(ભાગ-૨૨)

(મુંબઈ સમાચારની રવિવારની  પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા. ૨૦/૯/૧૫ના રોજ આ લેખ છપાયો.)

ગયા વખતે એક વાત કહેવાની રહી ગઈ અને તે એ કે જમ્મુ-કાશ્મીરના વર્તમાન મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદ રાજીવ ગાંધી અને ફારુક અબ્દુલ્લા વચ્ચે ૧૯૮૬માં સમજૂતી થઈ તે વખતે જમ્મુ-કાશ્મીર રાજ્ય કૉંગ્રેસના પ્રમુખ હતા. પરંતુ તેઓ ફારુક અબ્દુલ્લાના વિરોધી હતા. આથી ફારુકના ઈશારે તેમને રાજીવ ગાંધીએ કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવ્યા. અને પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ તરીકે મુફ્તી મોહમ્મદ સઈદના પૂર્વ ટેકેદાર ગુલામ રસૂલ કાર (જેમનું ૧૧ એપ્રિલ, ૨૦૧૫ના રોજ ૯૪ વર્ષની વયે નિધન થયું)ને રાજીવે ફારુકની સંમતિ પછી જ નિમ્યા તે વાત આપણે ગયા અંકે જોઈ ગયા છીએ. હવે આગળ.

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીઓ માટે ૨૩ માર્ચ ૧૯૮૭નો દિવસ પસંદ કરાયો હતો. ૨૩ માર્ચ આમ તો શહીદ ભગતસિંહને ફાંસી દેવાઈ તે દિવસ પણ છે, પરંતુ કાશ્મીરના ઘણા લોકો  માટે આ જુદો દિવસ હતો. ૨૩ માર્ચને ‘પાકિસ્તાન દિવસ’ તરીકે ઉજવાય છે કારણકે મુસ્લિમ લીગે લાહોરમાં ઠરાવ કરીને પાકિસ્તાનની પહેલી વાર સત્તાવાર માગણી કરી હતી. આ દિવસે પાકિસ્તાનમાં રજા હોય છે.

આ ચૂંટણીઓમાં ફારુક અબ્દુલ્લાની નેશનલ કૉન્ફરન્સ અને રાજીવ ગાંધીની કૉંગ્રેસ (આઈ)ની યુતિ વિજેતા થઈ. એનસીને ૪૦ અને કૉંગ્રેસને ૨૬ બેઠકો મળી. આમ કુલ ૭૦માંથી ૬૬ બેઠકો યુતિને મળી હતી, જ્યારે નવા વિરોધ પક્ષ તરીકે બનેલા મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટ (એમયુએફ)ને ચાર બેઠક મળી હતી. પરંતુ ફારુક અબ્દુલ્લા પર ચૂંટણીમાં ભારે ગરબડો કરાવવાના આક્ષેપો થયા. કાશ્મીર પર લખાયેલા અનેક અહેવાલોમાં આનો પડઘો પડે છે.

ગરબડો કરવાનું મોટું પ્રમાણ (સાબિતી) તો એ હતી કે રાજ્યમાં મતદાન પછી એક સપ્તાહ સુધી પરિણામો જાહેર જ ન કરાયાં. અને આવું તે એક માત્ર રાજ્ય હતું. મહત્ત્વના વિસ્તારોમાં સંચારબંધીથી પણ એ ચિંતા વધી હતી કે અનેક જગ્યાએ ચૂંટણીમાં ચેડા કરાઈ રહ્યા છે.

‘ઇન્ડિયા ટૂડે’ના ૧૫ એપ્રિલ ૧૯૮૭ના અંકના અહેવાલ પ્રમાણે, કાશ્મીર ઘાટીમાં અનેક જગ્યાએ બૂથ કેપ્ચરિંગના અને ગરબડો કરવાના બનાવો બન્યા હતા. પટ્ટનમાં કૉંગ્રેસે જેને ટિકિટ આપવા ઈનકાર કર્યો હતો તે શિયા નેતા મૌલાના ઈફ્તિખાર અનસારીએ તેના ટેકેદારોને વિરોધ પક્ષ માટે કામ કરવા મંજૂરી આપી હતી. તેમણે આખા મતપત્રકોની પુસ્તિકા (સિરિયલ નંબર ૦૨૪૮૬૪-૦૨૪૮૯૮) મેળવી હતી જેના પર અગાઉથી જ થપ્પા મરાયેલા હતા. તેની સામેની પહોંચ (કાઉન્ટરફોઇલ) પાછી અકબંધ હતી. આ જ રીતે, ઈદગાહમાં પણ વિપક્ષના ઍજન્ટોએ ૦૩૭૨૦૧-૦૩૭૨૨૫ નંબરવાળી મતપત્રકોની પુસ્તિકા જપ્ત કરી હતી જેના પર પણ અગાઉથી થપ્પા લગાવેલા હતા. હંદ્વારા અને કહદુરામાંથી પણ આવી પુસ્તિકાઓ જપ્ત થઈ હતી. ખાનસાહિબ અને હઝરતબાલમાં વિપક્ષોએ એનસીના કાર્યકરો દ્વારા મોટા પાયે બૂથ કેપ્ચરિંગ કર્યાની ફરિયાદો કરી હતી.

આ તો માનો કે, વિપક્ષો આવી ફરિયાદ કરે જ, પરંતુ કેટલીક બાબતો દેખીતી રીતે ચાડી ફૂંકતી હતી કે ફારુક અબ્દુલ્લાની નેશનલ કૉન્ફરન્સ ચૂંટણીમાં ગરબડ કરવાની યોજના બનાવી રહી છે. જેમ કે, ચૂંટણીના બે સપ્તાહ પૂર્વે એમયુએફ, અપક્ષો વગેરે વિરોધીઓ મજબૂત હતા તેવા વિસ્તારોમાંથી ૬૦૦ વિપક્ષી કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. એનસીના ટેકેદારોની સંપત્તિ હોય તેવી ઈમારતમાં મતદાનમથક રખાયું હોય ત્યાં મતદારોને મત આપવા જ નહોતા આવવા દેવાયા! અબ્દુલ ગની લોનના ગઢ મનાતા કુપવારા જિલ્લાના કવારી ખાતે એનસીના ટેકેદારોએ લોનના ૨૫૦ જેટલા ટેકેદારોને એમને ધક્કા મારી મારીને મતદાન મથકમાંથી હાંકી કાઢ્યા હતા. પોલીસે કોઈ ફરિયાદ સાંભળવા જ ઈનકાર કરી દીધો. કોઈ થ્રિલર ફિલ્મના દૃશ્યની જેમ, સોપોર પાસે આવેલી કૃષિ કૉલેજ પાસે, જ્યાં મતગણતરી થવાની હતી તેની આગલી રાત્રે ભારે વરસાદ પડી રહ્યો હતો ત્યારે જાણી જોઈને ટ્રાફિક જામનું દૃશ્ય ખડું કરાયું.

મતદાન પેટીઓ લઈને આવી રહેલી બસો મથકથી બે કિમી દૂર ઊભી રખાઈ અને જે ગૂંચવણ ઊભી કરાઈ તેમાં ચૂંટણી અધિકારીઓ અને પોલીસે મતદાન પેટીઓ બસોમાંથી કાઢવા માંડી. સામાન્ય બુદ્ધિની કોઈ પણ વ્યક્તિને સમજાય તેવી વાત છે કે બે કિમી ચાલીને મતદાન પેટીઓ લાવવામાં આવે ખરી? બસની વ્યવસ્થા હોય ત્યારે? પરંતુ મતદાનપેટીઓ હાથોહાથ ઊંચકીને લઈ જવા લાગી. સ્વાભાવિક આક્ષેપ થયો કે આ ગરબડમાં ખરેખર જે મતવાળી પેટીઓ હતી તેની જગ્યાએ નકલી મતવાળી પેટીઓ બદલી નખાઈ છે. અનેક જગ્યાએ તો ચૂંટણી અધિકારીઓએ મત પેટીઓને સીલ જ નહોતું માર્યું. તેમની દલીલ હતી કે તેમની પાસે સીલ જ નથી!

ફારુક અબ્દુલ્લાનું ચૂંટણી પરિણામ ૨૪મીએ મતગણતરી શરૂ થયાના ત્રણ કલાકની અંદર જાહેર કરી દેવાયું, પરંતુ મહત્ત્વના અનંતનાગ જિલ્લામાં પરિણામો અઢી દિવસ માટે રોકી દેવાયા. અનંતનાગ મતગણતરી  મથકમાં સેંકડો પોલીસની સુરક્ષા હતી. જ્યારે પણ વિપક્ષના ઉમેદવારો આગળ વધતા લાગે કે તરત જ સરકારે નિયુક્ત કરેલા મતગણતરી કરનાર અધિકારીઓ મતગણતરી અટકાવી દેતા હતા!

એનસીની ગરબડ કરવાની રીત પણ કેવી હતી? અનંતનાગ શહેરમાં એક મતગણતરી રૂમમાં જ્યારે વિપક્ષી ઉમેદવાર સૈયદ શાહ સરસાઈ મેળવતા દેખાયા ત્યારે એનસી-કૉંગ્રેસના એજન્ટોએ બૉક્સમાંથી મતપત્રકો ખેંચી કાઢ્યા અને તેમને જમીન પર વિખેરી નાખ્યા. આ પછી પ્રિસાઇડિંગ અધિકારીએ મતગણતરી થંભાવી દીધી હતી. જોકે અંતે તો સૈયદ શાહ જ વિજયી થયા. બીજ બેહરા મતગણતરી રૂમમાં જ્યારે એમયુએફના ઉમેદવારને શરૂઆતમાં જ સરસાઈ મળતી જણાઈ ત્યારે ચૂંટણી અધિકારીઓએ મતગણતરી રોકી દીધી. તો દુરૂ મથકમાં તો હદ જ થઈ ગઈ. એનસીના ઉમેદવારને ૩૦૦ મતોની સરસાઈ મળી જ હતી અને હજુ તો ૧,૧૦૦ મતો ગણવાના બાકી હતા ત્યાં પ્રિસાઇડિંગ અધિકારીએ એનસીના ઉમેદવારને વિજેતા જાહેર કરી દીધો!

આમાંના ઘણા બધા પ્રસંગોએ ‘ઇન્ડિયા ટૂડે’ના પ્રતિનિધિ હાજર હતા તેથી તે માત્ર કહેલી-સાંભળેલી વાત પર નહીં, પણ પ્રત્યક્ષ જોયેલી ઘટનાઓ વિશે અધિકારપૂર્વક લખે છે. જાણીતાં પત્રકાર તવલીનસિંહે પણ લખ્યું હતું, “ગરબડો સ્પષ્ટ દેખાતી જ હતી. અબ્દુલ ગની લોનના પરંપરાગત ગઢ હંદ્વારામાં ૨૬ માર્ચે મતગણતરી શરૂ થઈ કે તરત જ લોનના મતગણતરી ઍજન્ટોને પોલીસે મતગણતરી મથકમાંથી બહાર ફેંકી દીધા.”

વિપક્ષો એમયુએફ સંપૂર્ણપણે કટ્ટરવાદી મુસ્લિમો હતા. તેમના નારા પણ દેશદ્રોહી કક્ષાના હતા અને ભારતવિરોધી હતા, પરંતુ આ ચૂંટણીમાં થયેલી ગરબડોના કારણે આ કટ્ટરવાદીઓને ત્યાંની પ્રજાને ભડકાવવાની વધુ એક તક મળી ગઈ, એવી તક કે જેના કારણે કાશ્મીર અનેક વર્ષો  સુધી અંધકારની ગર્તામાં ખોવાઈ જવાનું હતું. પ્રજાએ વર્ષોથી અબ્દુલ્લા પરિવારનું ભ્રષ્ટ શાસન જોયું હતું. કાશ્મીરને ભારત વિરોધી બનાવવામાં શૈખ અબ્દુલ્લા, ફારુક અબ્દુલ્લા, ફારુક અબ્દુલ્લાના બનેવી જી.એમ. શાહ, એ રીતે આ અબ્દુલ્લા પરિવારનો પૂરેપૂરો હાથ હતો. આ પરિવારે ૧૯૫૩ પછી થયેલી દરેક ચૂંટણીમાં આ રીતે ગરબડો કરીને સત્તા કબજે કરી હતી.

એમયુએફના એક ઉમેદવારે ગરબડનો આક્ષેપ કર્યો તો તેને જેલમાં પૂરી દેવાયો. આ ઉમેદવારનું નામ હતું સૈયદ સલાહુદ્દીન ઉર્ફે સૈયદ મોહમ્મદ યુસૂફ શાહ, જે પછીથી હિઝબુલ મુજાહિદ્દીન નામના ત્રાસવાદી સંગઠનનો વડો બન્યો હતો. એક માન્યતા એવી પણ છે કે જો આ ચૂંટણી ન્યાયી અને વાજબી રીતે યોજાઈ હોત તો કદાચ યાસીન મલિક (જે ત્યારે પોલિંગ એજન્ટ હતા), સૈયદ સલાહુદ્દીન જેવા કટ્ટરવાદીઓ કદાચ મુખ્ય પ્રવાહમાં આવી ગયા હોત. જોકે આ જો અને તોની વાત છે. એક દલીલ એવી પણ થઈ શકે કે રાજીવ ગાંધીએ અલગતાવાદીઓને સત્તામાં આવતા રોક્યા. ફારુક અબ્દુલ્લાના બચાવને પણ અહીં નોંધવો જોઈએ. આ ચૂંટણીઓમાં ગરબડનો ઈનકાર કરતા તેમણે કહ્યું હતું, “મારા કાયદા પ્રધાન પણ હાર્યા છે. જો ગરબડ કરી હોત તો તેમને હારવા દેત?” જોકે ટીકાકારો પાસે આનો જવાબ હતો કે ફારુક પોતે જ નહોતા ઈચ્છતા કે અગાઉની તેમની સરકારમાં રહેલા કાયદા પ્રધાન જીતે.

જે હોય તે, પણ એક વાત નિશ્ચિત બની કે આ ચૂંટણી પછી જમ્મુ-કાશ્મીનું સંપૂર્ણ કટ્ટર ઈસ્લામીકરણ થવા લાગ્યું. ૧૯૮૭ની ચૂંટણીનાં પરિણામો રાજીવ ગાંધી કે કૉંગ્રેસ માટે આ ન તો હરખાવા જેવી સ્થિતિ હતી ન તો ઉદાસ થવા જેવી. હા, તેમણે હિંમત કરી હોત અને એકલા હાથે ચૂંટણી લડ્યા હોત તો કદાચ કૉંગ્રેસ સત્તામાં હોત અને કાશ્મીરને મુખ્યપ્રવાહમાં લાવી શકાયું હોત. પરંતુ તેમણે ફારુક અબ્દુલ્લા નામની કાખઘોડીના આધારે રહેવાનું પસંદ કર્યું. પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખથી માંડીને કયા વિસ્તારમાંથી કયા ઉમેદવારને કૉંગ્રેસની ટિકિટ આપવી તે બધા નિર્ણયો અંતિમ રીતે ફારુક અબ્દુલ્લા પર છોડ્યા! આ ચૂંટણીમાં કૉંગ્રેસ (આઈ) એનસીની જુનિયર પાર્ટનર જેવી હતી.

આમ તો ૧૯૭૧થી ત્રાસવાદી પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ હતી, પરંતુ મે ૧૯૮૭માં નોંધપાત્ર વાત એ બની કે ફારુક અબ્દુલ્લા મસ્જિદ તરફ કારના કાફલામાં જઈ રહ્યા હતા ત્યારે તેના પર હિંસક હુમલો થયો હતો, જેમાં તેઓ આબાદ બચ્યા હતા. છૂપા હુમલાઓ પણ વધવા લાગ્યા હતા. ફારુક પરના હુમલાઓના બેએક મહિનાઓ પછી પોલીસ પર પણ હુમલાઓ થવા લાગ્યા. ઉનાળાની શરૂઆત થઈ. હવે એ વાત તો જાણીતી છે કે જમ્મુ-કાશ્મીરમાં શિયાળામાં જમ્મુ અને ઉનાળામાં શ્રીનગર રાજધાની તરીકે રહે છે. આનું કારણ એ કે શિયાળામાં કાશ્મીર પ્રદેશમાં એટલી બધી ઠંડી હોય કે જમ્મુમાં રાજધાની ખસેડાય, જ્યારે ઉનાળામાં ગરમી લાગે, તેથી ઠંડા એવા શ્રીનગરમાં રાજધાની રખાય! પ્રજાને ગરમી-ઠંડી લાગે તેનું શું? પ્રજાની હાડમારી નહીં જોવાની? પણ અંગ્રેજોએ રાજનેતાઓ અને બ્યુરોક્રેટ્સ કેન્દ્રિત સત્તા બનાવી દીધી અને આપણે તે ચાલુ રાખી. તો, ફારુક અબ્દુલ્લાએ એવો તુક્કો વહેતો મૂક્યો (જે કદાચ સાચો પણ હતો) કે કેટલાક સરકારી વિભાગોને કાયમી રીતે જમ્મુ કે શ્રીનગર, ગમે તે એક જગ્યાએ ખસેડી દઈએ. આની સામે જમ્મુમાં વિરોધ થયો. લોકોએ હડતાળ પાડી. ધાર્મિક જૂથોએ માગણી કરી કે જમ્મુને અલગ રાજ્ય બનાવી દો. ૧૪ નવેમ્બર ૧૯૮૭એ ફારુક અબ્દુલ્લાએ આદેશ પાછો ખેંચી લીધો. તો હવે કાશ્મીર ઘાટી ભડકી. તેના નગરોમાં હડતાળ પાડવામાં આવી. આંદોલનમાં બાર એસોસિએશન મોરચે અગ્રેસર હતું. તેની સાથે જોડાયેલા વકીલો અને અન્ય લોકો માનતા હતા કે ફારુક અબ્દુલ્લાએ જમ્મુ સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી છે. તેમણે એવી માગણી કરી કે શ્રીનગરને રાજ્યની સ્થાયી રાજધાની બનાવી દેવામાં આવે. એક સપ્તાહ પછી આ આંદોલન તો ઠંડું પડી ગયું, પરંતુ ફારુક અબ્દુલ્લાના ટીકાકારોનું કહેવું હતું કે ચૂંટણીમાં નેશનલ કૉન્ફરન્સે જે કાશ્મીરી મુસ્લિમોનો ટેકો ગુમાવ્યો હતો તે પાછળ મેળવવા ફારુકનું જ આ ગતકડું હતું.

૧૯૮૭નો અસંતોષ, અલગતાવાદીઓ અને ખાસ તો પાકિસ્તાન દ્વારા પ્રોક્સી વોર માટે વ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે પાકિસ્તાનમાંથી કાશ્મીરમાં ઘૂસણખોરી થવા લાગી. કાશ્મીર ઘાટીના મુસ્લિમોને સરકાર વિરુદ્ધ અને ભારત વિરુદ્ધ બરાબર ઉશ્કેરવામાં આવ્યા. કાશ્મીરના બેરોજગાર યુવાનોને ત્રાસવાદી બનાવીને રોજગાર પૂરો પાડવામાં આવ્યો. મરશો તો તમારા કુટુંબને આર્થિક મદદ કરીશું અને તમને જન્નતમાં ૭૨ હૂર અર્થાત્ કાચી કુંવારી કન્યાઓ ભોગવવા મળશે. (જોકે ઈસ્લામના સાચા જાણકારો કુર્આનમાં આવી કોઈ માન્યતા નહીં હોવાનું જણાવે છે અને ત્રાસવાદીઓ જે આત્મઘાતી હુમલા કરે છે તેના માટે, તેમનું મંતવ્ય છે કે પયગંબર સાહેબે કહેલું છે કે “જે વ્યક્તિ આપઘાત કરે છે તેના માટે હું સ્વર્ગના દરવાજા બંધ કરી દઉં છું.”)

આમ, ૧૯૮૮નું વર્ષ આવતાં આવતાં કાશ્મીરને કટ્ટર મુસ્લિમ પ્રદેશ બનાવવાની પ્રવૃત્તિઓ અને ત્રાસવાદી હુમલાઓની ઘટનાઓ વધતી ગઈ.

(ક્રમશ:)

ભાગ- ૧  કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો

ભાગ-૨ કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

ભાગ-૩ કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!

ભાગ-૪ નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!

ભાગ-૫ શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

ભાગ-૬ હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડયંત્ર

ભાગ-૭  ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

ભાગ-૮ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

ભાગ-૯ શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

ભાગ-૧૦ કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

ભાગ-૧૧ ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

ભાગ-૧૨ ઈન્દિરાની સભામાં ફારુકના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યા!

ભાગ-૧૩કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

ભાગ-૧૪ ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ રાજભવનમાં રસપ્રદ ધડાધડી

ભાગ-૧૫ જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

ભાગ-૧૬ ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

ભાગ-૧૭ પાકિસ્તાનનું પ્રૉક્સી વોર અને ક્રિકેટ પોલિટિક્સ

ભાગ-૧૮ પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હારજા

ભાગ-૧૯ શાહબાનો કેસ: રાજીવના નિર્ણયથી કાશ્મીરમાં ઉજવણીનો માહોલ

ભાગ-૨૦ કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા

ભાગ-૨૧ કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

ભાગ-૨૨ ૧૯૮૭માં ફારુક અબ્દુલ્લાને ઈદ ઉલ ફિત્રની નમાઝ ન પઢવા દેવાઈ!

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.