Posted in hindu, national, politics, religion, sikka nee beejee baaju

૧૯૮૭માં ફારુક અબ્દુલ્લાને ઈદ ઉલ ફિત્રની નમાઝ ન પઢવા દેવાઈ!

(ભાગ-૨૩)

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ કૉલમ’માં તા.૨૭/૯/૧૫ના રોજ આ લેખ પ્રસિદ્ધ થયો.)

૧૯૮૭ની ચૂંટણીમાં ગરબડોની વ્યાપક ફરિયાદો હતી, પરંતુ તેમાં જીત મેળવી હોવાથી વડા પ્રધાન રાજીવ ગાંધીએ નવી ચૂંટણી આપવા બદલે એનસી સાથે યુતિમાં કૉંગ્રેસની સરકાર રચવાને વધુ ઉચિત ગણાવ્યું. બીજી તરફ, ‘કાશ્મીર ઇન કોન્ફ્લિક્ટ: ઇન્ડિયા, પાકિસ્તાન એન્ડ ધ અનએન્ડિંગ વોર’માં બ્રિટિશ લેખિકા વિક્ટોરિયા સ્કોફિલ્ડે લખ્યું તેમ, રાજીવ ગાંધી અને ફારુક અબ્દુલ્લા સમજૂતીની અનેક પૈકી એક શરત હતી કે કેન્દ્ર સરકાર રૂ. ૧૧ અબજ (૧૧૦૦ કરોડ)ની સહાય (પેકેજ) આપશે, પરંતુ ફારુક રાહ જોતા જ રહી ગયા. રાજીવ ગાંધીએ આ સહાય આપી જ નહીં.

૧૯૮૭માં ચૂંટણીમાં ગોટાળા થયા ત્યારે કાશ્મીરની અંદર એમયુએફ અને બહાર ભાજપ સિવાય કોઈએ વિરોધ કર્યો નહોતો. તે વખતે વી. પી. સિંહને હજુ રાજીવ ગાંધી સાથે વાંધો નહોતો પડ્યો. પશ્ચિમ બંગાળ અને કેરળમાં ચૂંટણીઓમાં ડાબેરીઓ જીત્યા હતા. એટલે તેઓ પણ ખુશ હતા. બાકી છૂટાછવાયા લોક દળ (દેવીલાલ, અજિતસિંહ) જેવા પક્ષો હતા જેમને આવા મામલામાં બહુ રસ નહોતો. ફારુક સરકારે સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વયમાં ત્રણ વર્ષ વધારો કરવાનો નિર્ણય કર્યો. સ્વાભાવિક જ આનાથી બેરોજગારી વધે જ. (ગુજરાતમાં પણ આવું જ ચાલે છે. અહીં જે અનામત આંદોલન થયું તેમાં હાર્દિક પટેલના કારણે જે વળાંક આવ્યો તે પરંતુ અનેક કારણોમાંનું એક કારણ આ પણ છે કે સરકારમાં ભરતી નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા તે વખતથી બંધ જેવી જ છે. શિક્ષકોમાં વિદ્યા સહાયક, પોલીસમાં પોલીસ સહાયક એમ કોન્ટ્રાક્ટ પર જ સાવ ઓછા પગારે લેવામાં આવે છે. વળી સચિવાલય જેવી કેટલીક જગ્યાએ તો એવો નિયમ છે કે સરકારી કર્મચારી નિવૃત્ત થાય તો તેને ઓછા પગારે ફરીથી કોન્ટ્રાક્ટ પર રાખી લેવા. પરિણામે ઘણા સમયથી સરકારી નોકરીઓમાં ભરતી ઓછી થઈ ગઈ હતી. એવામાં તલાટી કૌભાંડ, જીપીએસસીના કૌભાંડ થાય…એટલે યુવાનોમાં રોષ હોય જ.)

સ્થિતિ બહુ જ ખરાબ હતી. કાશ્મીરની અંદર અને બહાર બંને રીતે. ચૂંટણીમાં ભારે ગરબડો કરાઈ હતી. તેથી મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટના પક્ષો સ્વાભાવિક જ નારાજ હતા, પરંતુ તેમાં ભંગાણ પડ્યું. પીપલ્સ કૉન્ફરન્સ અને અવામી નેશનલ કૉન્ફરન્સ તેમાંથી નીકળી ગયા કારણકે તેઓ જમાત-એ-ઇસ્લામીની ઈચ્છા મુજબ કાશ્મીરને ‘અલ્લાહના હુકમ પ્રમાણે ચાલતા રાજ્ય’ (થિયોક્રેટિક સ્ટેટ) બનાવવા માગતા નહોતા. જમાતના ટેકેદારો કાશ્મીરના લોકોને સ્વનિર્ણય કરવાનો અધિકાર આપવા માગણી કરવા લાગ્યા. પીપલ્સ કૉન્ફરન્સના અબ્દુલ ગની લોને કહ્યું કે જમાતના લોકો કાશ્મીરને ભારતમાંથી અલગ કરવા ઈચ્છે છે, જ્યારે અમે ભારત તરફથી આર્થિક ન્યાય અને સારો વ્યવહાર ઈચ્છીએ છીએ.

હવે આપણે અગાઉ પણ આ શ્રેણીમાં જોઈ ગયા છીએ કે જમ્મુ-કાશ્મીરનું શૈખ અબ્દુલ્લા અને અન્ય સત્તાધીશોએ કેટલું ઈસ્લામીકરણ કર્યું હતું. પાકિસ્તાનમાં જનરલ ઝિયા શાસક બન્યા તદુપરાંત ઈરાનમાં ક્રાંતિ થઈ ખોમૈની સત્તામાં આવ્યા, ઈરાકમાં સદ્દામ હુસૈન જેવા ક્રુર સરમુખત્યાર હતા. અફઘાનિસ્તાનમાં અમેરિકાના ઈશારે ઝિયા ઉલ હકના આદેશથી પરવેઝ મુશર્રફ અને મોહમ્મદ અઝીઝ કટ્ટરવાદી મુસ્લિમોને લડવા તૈયાર કરી રહ્યા હતા. આ બધાના કારણે કાશ્મીરની અંદર સીધી અસર પડી રહી હતી અને બેરોજગાર, રાજકીય રીતે બેફામ ભ્રષ્ટાચાર, મૂળભૂત જરૂરિયાતો પૂરી ન થવી વગેરે કારણે ત્યાંના યુવાનો તો ત્રસ્ત હતા જ.

‘કાશ્મીર:  ડિસ્ટોર્શન્સ એન્ડ રિયાલિટી’ પુસ્તકમાં દીનાનાથ રૈના લખે છે કે કાશ્મીરમાં ઉત્તર પ્રદેશમાંથી ઈમામો અને મૌલવીઓ ઉભરાવા લાગ્યા. તેમાંના મોટા ભાગનાને સ્થાનિક રહેવાસીનું પ્રમાણપત્ર આપી દેવાયું. તેઓ તબલિક-ઉલ-ઇસ્લામ, ઉમ્મત-એ-ઇસ્લામિયા વગેરે સંગઠનો સાથે સંકળાયેલા હતા. રેડિયો કાશ્મીર અને દૂરદર્શન પર પણ ભારત સામે સુઆયોજિત ઝેરી પ્રચાર શરૂ કરાયો.

તો આ તરફથી રાજીવ ગાંધીની કેન્દ્ર સરકાર તરફથી પણ મુસ્લિમ તુષ્ટીકરણ ભરપૂર પ્રમાણમાં થતું હતું. કાશ્મીરી લેખકોને સાહિત્ય અકાદમીના એવોર્ડ મળતા. તેમાંના ઘણા લોકો બેવડાં વલણ દાખવતાં. કાશ્મીરમાં કટ્ટરવાદી સંસ્થાઓમાં જઈને એવો દેખાવ કરતા કે તેમણે તો પોતાનું પુસ્તક મોકલ્યું જ નથી. અકાદમીએ પોતાની રીતે પુસ્તક મેળવ્યું છે. તેઓ જાહેર મેળાવડાઓમાં અને સમારંભોમાં ભારત પ્રત્યે નફરત અને ધિક્કાર દેખાડતા. પરંતુ ગુપ્ત રીતે પોતાનું પુસ્તક પુરસ્કાર માટે મોકલી આપતા. જ્યારે પુરસ્કાર મેળવવા જવાનું આમંત્રણ આવે ત્યારે પોતે ખુલ્લા ન પડી જાય તે માટે હૃદય રોગ જેવી કોઈ બીમારીનું નાટક કરતા અને અકાદમીને વિનંતી કરતા કે તેમને પોતાના ઘરે જ પુરસ્કાર મોકલાવી દેવામાં આવે! અકાદમી તેમ કરતી પણ ખરી.

આ પરિસ્થિતિ ગુજરાતમાં જરા ઉલટી છે. અહીં એવું વાતાવરણ બનાવી દેવામાં આવ્યું છે કે જો તમે નરેન્દ્ર મોદી કે ભાજપની સાચા કારણોસર પણ પ્રશંસા કરો તો તમારા પર શાબ્દિક કે અન્ય કોઈ રીતે તડાપીટ બોલે. ઘણા સમાચારપત્રોમાં આવા કટાર લેખકો કે કામ કરતા પત્રકારો તંત્રીઓ આગળ મોદી વિરોધી કે ભાજપવિરોધી ઉપજાવી કાઢેલી વાતો કરે અને એ રીતે સમાચારપત્રમાં પોતાનું સ્થાન જળવાઈ રહે તે જુએ પરંતુ એ જ પત્રકાર કે કટારલેખક દિવાળી પછી નૂતન વર્ષ કે બીજા કોઈ પ્રસંગે જ્યારે નરેન્દ્ર મોદી કે ભાજપના નેતાઓ સાથે મળવાનું બને તો લળી લળીને વાત કરે. સાથે હસીખુશી ફોટા પડાવે. વૉટ્સએપના પ્રોફાઇલમાં પણ મૂકે. આમ, છાશ લેવા જવી છે પણ દોણી સંતાડવી એ ગુજરાત (અને કેટલેક અંશે રાષ્ટ્રીય માધ્યમોમાં)ને અલગ રીતે લાગુ પડે છે.

શૈખ અબ્દુલ્લાના મૃત્યુ પછી તેમની આત્મકથા ‘આતીશ એ ચિનાર’ નામથી પ્રસિદ્ધ થઈ. એવું કહેવાય છે કે તેમણે જમ્મુ-કાશ્મીર એકેડેમી ઑફ આર્ટ, કલ્ચર એન્ડ લેંગવેજીસના ડિરેક્ટર અને ડિરેક્ટર જનરલ ઑફ લાઇબ્રેરિઝ, મોહમ્મદ યુસૂફ તેંગ પાસે આ પુસ્તક લખાવ્યું હતું. જોવા જેવી વાત એ હતી કે જે નહેરુએ આંધળી રીતે શૈખ અબ્દુલ્લાને ટેકો આપ્યો અને તેમને કાશ્મીરના બાદશાહની જેમ રહેવા દીધા તે નહેરુની ભરપૂર ટીકા આ પુસ્તકમાં કરાઈ હતી. કાશ્મીરી પંડિતો અંગે તો લગભગ બદનક્ષીકારક કહેવાય તેવું લખાણ લખાયું હતું. આતીશ એ ચિનારની વાત નીકળી છે તો તેમાં શૈખે કઈ રીતે નહેરુએ તેમને દગો દીધો હતો તે વાત લખી છે અને સાથે એ પણ લખ્યું છે કે જો ગોડસેએ ગાંધીજીની હત્યા ન કરી હોત તો તેમણે કાશ્મીરના લોકોની સાચા અર્થમાં સ્વાયત્ત કાશ્મીર રાજ્યના સપનાને સાકાર કર્યું હોત.

શૈખે જે લખ્યું તે કદાચ સંભવ છે કે બન્યું પણ હોત. આ કૉલમમાં ‘કૉંગ્રેસે આઝાદી અપાવી કે આઝાદી મળવામાં વિલંબ કર્યે રાખ્યો’ નામના બે લેખો (જુઓ મુંબઈ સમાચારની ઉત્સવ પૂર્તિ, તા. ૨૮/૧૨/૧૪ અને ૪/૧/૧૫)માં આપણે એ જોઈ ગયા છીએ કે ઘણી વખત ગાંધીજી મુસ્લિમ તુષ્ટીકરણ કરવા કઈ હદે જતા હતા. ખિલાફત આંદોલનથી માંડીને ઝીણાને ભારતના વડા પ્રધાન બનાવવાની દરખાસ્ત તેમજ પાકિસ્તાનના નીકળતા ૫૫ કરોડ માટે ઉપવાસ…

અને ગાંધીજીના શૈખ અબ્દુલ્લા અંગે કયા વિચારો હતા તે પણ જાણવા જેવા છે. ‘ફ્રન્ટલાઇન’ સામયિકના ૨૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ના અંકમાં ‘વ્હાય જમ્મુ ઇરપ્ટ્સ’ શીર્ષકવાળા લેખમાં ‘કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી’ પુસ્તકને ટાંકીને ગાંધીજી અને શૈખ અબ્દુલ્લા વિશે આમ લખાયું છે. “૨૮ નવેમ્બર ૧૯૪૭ના રોજ પ્રાર્થના સભામાં ગાંધીજીએ કહેલું: “તમે શૈખ અબ્દુલ્લાને મારી સાથે જુઓ છો…જેણે ચુસ્ત મુસ્લિમ હોવા છતાં હિન્દુઓ અને શીખોનાં દિલ જીત્યાં છે અને તેમની વચ્ચેનો સમુદાય ભેદ ભૂલાવી દીધો છે. જમ્મુમાં તાજેતરમાં હિન્દુઓ અને શીખોએ મુસ્લિમોની હત્યા કરી હોવા છતાં તેઓ જમ્મુ ગયા અને તેમણે દુષ્ટતા કરનારાને ભૂતકાળ ભૂલી જવા કહ્યું.”

આતીશ એ ચિનારની વાત પર પાછા આવીએ તો, આ પુસ્તકને અકાદમી દ્વારા નેશનલ એવોર્ડ માટે પસંદ કરાયું. વડા પ્રધાન રાજીવ ગાંધીએ અંગત રીતે નિર્દેશ આપીને આ એવોર્ડ અપાવ્યો હતો. એ વખતે સંસદમાં આની સામે ભારે વિરોધ થયો હતો. વિરોધ એટલા માટે નહોતો થયો કે શૈખ અબ્દુલ્લા જેવા અલગતાવાદી નેતાના પુસ્તકને એવોર્ડ અપાયો હતો, પરંતુ વિરોધ એટલે થયો હતો કે તેમાં કૉંગ્રેસના નેતા અને પ્રથમ વડા પ્રધાન નહેરુ વિરુદ્ધ લખાયું હતું. કૉંગ્રેસના સાંસદોએ ભારે ઉહાપોહ કર્યો હતો. પરંતુ છેવટે આ રાજીવની સૂચનાથી જ થયું હોવાથી તેમને શાંત થઈ જવું પડ્યું હતું.

કાશ્મીરમાં આ રીતે પાકિસ્તાન પ્રેરિત ઈસ્લામીકરણ અને કેન્દ્ર દ્વારા તુષ્ટીકરણ ભરપૂર ચાલી રહ્યું હતું. મે ૧૯૮૩માં સૈયદ શાહબુદ્દીને કાશ્મીર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સમક્ષ સંવેદનશીલ રીતે ભારે કોમી ઉશ્કેરણી કરતું ભાષણ આપ્યું હતું. તેમાં કડવાશ અને કોમી ઉશ્કેરણી ભરપૂર હતી. માત્ર ભારતવિરોધી વ્યક્તિ જ આપી શકે તેવું એ ભાષણ હતું. તે વખતે રાજ્યના મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લા પોતે હાજર હતા, પરંતુ તેઓ ચૂપચાપ ભાષણ સાંભળતા રહ્યા. ૧૯૮૩પછી બોમ્બ ધડાકાઓ છુટાછવાયા ચાલુ થઈ ગયા હતા. આમ, એક તરફ ત્રાસવાદી પ્રવૃત્તિ, બીજી તરફ મુસ્લિમોને કટ્ટર બનાવવાનું કામ પૂરજોશમાં ચાલુ હતું.

૧૯૮૭ની ચૂંટણી પછી ફારુક અબ્દુલ્લા સામે સ્થાનિક પ્રજામાં રોષ ત્રણ કારણે હતો. એક તો, રાજ્યમાં પ્રશાસનનો લગભગ અભાવ. ફારુક અબ્દુલ્લા ડિસ્કો થેકમાં, ગોલ્ફમાં અને મનફાવે ત્યારે વિદેશ ઉપડી જતા. રાજ્યમાં મૂળભૂત સુવિધાઓ નહોતી મળતી. શિક્ષણ અને બેરોજગારી મોટી સમસ્યાઓ હતી. બીજું કારણ એ હતું કે ચૂંટણીમાં મોટા પાયે ગરબડના આક્ષેપો વચ્ચે તેમણે સત્તા મેળવી હતી. અને ત્રીજું કારણ એ હતું કે તેમના પિતા અને તેમણે અત્યાર સુધી કાશ્મીરીઓમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઉશ્કેરણી કરી કરીને સત્તા મેળવી હતી. હવે એકાએક તેઓ દિલ્લી તરફી થઈ જાય તો પ્રજાને ગળે કેમ ઉતરે? અને એનું પરિણામ કેવું આવવા લાગ્યું?

૧૬ મે ૧૯૮૭ના રોજ ઈદ ઉલ ફિત્ર હતી. શ્રીનગરના ઈદગાહ ખાતે ફારુક નમાઝ પઢવા ગયા પરંતુ તેમને નમાઝ પઢવા ન દેવાઈ! રોષે ભરાયેલા યુવાનોએ ફારુક પર જૂતાં ફેંકવા માંડ્યા. ફારુક માંડ માંડ બચ્યા. શહેરમાં અન્ય જગ્યાઓએ પણ હિંસા થઈ હતી. ફારુકે કયાં પગલાં લીધાં? એ જ જે સામાન્ય રીતે નેતા લે. વહીવટીતંત્રમાં બદલીઓ કરી. અને બીજા દિવસે દિલ્હી જવા રવાના થઈ ગયા!

(ક્રમશ:)

આ શ્રેણીના અગાઉના હપ્તા વાંચો:

ભાગ- ૧  કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો

ભાગ-૨ કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

ભાગ-૩ કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!

ભાગ-૪ નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!

ભાગ-૫ શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

ભાગ-૬ હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડયંત્ર

ભાગ-૭  ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

ભાગ-૮ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

ભાગ-૯ શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

ભાગ-૧૦ કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

ભાગ-૧૧ ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

ભાગ-૧૨ ઈન્દિરાની સભામાં ફારુકના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યા!

ભાગ-૧૩કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

ભાગ-૧૪ ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ રાજભવનમાં રસપ્રદ ધડાધડી

ભાગ-૧૫ જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

ભાગ-૧૬ ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

ભાગ-૧૭ પાકિસ્તાનનું પ્રૉક્સી વોર અને ક્રિકેટ પોલિટિક્સ

ભાગ-૧૮ પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હારજા

ભાગ-૧૯ શાહબાનો કેસ: રાજીવના નિર્ણયથી કાશ્મીરમાં ઉજવણીનો માહોલ

ભાગ-૨૦ કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા

ભાગ-૨૧ કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

ભાગ-૨૨ કાશ્મીરમાં ૧૯૮૭ની ચૂંટણીમાં મોટા પાયે ગેરરીતિઓ આચરાઈ

ભાગ-૨૪ વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર: ૧૯૮૫ અને ૨૦૧૩માં શો ફરક હતો?

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s