(સંજોગ ન્યૂઝમાં સત્સંશોધન કૉલમમાં તા.૧૧/૧૦/૧૭ના રોજ પ્રસિદ્ધ લેખ.)

જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં ટ્રમ્પને મળી રહ્યા હતા ત્યારે ચીન ભૂતાનના ડોકલામ પ્રદેશમાં રસ્તો બનાવવાનું શરૂ કર્યું હતું પરંતુ સજાગ રાજકીય નેતૃત્વ અને સેનાએ ચીનની સેનાને પાછી હટાવી દીધી. બંને દેશોની સેના આ સરહદે સામસામી ખડકાયેલી રહી તેના લીધે સતત સિત્તેર કરતાં વધુ દિવસ સુધી આ સંકટ ચાલ્યું. ચીનની રોજેરોજ ધમકીઓ આવતી રહી, પરંતુ છેવટે ૨૫ ઑગસ્ટે આ મુદ્દો ઉકેલાઈ ગયો. બંને દેશોએ નક્કી કર્યું કે હવે સૈનિકો પાછા ખેંચી લઈ સંકટ દૂર કરીએ, તણાવ હળવો કરીએ.

જોકે મિંયા પડે પણ ટંગડી ઊંચી જ રહે તે કહેવત અનુસાર ત્યારે ચીને એમ કહ્યું કે ભારતીય સેનાએ જ પહેલાં સૈનિકો પાછા બોલાવી લેવાનું નક્કી કર્યું છે. બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગયા ત્યારે કોઈ પણ તણાવ વગર બ્રિક્સ સંમેલનમાં મોદી અને જિનપિંગ મળ્યા હતા. તે પછી બંનેએ સામસામી બેઠક પણ કરી હતી.

આ મુલાકાતમાં બંને દેશના વડાએ ડોકલામ જેવો વિવાદ ફરી ન સર્જાય એ મુદ્દે સહમતિ દાખવી હતી. એટલું જ નહીં, મોદી અને જિનપિંગે ભારત-ચીનના આર્થિક, રાજકીય સંબંધ યોગ્ય માર્ગ પર આગળ વધારવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી. આ મુદ્દે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું હતું કે, ભારત અને ચીને દ્વિપક્ષીય સંબંધો મુદ્દે ફળદાયી બેઠક કરી છે. વિદેશ નીતિના નિષ્ણાતો પણ મોદી અને જિનપિંગની એક કલાક લાંબી બેઠકને ફળદાયી જણાવી રહ્યા છે.

આ બેઠક પછી વિદેશ સચિવ એસ. જયશંકરે જણાવ્યું હતું કે, બંને દેશો સરહદો મુદ્દે શાંતિ અને સંતુલન જાળવી રાખવા માટે સહમત થયા છે. વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ જિનપિંગે ડોકલામ વિવાદને પાછળ છોડીને આગળ વધવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન બંને દેશોએ આર્થિક અને સુરક્ષા અને જૂથોની વધુ ગાઢ ભાગીદારી કરવા મુદ્દે ચર્ચા કરી હતી. આ દિશામાં આગળ વધવું બંને દેશ માટે હિતાવહ છે. આ રીતે બંને દેશ પરસ્પરનો વિશ્વાસ વધુ મજબૂત કરવા માંગે છે. આ માટે બંને દેશોના લશ્કરી વડાઓ પણ સતત સંપર્કમાં રહીને સહકાર વધારશે.

ચીન વિદેશ મંત્રાલયના પ્રવક્તા જેંગ શુઆંગે જણાવ્યું હતું કે, ચીન પંચશીલના પાંચ સિદ્ધાંતોને અનુસરીને ભારત સાથે કામ કરવા આતુર છે, જેમાં પરસ્પરનો રાજકીય વિશ્વાસ, બંને દેશને ફાયદો થાય એ રીતે સહકાર અને દ્વિપક્ષીય સંબંધ થકી વિકાસ જેવા મુદ્દાનો સમાવેશ થાય છે. ચીનના પ્રમુખે મોદીને ભારપૂર્વક જણાવ્યું છે કે, ભારત અને ચીન એકબીજા માટે તક છે, ભય નહીં. અમે ઈચ્છીએ છીએ કે, ભારત ચીનના વિકાસને વ્યાપક દૃષ્ટિએ જુએ.

આ દરમિયાન જેંગને ડોકલામ મુદ્દે પ્રશ્ન પૂછતા તેમણે કહ્યું હતું કે, અમે વિશ્વને કહેવા માગીએ છીએ કે, શાંતિપૂર્ણ સહ અસ્તિત્વ અને પરસ્પરનો સહકાર વિન-વિન સિચ્યુએશન જ બે દેશો વચ્ચેની સૌથી સારી સ્થિતિ છે. બંને દેશ એકબીજાના સાર્વભૌમત્વનું સન્માન કરે છે. ભારત અને ચીન સરહદી વિવાદો અભેરાઈએ ચડાવીને આગળ વધવા માંગે છે.

અમે જાણીએ છીએ ત્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચીન સાથે સહમત થઈને સરહદે શાંતિ સ્થાપવા ઈચ્છે છે. જો દ્વિપક્ષીય સંબંધ સાચી દિશામાં આગળ વધશે તો બંને દેશના વિકાસને લગતા હેતુ પૂરા થશે. ડોકલામ મુદ્દે ચીન સામે સહેજ પણ ઝૂક્યા વગર, તો ઉશ્કેરાયા પણ વગર ભારતે જે કામ લીધું અને તેમાં જે સફળતા મેળવી તે મોદીની કુનેહની જીત ગણાવાતી હતી. બ્રિક્સમાં જતી વખતે મોદીનું કદ મુઠ્ઠી ઊંચું થયું હતું.

તો પછી ચીને એક મહિના પછી એકાએક કેમ યૂટર્ન લીધો? શું ચીનનો દગાખોરીવાળો સ્વભાવ આ માટે કારણભૂત ગણવો કે પછી બીજું કંઈ? કારણકે ભારત-ચીન વચ્ચે ૧૯૬૨નું યુદ્ધ થયું તે પહેલાં પણ ચીને ભારત સાથે ડાહીડાહી શાંતિની વાતો કરી હતી. પંચશીલના કરાર થયા હતા. ‘હિન્દી-ચીની ભાઈ ભાઈ’નાં સૂત્રો પોકારાતાં હતાં. એટલે ચીને આ એક મહિના શાંતિ જાળવી પછી એકાએક યૂ ટર્ન લીધો તેનાથી કોઈને નવાઈ કે આઘાત નથી લાગ્યો.

પણ પ્રશ્ન એનો એ જ ઊભો રહે છે કે ચીને શું સામ્રાજ્યવાદની નીતિ હેઠળ ફરીથી દગાખોરી કરી છે? ભારત તેના વન બૅલ્ટ વન રૉડ જેવા મહત્ત્વાકાંક્ષી પ્રૉજેક્ટમાં નથી જોડાતું તેના કારણે ભારત પર દબાણ કરવાની આ નીતિ છે? જોકે સતસંશોધન કરતાં હકીકત કંઈક જુદી જ જણાય છે.

ડોકલામ સરહદે ચીનના ફરીથી સળવળાટ પાછળનું વાસ્તવિક કારણ એ છે કે ચીનના પ્રમુખ જિનપિંગની લોકપ્રિયતા ઘટી હતી. જે રીતે ડોકલામના મુદ્દે ભારતે ચીનની ગીધડ ધમકીઓને મહત્ત્વ ન આપ્યું અને ભારતની સેનાએ ચીનની સેનાને પાછળ ધકેલી દીધી તે જિનપિંગ માટે નીચું જોવા જેવું થયું. તે પછી બ્રિક્સ અને અંગત મુલાકાતોમાં પણ બંને દેશોએ ડાહીડાહી વાતો કરી. દરેક દેશમાં રાષ્ટ્રવાદી લોકો પોતાનો દેશ દુશ્મન દેશ સામે નમતું જોખે તે સાંખી ન લે. વળી, આવા મુદ્દા પર રાજકારણ પણ ખેલાતું હોય છે કારણકે રાષ્ટ્રવાદી લોકોને પોતાના દેશની પીછેહટ પસંદ ન પડી હોય તે તકનો લાભ લઈ વિરોધીઓ દેશના વડા સામે નિશાન તાકવાનું ચૂકે નહીં.

જિનપિંગ આવી જ પરિસ્થિતિનો સામનો અત્યારે કરી રહ્યા છે. ચીનમાં વર્ષોથી એક જ પક્ષ-સામ્યવાદી પક્ષ (સીપીસી)નું શાસન છે પરંતુ તેની અંદર પણ રાજકારણ તો રમાતું જ હોય ને. ડોકલામ મુદ્દે પીછેહટ પછી જિનપિંગ પક્ષની અંદર પૂર્વ પ્રમુખ જિયાંગ ઝેમીનના સમર્થકો તરફથી ભારે વિરોધનો સામનો કરી રહ્યા છે. વળી, જિનપિંગ પ્રમુખ પદે બીજી વાર તો આવવા માગે જ છે જે માટે ૧૮ ઑક્ટોબરે બૈજિંગમાં સીપીસીની કૉંગ્રેસ (સભા) યોજાવાની સંભાવના છે. તેમાં તેમના પ્રમુખ બનવા અંગેના નિર્ણય પર મત્તુ મારવામાં આવે તે માટે જિનપિંગ પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ સાથે જ જિનપિંગનો ઈરાદો તો ત્રીજી મુદ્દત પણ મેળવવાનો છે. અમેરિકાની જેમ ચીનમાં પણ કોઈ પણ વ્યક્તિ સતત બે મુદ્દત સુધી જ એટલે કે દસ વર્ષ સુધી જ પ્રમુખ પદે રહી શકે છે, પરંતુ જિનપિંગની મહેચ્છા આ નિયમને તોડીને ત્રીજી મુદ્દત પણ અંકે કરવાની છે.

આના સંકેતો પણ મળી રહ્યા છે. જિનપિંગે પક્ષના ચોંગકિંગ શહેરના સચિવ (સેક્રેટરી) સુન ઝેન્ગકાઇને પક્ષના નિયમોના ઉલ્લંઘન સામે તપાસ શરૂ કરી છે. ઝેન્ગકાઇ હજુ પચાસના દાયકાની ઉંમરના છે. તેમને જિનપિંગના વારસદાર તરીકે જોવામાં આવે છે. તેઓ સામ્યવાદી પક્ષની ૨૫ સભ્યોની નિર્ણય કરતી સમિતિમાં પણ છે. આમ, ઝેન્ગકાઇ સામે તપાસ આદરીને જિનપિંગ તેમની દાવેદારીને સમાપ્ત કરવા માગે છે જેથી તેમનો હરીફ ન રહે. ઉપરાંત જિનપિંગ પૉલિટબ્યૂરોમાં પોતાના વિશ્વાસુ માણસોને લાવીને તેમની બીજી મુદ્દતનો માર્ગ મોકળો કરવા માગે છે.

ચીનમાં પ્રમુખ પદની ચૂંટણીની અટપટી રીત સરળ ભાષામાં સમજવા જેવી છે. પક્ષના સભ્યો જેની સંખ્યા અંદાજે ૨,૩૦૦ જેટલી છે તેઓ પહેલાં નવી મધ્યસ્થ સમિતિ (સેન્ટ્રલ કમિટી)ને ચૂંટશે. મધ્યસ્થ સમિતિના સભ્યોની સંખ્યા અંદાજે ૩૭૦ જેટલી છે. આ સમિતિના ૨૦૦ જેટલા સભ્યો જેમને મતદાન કરવાના પૂર્ણ અધિકાર હશે તેઓ પૉલિટબ્યૂરો અને સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી કરશે. પૉલિટ બ્યૂરોમાં ૨૫ સભ્યો હોય છે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં પાંચથી નવ સભ્યો. આ વખતે આ કમિટીમાં સાત સભ્યો હોવાનું અનુમાન છે. આ કમિટીના વડા હોય તે ચીનના પ્રમુખ અને સેનાના ચીફ કમાન્ડર બને.

આમ, ચીનના પક્ષ અને રાજકારણમાં પોતાની સત્તા જાળવવા જિનપિંગે સીપીસીની બેઠક નજીક આવતાં જ ડોકલામ મુદ્દે ભારત પર ભીંસ વધારી છે. સત્તા મળી જશે પછી ભીંસ ઘટી જશે, કારણકે ચીનને ભારત સાથે યુદ્ધ કોઈ કાળે પોસાય તેમ નથી. તેનાં પોતાનાં આર્થિક હિતો તેમજ વિશ્વ સ્તરે એકલું પડી જવાની ભીતિ તેને યુદ્ધ કરતાં રોકે છે. જોકે ભારતે તો પૂરતી સાવધાની અને સતર્કતા રાખવી જ પડે.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.