જયવંતની જે બ્બાત

શું શીતળા સાતમ કે ટાઢી સાતમ અંધશ્રદ્ધા છે?

આજે શીતળા સાતમ છે. ગુજરાતમાં શ્રાવણ કૃષ્ણ પક્ષ (વદ)ની સાતમે શીતળા સાતમ મનાવાય છે પરંતુ ઉત્તર ભારતથી લઈને રાજસ્થાન સુધી તે ચૈત્ર કૃષ્ણ પક્ષ (વદ)ની સાતમે મનાવાય છે. ઉત્તર ભારતીયો એવો તર્ક આપે છે કે ત્યાર પછી ગ્રીષ્મ ઋતુ ચાલુ થતી હોઈ હવે ટાઢું ખાવાનું નથી. સંક્રામક (ચેપી) રોગની સામે બચવા માટે આ શીતળા સાતમ ઉજવાય છે.

ગુજરાતમાં, બની શકે, જોકે તેના કોઈ ઐતિહાસિક આધાર-પુરાવા મારા ધ્યાનમાં નથી, કે શ્રી કૃષ્ણ દ્વારકામાં સ્થાયી થયા હોવાથી જન્માષ્ટમીનું ખૂબ જ મહત્ત્વ છે. સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમની ઉજવણી દિવાળી કે બીજા કોઈ પણ તહેવાર કરતાં વધુ મોટા પાયે થાય છે. વળી, હજુ હમણાં સુધી મનોરંજનનાં સાધનો અને માધ્યમો સીમિત હતા. હવે તો ચકડોળથી લઈને ચકરડી સુધીના મેળાનાં સાધનો બારમાસી જેવાં થઈ ગયાં છે. પરંતુ પહેલાં માત્ર સાતમ-આઠમની આસપાસ મેળા લાગતા. બાળકોને ફરવા લઈ જવાનો આ મોકો રહેતો. આ સમયે પણ સ્ત્રીને રસોડામાં પૂરાઈ રહેવું પડે તો સ્ત્રીને આનંદ ન મળી શકે. અને આજે પણ સ્ત્રીને ક્યારેય ગરમાગરમ રસોઈ જમવા નથી મળતી. આ દુઃખની વાત છે. એટલે રાંધણ છઠ્ઠના દિવસે એકસામટું રાંધી લઈ શીતળા સાતમના દિવસે સ્ત્રીને રસોડામાંથી સંપૂર્ણ મુક્તિ મળે છે. સાતમના દિવસે ટાઢું ખાધું હોઈ જન્માષ્ટમીના દિવસે સાચા અર્થમાં ફળાહાર સાથેનો અથવા માત્ર પાણી સાથેનો ઉપવાસ કરવાનો હોય છે અને ભગવાનની ભક્તિમાં લીન થવાનું હોય છે.

જોકે હવે આધુનિક સમયમાં શીતળા સાતમના દિવસે લોકો રેસ્ટોરન્ટ-હોટલમાં ઉમટી પડે છે. જન્માષ્ટમીના દિવસે ફળાહારના બદલે રાજગરાની પુરી, સૂકી ભાજી, સામો, મોરૈયો, તળેલાં મરચાં, બટેટાંની પતરી, તળેલી સિંગ, વગેરે સહિત અનેક વાનગીઓ ઝાપટતા હોય છે. અને ભગવાનની ભક્તિમાં લીન થવાના બદલે જુગાર રમવામાં ઔચિત્ય માને છે.

પરંતુ આજના દિવસે એક વૉટ્સએપ સંદેશો બહુ ફરે છે. શીતળા રોગની સામે શીતળા સાતમ મનાવાય છે. હકીકતે તો એડવર્ડ જેનરને યાદ કરવો જોઈએ જેણે શીતળા રોગની એટલે કે ઓરી-ઓછબડાની રસી શોધી હતી. આવું માનતા હોય તેમની માન્યતાનો સ્વીકાર પરંતુ સત્યના મૂળ સુધી પહોંચવાની તસદી કોઈ લેતું નથી.

રવિશંકર નામના પત્રકારે ‘ભારત મેં યુરોપીય યાત્રી’ નામનું પુસ્તક લખ્યું છે. રવિશંકર ‘ભારતીય ધરોહર’ મેગેઝિનના કાર્યકારી સંપાદક અને નવી દિલ્લીના સભ્યતા અધ્યયન કેન્દ્ર (રિસર્ચ સ્ટડી સેન્ટર)ના સંશોધન નિર્દેશક છે. રાજનીતિ અને સમાજશાસ્ત્ર ઉપરાંત વિજ્ઞાન, ધર્મ, સંસ્કૃતિ, દર્શન, યોગ અને અધ્યાત્મમાં તેમને સારી રૂચિ અને પકડ છે. તેમણે ‘પાંચજન્ય’, ‘હિન્દુસ્થાન સમાચાર’, ‘ભારતીય પક્ષ’, ‘એકતા ચક્ર’, ‘ધ કમ્પ્લીટ વિઝન’, ‘ઉદય ઇન્ડિયા’, ‘ડાયલૉગ ઇન્ડિયા’ જેવા અનેક સમાચારપત્રો અને સામયિકોમાં કામ કર્યું છે.

રવિશંકર લખે છે,

“ચેચક એટલે કે શીતળા/ઓરી/અછબડાથી બચવાના બે ઉપાય હતા- એક તો સાફસફાઈ. પરંતુ બંગાળ, બિહાર વગેરે જ્યાં અંગ્રેજોએ પહેલાં સત્તા મેળવી અને સૌથી વધુ લૂટ્યા ત્યાં દુષ્કાળ પડવાના શરૂ થયા. અંગ્રેજો પહેલાં અનાવૃષ્ટિ થતી હતી તો ખેડૂતો પાસે અનાજ સુરક્ષિત રહેતું હતું પરંતુ યુરોપીય લોકોએ ખેડૂતોની તે બચતને લૂટી લીધી. કરોડોની સંખ્યામાં લોકોના ભૂખમરાના કારણે મૃત્યુ થવા લાગ્યા. સ્વાભાવિક જ સાફસફાઈ રાખવું કઠિન હતું. આવામાં શીતળા રોગ ફેલાય જ. માલાબાર અને ટ્રાંક્વીબાર એટલે કે કેરળ અને તમિલનાડુના ચિકિત્સા સંબંધી યુરોપીય વિવરણો (યુરોપીય લોકોએ લખેલા પુસ્તકો)માં ક્યાંય શીતળાનું વર્ણન નથી મળતું કારણકે તે વિસ્તારોમાં આવી લૂટ અને તેના પરિણામે ભૂખમરો ફેલાયો નહોતો.

આ વિષમ અવસ્થામાં ભારતીય વૈદ્યોએ ઉપાય શોધ્યો હતો- જેના વિશે યુરોપીય લોકોને જાણકારી નહોતી. ભારતીય વૈદ્યોએ શીતળાની રસી મૂકવાની શરૂ કરી. આ વાત એ સમયની છે જ્યારે યુરોપમાં શીતળાના કારણે લાખો લોકોનાં મૃત્યુ થયાં હતાં. તેમને આ રસીની ખબર જ નહોતી. ભારતીયોને ખબર હતી કે શીતળાનો ઈલાજ કરી શકાતો નથી, અને આથી તેને એક દેવી સાથે જોડીને બીમારી દરમિયાન રોગીને પૂર્ણ સુરક્ષા પ્રદાન કરવાની વ્યવસ્થા કરી હતી પરંતુ તેને યુરોપીય મિશનરીઓ સમજી ન શકી કે પછી તેને ઈરાદાપૂર્વક અંધવિશ્વાસ દેવાનો તેમણે પ્રયત્ન કર્યો. ‘કૉલૉનાઇઝિંગ બૉડી’ પુસ્તક (જયવંતની નોંધ: આ પુસ્તક બ્રિટિશ આધિપત્યવાળા ભારતમાં દવાઓ અને રોગનું વિશ્લેષણ કરતું પુસ્તક છે.)માં ડેવિડ આર્નૉલ્ડ લખે છે, “પશ્ચિમમાં સિંધ અને ગુજરાતથી લઈને ઉત્તર અને મધ્ય ભારતથી લઈને બંગાળ, આસામ અને ઉડીસા સુધીમાં ચેચકને શીતળાના નામથી વિખ્યાત એક દેવીના રૂપમાં ઓળખવામાં આવે છે અને સામાન્ય રીતે માતાના નામથી ઓળખવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં રોગ અને દેવી, બંનેને જ શીતળાના નામથી ઓળખવામાં આવે છે. બંગાળમાં તેને ઘણી વાર બસંત ચંડીના નામથી જ ઓળખવામાં આવે છે અને રોગને બસંત રોગ કહેવામાં આવે છે, જે (વસંત) ઋતુ પછી તેનો સર્વાધિક પ્રકોપ થાય છે અને જ્યારે આ દેવીની સર્વાધિક પૂજા કરવામાં આવે છે. વર્ષ ૧૮૯૦માં વિલિયમ ક્રુકે તેને હિન્દુત્વની ઉતરતી કક્ષાની અને ગામડાની દેવીઓમાં સામેલ કરી. આવું કરીને ક્રુક એ પૂર્વવર્તી મિશનરી કૉલૉનાઇઝિંગ (સામ્રાજ્યવાદ)ના ભાવને પ્રદર્શિત કરી રહ્યો હતો, જેમાં શીતળતા અને અન્યાન્ય રોગોની દેવીઓને શેતાન અને દાનવના રૂપમાં ચિત્રિત કરવામાં આવતા હતા…

…આર્નૉલ્ડે એ નોંધ્યું છે કે શીતળા માતાના પૂજારી બ્રાહ્મણ નહીં પરંતુ માલાકાર નામના એક અબ્રાહ્મણ જાતિના લોકો રહેતા હતા. જેને આજની પરિભાષામાં નિમ્ન જાતિના ગણવામાં આવે છે. દિલ્લી, હરિયાણા, રાજસ્થાન, બંગાળ વગેરે વિસ્તારોમાં શીતળા માતાનાં મંદિરો આજે પણ મળી આવે છે. ખરેખર તો આ મંદિર શીતળાનાં રસીકરણનાં કેન્દ્રો હતાં. આર્નૉલ્ડ લખે છે, “જ્યાં સુધી શીતળાના પૂજારીની વાત છે, તેઓ ન તો બ્રાહ્મણ હતા, અને ન તો સ્ત્રીઓ, પરંતુ નીચી પરંતુ સ્વચ્છ શુદ્ર જાતિના લોકો રહેતા હતા. મલ્લ એ ઉત્તર ભારતની બાગાયત અને ખેતી કરનારી જાતિ છે જેને બંગાળમાં મલ્લ અથવા માલાકાર નામથી ઓળખવામાં આવે છે. તે સામાન્યતઃ માળી કે માળા બનાવનારાઓ હોય છે. તેઓ જ શીતળા માતાની પૂજા સાથે જોડાયેલા હતા. સામાન્ય રીતે આ પૂજા ચૈત્ર મહિનામાં થતી હતી, પરંતુ (ગુજરાત જેવાં) કેટલાક સ્થાનો પર સાવન (શ્રાવણનું અપભ્રંશ)માં પણ ચેચક થવાની આશંકા રહેતી હશે.” (જયવંતની નોંધ: આમ, પૂજા કરવાનો માત્ર જન્મથી બ્રાહ્મણોનો જ ઠેકો હતો તેવું કેટલાક ખ્રિસ્તી કે ડાબેરી વિચારસરણીના આધારે દલિત તરફી સંગઠનો દલિતોને હિન્દુઓથી અલગ પાડવા પ્રયાસ કરે છે તે થિયરીનો અહીં છેદ ઉડી જાય છે.)

રવિશંકરજીની વાતને અહીં અટકાવીએ. અહીં સુધી વાંચો તો એવું લાગે કે આમાં રસીકરણની વાત ક્યાંથી આવી. પરંતુ તેઓ આનો જવાબ પણ આપે છે. તેઓ લખે છે,

“શીતળા માતાનાં મંદિરો અને ચેચકના રસીકરણના સંબંધનું વર્ણન કરતા આર્નૉલ્ડ લખે છે, “ચેચક થતા રોકવા અને તેના પ્રભાવને ન્યૂનતમ કરવાનો એક જ ઉપાય હતો- વેરિયોલેશન (Variolation- અર્થાત ઓરી/અછબડા સામે વ્યક્તિને રક્ષવાની સૌથી પહેલી પદ્ધતિ.) (જયવંતની નોંધ: વિકિપિડિયામાં વેરિયોલેશનનો લેખ છે. તે જોશો તો પણ ધ્યાનમાં આવશે કે પહેલાં ચીનમાંથી તે ઇંગ્લેન્ડમાં ગયું છે, સ્વાભાવિક છે કે ભારત અને ચીન સહિત એશિયાના દેશોનાં ઘણાં સંશોધનો કે તેની વૈજ્ઞાનિક વાતોને અમેરિકા-યુરોપના મિડિયા-પ્રકાશનો અને વૈજ્ઞાનિકોએ દબાવી પોતાના નામે કરી લીધી છે. આના પર હું ફરી ક્યારેક વિગતવાર લખીશ.) પૂર્વ અને ઉત્તર ભારતમાં અઢારમી અને ઓગણીસમી સદીમાં વેરિયોલેશનનાં અનેક વિવરણ યુરોપીય ડૉક્ટરો અને સર્જનો દ્વારા નોંધવામાં આવ્યાં છે….વર્ષ ૧૮૦૦ પહેલાં તેમનાં મૂલ્યાંકનમાં ઘણી પ્રશંસા છે પરંતુ યુરોપમાં વેક્સિનેશન આવી ગયા પછી પરોક્ષ અને પ્રત્યક્ષ નિંદા કરાવા લાગી.

વેરિયોલેશન પદ્ધતિની વિસ્તૃત જાણકારી ઈ. સ. ૧૭૬૭માં લંડન કૉલેજ ઑફ ફિઝિશિયનમાં ડૉ. જે. ઝેડ હૉલવેલે આપી હતી, જે તેમણે પોતાના ભારતપ્રવાસના દિવસોમાં જાતે ભ્રમણ કરીકરીને જોઈ હતી. તેમના વિવરણ અનુસાર, કાશીના ગુરુકુળોમાંથી ગુરુઓના આશીર્વાદ લઈને શિષ્યો નીકળતા હતા અને પોતપોતાને સોંપવામાં આવેલાં ગામોમાં તે પૂજાવિધાન માટે જતા હતા. ચાર-પાંચ શિષ્યોની ટોળી બનાવીને તેમને ત્રીસ-ચાલીસ ગામો અપાતા હતા. ગુરુના આશીર્વાદની સાથોસાથ તેઓ કેટલીક વસ્તુઓ પણ લઈ જતા હતા- ચાંદી કે લોહીની ધારદાર બ્લેડ અને સોઈ તેમજ રૂમાં લપેટાયેલી કોઈ વસ્તુ. તેઓ ત્રણથી પંદર વર્ષની ઉંમરનાં બાળકો-બાળકીઓને એકઠા કરતા હતા. તેમના હાથમાં બ્લેડથી ધીમેધીમે ખોતરીને લોહીનું એકાદ ટીપું કાઢવા જેટલો જખમ કરતા હતા. પછી રૂ ખોલીને તેમાં લપેટાયેલી વસ્તુને જખમ પર ઘસતા હતા. થોડા જ સમયમાં દર્દ પૂરું થઈ જાય એટલે બાળક ફરી રમવા ઉપડી જતું. પછી એ બાળક પર નજર રખાતી. તેમનાં માતાપિતાને અલગથી સમજાવાતાં હતાં કે બાળકના શરીરમાં શીતળા માતા આવવાનાં છે. તેમના સત્કાર માટે શું ખવડાવવું જોઈએ. તે હકીકતમાં પથ્ય (આયુર્વેદમાં પથ્ય એટલે ડાયેટ) વિચારના આધાર પર નક્કી કરાતું હતું.

એકબે દિવસમાં બાળકોને ચેચકના દાણા નીકળતા હતા અને થોડો તાવ પણ ચડતો હતો. તે સમયે બાળકને પ્રેમથી રાખવામાં આવતો અને ઈચ્છાઓ પૂરી કરવામાં આવતી હતી. બ્રાહ્મણ શિષ્યોની જવાબદારી હતી કે તેઓ પૂજાપાઠ કરતા રહે જેથી જે દેવી આશીર્વાદના રૂપમાં પધાર્યાં છે, તે પ્રકોપમાં ન બદલાઈ જાય. દાણા મોટા થઈને પાકતા હતા અને પછી સૂકાઈ જતા હતા. આ આખું ચક્ર આઠ-દસ દિવસમાં પૂરું થતું હતું. પછી દરેક બાળકને લીમડાનાં પાંદડાંમાં નવડાવીને તેની પૂજા કરવામાં આવતી હતી અને તેને મિષ્ટાન્ન આપવામાં આવતું. આર્નૉલ્ડે વિભિન્ન ઉદાહરણો દ્વારા બતાવ્યું છે કે વેરિયોલેશનના આ કામમાં બ્રાહ્મણ સિવાયની જાતિઓ પણ જોડાતી હતી.

એ એક ઇતિહાસ છે કે અંગ્રેજોએ તેના પર પ્રતિબંધ લગાવીને આ દેશી રસીકરણની પ્રક્રિયાને બંધ કરાવી….ખ્રિસ્તી બનાવવા માટે અહીંના જ્ઞાનને અંધવિશ્વાસ અને અજ્ઞાન સાબિત કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો.”

એટલે હવે કોઈ પણ હિન્દુ પરંપરા કે બાબતને અંધશ્રદ્ધા-અવિશ્વાસમાં ખપાવવાનો પ્રયાસ થાય તો તેને આંધળી રીતે માની લેતા પહેલાં દસ વાર વિચાર કરજો.

5 thoughts on “શીતળા, બ્રાહ્મણવાદ અને રસીની ભારતમાં શોધ

  1. ખુબ ઊંડું સંશોધન અને સટીક રજૂઆત.
    અહીં આ સાથે “રસી બનાવવની રીત” પણ જોડાવી હતી જેથી સામાન્ય-વ્યક્તિને ખ્યાલ આવે કે બ્રાહ્મણ-શિષ્યો શા માટે એ પ્રકારના ઘામાં શીતળાના જીવનું મૂકી અને બાળકને કાયમ માટે શીતળા-રોગ મુક્ત તેના રોગ-પ્રતિકારક શક્તિએ બનાવતા.
    કારણકે, “આજે પણ ભારતીયો અંગ્રેજોથી અંજાયેલા છે અને આવા સત્યોની વિરુદ્ધ છે”

  2. સુંદર પ્રસ્તુતિ. તથ્યાત્મક વિવેચન. વિશાલ ફલક પર આવી માહિતી પહોંચે એ જરૂરી છે. તહેવાર આવે અને આપણે પ્રતિક્રિયા આપીએ એના બદલે તહેવાર આવવાનો હોઈ એ પહેલાં થી આ પ્રકાર ની માહિતી પ્રસરે એવું કરવું ખૂબ જરૂરી છે.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.