film

સાધના: અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં

 

sadahan2-a

‘અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં.’ ‘ચિત્રલેખા’ના તંત્રી અને વિખ્યાત નવલકથાકાર હરકિશન મહેતાએ જ્યારે તેમની અંતિમ નવલકથાઓ પૈકીની એક ‘લય પ્રલય’ લખી ત્યારે તેમાં આતંકવાદી કમલસિંહ સૂર્યવંશીના લાઇટરમાં જે ધૂન વાગતી હતી તે આ ગીતની હતી.

અને આ ગીતનું સ્મરણ થતાં સુંદરતમ અભિનેત્રીઓમાંની એક સાધનાનું આજે નિધન થયું છે ત્યારે તેમના વિશે પણ આ જ વાત કહેવાનું મન થાય છે- અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં. ભલે તેઓ છેલ્લાં ઘણાં વર્ષોથી નિવૃત્ત હોય પરંતુ રેમ્પ પર વૉકના બહાને કે મુંબઈમાં ભાડે રહેતા ઘર અંગે ઝઘડા નિમિત્તે ટીવી કેમેરા સામે તેઓ જોવા તો મળી જતાં હતાં. એ વખતે તેમની છબી પેલી જાણીતી ઉક્તિની યાદ અપાવતી હતી કે ખંડહર બતા રહા હૈ કિ ઈમારત બુલંદ થી.

૧૯૬૦ અને ૭૦ વખતે જે યુવાનો હશે તેમને તો સાધનાએ પોતાના સૌંદર્ય-અભિનયથી મુગ્ધ કર્યા જ હતાં, પરંતુ તે પછી જન્મેલી પેઢી જેમને એ વખતે દૂરદર્શનના કારણે જૂની ફિલ્મો જોવાનો લાભ મળતો (આજે તો ટીવી પર જૂની ફિલ્મોનો એકડો જ નીકળી ગયો છે.) ૧૯૬૨-૬૫માં તેઓ હિન્દી સિનેમાની સૌથી વધુ મહેનતાણું મેળવતા અભિનેત્રી હતાં અને ૧૯૭૦-૭૩માં તેઓ ત્રીજા ક્રમે સૌથી વધુ મહેનતાણુ મેળવતા અભિનેત્રી હતા.

અને કેમ ન હોય? તેમની એક પછી એક સુપરહિટ ફિલ્મો અને સુપરહિટ ગીતો સતત આવતા જ રહ્યાં. સાધનાની શરૂઆત રાજ કપૂરની ફિલ્મ ‘મૂડ મૂડ કે ના દેખ’ ગીતમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે તેમનો ઉદય થયો હોત. એક સિંધી ફિલ્મ ‘અબાના’માં તેમણે શીલા રામાણીની નાની બહેનની ભૂમિકા કરી જેના માટે તેમને ફી તરીકે રોકડો રૂપિયો ૧ મળ્યો હતો! એ વખતે સાધનાએ શીલા રામાણીનો ઑટોગ્રાફ માગ્યો તો શીલા રામાણીએ કહ્યું, “એક દિવસ આવશે જ્યારે હું તારો ઑટોગ્રાફ માગીશ.”

અને એ દિવસોની શરૂઆત આ ‘અબાના’ ફિલ્મની જાહેરખબરના લીધે થવાની હતી! ‘અબાના’ ફિલ્મના સમાચારપત્રના મુખપૃષ્ઠ પર ચમકી અને તે વખતના મોટા નિર્માતા શશધર મુખર્જીએ તેમની નોંધ લીધી. તેમની એક્ટિંગ સ્કૂલમાં સાધના જોડાયાં. અને આ રીતે તેમને મળી પહેલી ફિલ્મ ‘લવ ઇન સિમલા’. તેમાં તેમની સામે હતા રોમેન્ટિક હીરો જોય મુખર્જી. એની વાર્તા કેવી હતી? આજના સમયમાં પણ ચાલે તેવી રોમકોમ! સાધનાજીએ ભજવેલું પાત્ર સોનિયા સાવ સીધી સાદી મણિબહેન ટાઇપની અનાથ યુવતી હતી. તેને લોકો ટોણા મારતા રહેતા. તેની પિતરાઈ બહેન શીલાને એક પ્રેમી છે – દેવકુમાર મલ્હોત્રા. ટોણાથી કંટાળીને સોનિયા શીલાને પડકાર કરે છે કે તે તેના પ્રેમીને પોતાના પ્રેમમાં પાડીને રહેશે! એમાં તેના કાકી બન્યાં હતાં તે કાજોલનાં નાની –શોભના સમર્થ! પહેલી ફિલ્મમાં સાધના શર્ટ-પેન્ટ અને ચશ્મામાં કેટલાં સુંદર લાગતાં હતાં! આ ફિલ્મની જો વ્યવસ્થિત રિમેક કરવામાં આવે તો હિટ જાય એવું મટિરિયલ તેમાં પડેલું છે.

લવ ઇન સિમલા પછી તો તેમની એક પછી એક ફિલ્મો આવતી ગઈ. ‘પરખ’, ‘હમ દોનો’, ‘મનમૌજી’, ‘એક મુસાફિર એક હસીના’, ‘અસલી નકલી’, ‘મેરે મહેબૂબ’, ‘વો કૌન થી’, ‘રાજકુમાર’, ‘દુલ્હા દુલ્હન’, ‘વક્ત’, ‘આરઝૂ’, ‘મેરા સાયા’, ‘ગબન’, ‘બદ્તમીઝ’, ‘અનિતા’, ‘ઇન્તકામ’, ‘એક ફૂલ દો માલી’, ‘આપ આયે બહાર આઈ’. તેમનાં પર ફિલ્માવાયેલાં ગીતો પણ એકથી એક ચડિયાતાં રહ્યાં.

કોન્વેન્ટ એજ્યુકેટેડ સાધના કહેતા કે તેઓ સુંદર નહોતા પણ આકર્ષક જરૂર હતા. જોકે એ વાત ખોટી છે. તેમના રૂપે શકીલ બદાયૂંનીને સુંદર ગઝલ લખવા પ્રેરી- મેરે મહેબૂબ તુઝે મેરી મુહબ્બત કી કસમ. હસરત જયપુરીએ ‘એ નરગીસે મસ્તાના’ અને ‘ઐ ફૂલો કી રાની બહારોં કી મલ્લિકા’ ગઝલો લખી. સાધનાનું નામ જાણીતી અભિનેત્રી સાધના બોઝના નામ પરથી લખવામાં આવ્યું હતું!  ‘મેરે મહેબૂબ’માં બુરખામાંથી તેમની માત્ર આંખો જ દેખાતી તેને વિલનનાં પાત્રો ભજવવા જાણીતા ડેનીએ વિસ્મરણીય ગણાવી હતી. ‘લવ ઇન સિમલા’ વખતે તેમના નિર્દેશક જે બાદમાં તેમના પતિ થયા, આર. કે. નય્યરે મોટું કપાળ ઢાંકવા સૂચવેલી હેરસ્ટાઇલ તેમણે અપનાવી અને તે ‘સાધના કટ’ તરીકે જાણીતી થઈ.

સાધનાનો પરિવાર પણ ફિલ્મી. તેમના પિતરાઈ હરિ શિવદાસાની ફિલ્મ અભિનેતા. હરિ શિવદાસાનીની દીકરી બબિતા. બબિતાની દીકરી કરિશ્મા અને કરીના! અભિનેતા આફતાબ શિવદાસાની તેમનો ભત્રીજો થાય. પહેલી ફિલ્મ ‘લવ ઇન સિમલા’થી નિર્દેશક આર. કે. નય્યર અને અભિનેત્રી સાધના પ્રેમમાં પડી ગયાં. માતાની ઈચ્છા હતી કે સાધના રાજેન્દ્રકુમાર જેવા કોઈ સાથે લગ્ન કરે પરંતુ સાધના મક્કમ હતાં. તેમણે લગ્ન કર્યાં. ધીમે ધીમે જેમ સમય વિતતો ગયો તેમ સ્ટારડમ ઘટવાના અણસાર આવ્યા. રાજ કપૂરે તેમને ‘બોબી’માં ઋષિ કપૂરની માની ભૂમિકાની દરખાસ્ત કરેલી, પરંતુ તેમને એ પસંદ નહોતું. હિરોઇન તરીકે જ તેમને નિવૃત્ત થવું હતું.

તેમણે પોતાની જાતને તેમના ઘર અને કેટલાંક મર્યાદિત વર્તુળો પૂરતી સીમિત કરી દીધી. પતિનું અસ્થમાના હુમલાના કારણે અવસાન થયું. બાળકો નહોતા. પરંતુ બંગલાના વિવાદને બાદ કરતાં મોટા ભાગે એકદમ ગરીમાથી તેઓ જીવ્યાં અને મુંબઈની કેન્સર હૉસ્પિટલમાં નિધન થયું ત્યારે પણ કોઈ ફિલ્મમાં હિરોઇનનું નિધન થાય તે રીતે આંચકો આપતા ગયા કેમ કે બીજા કેટલાક હીરો-હિરોઇનની જેમ તેઓ લાંબા સમય હૉસ્પિટલમાં દાખલ ન રહ્યા.

આપણે તો સાધનાજીને એ જ કહેવું છે કે:

બહોત શુક્રિયા બડી મહેરબાની, હમારી ઝિંદગી મેં હુઝૂર આપ આયેં! પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે!

Advertisements

1 thought on “સાધના: અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં”

  1. સુંદર રીતથી શ્રધ્ધાંજલી આપી છે. પ્રભુ એમના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s