(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનના જૂન અંક માટે લખેલો લેખ)

કેટલાંક સૌથી મોટાં કૌભાંડો. કોલસા કૌભાંડ રૂ. ૧.૮૬ લાખ કરોડનું. સ્પેક્ટ્રમ કૌભાંડ રૂ. ૧.૭૬ લાખ કરોડનું. કર્ણાટકનું વકફ બૉર્ડ કૌભાંડ રૂ. ૧.૫ લાખ કરોડનું. રાષ્ટ્રકુળ રમતોનું કૌભાંડ રૂ. ૭૦,૦૦૦ કરોડનું. આવા બધા મસમોટા કૌભાંડ કોના શાસનમાં થયા તે પ્રશ્ન નથી (જવાબ બધા જાણે છે) પરંતુ પ્રશ્ન એ છે કે આ બધા કૌભાંડમાં રકમને જોતાં તાજેતરમાં ફરીથી ચર્ચામાં આવેલું રૂ. ૩૬૦૦ કરોડનું ઑગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી કૌભાંડ તો બગલબચ્ચું લાગે.

તો પછી આટલો બધો દેકારો કેમ?

તેનો જવાબ એ છે કે પહેલી વાર આ કૌભાંડમાં અત્યારનાં મોટાં માથાં ગણાય તેવાં નામો આવ્યાં છે. તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહના મિડિયા સલાહકાર સંજય બારુથી લઈને કોલસા સચિવ પી. સી. પારખના પુસ્તકો પરથી એક વાત સ્પષ્ટ હતી કે વડા પ્રધાન તરીકે મનમોહનસિંહ પાસે બહુ ઓછી સત્તા હતી. ચોખ્ખી ભાષામાં કહીએ તો મનમોહનસિંહ માત્ર રબ્બર સ્ટેમ્પ વડા પ્રધાન હતા. પુસ્તકની વાત સાચી ન માનીએ તો પણ જે રીતે રાહુલ ગાંધીએ ભ્રષ્ટ નેતાઓને બચાવતો વટહુકમ જાહેરમાં પત્રકાર પરિષદમાં ફાડી નાખ્યો તે પણ બતાવે છે કે ખરી સત્તા કોના હાથમાં હતી. એટલે મનમોહન સરકારના વખતમાં રાષ્ટ્રપતિથી માંડીને વીવીઆઈપી કહેવાય તેવા મહાનુભાવોને ઉડવા માટે હેલિકૉપ્ટર ખરીદવાનું કૌભાંડ થયું તે ટૂંકમાં ઑગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી ચોપર સ્કેમ તરીકે ઓળખાય છે. આ કૌભાંડમાં કૉંગ્રેસ પ્રમુખ અને યુપીએ મોરચાનાં વડાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સોનિયાના રાજકીય સલાહકાર અહેમદ પટેલ જેવાં મોટાં માથાંનાં નામ બહાર આવ્યાં તેથી દેકારો વધુ છે, કૌભાંડ ભલે રૂ. ૩૬૦૦ કરોડનું જ હોય.

આમ તો આપણી સરકાર જ્યાં સુધી કૌભાંડ બહાર ન પડે ત્યાં સુધી ચૂપચાપ બધું ચાલવા દે છે. એટલે ઈ. સ. ૨૦૧૦માં ઑગસ્ટા વેસ્ટલેન્ડનાં હેલિકૉપ્ટર ખરીદવા સોદો થયો ત્યારથી લઈ ઈ. સ. ૨૦૧૩માં ઈટાલીમાં આ સોદો કરવા કટકી ચૂકવાયાના આરોપસર ઑગસ્ટા વેસ્ટલેન્ડના સીઇઓ બ્રુનો સ્પાગ્નોલિન અને આ કંપનીની પિતૃ કંપની ફિન્મેક્કાનિકાના ચૅરમેન જ્યુસેપે (Guiseppe) ઓર્સીની ધરપકડ થઈ ત્યાં સુધી સરકારે શાંતિ રાખી. પણ ઈટાલીમાં બાજી ખુલ્લી પડી ગઈ એટલે પછી તે જ વર્ષે સરકારે તપાસનો આદેશ આપી દીધો.

ઈ. સ. ૨૦૧૪માં સરકાર બદલાઈ. રાષ્ટ્રવાદી નરેન્દ્ર મોદીની સરકાર આવી. પણ આ કેસ ભંડકિયામાં પૂરી દેવાયો. એવામાં નેશનલ હેરાલ્ડ કેસનું ઑગસ્ટાથીય મોટું કૌભાંડ આવ્યું. તેમાં કૉર્ટે ખાલી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જેવાં મોટા માથાંને હાજર રહેવા બોલાવ્યાં એમાં પક્ષે એવો દેખાવ કર્યો કે જાણે મોદી સરકાર બદલાની કાર્યવાહી કરતી હોય. સોનિયાએ હુંકાર કર્યો કે તેઓ કોઈથી ડરતા નથી. તેમણે તેમની સાથે તેમની દીકરી પ્રિયંકા ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ સહિત કૉંગ્રેસના મોટા નેતાઓની ફૌજ સાથે કૉર્ટ તરફ પગપાળા કૂચ કરી. કૉર્ટ નજીક કાર પાર્કિંગ કરી પછી અમુક અંતરેથી પગપાળા ચાલતાં આવ્યાં. આ સરકસને મિડિયાએ પણ ખૂબ જ ચગાવ્યું.

હવે જો ઑગસ્ટા કેસમાં મોદી સરકાર કંઈ બોલે કે કાર્યવાહી કરે તો ફરી તેની સામે સોનિયા અને આખી કૉંગ્રેસ એકઠી થઈ જાય. વેરની રાજનીતિના આક્ષેપો થાય. મિડિયાનો મોટો વર્ગ પણ સાથ આપે. આ કારણ હોય કે ‘તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ’નું કારણ હોય, મોદી સરકાર ઑગસ્ટા કેસમાં ચૂપ હતી. પણ ઈટાલીના ન્યાયાલયે (તેને અંગ્રેજી મિડિયા મિલાન કૉર્ટ ઑફ અપીલ તરીકે ઓળખાવે છે અને તે આપણા ઉચ્ચ ન્યાયાલય સમકક્ષ ગણાય છે) ૭ એપ્રિલે જે ચુકાદો આપ્યો તેનાથી ભારતીય રાજકારણમાં સનસનાટી મચી ગઈ. આ ચુકાદામાં જ્યુસેપે ઑર્સીને ભ્રષ્ટાચાર માટે દોષિત ઠરાવ્યા. ૨૨૫ પાનાનો આ દળદાર ચુકાદો લોકશાહીથી ચૂંટાયેલી સરકાર, સરકારનું પડદા પાછળ સંચાલન કરતા લોકો, સેના અને ચોથી જાગીર તરીકે ફૂલાતા પત્રકારો- આ બધાને બેનકાબ કરી દે તેવો છે. તેમાં સોનિયા ગાંધી, તેમના રાજકીય સચિવ અહેમદ પટેલ, વાયુ સેનાના પૂર્વ વડા એસ. પી. ત્યાગી અને મિડિયાની સંડોવણી પ્રત્યે સંકેત છે.

ઈટાલીની કૉર્ટે આ કંપનીના વડા જ્યુસેપ્પી ઓર્સીને ભ્રષ્ટાચાર માટે દોષિત ઠેરવ્યા હતા અને જણાવ્યું કે તેમણે ભારતમાં કૉંગ્રેસના ટોચના નેતાઓને લાંચ ચુકવી હતી. રૂ. ૩૬ અબજના સોદો પાર પાડવા માટે ખૂબ જ લોબિઇંગ કર્યું હતું.

વચેટિયાઓ મારફતે મેળવેલી હસ્તલિખિત નોંધને ટાંકીને ન્યાયાધીશોએ કહ્યું કે ૧૨ વીવીઆઈપી હેલિકૉપ્ટરોની વિવાદાસ્પદ ખરીદી માટે ભારતના રાજકીય નેતાઓને ૧.૫ કરોડથી ૧.૬ કરોડ યુરો (અંદાજે રૂ. ૧.૨થી ૧.૨૫ અબજ)નું કમિશન (લાંચ) સ્વીકાર્યું હતું. ન્યાયાધીશોએ કહ્યું કે કંપનીએ સોદો પાર પાડવા કૉંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી અને તેમના નજીકના સાથીઓ સમક્ષ લોબીઇંગ કર્યું હતું. ઉપરાંત તેણે વડા પ્રધાન મનમોહનસિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમ. કે. નારાયણન સમક્ષ પણ લોબીઇંગ કર્યું હતું.

પોતાની પોલ ખુલ્લી ન પડી જાય તે માટે તત્કાલીન કૉંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારે ઈટાલીની તપાસ ટીમને સહકાર પણ નહોતો આપ્યો તેવું ચુકાદામાં કહેવાયું છે. વચેટિયા પાસેથી પકડાયેલી નોંધ જે ચુકાદાનો હિસ્સો હતી તેમાં કહેવાયું હતું કે આ સોદા પાછળ સોનિયા ‘ડ્રાઇવિંગ ફૉર્સ’ (ચાલક બળ) હતાં. ચુકાદામાં સોનિયાનું નામ ચાર વાર આવે છે.

લગભગ એક વર્ષથી સંસદમાં કૉંગ્રેસના કારણે કામકાજ ઠપ ચાલતું હતું. કૉગ્રેસ સંસદમાં અને સંસદની બહાર તેના શાસનમાં મલાઈ ખાધેલા લોકો અસહિષ્ણુતાના નામે દેકારો કરતા હતા, એવોર્ડ પાછો આપતા હતા. તેવા સમયે ઈટાલીના ઉચ્ચ ન્યાયાલયનો ચુકાદો નરેન્દ્ર મોદી સરકાર માટે રાહતરૂપ બનીને આવ્યો. આ સરકાર હવે જો આ મુદ્દો સંસદમાં ન ઉપાડે તો રાજકારણની રીતે મૂર્ખ જ ગણાય. આથી આ મુદ્દે હવે સંસદ ગાજવા લાગી. અત્યાર સુધી આક્રમક રહેલી કૉંગ્રેસ પહેલી વાર સંસદમાં બચાવમાં આવી ગઈ.

સામાન્ય રીતે મિડિયા સાથે વાત કરવાનું ટાળતા સોનિયા ગાંધીએ નેશનલ હેરાલ્ડવાળી ટેપ ફરીથી ઑગસ્ટા વેસ્ટલેન્ડમાં પણ વગાડી. તેમણે કહ્યું કે “હું કોઈનાથી ડરતી નથી. તેઓ જે કહી રહ્યા છે તેનો કોઈ આધાર નથી. તમામ આક્ષેપો ખોટા છે. સરકાર બે વર્ષથી સત્તામાં છે. તેમણે શા માટે તપાસ નિષ્પક્ષ રીતે જેમ બને તેમ ઝડપી પૂરી ન કરી?”

સોનિયાની પડખે કૉંગ્રેસનું ટોચનું નેતૃત્વ પણ મેદાનમાં આવી ગયું.  સોનિયાના રાજકીય સચિવ અહેમદ પટેલે સરકારને તપાસ પૂરી કરવા પડકાર ફેંક્યો. તો પૂર્વ સંરક્ષણ પ્રધાન અને કૉંગ્રેસના નેતા એ. કે. એન્ટોનીએ કૉંગ્રેસના નેતૃત્વને કલંકિત કરવા માટે આ રાજકીય ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો. કૉંગ્રેસે તો વળતો આક્ષેપ કર્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈટાલીના વડા પ્રધાન મેટ્ટીઓ રેન્ઝી વચ્ચે સમજૂતી થઈ છે કે ઈટાલીના વડા પ્રધાન હેલિકૉપ્ટર કેસમાં તપાસમાં સહાયતા કરે અને સામે પક્ષે મોદી ઈટાલીના જે બે નૌસૈનિકો કેરળના માછીમારોની હત્યામાં સંડોવાયેલા છે તેમને નિર્દોષ છોડી મૂકશે. આ તો ઠીક, પણ કૉંગ્રેસે એવી દલીલ ઉપજાવી કાઢી કે વચેટિયાએ પોતે જેને લાંચ આપી હોવાની યાદી રાખી છે તે યાદીમાં ‘એપી’ તરીકે ઉલ્લેખિત વ્યક્તિ તો અહેમદ પટેલ સિવાય ઘણા હોઈ શકે છે, જેમ કે ગુજરાતનાં મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ અથવા તેમનાં દીકરી અનાર પટેલ. મોદી સરકારે જેમને તાજેતરમાં રાજ્યસભામાં સાંસદ તરીકે નિમ્યા (સરકાર પાસે ૧૨ લોકોને ચૂંટણી વગર સીધા જ રાજ્યસભામાં નામાંકિત કરવાની સત્તા હોય છે) તે ખેપાની સુબ્રમણિયન સ્વામીએ આનો ચોટડુક જવાબ આપ્યો: ઈટાલીના વચેટિયા શું એટલા મૂર્ખ છે કે જેનું યુપીએ સરકારમાં કંઈ ચાલતું ન હોય તેવી વ્યક્તિને મોટી રકમ લાંચ પેટે આપે?

આ કેસમાં કૉંગ્રેસને મૂંઝવનારા અનેક પ્રશ્નો છે. કોલસા કૌભાંડ હોય કે ૨-જી સ્પેક્ટ્રમ, દર વખતે પોતે સર્વોચ્ચ સત્તા હોવા છતાં સોનિયા મનમોહનના માથે દોષનો ટોપલો ઢોળી છટકી જતાં હતાં પરંતુ આ વખતે ઈટાલીના ન્યાયાલયે જે પુરાવાઓ માન્ય રાખ્યા છે તેમાં સોનિયા ગાંધી, અહેમદ પટેલ વગેરેનાં નામો આવે છે. તેથી કૉંગ્રેસ મૂંઝાયેલી છે.

ઈટાલીના ન્યાયાલયે સોનિયા ગાંધીનો ઉલ્લેખ આ કૌભાંડમાં સિગ્નોરા ગાંધી તરીકે કર્યો છે. ઈટાલીમાં સિગ્નોરા એટલે આપણી ભાષામાં શ્રીમતી જેવું સંબોધન થાય છે. ભાજપે કૉંગ્રેસ અધ્યક્ષા પર ઇટાલીમાં પોતાના જૂના સંબંધોનો ઉપયોગ કરીને એ જાણવાનો અનુરોધ કર્યો કે ઈટાલીના ન્યાયાલયે ઑગસ્ટા વેસ્ટલેન્ડ ભ્રષ્ટાચારના કિસ્સામાં તેમનું નામ શા માટે લીધું? ભાજપના સંસદીય કાર્ય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે ભારત એ જાણવા માગે છે કે બૉફોર્સનો કિસ્સો હોય કે ઑગસ્ટાનો, દર વખતે ઈટાલી કેમ સંડોવાય છે?

આ કેસમાં એક કહેવાતો વિડિયો બહાર આવ્યો છે જેમાં સોનિયા ગાંધી નાણાં લેતા અને તેને લૉકરમાં મૂકતા દેખાય છે. આ અંગે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે “આ વિડિયો નક્કર પુરાવો નથી. કાનૂની પ્રક્રિયા અને ન્યાયાલયો જ વ્યક્તિનો અપરાધ સાબિત કરશે.”

રાજ્યસભામાં ૪ મેએ ઑગસ્ટા વેસ્ટલેન્ડના વીવીઆઈપી હેલિકૉપ્ટર ખરીદીમાં ભ્રષ્ટાચારના કૌભાંડ પર ગરમાગરમ ચર્ચા થઈ હતી. સંરક્ષણ પ્રધાન મનોહર પાર્રીકરે કહ્યું કે આ કૌભાંડની તપાસમાં સીબીઆઈ અને પ્રવર્તન નિદેશાલય (ઇડી)ને એક શક્તિશાળી હાથ પગલાં લેવા કે ન લેવાં તે અંગે માર્ગદર્શન આપી રહ્યો હતો.

તેમણે કહ્યું કે ભારત જાણવા માગે છે કે વીવીઆઈપી હેલિકૉપ્ટર કૌભાંડ કોણે શરૂ કર્યું, કોણે તેનું સમર્થન કર્યું અને તેનાથી કોને લાભ થયો…સીબીઆઈએ આ કેસમાં ૧૨ માર્ચ ૨૦૧૩ના રોજ એફઆઈઆર નોંધી હતી. પરંતુ તેણે એફઆઈઆરની નકલ નવ મહિના સુધી ઇડીને મોકલી નહોતી. અને ઇડીએ જુલાઈ ૨૦૧૪ સુધી એફઆઈઆર પર કાર્યવાહી કરી નહોતી. એવું લાગે છે કે કોઈ મજબૂત અને શક્તિશાળી વ્યક્તિ સીબીઆઈ અને ઇડીને પગલાં લેવાં કે ન લેવાં તેના પર માર્ગદર્શન આપી રહ્યું હતું.

ભાજપ પાસે સોનિયા ગાંધી અને તેમના પછી કૉંગ્રેસમાં સૌથી શક્તિશાળી મનાતા અહેમદ પટેલ વિરુદ્ધ આ કૌભાંડમાં આક્ષેપ કરવા માટે મજબૂત તર્ક પણ છે. ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિંહ રાવે દાવો કર્યો કે, એન્ટોનીએ દેશની બહાર ટ્રાયલ થવાના પ્રસ્તાવ ઉપર અનેક સવાલ ઉઠાવ્યા હતા. કેગના રિપોર્ટમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એન્ટોનીએ કહ્યું હતું કે, જો પરીક્ષણ દેશમાં ન થાય અને વિદેશમાં કરવામાં આવશે તો તે વિશ્વસનીયતાની શું ગેરંટી રહેશે? તેમણે પોતાની ફાઇલમાં નોંધ્યું હતું કે આ રીતે વિદેશમાં પરીક્ષણની પરવાનગી આપી શકાય તેમ નથી.

રાવે કહ્યું કે, એન્ટોનીનો વિરોધ હોવા છતાં કોંગ્રેસે હેલિકૉપ્ટરના પરીક્ષણને દેશની બહાર કરવા માટેની પરવાનગી આપી હતી. રાવે વધુમાં એમ પણ કહ્યું કે યુપીએ સરકાર અથવા કોંગ્રેસમાં સોનિયા ગાંધી અને તેમના સલાહકાર અહમદ પટેલ સિવાય છે કોણ કે જેની પાસે એન્ટોનીનો નિર્ણય અટકાવવાનો અધિકાર હોય શકે? તેમને ચૂપ કરાવનાર સોનિયા ગાંધી જ હોઈ શકે.

ઈટાલીના ન્યાયાધીશે પણ કૉંગ્રેસના બચાવ રૂપી ટાયરની હવા કાઢી નાખી. ‘એનડીટીવી’ ચેનલ સાથેની વાતચીતમાં ન્યાયાધીશ માર્કો મારિયા મૈગાએ કહ્યું કે ‘એપી’ના ઉલ્લેખવાળી લાંચ અપાયાની રસીદ અધિકૃત છે. (બનાવટી નથી.) કૉંગ્રેસ સામે ભાજપ સહિતના પક્ષોનો આક્ષેપ છે કે આ ‘એપી’ એટલે બીજું કોઈ નહીં પરંતુ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ છે.

તેમણે કહ્યું કે તેમની સમક્ષ ચાલેલા કેસમાં મુખ્ય ધ્યાન ઈટાલીના લાંચ આપનારાઓ પર હતું. “મારા ચુકાદાથી ભારતીય રાજકારણીઓને નિર્દોષતાનું પ્રમાણપત્ર મળી નથી જતું. હવે એ ભારત પર છે કે તે તેના રાજકારણીઓ સામેની તપાસ સઘન રીતે કરે

સુબ્રમણિયન સ્વામીએ તો રાજ્યસભામાં માગણી કરી કે “ઈટાલીના ન્યાયાલયના ચુકાદામાં ઑગસ્ટા વેસ્ટલેન્ડ સોદા પાછળ ડ્રાઇવિંગ ફોર્સ તરીકે ઉલ્લેખિત (સોનિયા ગાંધી) વ્યક્તિની સીઆરપીસીની કલમ ૧૫૬ હેઠળ પૂછપરછ કરવા સીબીઆઈને અધિકાર છે.”

બીજી તરફ, ભાજપ આ કૌભાંડમાં સોનિયાના દીકરા અને કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની પણ સંડોવણી હોવાનો આક્ષેપ કરે છે. ભાજપના બીજા ખેપાની સાંસદ કિરીટ સોમૈયાએ પ્રવર્તન નિદેશાલય (ઇડી)ને એક પત્ર લખી હેલિકૉપ્ટર સોદામાં રાહુલ ગાંધી વિરુદ્ધ તપાસની માગણી કરી હતી. સોમૈયાએ રાહુલ સિવાય એમ્માર એમજીએફ અને સહયોગી કનિષ્કસિંહનાં નામોનો ઉલ્લેખ પણ તેમના પત્રમાં કર્યો છે.

સોમૈયાએ બીજા પણ દાવા કર્યા છે. કિરીટભાઈનું કહેવું છે કે ઑગસ્ટા હેલિકૉપ્ટર કૌભાંડ અને દિલ્લીના રાષ્ટ્રકુળ (કૉમનવેલ્થ) કૌભાંડ વચ્ચે કડી છે. ઑગસ્ટા સોદામાં દલાલીના આરોપી મિશેલ હેશકે, રિયલ એસ્ટેટ કંપની એમ્માર એમજીએફ અને કનિષ્કસિંહના સંબંધોની તપાસ થવી જોઈએ.

રાલ્ફ હેશકે રાષ્ટ્રકુળ રમતોના કૌભાંડમાં દોષી જણાયો હતો. એમ્માર એમજીએફ કંપની કનિષ્ક સિંહે ઊભી કરી હતી જે રાહુલ ગાંધીના સલાહકાર અને પ્રમુખ સચિવ છે. કનિષ્ક સિંહ એમ્માર એમજીએફ કંપનીના પ્રબંધન નિર્દેશક (એમ.ડી.) શ્રવણ ગુપ્તાના નિકટના સગા છે.

અંગ્રેજી સમાચારપત્ર ‘ઇન્ડિયન એક્સ્પ્રેસ’ના અહેવાલ મુજબ, ૨૫ સપ્ટેમ્બર ૨૦૦૯ના રોજ એમ્માર એમજીએફ ગ્રૂપે ઑગસ્ટા વેસ્ટલેન્ડ કેસના આરોપીઓ પૈકીના એક ગાઇડો રાલ્ફ હશ્કેને એમ્માર એમજીએફ લેન્ડ લિ.ના બૉર્ડમાં નિમ્યો હતો. કંપનીએ દિલ્લીના વકીલ ગૌતમ ખૈતાન, જે પણ કૌભાંડમાં એક આરોપી છે તેમને પણ બૉર્ડમાં નિમ્યા હતા. હશ્કે ૭ ડિસેમ્બર ૨૦૦૯ના રોજ બૉર્ડમાંથી નીકળી ગયો હતો. આ બંનેની ઑગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં લાંચ આપવા માટે ભૂતકાળમાં ધરપકડ કરાઈ ચૂકી છે. આ બંને ચંડીગઢ સ્થિત એક પેઢી એરોમેટ્રિક્સ, જે એન્જિનિયરિંગ અને ડિઝાઇન સપોર્ટ ઑર્ગેનાઇઝેશન કહેવાય છે, તેના બૉર્ડ પર પણ હતા.

આ હેલિકૉપ્ટર ગુણવત્તાની દૃષ્ટિએ પણ નબળાં હતાં. અને આ કારણે લાંચ લેવાયાની શક્યતા વધી જાય છે. સુબ્રમણિયન સ્વામીના કહેવા પ્રમાણે, વર્ષ ૨૦૦૪માં ભારતીય વાયુદળે કહ્યું હતું કે સુરક્ષાનાં કારણોસર વીવીઆઈપી હેલિકૉપ્ટરો ૬,૦૦૦ મીટરથી ઊંચે ઉડી શકવાની ક્ષમતા ધરાવતા હોવા જોઈએ પરંતુ તેઓ ૪,૫૦૦ મીટરથી વધુ ઊંચે ઊડી શકવાની ક્ષમતા ધરાવતા નહોતા.

બીજી તરફ, ભાજપ પ્રમુખ અમિત શાહે પણ કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને કેટલાક અણિયાળા પ્રશ્નો પૂછ્યા હતા જેનો જવાબ કૉંગ્રેસ પાસે નથી.

તેમણે પ્રશ્નો કર્યા હતા કે કોના ઈશારે ટેન્ડર જાહેર કરાયું હતું? ભારતમાં હેલિકૉપ્ટરનું મેદાન પર પરીક્ષણ કેમ કરાયું નહીં? આ સોદામાં ભ્રષ્ટાચાર સાબિત થતાં તેને રદ્દ કરવામાં આટલો વિલંબ કેમ કરાયો? સોદા માટે અપાયેલા બધાં નાણાં પાછા કેમ ન લેવામાં આવ્યા?

બીજી તરફ, સંરક્ષણ પ્રધાન મનોહર પાર્રીકરે પણ લોકસભામાં આક્રમક મુદ્રા અપનાવતા કહ્યું હતું કે બૉફોર્સ કૌભાંડ તો પુરવાર કરી શકાયું નહોતું પરંતુ ઑગસ્ટા વેસ્ટલેન્ડમાં આવું નહીં થાય.

એક રહસ્યમય મહિલાના લીધે કૌભાંડને હાઇ પ્રોફાઇલ ઉપરાંત રહસ્યમય બનાવી દીધું છે. એક અહેવાલ પ્રમાણે, પ્રવર્તન નિદેશાલય (ઇડી) આ અબજો રૂપિયાના કૌભાંડમાં લંડન સ્થિત એક રહસ્યમય ડેનિશ મહિલાની શોધ કરી રહી છે. જ્યારે ઑગસ્ટા વેસ્ટલેન્ડ સોદો નક્કી કરાઈ રહ્યો હતો ત્યારે ક્રિસ્ટિન બ્રેડો સ્પ્લિડ નામની મહિલાએ ભારતનો પ્રવાસ કર્યો હતો. આ મહિલા માર્ચ મહિનાથી ગૂમ છે. રેકોર્ડ મુજબ તે ૧૦ ચાપસ્ટૉ રૉડ, લંડન ખાતે રહે છે. સ્પ્લિડ અને તેના સાથી ક્રિસ્ચિયન જેમ્સ મિશેલના યુકે સ્થિત એક કંપની- બીટલ નટ હોમ લિ.માં શેર છે. આ કંપની જાન્યુઆરી ૨૦૧૬માં વિખી નખાઈ હતી. પ્રવર્તન નિદેશાલય એ તપાસવા માગે છે કે લાંચના પૈસા પૈકી કોઈ હિસ્સો આ કંપની પાસે પહોંચ્યો હતો કે કેમ. ભારતીય મૂળના બે બ્રિટિશ- સાહિલ પ્રકાશ મહેરા અને સોનિયા મહેરા પણ આ કંપનીમાં શેર ધરાવે છે.

ક્રિસ્ટિન બ્રેડો નામની આ મહિલા ભારતીયો જ્યારે વિદેશ જાય ત્યારે તેમની સાથે જાય છે. ઑગસ્ટા વેસ્ટલેન્ડમાં વચેટિયા તરીકે જેનું નામ બહાર આવ્યું છે તે વકીલ ગૌતમ ખૈતાન સ્વિત્ઝર્લેન્ડ ગયા ત્યારે ક્રિસ્ટિન બ્રેડો તેમની સાથે ગઈ હતી. ખૈતાને સોદામાં વચેટિયાઓ ગાઇડો હશ્કે અને કાર્લો જેરોસા પાસેથી નાણાં લીધાં હોવાનું સ્વીકાર્યું છે.

વાયુ સેનાના પૂર્વ અધ્યક્ષ એસ. પી. ત્યાગીની આ કૌભાંડમાં સંડોવણી પણ નકારાતી નથી. ઈટાલીના ન્યાયાલયે તેઓ સંડોવાયેલા હોવાનું કહ્યું છે. ચુકાદામાં ત્યાગી પર ૧૭ પાનાનું અલગ પ્રકરણ છે. વીવીઆઈપી હેલિકૉપ્ટરનો સોદો ઑગસ્ટા વેસ્ટલેન્ડને જ મળે તે જોવાનું કામ વાયુ સેનાના પૂર્વ અધ્યક્ષ એસ. પી. ત્યાગીએ કર્યું હોવાથી જે લાંચ ભારતમાં ચુકવવામાં આવી તેનો એક હિસ્સો ત્યાગીને પણ મળ્યો છે તેમ કાયદેસર સાબિત થયું છે, તેવું ચુકાદામાં લખાયેલું છે. ત્યાગી સામે અત્યારે ભારતમાં પણ સીબીઆઈ અને પ્રવર્તન નિદેશાલય (ઇડી) દ્વારા તપાસ ચાલી રહી છે.

આ કૌભાંડમાં પત્રકારોનો એક વર્ગ પણ સંડોવાયેલો છે. એક અહેવાલ પ્રમાણે, ઑગસ્ટા વેસ્ટલેન્ડે વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને હેલિકૉપ્ટર સોદા પર હસ્તાક્ષર થયા તે પછી ૨૦૧૦-૨૦૧૨ એમ બે વર્ષ માટે ૬૦ લાખ યુરો ચુકવ્યા હતા. આટલી કિંમત ભારતનું મિડિયા આ મુદ્દે કોઈ ગોકીરો ન કરે અને ઑગસ્ટા વેસ્ટલેન્ડ વિશે ઘસાતું ન લખે તે માટે ચુકવવાની હતી.

એક વેબસાઇટ મુજબ, આ કૌભાંડમાં પ્રવર્તન નિદેશાલય (ઇડી)ની બાજ નજર એક વરિષ્ઠ પત્રકાર પર છે. આ પત્રકાર હિન્દી સમાચાર ચેનલ સાથે કામ કરી રહ્યો હતો. આ પત્રકાર તેની પત્ની સાથે ઈટાલી ફરવા ગયો હતો. અને તેનો આ પ્રવાસનો ખર્ચ ઑગસ્ટા વેસ્ટલેન્ડે ઉઠાવ્યો હોવાનું કહેવાય છે. ઇડીના અધિકારીઓનો આક્ષેપ છે કે  માત્ર આ પત્રકાર અને તેના પરિવાર પર રૂ. ૨૮ લાખ ફૂંકી દેવાયા હતા જેથી આ કૌભાંડ પર ઢાંક પિછોડો કરી શકાય અને મિડિયામાં તેને દબાવી દેવામાં આવે.

પ્રવર્તન નિદેશાલય તપાસ કરી રહ્યું છે કે ઑગસ્ટા વેસ્ટલેન્ડ અને આ પત્રકાર વચ્ચે કયા પ્રકારનો સંબંધ હતો. આ પત્રકાર અને તેના પરિવાર પર ઑગસ્ટા વેસ્ટલેન્ડ કેમ મહેરબાન થઈ ગઈ હતી? આ પત્રકારે કે તેના પરિવારે ઑગસ્ટા વેસ્ટલેન્ડ માટે એવું તે શું કામ કર્યું હતું કે ઑગસ્ટા વેસ્ટ લેન્ડ તેમના પર રૂ. ૨૮ લાખ ફૂંકી દેવા તૈયાર થઈ ગઈ? કારણકે આવી મોટી કંપનીઓ કોઈ સ્વાર્થ વગર તો કોઈના પર મહેરબાન થતી નથી.

આ પત્રકારની ગયા વર્ષે પણ પૂછપરછ કરવામાં આવી હતી અને એમ મનાય છે કે પ્રવર્તન નિદેશાલય તેને ફરી સમન્સ પાઠવી શકે છે. ઑગસ્ટા વેસ્ટલેન્ડ તરફથી જેમ્સ ક્રિશ્ચિયન મિશેલને ભારતના મિડિયાને આ કૌભાંડ અંગે ચૂપ રાખવા ‘વ્યવસ્થા’ કરવા જણાવાયું હતું. તેણે માધ્યમોના અન્ય પત્રકારો માટે પણ આવા ભવ્ય પ્રવાસોનું આયોજન કર્યું હોવાનું જાણવા મળે છે. તપાસ દરમિયાન ઇડીને જાણવા મળ્યું હતું કે મિશેલે આવા ભવ્ય પ્રવાસોની માત્ર ટિકિટ માટે જ રૂ. ૪ કરોડ ખર્ચી નાખ્યા હતા.

આ કૌભાંડ બહાર આવ્યું તે પછીથી ‘ઇન્ડિયન એક્સ્પ્રેસ’, ‘ડેઇલી પાયોનિયર’, ‘ટાઇમ્સ નાવ’ જેવાં બેત્રણ મિડિયાને બાદ કરતાં બાકીનાએ કાં તો આ કૌભાંડને દબાવી દીધું છે અથવા તો કૌભાંડ જાણે થયું જ ન હોય તે રીતે સમાચાર આપ્યા છે તેને ધ્યાનમાં લેતાં મિડિયાને ચૂપ રાખવા લાંચ અપાયા હોવાની શક્યતા નકારી શકાઈ નહીં.

2 thoughts on “ઑગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડનું ‘એપી’ સેન્ટર ક્યાં છે અને કોણ છે?

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.