Posted in international, national

ધારો કે…જો બીજું વિશ્વયુદ્ધ હિટલર જીત્યો હોત તો?

(મુંબઈ સમાચારની બુધવારની પૂર્તિની ‘ધારો કે’ કૉલમમાં તા.૨૦/૭/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.)

બીજું વિશ્વયુદ્ધ ૧૯૩૯થી ૧૯૪૫ના સમયમાં લડાયું. આ યુદ્ધમાં એક તરફે જર્મની, ઈટાલી અને જાપાન, બલ્ગેરિયા, હંગેરી, રોમાનિયા અને થાઇલેન્ડ હતા તો બીજી તરફ, રશિયા, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન, ઑસ્ટ્રેલિયા, કેનેડા, ભારત, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા હતા. આ યુદ્ધનું પરિણામ સૌ જાણે છે તેમ, અમેરિકા અને સાથી દેશો જીત્યા. આ જીત પછી અમેરિકા અને સોવિયેત સંઘ મહાસત્તા બનીને ઉભરી આવ્યા. બ્રિટનનો સામ્રાજ્યવાદનો સૂર્ય આથમી ગયો. અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે શીત યુદ્ધ ચાલુ થયું. આ સાથે જ દુનિયામાં અગ્ર રીતે બે વિચારધારા મૂડીવાદ અને સામ્યવાદ વચ્ચે જંગ છેડાયો. અડધી દુનિયા મૂડીવાદ તરફ ઝૂકી અને અડધી દુનિયામાં સામ્યવાદ પ્રસર્યો.

ધારો કે આ વિશ્વયુદ્ધમાં જર્મની, જાપાન અને ઈટાલીની જીત થઈ હોત તો?

સામાન્ય રીતે ઇતિહાસ વિજેતાના દૃષ્ટિકોણથી લખાતો હોય છે. જો બીજા વિશ્વયુદ્ધમાં જર્મની અને સાથી દેશો જીત્યા હોત તો સ્વાભાવિક રીતે જ ઇતિહાસમાં એડોલ્ફ હિટલર, બેનિટો મુસોલિની અને જાપાનના સમ્રાટ હિરોહિટોની યશોગાથા આલેખાઈ હોત. તેઓ કેટલા મહાન હતા તેના ગુણ ગવાયા હોત. બ્રિટન અને અમેરિકા આટલા નરસંહાર, અત્યાચાર પછી પણ મહાન લોકશાહી દેશો ગણાતા હોય તો બીજા વિશ્વયુદ્ધમાં જીત મળી હોત તો જર્મની-ઈટાલી અને જાપાનની ગણના પણ મહાન દેશોમાં થતી હોત.

હિટલરના સાથી ગોબેલ્સને જૂઠાણાંને સત્યમાં ફેરવી નાખતો પ્રચારક માનવામાં આવે છે. આ જ કામ અમેરિકાના આધિપત્યવાળું (કંટ્રોલ્ડ) મિડિયા કરે છે. અમેરિકાની કહેવાતી થિંક ટેંક સમયે-સમયે ભારત-પાકિસ્તાન વચ્ચે ઝઘડો થાય તેવા સમાચાર પ્રસારિત કરે છે. બંને વચ્ચે દુશ્મનાવટ ચાલતી રહે તેવા પ્રયાસ કરે છે. આજની તારીખે પણ અમેરિકા ઘણી બધી હદે ભારતના પક્ષે હોવા છતાં પાકિસ્તાનને અબજો રૂપિયાની સહાય આપવાનું છોડતું નથી. કેમ? તેને બે બિલાડી બાઝે એમાં રસ છે. તેને તેનાં અને સાથી દેશોનાં શસ્ત્રો વેચાય તેમાં રસ છે. માત્ર ભારત-પાકિસ્તાન વચ્ચે ઝઘડા થાય તેવા સમાચાર પ્રસરાવવાનું કામ જ અમેરિકા તરફી મિડિયા નથી કરતું. અનેક સર્વે પણ પ્રગટ કરાતા રહે છે. એક દિવસે સર્વે આવશે કે ચા પીવાથી કેન્સર (આ ઉદાહરણ છે.) દૂર થવાની શક્યતા રહે છે. તો થોડા દિવસ પછી એવો સર્વે આવશે કે ચા પીવાથી ખરેખર તો કેન્સર થાય છે.

આ જ રીતે દવાઓના વેચાણ માટે પણ વિવિધ અજબગજબ રોગના સમાચારો પ્રગટ થતા રહે છે અને લોકોમાં ભય પેદા કરાતો રહે છે. દા. ત. આજથી પંદરેક વર્ષ પહેલાં એન્થ્રેક્સનો ગજબનો ભય ફેલાવાયો હતો. અમેરિકી લોકો પણ તેનાથી ડરતા હતા. એ વખતે મોબાઇલનો એટલો ફેલાવો નહોતો. આથી કાગળ લખવાનું હજુ ચલણ હતું. તેથી પરબીડિયા પર એન્થ્રેક્સનાં બીજાણુ મૂકીને હુમલો કરાતો હતો જે એન્થ્રેક્સ એટેક નામે જાણીતા હતા. હમણાં વળી ઝિકા વાઇરસ આવ્યો. થોડા વર્ષો પહેલાં ચિકનગુનિયાનો વાયરો હતો. સ્વાઇન ફ્લૂ તો છે જ. એમાં ના નહીં કે હવામાન પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ) સાથે રોગો પણ નવા પેદા થતા હોય છે. પરંતુ એક વ્યાપક પણે મનાતી થિયરી મુજબ, અમેરિકાની દવા કંપનીઓ પહેલાં દવા શોધે છે અને પછી તેને અનુરૂપ રોગની સ્થિતિ (માનસિક રીતે અથવા રોગ ફેલાવીને) ઊભી કરે છે. ‘ઓર્ગેઝમ ઇન્ક’ના ફિલ્મકાર લિઝ કેનરનું કહેવું છે કે “ફાર્મા ઉદ્યોગોએ જ ‘ફીમેલ સેક્સ્યુઅલ ડિસફંક્શન’ના રોગને ચગાવ્યો છે.” એક ડ્રગ કંપનીની સ્ત્રીઓ માટેની વિયાગ્રાને વિકસાવવાની પ્રોસેસને જોયા પછી કેનર આ મત પર આવ્યા હતા.

ટૂંકમાં, અમેરિકા આધિપત્યવાળું મિડિયા પણ ગોબેલ્સ કરતાં કમ નથી પરંતુ આજે ઘણા લોકો અમેરિકા કહે તેને સત્ય માને છે. ગૂગલ કહે એ બ્રહ્મવાક્ય મનાતું થઈ ગયું છે. જોકે એ જ ગૂગલ પર અનેક જૂઠાણાંઓ પ્રવર્તે છે. જો હિટલર જીત્યો હોત તો ગોબેલ્સ અને ગોબેલ્સના (કાર્યની રીતે) અનુગામીઓ બ્રહ્મવાક્ય સમાન ગણાતા હોત. અમેરિકા, બ્રિટન, ચીન, રશિયા, ફ્રાન્સ વગેરે દેશો અત્યાચારી લેખાતા હોત.

હિટલરના વિજય પછી જર્મની, જાપાનીઝ અને રોમન ભાષાની બોલબાલા હોત. હિટલર સામ્યવાદી વિચારસરણીનો ભારે વિરોધી હતો. જો હિટલર જીત્યો હોત તો બીજા વિશ્વયુદ્ધ પછી સામ્યવાદી વિચારસરણીના લીધે જે ભારે નુકસાન ભારત સહિત જેટલા પણ દેશોને થયું એટલું કદાચ ન થયું હોત.

ભારતની દૃષ્ટિએ વિચારતાં નેતાજી સુભાષચંદ્ર બોઝે ભારતની સ્વતંત્રતા માટે જર્મની અને જાપાનનો ટેકો માગ્યો હતો. જો જર્મની જીત્યું હોત તો ભારતને બે વર્ષ પહેલાં સ્વતંત્રતા મળી ગઈ હોત અને  કદાચ એવું બનત કે ભારતના પ્રથમ સરમુખત્યાર સુભાષચંદ્ર બોઝ હોત. (જર્મની-જાપાન અને ઈટાલી ત્રણેયમાં સરમુખત્યાર હતા.) એનાથી જો અને તોની અનેક સંભાવનાઓ કલ્પી શકાય. દા.ત. સ્વતંત્રતા પછી ભારતનું બ્રિટિશકરણ થયું તે કદાચ ન થયું હોત. બંગાળી કદાચ રાષ્ટ્રભાષા હોત. અથવા વહીવટ ખરેખર હિન્દીમાં થતો હોત. સાંસ્કૃતિક રીતે આપણા લોકો ઘણી બધી હદે અંગ્રેજો કે અમેરિકી લોકો જેવા બની ગયા છે. સત્તાની રીતે ભલે ભારત બ્રિટનની કૉલોની નથી રહ્યું પણ સાંસ્કૃતિક રીતે તો છે જ. એ કદાચ ન થયું હોત. સરમુખત્યાર હોવાના લાભ અને ગેરફાયદા બંને છે. નેતાજીએ પોતે ‘ઇન્ડિયન સ્ટ્રગલ’ પુસ્તકમાં લખ્યા પ્રમાણે, તેઓ ભારતમાં ફાસીવાદી અને સામ્યવાદી આ બંનેના સંમિશ્રણ સમી રાજકીય વ્યવસ્થા ઈચ્છતા હતા. આથી સરમુખત્યારી લાંબો સમય ચાલી હોત. તો કદાચ, અત્યારે ગાંધીજી કહે તે બ્રહ્મવાક્ય મનાય છે તેવી સ્થિતિ ન હોત. ભારતીય નાણાં મુદ્રા પર ગાંધીજીનું ચિત્ર ન હોત. ‘લગે રહો મુન્નાભાઈ’માં મુન્નાને ગાંધીજી નહીં, બોઝ દેખાતા હોત!

ભારતમાં તત્કાળ ગાંધીજી, સરદાર પટેલ જેવી અનેક મહાન હસ્તીઓ નેતાજી સુભાષચંદ્ર બોઝની સમકાલીન હતી. ભારત વર્ષોથી એક યા બીજી રીતે લોકશાહીને વરેલો દેશ રહ્યો છે. રાજાઓ હતા પરંતુ તેઓ પણ લોકમત જાણીને નિર્ણય લેતા. બિહારમાં વૈશાલી સહિત અનેક જગ્યાઓએ ગણતંત્રો હતાં. અત્યારે જેમ સંસદ છે તેમ પ્રાચીન સમયમાં પરિષદો હતી. તેથી બન્યું હોત કે ગાંધીજીને બોઝ સામે જ સ્વતંત્રતા માટે લડાઈ લડવી પડી હોત. અને તેના પરિણામે બોઝની સરમુખત્યારી કેટલી ટકી હોત તે કહી શકાય નહીં.

પરંતુ એક વાત એ પણ બનત, કે જો બોઝ સરમુખત્યાર હોત તો …કદાચ ભારતના ટુકડા ન થયા હોત. સરમુખત્યારશાહી લાંબી ચાલી હોત તો ભારતનો ઘણો બધો વિકાસ થયો પણ હોત કેમ કે તો વૉટબેંક પૉલિટિક્સની અસુવિધા ન હોત. ઇનફેક્ટ, ખરા અર્થમાં સેક્યુલરિઝમ હોત. ભારત મહાસત્તા ક્યારનું બની ગયું હોત. ચીનમાં એક પક્ષનું શાસન ચાલે અને તે મહાસત્તા બની શકે તો ભારત ન બની શકે? પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા કાયમી ગુમડાં ન હોત તો ભારત ક્યાંનું ક્યાં પહોંચી ગયું હોત તે વાત કોઈ પણ સામાન્ય વ્યક્તિ સમજી શકે તેવી છે. ભારતનો રૂપિયો પણ મજબૂત હોત. સોવિયેત સંઘ પર હુમલા પાછળ જર્મનીને ઑઇલ મેળવવાની ઈચ્છા હતી. જો હિટલર જીત્યો હોત તો તે પછી તેણે આરબ દેશો તરફ પણ જીતવાને દોટ લગાવી હોત અને તો કદાચ પેટ્રોલ-ડીઝલ આટલા મોંઘાં ન હોત!

હિટલર સામેની યુતિમાં અમેરિકા, બ્રિટન રશિયા અને ચીન હતા. જો હિટલર જીત્યો હોત તો આપણને ચીનની આટલી કનડગત ન હોત, કારણકે જાપાનનો આપણને સાથ હતો. તો ૧૯૬૨નું ભારત-ચીન વચ્ચેનું યુદ્ધ પણ કદાચ ન થયું હોત. વળી, વિશ્વયુદ્ધ જીત્યા પછી અમેરિકાએ તત્કાલીન સોવિયેત સંઘ (રશિયા) સામે ઇસ્લામી ત્રાસવાદને જન્મ આપ્યો. ગેરિલા પદ્ધતિથી લડવાનું પ્રશિક્ષણ આપ્યું. જો જર્મની અને સાથી દેશો જીત્યા હોત તો કદાચ ઇસ્લામી ત્રાસવાદને આટલો વિકરાળ આપણે જોઈએ છીએ તેટલો વિકરાળ ન પણ હોત.

અને છેલ્લે, જો હિટલર જીત્યો હોત તો, ગુજરાતીઓ અમેરિકા નહીં, પણ જર્મની જવા દોટ લગાવતા હોત!

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s