Posted in religion, sarvottam karkirdee margadarshan

ઉપાસનાનાં સ્થાનો પર લાઉડસ્પીકર બંધારણનો ભંગ છે

આપણો દેશ આટલો બધો ઘોંઘાટિયો અને ઘોંઘાટ પ્રિય કેમ છે? આપણને સામાન્ય વાતચીત પણ મોટા અવાજે કરવાની ટેવ કેમ છે? આ તો સામાન્ય ટેવ, પણ ઘણા તો એટલા રાડિયા હોય કે તેઓ અંદરોઅંદર વાતચીત કરતા હોય તો બાજુમાં રહેનારને લાગે કે જાણે ઝઘડે છે. ફોન પર મોટા અવાજેથી વાતચીત કરવાની આપણી ટેવ હજુ ગઈ નથી. પહેલાં અલગ વાત હતી કે ટ્રંકકૉલ હતા. લેન્ડલાઇન હતા. સામેવાળાને બરાબર સંભળાતું નહોતું. હવે અલગ વાત છે અને જૂની પેઢી મોટેથી વાત કરે તો સમજાય કે તેમને પોતાને ઓછું સંભળાતું હોય એટલે મોટેથી બોલે. સામે કોઈ વૃદ્ધ હોય જેને સાંભળવામાં તકલીફ હોય તો પણ સમજાય કે મોટેથી બોલવું પડે.

આપણામાંના ઘણાને સંગીત પણ સૂરીલું નહીં, ઘોંઘાટિયું જ ગમે છે. કારમાં અને રિક્ષામાં વગાડતા હોય તો બહારનાને ઢિંચકઢિંચક સિવાય કંઈ સંભળાય નહીં. હા, અંદરનાને રિધમમાં દબાઈ ગયેલા ગાયકના અવાજ સંભળાતા હોય તો ના નહીં. આવું સંગીત સાંભળવાનો હેતુ ધરાવનારા ખરેખર પોતે સાંભળવા માગતા હોય છે? જો એમ હોય તો પોતાને સંભળાય તેટલા વૉલ્યૂમ પર રાખવું જોઈએ ને? પણ ના, તેવું નથી બનતું. આ તો, બીજાને સંભળાવવાનો હેતુ હોય છે. પરંતુ આનોય કોઈ સમય ખરો કે નહીં? રાતનો સુમાર હોય અને કાર જતી હોય અને તે પણ નિવાસી વિસ્તારમાં તો વૉલ્યૂમ હાઇ રાખવું જોઈએ? એ જ રીતે મારા ઘરની નીચે રિક્ષાવાળા પણ સવાર-સવારમાં ખૂબ જ ઊંચા અવાજે રિક્ષાચાલકોને પસંદ હોય તેવા ગુજરાતી-કમ્પ્યૂટરાઇઝ્ડ અવાજવાળાં (ચાર ચાર બંગડીવાળી ગાડી જેવાં) ગીતો મૂકીને સાંભળતા અને સંભળાવતા હોય છે.

આવું જ તાજેતરમાં થયું. ગત ૧૩ એપ્રિલે મારા ઘરની પાસેથી સવારે ૬.૩૦ વાગે એક સામૈયું નીકળ્યું. એ કેટલાક જૈનોએ કરેલા તપની ઉજવણીનું સામૈયું હતું. ડીજે સાથે અતિ ઊંચા અવાજે ગીતો વાગતા હતા. ભક્તિવાળાં ગીતો ખરાં પણ બધાં ફિલ્મી ગીતોની ટ્યૂનમાં ઢાળેલાં! આ સામૈયું લગભગ અઢી કલાક સુધી મારા ઘરની આસપાસ ફરતું રહ્યું અને ઘોંઘાટ કરતું રહ્યું. પરીક્ષાના દિવસો હતા. જેમને તે દિવસે પેપર હશે તે વિદ્યાર્થીઓને વાંચવામાં કેટલી તકલીફ પડી હશે? કોઈ રાતે નોકરીએથી મોડું આવ્યું હશે તેમની ઊંઘ બગાડી હશે કે નહીં? કોઈ વહેલી સવારે શાંત વાતાવરણમાં પૂજાપાઠ કે યોગ-ધ્યાન કરવા માગતું હશે તેના માટે અશાંતિ સર્જાઈ હશે કે નહીં? જે વૃદ્ધ બીપી, હૃદયરોગ જેવી સમસ્યાથી પીડાતા હોય તેમને આ ઘોંઘાટથી કેવી મુશ્કેલી પડી હશે? જેને નોકરીએ જવાનું હશે તે સમાચાર જોવા માગતા હશે કે કોઈ અન્ય ટીવી કાર્યક્રમ જોવા માગતા હશે તેમને તે સાંભળવામાં તકલીફ નહીં પડી હોય? પરમ અહિંસામાં માનતા, કીડી પણ ન કચડાય તેનું ધ્યાન રાખતા જૈન બંધુઓ દ્વારા માનસિક રીતે આ કેટલી હિંસા થઈ હશે? જેટલી આકરી તપશ્ચર્યા કરી હશે તેના પર કેટલું બધું પાણી આ સામૈયાથી ફરી વળ્યું હશે?

કોઈ પણ સરેરાશ લગ્નમાં સંગીતનો કાર્યક્રમ સિરિયલોની દેખાદેખીથી અનિવાર્ય બની ગયો છે. ઘણા ગરબા-ડાંડિયા રાસ પણ રાખતા હોય છે. તો વરઘોડામાં પણ બેન્ડ-ડીજે અનિવાર્ય છે. આમ, લગ્નમાં આ બંને પ્રસંગે ઘોંઘાટ ફેલાતો હોય છે. જેઓ કોઈ સમુદાયની વાડી કે લગ્ન માટેના હૉલ નજીક રહેતા હોય તેમનું લગ્નસરા દરમિયાન આવી બનતું હોય છે. એમાંય પાછા જો એક કરતાં વધુ હૉલ હોય અને એક કરતાં વધુ લગ્ન હોય તો એક સાથે વાગતા આ બેન્ડવાજા કે ડીજેના હાલ રેડિયો સ્ટેશનો ભેગા થઈ જાય તેવો થાય છે. શોરબકોરમાં કોઈ ગીત ન સંભળાય. વળી આ બેન્ડવાજામાં હવે ટ્રેડિશનલ પોલીસ બેન્ડ જે સૂરીલું સંગીત વગાડે તેવું પરવડતું નથી તેથી સાદો કેશિયો વગાડી પોતે જ નર અને માદા બંને અવાજમાં (બેસૂરો) ગાતો હોય તેવાને લાવવામાં આવે છે. ગીતમાંય પાછા આઇટમ ગીતો વાગે! ‘ચીકની ચમેલી’, ‘મૂંગડા મૂંગડા મૈં ગુડ કી ડાલી’, ‘બાંગો બાંગો બાંગો’, ‘બેબી ડૉલ મૈં સોને દી’, ‘આ રે પ્રીતમ પ્યારે’ જેવાં ગીતો વાગતા હોય છે. ઘડીકમાં પાછું ‘યે દેશ હૈ વીર જવાનો કા’ તો ઘડીકમાં ‘પંખીડા તું ઉડીને જાજે પાવાગઢ રે’ વાગે. (પંખીડું પાવાગઢ ઊડી જશે તો લગ્ન કોની સાથે કરશો?!)

આ બધા સાથે પાછો ઘોંઘાટિયા ફટાકડાઓનો અવાજ અલગ! આ બધું રસ્તા પર થતું હોય અને તે પણ ઑફિસ જવાના સમયે! એક તો અત્યારે વસતિના કારણે અને અંગત વાહનો વધવાના કારણે વધેલો ટ્રાફિક અને તેમાં પાછા આ વરઘોડાઓ. ગત રામનવમીએ શોભા યાત્રા નીકળી હતી તો તેમાંય ડીજેનો ત્રાસ હતો! ગણેશ મૂર્તિ લઈ આવવાનો પણ દેખાડો. ટ્રક કે કારમાં પાંચ-દસ જણા જાય ત્યારે સાથે સ્પીકર અને ડીજેમાં ગીતો વગાડવા ફરજિયાત! અને તેમાંય ઉપર કહ્યા તેવા જ ‘ચીકની ચમેલી’ જેવાં ગીતો જ હોય! ગણેશોત્સવ દરમિયાન મંડળો પણ રાત્રે આવાં જ ગીતો વગાડતાં હોય છે. તો ગણેશવિસર્જન વખતે પણ આ જ સ્થિતિ હોય છે. નવરાત્રિમાં આઠ વાગ્યાથી મ્યૂઝિક સિસ્ટમ ચાલુ કરી દેવામાં આવે અને ગરબા રાસ રમવાનું તો શરૂ થાય છેક ૧૦.૩૦ કે ૧૧ વાગે! અને બાર વાગ્યાનો નિયમ હોય તોય ચાલે ૨-૩ વાગ્યા સુધી! આ પાછી પાર્ટી પ્લૉટની વાત નથી. સોસાયટીમાં યોજાતા ગરબામાં પણ આ જ હાલ હોય છે.

નવરાત્રિ આસપાસ જ પરીક્ષા હોય ત્યારે આ ગણેશોત્સવ અને તે પછી બૅક ટૂ બૅક આવતા નવરાત્રિથી પરીક્ષાર્થીઓને તો તકલીફ પડે જ છે અને સાથે જેમને નવરાત્રિમાં રમવું નથી અને ઘરે શાંતિથી ગરબાના ટીવી પ્રસારણ જોવા છે કે અન્ય કાર્યક્રમો જોવા છે તેમને કે પછી બીપી, હૃદયરોગની સમસ્યાવાળા વૃદ્ધોને કેટલી તકલીફ પડે છે તેનું કોણ વિચારે છે?

પરંતુ ગણેશોત્સવ, નવરાત્રિ જ નહીં, દિવાળી પર ઘોંઘાટિયા ફટાકડા, મકરસંક્રાંતિ, ધૂળેટી, શિવરાત્રિ, વગેરે અનેક તહેવારો પર આ સ્થિતિ જ હોય છે. જો આજુબાજુ મંદિર હોય કે સોસાયટીમાં કોઈ વધુ પડતા ભક્તિભાવવાળું હોય તો સુંદરકાંડ, ભજન-કીર્તન, ડાયરા વગેરે બારમાસી ચાલે. આપણે સેક્યુલર સમાજ છીએ એટલે ૨૫ ડિસેમ્બર અને ૩૧ ડિસેમ્બરની ઉજવણી ખ્રિસ્તીઓ પણ જે રીતે નથી કરતા તેવી ભયંકર ખરાબ રીતે કરીએ છીએ. તે દિવસોમાં દુકાનોમાંય મ્યૂઝિક વાગતું હોય અને સોસાયટીઓમાં પણ પાર્ટીઓનું આયોજન કરાતું હોય. આ સિવાય સોસાયટીના કોમન પ્લૉટમાં કોઈના બર્થડેનું આયોજન હોય તો તો મરો જ સમજો! ચાર-પાંચ કલાક કાન ફાડી નાખે તેવા વૉલ્યૂમ પર ગીતો વગાડાશે! મુંબઈમાં સંજય દત્ત, પ્રીતિ ઝિન્ટા, ઋત્વિક રોશન વગેરે આવી ઘોંઘાટભરી ઉજવણી આખી રાત ચાલે તેનાથી કંટાળીને આવા ‘મહાનુભાવો’ના પડોશીઓએ પોલીસ ફરિયાદ કરવી પડી હોય તેવા દાખલા બન્યા છે.

રસ્તા પર ઘણા સતત હૉર્ન મારતા જતા હોય છે, જાણે કે એમ્બ્યુલન્સ કે કોઈ રાજકારણીની કાર શ્રૃંખલા નીકળી હોય તેવું લાગે! એટલી ઝડપથી બાઇક કે સ્કૂટર ચલાવે અને પાછા સતત હૉર્ન મારે. રસ્તા પર કારણ વગર હૉર્ન મારવાની અને તે હૉર્નેય પાછા ખૂબ જ હાઇ વૉલ્યૂમવાળા હોય છે. કેન્દ્ર સરકાર તેના પર પણ નિયંત્રણ લાવવાનું વિચારી રહી હોવાના ગત જાન્યુઆરીના સમાચાર હતા.

રાજકીય પક્ષોનાં સભાસરઘસ-ધરણાની તો વાત જ ન કરવી. તેમાં દેશભક્તિનાં ગીતો મોટા અવાજે વગાડી દેશવાસીઓનું અહિત ધ્વનિપ્રદૂષણ દ્વારા કરાતું હોય છે. મોટા મોટા નેતાઓ પણ ચૂંટણી સભા કે લોકાર્પણ સભામાં માઇક ગળી ગયા હોય તેવા ઊંચા અવાજે માઇક પર બોલતા હોય છે. માઇકથી કેટલા અંતરે ઊભા રહીને બોલવું તે કળા કોઈને સાધ્ય નથી હોતી. ભાવનગરમાં ગત ફેબ્રુઆરીમાં મ્યુનિસિપાલિટી દ્વારા મેરેથોનનું આયોજન કરાયું હતું તેમાં રૂપાણી, ઘોઘા, મહિલા કૉલેજ એમ દર બગીચે અતિ ઊંચા અવાજે દેશભક્તિનાં ગીતો વગાડાતાં હતાં. તે દિવસે હું ભાવનગર હતો. મને થયું કે આ પરાણે દેશભક્તિ જગાવવાનો આ નુસખો વળી કેટલો ખરાબ! મેરેથોન ૨૬મીએ સવારે હતી પણ ૨૫ ફેબ્રુઆરીએ રાતથી જ ઘોંઘાટ ફેલાવવાનું ચાલુ થઈ ગયું હતું. માર્ચમાં જે ૧૦-૧૨ અને બીજા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા હોય તેનું વિચારવાનું જ નહીં? આ મેરેથોનથી પાછો ટ્રાફિક પર પ્રતિબંધ મૂકાયો હતો તે જુદું.

આ સામૂહિક ટેવ જ છે. આપણું હિન્દુ દર્શન કહે છે કે બધાનો વિચાર કરવો. પૂરી સમષ્ટિનો, પણ પશ્ચિમની આંધીમાં આપણે ધીમે ધીમે માત્ર આપણો જ વિચાર કરતા થઈ ગયા છીએ પરિણામે આપણે આપણા ઘરમાં ટીવી જોઈએ, ફિલ્મ જોઈએ કે સંગીત સાંભળતા હોઈએ તો પણ હાઇ વૉલ્યૂમ પર સાંભળીએ! સવારમાં જો કોઈ સાધુ-સંત કે જૈન મુનિના કે મૌલવીના પ્રવચન સાંભળો તો સારી વાત કરતા હોય તોય ઉશ્કેરાઈને મોટા અવાજે કરતા હોય તેવા ટોન અને વૉલ્યૂમ હશે. રામાયણ, ભાગવત વગેરે કથા કરતા લોકો પણ ચિલ્લાઈ ચિલ્લાઈને બોલશે.

આ મુદ્દો ઉખેળવાનું કારણ જાણીતા ગાયક સોનુ નિગમે અઝાનના મુદ્દે છેડેલી ચર્ચા છે. સોનુ સામાન્ય રીતે નમ્ર વ્યક્તિ મનાય છે. શાહરુખ ખાન કે સલમાન ખાન જેવો તોછડો અને અહંકારી નથી. તેણે લખ્યું કે ભગવાન બધાને આશીર્વાદ આપે. હું મુસ્લિમ નથી અને મારે સવારમાં અઝાનથી ઊઠી જવું પડે છે. ભારતમાં આ બળજબરીથી ધાર્મિકતા ક્યાં સુધી લદાતી રહેશે? બીજા ટ્વીટમાં તેણે લખ્યું કે જ્યારે મોહમ્મદસાહેબ હતા ત્યારે વીજળી જ નહોતી. તો પછી મારે આ ઘોંઘાટ શા માટે સાંભળવાનો? હું મંદિર કે ગુરુદ્વારામાં ઘોંઘાટનો પણ વિરોધ કરું છું. જેમને પંથ નથી પાળવો તેમને શા માટે સવારમાં ઊઠાડો છો? આ નરી ગુંડાગીરી જ છે.

સોનુ નિગમના આ ટ્વીટોથી વિવાદ છેડાઈ ગયો. સોનુ નિગમ સામે પોલીસ ફરિયાદ પણ થઈ. અનેક મહાનુભાવોએ પ્રતિક્રિયા પણ આપી. એમાં સૌથી ઉલ્લેખનીય છે કૉંગ્રેસનાં સર્વોચ્ચ નેતા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલની પ્રતિક્રિયા. તેમણે કહ્યું કે અઝાન જરૂરી છે પણ લાઉડ સ્પીકરનો ઉપયોગ જરૂરી નથી. અભિનેત્રી ગુલ પનાગે કહ્યું, “ઉપાસનાનાં તમામ સ્થળોએ લાઉડ સ્પીકરને ટાળી શકાય. લાઉડ સ્પીકરના વૉલ્યૂમ પર કોઈ મર્યાદા હોવી જોઈએ.” નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ પણ સોનુનું સમર્થન કરતા કહ્યું કે લાઉડ સ્પીકર પર અઝાન અને બીજો ગેરકાયદે ઘોંઘાટ બંધ થવો જોઈએ. જોકે સોનુ નિગમના વિરોધમાં સૈયદ શા અતીફ અલી અલ કાદરી નામનું લાંબુલચક નામ ધરાવતા પ. બંગાળના એક ઇમામે સોનુનું માથું મુંડાવી લાવે તેને રૂ. ૧૦ લાખનું ઈનામ જાહેર કર્યું પરંતુ સોનુએ જાતે જ માથું મુંડાવી નાખ્યું અને તેય તેના મુસ્લિમ હેર સ્ટાઇલિસ્ટ આલીમ હકીમ પાસે. તેણે રૂ. ૧૦ લાખ માગ્યા પણ ઇમામે નકારી દીધા!

સામાન્ય રીતે કોઈ કલાકાર કે હિન્દુ ધર્મનો વિરોધ કરનાર વ્યક્તિ સામે આવી કોઈ વાત કરે તો સેક્યુલર પત્રકારો, લેખકો, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, ફિલ્મ કલાકારો મેદાનમાં આવી જતા હોય છે. વર્ષ ૨૦૧૫માં તો રીતસર સ્પર્ધા ચાલી હતી, એવોર્ડ પાછા આપવાની અને દેશમાં અસહિષ્ણુતા (ઇનટૉલરન્સ) વ્યાપી ગઈ છે તેમ કહીને પ્રસિદ્ધિ મેળવવાની, જેમાં શાહરુખ ખાન, આમીર ખાન, મુનવ્વર રાણા વગેરે જોડાયા હતા. અનેકોએ પોતાના એવોર્ડ પાછા આપી દીધા હતા. આ ઝુંબેશને કૉંગ્રેસ, લાલુપ્રસાદ યાદવ, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી સહિતના રાજકારણીઓનું પણ સમર્થન હતું પરંતુ સોનુ નિગમે તાર્કિક વાત કરી છે ત્યારે તેની સામે ફતવો બહાર પડ્યો તો ફિલ્મ ઉદ્યોગના લોકો અઝાનની તરફેણમાં બોલી રહ્યા છે, એ વાત ભૂલીને કે સોનુએ અઝાનનો વિરોધ નથી કર્યો, લાઉડ સ્પીકરના ઉપયોગનો વિરોધ કર્યો છે.

પણ એક મિનિટ…આ અઝાન એટલે શું? એ તો જાણો. અઝાન હકીકતે પ્રાર્થના કે બંદગી નથી. પ્રાર્થનામાં આવવા કરાતી હાકલ છે. જે આ હાકલ કરે છે તેને મુઅઝ્ઝિન કહેવાય છે. સ્વાભાવિક છે કે આ બધા કંઈ સંગીતનું પ્રશિક્ષણ પામેલા નથી હોતા. તેથી ઘણા અંશે બેસૂરા હોય છે. મુસ્લિમોએ દિવસમાં પાંચ વાર નમાઝ પઢવાની હોય છે. તેથી દિવસમાં પાંચ વાર અઝાન ગવાય છે. આથી પાંચ વાર ત્રણ મિનિટ સુધી આ બેસૂરો રાગ સાંભળવો પડે છે અને તેય ઊંચા અવાજે ગવાતો હોય છે. અને તેય લાઉડ સ્પીકરના હાઇ વૉલ્યૂમમાં! આ તો ઠીક, પણ ભાવનગર જેવા નાના શહેરમાં જ્યાં એકથી વધુ મસ્જિદ નજીક-નજીક હોય અને સવારની એકદમ શાંતિ હોય ત્યારે અઝાન પોકારાવા લાગે અને તેમાંય પાછો પર્ફેક્ટ એક સમય હોય તો જુદી વાત છે. થોડી સેકન્ડના અંતરે પણ શરૂ થાય તો એ બધા અવાજો ભેગા મળીને ઘોંઘાટ જ બનતા હોય છે. જે મુસ્લિમો આ ઘોંઘાટનું સમર્થન કરે છે તેમણે હૃદય પર હાથ રાખીને પોતાની રુહને પૂછવું જોઈએ કે શું અલ્લાહને આ પસંદ છે? કેટલાક મુસ્લિમો તો સંગીતનો જ વિરોધ કરતા હોય છે. કાશ્મીરમાં સ્ત્રીઓના બેન્ડ પર પ્રતિબંધ મૂકતો ફતવો જાહેર થયો હતો. તો તાજેતરમાં આસામમાં ૧૬ વર્ષની મુસ્લિમ ગાયિકા નાહીદ આફ્રિન સામે એક નહીં પણ ૪૬ મુસ્લિમ ધર્મગુરુઓએ ફતવા બહાર પાડ્યા હતા કારણકે તે આઈએસઆઈએસના ત્રાસવાદ સામે ગીતો ગાય છે! ફતવામાં લખાયું હતું કે મસ્જિદ, મદરેસા અને કબ્રસ્તાનની આજુબાજુના મેદાન પર મ્યૂઝિકલ નાઇટ થાય તો તે ઇસ્લામ વિરુદ્ધ છે! જો સંગીતનો વિરોધ હોય, આધુનિકતાને અપનાવવી ન હોય તો પછી અઝાન શા માટે? અને જો આધુનિકતાને અપનાવવી હોય તો ગૂગલ પ્લે સ્ટૉરમાં ‘પ્રેયર ટાઇમ’ની અનેક ઍપ છે. તેનો લોકો ઉપયોગ કરી શકે છે. યુકેમાં તો લંડન સેન્ટ્રલ મૉસ્ક આખા મહિનાના નમાઝના સમય છાપે છે. સાઉદી અરેબિયા જે મુસ્લિમોનું અતિ પવિત્ર સ્થળ ધરાવતો દેશ છે ત્યાં પણ લાઉડ સ્પીકર પર પ્રતિબંધ છે. નેધરલેન્ડ, જર્મની, સ્વિત્ઝર્લેન્ડ, ફ્રાન્સ, યુકે, ઑસ્ટ્રિયા, નૉર્વે અને બેલ્જિયમ, કૈરો વગેરે અનેક દેશોમાં લાઉડ સ્પીકર અને અઝાન પર પ્રતિબંધ છે. તો પછી ભારતમાં જ કેમ વિરોધ?

મુસ્લિમ લેખિકા મસરત દાઉદ તો કહે છે કે ઇસ્લામમાં પડોશી પ્રત્યે દયાળુ-ઉદાર બનવાનું કહેવાયું છે તો શું મસ્જિદના મુલ્લા-મૌલવીઓને આ વાત લાગુ નથી પડતી? હદીથમાં પણ આ વાત કહેવાઈ છે અબ્દુલ્લાહ મુજાહિદને કહે છે કે આપણા પડોશીઓ સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. (અલ અદબ અલ મુફ્રાદ ૧૦૫)
બીજી મહત્ત્વની વાત એ છે કે અઝાનમાં જે બોલાય છે તે અન્ય પંથના લોકો શા માટે સાંભળે? આ તો એક જાતની મતાંતર-ધર્માંતરણનો પ્રયાસ છે. અઝાનમાં કહેવાય છે – અલ્લાહો અકબર. એટલે કે અલ્લાહ સૌથી મોટા છે. હિન્દુઓ તો માને જ છે કે ભગવાન કહો કે અલ્લાહ, બધું એક જ છે, પરંતુ ઘણા મુસ્લિમો અને ખ્રિસ્તીઓ આ નથી માનતા. તો પછી અલ્લાહ જ સૌથી મોટા છે તેવી તેમની વાત બીજા શા માટે માને? આ ઉપરાંત એમ કહેવાય છે કે અશહદુ અન-લા ઇલાહા ઇલ્લ અલ્લાહ જેનો અર્થ એમ કહેવાય છે કે અલ્લાહ સિવાય બીજા કોઈ પૂજનીય નથી. આ વાત પણ બીજા પંથના લોકો શા માટે માને? તેમને નિરાકાર, વિષ્ણુ, શિવ, જગદંબા, મહાવીર, બુદ્ધ કે પછી ઈશુમાં માનવું હોય તો? છેલ્લે પાછું કહેવાય છે કે લા ઇલાહા ઇલ્લ અલ્લાહ. તેનો અર્થ એ જ કે અલ્લાહ સિવાય કોઈ પૂજનીય નથી. આ તો સેક્યુલરિઝમ વિરુદ્ધની વાત થઈ.

ચાલો, એ પણ માની લઈએ કે એક પ્રાર્થના છે, પરંતુ ઘોંઘાટનું શું? જાણીતી સમાચાર ચેનલ એબીપીએ અઝાનમાં કેટલો ઘોંઘાટ હોય છે તેની તપાસ કરી તો સોનુ નિગમના ઘર પાસે આવેલી મસ્જિદમાંથી જે અઝાન દરમિયાન ઘોંઘાટ થાય છે તેનું સ્તર ૬૦ અને ૭૭ ડેસિબલ વચ્ચે રેકોર્ડ કરાયું. નિયમ કરતાં ૨૩.૫ ડેસિબલ વધુ છે. દિલ્લીમાં પણ અઝાન ૬૦-૮૦ ડેસિબલ વચ્ચે ધ્વનિ પ્રદૂષણ રેકોર્ડ કરાયું. જયપુરના મોતી ડૂંગરી વિસ્તારમાં મુસ્લિમ મુસાફિર ખાનાની મસ્જિદમાંથી અઝાનનું ધ્વનિ પ્રદૂષણ તો ૯૦ ડેસિબલ સુધી પહોંચી ગયું. મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય, મુંબઈ ઉચ્ચ ન્યાયાલયે આ અંગે કડક ચુકાદાઓ આપેલા જ છે. મુંબઈ ઉચ્ચ ન્યાયાલયે વર્ષ ૨૦૧૪માં ચુકાદો આપ્યો હતો જેને મુસ્લિમ નેતાઓએ પણ સ્વીકાર્યો હતો. આવકાર્યો હતો. જો તે સમયે સ્વીકાર્યો હતો તો પછી સોનુ નિગમની ટ્વીટ પર હોબાળો મચાવવાની અને ફતવા બહાર પાડવાની જરૂર શી છે?

હકીકતે તો તમામ પ્રકારના જાહેર ઘોંઘાટ પર પ્રતિબંધ મૂકવાની જરૂર છે. જો કોઈ એમ કહે કે શાંતિ જોઈતી હોય તો હિમાલય પર જઈને રહો તો એ ખોટી દલીલ છે. શહેરમાં રહીને શાંતિ મેળવવાનો દરેક નાગરિકનો અધિકાર છે. ભારતના બંધારણની કલમ ૧૯ (૧) (એ) તેમજ ૨૧માં નાગરિકને સારું પર્યાવરણ અને શાંતિપૂર્વક રહેવાનો, રાત્રે ઊંઘ લેવાનો અને આરામદાયક જીવન જીવવાનો અધિકાર અપાયો છે. શું આ અધિકારના હનન બદલ મસ્જિદો સામે કાર્યવાહી ન થઈ શકે? થઈ શકે પરંતુ રાજકીય ઈચ્છા શક્તિ જોઈએ. ધર્મની-પંથની વાત આવે ત્યારે રાજકીય ઈચ્છાશક્તિ સૂઈ જાય છે, પરંતુ લોકો સૂઈ નથી શકતા તેનું શું?

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

3 thoughts on “ઉપાસનાનાં સ્થાનો પર લાઉડસ્પીકર બંધારણનો ભંગ છે

  1. ઘોંઘાટ ન કરવાનો કાયદો તો છે. પણ નહેરુવીયન કોંગ્રેસે તેના અડધી શતાબ્દીના દેશ ઉપરના કેન્દ્ર અને રાજ્યોના શાસનમાં કાયદાનું પાલન ન કરવું એવી વ્યાપક પ્રણાલી પાડીને સામાજીક મૂલ્યોનું પતન કર્યું છે.
    ઘોંઘાટ થાય છે તે બધાને સંભળાય છે.
    જમીન ઉપર અતિક્રમણ થાય છે તે પણ બધાને દેખાય છે,
    બેફામ વાહનો ચલાવવામાં આવે છે તે બધાને દેખાય છે,
    દારુ પીવાય છે તે પણ પોલીસખાતું, પીનારા, દારુ બનાવનારા, દારુ વેચનારા અને વર્તમાનપત્રોના ખબરપત્રીઓ પણ જાણે છે,
    નદીમાં અને જમીન ઉપર નાળામાં ઉદ્યોગો પ્રદુષણ યુક્ત પાણી છોડે છે તે પણ છડે ચોક થાય છે,
    આ બધામાં કાયદાનો ભંગ કરનારા અને કાયદાના ભંગ થતો રોકવા માટે જેમને તેમની દૂંટી ઉપર પગાર આપવામાં આવે છે તે સૌ મજા કરે છે અને તેમને આ બધું કરવાની નહેરુવીયન કોંગ્રેસના નેતાઓએ જ ટેવ પાડી છે કારણ કે ખૂદ ઇન્દિરા ગાંધીના ફોન કરીને ઉપરથી જ ૬૦ લાખ જેવી માતબર રકમ ઉપડી શકતી હોય અને જ્યારે કેસ ચાલે ત્યારે ઇન્દિરા ગાંધીની જુબાની પણ લેવામાં ન આવે, એક જ દિવસમાં કેસનો નિકાલ આવી જાય અને સજા પામેલ વ્યક્તિ અને તપાસ કરનાર પી આઈ અનુક્રમે જેલમાં અને તપાસ કરતાં કરતાં અજ્ઞાત કારણોથી મૃત્યુ પામે પછી તમે કાયદાનું પાલન થયા જ કરે તેવી આશા રાખી જ કેવી રીતે શકો?

    ભારતે લાંબી મજલ કાપવાની છે. રાજ્યે રાજ્યે નરેન્દ્ર મોદીઓ અને આદિત્યનાથ યોગીઓ ની જરુર છે.

  2. કોઈ પણ કારણ વગર તમે પણ જ્યારે ટોક શૉ ને નામે ખાલી ખાલી પીપુડી વગાડતા ફરો છો અને મિથ્યા થૂંક ઉડાવો છો અને પછી તેની પ્રસિદ્ધિ કરો છો ત્યારે અમને પણ ખૂબ ઘોંઘાટ લગે છે, શું તમારા ટોક શૉ ને કારણે કદી પણ સિસ્ટમમાં નાનો સરખો બદલાવ પણ આવ્યો છે ખરો ??? શું કામ ખાલી ખાલી વજૂદ વગરના ટોક શો ને કારણે ધ્વનિ પ્રદુષણમાં વધારો કરો છો ????

  3. સત્ય અને તથ્યસભર લેખ,
    ધર્માધં કે ઘેટાં દોઙ મા રહેલા ને ન ઞમે, પણ સત્ય છે કે અતિ ધાર્મિકતા, સામાજિક, રાજકીય અને રાષ્ટ્રીય દૂષણ બની ગયું છે.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s