગ) ધારાસભ્યો, જેમાં પક્ષના નેતા મૌલવી ઇફ્તિક્વાર હુસૈન અન્સારી પણ હતા, તેમને પડતા મૂકાયા. કૉંગ્રેસમાં અસંતોષ વધ્યો. ઘણાએ બળવો કર્યો અને અપક્ષ તરીકે ઊભા રહ્યા. જે બેઠક વહેંચણી થઈ હતી તે સીધી ફારુક અને રાજીવ વચ્ચે થઈ હતી, એટલે બહુ કંઈ બોલી શકાય તેમ નહોતું. (ફરિયાદ કરવી તો કોને કરવી? તેવો પ્રશ્ન કૉંગ્રેસમાં હતો). અત્યારે પીડીપીના નેતા તરીકે મુખ્યપ્રધાન બનેલા મુફ્તી મોહમ્મદ સઈદ તે વખતે કૉંગ્રેસમાં હતા અને કેન્દ્રમાં પર્યટન પ્રધાન હતા. તેમના એક પણ સાથીને ટિકિટ મળી નહીં.

અને વિધિની વિચિત્રતા તો જુઓ! જવાહરલાલ નહેરુ, તે પછી, ઈન્દિરા ગાંધી અને ત્યાર બાદ રાજીવ ગાંધી- સતત ત્રણ પેઢી કઈ રીતે આ શૈખ અબ્દુલ્લા- ફારુક અબ્દુલ્લા સામે રીતસર ઝૂકી જતી હતી! રાજીવ ગાંધીને પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ તરીકે કોઈ નેતાની નિમણૂક કરવાની હતી. આ માટે કૉંગ્રેસના પૂર્વ ઉપાધ્યક્ષ ગુલામ રસૂલ દાવેદાર હતા. પરંતુ તેઓ મુફ્તી મોહમ્મદ સઈદના પૂર્વ ટેકેદાર હતા. તેમને પ્રદેશ પ્રમુખ તરીકે બઢતી ત્યારે મળી જ્યારે તેઓ રાજીવ ગાંધીને ગૂપચૂપ મળી આવ્યા અને ફારુક સાથે થયેલી સમજૂતીનું સમર્થન કરવાનો સંકલ્પ કર્યો હતો. તે પછી પણ રાજીવ ગાંધીએ અંતિમ નિર્ણય તો ફારુક અબ્દુલ્લા પર જ છોડી દીધો હતો! બોલો! રાજીવ તો નહેરુ અને ઈન્દિરાથી પણ ગયા! પોતાના પક્ષના રાજ્ય એકમના વડાની નિમણૂક એકસમયના પ્રતિસ્પર્ધી પક્ષના નેતા (ફારુક)ને પૂછીને કરવાની?

કહેવા પૂરતું તો બંને પક્ષો વચ્ચે સંકલન માટે ચાર સભ્યોની સંકલન સમિતિ રચાઈ હતી, જેમાં બે એનસીના હતા અને બે કૉંગ્રેસના હતા, પરંતુ ફારુકે તેમને એકબાજુ ધકેલી દીધા હતા અને પોતે જ બધા નિર્ણયો કરતા હતા. અરે! કૉંગ્રેસના ઉમેદવારોનો પણ અંતિમ નિર્ણય ફારુકના જ હાથમાં હતો. (કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ જેની સંમતિથી નિમાતા હોય, તો પછી ચૂંટણીના ઉમેદવારો પણ તેમની સંમતિથી નિમાય તેમાં નવાઈ શી?) બળવો એટલો વધી ગયો કે કૉંગ્રેસે રાષ્ટ્રીય નેતાઓની એક ટુકડી કાશ્મીર મોકલવી પડી. અત્યારે ભાજપનાં નેત્રી અને કેન્દ્રીય લઘુમતી બાબતોનાં પ્રધાન નજમા હેપતુલ્લા તે વખતે કૉંગ્રેસમાં હતાં. નજમા ઉપરાંત ગુલામ રસૂલ કર અને રાજેશ પાઇલોટને ફારુક અબ્દુલ્લા સાથે પ્રચારમાં મોકલાયા. કૉંગ્રેસના આ ત્રણેય નેતાઓએ પક્ષના કાર્યકરોને ચેતવણી આપી કે ફારુકને જો સંપૂર્ણ સહકાર નહીં આપો તો કડક પગલાં લેવાશે.

જોકે ફારુકે પણ થોડી ઘણી બાંધછોડ તેમના વલણમાં કરવી પડી હતી. તેઓ સમજી ગયા હતા કે સત્તામાં રહેવું હશે તો જે કેન્દ્ર સરકારમાં હશે તેની સાથે સમાધાન કરીને રહેવું પડશે. તેમણે વચન આપ્યું કે કૉંગ્રેસને ગમે તેટલી બેઠકો મળે (બેઠક વહેંચણી પ્રમાણે એનસી ૪૫ અને કૉંગ્રેસે ૩૧ બેઠકો પર લડવાનું હતું. બે બેઠકો એક સમયના અબ્દુલ્લા પરિવારના કટ્ટર દુશ્મન અવામી એક્શન કમિટીને અપાઈ હતી.) તેમના મંત્રીમંડળમાં કૉંગ્રેસના પ્રધાનો લેવાશે જ. તેઓ હવે ચૂંટણી પ્રચારમાં કેન્દ્ર સરકારને ગાળો દઈ શકતા નહોતા. ઉલટું તેઓ હવે એવું કહેતા હતા કે “કેન્દ્ર સાથે ઝઘડો અને સંઘર્ષ કરીને કાશ્મીરને કંઈ મળ્યું નથી. રાજ્ય વિકાસમાં પાછળ રહી ગયું છે. રાજીવ ગાંધી સાથે સમજૂતી કરવાનું કારણ એ છે કે રાજ્યના વિકાસ માટે મસમોટી આર્થિક સહાય મળે. કટ્ટરવાદી મુસ્લિમો ખોટું કહે છે કે ઈસ્લામ ખતરામાં છે. હકીકતે તો ગરીબી, ખરાબ રસ્તાઓ, શિક્ષણનો અભાવ, પાણી અને વીજળી એ જ મોટો ખતરો છે.”

એનસી અને કૉંગ્રેસની સામે કટ્ટરવાદી પક્ષો- મુખ્યત્વે મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટ કેવો ઝેરીલો અને કોમવાદી પ્રચાર કરતો હતો? આજે કોઈ આવો પ્રચાર કરે તો ચૂંટણી પંચ તેને જેલમાં જ પૂરે. ગઈ લોકસભા ચૂંટણીમાં ભાજપ નેતા અમિત શાહ સામે બહુ હો હા થઈ ગઈ હતી. અને પંચે અમિત શાહની રેલીઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પરંતુ કાશ્મીરમાં એ વખતે આ કટ્ટરવાદી પક્ષોનો પ્રચાર તો એનાથી અનેક ગણો ઝેરીલો હતો. મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટના ચાળીસ ઉમેદવારો હાથમાં કુર્આન સાથે જતા અને કહેતા કે ફારુક-રાજીવની સમજૂતી કુર્આનનું અપમાન છે. શૈખ અબ્દુલ્લાના પરિવારે કાશ્મીર હિન્દુસ્તાનને વેચી દીધું છે. એટલું જ નહીં, અનંતનાગ, અચ્છાબાલ, કુઠાર, શાંગાસ, સોપોર, બંદીપોરા અને હંદ્વારામાં તો ત્રાસવાદીની જેમ પ્રચાર કરતા. તેઓ સૂત્રો પોકારાડાવતા, “એસેમ્બ્લી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા” (અર્થાત્ વિધાનસભામાં શું ચાલશે? કુર્આનનો કાયદો). એમયુએફના અગાઉ જેલમાં જઈ આવેલા ઉમેદવાર અલી શાહ ગિલાની તો એવું કહેતા કે સેક્યુલરિઝમ (સર્વ ધર્મ સમભાવ) અને સમાજવાદ એ ઈસ્લામ વિરોધી છે.

ફારુકના ઈરાદાઓ જો સારા હોત અને તેઓ જે સેક્યુલરિઝમની દુહાઈ દેતા હતા તે ખરેખર અંતઃકરણથી હોત તો કાશ્મીર સુધરી ગયું હોત. પરંતુ ૧૯૮૭ની ચૂંટણી કાશ્મીર માટે એક એવો વળાંક લાવવાની હતી જે પછી રાજ્ય વધુ ને વધુ ખાડે જવાનું હતું, રાજ્યમાં ઈસ્લામી પરિબળો લઘુમતીમાં રહેલા હિન્દુઓનું જીવવાનું દુષ્કર કરવાના હતા અને કાશ્મીરી પંડિતોને કાશ્મીર ખીણમાંથી રીતસર ષડયંત્રપૂર્વક હાંકી કાઢવાના હતા!

(ક્રમશઃ)

કાશ્મીર શ્રેણી પર અગાઉના હપ્તા:

ભાગ- ૧  કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો

ભાગ-૨ કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

ભાગ-૩ કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!

ભાગ-૪ નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!

ભાગ-૫ શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

ભાગ-૬ હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડયંત્ર

ભાગ-૭  ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

ભાગ-૮ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

ભાગ-૯ શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

ભાગ-૧૦ કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

ભાગ-૧૧ ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

ભાગ-૧૨ ઈન્દિરાની સભામાં ફારુકના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યા!

ભાગ-૧૩કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

ભાગ-૧૪ ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ રાજભવનમાં રસપ્રદ ધડાધડી

ભાગ-૧૫ જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

ભાગ-૧૬ ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

ભાગ-૧૭ પાકિસ્તાનનું પ્રૉક્સી વોર અને ક્રિકેટ પોલિટિક્સ

ભાગ-૧૮ પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હારજા

ભાગ-૧૯ શાહબાનો કેસ: રાજીવના નિર્ણયથી કાશ્મીરમાં ઉજવણીનો માહોલ

ભાગ-૨૦ કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા

ભાગ-૨૨ કાશ્મીરમાં ૧૯૮૭ની ચૂંટણીમાં મોટા પાયે ગેરરીતિઓ આચરાઈ

Advertisements

2 thoughts on “કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.