Posted in international, national, society

૩૧મી ડિસેમ્બરે છેડતી: બેંગલુરુથી લઈ જર્મની સુધી…

(સંકલન શ્રેણી પાક્ષિક તા., ૨૧/૦૧/૧૭ની કવર સ્ટોરી)
મનોજકુમારની ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’માં ‘હૈ પ્રીત જહાં કી રીત સદા’ ગીત બહુ જાણીતું છે. આ ગીત સાંભળીને દેશભક્તિ ચાર ચાસણી ચડી જાય. તેમાંય ‘જહાં રામ અભી તક હૈ નર મેં, નારી મેં અભી તક સીતા હૈ’ પંક્તિ તો અદ્ભુત. આ પંક્તિ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ વચ્ચેનો ભેદ દર્શાવતી હતી. પરંતુ હવે શું આ પંક્તિ સાર્થક રહી છે ખરી? આ દેશનાં નર-નારી રામ અને સીતા જેવાં રહ્યાં છે ખરાં? આ પ્રશ્ન એટલે ઉપસ્થિત થાય છે કે ૩૧મી ડિસેમ્બરે બેંગાલુરુમાં અનેક મહિલાઓની છેડતી થઈ.

૩૧મી ડિસેમ્બરે બેંગલુરુમાં શું બન્યુ હતું? આમ તો, કેલેન્ડરનો ઇતિહાસ અને વર્તમાન એવું કહે છે કે દુનિયામાં મોટા ભાગે વસંત ઋતુમાં જ નવું વર્ષ ઉજવાય છે. તેના પર આ લેખકે મુંબઈ સમાચારની કૉલમ સિક્કાની બીજી બાજુમાં લખેલું નવું વર્ષ ક્યારે? કાલે? કે ચૈત્ર સુદ એકમે? કે ૧ જાન્યુઆરીએ? જે તમે http://wp.me/phzA7-Ei પર વાંચી શકશો. પરંતુ ચાલો માની લઈએ કે ૩૧મી ડિસેમ્બર એ હવે મોટા ભાગે સ્વીકૃત ગ્રેગોરિયન કેલેન્ડરનો વર્ષનો અંતિમ દિવસ છે અને તેની ઉજવણી ધામધૂમથી થાય છે તો, તે મુજબ બેંગલુરુમાં પણ તેના માટે યુવાનો-યુવતીઓ શેરીઓમાં ઉમટી પડ્યા હતા. આપણું નવું વર્ષ કે નવો દિવસ સૂર્યોદયથી શરૂ થાય છે. પરંતુ ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ, તારીખ મધ્ય રાત્રિ ૧૨ વાગ્યાથી બદલાય છે અને એટલે લોકો બરાબર રાત્રે બાર વાગ્યે નવા વર્ષને આવકારવા રસ્તા પર ઉમટી પડે છે.

બેંગલુરુમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એમ. જી. માર્ગ અને બ્રિગેડ માર્ગ પર  ૧,૫૦૦ પોલીસ જવાનો ફરજ પર હાજર હતા. આમ છતાં માહોલની અસર હોય કે પછી ખરેખરા ગુંડા, (કારણકે ઘણા સામાન્ય લોકો પણ માહોલની અસરમાં બહેકી જતા હોય છે) કેટલાક યુવાનોએ યુવતીઓ પ્રત્યે ખરાબ ટીપ્પણીઓ કરવાનું ચાલુ કર્યું. તેમનાં અંગ-ઉપાંગોને છેડવા લાગ્યા. કેટલીક યુવતીઓ રડતી રડતી મહિલા પોલીસ તરફ ભાગવા લાગી. એક પ્રત્યક્ષદર્શીના કહેવા મુજબ, અનિયંત્રિત ટોળામાં ઝડપાઈ ગયેલી યુવતીઓની સાથે કોઈ પુરુષ (મિત્ર, ભાઈ કે પિતા) નહોતો. તેમણે મહિલા પોલીસ પાસે દોડી જઈ રક્ષણ માગ્યું.

આ હજુ ઓછું હોય તેમ બીજો એક આઘાતજનક સીસીટીવી વિડિયો બહાર આવ્યો જેમાં બાઇક પર આવેલા બે યુવાનો એક યુવતીની છેડતી કરે છે. આ કિસ્સામાં જે પીડિતા હતી તે ઈશાન ભારતની હતી. ઈશાન ભારતના યુવાનો-યુવતીઓ ઉચ્ચ અભ્યાસ માટે દિલ્લી-બેંગલુરુ જેવા શહેરમાં જતા હોય છે અને ત્યાં તેમની સાથે ખરાબ વર્તન થાય છે, તે જાણીતું છે અને ચિંતાજનક પણ છે.

જોકે, આ વિડિયોમાં જે દૃશ્યો છે તે કેટલાક પ્રશ્નો પણ ઉઠાવે છે. નવ વર્ષની ઉજવણી મધ રાત સુધી ચાલે પરંતુ અહીં વિડિયોમાં યુવતી આવે છે તે સમય ૨.૪૦નો બતાવે છે. આટલા મોડા સમયે યુવતી તો શું, કોઈ યુવકની સાથે પણ દુર્વ્યવહાર કે ચોરી-લૂટ થઈ શકે છે. વિડિયોમાં હકીકતે છ યુવાનો છે. અને વિસ્તાર રહેવાસી છે, પરંતુ તેમાં બે યુવતી પણ છે. બંને એક જ રિક્ષામાંથી આવતી જણાય છે. પરંતુ તેમણે રિક્ષા છેક ઘર સુધી લેવાના બદલે ગલીના નાકે ઊભી રાખી દીધી. તેમાંથી પહેલાં એક યુવતી ઉતરે છે. મવાલીઓ તેને કંઈ કરતા નથી. બીજી યુવતીને જ છેડે છે. આ વિડિયો જોયા પછી એવું લાગે કે કદાચ બંને યુવતીઓ સાથે આવી હોત તો મવાલીઓની આવી હિંમત ન થાત. પરંતુ પ્રશ્ન એ પણ છે કે એમ. જી. રોડ અને બ્રિગેડ રોડ પર ૧,૫૦૦ પોલીસ અને અનેક યુવાનોની હાજરીમાં કેટલાક બદમાશો અનેક યુવતીઓની છેડતી કરી શકે છે તો પછી આ તો સૂમસામ વિસ્તાર દેખાય છે.

દિલ્લીના મુખર્જી નગર વિસ્તારમાં ટોળાએ બાઇક પર સવાર એક યુવતીની છેડતી કરી હતી. તે વખતે પોલીસ જવાન તેને બચાવવા જતાં ટોળાએ પોલીસ જવાનને પણ ધક્કો મારી દીધો હતો! એટલું જ નહીં, ફર્સ્ટ રિસ્પોન્સ વિહિકલ સહિત પોલીસની સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ટોળાએ બાદમાં તે વિસ્તારની પોલીસ ચોકીમાં તોડફોડ કરી હતી. પોલીસ ચોકીમાં જઈને પોલીસ જવાનોને સળિયાઓથી માર્યા જેમાં મહિલા પોલીસો પણ ઘવાઈ હતી. જો પોલીસની પણ આવી હાલત થઈ શકે તો સામાન્ય માનવીની શું વાત કરવી?

૩૧ ડિસેમ્બરે મહાનગરો કે અન્ય નાનાં-મોટાં શહેરોમાં આવી છેડતીની કે બળાત્કારની ઘટના નવી નથી. ગુજરાતના અમદાવાદમાં ૩૧ ડિસેમ્બર ૨૦૦૩ એક કાળું ટિલું બનીને રહી ગઈ છે કેમ કે આ દિવસે શાહીબાગની એક હોટલમાં બીજલ જોશી નામની યુવતીને તેના મિત્ર સજલે નવું વર્ષ ઉજવવા બોલાવી અન્ય પાંચ મિત્રો સાથે બળાત્કાર કર્યો હતો. તે પછી ૭ જાન્યુઆરી ૨૦૦૪ના રોજ બીજલે પોતાના ઘરમાં આપઘાત કરી લીધો હતો. આ કેસનો ચુકાદો છેક નવ વર્ષ પછી આવ્યો હતો! તેમાં પાંચ આરોપીને જન્મટીપની સજા થઈ હતી. સાત આરોપી નિર્દોષ છોડી મૂકાયા હતા. મુખ્ય આરોપી સજલ જૈન દિલ્લી સ્થિત વગદાર વેપારીનો દીકરો છે. અન્ય આરોપીઓ ચંદન પન્નાલાલ જયસ્વાલ, તેનો ભાઈ મદન, સુગમ ઉપાખ્યે મોન્ટી જયસ્વાલ, અજમેર સ્થિત ધર્મેન્દ્ર ઉપાખ્યે કરણ જૈન પણ વેપારીઓ અથવા તેમના સંતાનો છે. જે સાત આરોપીઓને છોડી મૂકાયા તેમના પર પુરાવાઓનો નાશ કરવાનો આરોપ હતો.

ઈસુના નવ વર્ષની પૂર્વ રાત્રિએ (પૂર્વ સંધ્યા તો ન જ કહેવાય) બનતા આવા જાણીતા કિસ્સામાં એક મુંબઈનો પણ છે. પતિ, તેની પત્ની અને બે પિતરાઈ બહેનો રાત્રે ૯થી બે વાગે મુંબઈમાં જે. ડબ્લ્યુ. મેરિઅટ હૉટલમાં નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા. તેઓ ઉજવણી કરીને બહાર નીકળ્યા કે તેમને ૭૦-૮૦ માણસોનાં એક ટોળાએ ઘેરી લીધું. પતિ હોવા છતાં તેની પત્ની અને નણંદોની છેડતી કરાઈ. આ લોકો કેલિફૉર્નિયા રહેતા હતા અને પતિનાં લગ્ન એક દિવસ પહેલાં જ થયેલા. તેમણે પોલીસ ફરિયાદ નહોતી નોંધી કારણકે તે કોઈ અપરાધીને ઓળખી શકે તેમ નહોતો. પરંતુ ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ દૈનિકના એક પત્રકારે પોલીસ વાન જોઈ તેને મદદ માટે બોલાવી હતી. બાદમાં આ કિસ્સામાં પંદર જણાની ધરપકડ થયેલી. આ ઘટનાના એક વર્ષ પહેલાં ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે એક યુવતીની ૬૦ જણાના ટોળાએ છેડતી કરી હતી.

ભારત માટે આ ઘટનાઓ નીચાજોણું કરનારી જરૂર છે પરંતુ આવી ઘટનાઓ માત્ર ભારતમાં જ બને છે તેમ નથી. પ્રગતિશીલ કહેવાતા જર્મનીમાં વર્ષ ૨૦૧૫ના અંતિમ દિવસે મોટા પાયે છેડતી અને બળાત્કારની ઘટનાઓ બની હતી, જેમાં ઓછામાં ઓછી ૨૪ તો બળાત્કારની ઘટનાઓ હતી! મોટા ભાગની ઘટનાઓ કૉલોન શહેર અથવા તેની આસપાસ ઘટી હતી. તેમાં જે ૬૮ આરોપીઓ મનાય છે તે જર્મનીમાં શરણ માગનારા હતા અને ૧૮ અવૈધાનિક રહેનારા હતા. યુકેના ‘ઇન્ડિપેન્ડન્ટ’ સમાચારપત્ર મુજબ, કૉલોનમાં ૧,૨૦૦ યુવતી અથવા મહિલા પર જાતીય હુમલો ૨,૦૦૦ લોકોએ કર્યો હતો! જર્મનીની પોલીસના કહેવા મુજબ, આરોપીઓ મોટા ભાગે આરબ અથવા ઉત્તર આફ્રિકાના મુસ્લિમ હતા. જર્મનીમાં આ વર્ષે પણ ત્રાસવાદી હુમલાના ભયે ચુસ્ત સુરક્ષા છતાં, હેમ્બર્ગ શહેરમાં ૧૮થી ૨૬ વર્ષની ૧૪ સ્ત્રીઓ પર જાતીય હુમલાઓ થયા હતા. તેમાં પકડાયેલા ૧૦ લોકોમાં ત્રણ સિરિયન, બે અફઘાની, એક એરિટ્રીયન અને એક જર્મન છે. આ વર્ષે ઑસ્ટ્રિયાના ઇન્ન્સબ્રક શહેરમાં પોલીસની ચુસ્ત સુરક્ષા છતાં ૧૮ મહિલાઓ પર જાતીય હુમલો થયો હતો. પોલીસને આ ઘટનાઓ માટે કાં તો ઉત્તર આફ્રિકી અથવા એશિયાની વ્યક્તિઓ પર શંકા છે. ઑસ્ટ્રિયાના વિએનામાં પણ મહિલાઓની છેડતી થઈ હોવાના સમાચાર મળ્યા હતા. ફ્રાન્સમાં નવા વર્ષની ઉજવણીના વિરોધમાં શંકાસ્પદ મુસ્લિમ ત્રાસવાદીઓએ ૧,૦૦૦ કારોને નુકસાન પહોંચાડ્યું હતું. જોવાની વાત એ છે કે આપણા મિડિયામાં ભારતના સમાચારો તો ગાઈ વગાડીને બતાવાય છે પરંતુ જર્મની, ઑસ્ટ્રિયા કે ફ્રાન્સના સમાચાર બતાવાયા નહીં. આનો અર્થ એ નથી કે વિદેશોમાં પણ આ બધું બને છે તેથી ભારતમાં પણ આ બધું બનવું જોઈએ.

બેંગલુરુમાં આ ઘટનાઓ બની તે પછી રાજકારણીઓનાં નિવેદનોના કારણે ઘા પર મીઠું ભભરાવ્યું હોય તેવી લાગણી થાય તે સ્વાભાવિક છે. સમાજવાદી પક્ષના નેતા મુલાયમસિંહ યાદવે તો બળાત્કારના બચાવમાં અગાઉ કહેલું કે લડકોં સે ગલતી હો જાતી હૈ. તેમના જ પક્ષના મુંબઈ સ્થિત નેતા અબુ અઝમીએ બેંગલુરુની સામૂહિક છેડતીના સંદર્ભમાં છેડતી માટે યુવતીઓને જ જવાબદાર ઠરાવતાં નફ્ફટાઈથી કહેલું કે જો ક્યાંક પેટ્રોલ હશે તો આગ તો લાગશે જ. ખાંડ ઢોળાશે તો ત્યાં કીડી જરૂર જશે. જો છોકરાઓ ખોટા રસ્તે જતા હોય તો છોકરીઓએ સાવધાની રાખવી જોઈએ. સાંજ પછી કોઈ પરાયા પુરુષ સાથે છોકરીઓએ બહાર ન જવું જોઈએ. તેમણે કપડાં પણ પૂરાં પહેરવા જોઈએ. જોકે અબુ આઝમીના ગાલે તમાચારૂપ ઘટનામાં, તેમના નિવેદન પછી, ૩૧મી ડિસેમ્બરના એક અઠવાડિયા પછી, બેંગ્લુરુમાં જ બુરખો પહેરેલી એક મહિલાની છેડતી થયાની ઘટના બહાર આવી હતી. આ બાબતે અબુ આઝમી શું કહેશે?

તો કર્ણાટકમાં કૉંગ્રેસની સરકારના ગૃહ પ્રધાન જી. પરમેશ્વરે એવી ચોંકાવનારી પ્રતિક્રિયા, (જેને મિડિયાએ દબાવી દીધી) આપી કે નવા વર્ષ (૩૧ ડિસેમ્બર) અને ક્રિસમસે તો આવી ઘટનાઓ ઘટતી રહે છે! ગૃહપ્રધાન આવા હોય તો પોલીસ વડા પણ એવા જ હોય ને. શહેરના પોલીસ વડા પ્રવીણ સૂદે પહેલાં તો કહ્યું કે “આવું કંઈ બન્યું જ નથી.” થોડા સમય પછી તેમણે કહ્યું કે “આવું બન્યું હોઈ શકે છે.” તેમણે “સામૂહિક છેડતી” શબ્દ સામે પણ વાંધો લીધો. પોલીસ જવાનો અને મહિલા પોલીસ હાજર હતી તે ઘટના બાબતે પોલીસ વડા આવું કહે તેનો શું અર્થ કાઢવો?

પણ આ બધી ઘટનાઓમાં એક વાત સામાન્ય છે. તે એ કે આરોપીઓ ૩૧મીની ઉજવણીના વાતાવરણમાં દારૂ પીધેલા હતા. એબીએન ચેનલે બતાવેલા એક ફૂટેજમાં તો બેંગ્લુરુમાં એક પુરુષ તેના બીજા મિત્ર પુરુષ જેણે ચિક્કાર પીધેલો છે અને જેને હોશકોશ નથી તેને ચુંબન જડતો દેખાય છે! આમ, ૩૧મીની ઉજવણીમાં માત્ર યુવતીઓ જ નહીં, યુવાનોએ પણ ચેતવા જેવું છે. બીજું, જર્મની, ઑસ્ટ્રિયાની જેમ ભારતમાં પણ છેડતી કરનારાઓ કોણ છે અને તેની પાછળ ક્યાંક ઈસ્લામી ત્રાસવાદ જવાબદાર નથી ને, તે દૃષ્ટિકોણથી પણ તપાસ કરવી રહે.

પોલીસની તો ફરજ છે જ પરંતુ આ ઘટનાઓમાં સમાજ પણ એટલો જ જવાબદાર છે. જ્યારે આ છેડતી થઈ ત્યારે અન્ય ઘણા લોકો હાજર હતા. તેમણે કેમ કંઈ કર્યું નહીં? દુર્જનોના અત્યાચાર માટે સજ્જનોની નિષ્ક્રિયતા પણ એટલી જ જવાબદાર છે. યુવતીઓએ પણ સ્વસુરક્ષા માટે માર્શલ આર્ટ શીખવાની જરૂર છે. અને એક વાત તો મને-કમને સ્વીકારવી જ પડશે કે યુવતીઓ ગમે તેટલી પુરુષ સમોવડી કેમ ન થઈ જાય તેણે (અને બેંગલુરુનો વિડિયો જોતાં યુવાનોએ પણ) પોતાની સુરક્ષા માટે કેટલીક મર્યાદાઓ સ્વીકારવી જ પડશે. મોડી રાત (ઉપરોક્ત કિસ્સામાં તો વહેલી સવાર) સુધી બહાર ન રહેવું, રહેવું તો એકલા ન રહેવું. પરંતુ ઉપરોક્ત અનેક કિસ્સામાં જોયું તેમ એકલા ન હોય તો પણ ટોળા બેકાબૂ બનીને છેડતી કરવાની પૂરી શક્યતા રહે જ છે. પોતાના પર્સમાં મરચું રાખવું. મોબાઇલમાં પોલીસનો તેમજ માતા-પિતાનો નંબર સ્પીડ ડાયલ પર રાખવો. આ ઉપરાંત સમાચાર ચેનલોથી લઈને જાહેરખબરો, સિરિયલો, ફિલ્મો, સમાચારપત્રોમાં સ્ત્રીઓને ઉપભોગની વસ્તુ તરીકે દર્શાવવાનું બંધ થવું જરૂરી છે. ફિલ્મો-સિરિયલો-જાહેરખબરોમાં રસ્તે જતી સ્ત્રીને સરળતાથી પટાવીને શય્યા સુધી લઈ જઈ શકાય છે તેવું ચિત્રણ બંધ થવું જોઈએ. સરકારે પણ આના માટે જર્મનીની જેમ દર ડિસેમ્બરમાં ઝુંબેશ ચલાવવી જોઈએ.

બીજી એક વાત એ પણ છે કે શું દારૂ-ડ્રગ્સ-બેલે ડાન્સ-વેશ્યાગમન-કૉલગર્લ વગેરે અનૈતિક પ્રવૃત્તિઓ કરો તો જ નવ વર્ષની ઉજવણી થાય? કારતક શુક્લ એકમ કે ચૈત્ર શુક્લ એકમના રોજ મંદિરે દર્શન કરી, ગાયને ઘાસચારો ખવડાવી, માતાપિતા સહિત વડીલોને પગે લાગી નવ વર્ષ ઉજવાય છે તેવું ૩૧મીએ કેમ ન થઈ શકે?

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

One thought on “૩૧મી ડિસેમ્બરે છેડતી: બેંગલુરુથી લઈ જર્મની સુધી…

  1. બહુ સુંદર લેખ છે. પણ સમજવા કોણ તૈયાર છે…?

    તમે પોલીસની વાત કરી…ખરેખર જોવા જાવ તો એકલદોકલ પોલીસ પણ આવા ગુંડા-લેભાગુઓથી કદાચ ..ડરતો હશે અને આવા ટોળામાં એકાદને બચાવવા જાય ત્યાં સાથે સાથે બીજા બેચાર બનાવ બની જાય, પછી તો આવું લબાડી ટોળું તો આવા લાગજ ગોતતું હોય, પછી પોલીસ પણ આવા ગુંડાઓ પાસે થોડું ઢીલું મુકી દયે.

    આજે સમાચારમાં વાંચ્યું, મહેસાણામાં ટ્રેનના પાટા ઉપરથી ૪૦ ક્લીપ્સ ગુમ થઈ ગઈ-ગુંડાઓએ કાઢી લીધી અને સુરક્ષા જવાનની સતર્કતાને લીધે મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ. હવે ધારો કે ૧0-૧૨ બદમાશો ભેગા હોય અને ભલેને 4-૫ પોલીસ હોય કે સુરક્ષાવાળા હોય, એ લોકોને જો પેલા બદમાશો

    ટીપી નાંખે, પછી શું આવી દુર્ઘટના રોકાવાની છે..? જ્યાં સુધી લબાડ ન્યાયાધીશો આવા બદમાશો ઉપર રહેમ રાખતાં રહેશે, જામીનો આપ્યા કરશે, કેસો લાંબા લાબા લાંબા ચલાવ્યા કરશે, ત્યાં કોઈ ભલીવાર થવાનો નથી.

    જે બેંકમાંથી સામાન્ય માણસને ૨૦૦૦ની વધુમાં વધુ ૪ નોટ મળતી, તેની જગ્યાએ જયાં દરોડા પડ્યા ત્યાં ૨૦૦૦ની નોટોની ૧૦૦ ૧૦૦ની પેકબંધ નોટોની જથ્થાબંધ થોકડીઓ કરોડોની કિંમતની મળી આવી અને તે છતાં પણ આવા લોકો ઉપર શું થયું….????…..તપાસો ચાલે છે….આવા લોકો ઉપર રાષ્ટ્રને દ્રોહ દેવા જેવી કલમનો ઉપયોગ ન કરી શકાય…? દરોડામાં આખા દેશના કોઈ…કોઈ.. પણ રાજદ્વારી પક્ષના કોઈ પણ હોદ્દેદારનું કયાંય નામ પણ નથી આવ્યુ… આવા લોકોને-રાજદ્વારી પક્ષોને નોટો નહીં બદલવી હોય…?

    એટલે પોલીસ કદાચ પોતાનું કામ કરી જાય તો પણ ઉપરી અધિકારીઓ-ન્યાયતંત્ર-પ્રધાનો આગળ ગાડી અટકી જાય છે.

    મનસુખલાલ ગાંધી

    ________________________________

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s