સબ હેડિંગ: જ્યારે ભારતની અંદર ત્રાસવાદ થતો ત્યારે સમગ્ર વિશ્વ તેને સ્થાનિક પ્રશ્ન માની ગણકારતા નહીં. વિશ્વ કાશ્મીરમાં સ્થાનિકો પર ભારતીય સેના દમન કરે છે તેથી ત્રાસવાદ ફેલાય છે તેવા પાકિસ્તાનના પ્રચારને માની લેતું. પરંતુ હવે શ્રીલંકામાં બે દિવસ થયેલા બૉમ્બ ધડાકા પછી ઇસ્લામિક ત્રાસવાદ સામે સમગ્ર વિશ્વએ એક થવું પડશે અને તેમાં શાંતિપ્રિય મુસ્લિમોનો પણ સમાવેશ થાય છે.

 (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૨૮/૪/૧૯)

ભારતમાં ચૂંટણીની ગરમાગરમીમાં શ્રીલંકામાં ખ્રિસ્તીઓના તહેવાર ઇસ્ટરના દિવસે ત્રણ ચર્ચ અને ત્રણ હૉટલમાં તેમજ બીજા દિવસે પણ થયેલા વિસ્ફોટના સમાચારને ઓછું મહત્ત્વ મળ્યું. સામાન્યતઃ જશ ખાટવામાં સહેજ પણ પાછી ન પડતી મોદી સરકારે આ સમાચાર સંદર્ભે એક વાતે જશ ન ખાટ્યો પરંતુ તે જશ તેને મળવો જોઈએ. અને આ વાત એ છે કે ૧૯૯૦ના ખાડી યુદ્ધ પછી ભારતમાં ઘરેઘરે જાણીતા બનેલા સીએનએને સમાચાર આપ્યા છે કે હકીકતે ભારતે શ્રીલંકાને આ શ્રેણીબદ્ધ બૉમ્બધડાકાઓનાં બે સપ્તાહ પહેલાં તેના વિશે ચેતવ્યું હતું!

આ વાત જો ચૂંટણી વચાળે મોદી સરકાર કરત તો તો વિપક્ષો અને લુટિયન મિડિયા તૂટી પડત પરંતુ શ્રીલંકાએ પોતે આ વાત સ્વીકારી છે. બે સપ્તાહ પહેલાં તો ચેતવણી આપી જ હતી, પરંતુ હુમલાઓના બે દિવસ પહેલાં અને બે કલાક પહેલાં પણ ચેતવણી ભારતે આપી હતી. આ વાત ખરેખર ખૂબ જ મહત્ત્વની છે જેની કદાચ ભારતનું સેક્યુલર અને લિબરલ મિડિયા જોઈએ તેટલી નોંધ નહીં લે અને મોદી સરકારને તે માટે યશ પણ નહીં આપે.

૧૯૭૧માં શ્રીનગરથી જમ્મુ જવા ઉપડેલા ‘ગંગા’ નામના વિમાનના અપહરણ સાથે ભારતમાં ઈસ્લામિક ત્રાસવાદના પગરણ થયા ત્યારથી ભારતમાં કૉંગ્રેસ સરકાર ચેતી નહીં અને મત બૅન્કના થાબડભાણામાં પરિસ્થિતિ એ આવી કે વર્ષ ૨૦૦૮માં એક જ વર્ષમાં પહેલી જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં લશ્કર-એ-તોઇબાના ત્રાસવાદીઓ દ્વારા સીઆરપીએફના જવાનો પર હુમલામાં આઠ જવાનો શહીદ થવાથી માંડીને ૨૬ જુલાઈ ૨૦૦૮ના રોજ અમદાવાદમાં ૧૭ બૉમ્બધડાકામાં ૨૯ લોકોનાં મૃત્યુ થયાં અને ૨૬ નવેમ્બરના રોજ મુંબઈ હુમલામાં ૧૭૧ લોકો માર્યા ગયા. આ રીતે માત્ર ૨૦૦૮માં જ લગભગ ૧૧ ઘટનાઓ ત્રાસવાદી હુમલાની બની. તેમાં દિલ્લીમાં જ સપ્ટેમ્બરમાં પખવાડિયાની અંદર બે ઘટનાઓ બની હતી! તે ગુપ્તચર સંસ્થાઓની નિષ્ફળતા તો ગણાય જ, પરંતુ સરકારની નિષ્ફળતા પણ ગણાય. માન્યું કે હુમલાઓ અટકાવવામાં તો નિષ્ફળ રહ્યા, પરંતુ તે પછી પાકિસ્તાનને કોઈ જવાબ પણ કૉંગ્રેસ સરકારે ન આપ્યો. માત્ર પુરાવાઓ આપ્યા કર્યા જેને આજ સુધી પાકિસ્તાને ગણકાર્યા નથી.

આવી સ્થિતિમાં, વર્ષ ૨૦૧૪થી આ લખાય છે ત્યાં સુધીમાં, જમ્મુ-કાશ્મીરને બાદ કરો તો ભારતમાં ક્યાંય નાગરિકોની જાનહાનિ થાય તેવા બૉમ્બધડાકાની ત્રાસવાદી ઘટનાઓ બની નથી. પઠાણકોટના ત્રાસવાદી હુમલામાં પણ સૈન્ય થાણું લક્ષ્ય બનાવાયેલું. આ એમ ને એમ શક્ય ન જ બને. ગુપ્તચર તંત્રને મજબૂત બનાવાયું, બીએસએફથી લઈને વિવિધ સુરક્ષા દળોમાં પાકિસ્તાન માટે જાસૂસી કામ કરતા ભારતીયોને પકડવામાં આવ્યા, નોટબંધીના લીધે ત્રાસવાદીઓને મળતું ભંડોળ ઓછું થયું ત્યારે આ શક્ય બને. મિડિયાની અંદર ત્રાસવાદીઓ દ્વારા જવાનો શહીદ થાય તેને જેટલું મહત્ત્વ મળે તેટલું મહત્ત્વ બહાદુર જવાનો દ્વારા ત્રાસવાદીઓ ઠાર થાય તેને નથી મળતું અને દિલ્લીની અંદર જૈશ-એ-મોહમ્મદનો ત્રાસવાદી સજ્જાદ ખાન પકડાય કે ઉત્તર પ્રદેશમાંથી ૨૭ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ દસ જણાની ધરપકડ કરીને આઈએસઆઈએસના મૉડ્યુલનો પર્દાફાશ થાય તેને તો સાવ મહત્ત્વ ન મળે.

ત્રાસવાદીઓ પાકિસ્તાનથી આવીને ભારતમાં હુમલાઓ કરી જાય છે તે શક્ય બને છે ભારતની અંદરના રહેલા ગદ્દારોના કારણે. શ્રીલંકામાં પણ આવું બન્યું હશે અંદરના ગદ્દારોના કારણે જ. પહેલાં જ્યારે ભારતની અંદર ત્રાસવાદ થતો ત્યારે અમેરિકાથી માંડીને સમગ્ર વિશ્વ તેને સ્થાનિક પ્રશ્ન માની ગણકારતા નહીં. સત્તા છોડ્યા પછી પણ ભારતને હમણાં સુધી પોતાની જાગીર માનતા બ્રિટન કાશ્મીરમાં સ્થાનિકો પર ભારતીય સેના દમન કરે છે તેથી ત્રાસવાદી ઘટના બને છે તેવા પાકિસ્તાનના પ્રચારને માની લેતું. આવા પ્રચારમાં ભારતની અંદર રહેલા બરખા દત્ત પ્રકારના સેક્યુલર પત્રકારો, વિદેશી સમાચારપત્રોમાં ભારતનું નબળું ચિત્ર જ રજૂ કરતા ભારતીય પત્રકારો, અરુંધતિ રોય જેવા માનવાધિકારવાદીઓ વગેરેનો ફાળો પણ ઓછો નહોતો. તેમાં કન્હૈયાકુમાર, ઉંમર ખાલીદ જેવાઓનો ઉમેરો થયો છે. અને હવે તો ૨૦૧૯ના ચૂંટણી ઢંઢેરા થકી ‘આફ્સ્પા’ કાયદામાં ‘સુધારો’ (નબળો એમ વાંચો) કરવા તેમજ દેશદ્રોહનો કાયદો રદ્દ કરવાનું વચન આપી કૉંગ્રેસે પણ આવાં તત્ત્વોને રાજકીય પીઠબળ પૂરું પાડ્યું છે.

કહેવાનો અર્થ એ છે કે ઇસ્લામિક ત્રાસવાદ એ સ્થાનિક મુદ્દો નથી. ઇસ્લામની મસ્જિદ-મદરેસાઓમાં મઝહબના નામે જે કટ્ટરતા આપતું શિક્ષણ અને ઉપદેશ અપાય છે તે જ્યાં સુધી ચાલુ રહેશે અને પહેલાં મઝહબ પછી દેશ તેવું માનીને જે-તે દેશની સંસ્કૃતિ અનુસાર ભળવાનું જ્યાં સુધી મુસ્લિમો બંધ રાખશે ત્યાં સુધી ઇસ્લામિક ત્રાસવાદ ચાલુ રહેશે. અત્યાર સુધી શ્રીલંકામાં ઇસ્લામિક ત્રાસવાદનો પગપેસારો નહોતો, પરંતુ હવે ત્યાં પણ આવી ગયો છે. આ બહુ ગંભીર બાબત છે. બ્રિટનથી માંડીને ઑસ્ટ્રેલિયા સુધીના યુરોપના દેશો બુરખા પર પ્રતિબંધ, જાહેર સ્થળો પર નમાઝ પઢવા સહિતના પ્રતિબંધો મૂકે છે. પરંતુ ચીન તો મુસ્લિમોને કટ્ટર થવા પર જે આકરાં પગલાં લે છે તે ખરેખર વધુ પડતાં લાગે તો પણ પ્રશંસનીય છે.

ચીનના શીનજિયાંગ પ્રાંતમાં જે રેસ્ટૉરન્ટ છે તેને રમઝાન દરમિયાન પણ ખુલ્લાં રાખવા આદેશ કરાયો હતો. રમઝાન દરમિયાન મસ્જિદમાં નમાઝ પઢવા આવતા દરેકનું ઓળખપત્ર ચકાસવા સરકારે કડક આદેશ આપ્યો હતો. ૨૪ જેટલા હિંસક ઈમામોને ત્યાં જેલ ભેગા કરાય છે કારણકે તેઓ પર ગેરકાયદે ધાર્મિક પ્રવૃત્તિઓ ચલાવવાનો આરોપ હતો.

વર્ષ ૨૦૧૫માં ચીનમાં ઈમામોને જાહેરમાં ટાઉન સ્ક્વેરમાં ડાન્સ કરાવાયો હતો. આ સાથે જ તેઓ બાળકોને મઝહબથી દૂર રાખશે તેવા સોગંદ પણ લેવડાવાયા હતા. જે મુસ્લિમ સરકારી કર્મચારીઓ હતા તેમની પાસે સૂત્રોચ્ચાર કરાવાયો હતો કે તેમને પગાર સરકાર તરફથી મળે છે, અલ્લાહ તરફથી નહીં. તેમની પાસે એવો પણ સૂત્રોચ્ચાર કરાવાયો હતો કે ‘દેશની શાંતિ આત્માને પણ શાંતિ આપે છે’. ઘણા ઈમામોને બળજબરીથી ચીનના ધ્વજ અપાયા હતા.

પ્રવચનોમાં યુવાનોને અને બાળકોને મસ્જિદથી દૂર રહેવા કહેવાયું હતું. ઉલટું તેમને કહેવાયું હતું કે પ્રાર્થના આરોગ્ય માટે નુકસાનકારક છે. તેના બદલે નાચવું. મહિલા શિક્ષિકાઓને સૂચના અપાઈ હતી કે તેઓ બાળકોને મઝહબી તાલીમથી દૂર રાખશે.

ચીનમાં મુસ્લિમોને લાંબી દાઢી રાખવા પર કે બુરખા પહેરવા પર પણ મનાઈ છે. ત્યાં સદ્દામ હુસૈન કે ઓસામા બિન લાદેન જેવાં કટ્ટરવાદી અને ત્રાસવાદીઓનાં નામ પરથી નામ રાખી શકાતાં નથી.

ચીનમાં સામ્યવાદી સરકાર છે. ભારતમાં સામ્યવાદીઓ દલિતો અને મુસ્લિમોને પોતાની સાથે રાખવા પ્રયાસ કરે છે અને આથી મુસ્લિમોને કટ્ટરતા માટે અટકાવાતા નથી. ભારતમાં મસ્જિદો અને મદરેસાઓમાં જે કટ્ટર શિક્ષણ અપાય છે તેને રોકવા ઉત્તર પ્રદેશની યોગી સરકારે જે પ્રકારનાં પગલાં લીધાં છે તેવાં પગલાં તો અમદાવાદમાં દિવાળીની રાત્રે આઠથી દસ દરમિયાન જ ફટાકડા ફોડવા તેવો આદેશ આપતી ગુજરાતની વિજય રૂપાણીની ભાજપ સરકારે પણ નથી લીધાં. આજે પણ ભારતમાં નવરાત્રિમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મૂકાય છે, પરંતુ સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ છતાં વહેલી સવારથી લઈને રાત સુધી મસ્જિદો પરથી અઝાન બેસૂરા અવાજે બોલાય છે તેના પર પ્રતિબંધ મૂકાતો નથી. કોઈ સારા અવાજે ગાતું હોય તો ચોક્કસ ગમે, પરંતુ જો એક સાથે બધા અલગ-અલગ સૂરમાં આગળપાછળ ગાય તો તે ચોક્કસ ઘોંઘાટ લાગે. નજીકનજીક એક કરતાં વધુ મસ્જિદો હોય ત્યારે આવો જ ઘોંઘાટ સર્જાતો હોય છે.

ગુજરાતમાં અમદાવાદમાં વર્ષા ફ્લેટ હોય કે વારાહી ગામ, કટ્ટર મુસ્લિમોનો આતંક પ્રવર્તે છે અને તેમને સ્થાનિક ભાજપી રાજકારણીઓના આશીર્વાદ હોવાનું પણ કેટલાક કિસ્સામાં ચર્ચાતું રહ્યું છે. આ બાબત એટલા માટે ચિંતાજનક છે કે ગુજરાતના રાજકોટ અને ભાવનગરમાંથી         આઈએસઆઈએસના એજન્ટ વર્ષ ૨૦૧૭માં પકડાયા છે. ગુજરાત એ સરહદી રાજ્ય છે.

ગુજરાત કરતાં જોકે વધુ ચિંતાજનક સ્થિતિ કેરળ અને પશ્ચિમ બંગાળમાં છે. સેક્યુલર મિડિયાનું ફૉકસ ભાજપી રાજ્યો પર વધુ રહે છે અને એટલે જૂનાગઢમાં મતદાનના દિવસે અસામાજિક તત્ત્વો દ્વારા મારપીટની ચર્ચા જેટલી થઈ (તે પણ થવી જ જોઈએ પરંતુ સાથે) પશ્ચિમ બંગાળમાં એ જ દિવસે ૨૩ એપ્રિલે મુર્શિદાબાદમાં ક્રુડ બૉમ્બ ફેંકાયા તેની ચર્ચા થતી નથી. ત્રાસવાદી ઘટનાઓના કારણે જેના પર પ્રતિબંધ મૂકાયો હોય તે ‘સિમી’ના સ્થાપકો પૈકીના એક તૃણમૂલ કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદ તરીકે અહમદ હસન ઈમરાન પશ્ચિમ બંગાળમાંથી તૃણમૂલ કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદ હોય તેની ચર્ચા નથી થતી.

શ્રીલંકાના બૉમ્બધડાકાઓની વાત પર પાછા ફરીએ તો, આ ધડાકાઓ એ ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચમાં એક યુવાને મસ્જિદમાં કરેલા ગોળીબારની ઘટનાનો બદલો હોવાનું શ્રીલંકાના પ્રમુખે કહ્યું છે અને આ વાતમાં તથ્ય હોઈ શકે છે. આથી ચિંતાજનક પ્રશ્ન થાય છે કે વિશ્વમાં ફરીથી મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વચ્ચે જિહાદ અથવા તો ક્રુસેડ શરૂ થશે? અમેરિકાની સીએનએસ ન્યૂઝ વેબસાઇટ પ્રમાણે, પેરિસમાં ૧૨મીથી ૧૪મી સદી દરમિયાન બંધાયેલા ઐતિહાસિક ચર્ચ નૉટ્રે ડેમ કેથેડ્રલમાં આગ લાગી ત્યારે જિહાદી માનસિકતાવાળા મુસ્લિમોએ એ જ રીતે સૉશિયલ મિડિયા પર ઉજવણી કરી હતી જે રીતે ભારતના પુલવામામાં સીઆરપીએફ પર હુમલો થયો ત્યારે કેટલાકે ‘હાઉ ઇઝ ધ જૈશ’ કરીને ઉજવણી કરી હતી.

આ બધાના કારણે સ્વાભાવિક પ્રતિક્રિયા આવવાની જ. આગ લાગવા જેવી દુર્ઘટનાની આ રીતે ઉજવણી થતી હોય તો તે કોઈ રીતે સાંખી શકાય તેમ નથી. આની સામે ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચ પછી વિશ્વ ભરની મસ્જિદો બહાર ખ્રિસ્તી પંથ સહિતના લોકોએ લાઇનો લગાડી ફૂલો અર્પીને “અમે તમને પ્રેમ કરીએ છીએ’ તેવા સંદેશાઓ આપ્યા હતા. શ્રીલંકામાં ઇસ્ટરના દિવસે ચર્ચો પર હુમલા બાદ વિશ્વ ભરના મુસ્લિમોએ ચર્ચ બહાર લાઇન લગાડી આવા સંદેશા આપ્યા હોય તેવું ક્યાંય જાણવા નથી મળ્યું.

આ સમગ્ર વિશ્વ માટે તો ચિંતાનો વિષય છે જ પરંતુ શાંતિપ્રિય અને રાષ્ટ્રવાદી મુસ્લિમો માટે પણ ચિંતાકારક છે કારણકે ઇસ્લામિક ત્રાસવાદનાં અનેક સંગઠનો છે. તેઓ સંગઠિત થઈને યોજનાઓ બનાવી હુમલાઓ કરે છે. આની સામે ક્રાઇસ્ટ ચર્ચની ઘટના બતાવે છે કે આ એક પ્રતિક્રિયા રૂપે એકલદોકલ ખ્રિસ્તી યુવકનું કૃત્ય હતું. જ્યારે સંગઠિત થઈને કટ્ટર ખ્રિસ્તીઓ દ્વારા આવાં કૃત્યો થવાં લાગશે ત્યારે શું મુસ્લિમો સુરક્ષિત રહી શકશે? આથી જ શાંતિપ્રિય મુસ્લિમોએ જ હવે કટ્ટર મુસ્લિમો સામે તાકાતથી ખુલીને બહાર આવીને તેમને ઉઘાડા પાડવાની જરૂર છે.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.