તમે તાજેતરમાં બહુ ચગેલા ઈન્દ્રાણી મુખરજી કેસ વિશે તો જાણ્યું જ હશે. અહીં ટેલિટોક કૉલમમાં તેની કેમ વાત કરીએ છીએ, તે પછી તમે જાણી જ જશો. પરંતુ ઈન્દ્રાણી મુખરજી કેસ વિશે થોડું સંક્ષિપ્તમાં જાણી લઈએ.

ઈન્દ્રાણીનું મૂળ નામ પરી બોરા. ગુવાહાટીની તે રહેવાસી. આસામની એક સ્થાનિક ચેનલના કહેવા પ્રમાણે, તેણે કુલ પાંચ લગ્ન કર્યાં હતાં. તે જ્યારે ૧૬ વર્ષની હતી ત્યારે એક વકીલ સાથે લગ્ન કરવા ઘરેથી ભાગી ગઈ હતી. તે સમયે ઈન્દ્રાણી મિશનરી સ્કૂલમાં ભણતી હતી અને વકીલ એક રાજનેતાનો દીકરો હતો. તે લગ્ન બહુ ઝાઝા ન ચાલ્યા.

બીજી વાર તેણે સિદ્ધાર્થ દાસ સાથે લગ્ન કર્યાં. સિદ્ધાર્થ કહે છે કે તે લિવ ઇન રિલેશન હતા. તે દરમિયાન તે શિલોંગની કૉલેજમાં ભણતી હતી. તેનાથી તેને બે સંતાનો થયાં- શીના અને મિખાઈલ. આ બંને પાછળ અટક ઈન્દ્રાણીની પિયરની જ લાગે છે- બોરા. તે પછી સિદ્ધાર્થ સાથે ઝઘડા થયા એટલે તે માતાપિતા પાસે પાછી ફરી અને હૉસ્પિટાલિટીના ધંધામાં પડી ગઈ. ત્યાં તેની મુલાકાત સાહિલ સાથે થઈ. બંનેએ લગ્ન કર્યાં. મામૂલી ઝઘડા પછી બંને અલગ પડી ગયાં. પરી ઉર્ફે ઈન્દ્રાણી ગુવાહાટીથી કોલકાતા આવી ગઈ. ત્યાં તેની મુલાકાત બિઝનેસમેન સંજીવ ખન્ના સાથે થઈ. તેની સાથે લગ્ન કર્યાં. તેનાથી તેને એક દીકરી થઈ. જેનું નામ વિધિ છે. ત્યાર બાદ ઈન્દ્રાણીએ તેને પણ છોડી દીધો અને તે મુંબઈ આવી ગઈ. અને સ્ટાર પ્લસના સીઇઓ પ્રતીમ ઉર્ફે પીટર મુખરજી સાથે લગ્ન કર્યાં. પીટર મુખરજીના આ બીજાં લગ્ન હતાં. ઈન્દ્રાણી પોતાની દીકરી શીનાને પોતાની બહેન ગણાવતી હતી. હવે પીટરના પહેલી પત્નીના દીકરા રાહુલનું ઈન્દ્રાણીના બીજાં લગ્નથી થયેલી દીકરી સાથે લફરું થયું. એનો ઈન્દ્રાણીને વાંધો આવ્યો અથવા શીના પાસે ઈન્દ્રાણીના નાણાં રહેતા હતાં. જે હોય તે પણ કહે છે કે આના લીધે ઈન્દ્રાણીએ તેની દીકરીની હત્યા કરાવી નાખી. ઈન્દ્રાણી કેસની સંક્ષિપ્ત વાત પૂરી.

ઈન્દ્રાણીનો કેસ જાણીતો લાગે છે? એવું લાગે છે કે આવી વાત કોઈક સિરિયલમાં તમે જોઈ ગયા છો? તો તમે સાચા છો. પીટર મુખરજી જ્યારે સ્ટાર ઇન્ડિયાના સીઇઓ હતા ત્યારે સ્ટાર પ્લસ પર એકતા કપૂરની બોલબાલા હતી. રાતના સાતથી રાતના ૧૧ સુધી તેની જ સિરિયલો આવતી. એમાં બધી લગભગ ક અક્ષર પરથી જ હતી અને તેમાં સાસુ-વહુના અને પીટર મુખરજીનો પોતાનો જેવો પરિવાર હતો તેવા સમૃદ્ધ પરિવારમાં શું ચાલતું તે બતાવાતું. આવી એક સિરિયલ હતી ‘કસૌટી ઝિંદગી કી’. એમાં પ્રેરણા (શ્વેતા તિવારી) મુખ્ય પાત્ર હતી. તેનાં લગ્ન કેટલી વાર થયાં હશે તે તેને પણ કદાચ યાદ નહીં હોય. ઈન્દ્રાણી મુખરજી જેવી જ અટપટી કથા તેની હતી.

‘કસૌટી ઝિંદગી કી’ની કથા પણ થોડી સંક્ષિપ્તમાં. અનુરાગ બાસુ (સેઝાન ખાન) ધનાઢ્ય પરિવારનો છે. તેનો પરિવાર મિડિયા બિઝનેસમાં છે. જ્યારે પ્રેરણા ગરીબ પરિવારની દીકરી છે. અનુરાગ અને પ્રેરણાના પિતા ખાસ મિત્રો છે. અનુરાગ અને પ્રેરણા એકબીજાના પ્રેમમાં છે. આના કારણે તેઓ સીમા ઓળંગી જાય છે. પ્રેરણા ગર્ભવતી બને છે. પરંતુ પ્રેરણા પોતાની વાત અનુરાગને કહેવા જાય તે પહેલાં જ અનુરાગને કોમોલિકા (ઉર્વશી ધોળકિયા)ને પરણવાની ફરજ પડે છે. કોમોલિકાની નજર અનુરાગની સંપત્તિ પર હોય છે. હવે પ્રેરણા અનુરાગ સામે બદલો લેવાનું નક્કી કરે છે. તે અનુરાગને બરબાદ કરી નાખવા એક પછી એક ચાલ રમે છે અને તેમાં તે જીતતી જાય છે. પરંતુ તેને ખબર પડે છે કે અનુરાગ હાથે કરીને હારી રહ્યો છે. તે અનુરાગને આ માટે કહે છે તો અનુરાગ કહે છે કે તે તેને હજુ પણ પ્રેમ કરે છે. તે કહે છે કે તેને કોમોલિકાને પરણવાની ફરજ પડી હતી. આથી પ્રેરણાના મનમાં ફરી એક વાર અનુરાગ માટે સહાનુભૂતિ જાગે છે.

આ તરફ કોમોલિકાના ઈરાદા બાસુ પરિવારને ખબર પડી જતાં અનુરાગ કોમોલિકાને છૂટાછેડા આપી દે છે. અનુરાગ અને પ્રેરણા વચ્ચે ફરી પ્રેમના પુષ્પો ખિલવા લાગે છે. અનુરાગને ખબર પડે છે કે પ્રેરણાએ તે બંનેના દીકરાને જન્મ આપ્યો છે. તે પ્રેરણાને પરણી જાય છે. (અનુરાગનાં બીજાં લગ્ન અને પ્રેરણાનાં પહેલાં!) ત્યાં કોમોલિકા તેમના જીવનમાં પાછી ફરે છે. તેણે બાસુ પરિવારની સંપત્તિ હડપી લીધી હોય છે. આથી અનુરાગ-પ્રેરણા સહિત બાસુ પરિવાર સડક પર આવી જાય છે. કોમોલિકાને એક બદમાશ ઉદ્યોગપતિ મિ. બજાજ (રોનિત રોય) સહાય કરતો હોય છે. પ્રેરણાને જ્યારે આ ખબર પડે છે ત્યારે તે મિ. બજાજ પાસે જઈને આમ ન કરવા વિનવે છે. મિ. બજાજ પ્રેરણાને કહે છે કે તે જો તેને પરણી જશે તો તે અનુરાગ સામે કંઈ નહીં કરે. આથી પ્રેરણા અનુરાગને છોડીને મિ. બજાજને પરણી જાય છે. (પ્રેરણા અને મિ. બજાજ બંનેનાં બીજાં લગ્ન!) મિ. બજાજને તો તેની પહેલી પત્નીથી બાળકો હોય જ છે. તેની પહેલી પત્નીનું નામ હતું મેનકા.

હવે પ્રેરણા કોઈ પણ લાગણી વગર મિ. બજાજ સાથે રહે છે, પરંતુ બાળકોને પ્રેમ કરે છે. બાળકો પણ પ્રેરણાને અપનાવી લે છે. દરમિયાનમાં મિ. બજાજ સાથે એક અકસ્માત થાય છે. પ્રેરણાને સમાચાર મળે છે કે મિ. બજાજનું તો મૃત્યુ થઈ ગયું છે. મિ. બજાજના પહેલી પત્નીનાં બાળકોને તેની બીજી માતા પ્રેરણા વિશે ખબર પડે છે કે તેમના પિતાએ પ્રેરણાને પોતાની સાથે પરણવા ફરજ પાડી હતી. આથી તેઓ પ્રેરણા અને અનુરાગને ભેગા કરવાની યોજના ઘડે છે. ત્યાં ખબર પડે છે કે મિ. બજાજ મૃત્યુ પામ્યો નથી. મેનકાએ તેને પ્રેરણાથી જુદો કરવા આ વાત છુપાવી હતી. અકસ્માત પછી મિ. બજાજ કોમામાં ચાલ્યો ગયો હતો.

મિ. બજાજના પાછા ફરવાથી અનુરાગ અને પ્રેરણાની અરસપરસ બીજાં લગ્ન (આમ તો અનુરાગના ત્રીજા, અને પ્રેરણાનાં પણ ત્રીજાં!) લગ્ન કરવાની યોજના પર પાણી ફરી વળે છે. જોકે બાળકો સમજાવે છે અને મિ. બજાજ અનુરાગ અને પ્રેરણાને અરસપરસ બીજાં લગ્ન કરવાની છૂટ આપે છે. ત્યાં કોમોલિકા પાછી સમસ્યા લઈને ત્રાટકે છે તો મિ. બજાજ પણ પ્રેરણાને ભૂલી શક્યો નથી. તેના કારણે અનુરાગ અને પ્રેરણા વચ્ચે ગેરસમજ સર્જાય છે. ત્યાં અનુરાગ અને પ્રેરણાના દીકરા પ્રેમનું અપહરણ થઈ જાય છે. અનુરાગને મિ. બજાજ પર શંકા જાય છે. પરંતુ હકીકતે અનુરાગના પિતરાઈએ તેનું અપહરણ કર્યું હતું. પ્રેમનું હૉસ્પિટલમાં મૃત્યુ થઈ જાય છે. અનુરાગ અને પ્રેરણા વચ્ચે ચાલતા ઝઘડા પ્રેમના મૃત્યુ બાદ વધી જાય છે અને અંતે બંને છૂટાં પડી જાય છે.

પણ વેઇટ! પ્રેરણા અનુરાગથી છૂટી પડે છે ત્યાં તેને ખબર પડે છે કે તે ફરી ગર્ભવતી છે! અનુરાગને પણ આ સમાચાર ખબર પડે છે ત્યારે તેને ખુશી થાય છે. પણ કોમોલિકા અનુરાગના કાન ભંભેરે છે. આથી અનુરાગને પ્રેરણા પર શંકા જાય છે કે આ બાળક તેનું નથી. અનુરાગને લાગે છે કે આ બાળક મિ. બજાજનું છે. આમ છેવટે અનુરાગ અને પ્રેરણા છૂટાછેડાં લે છે. વળી, પ્રેરણા પાછી મિ. બજાજ પાસે જાય છે. આ બાજુ અપર્ણા નામની સ્ત્રી અનુરાગના જીવનમાં આવે છે. સંજોગોના કારણે ફરી એક વાર અનુરાગ અપર્ણાને પ્રેમ ન કરતો હોવા છતાં તેને પરણવું પડે છે. (અનુરાગના ચોથાં લગ્ન!) પ્રેરણાને આ ખબર પડે છે ત્યારે તે ભાંગી પડે છે. તે એક દીકરીને જન્મ આપે છે. તેનું નામ સ્નેહા રાખે છે. અનુરાગને તેના પિતા હોવા અંગે શંકા છે. તે ડીએનએ ટેસ્ટ કરવા માગે છે. ટેસ્ટ થાય છે, પરંતુ કોમોલિકા ટેસ્ટના રિપોર્ટ બદલી નાખે છે. આથી અનુરાગ હવે પ્રેરણાને ભૂલવા માગે છે અને અપર્ણાને સ્વીકારી લે છે. તે સ્નેહાને લઈને મિ. બજાજ અને તેમનાં બાળકો સાથે રહેવા લાગે છે. તે પછી તો સિરિયલમાં જનરેશન ચેન્જ અથવા લીપ ફોરવર્ડ એટલે કે વાર્તામાં અનેક વર્ષોનો કૂદકો આવ્યો હતો. એટલે તેની વાત નથી કરવી.

આ સિરિયલ આવતી હતી ત્યારે એમ લાગતું હતું કે આવું કંઈ હોતું હશે? આટલાં બધાં લગ્નો કોઈ કરતું હશે? પણ તમે જ ગણો ને. પહેલાં અનુરાગ અને પ્રેરણાનાં લગ્ન વગર શારીરિક સંબંધો, તેનાથી તેમને દીકરો, તે પછી અનુરાગના કોમોલિકા સાથે લગ્ન, છૂટાછેડા, તે પછી અનુરાગ-પ્રેરણાનાં લગ્ન, પ્રેરણાનાં મિ. બજાજ સાથે લગ્ન, મિ. બજાજની એક પત્ની મેનકા તો છે જ, તે પછી ફરીથી અનુરાગ-પ્રેરણાનાં લગ્ન, કોમોલિકાના અનુરાગના પિતરાઈ સુબ્રતો સાથે લગ્ન, અનુરાગના અપર્ણા સાથે લગ્ન, પ્રેરણાના મિ. બજાજ સાથે ફરી એક વાર લગ્ન, અનુરાગનાં સંપદા સાથે લગ્ન. આમ જુઓ તો અનુરાગ પાંચ વાર પરણે છે. તેમાં બે વાર તો પ્રેરણા સાથે જ! તો પ્રેરણા પણ ચાર વાર તો પરણે જ છે. બે વાર અનુરાગ સાથે અને બે વાર બજાજ સાથે.

પરંતુ આજે ઈન્દ્રાણીની વાત જોઈને લાગે છે કે આવા (ભલે રડ્યાખડ્યા) કિસ્સા પણ હોય છે. પ્રેરણાની જેમ પોતે કેટલી વાર લગ્ન કર્યા અને કોનાથી કયા સંતાન થયાં તે કદાચ ઈન્દ્રાણીને પોતાને પણ યાદ નહીં હોય!

જો ઘટનાઓનો તાળો મેળવો તો, ૨૦૦૨માં મુંબઈના ટેબ્લોઇડમાં પીટર મુખરજી તેમનાથી ૧૬ વર્ષ નાની ઈન્દ્રાણી સાથે ફરી રહ્યા હોવાની વાતો ચગેલી હતી. તે વખતે ઈન્દ્રાણીને પાંચ વર્ષની દીકરી હતી અને તે પરણેલી હતી. નવેમ્બર ૨૦૦૨માં પીટર મુખરજી અને ઈન્દ્રાણીનાં લગ્ન થયાં. એટલે બની શકે કે પીટર મુખરજીએ જ ઈન્દ્રાણીનો કેસ જોઈને એકતા કપૂરને આ સિરિયલની પ્રેરણા આપી હોય! અથવા એકતા કપૂરને પીટર પરથી ‘પ્રેરણા’ મળી હોય!

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.