આતંકવાદનો ધર્મ ન હોય તો રમખાણોનો કેવી રીતે થઈ જાય?

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૮/૧૨/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.)

બ્રિટિશરોએ પોતાનું આડકતરું શાસન ચાલુ રાખવા માટે દેશની શિક્ષણ વ્યવસ્થા સમૂળગી બદલી નાખી. તે પછી કૉંગ્રેસના લાંબા શાસનમાં સામ્યવાદીઓના હાથમાં શિક્ષણ તંત્ર મોટા ભાગે આવ્યું અને કૉંગ્રેસ તરફી ઇતિહાસ તેમજ હિન્દુ વિરોધી ઇતિહાસ ભણાવાતો રહ્યો અને હજુ ભણાવાય છે. આના વિશે મુંબઈ સમાચારના આદરણીય કૉલમિસ્ટ સૌરભ શાહે ઉત્તમ લેખન કર્યું છે. કેવું કેવું ભણાવાય છે તે પુનરાવર્તિત કરવાની જરૂર નથી.

પરંતુ એ બધું કૉંગ્રેસ શાસનમાં થયું અને એટલે એવું જ હોય તેવું માની લઈએ પરંતુ નરેન્દ્ર મોદી સરકારને અઢી વર્ષ થઈ ગયા છે ત્યારે એ બધું હજુ પણ ચાલુ રહે તે કેવું? સંઘ-ભાજપની મોટી તકલીફ એ છે કે તે જ્યારે સત્તામાં આવે છે ત્યારે વિરોધી વિચારધારાવાળા ઘૂસી જાય છે અને સરકારને ગેરમાર્ગે દોરતા રહે છે. કહેવાતાં મોટાં નામો પોતાની છાવણીમાં આવે ત્યારે સંઘ-ભાજપ પણ ફૂલાઈ જાય છે અને તેમને બે હાથે આવકારે છે, એમ માનીને કે તેમને આપણે બદલી નાખીશું, પરંતુ તેવું થતું નથી. ઘણી વાર તો હંમેશાં વિરોધ કરનારા- કહેવાતા મોટા ઇતિહાસકાર-સમાજસેવક-નેતા- કૉલમિસ્ટ-લેખ વગેરેને સમારંભોમાં બોલાવાય- કૉર ટીમમાં સામેલ કરાય છે, તેમની સાથે સંઘ-ભાજપના લોકો પોતાની સેલ્ફી લઈ પોતાને ગર્વાન્વિત અનુભવે છે. ચાલો માનીએ કે એક વાર બોલાવી લઈ અખતરો કર્યો કે સામે વાળી વ્યક્તિ બદલાય છે કે નહીં. પરંતુ તે વ્યક્તિ જ્યારે તમારો વિરોધ જ કરતી રહે અને પોતે કથિત મોટી વ્યક્તિ છે તેવા તે વ્યક્તિના પ્રચારના ભ્રમમાં તેને તમે બોલાવતા રહો ત્યારે તે વ્યક્તિને પણ મજા આવતી હોય છે. તે તેનો ફાયદો ઉઠાવી પોતાની છાવણીમાં એવો પ્રચાર કરે છે કે આ લોકોનો વિરોધ કરો તો તમને બોલાવે. આ રીતે તેઓ પોતાનું માર્કેટિંગ કરી લે છે. કૉંગ્રેસ-સામ્યવાદીઓ ક્યારેય આવું કરતા નથી.

જ્યારે ઇતિહાસકારો-ફિલ્મકારો-વૈજ્ઞાનિકો એવૉર્ડ પાછા આપી રહ્યા હતા ત્યારે પણ સંઘ-ભાજપ પાસે બહુ ઓછા લોકો હતા જે ટીવી પર કે અન્યત્ર તેમની તરફેણમાં આવી શકે, કારણકે જે તરફેણવાળા લોકો છે તેમની હંમેશાં અવગણના કરવાનું જ સંઘ-ભાજપ શીખ્યા છે. આનું સૌથી મોટું ઉદાહરણ સુધીન્દ્ર કુલકર્ણી અને અરુણ શૌરી છે. સુધીન્દ્ર કુલકર્ણી ડાબેરી સીપીએમના કાર્ડ હૉલ્ડર હતા. તેઓ પહેલાં તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના સલાહકાર બની ગયા અને તેઓ નિવૃત્ત થયા તે પછી લાલકૃષ્ણ અડવાણીના. તેમણે અડવાણીને ગેરમાર્ગે દોર્યા હોવાનું જાણીતું છે. તા. ૪/૧૨/૧૬ની આ કૉલમ(“કૉંગ્રેસ સરકારે સૂચના આપેલી કે તેલંગણા, અન્નાને ન દેખાડો”)માં આપણે જોયું હતું કે કેશ ફોર વૉટનું સ્ટિંગ કર્યા પછી ભાજપ નેતૃત્વએ એ સ્ટોરી બ્રેકિંગ ન્યૂઝ માટે રાજદીપ સરદેસાઈના વડપણવાળી સીએનએનઆઈબીએન ચેનલને આપેલી. અને દેખીતી રીતે જ રાજદીપે એ સ્ટોરીને પ્રસારિત ન કરીને કૉંગ્રેસ સરકારનું હિત સાધી આપેલું.

અરુણ શૌરીનો દાખલો લઈએ તો, શૌરીએ એક પત્રકાર તરીકે કટોકટી કાળમાં ખૂબ જ સારું કામ કર્યું હતું. તેમણે ‘વર્લ્ડ ઑફ ફતવા’ જેવું પુસ્તક લખ્યું. મુસ્લિમ મહિલાઓને ત્રણવાર તલાક બોલીને અપાતા છૂટાછેડા સામે પણ તેમણે વિરોધ કર્યો હતો. રાજીવ ગાંધી સરકારે સર્વોચ્ચના ચુકાદાને બદલીને શાહબાનો નામના વૃદ્ધ મહિલાને છૂટાછેડા પછી પતિ દ્વારા ભરણપોષણથી વંચિત રાખેલાં તેનો તેમણે વિરોધ કર્યો હતો. તેમણે છડેચોક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના હેતુઓને સમર્થન આપ્યું છે. તેમણે ખ્રિસ્તી મિશનરીઓ પર પુસ્તક લખ્યું છે. પરંતુ તેમણે ૨૦૦૯ની ચૂંટણી પછી ભાજપને આત્મમંથન કરવા સલાહ આપી તેથી તેઓ ધીમે ધીમે હાંશિયા પર ધકેલાતા ગયા.

આ પૂર્વભૂમિકા એટલા માટે કે કહેવાતા લિબરલો કેવા કટ્ટર છે તેનું વધુ એક ઉદાહરણ તાજેતરમાં બહાર આવ્યું. અન્ય ચેનલો પર રોજેરોજ એટીએમનો કકળાટ બતાવાઈ રહ્યો હતો ત્યારે ઝી ન્યૂઝ ચેનલે શિક્ષણમાં કેવું ઝેર ફેલાવાય છે તેનો ચોંકાવનારો રિપૉર્ટ બતાવ્યો. રિપૉર્ટ સીબીએસઇના ધોરણ બારમામાં ભણાવાતા પૉલિટિકલ સાયન્સ વિશે હતો. જી હા, એ જ પોલિટિકલ સાયન્સ જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. અને એ જ મોદી સરકારનાં અઢી વર્ષના શાસન છતાં વર્ષ ૨૦૦૨નાં ગુજરાત રમખાણો વિશે હજુ પણ ભણાવાય છે!

હા, એ જ રમખાણો, જેણે નરેન્દ્ર મોદીને ઘણા બધાની દૃષ્ટિમાં ઝીરો બનાવ્યા અને ઘણા બધાની દૃષ્ટિમાં હીરો બનાવ્યા. એ જ રમખાણો, જેના લીધે નરેન્દ્ર મોદીને અમેરિકાના વિઝા ન મળ્યા. એ જ રમખાણો, જેના લીધે મોદીએ વર્ષ ૨૦૧૧માં પોતાની છબી બદલવા માટે સદ્ભાવના મિશન નામના ઉપવાસોના કાર્યક્રમો કરવા પડ્યા. એ જ રમખાણો, જેના લીધે મોદી વિરુદ્ધ સર્વોચ્ચ ન્યાયાલયે ઝાહિરા શૈખ કેસમાં તીખું અવલોકન કર્યું હતું અને મોદીને વર્તમાન નીરો સાથે સરખાવ્યા હતા. એ જ રમખાણો, જેના લીધે મોદીએ કરણ થાપરના ઇન્ટરવ્યૂને અધવચ્ચે જ અટકાવી દીધો હતો. અને તેમ છતાં એ રમખાણો બારમા ધોરણમાં ભણાવાય અને તે પણ મોદી સરકારના નાક નીચે તે કેવું!

અને આ કંઈ એવું નથી કે ઝી ન્યૂઝના રિપોર્ટથી જ આ જાણકારી બહાર આવી. આ તો છેક વર્ષ ૨૦૦૬થી જાહેર થયેલું છે. અર્થાત્ કે આ વાતને દસ વર્ષ વિતી ગયાં. આ કોઈ ચૂપકીદીથી કરાયેલું કામ નહોતું. તેના વિશે ૨૦૦૬માં સમાચારપત્રોમાં અહેવાલો આવ્યા હતા કે એનસીઇઆરટી પૂટ્સ ગુજરાત રાયૉટ્સ ઇન ટૅક્સ્ટબુક. ૨૦૦૬થી માંડીને અત્યાર સુધી ભાજપમાં કોઈને આ વિશે ખબર જ નહોતી? સંસદમાં આ મામલે કોઈએ અવાજ જ ન ઉઠાવ્યો? રાજકીય વિજ્ઞાનમાં ઇતિહાસ ન ભણાવવો જોઈએ તેવું કહેવાનો હેતુ નથી. વિરોધ એ વાતનો છે કે માત્ર હિન્દુ વિરોધી દૃષ્ટિકોણ વિકસે અને એ કરતાંય આતંકવાદી તૈયાર થાય તેવું વિચારબીજ રોપાય તે બિલકુલ ચલાવી ન લેવાય.

પૉલિટિકલ સાયન્સના ધોરણ બારના વિષયમાં ભણાવાય છે કે “ગુજરાત કે મુસ્લિમ વિરોધી દંગે”. તેમાં ગોધરામાં સાબરમતી ઍક્સ્પ્રેસના એસ-૬ ડબ્બાને ષડયંત્રપૂર્વક સળગાવી દઈ ૫૯ નિર્દોષ કારસેવકોને બાળીને મારી નખાયાની ઘટનાનો મામૂલી ઉલ્લેખ કર્યો છે અને લખાયું છે કે કેટલાક મુસ્લિમોએ આ કૃત્ય કર્યું હોવાના સંદેહ પર મુસ્લિમ વિરોધી રમખાણો ફાટી નીકળ્યાં. હકીકતે ૨૦૦૨નાં રમખાણોમાં હિન્દુઓ પણ મર્યા જ હતા. એટલે તેને મુસ્લિમ વિરોધી દંગે કેવી રીતે કહી શકાય? આ તો પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ તૈયાર કરવાની ફૅક્ટરી કે પછી ભારતમાં કેટલીક મદરેસાઓમાં ભણાવાતા અભ્યાસ જેવો કિસ્સો થયો. અને વળી રમખાણો ભણાવવાં જ હોય તો દેશમાં કે પછી કમ સે કમ ગુજરાતમાં થયેલાં તમામ રમખાણો આવરી લેવાં જોઈએ. ઝી ન્યૂઝના પત્રકાર રાહુલ સિંહાએ સારો શબ્દ સૂચવ્યો કે તેને મુસ્લિમ વિરોધી દંગેના બદલે સમાજવિરોધી દંગે કહી શકાયું હોત.

આ પુસ્તકમાં અયોધ્યાનો વિવાદિત ઢાંચાનો ઇતિહાસ પણ ભણાવાય છે પરંતુ કાશ્મીરમાં આયોજનપૂર્વક હિન્દુઓને તગેડી મૂકાયા તે ઇતિહાસ કે પછી પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિન્દુઓનો નરસંહાર અને તેમના પર ધર્મના આધારે થતા અન્યાય-અત્યાચારનો ઇતિહાસ સિફતપૂર્વક ચૂકી જવાયો છે.

વળી આ રમખાણોમાં સરકારી મશીનરીનો ઉપયોગ થયો હોવાનું કહીને તત્કાલીન મોદી સરકાર તરફ પણ અંગૂલિનિર્દેશ કરાવાનું ભૂલાયું નથી. અને આ પાઠ્યપુસ્તક પાછળ ભેજું કોનું છે? યોગેન્દ્ર યાદવનું. એ જ યોગેન્દ્ર યાદવ (જેમણે હરિયાણા ચૂંટણી વખતે જાહેર કરેલું કે તેમનું ખરું નામ સલીમ છે) જે દૂરદર્શન પર પ્રણોય રોયના ચૂંટણી કવરેજ વખતે અને બાદમાં એનડીટીવી પર સેફોલૉજિસ્ટ તરીકે આવતા હતા, જે બાદમાં વર્ષ ૨૦૧૧માં ભ્રષ્ટાચાર સામેના અણ્ણા હઝારેના આંદોલનમાં જોડાયા, જેમણે અરવિંદ કેજરીવાલ સાથે આમ આદમી પક્ષ રચ્યો, દિલ્લીમાં જીત પાછળ મુખ્ય ભેજું બન્યા, જેને અને પ્રશાંત ભૂષણને કેજરીવાલે ખૂબ જ આપખુદ રીતે કાઢી મૂક્યા અને જેમણે થોડા સમય પહેલાં સ્વરાજ ઇન્ડિયા નામના પક્ષની રચના કરી.

એ યોગેન્દ્ર યાદવ આ રમખાણોવાળો અભ્યાસક્રમ દાખલ કરાયો ત્યારે એનસીઇઆરટીની ટેક્સ્ટ બુક તૈયાર કરવાની પેનલમાં મુખ્ય સલાહકાર હતા. તેમણે વર્ષ ૨૦૦૬ના એ પ્રેસ રિપોર્ટમાં કહ્યું હતું કે “અમે આ બનાવો (એટલે કે અયોધ્યા-ગુજરાત રમખાણો) વિશે સત્ય કહીશું. ટેક્સ્ટબુક તટસ્થ રીતે તૈયાર લખાશે અને તેમાં આ મુખ્ય બનાવ પહેલાંના અને પછીના ઘટનાક્રમ પણ હાઇલાઇટ કરાશે.” અહીં આ “પણ” અને “હાઇલાઇટ” શબ્દો નોંધવા જેવા છે. હાઇલાઇટનો અર્થ ઝલક માત્ર થતો હોય છે. તેમાં ડિટેલિંગ નથી આવતું. તેથી ઘટના શા માટે બની તે જાણવા ન મળે. અને “પણ” શબ્દ જાણે ઉપકાર કરતા હોય તેવો ભાવ દર્શાવે છે. જોકે હકીકતે તટસ્થ રીતે કંઈ લખાયું નહીં, તેમની મનમાં જે ધારણા હતી (અને સરકાર દ્વારા જે કંઈ સૂચના હશે) તેમ જ લખાયું.

જોવા જેવી વાત એ છે કે (લિબરહાન પંચને લગતો) અયોધ્યા કેસનો હજુ ચુકાદો આવ્યો નથી. ૨૦૦૬માં સાબરમતી ઍક્સ્પ્રેસને સળગાવી દેવાયા પછીનાં રમખાણોના કેસોનો ચુકાદો પણ આવ્યો નહોતો તો પછી યોગેન્દ્ર યાદવ અને તેમના સાગરિતો કઈ રીતે એવો અભ્યાસક્રમ તૈયાર કરાવી શકે જેમાં કૉર્ટના ચુકાદા પહેલાં જ ચુકાદો આપી દેવાય?

જોવા જેવી વાત એ પણ છે કે સીબીએસઇના અભ્યાસક્રમમાં પ્રથમ વડા પ્રધાન નહેરુ બંધારણના ઘડવૈયા આંબેડકરને ચાબુક મારતા હોય તેવા કાર્ટૂન અંગે ૧૧ મે ૨૦૧૨ના રોજ સંસદમાં હોબાળો થતાં માનવ સંસાધન પ્રધાન કપિલ સિબલને માફી માગવી પડી હતી. તે સાંજે યોગેન્દ્ર યાદવ અને સુહાસ પલ્શિકરને એનસીઇઆરટીમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. આનો અર્થ એ થયો કે યોગેન્દ્ર યાદવ ભલે ‘આપ’ પાર્ટીમાં જોડાયા હતા પરંતુ તેઓ કૉંગ્રેસ સરકારની ગુડ બુકમાં તો, આ વિવાદ થયો ત્યાં સુધી હતા જ. ૧૯૬૧માં જ્યારે એનસીઇઆરટીની સ્થાપના કરાઈ ત્યારે શિક્ષણને રાષ્ટ્રની એકતા માટેનું એક અગત્યનું માધ્યમ ગણવામાં આવતું હતું પરંતુ સલીમ યાદવ ઉર્ફે યોગેન્દ્ર યાદવ જેવા સલાહકારોએ તેને હિન્દુ-મુસ્લિમોને વિભાજિત કરવાનું માધ્યમ બનાવી દીધું અને ભગતસિંહ જેવા દેશભક્તને ત્રાસવાદી ગણાવ્યા.

સલીમ યાદવ ઉર્ફે યોગેન્દ્ર યાદવ જેવા શિક્ષણ સલાહકારોને પ્રશ્ન એ પણ પૂછવો જોઈએ કે જ્યારે કોઈ આતંકવાદી ઘટના બને છે ત્યારે તમે લોકો કહો છો કે આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો, તો પછી રમખાણોનો ધર્મ તમે કેવી રીતે નક્કી કર્યો? ગુજરાતનાં મુસ્લિમ-હિન્દુ રમખાણોને તમે મુસ્લિમ વિરોધી રમખાણો એવું લેબલ કયા આધારે આપ્યું?

તમે આવું ભણાવીને શાળાઓમાં આતંકવાદીઓ તૈયાર કરવા માગો છો કે શું? મુસ્લિમ વિદ્યાર્થી આ ભણશે તો શું વિચારશે? ગુજરાતી હિન્દુઓએ અમારા ભાઈઓ પર કેટલા અત્યાચાર કર્યા? હિન્દુ વિદ્યાર્થી આ ભણશે તો એવું જ વિચારશે ને કે અમારા હિન્દુ ભાઈઓ કેવા કે નિર્દોષ મુસ્લિમોને રહેંસી નાખ્યા?

અને આ અભ્યાસક્રમ માટે માત્ર યોગેન્દ્ર યાદવ જ નહીં, તે વખતની કૉંગ્રેસ સરકાર, માનવ સંસાધન પ્રધાન કપિલ સિબલ પણ જવાબદાર છે; પણ તે કરતાંય છેલ્લા અઢી વર્ષથી રાષ્ટ્રવાદના બણગા ફૂંકતી મોદી સરકાર વધુ જવાબદાર છે. સરકાર પાસે હજુ પણ અઢી વર્ષ છે. આવા લોકો જે આવી મહત્ત્વની સંસ્થાઓમાં બેઠા છે તેમને વિરોધની પરવા કર્યા વગર તગેડી મૂકવા જ રહ્યા.

Advertisements

3 thoughts on “આતંકવાદનો ધર્મ ન હોય તો રમખાણોનો કેવી રીતે થઈ જાય?

  1. મનસુખલાલ ગાંધી

    તમે આટલું બધું લખ્યું, પણ ભાજપમાંથી કયો ભોજિયોભાઈ આ વંચવાનો…? એ લોકોને પણ માત્ર અને માત્ર ખુરશી અને પૈસાજ દેખાય છે….બીજું કંઈ દેખાતું નથી એમ નહીં પણ ધરાર જોવુંજ નથી…અને આમને આમ આજના અને ભવિષ્યના વિદ્યાર્થીઓ ખોટું ભણતાં-શીખતા રહેશે…

  2. રાજકારણના અને તેને ટકાવી રાખવાના સમીકરણો લેખકશ્રી માને તેટલાં સરળ હોતાં નથી.
    કોઈ પણ ફેરફાર તાત્કાલિક રીતે અમલમાં આવે તે રીતે થઈ શકતો નથી. મોહન ભાગવત કે જેઓ સરકારમાં ભાગીદારી રાખતા નથી, તેમણે કહ્યું “કે અનામત ઉપર ફેર વિચારણા થવી જોઇએ.” આ ઉચ્ચારણનું એવું અર્થ ઘટન કરવામાં આવ્યું કે બીજેપીની સરકાર અનામત નાબુદ કરવા માગે છે.
    જાતિ આધારિત અનામતમ, ભાગ્યે જ કોઈ સુજ્ઞ જન માન્ય રાખે. પણ રાજકારણ અને વિવેકશીલતાને મતબેંકવાળા રાજકારણીઓ અને તેમના સાંસ્કૃતિક સમાચાર માધ્યમો ભીન્ન માને છે. વિવાદાસ્પદ વાતોને સત્યના મોંહરા, સમાચાર માધ્યમોના શોર બકોર દ્વારા આપી શકાય છે.
    પોતાની જાતિ વિષે વિશેષ અધિકારો માનનારાઓને વિભાજનવાદી ગણી શકાય અને તેમને જેલમાં પુરી શકાય. પણ તે માટે કાયદો કરવો જોઇએ. આવા કાયદા માટે જનતા કેટલી તૈયાર છે? જનતાની માનસિકતા બદલવા ત્રણ ચાર પેઢીઓ નહીં તો એક બે પેઢીઓ તો જોઇએ જ. એમાં પણ જો હાર્દિક પટેલ અને આઝમખાન જેવા પેદા થતા હોય તો અને તેને પોષનારા નહેરુવીયન કોંગ્રેસ જેવા પક્ષો હોય તો સમયને કોઈ સીમા નથી.

    જો બીજેપી આવું કરવા જાય તો “આ બૈલ મુઝે માર” જેવું થાય.
    ખોટો ઇતિહાસ, ધાર્મિક ભેદભાવ, ખર્ચાળ ચૂંટણી પ્રથા, નાગરિક અધિકારો, વ્યક્તિગત અધિકારો વિગેરે માં ફેરફાર કરવા હોય સૌ પ્રથમ જનતાના બહોળા વર્ગને તૈયાર કરવો જોઇએ.

    સૌ સૌની પ્રાથમિકતા અલગ અલગ હોય છે. કેટલાકને ગૌ-વધ-બંધીમાં પ્રાથમિકતા દેખાય છે. કેટલાક વૈદિક સંસ્કૃતિની સ્થાપનાને પ્રાથમિકતા આપે છે. કેટલાક સાચા ઇતિહાસને અને સક્ષમ શિક્ષણને પ્રાથમિકતા આપે છે. કેટલાક બેકારી અને નિરક્ષરતા ના નિવારણને પ્રાથમિકતા આપે છે. રામ મંદિર, હિન્દુ રાજ્ય, દારુબંધી, ગૌ માંસ બંધી વિગેરે ની પ્રાથમિકતાની ધૂન પણ આવા જ દરજ્જામાં આવે છે.

    નરેન્દ્ર મોદી સ્કીલ ડેવલપમેન્ટ અને બેકારી નિવારણને પ્રાથમિકતા આપે છે.

    1. દવેજી, તાત્કાલિક ફેરફાર ન થઈ શકે એ સમજાય પરંતુ આ વિષય ઈ.સ.૨૦૦૬થી ભણાવવામાં આવે છે. વિપક્ષ તરીકે પણ ભાજપે તે મુદ્દો ઉઠાવ્યો નહીં? કૉર્ટમાં કેસ ચાલુ હોય ત્યારે કોઈ ટિપ્પણી કરવાનું પણ ટાળતા હોય છે. ત્યારે આ તો રીતસર પૂર્વગ્રહથી કુમળા-કોરી પાટી જેવાં બાળકોને આતંકવાદી તૈયાર કરવાનું શિક્ષણ આપવાનો કારસો હતો.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s