(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૪/૧૦/૧૫ના રોજ આ લેખ છપાયો.)

(ભાગ-૨૪)

ફારુક અબ્દુલ્લાને ઈદની નમાઝ ન પઢવા દેવામાં આવે તે કેટલી ગંભીર સ્થિતિ કહેવાય? આ અંગે રાજીવ ગાંધીની કેન્દ્ર સરકારે પણ જાગવું જોઈતું હતું અને સ્થાનિક સ્તરે ફારુક અબ્દુલ્લા સરકારે પણ. જોકે રાજ્યપાલ તરીકે જગમોહન તો સતર્ક જ હતા. રાજીવ ગાંધી વડા પ્રધાન ન રહ્યા ત્યારે તેમની અને જગમોહન વચ્ચે વાક્યુદ્ધ થયેલું. એ વખતે જગમોહને એક ખુલ્લો પત્ર તેમને લખેલો. એમાં તેમણે ટાંક્યું છે તે મુજબ:

“મારે તમને એ યાદ અપાવવાની જરૂર છે કે મેં તમને ૧૯૮૮ની શરૂઆતથી જ ચેતવણીના સંકેતો મોકલવા માંડ્યા હતા? પરંતુ તમને અને તમારી આસપાસના લોકોને આ સંકેતો જોવા માટે ન તો સમય હતો ન તો ઝુકાવ હતો, કે ન તો દૃષ્ટિકોણ હતો. મેં તે વખતે લખેલું: સંકીર્ણતા અને કટ્ટરવાદના ઢોલ પીટનારાઓ દિવસરાત કામ કરી રહ્યા છે. ભાંગફોડમાં વધારો થયો છે. સરહદ પારના પડછાયાની લંબાઈ વધી રહી છે. ઘાતક શસ્ત્રો આવી ગયાં છે. વધુ કદાચ રસ્તામાં હશે.” એપ્રિલ ૧૯૮૯માં મેં કાકલૂદી કરી હતી કે તાત્કાલિક પગલાં લેવાં જોઈશે જ.

જગમોહન લખે છે તેમ ૧૯૮૮માં જે પરિસ્થિતિ સર્જાવા લાગી હતી, તે આગળ વર્ષ ૧૯૯૦ આવતા આવતા કાશ્મીરી પંડિતો પર અત્યાચાર, મૃત્યુ આપવાના અને કાશ્મીર ખીણમાંથી હાંકી કાઢવાના વ્યવસ્થિત ષડયંત્રની પૂર્વતૈયારીરૂપ હતી.

હવે એક અલગતાવાદી માણસ અમાનુલ્લાહ ખાન જેની ૧૯૮૫ના સપ્ટેમ્બરમાં ભારતના નાયબ ઉચ્ચ આયુક્ત રવીન્દ્ર મ્હાત્રેની હત્યાના કેસમાં ધરપકડ થઈ હતી તેનું બ્રિટને પાકિસ્તાનને પ્રત્યર્પણ કર્યું. અમાનુલ્લા ખાન પાસેથી કેટલાંક ગેરકાયદે રસાયણો મળી આવ્યાં હતાં જેમાંથી સરકારી વકીલ મુજબ, વિસ્ફોટકો બનાવી શકાતા હતા. તેને જેલમાંથી મુક્ત સપ્ટેમ્બર ૧૯૮૬માં કરી દેવામાં આવેલો, પરંતુ ત્રણ મહિના પછી તેનું પ્રત્યર્પણ થયું હતું. તે વખતે સંસદના લેબર પાર્ટીના અનેક સાંસદોએ ગૃહ પ્રધાનને તેનું પ્રત્યર્પણ ન કરવા વિનંતી કરી હતી. જોકે અમાનુલ્લા ખાને એવો બચાવ કર્યો હતો કે તેની પાસે જે રસાયણો હતાં તે તો જંતુનાશકો હતાં. વળી, તેની બીજી દલીલ એવી પણ હતી કે ભારતે બ્રિટન પાસેથી હેલિકોપ્ટરો ખરીદ્યાં તેના બદલામાં તેને તેનો અને શીખ ત્રાસવાદીનો સોદો થયો હતો.

આ હેલિકોપ્ટર સોદાની વાત પણ અછડતી કરી લઈએ. આ ખરીદીનો નિર્ણય ત્રણ વર્ષની ચર્ચા બાદ થયો. તેની જાહેરાત ૨૪ સપ્ટેમ્બર ૧૯૮૫એ કરવામાં આવી હતી. ‘ધ ટાઇમ્સ’ સમાચારપત્રના સંરક્ષણ પત્રકારનું કહેવું હતું કે સોદામાં વિલંબ એટલે થયો કે ભારત સરકારને બ્રિટન સામે વાંધો હતો કે તે ત્યાં શીખ ત્રાસવાદીઓની પ્રવૃત્તિ પર લગામ મૂકી રહી નથી.

જોકે ગત ૫ જાન્યુઆરી, ૨૦૧૫એ બહાર આવેલા અહેવાલો મુજબ, યુકેનાં વડાં પ્રધાન માર્ગારેટ થેચરે રાજીવ ગાંધીને આ હેલિકોપ્ટરો ખરીદવા ફરજ પાડીને બરબાદ થતી આ કંપની વેસ્ટલેન્ડને બચાવી હતી. આ અહેવાલોમાં કહેવાયું છે: “૧૯૮૫ના યુકે મંત્રીમંડળના દસ્તાવેજો જે ગયા સપ્તાહે બહાર પડ્યા તે બતાવે છે કે માર્ગારેટ થેચર ભારતને વેસ્ટલેન્ડ ડબ્લ્યુ ૩૦ હેલિકોપ્ટરો વેચવા કેટલા આતુર હતાં અને આ રીતે તેઓ આ એરોસ્પેસ કંપનીને બચાવવા માગતાં હતાં. ૧૮ એપ્રિલ અને ૨૫ એપ્રિલ ૧૯૮૫ના રોજ યુકેના મંત્રીમંડળની બેઠકમાં થયેલી ચર્ચા બતાવે છે કે થેચર આ મુદ્દે ‘આંગળી વાંકી કરીને ઘી કાઢવા’ના મતનાં હતાં. થેચરથી માંડીને તેમના અનેક મંત્રીઓ, યુકેના અનેક અધિકારીઓ આ બાબતે ભારતના તેમના સમકક્ષોના સતત સંપર્કમાં હતા. ૧૮ એપ્રિલની મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા થઈ હતી કે થેચર જ્યારે ભારત ગયા હતા ત્યારે તેમને લાગ્યું કે રાજીવ ગાંધી વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરો ખરીદવાના મતના નથી. રાજીવ ગાંધીએ થેચરને કહી દીધું હતું કે ભારત સરકાર માટે લેખિતમાં એ કહી દેવું જરૂરી છે કે વેસ્ટલેન્ડ ભારતીય સ્પેસિફિકેશન પૂરી કરતાં નથી.

૨૫ એપ્રિલ ૧૯૮૫ના રોજ થેચર મંત્રીમંડળની મળેલી બેઠકની મિનિટ કહે છે કે વિદેશ વિકાસ પ્રધાન મિ. રેસન જ્યારે ૨૪ એપ્રિલે રાજીવ ગાંધીને મળ્યા ત્યારે તેમણે જો હેલિકોપ્ટર નહીં ખરીદાય તો યુકેની ભારતને સહાય કાર્યક્રમ પર અસર પડવાની ધમકી આપી હતી.

વર્ષ ૨૦૧૩માં જે ઑગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરોનું કૌભાંડ ચમકેલું તેમાં જે વેસ્ટલેન્ડ કંપની હતી તે જ કંપનીનાં હેલિકોપ્ટરો ખરીદવા માટે થેચરે દબાણ કર્યું હતું. આ હેલિકોપ્ટરો (વર્ષ ૧૯૮૫માં ખરીદાયેલાં) ભારત માટે આફતરૂપ સાબિત થયાં હતાં. તેમાંના બે હેલિકોપ્ટરો ઑગસ્ટ ૧૯૮૮માં અને ફેબ્રુઆરી ૧૯૮૯માં તૂટી પડ્યાં હતાં, જેમાં ૧૦ ઉતારુઓ માર્યા ગયેલા.

વર્ષ ૨૦૧૩માં ખરીદાયેલા હેલિકોપ્ટર કૌભાંડમાં તો કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીનું નામ પણ ઉછળ્યું હતું. તેમના રાજકીય સચિવ અને ગુજરાતના મોટા નેતા અહેમદ પટેલે કટકી લીધી હોવાનો ઈટાલીના સરકારી વકીલોએ આરોપ મૂકેલો છે. બે વચેટિયાઓ હશ્કે (Haschke) અને ક્રિશ્ચિયન માઇકલે બજેટ બનાવ્યું હતું જેમાં આ રૂ. ૩૫૪૬ કરોડનો સોદો સંભાળતા ભારતના રાજકારણીઓ, અમલદારો અને વાયુ સેનાના અધિકારીઓની યાદી બનાવાઈ હતી. આ બજેટ શીટમાં વિગતો અપાઈ હતી કે ૫.૧૦ કરોડની લાંચ અપાશે. અને તે કોને કોને કેટલી અપાશે? તેમાં ‘એપી’ (AP) સામે ‘૩ મિલિયન યુરો’ (૩૦ લાખ યુરો) લખાયેલું છે. બીજી ૧.૫૦/૧.૬૦ કરોડ યુરોની સામે એફએએમ (FAM) લખાયેલું હતું જેનો અર્થ પરિવાર થતો હોવાનું કહેવાય છે. ઈટાલીના સરકારી વકીલ યુજેનિયો ફુસ્કોએ કોર્ટમાં હશ્કેને પૂછેલું કે નોંધમાં જે “એપી” લખેલું છે તેનો અર્થ અહેમદ પટેલ થાય છે કે કેમ. હશ્કેએ તો કોઈ દલાલી કે કટકી અપાઈ જ નથી તેમ કહેતા કહ્યું હતું કે તેને યાદ નથી કે તેણે જ્યારે “એપી” લખ્યું ત્યારે તેનો અર્થ શું થતો હતો.

જોકે ઈંગ્લેન્ડના સમાચારપત્ર ‘ડેઇલીમેઇલ’ના અહેવાલ મુજબ, ક્રિશ્ચિયન માઇકલે પીટર હલેટને સલાહ આપી હતી કે સોદો પાર પાડવો હોય તો કૉંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીની નજીકના લોકોને લક્ષ્ય બનાવવા. આનાથી બે વાત તો સાબિત થાય છે જે ભાજપવાળાઓ નથી કહી શકતા જ્યારે તેમના પર આરએસએસના રિમોટ કંટ્રોલનો આક્ષેપ થાય છે. એક તો એ કે ખરી સત્તા મનમોહનસિંહના હાથમાં નહીં, પરંતુ સોનિયા ગાંધીના હાથમાં હતી. બીજું કે માઇકલની સલાહને જોતાં સોનિયા ગાંધી કે તેમની આસપાસના નેતાઓને કટકી મળી હોવાના આક્ષેપો નકારી શકાય નહીં. (જેમ કોર્ટની ભાષામાં જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી આરોપી મનાતો નથી તેમ નિર્દોષ ન ઠરે ત્યાં સુધી આક્ષેપો નકારી પણ ન શકાય.)

જોકે ભાજપવાળા કે અન્ય વિપક્ષો પણ માત્ર આક્ષેપો કરી જાણે છે. તેમને ખબર છે કે તેઓ પણ દૂધના ધોયેલા નથી. આથી આક્ષેપો બાદ તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ થઈ જાય છે. બોફોર્સ કૌભાંડ ગજવીને સત્તામાં આવેલા વી. પી. સિંહે (અલબત્ત, તેઓ ભાજપના નહોતા) શું કરેલું? વાજપેયી સત્તામાં આવ્યા ત્યારે તેમણે કેમ બોફોર્સમાં ખાસ પગલાં ન લીધાં? અત્યારે નરેન્દ્ર મોદી છે તો તેમને રોબર્ટ વાડ્રાથી માંડીને ઑગસ્ટા વેસ્ટલેન્ડ કેસ સહિતના કૌભાંડોમાં તપાસ કરતા અને પગલાં લેતા કોણ રોકે છે? કોલસા કૌભાંડ મુદ્દે  મોદીએ આટલી સભાઓ ગજવી, સત્તા પણ મેળવી પરંતુ હવે તેમના હસ્તકની સી.બી.આઈ. કહે છે કે મનમોહનસિંહ નિર્દોષ છે. અને કારણ એ જ કે પુરાવા નથી.

તો, એ અમાનુલ્લા ખાનને પાકિસ્તાન મોકલી દેવાયો. આપણે અગાઉ ઉલ્લેખ કરી ગયા છે કે ફારુક અબ્દુલ્લા જ્યારે ઈંગ્લેન્ડમાં ભણતા હતા ત્યારે તેઓ ૧૯૭૧માં અમાનુલ્લા ખાનને મળેલા. આ અમાનુલ્લા ખાન પાકિસ્તાન આવતા પાકિસ્તાનમાં રહેતા, મૂળ કાશ્મીરના (ભારતના કાશ્મીરના) લોકોનો જુસ્સો બેવડાયો. પાકિસ્તાન આવતા વેંત અમાનુલ્લા ખાને સરહદ પાર એટલે કે ભારતમાં કામગીરીનો દિશાનિર્દેશ કરવા માંડ્યો. તેને એ ખ્યાલ આવી ગયો હતો કે તેની ચળવળને જો વેગ આપવો હશે તો કાશ્મીર ઘાટીમાંથી યુવાનોનો ટેકો તેને મળવો જરૂરી છે. આ માટે ચાર માણસોની ભરતી કરાઈ અને તેમને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર લાવવામાં આવ્યા. આ ચાર માણસો હતા- અશ્ફાક માજિદ વાણી, શૈખ અબ્દુલ હમીદ, જાવેદ અહેમદ મીર અને મોહમ્મદ યાસીન મલિક. હા, એ જ યાસીન મલિક, જે જેકેએલએફનો નેતા છે અને ભારતને અવારનવાર હેરાન કરતો રહે છે.

આ તરફ કાશ્મીરમાં અંદરખાને પણ કટ્ટરતા વધી રહી હતી. દીનાનાથ રૈનાએ ‘કાશ્મીર ડિસ્ટોર્શન એન્ડ રિયાલિટી’ નામના પુસ્તકમાં લખ્યા પ્રમાણે, જમાત-એ-ઇસ્લામી ઉપરાંત અલ્લાહ વલ્લાઇ નામનું મુસ્લિમ સંગઠન જેનું વડુંમથક ઉત્તરપ્રદેશમાં હતું તે ધાર્મિક કટ્ટરતાને વધારવામાં સહયોગ આપી રહ્યું હતું. તે કાશ્મીરમાં વિશાળ સભાઓ યોજતું હતું. તેમાં ઈસ્લામિક શાસન અને ઈસ્લામિક કાયદા લાવવા માટે આકરો સંઘર્ષ કરવાની વાત ખુલ્લેઆમ થતી હતી. અનેક યુવાન મુસ્લિમોને પ્રશિક્ષણ માટે ઉત્તરપ્રદેશ લઈ જવાતા હતા.

ઑગસ્ટ-સપ્ટેમ્બર ૧૯૮૮માં શ્રીનગરમાં એક સપ્તાહની પરિષદ કમ શિબિર યોજાયો. તેમાં ભારતના અનેક પ્રતિનિધિઓ આવ્યા. કેટલાક આરબો પણ આવ્યા હતા. અરે! રાજ્યના અનેક ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ પણ તેમાં ભાગ લીધો હતો. કાશ્મીરની પ્રજાને ભડકાવવા માટે શ્રીનગર અને સોપોર, બારામુલ્લા જેવાં શહેરોમાં જે મુખ્ય ઈમામો હતા તે કાશ્મીરી મુસ્લિમો નહીં, પરંતુ ઉત્તર પ્રદેશના હતા!

(ક્રમશ:)

અગાઉના ભાગ વાંચો:

ભાગ- ૧  કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો

ભાગ-૨ કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

ભાગ-૩ કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!

ભાગ-૪ નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!

ભાગ-૫ શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

ભાગ-૬ હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડયંત્ર

ભાગ-૭  ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

ભાગ-૮ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

ભાગ-૯ શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

ભાગ-૧૦ કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

ભાગ-૧૧ ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

ભાગ-૧૨ ઈન્દિરાની સભામાં ફારુકના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યા!

ભાગ-૧૩કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

ભાગ-૧૪ ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ રાજભવનમાં રસપ્રદ ધડાધડી

ભાગ-૧૫ જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

ભાગ-૧૬ ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

ભાગ-૧૭ પાકિસ્તાનનું પ્રૉક્સી વોર અને ક્રિકેટ પોલિટિક્સ

ભાગ-૧૮ પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હારજા

ભાગ-૧૯ શાહબાનો કેસ: રાજીવના નિર્ણયથી કાશ્મીરમાં ઉજવણીનો માહોલ

ભાગ-૨૦ કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા

ભાગ-૨૧ કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

ભાગ-૨૨ કાશ્મીરમાં ૧૯૮૭ની ચૂંટણીમાં મોટા પાયે ગેરરીતિઓ આચરાઈ

ભાગ-૨૩ ૧૯૮૭માં ફારુક અબ્દુલ્લાને ઈદ ઉલ ફિત્રની નમાઝ ન પઢવા દેવાઈ!

Advertisements

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.