‘પીપલી લાઇવ’ના સહનિર્દેશક મહેમૂદ ફારૂકી બળાત્કારના કેસમાં નિર્દોષ છૂટ્યા. તેમના પર અમેરિકા સ્થિત ૩૫ વર્ષીય સંશોધનકાર મહિલા પર બળાત્કારનો આરોપ હતો. દિલ્લી ઉચ્ચ ન્યાયાલયે તેમને શંકાનો લાભ આપી નિર્દોષ છોડ્યા છે.

આપણા ભારતમાં હવે એવું વાતાવરણ બની ગયું છે કે ખેડૂત, સ્ત્રી, દલિત, મુસ્લિમ અને ખ્રિસ્તી ફરિયાદી હોય ત્યારે સામાન્યત: ફરિયાદી સાચો અને આરોપી જ દોષિત હશે તેવી પૂર્વધારણા સાથે જ મિડિયા ટ્રાયલ ચાલે અને પછી જનભાવનાને અનુરૂપ સરકાર અને ન્યાયાલય પણ મોટા ભાગે વલણ દાખવે, પરંતુ અહીં આ કિસ્સામાં આવું નથી થયું. ન્યાયાધીશે જે ચુકાદો આપ્યો છે અને જે ઘટના બની છે તે કેટલાક સવાલો અથવા મુદ્દા ઉત્પન્ન કરે છે:

૧. હિન્દી ફિલ્મોમાં અનેક ગીતોમાં હીરો હિરોઇનની પાછળ પડી જાય. ‘બોલ રાધા બોલ સંગમ હોગા કે નહીં?’ છેવટે કંટાળીને હિરોઇન “હોગા હોગા હોગા” કહી દે. સન્ની દેઓલ પણ “પ્યાર તુમ મુઝ સે કરતી હો, ડૉન્ટ સે નો, ઈનકાર મેં ઈકરાર હૈ, યે પ્યાર હૈ, બોલો હાં હાં, છોડો ના ના” ગાય. સ્ત્રીઓની ‘ના’માં ‘હા’ હોય છે તેવું જ વર્ષોથી બતાવવામાં આવ્યું છે. બ્યુટી વિથ બ્રેઇન ગણાતી ઐશ્વર્યા રાય બચ્ચન ‘જોશ’ ફિલ્મમાં તેના ભાઈ બનતા શાહરૂખ ખાનને ગીતમાં સલાહ આપે કે ‘હોઠોં પે ના, દિલ મેં હાં હોયેંગા’! ‘પટતી હૈ લડકી પટાનેવાલા ચાહિયે તુન્ના તુન્ના’, ગીતમાં પણ લાગે કે કોઈ પણ સ્ત્રી તો પટે’બલ’ હોય છે. સંજુબાબા ગોવિંદાને કહેતા હોય કે ‘હર ગાને કે ફિનિશ મેં હસીના માન જાતી હૈ યાર’ (ફિલ્મ ‘હસીના માન જાયેગી’). આ ન્યાયાધીશે પણ એવું જ કહ્યું છે કે જ્યારે પાત્રો એકબીજાને ઘણા સમયથી ઓળખતા હોય ત્યારે ક્યારેક ‘ના’માં ‘હા’ હોઈ શકે છે. પ્રેમમાં કે શારીરિક સંબંધમાં ક્યારેક સ્ત્રી ના કહીને ઈચ્છતી હોય કે તેનો પતિ તેને મનાવે, તે બાબતે ફરજ પાડે, પોતાના બાહુપાશમાં ખેંચે. અને પછી પોતે રાજી થઈ જાય. આવું સ્વાભાવિક છે. પરંતુ શું આ ચુકાદો બીજા બળાત્કારના કિસ્સામાં આધાર નહીં બને? સ્ત્રીને સમજવી જ મુશ્કેલ હોય છે તેમ કહેવાય છે ત્યારે સ્ત્રીની ‘ના’ ક્યારે ‘હા’ ગણવી અને ક્યારે ‘ના’ જ ગણવી તે પેચીદો કોયડો છે. અને બીજું, આ ચુકાદો સ્ત્રીઓ માટે લાલબત્તી સમાન છે. જ્યારે પ્રેમી કે દોસ્ત શારીરિક સંબંધ બાંધવા કહે, ખેંચે કે ફરજ પાડે ત્યારે સ્ત્રીએ સ્પષ્ટ અને કડક શબ્દમાં ના કહેવી પડશે. જોકે ભૂતકાળમાં એવા ચુકાદા આવ્યા છે જેમાં સંભોગ થયાનું પુરવાર થાય અને ફરિયાદી સ્ત્રી ન્યાયાલયમાં એમ કહી દે કે તેની તે માટે સંમતિ નહોતી તો તેમ માનવું પડે છે કે તેની સંભોગ સમયે પણ સંમતિ નહોતી જ.

૨. કલા જગત, ખાસ કરીને અભિનય ક્ષેત્રે ભેટવું કે ચુંબન કરવું એ હસ્તધૂનન જેટલું સામાન્ય બની ગયું છે. કલા જગત જ શું, ધનિકોની દુનિયા અને આવા તમામ કહેવાતા ‘પ્રગતિશીલો’ની દુનિયામાં આ બધું હવે સામાન્ય થઈ ગયું છે. પશ્ચિમના માર્ગે ચાલતી આ દુનિયામાં, જેમ ફિલ્મ એવોર્ડ સમારંભમાં જોવા મળે છે, તેમ આ બધું સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ આ ચુકાદામાં આ સામાન્ય વાતને સેક્સની સંમતિ માટેની પૂર્વભૂમિકા તરીકે જોવામાં આવી છે. બંને ભૂતકાળમાં એકબીજાને ચુંબન કરતાં હતાં (અને ફરિયાદી સ્ત્રીને તેનો કોઈ વાંધો નહોતો) તે વાતને ધ્યાનમાં લેવામાં આવી છે. ન્યાયાલયે નોંધ્યું છે કે આરોપી ફરિયાદીને ચુંબન કે આલિંગનના સ્વરૂપે શારીરિક સ્પર્શ કરતો હતો તેનો ફરિયાદી મહિલાને કોઈ વિરોધ ન હોતો.

એટલે આ વાત પણ સ્ત્રીએ ભવિષ્યમાં ધ્યાનમાં લેવી પડશે કે અભિનય જગત હોય કે ધનિકોની પાર્ટી, પુરુષ ચાહે તે દોસ્ત હોય કે પ્રેમી કે અન્ય કોઈ, તેની સાથે બિન્દાસ્તપણા (બૉલ્ડનેસ, યૂ નો!)ના નામે કેટલી છૂટછાટ લેવી. અલબત્ત, આ ધ્યાનમાં એટલા માટે લેવું જરૂરી બનશે જેથી જો ભવિષ્યમાં એમાં સીમા ઓળંગાઈ જાય કે ખરેખર બળાત્કાર થાય તો પછી બળાત્કારની ફરિયાદ ટકશે નહીં. (સુપ્રીમમાં ચુકાદો અલગ આવે તો અલગ વાત છે.)

૩. ફરિયાદી મહિલાને એ પણ ખબર હતી કે આરોપીને દારૂ પીવાની ટેવ છે. ફરિયાદી મહિલા જ્યારે આરોપીને હોજ ખાસ ગામમાં મળી ત્યારે તે દારૂ પીધેલો હતો. ત્યાંથી તેઓ એક કાફેમાં ગયા ત્યાં પણ ભોજનની સાથે દારૂ લેવાયો હતો. એ પછી કારમાં ફારૂકીએ ફરિયાદી મહિલાને ચુંબન કર્યું અને મહિલાએ પણ તેને વળતું ચુંબન કર્યું. ફરિયાદીએ આ પહેલાં ટ્રાયલ કૉર્ટમાં એવો આક્ષેપ કર્યો હતો કે ફારૂકીએ જ્યારે જાતીય હુમલો કર્યો ત્યારે તે દારૂ પીધેલો હતો. આ વાત પણ ઉચ્ચ ન્યાયાલયમાં સ્વીકારાઈ નથી. જો સર્વોચ્ચ ન્યાયાલયમાં આ ચુકાદો ન ફરે તો મહિલાઓએ ભવિષ્યમાં એ પણ ધ્યાન રાખવું પડશે કે જો તેમને ખબર હોય કે તેની સાથેના પુરુષે દારૂ પીધો છે તો તેનાથી દૂર રહેવું હિતાવહ છે. જ્યારે મહિલાને ખબર હોય કે તેની સાથેના પુરુષે દારૂ પીધો છે અથવા તેને ટેવ છે જ ત્યારે દારૂ પીને જાતીય હુમલો કર્યાની દલીલ ભવિષ્યમાં ન્યાયાલયમાં કેટલી ટકશે તે કહેવું આ ચુકાદા પછી અઘરું છે.

૪. એમ કહેવાય છે કે કૉલમ્બિયા વિશ્વવિદ્યાલયની સંશોધનકાર આ મહિલા બાબા ગોરખનાથ પર સંશોધન માટે મહેમૂદ ફારૂકીને મળવા ગઈ હતી. એક મુસ્લિમ અને તેમાંય જેને અનેક વિષય સાથે પનારો પડતો હોય તેવા નિર્દેશકને બાબા ગોરખનાથ અંગે જ્ઞાન હોઈ શકે તેમ માની લઈએ તો પણ એવો પ્રશ્ન થયા વગર ન રહે કે બાબા ગોરખનાથ પર સંશોધન કરવા માટે મહિલા બીજા કોઈ નહીં ને મહેમૂદ ફારૂકી આગળ જ કેમ ગઈ? આ પ્રશ્ન વણઉત્તર છે.

૫. કૉર્ટે એક બીજા પ્રકરણની પણ નોંધ લીધી છે જેમાં આરોપીની પત્ની અનુષા રિઝવીની ઘટનાસ્થળે હાજરી હતી. આ ઘટનામાં આરોપી મહેમૂદ ફારૂકીએ ફરિયાદીને પોતાના ઘરે વાળુ માટે આમંત્રી હતી. ફરિયાદી ત્યાં ગઈ હતી. આરોપી, તેની પત્ની અનુષા રિઝવી જે પોતે ‘પીપલી લાઇવ’ની નિર્દેશિકા છે, તે અને ફરિયાદી મહિલાએ દારૂ સાથે ભોજન લીધું હતું અને અનુષા એક રૂમમાંથી બીજા રૂમમાં ગઈ તે ‘તક’નો લાભ ઉઠાવી બંનેએ એકબીજાની સાથે ચુંબનની આપલે કરી લીધી હતી! એટલે મહિલા એટલી બિન્દાસ્ત હતી કે આરોપીની પત્ની જે પણ નાનીસૂની હસ્તી નથી, તેની તે જ ઘરમાં હાજરી અને તે એક રૂમમાંથી બીજા રૂમમાં જઈ રહી હતી એટલે ગમે ત્યારે આવી જાય તેવી સંભાવના હોવા છતાં ત્યારે તેણે પોતાને આરોપી દ્વારા ચુંબન કરવા દીધું હતું અને પોતે પણ આરોપીને ચુંબન કર્યું હતું.

૬. આરોપીની પત્ની અને નિર્દેશિકા અનુષા રિઝવી આ કેસમાં તેની પત્ની સાથે ઊભી રહી છે. અનુષા રિઝવી એવી મહિલાઓની યાદીમાં આવી ગઈ છે જેણે બળાત્કાર અથવા કૉર્ટે/પોલીસ કાર્યાલયે પહોંચેલા લગ્નેત્તર સંબંધના કિસ્સામાં તેના પતિને પૂરી રીતે સમર્થન આપ્યું હોય. શાઈની આહુજાના કિસ્સામાં તેની પત્નીએ તેને સમર્થન આપ્યું હતું. પૂજા બેદીની નોકરાણી પર બળાત્કારનો આરોપ હોય કે કંગના રનૌત સાથેના પ્રેમસંબંધ જે બાદમાં ઝઘડા અને પછી પોલીસ ફરિયાદમાં પરિણમ્યો તે બધામાં પત્ની ઝરીના વહાબ પતિ આદિત્યની પડખે ઊભી રહી છે. એટલું જ નહીં, પરંતુ તેના દીકરા સૂરજ પંચોલીના જિયા ખાન કેસમાં પણ તે તેના પુત્રની પડખે ઊભી રહી છે. તેણે કહેલું કે સૂરજ જિયાને પ્રેમ કરતો હતો તો તે તેના પર બળાત્કાર કેવી રીતે કરી શકે? ‘વૉન્ટેડ’માં સલમાન ખાનનો ભાઈ બનેલો ઈન્દ્રકુમાર મૃત્યુ પામ્યો તે પછી તેની પત્નીએ તેની સામેના બળાત્કારનો કેસમાં તેને નિર્દોષ ઠરાવવાની અરજી કરી છે. કોઈ વ્યક્તિ સામે ફરિયાદ થઈ હોય અને તે મૃત્યુ પામે ત્યારે કેસ પૂરો (કાયદાની ભાષામાં ‘નલ એન્ડ વૉઇડ’) થઈ જતો હોય છે. પરંતુ ઈન્દ્રકુમારની પત્ની પલ્લવીનું કહેવું છે કે “મને ખબર હતી કે મારો પતિ નિર્દોષ છે. આથી જ હું આ અરજી કરી રહી છું. ” ઇન્ફૉસીસના ફનીશ મિસ્ત્રી પર ઇન્ફોસીસની કર્મચારી રેખા મેક્સિમોવિચ દ્વારા લાગેલા જાતીય સતામણી અને બાદમાં આઈ-ગેટનાં ઇન્વેસ્ટર રિલેશન્સ હૅડ આરાકેલી રોઇઝે તેનાથી તે ગર્ભવતી હોવાનો અને મિસ્ત્રીએ તેને ગર્ભપાત કરાવી નાખવાનું દબાણ કર્યા હોવાના કિસ્સાઓમાં ફનીશની પત્ની જયા તેની પડખે ઊભી રહી. હરિયાણાના પૂર્વ ડીજીપી એસપીએસ રાઠોડ દ્વારા માત્ર ૧૪ વર્ષની રૂચિકા ગિરહોત્રાની જાતીય સતામણી કરવાના કિસ્સામાં રાઠોડની પત્ની આભા જે પાછી પોતે ઍડ્વૉકેટ છે, તે તેની પડખે ઊભી રહી હતી. અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણીમાં હારી ગયેલાં હિલેરીએ તેના પતિ બિલ ક્લિન્ટન જ્યારે પ્રમુખ હતા ત્યારે વ્હાઇટ હાઉસની ઇન્ટર્ન મોનિકા લેવિન્સ્કી સાથેના બહુ ગાજેલા સેક્સ પ્રકરણમાં પતિ બિલનું સમર્થન કર્યું હતું. શું આવા હાઇપ્રૉફાઇલ કેસોમાં પતિની પડખે ઊભા રહેવાનું પત્ની માટેનું કારણ ખરેખર નૈતિક સમર્થન હશે, કુટુંબની પ્રતિષ્ઠા બચાવવાનું કારણ હશે, બાળકો પર અસર ન પડે તે કારણ હશે, પતિની સંપત્તિ તથા માનમોભો ન ગુમાવવા પડે તે હશે કે પછી બીજું કંઈ?

6 thoughts on “પ્રોબ્લેમ લાઇવ: શું સેક્સ માટે ‘ના’ ‘હા’ હોઈ શકે?

  1. જે સ્ત્રીઓ પોતાના પતિ ઉપરના જાતીય આરોપોમાં પતિના પક્ષમાં ઉભી રહી હોય, તેઓ જો પોતાના પતિ સાથેના જાતીય સંબંધો માટે લીબરલ રહી હોત તો ૧૦૦માંથી ૯૯ પતિઓ ઉપર આવા આરોપો જ ન થાત. પતિને લોલુપ બનાવવામાં તેની પત્ની જવાબદાર હોય છે.

    1. દવેજી, આપની વાત બધા કિસ્સામાં ન લાગુ પડી શકે કારણકે આદિત્ય પંચોલી જેવા લોકો એક વ્યક્તિ પ્રત્યે સમર્પિત રહી શકતા નથી.

  2. આ તો તમે એક બળાત્કારની વાત કહી..પણ, આજકાલ તો ૨ વરસ- ૪ વરસ સાથે રહ્યા હોય અને પછી સ્ત્રી બળાત્કારનો આરોપ મુકે અને વર્તમાન કાયદા નીચે પોલીસ પુરુષને પકડી પણ જાય…. આ એક નવી નવાઈની વાત ન કહેવાય…? આજે તો સ્ત્રી કોઈ પણ પુરુષ વિરૂધ્ધ માત્ર ફરિયાદ કરે અને પોલીસ વધારે પુછ્પરછ કર્યા વિના જાતિય સતામણીના કાયદા નીચે પકડી જાય…અને અખબારમાં આવે, ફલાણા ભાઈની બળાત્કારના ગુના નીચે ધરપકડ….

    1. એટલે જ બીજા પેરેગ્રાફમાં લખ્યું કે ખેડૂતો, સ્ત્રી, દલિતો, મુસ્લિમો હોય ત્યારે પહેલી નજરે જેની સામે ફરિયાદ હોય તે આરોપીને દોષિત જ ગણી લેવાની ફેશન છે.

  3. સાચી વાત છે જયવંતભાઈ, મારી વાત બધાને લાગુ ન પડી શકે. એટલે તો મેં એક ટકો બાકી રાખ્યો. આહાર, નિદ્રા અને મૈથુન વધાર્યા વધે અને ઘટાડ્યા ઘટે એવો સંસ્કૃતમાં એક શ્લોક છે. જાતીય વૃત્તિ આમ તો હોર્મોન્સ ઉપર આધાર રાખે છે. અને હોર્મોન્સ વંશપરંપરાગત રીતે પણ મળે છે. તત્ પશ્ચાત્‌ તે કાર્ય શૈલી કે જેમાં વિચારો પણ આવી જાય પ્રમાણે તેને અનુરુપ વધઘટ થતી હશે. કદાચ સંસ્કૃતમાં શ્લોક આ કારણથી રચાયો હશે. અને બ્રહ્મચર્યનો મહિમા એક માનસિક ચિકિત્સાનો ભાગ હશે.
    પણ સંત રજનીશમલની જે થીએરી છે તે તેમની બૌધિક કચાસ છે. .

  4. સામાન્યરીતે એવુ બને જ છે કે લગ્નેતર સબંધો મા એકદમ મધ્યમવર્ગ ની સ્ત્રી પણ સામે વાળી સ્ત્રી પર જ આક્સેપ કે શારિરીક હૂમલાઓ ઘર-પોળ-સોસાયટીકે કોર્ટ કંમ્પાઉન્ડ- કોર્ટ રુમ મા કરે છે આ મે નજરે જોયુ છે …..માટે ઉચ્ચ વર્ગ ની સ્ત્રી ને જુદી નજરે ના જોઇ શકાય…આ કેસ મા ન્યાયાધિશે આપેલ ચુકાદો સરાહનિય છે..! ! ! સાથે-સાથે ફકરા ર્કમાંક ‘૨’ ‘૩’ પણ એટલા જ સરાહનિય છે …😊
    ભાઇ વાળુ શબ્દ પાછળ “(ડિનર)” ની જરુર હતી…😊

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.