media

પ્રિન્ટ મિડિયા સમયબાહ્ય બને તે પહેલાં…

ઇલેક્ટ્રોનિક મિડિયામાં ભાષા અશુદ્ધિ વિશે મેં કેટલીક વાર લખ્યું છે અને તે એક શુભાશયથી. પણ તેના ઘણાં જમાં પાસાં છે તેનો સ્વીકાર કરવો પડે. પ્રિન્ટ મિડિયા વિશ્લેષણની રીતે અગાઉ અને હજુ પણ ઉણું ઉતરતું રહ્યું છે. મોટા ભાગે સમાચાર ચૂકી ન જવાય તેની જ મથામણ હોય છે કારણકે બીજા દિવસે આપણા છાપામાં આ સમાચાર નથી તેમ કહી ચોંટિયા ભરનારા અને ચાગલી કરનારા આપણા સાથીઓ જ હોય છે. આમ છતાં હું ચાર વર્ષ ગુજરાત સમાચાર અને સંદેશમાં ન્યૂઝ એડિટર (નેશનલ-ઇન્ટરનેશનલ-સ્પૉર્ટ્સ) રહ્યો ત્યારે વિશ્લેષણ અને વિશેષ વાંચન (દા.ત હિગ્ઝ બૉઝોન જેવા પ્રમાણમાં શુષ્ક ગણાય તેવા વિજ્ઞાનના વિષય પર પણ માત્ર એકાદ કલાકના સમયમાં આખું પાનું વિશેષ માહિતી સાથે કરેલું) આપવા હંમેશાં પ્રયાસ કરેલો. વન મિનિટ જેવી સમય કરતાં આગળ (૧૦૦ સમાચાર ટીવી પર પછી આવ્યા) અને ઉઘડતા સપ્તાહે જેવી ન ભૂતો ન વર્તમાન જેવી કૉલમ છાપાની મુખ્ય આવૃત્તિમાં શરૂ કરેલી. ‘ઉઘડતા સપ્તાહે’ કૉલમમાં દર સોમવારે આખા અઠવાડિયામાં બનનારી ઘટનાઓનો ચિતાર રસાળ શૈલીમાં આપતો. આ બંને કૉલમો શ્રી શ્રેયાંશભાઈ શાહને ખૂબ જ પસંદ હતી.

પહેલાં (૨૦મી સદી એટલે કે ૨૦૦૧ પહેલા) તો એટલાં પાનાં પણ નહોતાં અને એટલે જગ્યા પણ નહોતી. ઇન્ટરનેટ જેવો માહિતીનો અખૂટ અને ઇસી સેકન્ડે હાથવગો સૉર્સ પણ નહોતો. જે સૉર્સ હતાં તે હતાં દેશવિદેશના અંગ્રેજી-હિન્દી છાપાં, સામયિકો અને પુસ્તકો. દેશવિદેશનાં અંગ્રેજી અને હિન્દી સામયિકો માત્ર સમાચારપત્રોની ઑફિસો અને કેટલાક સંપન્ન લોકોનાં ઘર શોભાવતાં. મારા જેવા વાચન રસિકો ભાવનગરની બાર્ટન કે ડ્રિસ્ટ્રિક્ટ કે ગાધીસ્મૃતિનાં પુસ્તકાલયો જઈ વાંચનક્ષુધા તૃપ્ત કરતા. એટલે પૂર્તિની કોલમોમાં મોટા ભાગે સામાન્યજનોને દુલભ એવા મેગેઝિનોના ઉતારા જોવા મળતા. પરિણામે જે જાણકારી (માહિતી) મળવી જોઈએ એ નહોતી મળતી. વિકિપીડિયા પણ નહોતું. તાત્કાલિક ફેરફારો કરવા હોય તો પણ કમ્પ્યૂટરની ઝડપ, ગેલી સિસ્ટમના કારણે, પ્રિન્ટિંગ પ્રેસની છાપવાની (અત્યાર કરતાં) ઓછી ક્ષમતાના કારણે ઝડપી ફેરફારો પણ શક્ય નહોતા.

આજે બધું છે અને પાનાઓની સંખ્યા પણ સારી વધી છે તો પણ પૂર્તિ હોય કે મુખ્ય આવૃત્તિ, તેમાં વિશ્લેષણ અને ઇતિહાસનો અભાવ જોવા મળે છે. પરંતુ આ બધી ખોટ ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મિડિયા સારી રીતે પૂરી રહ્યાં છે.

રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય, રાજ્યસભાની ચૂંટણી કેવી રીતે થાય, કોઈ ચર્ચાસ્પદ રાજકીય/સામાજિક/આર્થિક/અપરાધિક ઘટના હોય, તે આ બધું ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મિડિયાના આધારે લોકો સમક્ષ આવી રહ્યું છે. દિવ્ય ભાસ્કર આવ્યું ત્યારે અયાઝ દારૂવાલા જેવા ગ્રાફિક્સ ડિઝાઇનર અને સતપાલસિંહ છાબડા જેવા ચિત્રકારોના લીધે સારી રજૂઆત થતી. અત્યારે ગુજરાતી છાપાઓમાં ગ્રાફિક્સ અને સારા ચિત્રકાર બંનેની જબર ખોટ છે. અત્યારે જે રસ્સાકસી રાજ્યસભાની ચૂંટણીમાં જોવા મળી છે તેવી ૧૯૯૪માં પણ જોવા મળી હતી પણ મને સ્મરણમાં નથી આવતું કે એ વખતે રાજ્યસભાની ચૂંટણી કઈ રીતે થાય, કેટલા મત જરૂરી છે, કોણે કેમ પલ્ટી મારી વગેરે છપાયું હોય. ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મિડિયા આ બધી ખણખોદમાં પડે છે. રોજેરોજ ડિબેટ અને ટૉક શૉ દ્વારા બધી તરફનાં મંતવ્યો મૂકવાં પ્રયાસ થાય છે. મારા સહિત અનેક નિષ્ણાતોને બોલાવી વિશ્લેષણ પણ કરવામાં આવે છે. જોકે તેમાં ઘણીવાર કૉંગ્રેસ-ભાજપની ચડસાચડસી અને એક બોલે ત્યારે બીજો સતત બોલબોલ કરે તેવી ચર્ચામાં અમારા જેવાને બોલવા ઓછો સમય પણ મળે તોય ઇલેક્ટ્રોનિક મિડિયા અને ડિજિટલ મિડિયા સતત આગળ વધે છે તેનાં અનેક કારણોમાં આ પણ છે. પ્રિન્ટમાં દિવ્ય ભાસ્કર આવ્યા પછી એક માન્યતા ઘર કરી ગઈ કે ટૂંકું જ વંચાય. આ વાત સાથે અંશતઃ સંમત પણ એ ટૂંકું સચોટ હોવું જોઈએ અને આવી પૂર્તિઓ મેં પણ કરી છે અને ફિલ્મ રિવ્યૂ કરતો ત્યારે ‘શોલે’ રિ-રિલીઝ થઈ ત્યારે તેની સમીક્ષા માત્ર ૨૦૦ શબ્દો કે કદાચ તેથી પણ ઓછા,માં મેં લખી છે. પણ અત્યારે ટૂંકું કરવામાં વાક્યરચનાનાં ઠેકાણાં ન હોય અથવા કામ પૂરું કરવા ‘છે’, ‘હતું’ આવે ત્યાં ડિલીટની સ્વિચ દબાવી દેવી, તેના કારણે માહિતી અધૂરી રહી જાય છે. કૉપી એડિટરનો મોટો રોલ છે પણ છાપામાં તેનું મહત્ત્વ છે જ નહિ. કૉપી એડિટરોને સૌથી ઓછું મહત્ત્વ મળે છે. ડિઝાઇનરનું વર્ચસ્વ ખોટી રીતે વધુ રહે છે. લખાણ કરતાં ફોટાની મગજમારી વધુ હોય છે. વિઝ્યુઅલ પણ અગત્યનું છે જ પણ કન્ટેન્ટના ભોગે નહિ. આના લીધે જે માહિતી અને વિશ્લેષણ આવવું જોઈએ તે પ્રિન્ટ થકી મળતું નથી. ‘ઇન્ડિયન એક્સ્પ્રેસ’ એક મુદ્દાને પકડી ‘એક્સ્પ્લેઇન્ડ’ આપે છે તેવું ગુજરાતી સમાચારપત્રો કેમ ન આપી શકે? હિન્દી ફિલ્મો પર ત્રણ-ત્રણ પાનાં કે કૉલેજની પાર્ટીઓના ફોટા ટૂંકાવી (તે પણ અગત્યનું છે-નવી પેઢીને આકર્ષવા અને ગુજરાતી વાંચતા રાખવા) એક પાનું વિશુદ્ધ માહિતી અને વિશ્લેષણનું કેમ ન હોય? કૉલમોમાં પણ પૈસા ઓછા આપવા પડે એટલે છાપાની અંદર કામ કરતા તેમજ બોસ પર પ્રભાવ ધરાવતા પત્રકારો, મફતિયા પ્રોફેસરો કે નામાંકિત ચાલુ કે પૂર્વ આઈએએસ અધિકારીઓ, સાધુઓ, ડૉક્ટરો જેમને પૈસા ન મળે તો ચાલે પણ છાપા થકી તેમની દુકાન ચાલે તેમાં રસ હોય છે, તેમના બદલે જે ખરેખર અભ્યાસુ છે, જે ખરેખર સારું લખે છે તેવાને તક કેમ ન મળે? કેટલાક લેખકોએ તો વર્ષોથી લખવાનો રેકોર્ડ બનાવ્યો છે જે સારી વાત છે પણ તેમાંના કેટલાક રવિ શાસ્ત્રી જેવું લખે છે. શાસ્ત્રી વર્ષમાં એક વાર સદી મારી દેતો તેમ આ કેટલાક લેખકો વર્ષમાં એકાદ વાર ચમકારા મારતું લખી નાખે. તો કેટલાક વર્ષો જૂના લેખોનું રિસાઇકલિંગ કર્યા કરે. પણ નવાને તક ન મળે. આની સામે સતત પ્રયોગો પણ ઠીક નથી. બંને વચ્ચે સંતુલન જરૂરી છે. આ બધાના કારણે પ્રિન્ટ મિડિયા, ઇલેક્ટ્રોનિક મિડિયાની ભાષામાં કહીએ તો, ક્યાંક ને ક્યાંક પાછું પડી રહ્યું છે. બાકી, વાંચવાની સૌથી વધુ સુવિધા અને મછા તો આજે પણ પ્રિન્ટ મિડિયામાં જ છે.

આ જ વાત સામયિકોને લાગુ પડે છે. પૂર્તિની જેમ સામયિકોની પાસે સમય પૂરતો હોવા છતાં, પ્રતિનિધિને ઘટનાસ્થળે મોકલી જાતે જોયેલો અહેવાલ મેળવવામાં કચાશ રહે છે. ઇલે. મિડિયામાં તો ટીવી પર સીધું દેખાય અને જો પ્રતિનિધિ (સઈદ અન્સારીની સ્ટાઇલમાં, સમ્વ્વાદદાતા) જો બરાબર ન બતાવે તો ચાલુ પ્રસારણે જ સૂચના મળે, સીધી પ્રશ્નોત્તરીના લીધે સંવાદદાતાએ જવાબની તૈયારી રાખવી પડે પણ સામયિકોમાં કેટલાક પોતાના કાર્યસ્થળેથી ઘટનાસ્થળનો ‘પ્રવાસ’ કરે છે ખરા પણ પછી કામમાં વેઠ ઉતારી આવે. અહેવાલ ઉપલકિયો લખી નાખે. વળી એક્સક્લુઝિવ અને રહસ્યસ્ફોટ કરનારા અહેવાલો કેટલા જેની નોંધ સમાચારપત્રોમાં લેવી પડે કે જેના વિધાનસભામાં પડઘા પડે? બાકી તો મુખ્યપ્રધાન હોય કે શાહરુખ જેવો અભિનેતા, તેના ઇન્ટરવ્યૂ બધી ચેનલો અને સામયિકોમાં એક સરખો હોય અને કોઈ આંટાળો-કાંટાળો પ્રશ્ન ન હોય, છતાં બધી ચેનલો-સામયિકો પાછા તેના પર એક્સક્લુઝિવનો થપ્પો લગાવે!

આ ઉપર લખ્યાં તે બધાં માધ્યમો વત્તા રેડિયો અને ન્યૂઝબજાર જેવી પહેલી એક્સક્લુઝિવ મોબાઇલ ન્યૂઝ એપમાં મેં કામ કર્યું છે અને કરી રહ્યો છું. એટલે આ પ્રશ્નો વખતોવખત સહસંવેદી મિત્રો સાથે ચર્ચતો રહ્યો છું. પહેલી વાર એમ લાગ્યું કે પ્રિન્ટ મિડિયા પાસે સુધરવા હજુ અવકાશ છે. તેથી લખ્યું. બાકી સમયબાહ્ય બનતાં વાર નહિ લાગે. સમય બહુ ઝડપથી બદલાઈ રહ્યો છે.

Advertisements

2 thoughts on “પ્રિન્ટ મિડિયા સમયબાહ્ય બને તે પહેલાં…”

 1. તલસ્પર્શી, મુદ્દાસર, સાંપ્રત અને સાથે સાથે જરૂરી પૂરક માહિતી, એક સાચવવા જેવો લેખ.

 2. “પ્રીન્ટ મીડીયા ને સુધરવા માટે અવકાશ છે” એમ તમે જે કહ્યું તે થોડૂં રમૂજ ભરેલું છે. કારણ કે પ્રીન્ટ મીડીયાને પોતાનો એક જનરલ એજન્ડા હોય છે. દૂધમાં થી સમય જતાં દહીં બને. છતાં પણ એક કહેવતી શબ્દ પ્રયોગ છે કે “દૂધ અને દહીં બંનેમાં પગ રાખે છે.” વાક્ય વિશેષણ પ્રયોગ છે “એ તો દહી દૂધીયા છે” પણ કેટલાકને દૂધમાં રહેલા પગ ઉપર શરીરનો ટેકો રાખવો હોય છે. તો કેટલાકને દહીં ઉપર.

  એજન્ડા એ હોય છે કે જનમતને અમુક નિશ્ચિત દિશામાં વાળવાનો સંદેશ આપ્યા કરવો. “દૂધ દહીં” શબ્દ તો નિમિત્ત માત્ર છે. એંકર જ્યારે ચર્ચા ચલાવે ત્યારે તે અમુક પક્ષને ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસને અસંબદ્ધ ગાણું ગાયા કરવાની છૂટ આપે છે અને અરાજકતા સર્જવા દે છે. ક્યારેક તો એંકર પોતે જ અરાજકતા સર્જે છે

  આને સમકક્ષ સમસ્યા પ્રીન્ટ મીડીયામાં સર્જવામાં આવે છે. જમણી એક બાજુ ગુણવંતભાઈ શાહ, વિનોદભાઈ ભાટ્ટ, અને ક્યારેક નગીનદાસભાઈ પારેખ, અને પ્રણાલીગત રીતે કહેવાતી ડાજી ડાબી બાજુ દશ ગાણા. ક્યારેક ડીબીભાઈ પોતે એટલે તંત્રીશ્રી પોતે પેજના ઉપરના ટોપ થી શરુ કરી બોટમ સુધી અત્યધિક ભાવવાહી કેમ લખવું તેની પ્રેક્ટીસ કરે છે. સરખાવો…. ફારુખભાઈ, કે કપિલ સીબ્બલ, કે રણદીપસિંહ સુરજેવાલા કે મનીશ તીવારી જ્યારે પણ નિવેદન કરે ત્યારે ખૂબ જ ગંભીર બોલી રહ્યા છે તે પ્રદર્શિત કરવા ગળામાંથી ધીર ગંભીર અવાજ કાઢે છે.

  જોડણીની ભૂલો ? સમાચારોમાં જોડાણીમાંની ભૂલોમાંથી તો ઈશ્વર જ બચાવી શકે છે. દેશ કે પરદેશના શહેરોના નામ કે વ્યક્તિઓના નામમાં શુદ્ધિ રાખી શકતા નથી. બીનગુજરાતી એંકરો વડોદરા પણ બોલી શકતા નથી.
  “સીધા સમાચાર” તો વાંચવા હવે દોહ્યલા બની ગયા છે.

  જયવંતભાઈને બધી ખબર છે એટલે વાંધો નહીં. એક આશ્વાસન તો છે.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s