Mumbai Samachar, national, politics

નહેરુ લાગણીશીલ હતા કે તકવાદી?

દેશને ૧૯૪૭માં સ્વતંત્રતા સાંપડી અને પ્રથમ વડા પ્રધાન બનવાનું સૌભાગ્ય પંડિત જવાહરલાલ નહેરુને મળ્યું. જો તેઓ વડા પ્રધાન ન બન્યા હોત તો? નહેરુની અનેક ખામી (જેની વાત આપણે લેખના ઉત્તરાર્ધમાં કરીશું) છતાં ભારતના લલાટ પર પ્રથમ વડા પ્રધાન તરીકે આ વ્યક્તિ નિર્મિત થઈ તે મને કે કમને સ્વીકારવું રહ્યું. તેમનું પ્રથમ વડા પ્રધાન તરીકે કેવું અને કેટલું પ્રદાન રહ્યું? હકીકતે મહાત્મા ગાંધીજી તો ડોમિનિયન સ્ટેટસથી ખુશ હતા. ડોમિનિયન સ્ટેટસ એટલે બ્રિટનના આધિપત્ય નીચે ભારતના લોકો સરકાર બનાવે તે. પરંતુ સુભાષચંદ્ર બોઝ પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા અને જવાહરલાલ નહેરુએ બોઝના સાથથી તેમના ગુરુ ગાંધીજીની વિરુદ્ધ જઈને પૂર્ણ સ્વરાજનો ઠરાવ કરાવડાવ્યો હતો.

સ્વતંત્રતા મળવા સુધીમાં ગુરુ અને શિષ્ય વચ્ચે ઘણા મતભેદો થઈ ચુક્યા હતા. આજે વિરોધીઓ નરેન્દ્ર મોદીને લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને માર્ગદર્શક મંડળમાં બેસાડી દેવા માટે ટીકા કરે છે પણ નહેરુએ અને સરદાર પટેલે ગાંધીજી સાથે આવું જ કરેલું. નથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કરીને મોટું પાપ આચર્યું બાકી, નહેરુ અને સરદાર પટેલને ગાંધીજી ક્યારનાય આઉટડેટેડ લાગવા લાગેલા અને તેમણે તેમને કોરાણે મૂકી પણ દીધા હતા. એક રીતે કહેવું હોય તો કહી શકાય કે જે રીતે અરવિંદ કેજરીવાલે સત્તા મેળવવા અણ્ણા હઝારેનો ઉપયોગ કર્યો તે જ રીતે નહેરુએ ગાંધીજીનો ઉપયોગ કર્યો હતો

ગાંધીજી પૂર્ણ પણે ભારતીય વિચારવાળા હતા. જ્યારે નહેરુ ઈંગ્લેન્ડની હેરો સ્કૂલ અને કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં ભણેલા અંગ્રેજી સંસ્કૃતિથી પ્રભાવિત વ્યક્તિ હતા. તેમનામાં ભારતીયતાના બદલે પાશ્ચાત્ય સંસ્કૃતિ વધુ છલકતી હતી. ગાંધીજી નાનપણમાં બીડી પીતા હતા પરંતુ તેમણે નેતા બન્યા પછી ભારતીય પહેરવેશ અપનાવ્યો. સદ્ગુણો અપનાવ્યા. જ્યારે નહેરુની સિગારેટ કે સિગાર પીતા હોય તેવી તસવીરો આસાનીથી પ્રાપ્ય છે. નહેરુ પાશ્ચાત્ય વેશમાં હેટ, કોટ, પેન્ટમાં જોવા મળતા. તેમણે તેમની દીકરી ઈન્દિરા ગાંધીને પણ એ જ રીતે ઉછેર્યાં હતાં.

નહેરુના તરફદારો કહે છે કે નહેરુના કારણે ભારતની પ્રગતિ થઈ. અને એ વાત કેટલાક અંશે સાચી પણ છે. નહેરુના વૈજ્ઞાનિક મિજાજના કારણે સ્વતંત્રતા પછી ભારત ઇલેક્ટ્રોનિક્સ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ, સીએસઆઈઆર, ભાભા એટોમિક રિસર્ચ, આઈઆઈટી વગેરે ઉદ્યોગો અને સંસ્થાઓ સ્થપાઈ. નહેરુના પક્ષકારો એમ પણ કહે છે કે જ્યારે નહેરુએ સત્તા મેળવી ત્યારે ભારત રક્તરંજિત હતું. વિભાજનના કારણે રમખાણો, લૂટ અને બળાત્કાર થઈ રહ્યા હતા. બ્રિટિશરો દેશને આર્થિક રીતે ખાલી કરીને ગયા હતા. આવા સમયે દેશને સ્થિરતા આપવી અને લોકશાહી જાળવી રાખવી એ અગત્યનું હતું. નહેરુએ આ કામ કર્યા. નહેરુએ ધાર્યું હોત તો પોતે સરમુખત્યાર બની શક્યા હોત. પરંતુ તેવું કર્યું નહીં. તેઓ તેમના વિરોધને પણ પ્રશંસતા હતા. અટલ બિહારી વાજપેયી જેવા વિરોધી નેતા વિશે નહેરુએ એક વિદેશી મહાનુભાવ સમક્ષ આગાહી કરી હતી કે આ યુવાન એક દિવસ ભારતના વડા પ્રધાન બનશે. નહેરુના સમયમાં બીજા વિશ્વ યુદ્ધ પછી દુનિયા અમેરિકા અને સોવિયેત સંઘ એમ બે છાવણીમાં વહેંચાઈ ગઈ હતી. પરંતુ નહેરુએ બિનજોડાણવાદી સંસ્થા ‘નામ’માં જોડાઈને તટસ્થ નીતિ અપનાવી.

પરંતુ નહેરુએ ગાંધીજીની સ્વદેશી નીતિ અભેરાઈએ ચડાવી દીધી. ગામડા, ખાદીનો વિકાસ થાય, સ્વભાષાનો વિકાસ, આયુર્વેદનો વિકાસ થાય તેવી નીતિ અપનાવી હોત તો ભારતની પ્રગતિ સાચા અર્થમાં થઈ હોત, પરંતુ નહેરુની નીતિના કારણે શહેરીકરણ વધ્યું અને શહેરોમાં પૂરતાં સંસાધનો-સુવિધા પણ નહોતી. એ વાત સાચી કે નહેરુના સમયમાં ખાદ્ય સામગ્રીની તંગી હતી અને હરિત ક્રાંતિના કારણે એ પરિસ્થિતિમાં આપણે બહાર આવ્યા.

નહેરુએ ભારતના ભાગલા પછી માઉન્ટબેટનને ગવર્નર જનરલ તરીકે ચાલુ રાખ્યા (એમાં તેમનો કથિત એડ્વિના પ્રેમ પણ જવાબદાર ગણાય) તે મોટી ભૂલ. પાકિસ્તાને એ ભૂલ કરી નહીં. જ્યારે જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાને આક્રમણ કર્યું ત્યારે માઉન્ટબેટનની સલાહથી ભારત સંયુક્ત રાષ્ટ્રોમાં ગયું અને કાશ્મીરનું કોકડું કાયમ માટે ગૂંચવાઈ ગયું. એ વખતે ગાંધીજીએ પણ કહેલું કે ભારત અને પાકિસ્તાને સાથે બેસીને આ પ્રશ્ન ઉકેલવો જોઈએ. આમાં મધ્યસ્થીની જરૂર જ ક્યાં છે?

એ તો ઠીક પણ કાશ્મીર માટે કલમ ૩૭૦ લાવીને પણ નહેરુએ મોટી ભૂલ કરી. (બલોચિસ્તાનની ભૂલ અંગે તો ૨૧મીના અંકમાં આ લેખકની કૉલમ ‘સિક્કાની બીજી બાજુ’માં આપણે જોઈ ગયા છીએ.) આ કલમથી કાશ્મીરમાં બહારની કોઈ વ્યક્તિ સ્થાયી થઈ શકતી નહોતી. આના કારણે કાશ્મીરમાંથી હિન્દુઓને સતત ભાગતા રહેવાની ફરજ પડી અને પરિણામે કાશ્મીર મુસ્લિમ આધિપત્યવાળું બની ગયું. નહેરુનો શેખ અબ્દુલ્લા પ્રેમ પણ ભારતને બહુ નડી ગયો. અબ્દુલ્લાને તેઓ પોતાના લોહીના ભાઈ (બ્લડ બ્રધર) કહેતા. મહારાજા હરિસિંહનું રાજ્ય હતું ત્યારે શેખ અબ્દુલ્લા કાશ્મીરને સ્વતંત્ર કરવાની ચળવળ ચલાવતા. એ વખતે ૧૯૪૬માં શેખ અબ્દુલ્લા માટે થઈને નહેરુ હરિસિંહના કાયદાનો ભંગ કરીને કાશ્મીર ગયેલા. હરિસિંહ તો પાકિસ્તાનના આક્રમણ પહેલાં સપ્ટેમ્બર ૧૯૪૭માં જ જમ્મુ-કાશ્મીરને ભારતમાં ભેળવવા તૈયાર હતા પરંતુ નહેરુએ શરત મૂકી કે અબ્દુલ્લાને જેલમાંથી બહાર કાઢો પછી બધી વાત.

પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે નહેરુ કેબિનેટની બેઠકમાં ફિલ્ડ માર્શલ સામ માણેકશાની હાજરીમાં રશિયાની વાતો કરતા હતા અને સૈન્યને કોઈ આદેશ નહોતા આપતા. છેવટે સરદાર પટેલે દરમિયાનગીરી કરી અને કડક ભાષામાં નહેરુને પૂછ્યું, “તમારે કાશ્મીર જોઈએ છે કે પછી હાથમાંથી જવા દેવા માગો છો?” નહેરુએ કહેવું પડ્યું: “મારે કાશ્મીર જોઈએ છે.” અને સરદાર પટેલે માણેકશાને કહ્યું, “તમને આદેશ મળી ગયો છે.”

નહેરુ લાગણીશીલ હતા તેમ કહેવાય છે. પરંતુ શેખ અબ્દુલ્લાને તેમણે જે રીતે છાવર્યા તેમાં લાગણીનું તત્ત્વ કામ કરી ગયું કે લોહીના ભાઈનો નાતો? તે કહેવું અઘરું છે. તેમણે શરત મૂકી હતી કે કાશ્મીરના વડા પ્રધાન (કલમ ૩૭૦ના કારણે કાશ્મીર અલગ દેશ જ ગણાતો હતો) શેખ અબ્દુલ્લા જ બનશે.

નહેરુની કાશ્મીર નીતિ અને શેખ અબ્દુલ્લા પ્રત્યેના આંધળા પ્રેમના લીધે તેમના જ એક પ્રધાન શ્યામાપ્રસાદ મુખર્જીએ રાજીનામું આપ્યું અને જનસંઘ સ્થાપ્યો. શ્યામાપ્રસાદ મુખર્જીનું કાશ્મીરમાં રહસ્યમય રીતે મૃત્યુ થયું પરંતુ જે નહેરુ લાગણીશીલ ગણાય છે તેઓ એક પણ વાર જેલમાં શ્યામાપ્રસાદને મળવા ગયા નહોતા. શેખને જેલમાં પૂરવાનું એક નાટક જ હતું કેમ કે શ્યામાપ્રસાદ મુખર્જીના નેતૃત્વમાં નહેરુની કાશ્મીર નીતિ સામે આંદોલન છેડાયું હતું તેના કારણે નહેરુ વિરોધી વાતાવરણ બનવા લાગ્યું હતું.

આ જ રીતે બાબાસાહેબ આંબેડકરને પણ નહેરુ સાથે ગંભીર મતભેદો હતા જેના કારણે તેમણે નહેરુ મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું હતું. નહેરુને આધુનિક વિચારસરણીવાળા ગણાય છે પરંતુ હકીકતે તેઓ તકવાદી વધુ હતા. નહેરુને કલમ ૩૭૦ લાવવી હતી જેનો આંબેડકરે વિરોધ કર્યો હતો. આથી નહેરુએ બંધારણ સભાના પ્રમુખ આંબેડકરની ઉપરવટ જઈને ગોપાલસ્વામી અયંગર નામના ખાતા વિનાના પ્રધાનને આગળ કર્યા. કૉંગ્રેસમાં પણ વિરોધ થયો તો નહેરુએ સરદાર પટેલને કૉંગ્રેસીઓને સમજાવવાની જવાબદારી સોંપી દીધી!

આંબેડકર હિન્દુઓમાં ધરખમ સુધારા માટે હિન્દુ કૉડ બિલ લાવ્યા. આનો પ્રચંડ વિરોધ થયેલો એટલે નહેરુએ તેને સમર્થન ન આપ્યું. આથી આંબેડકરે રાજીનામું આપ્યું હતું. જોકે બાદમાં નહેરુ અલગ-અલગ ખરડા કરીને આ સુધારાઓ લાવેલા, પરંતુ તેમણે મુસ્લિમોમાં આવા સુધારા કર્યા નહીં. ગાંધીજીની જેમ જ નહેરુ પણ મુસ્લિમ તુષ્ટીકરણની એક ખોટી પરંપરા પાડતા ગયા.

નહેરુ જાતિ અને ધર્મથી પોતાને ઉપર ગણાવતા હતા તો પોતાને પંડિત કહેવડાવવાનું કેમ પસંદ કરતા હતા? તેમના વિશે એમ કહેવાય છે કે તેઓ જ્યોતિષમાં નહોતા માનતા. પરંતુ નહેરુનાં બહેન કૃષ્ણા હઠીસિંહે સંપાદિત કરેલા પુસ્તક ‘નહેરુસ લેટર્સ ટૂ હિઝ સિસ્ટર’માં નહેરુ તેમનાં દીકરી ઈન્દિરા ગાંધીને લખે છે કે રાજીવ ગાંધીની કુંડળી સારા જ્યોતિષ પાસે બનાવડાવી લેજે! બેંગ્લુરુના જ્યોતિષ મેગેઝિન ‘એસ્ટ્રોલૉજિકલ મેગેઝિન’ના તંત્રીને નહેરુના અંગત સચિવે પત્ર લખીને જણાવ્યું હતું કે “વડા પ્રધાને મને તમને એ લખવા જણાવ્યું છે કે તેમનો જન્મ સમય નવેમ્બર ૧૮૮૯ના રોજ રાતના ૧૧.૩૦ વાગ્યાનો છે.” નહેરુને તે વખતના આયોજન પ્રધાન ગુલઝારીલાલ નંદાએ તેમની જન્મકુંડળી એક જ્યોતિષને બતાવવા સમજાવેલા અને નહેરુ માની પણ ગયેલા, પરંતુ જ્યોતિષીએ કહેલું કે ચીન ભારત પર આક્રમણ કરશે એટલે નહેરુ પાછા વૈજ્ઞાનિક મિજાજમાં આવી ગયા હતા!

નહેરુ લાગણીશીલ હતા કે મૂર્ખ હતા કે પછી તેમને વિશ્વ નેતા બનવાની ખંજવાળ ઉપડેલી તે કહેવું મુશ્કેલ છે. તેઓ માનતા કે ભારત તો અહિંસામાં માનનારો દેશ છે. તેને સંરક્ષણ નીતિની શી જરૂર? ચીન પર તેમણે જે રીતે આંખો મીચીને ભરોસો કરેલો તે આપણને તેમને મૂર્ખ માનવા તરફ પ્રેરે છે. અમેરિકાના પ્રમુખ જોન કેનેડીએ ચીન પહેલાં ભારતને પરમાણુ પરીક્ષણ કરવા માટે ઉત્તેજન આપ્યું હતું પરંતુ નહેરુએ કેનેડીના પોતાના હસ્તાક્ષરવાળો પત્ર અસ્વીકારી દીધો હતો. એટલું જ નહીં, ચીને તાઈવાન પર કબજો કર્યો તેનાથી તેની સંયુક્ત રાષ્ટ્રોની સલામતી પરિષદમાંથી હકાલપટ્ટી થઈ. તેનું  સ્થાન અમેરિકા ભારતને આપવા માગતું હતું પરંતુ નહેરુ ચીનના ટેકે વિશ્વ જમાદાર થવાનાં સપનાં જોતાં હતાં અને આથી ચીનને ખોટું ન લાગે તે માટે તેમણે ૧૯૫૦માં આ મહામૂલી ઑફર જતી કરી દીધી હતી!

જોકે નહેરુ તો ચાલ્યા ગયા પરંતુ તેમની વિશ્વ નેતા બનવાની નીતિને, તેમની મુસ્લિમ તુષ્ટીકરણની નીતિને, શહેરીકરણની નીતિને સહુ કોઈ અપનાવતા રહ્યા. અટલ બિહારી વાજપેયી જેવા ભાજપના નેતા વડા પ્રધાન થયા ત્યારે તેમની નહેરુ સાથે સરખામણી થાય તે તેમને ગમતું હતું. થોડા સમય પહેલાં સુધી નરેન્દ્ર મોદીને પણ વિશ્વ નેતા બનવાના ધખારા લાગતા હતા પરંતુ ૧૨ ઓગસ્ટે કાશ્મીર પર સર્વપક્ષીય બેઠક પછી તેમણે પોતાની જાતને સમયસર વાળી લીધી છે અને બલોચિસ્તાન-ગિલગીટ અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરનો પ્રશ્ન ઉપાડીને તેમણે પ્રશંસનીય યૂ ટર્ન લીધો છે. જોકે આર્થિક નીતિમાં તેઓ પણ સ્માર્ટ સિટી દ્વારા નહેરુની શહેરીકરણની નીતિ જ અપનાવી રહ્યા છે. આમ, નહેરુ ગયા પણ નહેરુત્વ છોડતા ગયા છે. નહેરુ ન હોત અને સરદાર પટેલ વડા પ્રધાન બન્યા હોત તો ચિત્ર જુદું હોત પરંતુ હોની કો કૌન ટાલ સકતા હૈ!

નહેરુ ન હોત તો? કદાચ ભારત અખંડ હોત. તો કદાચ જનસંઘ અને ભાજપ ન હોત. અને નરેન્દ્ર મોદી પણ વડા પ્રધાન ન હોત. અને રાહુલ ગાંધી પણ ન હોત!

Advertisements

1 thought on “નહેરુ લાગણીશીલ હતા કે તકવાદી?”

  1. “તેઓ માનતા કે ભારત તો અહિંસામાં માનનારો દેશ છે. તેને સંરક્ષણ નીતિની શી જરૂર?” આ નહેરુનો દંભ હતો. આ જ નહેરુએ ૧૯૫૬-૫૭માં ગોવા ઉપર લશ્કરી હુમલો કરાવી જીતી લીધેલું. નહેરુ ઉપર સમાજવાદનું તૂત અને ભૂત તેમની ઉપર સવાર હતું. માનવ ધન પ્રબંધન વિષે તેમની પ્રજ્ઞા કાચી હતી. “વાદ” એ શાસ્ત્રીય નથી તે વાત એ સમજી શક્યા નહતા. ગાંધીજી આ વાત સમજી શકેલા.
    નહેરુની દિકરીમાં નહેરુના પ્રચ્છન્ન દુષણો પૂરબહારમાં પ્રદર્શિત થયા હતા.
    નહેરુને સરમુખત્યાર થવાની જરુર ન હતી કારણ કે તેમના મોટા વિરોધીઓ અલગથલગ હતા. અને કોંગ્રેસમાંથી છૂટા પડેલા. આ એક મોટી કથા છે.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s