(ભાગ-૨૫)

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૧/૧૦/૧૫ના રોજ આ લેખ પ્રગટ થયો.)

સામાન્ય રીતે કાશ્મીર કે દેશમાં અન્યત્ર કોમવાદી ધમાલ થાય છે તે શુક્રવારની નમાઝ પઢ્યા પછી થાય છે. આ વર્ષોનો ક્રમ છે. અત્યારે પણ કાશ્મીર ખીણમાં ઈરાક અને સિરિયાને પચાવવા માટે અત્યંત ઘૃણાસ્પદ, નૃશંસ હત્યાચાર અને અન્ય ત્રાસ વર્તાવતા ત્રાસવાદી સંગઠન આઈએસઆઈએસના ઝંડા ફરકે છે તે દર શુક્રવારે નમાઝ પછી. તાજેતર (૧૭ જુલાઈ, ૨૦૧૫)માં કાશ્મીરમાં ઈદની નમાઝ પછી સૈયદ અલી શાહ ગિલાણીની અટકાયતના વિરોધમાં પથ્થરમારો કરાયો હતો.

૮ એપ્રિલ ૧૯૮૮ના રોજ આવી જ એક શુક્રવારની નમાઝ હતી. સ્થળ હતું અનંતનાગ. દિલ્લીની જામા મસ્જિદના શાહી ઈમામ (એટલે મુખ્ય પૂજારી એવો કાચો અર્થ કાઢી શકાય) અબ્દુલ્લા બુખારીએ ઝેરીલું ભાષણ કર્યું. તેમણે પાકિસ્તાન તરફી તત્ત્વોને ભડકાવ્યાં-ઉશ્કેર્યાં અને કટ્ટરતાવાદની આગમાં ઘી હોમવાનું કામ કર્યું. તેમણે કાશ્મીર અંગે સંયુક્ત રાષ્ટ્રોના ઠરાવની પણ વાત કરી. તેનો ચુસ્ત અમલ કરવાની માગણી કરી. તેમણે તો ત્યાં સુધી કહ્યું: “કાશ્મીરનો ભારતમાં વિલય અંતિમ નથી. કાશ્મીર જીવંત મુદ્દો છે જેનો ઉકેલ જરૂરી છે.” આવાં જ ભાષણો તેમણે શ્રીનગરમાં પણ કર્યાં. આનાથી રાજ્યના ધર્મગુરુઓ પણ જોરમાં આવી ગયા. જો દિલ્લીના ઈમામ આવું ભાષણ કરી શકે તો આપણને કોણ રોકી શકે? શાહી ઈમામની મુલાકાતોથી ત્યાં અલગતાવાદી તત્ત્વોની પ્રવૃત્તિ વધવા લાગી. અશાંતિ અને તોફાનો વધવાં લાગ્યા. તેમના ભાષણ પછી તરત જ તોફાનો ફાટી નીકળ્યા. તાકડે તે જ વખતે શ્રીલંકાના વડા પ્રધાન પ્રેમદાસા શ્રીનગરની મુલાકાતે આવવાના હતા. તે વખતે આંદોલનકારીઓએ ભારત વિરોધી સૂત્રોચ્ચારો કર્યા. એટલું જ નહીં પરંતુ પ્રેમદાસાની વિરુદ્ધ પણ નારા બોલાવ્યા કારણકે તેમનું માનવું હતું કે શ્રીલંકામાં મુસ્લિમોની હત્યા થઈ હતી.

અત્યારે હાર્દિક પટેલનું આંદોલન જે રંગ લઈ રહ્યું છે ત્યારે કાશ્મીરની ઘટનાઓ યાદ આવતા લાગે છે કે શું ગુજરાતમાં પણ આવા અલગતાવાદી તત્ત્વો તો નથી ઉછરી રહ્યા ને? ૨૫ ઑગસ્ટે ક્રાંતિ રેલીમાં હાર્દિકે કહ્યું કે ‘હિન્દુસ્તાન અપની ઔકાત પે આ જાયેગા’, ‘રાવણ કી લંકા મેં કોઈ નહીં બચેગા’. ‘હમે અપના હક લેના આતા હૈ, દોગે તો પ્યાર સે લેંગે, નહીં તો છિન લેના હમે ભી આતા હૈ’. શું આ દેશ રાવણની લંકા છે? શું હાર્દિક પટેલ હિન્દુસ્તાનને ઔકાત દેખાડી દેવાની વાત કરીને ગિલાણી જેવા કાશ્મીરી અલગતાવાદીઓની હરોળમાં નથી બેસી ગયો? હાર્દિક પટેલ એમ કહે કે પાટીદાર યુવાન મરે નહીં, બેચાર પોલીસવાળાને મારે. જેમ કાશ્મીરમાં પોલીસ અને સેના વિરોધી માનસિકતા છે તેવું હાર્દિક અહીં ક્યાંક માનસ નથી ઘડી રહ્યો ને યુવાઓનું? તાજેતરમાં એક સમાચાર હતા કે એક સાતમા ધોરણમાં ભણતા બાળકે પરીક્ષામાં ઉત્તરવહીમાં ‘જય સરદાર જય પાટીદાર’ એવું લખ્યું તે બતાવે છે કે હાર્દિક કુમળા માનસને પ્રભાવિત કરવામાં કેટલો સફળ રહ્યો છે?) પોલીસને અને સરકારને ધોકા દેખાડવાની વાત શું છે? હાર્દિકની અટકાયત થાય એટલે પોલીસ મથકો સળગાવવાના, બસો સળગાવવાની, બીઆરટીએસ બસસ્ટેન્ડ સળગાવવાના, રાજ્યના ગૃહ પ્રધાન રજની પટેલ અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલના ઘર પર હુમલા થાય એ બધું શું બતાવે છે? શું ક્યાંક હાર્દિક પટેલથી દોરવાઈને પાટીદારો પાકિસ્તાનની આઈએસઆઈની મેલી મુરાદના શિકાર તો નથી બની રહ્યા ને? આ બાબત પાટીદારોએ વિચારવી જોઈએ.

આનો અર્થ એવો નથી કે કોઈએ આંદોલન ન કરવું જોઈએ. સામાન્ય રીતે આંદોલનના બેથી ત્રણ તબક્કા હોય છે. પહેલો તબક્કો અરજીનો અને પછી શાંત આંદોલનનો હોય છે. હજુ સુધી હાર્દિક પટેલ કે અન્ય કોઈ આંદોલનકારી પટેલે ઓબીસી પંચ સમક્ષ પોતાની જ્ઞાતિને ઓબીસીમાં સમાવવા અરજી કર્યાનું જાણ્યું નથી. આમ આવા અરજી અને શાંત આંદોલનના તબક્કાને વળોટીને હાર્દિકે પહેલેથી જ આંદોલનમાં ઉગ્રતા લાવી દીધી. ૨૫ ઑગસ્ટે જે મહારેલી અમદાવાદમાં થઈ તે પહેલાં તેણે અનેક નાટકો કર્યા. રિવર ફ્રન્ટ પર જ સભા કરવાની હઠ પકડી. જીએમડીસી મેદાન મફતમાં અપાયું, ગામેગામથી આવતા પટેલો માટે ટોલ ટેક્સ માફ કરાયો. કલેક્ટર સામેથી આવેદન લેવા આવ્યા તો હાર્દિકે જીદ પકડી કે મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ અહીં મેદાનમાં આવેદન લેવા આવે તો જ હું અહીંથી ઉઠીશ. આ વળી કેવી જીદ? શું આ આંદોલનને ભડકાવવાની યોજના નહોતી? ૨૫ ઑગસ્ટની રેલી અગાઉ સરકારે મંત્રણા માટે બોલાવ્યા તો હાર્દિકે તેમાં જવાની ના પાડી દીધી.

ઉલટી દાંડી યાત્રા અગાઉ નાણા પ્રધાન સૌરભ પટેલે મધ્યસ્થી કરીને યાત્રા મોકૂફ રાખી મંત્રણા માટે બોલાવ્યા તો મંત્રણામાં જીદ કરી કે તમામ ૧૪૪ કન્વીનરોને પણ બેઠકમાં સામેલ કરો. તે માટે માંડમાંડ સમજાવ્યા તો મંત્રણામાં અનામતનો મુદ્દો હાર્દિકે ચર્ચ્યો જ નહીં. પોલીસ અત્યાચારનો મુદ્દો જ ચર્ચ્યો હતો. (આગલી રાત્રે જ સુરતના પટેલ અનામત આંદોલન સમિતિના સંયોજક અલ્પેશ કથીરિયાએ કહી દીધું હતું કે અનામત હવે અમારો બીજો મુદ્દો છે, પહેલો મુદ્દો પોલીસ અત્યાચારનો છે.)

અને પોલીસ અત્યાચારની પણ કેવી એકપક્ષીય વાત? કહે છે કે પોલીસે ઘરમાં ઘૂસી ઘૂસીને પટેલોને માર્યા. આ લેખકે પોતે જોયું છે કે ફ્લેટના ઉપરના માળેથી પોલીસ પર પથ્થરમારો થાય- પાણી ફેંકાય અને પછી સંતાઈ જાય તો પોલીસ તેમને પકડવા સોસાયટીમાં આવે કે ન આવે? તોફાન ૨૫મી ઑગસ્ટની રેલી પછી ભડક્યા હતા. આ રેલી દરમિયાન અને તે અગાઉ એક કે બે દિવસથી પોલીસ સ્ટેન્ડ બાય હતી. ૨૫મીએ પણ વહેલી સવારથી સ્ટેન્ડ બાય હતી. સાંજના છ વાગે કાર્યક્રમ પૂરો થઈ જવાનો હતો. પરંતુ હાર્દિકની જીદના કારણે તે લંબાયો. ગરમી કહે મારું કામ. તેના કારણે પોલીસ ભૂખીતરસી અકળાયેલી હતી. વળી, રેલીમાં પોલીસ માટે ઓબીસી વગેરેની મજાક કરાતી હતી. છેવટે રાતના આઠ વાગે પોલીસ આક્રમક બની.

આ બધું જવા દઈએ તો, સરકારે ૨૪ સપ્ટેમ્બરે માત્ર પટેલો માટે નહીં, કહેવાતા તમામ સવર્ણ પરંતુ ગરીબ લોકો માટે આર્થિક પેકેજ જાહેર કર્યું (
કેમ કે મિડિયા દ્વારા એવી છબી ઉપસાવવામાં આવી હતી કે આ આંદોલન મોદીના ઈશારે થાય છે અને લાંબા ગાળે અનામત નાબૂદ કરી ઈબીસી એટલે કે કોઈ પણ જ્ઞાતિના ગરીબોને જ અનામત અપાશે તેવું કરાશે. આના કારણે પટેલોના આ આંદોલનને અન્ય સવર્ણ જ્ઞાતિઓનો પણ ટેકો સાંપડવા લાગ્યો હતો). તેને પણ લોલિપોપ ગણાવીને હાર્દિકે નકારી કાઢ્યું. ઠેરઠેર મંત્રીઓ- ધારાસભ્યોનો બહિષ્કાર કરાવા માંડ્યો. મહિલાઓને આગળ કરાવા માંડી. એ તો ઠીક, પરંતુ બેન્કોમાંથી પટેલો થાપણો અને પૈસા ઉપાડવા લાગ્યા. આ રીતે અર્થતંત્ર ઠપ કરવાનો પણ પ્રયાસ કરી જોવાયો. શું આ કાશ્મીરના અલગતાવાદીઓ જેવા ધંધા નથી? જોકે સદ્નસીબે પટેલ સમાજના ઘણા લોકોને પણ હાર્દિકની ચાલ સમજાતી ગઈ. એટલે (અને બીજું એ કે પૈસા ઉપાડે તો વ્યાજ ગુમાવે અને ઘરમાં ચોરીનો ભય પણ રહે) પટેલોએ આ આર્થિક બહિષ્કાર મોકૂફ રાખ્યો.

પટેલ મૃતકોને શહીદ ગણાવવાના હાર્દિકના સૂર શું કાશ્મીરના અલગતાવાદીઓ જેવા નથી? અરે! રાજકોટમાં એક સદ્ધર પટેલ ઉમેશ ભાલાળાએ આત્મહત્યા કરી તેને પણ હાર્દિકે શહીદમાં ખપાવી દીધો. સાબરકાંઠાના બાયડ પાસે તેનપુર ગામમાં સભામાં ઇલેક્ટ્રિક લાઇનો અ– થાંભલા ઉખાડી ફેંકવાની વાત કરી. કેટલાં વર્ષે અને કેટલી મહેનતે ગામેગામ વીજળી પહોંચી છે? શું હાર્દિક તેના ખેડૂત ભાઈઓને ગુજરાતમાં ૨૪ કલાક (નહીં તો ૧૮ કલાક) વીજળી મળે છે તે સાંખી શકતો નથી? શું આ અલગતાવાદી કામ નથી? તે પછી પોતાના અપહરણનો તેણે ડ્રામા કર્યો, જેમાં યાકૂબ મેમણ નામના ત્રાસવાદીના તરફદારોએ જેમ અડધી રાત્રે સર્વોચ્ચ ન્યાયાલયના દરવાજા ખોલાવડાવ્યા તેમ હાર્દિક તરફી કૉંગ્રેસ અગ્રણી અને વકીલ બાબુભાઈ માંગુકીયાએ માત્ર ત્રણ કલાકથી ગૂમ હાર્દિક પટેલ માટે અડધી રાત્રે ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં હેબિયસ કૉપર્સની અરજી કરી. પોલીસ હાર્દિકને ઉઠાવી ગઈ છે તેવો દાવો કર્યો. તે પછી બીજા દિવસે હાર્દિક મળી ગયો, તેણે ચેનલ સાથે વાત કરી, પોતાના અપહરણનો દાવો કર્યો. પછી હાઇ કોર્ટમાં હાજર થવાના બદલે તે અને તેના વકીલ બાબુભાઈ માંગુકીયા ચેનલોને ઇન્ટરવ્યૂ આપતા રહ્યા. ત્રીજા દિવસે ૨૫મીએ ગુજરાત હાઇ કોર્ટમાં હાજર થયા. એટલે હાઇ કોર્ટે પણ શંકા વ્યક્ત કરી કે અમને પહેલાં જ કહેવામાં આવ્યું હતું કે તમારું ખરેખર અપહરણ નથી થયું, પરંતુ પબ્લિસિટી સ્ટંટ જ છે. હાઇ કોર્ટે એમ પણ કહ્યું કે તમે એક તરફ હેબિયસ કૉપર્સ અરજી કરો છો અને હેબિયસ (હાર્દિક)ને કૉર્ટમાં હાજર કરવાના બદલે ચેનલોને ઇન્ટરવ્યૂ આપો છો?

હાઇ કોર્ટે અપહરણના મુદ્દે પૂછ્યું તો હાર્દિક પાસે જવાબ નહોતા. ગેંગેંફેંફે થવા લાગ્યો. આથી કોર્ટે તે ફરી ન જાય એટલે તેની પાસે લેખિતમાં નિવેદન લીધું. ૨૯ સપ્ટેમ્બરે થનારી બીજી સુનાવણી પહેલાં હાર્દિકના નામે સંદેશો વહેતો કરાયો કે પાટીદારો ૨૯મીએ મોટી સંખ્યામા હાઇ કોર્ટ પર ઉમટી પડે? શું આ હાઇ કોર્ટ, પોલીસ અને સરકાર પર માનસિક દબાણ ઊભું કરવાનો પ્રયાસ નહોતો? ૨૯મીએ હાઇ કોર્ટમાં જે માળ પર સુનાવણી થવાની હતી ત્યાં આજુબાજુ ચુસ્ત સુરક્ષા કરવી પડી. જાણે કોઈ આતંકવાદીની સુનાવણી થઈ રહી ન હોય! ટૂંકમાં હાર્દિકની પ્રવૃત્તિ જોતાં કાશ્મીરના અલગતાવાદીઓની યાદ આવી જાય. જોકે પાટીદારો અથવા પટેલો ઘણા સમજુ છે. ઘણા પાટીદારો હવે હાર્દિકથી વિમુખ થઈ રહ્યા છે. હાર્દિક ગમે તેમ આંદોલનને ચાલુ રાખવા હવાતિયાં મારી રહ્યો છે. જેમ ઈમામ બુખારીની ધરપકડ કરતાં કે મહારાષ્ટ્રમાં બાળ ઠાકરે-રાજ ઠાકરેની ધરપકડ કરતાં સરકાર ડરતી રહી છે તેમ હાર્દિકની પણ અત્યાર સુધી અટકાયતો જ થઈ છે. ધરપકડ નથી થઈ. તેનાં આવાં ઉચ્ચારણો અને હાઇ કોર્ટે કચ્છના નરેન્દ્ર ગઢવીની અરજી પર પોલીસને જો રાજદ્રોહનો ગુનો બનતો હોય તો તે ફરિયાદ નોંધવા છૂટ આપી હોવા છતાં સરકાર અને પોલીસ કેમ વારેઘડીએ હાર્દિક સામે નરમ પડી જાય છે અને તેને મોટો ભા બનવા દે છે તે સમજાતું નથી.

કાશ્મીરમાં પણ ઈમામ બુખારીની હરકતો સામે સરકારે કંઈ પગલાં ભર્યા નહીં. તેના કારણે અશાંતિ વધવા લાગી. ઈમામ બુખારી કહેતા કે તેઓ ભારતીય કાયદાથી પર છે. આટલું જ નહીં તેમણે અનંતનાગ જિલ્લાના કાઝી નિસ્સાર સાથે બંધ બારણે બેઠક કરી. તે પછી કાઝી નિસ્સારે જાહેર કર્યું કે તે દક્ષિણ કાશ્મીરનો મીરવાઈઝ (મીર એટલે મુખ્ય, વાઇઝ એટલે ઉપદેશક) છે. બુખારીની જેમ તેણે પણ કહ્યું કે તે કાયદાથી ઉપર છે. ઈરાનમાં આ સમયગાળાના થોડા વખત પહેલાં ઈસ્લામિક ક્રાંતિ થયેલી. કાઝી નિસ્સાર પોતાના પ્રવચનમાં તેની અવારનવાર વાત કરતો.

આમ, કાશ્મીરને એક તરફ ફારુકના ભ્રષ્ટ શાસને ભરડો લીધો હતો, બીજી તરફ, બેરોજગારી વકરી રહી હતી, ત્રીજી તરફ, વીજળીના ભાવમાં બેફામ વધારો કરાયો. ચોથી તરફ, આવા કટ્ટરવાદી તત્ત્વો જનતાને બેફામ ઉશ્કેરી રહ્યા હતા. અને પાંચમી તરફ, પાકિસ્તાનના લશ્કરી શાસક ઝિયા ઉલ હકનું ‘ઓપરેશન ટોપાક’ના નામે ભારત સામે છદ્મયુદ્ધ ચાલુ હતું. એવામાં ૧૧ એપ્રિલ ૧૯૮૮એ પાકિસ્તાનના પચાવી પાડેલા કાશ્મીરમાં શસ્ત્રાગારમાં ધડાકો થયો અને તેના પડઘા કાશ્મીરમાં પડ્યા. કેવી રીતે? આવતા અંકે તેની વાત.

(ક્રમશ:)

અગાઉના ભાગ વાંચો:

ભાગ- ૧  કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો

ભાગ-૨ કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

ભાગ-૩ કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!

ભાગ-૪ નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!

ભાગ-૫ શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

ભાગ-૬ હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડયંત્ર

ભાગ-૭  ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

ભાગ-૮ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

ભાગ-૯ શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

ભાગ-૧૦ કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

ભાગ-૧૧ ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

ભાગ-૧૨ ઈન્દિરાની સભામાં ફારુકના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યા!

ભાગ-૧૩કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

ભાગ-૧૪ ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ રાજભવનમાં રસપ્રદ ધડાધડી

ભાગ-૧૫ જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

ભાગ-૧૬ ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

ભાગ-૧૭ પાકિસ્તાનનું પ્રૉક્સી વોર અને ક્રિકેટ પોલિટિક્સ

ભાગ-૧૮ પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હારજા

ભાગ-૧૯ શાહબાનો કેસ: રાજીવના નિર્ણયથી કાશ્મીરમાં ઉજવણીનો માહોલ

ભાગ-૨૦ કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા

ભાગ-૨૧ કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

ભાગ-૨૨ કાશ્મીરમાં ૧૯૮૭ની ચૂંટણીમાં મોટા પાયે ગેરરીતિઓ આચરાઈ

ભાગ-૨૩ ૧૯૮૭માં ફારુક અબ્દુલ્લાને ઈદ ઉલ ફિત્રની નમાઝ ન પઢવા દેવાઈ!

ભાગ-૨૪ વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર: ૧૯૮૫ અને ૨૦૧૩માં શો ફરક હતો?

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.